અખો : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/કૃતિ-પરિચય
આ શ્રેણી વિશે
અંગ્રેજીમાં જુદા જુદા સર્જકો વિશે નાની પુસ્તિકાઓની એક કરતાં વધુ શ્રેણી સુલભ હોય છે. ત્રણચાર ફરમાના આવા લઘુગ્રંથ (મૉનોગ્રાફ)માં તે તે સર્જકપ્રતિભા વિશે જાણવા જેવી બધી વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતી સાહિત્યના મહત્ત્વના સર્જકો-વિવેચકો અને ચિંતંકોને આ શ્રેણીમાં આવરી લેવાનો ખ્યાલ છે. તેમાં મધ્યકાળના તથા અર્વાચીન સમયમાં દલપત – નર્મદ યુગથી આરંભી ગાંધીયુગ અને અનુ-ગાંધીયુગ સુધીના ગણનાપાત્ર બધા લેખકોનો સમાવેશ કરવા ધાર્યો છે. કાંઈક અંશે ઐતિહાસિક સમયક્રમ જાળવીને પુસ્તિકાઓ આપી શકાય તે તો દેખીતું જ ઘણું ઇષ્ટ છે. પરંતુ આ પ્રકારની યોજનાઓમાં સર્વત્ર જે અનિવાર્ય મુશ્કેલીઓ હોય છે તેને કારણે પુસ્તિકાઓ જેમ જેમ તૈયાર થશે તેમ તેમ પ્રકાશિત કરવાની રહેશે. તેમ છતાં પુસ્તિકાઓના પ્રકાશનમાં જુદા જુદા યુગોનું પ્રતિનિધિત્વ જળવાતું રહે તે પણ યથાશક્ય જોવાશે. પુસ્તિકાઓમાં વિષય-નિરૂપણના મુખ્ય દૃષ્ટિકોણ નીચે પ્રમાણે રહેશે.
- ગુજરાતી સારસ્વતોના જીવનનો ટૂંકમાં પરિચય.
- એમની કૃતિઓનો વિવેચનાત્મક ખ્યાલ.
- એમના સાહિત્યનું મૂલ્યાંકન.
- એમના વિશેના અભ્યાસીઓના અભિપ્રાયોની સમીક્ષા.
- આપણા સાહિત્યમાં એમનું સ્થાન.
- વિગતવાર સંદર્ભ સૂચિ.