કનૈયાલાલ મુનશી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સર્જક અને સર્જકકલ્પ કૃતિઓ

From Ekatra Wiki
Revision as of 03:48, 25 October 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

સર્જક અને સર્જક કલ્પ કૃતિઓ


નવલકથાઓ

મુનશીએ બે પ્રકારની નવલકથાઓ લખી છે :

(૧) સામાજિક નવલકથાઓ :

૧. વેરની વસૂલાત (૧૯૧૩), ૨. કોનો વાંક? (૧૯૧૫), ૩. સ્વપ્નદ્રષ્ટા (૧૯૨૪), ૪. સ્નેહસંભ્રમ (૧૯૩૧), ૫. તપસ્વિની, ભાગ ૧ અને ૨ (૧૯૫૭), ભાગ ૩ (૧૯૫૮).

(૨) ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓઃ

૧. પાટણની પ્રભુતા (૧૯૧૬), ૨. ગુજરાતનો નાથ (૧૯૧૮), ૩. રાજાધિરાજ (૧૯૨૨), ૪. પૃથિવીવલ્લભ (૧૯૨૦), ૫. ભગવાન કૌટિલ્ય (૧૯૨૪), ૬. લોપામુદ્રા, ભાગ ૧ (વિશ્વરથ ૧૯૩૩), ૭. જય સોમનાથ (૧૯૪૦), ૮. લોમહર્ષિણી (૧૯૪૫) ૯. ભગવાન પરશુરામ (૧૯૪૬), ૧૦. ભગ્ન પાદુકા (૧૯૫૫), ૧૧. કૃષ્ણાવતાર, સાત ખંડ. (૧૯૬૩-૧૯૭૪).

સામાજિક નવલકથાઓ

વેરની વસૂલાત

‘વેરની વસૂલાત’ મુનશીની પહેલી નવલકથા છે. એ નવલકથા મુંબઈના ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં ૧૯૧૩ના ઑગસ્ટથી ૧૯૧૫ના જુલાઈ સુધી, કકડે કકડે છપાઈ હતી. લેખક તરીકે મુનશીનું પોતાનું નહિ પણ ‘ઘનશ્યામ વ્યાસ’નું નામ આપવામાં આવ્યું હતું. કથાનો નાયક જગતકિશોર અત્યંત ગરીબ છે. તેના પિતા મૃત્યુ પામ્યા છે એટલે રત્નગઢ નામના એક નાનકડા દેશી રાજ્યના અમલદાર રઘુભાઈ જગતને અને તેની માતા ગુણવંતીને પોતાને ત્યાં આશ્રય આપે છે. એક દિવસ રઘુભાઈ ગુણવંતી પ્રત્યે નજર બગાડે છે. એટલે ગુણવંતી જગતને લઈને સુરત ચાલી જાય છે. રઘુભાઈને રાજ્યની નોકરીમાંથી રુખસદ મળતાં તે પણ સુરત જાય છે; સુરતમાં પણ ગુણવંતીને જંપીને રહેવા નથી દેતો; ને તેના છેલ્લા દિવસો ઝેર કરે છે. જગત રત્નગઢ હતો ત્યારે એના પાડોશી હરિલાલની પુત્રી તનમન સાથે પરિચયમાં આવે છે. પરિચય ઘનિષ્ઠ થાય છે, અને બંને પરણવાની પ્રતિજ્ઞા લે છે. ત્યાં હરિલાલની બદલી થતાં જગત અને તનમન છૂટાં પડે છે, તે પાછાં એકાએક ને અણધાર્યાં ડુમસમાં ભેગાં થઈ જાય છે. જગત અને તનમન બંને યુવાન થઈ ગયાં છે. જૂની મૈત્રી તાજી થતાં, જૂની પ્રતિજ્ઞા યાદ આવે છે. જગતની રજાઓ પૂરી થતાં એ ડુમસ છોડતો હોય છે ત્યારે એ બન્ને ચુંબન કરતાં હોય છે તે તનમનની સાવકી માતા ગુલાબ જોઈ જાય છે. ખાસ કરીને તો, જગત પરનાતનો છે તે કારણથી ગુલાબ તનમનને તેની સાથે પરણવા નથી દેતી ને તેને કરમદાસ નામના વૃદ્ધ ધનિક સાથે પરાણે પરણાવી દે છે. ભગ્નહૃદય તનમન થોડા સમયમાં મૃત્યુ પામે છે. રઘુભાઈએ ગુણવંતીનું મૃત્યુ બગાડ્યું એટલે જગતે તેનું વેર લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ને તનમનનું મૃત્યુ થતાં સમાજ પ્રત્યે તેને તિરસ્કાર આવે છે. રઘુભાઈ પર વેર વાળવા માટે શરૂઆતમાં જગત રઘુભાઈની પુત્રી રમાના હૃદય સાથે રમત શરૂ કરે છે ને પેલીને ટળવળાવે ને તરફડાવે છે. પણ, પછી અનંતાનંદ નામના તેના ગુરુના સંપર્કથી તેનું દૃષ્ટિપરિવર્તન થતાં, એ રમા સાથે લગ્ન કરીને, રઘુભાઈ સાથેના વેરનો અંત લાવે છે. કથાના આ મુખ્ય બિંદુની આસપાસ અનંતાનંદનું અનંતમંડળ, રત્નગઢની રાજ્યખટપટો, જાસૂસી, ખૂન, ભેદભરમ વગરેની વાતો ગૂંથાઈ છે. આ વાર્તા ‘ગુજરાતી’માં છપાતી હતી ત્યારે અને ૧૯૧૯માં પુસ્તક રૂપે બહાર પડી ત્યારે વાચકોને અને કેટલાક વિદ્વાનોને ઘણી ગમી હતી. પણ કેટલાંક વર્ષ બાદ વાચકોની અને વિવેચકોની નવી પેઢી ઉદય પામી ત્યારે એની મર્યાદાઓ પણ તેના ધ્યાનમાં આવવા લાગી. એની વસ્તુસંકલનાની ત્રુટિઓ પર પણ વિવેચકોની નજર ગઈ. મુનશીના પોતાના Gujarat And Its Literatureમાં મુનશી પરનું પ્રકરણ લખનાર ડૉ. એરચ જહાંગીર તારાપોરવાળા લખે છે : It is clearly a first attempt. There are many faults in the structure of the plot, in the denouement, in the style and in the language of the work.[1] ‘ગ્રંથ’ના કનૈયાલાલ મુનશી વિશેષાંકમાં શ્રી કનુભાઈ જાનીએ આ વાર્તાની વસ્તુસંકલનાને ઝીણવટથી તપાસીને એના મુખ્ય મુખ્ય દોષો પ્રતીતિકર રીતે બતાવ્યા છે. આ વાર્તા પર, આપણા કેટલાક સમર્થ વિવેચકોએ સદૃષ્ટાન્ત બતાવ્યું છે પ્રમાણે, ફ્રેન્ચ નવલકથાકાર એલેકઝાંડર ડ્યૂમાની અસર તો છે જ. પણ ‘સરસ્વતીચંદ્ર’ની અસર પણ ઓછી નથી. ‘સરસ્વતીચંદ્ર’માં પ્રણયકથાની સાથોસાથ દેશી રજવાડાંની ખટપટોને ગૂંથવામાં આવી છે : ‘વેરની વસૂલાત’માં પણ એમ જ કરવામાં આવ્યું છે. ‘સરસ્વતીચંદ્ર’માં સરસ્વતીચંદ્રની કુમુદ પ્રત્યેની પ્રીતિ સફળ થતી નથી : ‘વેરની વસૂલાત’માં પણ, ભલે, જુદાં કારણથી પણ, જગતકિશોરની તનમન પ્રત્યેની પ્રીતિ સફળ થતી નથી. ‘સરસ્વતીચંદ્ર’માં સરસ્વતીચંદ્ર કુમુદની બહેન કુસુમને પણ છે : ‘વેરની વસૂલાત’માં જગત તનમન જેના ખોળામાં માથું મૂકીને મૃત્યુ પામે છે તે, તેની બહેન જેવી રમાની સાથે લગ્ન કરે છે. ‘સરસ્વતીચંદ્ર’માં વિષ્ણુદાસ બાવા અને કલ્યાણગ્રામની યોજના છે : ‘વેરની વસૂલાત’માં અનંતાનંદ અને વારત છે. ‘સરસ્વતીચંદ્ર’ની કુમુદના ‘વેરની વસૂલાત’ની રમામાં, કુસુમના તનમનમાં, ગુણસુંદરીના ગુણવંતીમાં, ગુમાનના ગુલાબમાં, ભલે આછાપાંખા પણ અણસારા વરતાયા વિના નથી રહેતા. ‘વેરની વસૂલાત’ મુનશીની પહેલી નવલકથા છે. અને એમાં નવલકથાનો જે ઢાળો ઘડાયો છે તેમાં જ મુનશીની બીજી નવલકથાઓ ઢળાતી આવે છે. સમાજની પરાપૂર્વથી ચાલી આવતી જડ અને નિષ્પ્રાણ રૂઢિઓની સામે માથું ઊંચકવાને મથતી (પણ વાસ્તવમાં તો, અંતે તેનો કશો પણ નોંધપાત્ર પ્રતીકાર કર્યા વિના લાચારીથી તેને વશ થઈ જતી) તેજસ્વી ને ગર્વિષ્ઠ નાયિકા, પ્રણયવૈફલ્યથી ભગ્નહૃદય થયેલો, પણ પુરુષાર્થી અને કુનેહબાજ નાયક, પ્રભાવની મૂર્તિ જેવો સર્વજ્ઞ અને સર્વશક્તિમાન કોઈ સ્વપ્નસેવી મહામાનવ—આ ત્રણની આસપાસ ‘વેરની વસૂલાતનું અને ત્યાર બાદ લખાયેલી મુનશીની ઘણી સામાજિક જ નહિ, ઐતિહાસિક નવલકથાઓનું પણ કલેવર કેટલાક અંશે ઘડાયું છે. ‘વેરની વસૂલાત’નું અંગ્રેજી ભાષાંતર Vengeance is Mine ૧૯૨૨માં ‘કલકત્તા રિવ્યૂ’માં ક્રમશઃ પ્રકટ થયું હતું.

કોનો વાંક?

મુનશી કહે છે તે પ્રમાણે તેમણે આ નવલકથા ૧૯૧૫માં ‘હિંદુસ્થાન અને પ્રજામિત્ર’માં છપાવવાનું શરૂ કર્યું. નવલકથા છપાઈ રહી ત્યાર બાદ તેમણે ફેરફાર અને સુધારાવધારા સાથે તેના થોડા હપતા ‘વીસમી સદી’માં તે ‘ચેતન’માં છપાવ્યા. પુસ્તકાકારે એ પ્રકટ થઈ છેક ૧૯૨૪માં. નવલકથાની નાયિકા મણિ બાલવિધવા છે. તે ગંભીરલાલ નામના એક સમાજમાં આબરૂદાર ગણાતા માણસની લંપટતાનો ભોગ બને છે. ને પોતાનું કલંક છુપાવવા અને પોતાના સંતાનની રક્ષા કરવા એક નાનકડા ગામડામાં જઈ વસે છે. ત્યાં પણ સમાજ એને જંપવા દેતો નથી ને તેને સમાજમાં ભગત તરીકે પૂજાતા ને સુધારક તરીકે પંકાતા માણસોનો કડવો અનુભવ થાય છે. એટલે એ મુંબઈ જાય છે. ત્યાં તુંગભદ્રાને ત્યાં એ માત્ર ગાવાનું જ કામ કરવાની શરતે આશ્રય મેળવે છે. પણ તુંગભદ્રા એને શેઠ ચંદુલાલ સાથે દેહસંબંધ જોડવા માટે દબાણ કરે છે ને પૂરી દે છે. ત્યારે એ બારીમાંથી કૂદકો મારીને મુચકુંદની અગાશીમાં પડે છે. મુચકુંદ વિદ્યાર્થી છે, સજ્જન છે. એ મણિને પોતાને ત્યાં આશરો આપે છે. પણ કોઈ હેતના કટકાથી આ દીઠું જતું નથી. એ મુચકુંદના પિતાને પત્ર લખીને આ સમાચાર જણાવે છે. મુચકુંદનો પિતા મુંબઈ આવે છે, પુત્રને તેડી જાય છે ને એક આંખે કાણી ને કદરૂપી, વાગ્દત્તા કાશી સાથે એને પરણાવી દે છે. કાશીને લઈને મુચકુંદ મુંબઈ પાછો આવે છે. મણિ જો એને નથી ભૂલી તો એ પણ મણિને ભૂલ્યો નથી જ. ઈર્ષ્યાથી બળતી કાશી મણિને ઘેર જઈ એને ધમકાવી આવે છે. મુચકુંદ કાશી પાસે ગરીબ ગામ જેવો બની ગયો છે. એ માંદો પડે છે ત્યારે પણ કાશી તો એનું લોહી જ પીધાં કરે છે. મણિથી આ સહન નથી થતું. ને એની પોતાની દીકરી સુરેખા માંદી હોવા છતાં, એ તેની ઉપેક્ષા કરી મુચકુંદની ચાકરી કરે છે, ને તુંગભદ્રા પાસેથી બસો રૂપિયા ઉછીના લાવી મુચકુંદની દવાદારૂ કરે છે. મુચકુંદ સાજો થાય છે. સુરેખા મરણ પામે છે. થોડા સમય બાદ કાશી પણ ગુજરી જાય છે ને મુચકુંદ અને મણિ લગ્નગ્રંથિથી જોડાય છે. આ નવલકથામાં પણ વસ્તુસંકલના ઘણી શિથિલ છે. અસંભવિતતા અને અસંગતિઓ અનેક છે. ઉપરાંત ડૉ. તારાપોરવાળા કહે છે તે પ્રમાણે તેમાં વિનોદની સાદ્યંત ખોટ છે. ‘વેરની વસૂલાત’માં છે તેમ અહીં પણ એ જમાનાના એક પ્રધાન પ્રશ્ન સ્ત્રીજાતિની અવદશાનું ઘેરું ચિત્ર આલેખવામાં આવ્યું છે. પણ ‘વેરની વસૂલાત’માં મુનશી જગતને પરનાતની તનમન સાથે કે વિધર્મી શીરીન સાથે પરણાવી શક્યા નહોતા. ‘વેરની વસૂલાત’ બાદ બે વરસે લખાયેલી આ નવલકથામાં તેઓ મુચકુંદને વિધવા સાથે પરણાવી શકે છે. મુનશીની એક પ્રિય માન્યતા એ છે કે બે અડધિયાં મળે ત્યારે જ સાચું જીવનસાફલ્ય સિદ્ધ થાય, તેને માટે લગ્નબંધન કે લગ્નવિધિ અનિવાર્ય નથી. એ માન્યતા વ્યક્ત કરતાં ‘વેરની વસૂલાત’માં અનંતાનંદ શીરીનને કહે છેઃ ‘પરણ્યા વગર ભાગિયા નથી થવાતું? સાથે રહી, ઘરસંસાર માંડ્યો તેથી માનસિક સહજીવન ન બની શકે?... સિદ્ધનાથ જોડે વધારે વખત રહો. સ્ત્રી થઈ શું કામ છે? સહચરી બનો; છ મહિનામાં દેવી થઈ જશો.’ અહીં પણ એ જ માન્યતા મુચકુંદ અને મણિ વચ્ચે જે સંવાદ થાય છે તેમાં સ્પષ્ટ થાય છે : મુચકુંદ : હું તો વિશ્વના મહાઆકર્ષણની વાત કરું છું, પ્રેમના ગૂઢ માહાત્મ્યને સ્પષ્ટ કરવા મથું છું. મણિ : પરિણામ જુઓને! કાશીને દુઃખી કરીને આપણે મોજ કરવી, એ જ કે? મુચકુંદ : ના. બે સંસ્કારી જીવનનું સાફલ્ય સિદ્ધ કરી, ભવિષ્યનું જીવન વિકસાવવું તે. ‘કોનોવાંક?’ પરથી ફિલ્મ પણ ઊતરી હતી.

સ્વપ્નદ્રષ્ટા

‘સ્વપ્નદ્રષ્ટા’ આગલી બન્ને નવલકથાઓ કરતાં જુદી પડે છે. આગલી નવલકથાઓમાં ૫શ્ચાદ્‌ભૂ સામાજિક-સ્ત્રીવર્ગની દુર્દશા અને પરસ્પર દુર્દમ આકર્ષણ અનુભવી રહેલાં યુવાન અને યુવતીનાં હૈયાને નડતા અંધ અને નિષ્ઠુર સામાજિક વિધિનિષેધો—હતી : આ નવલકથામાં પશ્ચાદ્‌ભૂ રાજકીય –ભારતને વિદેશી સત્તાના દાસત્વમાંથી મુક્ત કરવાની ઝંખના—છે. આગલી નવલકથાઓમાં વાર્તા જેવી હોય તેવી પણ રચાતી હતી નાયકના તેટલા જ નાયિકાના પણ જીવનની આસપાસ. આ નવલકથામાં વાર્તા જે છે તે પણ રચાય છે એકલા નાયકના જીવનની આસપાસ, આગલી નવલકથાઓના નાયકો ભાગ્યના અનેક સદસદ્‌ વિપર્યયો સહન કરતાં કરતાં પણ અન્તે અનુભવતા હોય છે પોતપોતાના સ્વપ્નની કંઈક સંતોષ લઈ શકાય તેવી સિદ્ધિ : આ નવલકથામાં નાયક અનુભવતો હોય છે નર્યો સ્વપ્નભંગ, આગલી નવલકથાઓના નાયકો હતા મુનશીની આછીઘેરી પ્રતિકૃતિ; આ નવલકથાનો નાયક છે મહદંશે મુનશી પોતે જ. આગલી નવલકથાઓમાંની પશ્ચાદ્‌ભૂ જેટલે અંશે નવલકથાનું અંતરંગ નહોતી બની શકી તેટલે અંશે આ નવલકથાની પશ્ચાદ્‌ભૂ તેનું અંતરંગ બની શકી છે. કથાનો નાયક સુદર્શન ઓગણીસેક વર્ષનો ભાવનાશાળી યુવાન છે. તે વડોદરા કૉલેજમાં સિનિયર બી.એ.માં ભણે છે. લૉર્ડ કર્ઝને ૧૯૦૫માં બંગાલના ભાગલા પાડ્યા ત્યાર પછી જે સ્વદેશી હિલચાલ શરૂ થઈ ને ભારતીય રાષ્ટ્રીયતા જન્મી તેની અસર માત્ર બંગાલ પૂરતી જ સીમિત ન રહી પણ આખા દેશમાં પ્રસરી. વડોદરા કૉલેજના વિદ્યાર્થીઓ એના પ્રભાવ તળે કંઈકે સવિશેષ આવ્યા હશે, કારણ કે પોતાની વિદ્વત્તાથી વિદ્યાર્થીઓના પૂજ્ય અને પ્રિય બની ગયેલા પ્રોફેસર અરવિંદ ઘોષ, આ જાગૃતિને પરિણામે, વડોદરા રાજ્યની નોકરીમાંથી રાજીનામું આપી કલકત્તા દેશસેવાના કાર્યમાં જોડાવા જઈ રહ્યા હતા. સુદર્શન અને તેના મિત્રો ‘દેશભક્તિના ઉત્સાહથી ઘેલા’ થાય છે. દેશને સ્વતંત્ર કરવા માટે એક મંડળ કાઢે છે. દરેકેદરેક સભ્ય એક વર્ષ પૂરેપૂરો વિચાર કરીને પોતાની યોજના તૈયાર કરે ને એક વર્ષ પછી ૧૯૦૮ના જાન્યુઆરીની ૩૧મી તારીખે વડોદરામાં ફરીથી મળે એવો નિર્ણય કરી, બધા છૂટા પડે છે. વર્ષ દરમ્યાન, ૧૯૦૭માં સુરતમાં ઇન્ડિયન નૅશનલ કૉંગેસ મળે છે તેમાં જહાલો અને મવાળો વચ્ચે સમાધાન થતું અટકાવવાને સુદર્શનનો અને તેના મિત્રો એક કાવતરું કરે છે ને કાવતરું સફળ પણ થાય છે. સુદર્શનનો એક મિત્ર નારણ પટેલ સર ફિરોઝશાહ મહેતા પર એક દક્ષિણી જોડો ફેંકે છે. કૉંગ્રેસ તૂટે છે. વરસ દરમ્યાન કોણ જાણે શુંયે બને છે કે સુદર્શનનો એક મિત્ર ગિરજા શુક્લ ગાંડો થઈ જાય છે ને તેના સિવાયના એકેએક મિત્રનો રાજકારણમાંથી રસ ઊડી જાય છે. તેથી હતાશ થયેલો સુદર્શન બૅરિસ્ટર થવા વિલાયત જાય છે. ત્રણ વર્ષે પાછો આવે છે. પોતાના મિત્રોની તપાસ કરે છે. બધા મિત્રોની સ્વપ્નશીલતા અને ભાવનાપરાયણતા ઝાકળની માફક ઊડી ગઈ છે, ને સંસારે સૌને પાધરાદોર કરી નાખ્યા છે. સુદર્શન પણ ડાહ્યોડમરો થઈ સંસારની ઘરેડમાં ગોઠવાઈ જવા તૈયાર થાય છે. આ નવલકથામાં નવયૌવનને સ્પર્શે જીવનમાં જાગતી સ્વપ્નશીલતાની અને ભાવનાપરાયણતાની હાંસી ઉડાવવામાં આવી છે—માત્ર નવલકથાને અ તે સૌને પોતપોતાના રીતે જીવન સાથે સમાધાન કરીને ગોઠવાઈ જતા બતાવીને જ નહિ. પણ કૉલેજમાં સૌ મિત્રો બંગભંગને પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિમાં પોતે માતૃભૂમિની મુક્તિ માટે શું કરી શકે તેની ચર્ચા કરતા હોય છે ત્યારે પણ એમના વિચાર અને વાતોનું હાંસીપાત્ર આલેખન કરીને. સુદર્શન અને વડોદરા કૉલેજમાંના એના મિત્રો જ નહિ, પણ ગમન, કેકી વગેરે મુંબઈના કૉલેજિયનોમાંથી પણ મુનશીને એવો કોઈ યુવાન મળ્યો નથી, જે સ્વસ્થ અને સમધારણ, બુદ્ધિપૂર્વક વિચાર કરી શકે તેવો, ગંભીર ને સમજુ હોય. મુનશીને યુવાનો કાં તો વેદિયા, વેવલા, ધૂની, તરંગી ને ઊર્મિલ લાગ્યા છે ને કાં તો આછકલા, અગંભીર, છોકરીઓ પાછળ લટ્ટુ બનનારા, જવાબદારીથી નાસનારા ને સામાજિક રૂઢિઓ પાસે લાચાર થઈને બેસી રહેનારા જ લાગ્યા છે. મુનશીએ આ નવલકથા ૧૯૨૪માં લખી. એ વખતે ગાંધીજી ભારતમાં આવી ગયા હતા અને કૉંગ્ર્રેસ પર તેમનું અને લોકો પર કૉંગ્રેસનું વર્ચસ્‌ સ્થપાઈ ગયું હતું. મુનશીને ગાંધીજીની કાર્યશૈલી રુચતી નહોતી, તે આપણે જોઈ ગયા છીએ. ‘સ્વપ્નદ્રષ્ટા’—જે ૧૯૦૭ની કૉંગ્રેસની વાત કરે છે તે—માં પણ મુનશીથી લખી જવાય છે : “– ને – ને તેમનામાં, આખા દેશમાં, દેશના અગ્રગણ્ય મહાત્માઓમાં વ્યવસ્થા વૃત્તિનો છાંટો નહોતો.”[2] એટલે મુનશીએ સૂરત કૉંગ્રેસનું જે વર્ણન કર્યું છે તે વધારે તો ગાંધીજીના આગમન પછીના કોઈ કૉંગ્રેસ અધિવેશનનું હોય તેવું લાગે છે. ફિરોઝશાહનું રાજકારણ મુનશીને રુચતું નથી એ વાત ખરી, પણ ગાંધીજીનું રાજકારણ તો રાજકારણ જ નથી લાગતું. અને જે દેશમાં આવા રાજકારણની બોલબાલા હોય તે દેશનું ભાવિ શું? આવું કંઈક કદાચ લાગવાને લીધે મુનશી આ દેશના જુવાનોને ઉપહાસ કરે છે, પ્રમોદરાય અને નામદાર સર જગમોહનલાલમાં પણ ઉપહાસ કરવા જેવું કંઈ ને કંઈ શોધી કાઢે છે; ને પ્રો. કાપડિયા, જેમના જ્ઞાન, વિદ્વત્તા, રાજકીય દૃષ્ટિ અને સૂઝમાં જેની ઠેકડી ઉડાવી શકાય તેવું કંઈ મુનશી લાવી શક્યા નથી તેમના કદરૂપા શરીરનો ને એમની પુત્રી જેવડી સુલોચના પાછળ ભમતા એમના કદરૂપા મનનો મુનશી ઉપહાસ કરે છે. આ દેશના વિદ્વાનો, વેપારીઓ, સરકારી નોકરો, નવયુવાન વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓ : ક્યાંય મુનશીને નજર ઠારવાનું ઠામ જડતું નથી. આ નવલકથાનાં પાત્રો ઉપહસનીય રીતે ન વર્તાતાં હોય ત્યારે ઊર્મિલ રીતે વર્તતાં હોય છે. ભગ્નહૃદય સુદર્શનને તો મુનશીએ વારંવાર રડતો આલેખ્યો જ છે; પણ અરવિંદ ઘોષને પણ ધ્રુસકું ખવડાવ્યું છે.[3] એક તરફથી મુનશીએ પોતાના માનસપુત્ર–માનસપુત્ર નહિ, alter ego—જેવા સુદર્શનને સુરત કૉંગ્રેસ તોડી પાડવામાં અગ્રભાગ લેતો બતાવ્યો છે[4] તો બીજી તરફથી “શિવલાલની ઉસ્તાદીથી નેતાઓ સમાધાન ન કરી શક્યા. નારણભાઈને ખાસડે દસ હજારની સભા વીખરાઈ ગઈ.”[5] તેના પરથી “આપણા નેતામાં ને લોકોમાં કંઈ એવું છે કે આટલા—દસ હજારને તો શું પણ બે હજારના એક સમૂહને વ્યક્તિત્વ આપી શકતા નથી”[6] તે જોઈને નિરાશ અને નિષ્ક્રિય બની જતો પણ આલેખ્યો છે. ને સુરત કૉંગ્રેસ પડી ભાંગી ત્યારથી દેશમાં ધીરગંભીર મુત્સદ્દીપણું, પ્રસંગપ્રેમી ઉસ્તાદી, ને રાષ્ટ્રવિધાયકની દૃષ્ટિ પરવારી ગયાં”[7] અને “તોફાની જનસમૂહ એ the nation અને the nation એ જ the only power’[8] દર્શન શ્રી અરવિંદ ઘોષ પાસે કરાવે છે. કૉંગ્રેસ તોડવાની આખી યોજના બાલિશ છે. સુદર્શન અને તેના મિત્રોમાંનું કોઈ—એક કેરશાસ્પને બાદ કરીએ તો—સુરતનું નથી. કોઈએ સક્રિય રાજકારણમાં કદી ભાગ લીધો નથી. છતાં તેઓ તિલક, ગોખલે, લાલા લજપતરાય, ફિરોઝશાહ મહેતા જેવા વરિષ્ઠ નેતાઓની ખિદમતમાં સ્વયંસેવક તરીકે ગોઠવાઈ જાય, નેતાઓ એકબીજાને જે સંદેશા મોકલે તે જો પોતાને પહોંચાડવા જેવા લાગે તો જ પહોંચાડે; નહિ તો આંધળે બહેરું કુટાવા દે, કયો સંદેશો પહોંચાડવા જેવો છે અને કયો નહિ તે પણ આ નવયુવાન કૉલેજિયનો પોતે પોતાની મેળે નક્કી કરે ને તેને પહોંચાડવા જેવો લાગે તો જ પહોંચાડે; લાલા લજપતરાયને જૂઠું બોલીને પંજાબી ડેલિગેટોના કૅમ્પમાં લઈ ગયા અને સમાધાનની વાતોમાં ભાગ લેતા અટકાવ્યા તેમ અટકાવે ખરાં? મુનશી અહીં દેશનો ઇતિહાસ તિલક, અરવિંદ, ફિરોઝશાહ જેવા નેતાઓ પાસે નહિ, પણ અઢાર-અઢાર વીસ-વીસ વર્ષની કાચી ઉંમરના, બિનઅનુભવી, ધૂની ને તરંગી પાંચસાત છોકરાઓ પાસે ઘડાવે છે. કૉંગ્રેસ તોડવામાં કોઈ રાજકીય નેતાને રસ હોય ને તેણે આ છોકરાઓને પોતાના હાથા બનાવી લીધા હોય તો તે હજી કંઈકે સમજાય તેવું કહેવાય. અહીં તો છોકરાઓ પોતે જ, જહાલ અને મવાળ વચ્ચે સમાધાન થતું અટકાવવાનો નિર્ણય કરે છે અને તિલક, ગોખલે, ફિરોઝશાહ, અરવિંદ જેવા નેતાઓને પોતાના હાથા બનાવે છે. ‘સ્વપ્નદ્રષ્ટા’ પહેલાં મુનશીની પ્રસિદ્ધ ઐતિહાસિક નવલત્રયી લખાઈ ગઈ હતી. છતાં ભાષાની દૃષ્ટિએ ‘સ્વપ્નદ્રષ્ટા’માં સ્થળે સ્થળે કચાશ રહી ગઈ દેખાય છે. પાત્રોનાં નામ વિશે પણ મુનશીને સરત રહેતી નથી. અહીં ‘ગમન’ નામનાં બે પાત્રો છે : એક છોકરી (પૃ. ૧૦૪), એક છોકરો (પૃ. ૧૯૧). જગમોહનલાલનાં પત્ની શરૂઆતમાં ‘જમનાબહેન’ (પૃ. ૨૧) હોય છે. પછી ‘ગૌરીબહેન’ (પૃ. ૩૩) થઈ જાય છે. અને અંતે ‘જમનાકાકી ઉર્ફે ગૌરીબહેન’ (પૃ. ૩૬૪) થઈ જાય છે. પ્રમોદરાયનાં પત્ની શરૂઆતમાં ‘ગંગાભાભી’ (પૃ. ૭૮) હોય છે : પાછળથી ‘જમનાભાભી’ (પૃ. ૩૬૪-૩૬૫) થઈ જાય છે.

સ્નેહસંભ્રમ

નવલકથાનો નાયક પ્રીતમ એક પ્રોફેસર છે. એ પરિણીત છે. એની સદામાંદી ને વહેમના ઝાડ જેવી પત્ની ધનકોર ઉપરાંત બીજી ત્રણ સ્ત્રીઓ એક વિધવા જસકોર, એક કુમારિકા મોહિની અને એક પરકીયા, સૌભાગ્યવતી વસુમતી પ્રોફેસર પ્રીતમને જીતીને પોતાનો બનાવવા મથી રહી છે, જેમ ‘કોનો વાંક?’માં મુચકુંદની પત્ની કાશી મણિને ત્યાં જઈને તેને ધમકાવી આવે છે તેમ અહીં પ્રીતમની પત્ની ધનકોર વસુમતીને ત્યાં જઈ એની સાથે ઝઘડો કરી આવે છે. વસુમતીનો પતિ જોરાવરસિંહ પ્રીતમ પાસે માફી મગાવવાનો પ્રયત્ન કરવા જાય છે. પણ એનામાં ઝાઝી બોણી ન હોવાથી એ ઊલટો ફજેત થાય છે, ને વસુમતી આવા નમાલા પતિને છોડીને પ્રીતમ સાથે નાસી જવાનું ગોઠવે છે. પ્રીતમ ટૅક્સી લેવા જાય છે એ દરમ્યાન જોરાવરસિંહ ત્યાં આવી ચડે છે. જોરાવરસિંહ નબળો ને નમાલો છે એ વાત ખરી, પણ લુચ્ચો ઓછો નથી, એટલે એ વસુમતી પાસે એને માટેની પોતાની લાગણીનું એવી રીતે પ્રદર્શન કરે છે કે વસુમતીનું મન બદલાઈ જાય છે ને જોરાવરસિંહ સાથે એ પૂણે જવા ઊપડી જાય છે. પ્રીતમ ટૅક્સી લઈને આવે છે ત્યારે જુએ છે તો વસુમતી ચાલી ગઈ છે ને મોહિની, ધનકોર વગેરે આવી પહોંચ્યાં છે. પ્રીતમની ભોંઠપનો પાર રહેતો નથી ને એનાથી બોલી જવાય છે “હું ગધેડો છું. હવે મને માફ કરો.” આ નવલકથામાં હાસ્ય અને વિનોદ પાને પાને ભર્યાં છે. કથાવસ્તુ તાલમેલિયું અને પાત્રનિરૂપણ અમર્યાદ અતિશયોક્તિભર્યું છે, મૂર્ખ અને માંડી વાળેલ જેવો લાગતો જોરાવરસિંહ એકાએક ને અણધાર્યો ગણતરીબાજ ને અભિનયપટુ વક્તા બની જાય છે. વસુમતી જેવી નારીનું મન ઘડીના છઠ્ઠા ભાગમાં બદલાઈ જાય છે.

તપસ્વિની

‘તપસ્વિની’ ત્રણ ભાગની નવલકથા છે. મુનશી પોતે કહે છે તે પ્રમાણે તેમની નેમ “ગુજરાતી જીવનના ૧૯૨૦થી ૧૯૩૭ સુધીના સામાજિક તેમ જ રાજકીય પ્રવાહોને પ્રતિબિમ્બિત” કરવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો ૧૯૨૦માં નાગપુર કૉંગ્રેસમાં ગાંધીજીનું વર્ચસ્‌ કૉંગ્રેસ પર સ્થપાયું ને મુનશી કૉંગ્રેસમાંથી છૂટા થયા ત્યારથી શરૂ કરીને ૧૯૩૭માં કૉંગ્રેસે ધારાસભાપ્રવેશ કર્યો ને મુનશી મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન થયા ત્યાર સુધીના સમયમાં ગુજરાતના સામાજિક અને રાજકીય જીવનમાં જે પલટાઓ આવ્યા તેનું આલેખન આ નવલકથામાં કરવાનો મુનશીનો આશય હતો. નવલકથાનો નાયક રવિશંકર પ્રભાવ મેળવવાને ઝંખે છે. એના દાદા ગણપતિશંકર શાસ્ત્રી દ્વારા તે સન્યાલ નામના એક સામ્યવાદીના પરિચયમાં આવે છે, સામ્યવાદી તરીકે પલોટાય છે ને પોતાની વક્તૃત્વશક્તિથી પ્રભાવ પાડે છે. તેનું મહત્ત્વ ઉત્તરોત્તર વધતું જાય છે ને તેના પર પૉલિટબ્યૂરોનું ધ્યાન પણ ખેંચાય છે. રાજ નામની એક તેજસ્વી ને ભાવિદર્શનની કોઈ લોકોત્તર શક્તિવાળી યુવતી રવિને તેના કાર્યમાં સાહાય્ય કરે છે, તેને પોતાનું સ્નેહભાજન બનાવે છે ને અંતે તેની સાથે લગ્ન કરે છે. ને રવિનાં લગ્ન સાથે આ નવલકથા પૂરી થાય છે. આ કેન્દ્રની આસપાસ અનેક નાનીમોટી આડકથાઓ ગૂંથવામાં આવી છે. એ બધી આડકથાઓને મૂળ કથાવસ્તુ સાથે માર્મિક સંબંધ છે એવું પણ નથી. એ આડકથાઓમાં પ્રેમ પરાક્રમ, કાવાદાવા, કાવતરાં, ચમત્કારો : ઘણું ઘણું આવે છે. અકસ્માત, માંદગી અને મૃત્યુ નવલકથાના પ્રવાહને થંભી જતો અટકાવી, લેખકને અભીષ્ટ દિશામાં વાળે છે. આ નવલકથામાં ’૨૦થી ’૩૭ સુધીના ગુજરાતના સામાજિક અને રાજકીય જીવનનું ચિત્રણ કરવાની મુનશીની જે નેમ હતી તે સિદ્ધ થઈ નથી. ’૨૦થી ’૩૭ સુધીના સમય દરમ્યાન ગુજરાતે જ નહિ, આખા દેશે જે સામાજિક અને રાજકીય મંથનો અનુભવ્યાં તેનો આછોઅધૂરો ખ્યાલ પણ આમાંથી સામાન્ય વાચકને આવી શકે તેમ નથી; કારણ કે મુનશી કોઈ ૫ણ પાત્રના વર્તન સાથે આ સમયાવધિની કોઈ પણ ઘટનાનો જીવાતુભૂત સંબંધ બતાવી શક્યા નથી. ’૨૦થી ’૩૭ના સમય દરમ્યાન જે ઘટનાઓ બની તે ન બની હોત તો આ નવલકથાનાં પાત્રોના જીવનનું વહેણ વહે છે તે દિશામાં વહ્યું ન હોત ને નવલકથા જુદી જ રીતે લખાઈ હોત તેવી પ્રતીતિ આ નવલકથા વાંચતાં થતી નથી. મુનશીની સામાજિક નવલકથાઓનો સમગ્ર દૃષ્ટિએ વિચાર કરતાં કેટલીક હકીકતો ધ્યાન ખેંચ્યા વિના રહી શકતી નથી :

૧. મુનશીમાં એક પ્રકારની વક્રદૃષ્ટિ (cynicism) છે. એમની સામાજિક નવલકથાઓમાં એ ઘણાં પાત્રોનો કોઈ ને કોઈ રીતે ઉપહાસ કરતા હોય છે. સમકાલીન અસહકારની ચળવળમાં ને રાજકીય પ્રવૃત્તિમાં એમને જે કંઈ મળે છે તે ઉપહસનીય જ હોય છે. જેમ કે, ‘તપસ્વિની’ની કૉંગ્રેસ હૉસ્પિટલો; ડૉ. જોશી, કાપડિયા, વિનાયક દાદા; ‘સ્વપ્નદ્રષ્ટા’નું સુદર્શનનું મિત્રમંડલ.
૨. મુનશી જ્યાં જ્યાં સ્વપ્નશીલ અને કવિત્વમય બનવા જાય છે ત્યાં ત્યાં. સહેજ ઝીણવટથી જોઈએ તો, જેટલી વાગ્મિતા દેખાય છે તેટલી કવિતા નથી દેખાતી. પણ તે જ્યારે કોઈની ઠેકડી ઉડાવતા હોય છે ત્યારે તેમની વિનોદવૃત્તિને અને ઉપહાસ અને કટાક્ષ કરવાની શક્તિને મોકળું મેદાન મળે છે. મુનશીની નવલકથાઓમાં જે સુવાચ્ય પ્રસંગો છે (પછી એ ભલે આગન્તુક અને અપ્રતીતિકર હોય) તેમાં આવા હાસ્યજનક પ્રસંગોનું પ્રમાણ વધારે છે. જેમ કે, ‘તપસ્વિની’માં જેલજીવન; ‘સ્વપ્નદ્રષ્ટા’માં ખાસ કરીને ગિરજાશંકર શુક્લ; ‘સ્નેહસંભ્રમ’માં જોરાવરસિંહ. એમ પણ કહી શકાય કે કોઈની ઠેકડી ઉડાવવી હોય ત્યારે મુનશી જેટલા ખીલે છે તેટલા, તેમની સામાજિક નવલકથાઓમાં બીજે ક્યાંય ખીલતા નથી.
૩. સામાજિક નવલકથાઓમાં મુનશી ગોવર્ધનરામની છાયાથી સાવ મુક્ત થઈ શક્યા નથી. ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’માં રત્નનગરી કલ્પી તો મુનશીએ ‘વેરની વસૂલાત’માંના એક દેશી રાજ્યની રાજધાનીનું નામ ‘રત્નગઢ’ રાખ્યું છે. ગોવર્ધનરામે રત્નનગરીની રાજ્યખટપટો આણી : તો મુનશીએ ‘વેરની વસૂલાત’, ‘કોનો વાંક?’ અને સિત્તેરેક વર્ષની વયે લખેલી ‘તપસ્વિની’માં પણ રાજ્યખટપટો આણી છે.

મુનશીની સામાજિક નવલકથાઓના સંદર્ભમાં શ્રી કનુભાઈ જાનીનું એક વિધાન નોંધવા લાયક છે : “(મુનશીની પાંચેય સામાજિક નવલોની) કેન્દ્રસ્થ ઘટનાનો, એમાંના સામાજિક પ્રશ્નોનો ને એમાંની કલાનિર્મિતિનો વિચાર કરીએ ત્યારે લાગે છે કે મુનશીનું ધ્યાન સમાજ પ્રત્યે ભાગ્યે જ (કેવળ ‘પ્રમત્તાવસ્થામાં...’!) ગયું છે. સમાજના પ્રશ્નોમાંના અદમ્ય રસને કારણે જ (ગોવર્ધનરામ, રમણલાલ, દર્શક, પન્નાલાલ, પેટલીકરમાં બન્યું છે તેમ) મુનશીની વાર્તા ઉદ્‌ભવતી નથી. પોતાની આગવી વાર્તાના આધાર રૂપે સમાજના પ્રશ્નોનો ઉપયોગ થાય છે. એમાંનો વસ્તુસંભાર – આગળ દર્શાવ્યું તેમ – એનો એ લાગતાં કૃતિનું અલગ, સ્વતંત્ર અસ્તિત્વ – માથું ઊંચું રાખી શકે એવું—રહેતું નથી.”[9]


ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓ

પાટણની પ્રભુતા

‘પાટણની પ્રભુતા’ મુનશીની વિખ્યાત ઐતિહાસિક નવલત્રયીમાંની પહેલી નવલકથા છે. એ ૧૯૧૬માં ‘ગુજરાતી’ સાપ્તાહિકની વાર્ષિક ભેટ રૂપે બહાર પડી તે પહેલાં એ જ સામયિકમાં કકડે કકડે પ્રકટ થઈ હતી. અને એ પ્રકટ થતી જતી હતી ત્યારથી જ વાચકોને પ્રિય થઈ પડી હતી. પાટણના રાજા કર્ણદેવ સોલંકીના જીવનના અંત સમયે પાટણ રાજકીય અને ધાર્મિક સંઘર્ષોનું કેન્દ્ર બને છે. પાટણના સામંતો અને મંડલેશ્વરો પાટણની સત્તા સામે માથું ઊંચકીને સ્વતંત્ર થવા મથતા હોય છે. તે પાટણમાં શ્રાવકોનું જોર વધતું જાય છે તે જોઈને, રજપૂતો એકત્ર થાય છે. રાજકીય સંઘર્ષનો અગ્રણી કર્ણદેવનો ભત્રીજો દેવપ્રસાદ છે. ધાર્મિક સંઘર્ષનો અગ્રણી ચંદ્રાવતીનો જૈન આનંદસૂરિ છે. અને એ બન્નેને અંદર અંદર બનતું નથી. પાટણનો મહામંત્રી મુંજાલ અને સગીર મહારાજા જયસિંહદેવની માતા મીનળદેવી સામંતો અને મંડલેશ્વરોને અંકુશમાં રાખવા માગે છે. મુંજાલ તો રાજકારણને ધાર્મિક પ્રશ્નોથી મુક્ત રાખવા માગે છે; પણ મીનળ આનંદસૂરિની વાત માનીને મુંજાલને મધુપુર અને ચંદ્રવતીનો સેનાનાયક નીમીને પાટણની બહાર મોકલી આપે છે. ચંદ્રાવતી ગયેલો મુંજાલ કદાચ દેવપ્રસાદ સાથે ભળી જશે એ ભયે, મીનળ મુંજાલને કેદ કરે છે ને આનંદસૂરિ દેવપ્રસાદનું ખૂન કરાવે છે. આથી પાટણની પ્રજા ઉશ્કેરાય છે. આ વખતે મીનળ પાટણની બહાર હોવાથી, એનાથી પાટણમાં દાખલ થઈ શકાય તેમ નથી. ને દેવપ્રસાદનો પુત્ર ત્રિભુવનપાલ પાટણનો સર્વસત્તાધીશ થઈ બેસે એવા સંયોગો ઊભા થાય છે. મીનળ મૂંઝાય છે. પોતાના પુત્રની— એટલે વાસ્તવમાં તો પોતાની જ—સત્તા ટકાવી રાખવા માટે અને પાટણને છિન્નભિન્ન થઈ જતું અટકાવવા માટે મુંજાલ વિના ચાલે તેમ નથી, કારણ કે આ કામમાં કારી મુંજાલ વિના બીજા કોઈની ફાવે તેમ નથી, એ તેને સમજાય છે. એટલે એ પોતાનો ગર્વ ગાળી દઈને મુંજાલને નમતું આપે છે ને મુંજાલ ગુજરાત પ્રત્યેની ભક્તિ કરતાં વિશેષ તો મીનળ પ્રત્યેની પ્રીતિને વશ વર્તીને કુનેહપૂર્વક પરિસ્થિતિને થાળે પાડી દે છે. મીનળ દ્રાવિડ રાજકન્યા છે. ગુજરાતની મહત્તાથી નહિ તેટલી પાટણના મહામંત્રી મુંજાલના પ્રભાવશાલી વ્યક્તિત્વથી આકર્ષાઈને એ ગુજરાત આવી છે. એની અને મુંજાલની વચ્ચે પ્રણય પાંગરે છે. પણ એ બે વચ્ચેના સંબંધમાં જે ભરતીઓટ આવે છે તેનું નિયામક બળ મીનળનો પ્રણય નહિ પણ એની સત્તાઘાલસા હોય છે. મીનળ અને મુંજાલ, બન્નેમાં જેટલી પ્રબળ સત્તાકાંક્ષા છે તેટલો જ પ્રબળ એકબીજા પ્રત્યેનો પ્રણય પણ છે. પણ મીનળની સત્તાકાંક્ષા પાસે પ્રણય ગૌણ બની જતો હોય છે. એમ પણ કહી શકાય કે મીનળ નમતું આપે છે ને મુંજાલનું અહં સંતોષાતાં, એ મીનળના હજાર ગુના માફ કરી દે છે.[10] ડૉ. એરચ જહાંગીર તારાપોરવાળા, આમ તો, મુનશીની ઐતિહાસિક નવલત્રયી પર અત્યંત ફિદા છે. પણ એમનેય ‘પાટણની પ્રભુતા’માં મુનશીની કલમ હજી ઘડાતી જતી હોય એમ લાગે છે. ‘પાટણની પ્રભુતા’માં મીનળ અને મુંજાલ ઐતિહાસિક પાત્રો છે એ વાત ખરી. પણ એમની વચ્ચેનો પ્રણય ઇતિહાસસિદ્ધ હકીકત નથી. તે જ પ્રમાણે આનંદસૂરિ પણ કાલ્પનિક પાત્ર જ છે. એની અને દેવપ્રસાદની વચ્ચેનું વૈમનસ્ય પણ મુનશીની કલ્પનાનું જ સંતાન છે. વળી મુંજાલ, મીનળ, જયસિંહ, ઉદો વગેરે પાત્રો નિરૂપાયાં છે તે રીતે ઐતિહાસિક કરતાં વિશેષ તો કાલ્પનિક લાગે છે. અને કેટલાક મહત્ત્વના પ્રસંગો પણ કાલ્પનિક જ છે.

ગુજરાતનો નાથ

ઐતિહાસિક નવલત્રયીની બીજી નવલકથા ‘ગુજરાતનો નાથ’ ‘પાટણની પ્રભુતા’ના કથાતંતુને આગળ ચલાવે છે. જયસિંહદેવ વયસ્ક થઈ ગયો છે. મીનળનાં જોબનનાં નીર આછર્યાં છે. ખાસ તો સત્તાલાલસામાંથી જન્મતો, મુંજાલ સાથેનો એના વ્યક્તિત્વનો સંઘર્ષ શાન્ત થઈ ગયો છે, ને એ બેની વચ્ચે એક પ્રકારની સમજણ સ્થપાઈ ગઈ છે. જયસિંહ ગુજરાતની રાજગાદી પર આરૂઢ તો થયો છે; પણ રાજકાજનાં સૂત્રો હજી મુંજાલના હાથમાં છે. મુંજાલ એને વાત્સલ્યપૂર્વક ઘડી રહ્યો છે, પણ જયસિંહ ક્યારેક ક્યારેક અકળાઈ જઈને, સ્વતંત્ર થવા અધીરો થઈ જતો હોય છે. સામંતો અને મંડલેશ્વરો અંકુશમાં આવી ગયા છે. પણ ગુજરાત પર એક તરફથી માળવાના અને બીજી તરફથી જૂનાગઢના રા નવઘણના આક્રમણનો ભય તોળાઈ રહ્યો છે. એ વખતે ભરૂચથી ત્રિભુવનપાલનો સંદેશો લઈને ત્રિભુવનપાલનો ખાસ માણસ કાક પાટણ આવે છે. ને એ પણ પાટણના રાજકારણમાં પોતાનો એકડો પુરાવવાના કામમાં લાગી જાય છે. જયસિંહ જુવાન, બિનઅનુભવી અને મહત્ત્વાકાંક્ષી છે એ જોઈ કાક પાટણમાં પગ મૂકતાંવેંત તેનો જમણો હાથ બની જવા મથે છે. પણ બેએક વાર મુંજાલને હાથે એ માત થાય છે ત્યારે એને મુંજાલના પ્રભાવનો ખ્યાલ આવે છે. ને પાટણનો સાચો સત્તાધીશ મુંજાલ છે એ સમજાતાં, એ ‘કૂદાકૂદ’ કરવી છોડી દઈ, મુંજાલનો પક્ષકાર બની જાય છે; અને તે એટલે સુધી કે કીર્તિદેવની નિષ્ઠા, પ્રામાણિકતા, સહૃદયતા અને વિશાળ દૃષ્ટિથી એ પ્રભાવિત થયો હોવા છતાં, કાવતરાંબાજોની ‘ગુપ્ત’ સભા મળી હોય છે ત્યારે એ કીર્તિદેવની બાજી ધૂળમાં મેળવે છે ને મુંજાલને વિજયી બનાવે છે. પાટણની રાજનીતિના મુખ્ય વિરોધીઓ છે બે : કીર્તિદેવ અને કૃષ્ણદેવ (ખેંગાર). એક તરફથી કાક એ બન્ને પ્રત્યે આકર્ષાય છે ને બન્નેનો મિત્ર બને છે. બીજી તરફથી પાટણની રાજનીતિને સ્પર્શતા હોય તેવા પ્રત્યેક મહત્ત્વના પ્રસંગે એ ધાર્યું સિદ્ધ કરી આપતો હોય છે મુંજાલનું. કાકની મહત્ત્વાકાંક્ષાનો પાર નથી. પણ કીર્તિદેવ પાસે કે મુંજાલ પાસે પણ છે તેવું કોઈ દર્શન (vision) એની પાસે નથી. બીજાની નબળાઈ કઈ છે તે જાણી લેવું અને તેનો લાભ લઈ લેવો એટલામાં તેની કુનેહની પરિસમાપ્તિ થઈ જાય છે. સાચી મહત્તા કઈ કહેવાય તેનો તેને કોઈ ખ્યાલ નથી. દીર્ઘદૃષ્ટિપૂર્વક એ કોઈ યોજના ઘડી શકતો નથી; પણ જે ઘડીએ જે પ્રસંગ ઊભો થાય તે ઘડીએ તેને પોતાના લાભમાં વટાવી લેવાની પક્કાઈ એનામાં પૂરેપૂરી છે. એટલું જ નહિ પણ કાર્ય ગમે તેણે કર્યું હોય કે ગમે તે રીતે થઈ ગયું હોય, પણ એનો જશ ખાઈ જવામાં એ પાછો કદી પડતો નથી. ‘ગુજરાતનો નાથ’ એક રીતે જોઈએ તો આવા કાકની પરાક્રમગાથા છે. એને આપણે પહેલી વાર મળીએ છીએ ત્યારે એ ત્રિભુવનપાલનો સંદેશવાહક અને સાધારણ લડવૈયો હોય છે, ને એનાથી છૂટા પડીએ છીએ ત્યારે એ જયસિંહદેવ પણ જેનો પ્રતાપ જીરવી શકતો નથી એવો અસાધારણ પુરુષસિંહ બની જતો હોય છે. મુનશીની રાજકીય ક્ષેત્રે મહત્ત્વાકાંક્ષા શી હતી અને એ મહત્ત્વાકાંક્ષા સિદ્ધ થઈ કે નહિ તેની આપણને ખબર નથી. પણ તેઓ રાજકીય ક્ષેત્રે ઘણાને આંજી દે તેવાં સ્થાનો સુધી પહોંચ્યા હતા તે સૌ જાણે છે. એટલે રાજકારણના જળનું માછલું કેવું હશે, એ ‘કિં પ્રભાષેત કિમાસીત બ્રજેત કિમ્‌’ એની રજેરજ જાણકારી મુનશીને હશે જ. રાજકારણની બાજીનાં હુકમનાં પાનાં કાક જેવાના કે ‘સ્વપ્નદ્રષ્ટા’માંના સુદર્શનના સહયોગીઓ જેવાના હાથમાં ખરેખર હોય તો દેશની દયા ખાવી જ રહી. આપણે જોયું તે પ્રમાણે કાક પાટણમાં પ્રવેશ કરે છે ત્યારે ગુજરાત પર માળવાના અને જૂનાગઢનાં આક્રમણનો ભય તોળાતો હોય છે. બન્ને આક્રમણો થાય છે પણ ખરાં : તેમાં માળવાનો ઉબક વિજેતાના દમામથી પાટણમાં દાખલ થાય છે ને જૂનાગઢનો રા હારીને નાસે છે. પણ ‘ગુજરાતનનો નાથ’ની કેન્દ્રવર્તી ઘટનાઓ એ નથી. એ ઘટના તો કાક અને મંજરીનો સંબંધ છે. એ સંબંધ કાક પ્રત્યેના મંજરીના હાડોહાડ તિરસ્કારથી શરૂ થાય છે ને શરણાગતિથી પૂરો થાય છે. મુનશીએ ઉપલક નજરે જોતાં તેજસ્વી લાગે તેવાં અનેક સ્ત્રીપાત્રો સર્જ્યાં છે. અને મુનશીના પ્રશંસકો મુનશીની એ કલા પર ઓવારી પણ ગયા છે. પણ મુનશીનું એક પણ સ્ત્રીપાત્ર એવું નથી, જેનું તેજ છેવટ સુધી ટકી રહ્યું હોય. માનવતી પ્રમદાને જીતવી, નમાવવી ને તેનો મદ ઉતારવો એ જ જાણે કે મુનશીનાં મહત્ત્વનાં પુરુષપાત્રોના પુરુષાતનની પરિસીમા છે. મંજરી ‘પંડિત પિતાતણી આત્મજા’ છે. તેની કલ્પનામાં કાલિદાસાદિ સંસ્કૃત રસસિદ્ધ કવિશ્વર રમે છે. અને કાકર્ને સંસ્કૃત આવડતું નથી એટલે કાક પ્રત્યે તેને મૂળથી જ તિરસ્કાર છે. મંજરીનો તિરસ્કાર કાકને સંસ્કૃતનું અધ્યયન કરીને પંડિત થવાની નહિ પણ પોતાના બુદ્ધિચાતુર્યથી, સાહસિકતાથી ને શૌર્યથી ગુજરાતના રાજકીય જીવનમાં ઉત્કૃષ્ટ સ્થાને પહોંચીને મંજરીના હૃદયનાં સ્નેહ અને સહાનુભૂતિ જીતવાની પ્રેરણા આપે છે. ને આખી નવલકથામાં આદિથી અન્ત સુધી કાક જ, મુંજાલ કે જયસિંહદેવ કરતાં પણ વધારે છાઈ રહે છે. કાકનો તો અછડતો એવો નામોલ્લેખ પણ ઇતિહાસમાં મળે છે. પણ મંજરી તો નર્યું કાલ્પનિક પાત્ર જ છે. ને નવલકથાનું આલેખન એવી રીતે થયું છે કે મંજરી ન હોત તો કાકનાં પરાક્રમો ન હોત અને કાકનાં પરાક્રમો ન હોત તો ‘ગુજરાતનો નાથ’ જ નહિ, ગુજરાતને ઇતિહાસ પણ જુદી રીતે લખાત એમ સ્વીકાર્યા વિના આપણને છૂટકો જ ન રહે. ‘ગુજરાતનો નાથ’માં કીર્તિદેવ(એક કાલ્પનિક પાત્ર)ને વિદેશી વિધર્મીઓના આક્રમણ સામે સૌ હિન્દુ રાજાઓને સંગઠિત કરીને ભારતની એકતા અને અવિભક્તતાનું સ્વપ્ન સેવતો ને કાકને ઉદ્દામ વ્યક્તિસ્વાતંત્ર્યનો પુરસ્કાર કરતો આલેખવામાં આવ્યા છે. ‘ગુજરાતનો નાથ’માં જયસિંહદેવનો ઉલ્લેખ, પ્રારંભનાં થોડાં પાનાં બાદ સર્વત્ર ‘જયદેવ’ તરીકે કરવામાં આવ્યો છે. ને ‘ડુંગર’ નામનાં બે પાત્રો છે : એક ડુંગર બારોટ અને બીજું જયસિંહદેવનો વિશ્વાસુ ખિદમતગાર ડુંગર નાયક. ‘ગુજરાતનો નાથ’ની વસ્તુસંકલનાની અને કેટલાંક મહત્ત્વનાં પાત્રોની કંઈક વિગતવાર ચર્ચા મેં અન્યત્ર[11] કરી છે, એટલે હું અહીં તેનું પિષ્ટપેષણ કરતો નથી.

રાજાધિરાજ

મુનશીની ઐતિહાસિક નવલત્રયીનું છેલ્લું’ પુસ્તક ‘રાજાધિરાજ’ છે. પાટણ અને જૂનાગઢ વચ્ચેનું યુદ્ધ વર્ષો સુધી ચઢ્યાં કર્યું છે. પણ જૂનાગઢ પડતું નથી. એટલે કાકને ભૃગુકચ્છ(ભરૂચ)થી જૂનાગઢ મોકલવામાં આવે છે. કાક જૂનાગઢ જાય છે ને લાટમાં પાટણની સત્તામાંથી મુક્ત થઈ જવા માટે બળવો થાય છે. મંજરી ભૃગુકચ્છના કિલ્લાનો વીરતાપૂર્વક બચાવ કરે છે. જયસિંહદેવને મનમાં ઊંડે ઊંડે કાક પ્રત્યે દ્વેષ છે તેમ જ જૂનાગઢનું કાક વિના પતે તેમ નથી એમ તેને લાગે છે એટલે લાટમાં બળવો થયો છે ને મંજરી એકલે હાથે કિલ્લાનું રક્ષણ કરી રહી છે તે વાત એ કાકના કાન સુધી પહોંચવા દેતો નથી. કાક જૂનાગઢનો કિલ્લો તોડે છે, રા’ ખેંગાર વીરગતિ પામે છે. જયસિંહદેવ રાણકને ઉપાડીને પાટણ લઈ જવા નીકળે છે. વઢવાણ પહોંચે છે. કાક જયસિંહદેવને રાણકને પરાણે ન લઈ જવા સમજાવે છે. જયસિંહદેવ માનતો નથી એટલે કાક એને એક ભોંયરામાં પૂરી દે છે. એ જ વખતે મીનળદેવી અને જયસિંહદેવની રાણી લીલાદેવી આવી ચડે છે. કાકનું કાર્ય સરળ થઈ જાય છે. રાણકદેવી રા’નું માથું પોતાના ખોળામાં લઈને ભોગાવાને તીરે સતી થાય છે. ત્યાં કાકને મંજરી ભૃગુકચ્છના કિલ્લામાં ઘેરાઈ ગઈ છે એ સમાચાર મળે છે. કાક દોડમોઢે ભૃગુકચ્છ જાય છે. પણ એ કિલ્લામાં પ્રવેશ કરે તે પહેલાં મંજરી ભૂખમરાને લીધે મરણશરણ થઈ હોય છે. શોક અને દુઃખને લીધે કાક બાવરો થઈ જાય છે. એ બળવાખોરોના હાથમાંથી કિલ્લાને છોડાવે છે. ને મુંજાલ, કાક અને અન્ય મંત્રીઓની સાથે રાજાધિરાજ જયસિંહદેવ ભૃગુકચ્છમાં વિજયપ્રવેશ કરે છે. ‘પાટણની પ્રભુતા’ અને ‘ગુજરાતનો નાથ’માં પ્રસંગો ઓછા છે ને ઓછા નાટ્યતત્ત્વમય છે. પાત્રોમાં પણ રાણકને બાદ કરીએ તો કોઈ પણ પાત્ર તેજ કે પ્રભાવ દાખવી શકતું નથી અને સ્પષ્ટ અને નિશ્ચિત કેન્દ્રને અભાવે કથાનું કાઠું બંધાતું નથી, રાણક સતી થાય છે તે અને મંજરી મૃત્યુ પામે છે તે પ્રસંગો કંઈક રસાવહ બન્યા છે.

પૃથિવીવલ્લભ

‘પૃથિવીવલ્લભ’ પણ એક ઐતિહાસિક નવલકથા છે. એનું કથાવસ્તુ ‘પ્રબંધચિંતામણિ’ના ‘મુંજરાસ’ પરથી લેવામાં આવ્યું છે. માલવાનો રાજા મુંજ રસિક હતો, કલા અને કવિતાનો મર્મવિદ ને ચાહક હતો. તૈલંગણના ચાલુક્યરાજ તૈલપને તેણે પંદરસોળ વાર યુદ્ધમાં હરાવ્યો અને પકડ્યો હતો ને અવંતી લઈ જઈ સામાન્ય સામંતની માફક તેની પાસેથી સેવા કરાવી હતી. સંવત ૧૦૫૨માં એણે ફરીથી તૈલંગણ પર આક્રમણ કર્યું ત્યારે તૈલપે એને હરાવ્યો ને કેદમાં નાખ્યો, કાષ્ઠપિંજરમાં પૂર્યો, સોળ દિવસ સુધી ઘેરઘેર ભીખ મંગાવી ને અંતે હાથીના પગ તળે કચરાવી નાખ્યો. મુંજ રૂપાળો અને વિલાસી હતો. ભલભલી રૂપગર્વિતાઓનાં માન ઉતારી, એ તેમને વશ કરી લેતો. એ પોતાને ‘પૃથિવીવલ્લભ’ તરીકે ઓળખાવતો. તૈલંગણના કારાગૃહમાં કે નગરના જાહેર ચોકમાં મૂકવામાં આવેલા કાષ્ઠપિંજરમાં પણ એ હસતો જ હોય છે. તૈલપની વિધવા બહેન મૃણાલવતી તેના પર પોતાના ભાઈના પરાજયોનું વેર વાળવા ને અનેક રીતે તેનાં અપમાનો કરી કરીને તેનું પાણી ઉતારવા મથતી હોય છે. ત્યારે પણ મુંજ એના પર પોતાનું વશીકરણ અજમાવીને તે વિરૂપ અને આધેડ વયની વિધવાના રસહીન જીવનને રસાન્વિત કરી તેને પોતા પ્રત્યે આકર્ષવાના પ્રયત્નો કરતો જ હોય છે. ને અંતે તેમાં સફળ પણ થાય છે. આ કથા, આમ, વસ્તુતઃ મુંજના લોકોત્તર વ્યક્તિત્વના વિજયની કથા છે. એ વ્યક્તિત્વ એટલે સુખ અને દુઃખ, હર્ષ અને શોક, જય અને પરાજયમાં સ્વસ્થ અને સમદર્શી વૃત્તિ. બીજા શબ્દોમાં કહીએ તો સ્થિતપ્રજ્ઞતા. પણ જે પ્રસંગોના નિરૂપણ દ્વારા મુનશીએ મુંજની સ્થિતપ્રજ્ઞતા સૂચવી છે તે પ્રસંગેમાં મુંજ સ્થિતપ્રજ્ઞ કરતાં વિશેષ તો પતરાજીખોર અને નિર્લજ્જની જેમ વર્તતો દેખાય છે. દાખલા તરીકે, એને જ્યારે નગરમાર્ગો પરથી કેદી તરીકે ફેરવવામાં આવતો હોય છે કે નગરના ચોકમાં કાષ્ઠપિંજરમાં પૂરીને બેસાડવામાં આવ્યો હોય છે ત્યારે એને હસતો આલેખવામાં આવ્યો છે. ત્યારે તેમાં હર્ષશોકાદિ પરસ્પરવિરોધી વૃત્તિઓના દ્વંદ્વને સમત્વભાવથી સહી લેતા ગાંભીર્ય(serinty)નું નહિ પણ નફટાઈનું અને નફટાઈનું નહિ ત્યાં ઊંડે ઊંડે અનુભવાતી લઘુતાને ઢાંકવા માટે કરવામાં આવતી પતરાજી (bravado)નું જ દર્શન થાય છે. મુંજની અમર્યાદ આત્મશ્લાઘા પણ એના આત્મગૌરવને કે આભિજાત્યને પ્રકટ કરે છે એમ કહી શકાય નહિ, અને મૃણાલવતીમાં રસિકતા જગાડીને તેને પોતાની તરફ આકર્ષવાનો મુંજનો પ્રયત્ન તો બાલિશ મિથ્યાભિમાનની પરાકાષ્ઠા જેવો છે. મુંજને મૃણાલ તરફ અમથું એવું પણ આકર્ષણ થયું નથી, કે કામલોલુપતાથી પ્રેરાઈને એ મૃણાલને વશ કરવા માગે છે એવું પણ નથી. પોતે અપ્રતિકાર્ય (irresistible) છે, માનિનીઓનાં માનને મોડવા સર્જાયો છે અને પોતે ધારે તેને— મૃણાલ જેવી વિરસ ને વિરૂપ ગલિતયૌવતાને પણ પોતાની પાછળ ગાંડી કરી શકે છે એવી પોતાની મિથ્યાભિમાનની વૃત્તિને પોષવા માટે જ મુંજ નરદેહધારી મેનકાની જેમ વર્તી રહ્યો છે એમ કહી શકાય. સ્ત્રીના રસહીન જીવનમાં રસિકત—એટલે કે કામવાસના—જગાડવી એ જ જાણે નરપુંગવના પુરુષાર્થનું પરમ લક્ષ્ય હોય તેવી કોઈક માન્યતાથી મુંજ જો મૃણાલવતીને માત કરે છે તો ભોજ, કવિ રસનિધિને રૂપે, વિલાસવતીને વિલાસાભિમુખ કરીને કૃતાર્થ થાય છે. મુનશી પાસે ભાષા છે, શૈલી છે, સંવાદકલા પર પ્રભુત્વ છે. પણ આ દ્વાદશ ટીલાં જે ભોજન પર કરવામાં આવ્યાં છે તે ભોજન પોતે, હકીકતમાં આ છે. ‘પૃથિવીવલ્લભ’નું હિંદીમાં અને મરાઠીમાં ભાષાંતર થયું છે. એ રંગભૂમિ પર નાટકરૂપે રજૂ થયું છે ને એની ફિલ્મ પણ ઊતરી છે.

ભગવાન કૌટિલ્ય

આ નવલકથામાં કૌટિલ્ય (ચાણક્ય) ચંદ્રગુપ્તને મહાપદ્મ નંદની કેદમાંથી છોડાવે છે ને નસાડે છે તે કથા કહેવામાં આવી છે. કૌટિલ્ય પાટલિપુત્રમાં પ્રવેશ કરે છે ત્યારે નંદનો મંત્રી રાક્ષસ તેનું અપમાન કરે છે. એટલે કૌટિલ્ય રાજાના ભૂતપૂર્વ અમાત્ય ને આચાર્ય શકટાલને ત્યાં ઊતરે છે. ને કેદી ચંદ્રગુપ્ત પર દેખરેખ રાખનાર સેનાજિતને તેની વાગ્દત્તા ગૌરી સાથેના પ્રણયાલાપમાં રોકી રાખીને ચંદ્રગુપ્તને નસાડે છે. કૌટિલ્ય પાટલિપુત્ર છોડીને નૈમિષારણ્યમાં જાય છે. એની પૂંઠે પડેલો સેનાજિત એને ત્યાં મળે છે. પણ નૈમિષારણ્યના સાત્ત્વિક વાતાવરણમાં સેનાજિતનો હૃદયપલટો થાય છે. કૌટિલ્ય એનાં ને ગૌરીનાં લગ્ન કરી આપે છે. વાર્તા અહીં પૂરી થાય છે. ને નંદનો નાશ થવો ને ચંદ્રગુપ્ત ઠરીઠામ થવો બાકી રહી જાય છે. આ વાર્તામાં કૌટિલ્ય સર્વજ્ઞ અને સર્વશક્તિમાન મહામાનવરૂપે આલેખાયો છે. ને પ્રભાવશાલી વ્યક્તિવિશેષો પ્રત્યે સુંદર યુવતીઓ સ્વયમેવ આકર્ષાતી હોય છે—અને જીવનનું એ એક સાફલ્ય છે—એ મુનશીની પ્રિય માન્યતાનું અહીં પણ આલેખન થયું છે. મૈનાકી મગધના સંનિધાતાની પત્ની છે. સંનિધાતા પર એને પ્રેમ, અલબત્ત, ઊભરાઈ નથી જતોઃ કારણ કે એવું તેને પ્રેમથી પ્રેરાઈને પરણી જ નથી. એ ચંદ્રગુપ્તથી પ્રભાવિત થઈ છે ને સંનિધાતાને છોડીને એ તેની પત્ની થવા ઝંખે છે. અલબત્ત, ચંદ્રગુપ્ત નાસી જતાં, મૈનાકીની મનની મનમાં જ રહી જાય છે. મૈનાકીને તો સંનિધાતા પ્રત્યે સાચો પ્રેમ હતો જ નહિ. એટલે એનું વહેણ ચંદ્રગુપ્ત તરફ વળે તે હજી કંઈક સમજી શકાય. પણ શકટાલની પુત્રી ગૌરીને તો સેનાજિત પ્રત્યે પ્રેમ પણ છે; ને એનું સેનાજિત સાથે વેવિશાળ પણ થયેલું છે. પણ પોતાના પિતાને ત્યાં મહેમાન તરીકે આવેલા કૌટિલ્યને જોવા પછી એ કૌટિલ્ય પ્રત્યે આકર્ષાય છે ને તેની પાસે પોતાનું પ્રણયનિવેદન કરે છે. કૌટિલ્ય એનો પ્રણય સ્વીકારે છે કે નહિ તે, અલબત્ત, સ્પષ્ટ થતું નથી. કૌટિલ્ય ચંદ્રગુપ્તને નસાડવાનું પોતાનું કાર્ય પૂરું થતા, પાટલિલુત્રમાં રોકાતો નથી. ને નૈમિષારણ્યમાં એને ગૌરી અને સેનાજિત મળે છે ત્યારે એમનાં લગ્ન કરી આપે છે. ‘પૃથિવીવલ્લભ’ની મૃણાલ અને વિલાસવતી કરતાં ‘ભગવાન કૌટિલ્ય’ની મૈનાકી અને ગૌરી વધારે અપ્તરંગી છે, પણ એ ચારે સ્ત્રીઓ આકર્ષાય છે ત્યારે આકર્ષાય છે પરદેશીઓ તરફ એ નોંધવા જેવું છે.

લોપામુદ્રા, ભાગ ૧ (વિશ્વરથ)

આ નવલકથા મુનશીએ લખેલી ‘લોપામુદ્રા’ નામની પૌરાણિક નાટકત્રયીની ભૂમિકા કે પૂર્વકથા રજૂ કરે છે. ‘લોપામુદ્રા’ નાટકત્રયીનાં મુખ્ય પાત્રો, વિશ્વરથ અને લોપાના જન્મ, ઘડતર અને વિકાસની કથાના મહત્ત્વના અંશો આ નવલકથામાં નિરૂપિત થયા છે. લોપામુદ્રા માને છે કે આર્ય માતાપિતાને ત્યાં જન્મ્યો હોય તે આર્ય નહિ, પણ આર્ય આચરણવાળો હોય તે સાચો આર્ય ગણાય. એટલે એ આર્યોના રાજા દિવોદાસ અને દસ્યુઓના રાજા શમ્બર વચ્ચેના વિગ્રહને અટકાવવા માટે પ્રયત્ન કરે છે. જમદગ્નિ અને વિશ્વરથ, બન્ને એના પ્રેમમાં પડે છે. એટલે એ કોઈના પણ પ્રેમનો સ્વીકાર કર્યા વિના ઋચિક ભાર્ગવના આશ્રમમાં ચાલી જાય છે.

જય સોમનાથ

આ નવલકથામાં ગિઝનીના મહમ્મુદે સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે રજપૂતોએ એકત્ર થઈને સોમનાથનું સંરક્ષણ કર્યું તે શૌર્યકથાની ભૂમિકા પર ભીમદેવ સોલંકી અને ચૌલાના પ્રેમની કથાનું આલેખન કરવામાં આવ્યું છે. આ નવલકથાની કંઈક વિગતવાર ચર્ચા મેં અન્યત્ર[12] કરી છે એટલે અહીં તેમાંથી કશી પુનરુક્તિ કર્યા વિના, માત્ર એક હકીકત પર અધિકારી વિદ્વાનોનું ધ્યાન ખેંચવાની રજા લઉં છું. કથાની નાયિકા ચૌલા ગંગ સર્વજ્ઞ અને ગંગાની પુત્રી છે. ગંગ સર્વજ્ઞ સોમનાથના મુખ્ય પૂજારી છે. ગંગા દેવદાસી છે, અને મંદિરના વિશાળ પ્રાંગણમાં એક તરફ આવેલા દેવદાસીઓના વાડામાં રહે છે. ચૌલા પણ દેવદાસી જ છે ને એણે પોતાની જાતને ભગવાન સોમનાથને અર્પણ કરી દીધી છે. તો પ્રશ્ન એ થાય છે કે મહમ્મુદ ગઝનીનું આક્રમણ થયું તે વખતે ગુજરાતમાં—સૌરાષ્ટ્રમાં દેવદાસીઓની પ્રથા અસ્તિત્વમાં હતી ખરી? આ નવલકથામાં સુલતાનનો ઉલ્લેખ શરૂઆતનાં થોડાં પાનાંઓમાં ‘મહમ્મુદ” તરીકે અને પછી સર્વત્ર ‘હમ્મીર’ તરીકે થયો છે.

લોમહર્ષિણી

આ નવલકથામાં દાશરાજ્ઞ વિગ્રહ અને રામાર્જુન-વૈરની તથા શુનઃ- શેપની કથા કહેવામાં આવી છે. વસિષ્ઠ અને વિશ્વામિત્ર, બે પરસ્પરભિન્ન વિચારસરણીના પ્રતિનિધિ છે. વસિષ્ઠ આર્યજાતિની જન્મજાત શુદ્ધિ અને સંસ્કારોની રક્ષા કરી, જાતિને વર્ણસંકર થતી અટકાવવાના આગ્રહી છે. વિશ્વામિત્ર માને છે કે આર્યત્વ જન્મજાત નથી હોતું, સંસ્કારસાધ્ય હોય છે. એટલે એ આર્યો અને દસ્યુઓ વચ્ચેનો ભેદભાવ દૂર કરવા મથે છે. વસિષ્ઠે તૃત્સુઓના રાજા સુદાસનું પુરોહિતપદ સ્વીકાયું અને અર્જુન કાર્તવીર્યે લોમહર્ષિણી અને રામ જામદગ્નેયનું અપહરણ કર્યું તેમાંથી દાશરાજ્ઞ વિગ્રહ—દસ રાજાઓ વચ્ચેનો વિગ્રહ શરૂ થયો. આ પુસ્તકમાં એ વિગ્રહની તેમ જ વિશ્વામિત્રે શુનઃશેપને નરમેધમાં બલિ થતો અટકાવ્યો તેની કથા કહેવામાં આવી છે. આ શુનઃશેપને મુનશી વિશ્વામિત્ર અને શમ્બરકન્યા ઉગ્રાના પુત્ર તરીકે ઓળખાવે છે. આખી કથા પાંચ ખંડમાં વહેંચાઈ છે. કથાની વસ્તુસંકલના સિથિલ છે; ને વસિષ્ઠ, વિશ્વામિત્ર, રામ જામદગ્નેય, લોપામુદ્રા, શુનઃશેપ આદિ મહત્ત્વનાં પાત્રોમાં કેટલીક અસંગતિઓ રહી ગઈ છે.

ભગવાન પરશુરામ

ભાર્ગવ ઋષિઓમાં મુનશી જેને શ્રેષ્ઠ માને છે તે પરશુરામની કથા આ પુસ્તકમાં આલેખાઈ છે. પરશુરામ – રામ જામદગ્નેય—ના બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થાના જીવનનું આલેખન ‘લોમહર્ષિણી’માં થયું છે એ દૃષ્ટિએ જોતાં, ‘ભગવાન પરશુરામ’ને ‘લોમહર્ષિણી’નું અનુસંધાન ગણી શકાય. આ કથામાં, આમ તો, પરશુરામે યૌવનમાં કરેલાં પરાક્રમોનું જ આલેખન કરવામાં આવ્યું છે. પણ એમાં “રામે કરેલા યાદવોના સંસ્કરણની, યાદવોના નાગ લોકો પ્રત્યેના સુધરતા જતા વ્યવહારની, શર્યાતોના વિનાશની, સહસ્ત્રાર્જુનની પ્રેયસી મૃગારાણી પર પડતા રામના પ્રભાવની, ડડ્ડનાથ અઘોરી સાથેના રામ-લોમાના સંસર્ગની, સહસ્ત્રાર્જુનથી બચવા માટે યાદવો અને ભૃગુઓએ ઉત્તર તરફ કરેલી હિજરતની, દાશરાજ્ઞ વિગ્રહની પૂર્ણાહુતિની, સહસ્ત્રાર્જુનના રામને હાથે થતા વધની કથાને” આવરી લેવામાં આવી છે. પરશુરામ, મુનશીના બીજા પ્રતાપી અને પ્રભાવશાલી નાયકોના ગોત્રના છે. એ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે. સ્ત્રીજનમનમોહન છે, અજેય અને એકમેવાદ્વિતીય છે. એને કશું જ અસાધ્ય નથી. ઉદ્‌ઘોષ એ ઊંચામાં ઊંચી ભાવનાઓનો તાર સ્વરે કરે છે. પણ એની વાણી અને વર્તન વચ્ચે ક્યારેક અસંગતિ રહી જતી હોય છે. મુનશી એમનું વર્ણન કરી શકે છે; પણ એમને ક્રિયા કરતાં આલેખવામાં કેટલીક વાર ઊણા ઊતરે છે.

ભગ્ન પાદુકા

આ નવલકથામાં ગુજરાતના છેલ્લા હિંદુ રાજવી કરણ વાઘેલાના રાજ્યકાલ દરમ્યાન અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર કરેલા આક્રમણની કથા કહેવામાં આવી છે. પણ એમાં પ્રાધાન્ય કરણના પરાજયને કે વિધર્મીઓના વિજયને નહિ પણ વિધર્મીઓના આક્રમણને ખાળવા માટે ગુજરાતની પ્રજાએ જે પુરુષાર્થ કર્યો તેને આપવામાં આવ્યું છે. એટલે કે ગુજરાતની કલંકકથાને ગુજરાતના ગૌરવગાનમાં પલટી નાખવામાં આવી છે. સ્વધર્મ અને સ્વભૂમિની રક્ષા કરવા માટે ગુજરાતની પ્રજાએ દાખવેલા વીરત્વને બિરદાવવા માટે મુનશીને ઐતિહાસિક હકીકતોમાં બે ફેરફાર કરવા પડ્યા છે : એક તો કરણ વાઘેલાએ પોતાના પ્રધાન માધવની પત્ની રૂપસુંદરી પર નજર બગાડી તેમાંથી વાત વણસી ને ગુજરાતનું હિંદુ રાજ્ય સદાને માટે આથમ્યું તે હકીકતને મુનશી સ્વીકારે તો આવા કરણને માટે ખુવાર થઈ જનારી ગુજરાતની પ્રજાનું ગૌરવ ન વધે. એટલે મુનશીએ માધવને રીસે ભરાઈને અલાઉદ્દીનને ગુજરાતમાં નોતરી લાવવાનું કારણ એવું કલ્પ્યું છે કે કરણની રાણી કમલાદેવીને પોતાના ઇષ્ટ દેવ સોમેશ્વર મહાદેવ(સૌરાષ્ટ્રના સોમનાથ પરથી મુનશીને આ નામ સૂઝ્યું હશે?)નો પોઠિયો રૂપાનો બનાવવો હતો તે માટે તેણે રાજ્યકોષમાંથી પૈસા આપવાનું કહ્યું; પણ માધવે ના પાડી. એટલે કરણે માધવને પ્રધાનપદેથી દૂર કર્યો. અને માધવ છંછેડાયો. મુનશીએ આ કારણ કલ્પ્યું છે. પણ એ કારણ પ્રતીતિકર નથી લાગતું. માધવ પેધીને માથાભારે થઈ ગયો હોય તો જ મુનશી કલ્પે છે તે રીતે વર્તી શકે. અને તો તેણે લાચાર થઈને અલાઉદ્દીન ખીલજી સુધી જવું ન પડે. ઉપરાંત કરણે માધવને નોકરીમાંથી કાઢી મૂક્યો એ કારણ એવું સબળ નથી કે માધવ જેવા ઉચ્ચ વર્ણના હિંદુની વૈરવૃત્તિને વકરાવે ને તેને છેક છેલ્લે પાટલે બેસવાને ઉશ્કેરે. સોમનાથ તો રજપૂતોના ઇષ્ટદેવ હતા. એટલે તેમની સખાતે ગુજરાતભરના રજપૂતો દોડી જાય એ ગળે ઊતરે તેવું છે. અલાઉદ્દીન કોઈ ધર્મસ્થાનકનો નાશ કરવા નહોતો આવતો, અને છતાં તેની સામે ગુજરાતની પ્રજા ખડી થઈ ગઈ એમ મુનશીને બતાવવું છે. એટલે તેમને બાડા મહારાજનું પાત્ર કલ્પવું પડ્યું, અને બાડા મહારાજ ન હોત તો ગુજરાતની પ્રજાએ વિધર્મી આક્રમણકારોનો જે ગૌરવભર્યો પ્રતિકાર કર્યો તે ન કર્યો હોત એમ માન્યા વિના આપણને છૂટકો ન રહેવા દીધો. વિશ્વરથના પ્રેમમાં દસ્યુ રાજા શમ્બરની પુત્રી ઉગ્રા પડે છે : બાડા મહારાજના પ્રેમમાં અસ્પૃશ્ય બાળા અનંગના પડે છે.

કૃષ્ણાવતાર

‘કૃષ્ણાવતાર’ મુનશીની છેલ્લી કૃતિ છે. મુનશીએ આ નવલકથાના આઠ ખંડ લખવા ધાર્યા હતા. તેમાં આઠમા ખંડનાં અગિયાર પ્રકરણ પૂરાં કરી બારમું પ્રકરણ લખી રહ્યા હતા તે અરસામાં તેમનું અવસાન થયું. ‘કૃષ્ણાવતાર’ના સાત ખંડ પ્રકટ થયા છે. સાતમા ખંડમાં મુનશીએ લખ્યાં હતાં તે આઠમા ખંડનાં પ્રકરણોને સમાવી લેવામાં આવ્યાં છે. મુનશીએ ‘લોપામુદ્રા’ના ખંડોને આપ્યાં છે તે પ્રમાણે ‘કૃષ્ણાવતાર’ના ખંડોને પણ જુદાં જુદાં શીર્ષકો આપ્યાં છે. પહેલા ખંડનું શીર્ષક છે ‘મોહક વાંસળી’, બીજાનું ‘સમ્રાટનો પ્રકોપ’, ત્રીજાનું ‘પાંચ પાંડવો’, ચોથાનું’ શીર્ષક છે, ‘ભીમનું કથાનક’ ને પાંચમાનું છે ‘સત્યભામાનું કથાનક’ છઠ્ઠા ખંડનું શીર્ષક ‘મહામુનિ વ્યાસ’, સાતમાનું ‘યુધિષ્ઠિરનું કથાનક’, અને આઠમાનું ‘શાશ્વત ધર્મગોપ્તા’ છે. ‘કૃષ્ણાવતાર’ લખવા માટે પોતે શા માટે પ્રેરાયા તે કહેતાં મુનશી કહે છે : “બાળપણના સ્મરણો જ્યારથી સચવાયેલાં છે ત્યારથી શ્રીકૃષ્ણ મારી કલ્પનામાં મઢાઈ ગયા છે. મને એમનાં જીવન અને પરાક્રમોની કથા નવેસરથી રચવાની વારંવાર ઇચ્છા રહ્યાં કરતી હતી.” “આ કાર્ય અશક્ય હતું, છતાં, ભારતના અસંખ્ય સાહિત્યકારોની માફક, હું પણ મારી પાસે જે કંઈ કલ્પના તથા રચનાત્મક સર્જનશક્તિ છે એ વડે એમને નાનીશી અંજલિ આપ્યા વિના રહી શક્યો નહિ.” અને આગળ ચાલતાં ઉમેરે છે : “શ્રીકૃષ્ણ ભગવાનનાં જન્મ અને પરાક્રમોને આલેખતી વેળા, ઘણા પુરોગામીઓની માફક, એમના વ્યક્તિત્વ, આચરણ અને દૃષ્ટિબિંદુને સુસંગત બનાવવા માટે મેં કેટલીક ઘટનાઓ ઉપજાવી કાઢી છે. મહાભારતમાં ઉલ્લેખાયેલાં કેટલાંક નામોને મૂર્તિમાન કરવાનો પ્રયત્ન પણ મેં કર્યો છે. લોકહૃદયમાં વસી ગયેલાં કેટલાંક પાત્રો સાથે મેં અક્ષમ્ય છૂટો લીધી છે ખરી, પણ હું આશા રાખું છું કે ભક્તજનો મને તે બદલ ક્ષમા આપશે.” મુનશીને પિતાને પણ જે “અક્ષમ્ય” લાગે છે તેવી છૂટો લેવાનો કેવોક આપદ્ધર્મ ઊભો થયો હશે તે, અલબત્ત, સ્પષ્ટ થતું નથી. ‘નરસૈંયો ભક્ત હરિનો’, ‘લોપામુદ્રા’, ‘લોમહર્ષિણી’, ‘ભગવાન પરશુરામ’ વગેરે કૃતિઓમાં મુનશીએ કર્યું છે તેમ ‘કૃષ્ણાવતાર’માં પણ એમણે કૃષ્ણના જીવન સાથે જોડાઈ ગયેલા ચમત્કારોને બુદ્ધિગ્રાહ્ય રીતે નિરૂપવાનો પ્રયત્ન કર્યો છે. પણ કૃષ્ણના જીવનમાંથી જેને એક પ્રકારના ચમત્કાર તેમણે દૂર કર્યા તો બીજા પ્રકારના ચમત્કારો લાવ્યા વિના એમને ચાલ્યું જ નથી. ઉપરાંત ડૉ. ચંદ્રકાન્ત મહેતા બતાવે છે તે પ્રમાણે, “કૃષ્ણજીવનમાંથી ચમત્કારો કાઢી નાખ્યા પછી, ચમત્કારોનો રસ પૂરો પાડે તે માટે શ્રી મુનશી વારંવાર આપણને અનાર્યોની અદ્‌ભુત સૃષ્ટિમાં લઈ જાય છે.”[13]

મુનશીને મન શ્રીકૃષ્ણ ભગવાન છે અને ભગવાન નથી. શ્રી ભોળાભાઈ પટેલ કહે છે તે પ્રમાણે “મુનશી એક બાજુ શ્રીકૃષ્ણના ધર્મસંસ્થાપક તરીકેના અવતારકૃત્યનો સ્વીકાર કરી શ્રીકૃષ્ણના ચરિત્રમાં પુરાણકથિત અલૌકિકતાનું આરોપણ કરે છે, બીજી બાજુ આજના ધર્મનિરપેક્ષ ભાવકને અનુરૂપ બનાવવા માનવસહજ મર્યાદાઓ પણ બતાવી, જ્યાં કશેક અ-લૌકિકત્વ, તર્કાતીત આચરણ છે તેને બુદ્ધિની પકડમાં લેવાનો પ્રયત્ન પણ કરે છે... અને મુનશી આ દ્વિધામાંથી જાણે કે સ્પષ્ટ રીતે બહાર આવી શક્યા નથી એમ લાગે છે. તેથી ‘કૃષ્ણાવતાર’માં શ્રીકૃષ્ણનું ચરિત્ર તેઓ પોતાની દૃષ્ટિએ ઉપસાવવા મથે છે ત્યારે તેમાં ચરિત્રલેખનની કલાગત અસંગતિઓ પેસી ગઈ છે.”[14] ‘કૃષ્ણાવતાર’માં પુરાણપ્રસિદ્ધ ઘટનાઓ અને અનેક કલ્પિત ઘટનાઓ આવે છે. તે ઘટનાઓ અવયવાવયવી ભાવથી સુગ્રથિત થઈ શકી નથી; પણ એકબીજીથી છૂટી રહી ગઈ છે. અને ઘણી વાર તો મુનશી ઘટનાનો માત્ર અહેવાલ આપીને જ અટકી ગયા છે. પરિણામે, કૃતિમાં કલાદૃષ્ટિએ ઘણી કચાશ રહી ગઈ છે. પાત્રોની વિભાવનામાં કે જીવનના દર્શનમાં મુનશી મુનશીને અતિક્રમી શક્યા નથી. શ્રી ચંદ્રકાન્ત મહેતાના શબ્દોમાં કહીએ તો, “બીજા ભાગની પ્રસ્તાવનામાં શ્રી મુનશીએ કહ્યું છે કે, “મેં લગભગ અશક્ય જેવું કામ ઉપાડી લીધું હોય એમ લાગે છે.’ આત્મશ્રદ્ધાના એ અભાવની પ્રતીતિ આપણને પણ આ કૃષ્ણાવતારના પાંચ ભાગો વાંચતાં થાય છે.”[15]

(આ)

નાટકો

મુનશીએ બે પ્રકારનાં નાટકો લખ્યાં છે :

૧ સામાજિક નાટકો

૧. વાવાશેઠનું સ્વાતંત્ર્ય (૧૯૨૧), ૨. બે ખરાબ જણ (૧૯૨૪), ૩. આજ્ઞાંકિત (૧૯૨૭), ૪. કાકાની શશી (૧૮૨૮). ૫. બ્રહ્મચર્યાશ્રમ (૧૯૩૧). ૬. (સ્નેહસંભ્રમ, યાને)પીડા ગ્રસ્ત પ્રોફેસર (૧૯૩૩), ૭. ડૉ. મધુરિકા (૧૯૩૬), ૮. છીએ તે જ ઠીક (૧૯૪૮), ૯. વાહ રે મૈં વાહ! (૧૯૪૯)

ર પૌરાણિક અને ઐતિહાસિક નાટકો

૧. પૌરાણિક નાટકો (૧૯૩૦), ૨. ધ્રુવસ્વામિની દેવી (૧૯૨૯), ૩. લોપામુદ્રા, ભાગ ૨, ૩, ૪ (૧૯૩૩-૩૪)

સામાજિક નાટકો

વાવાશેઠનું સ્વાતંત્ર્ય

આ નાટકના નાયક વાવાશેઠ પોતાની પત્ની રેવા શેઠાણી પાસે મિયાંભાઈની મીંદડી જેવા થઈ ગયેલા છે. પણ તકનો લાભ મળે તો લઈ લેવા પૂરતી હોશિયારી તેમનામાં ઓછી નથી. તક મળતાં, તે પોતાને દ્વિભાર્યાયોગ છે એવું કોઈ જ્યોતિષી દ્વારા શેઠાણીને કાને નખાવી, શેઠાણીને ઢીલાં પાડી દે છે ને નમાવે છે.

બે ખરાબ જણ

આ નાટકમાં સૉલિસિટર પરસોતમદાસ પોપડા એક લાખ રૂપિયા લઈને પોતાની પુત્રી રંભાને રામદાસ ડગલીવાળાને પરણાવવા તૈયાર થાય છે. રંભાને આમ લગ્ન કરવાં ગમતાં નથી. તેથી તે નાસી જાય છે ને મોહન મેડિકો નામના એક લહેરીલાલા સાથે પ્રેમમાં પડે છે ને તેને પરણે છે.

આજ્ઞાંકિત

આ નાટકમાં સવિતા નામની જુવાન છોકરી પ્રેમમાં પડી છે જોઈતા નામના એક જુવાનના; તેનું વેવિશાળ થયું છે ધીરજલાલ સાથે; ને તેનાં લગ્ન થાય છે ધીરજલાલના કાકા વૃદ્ધ હરકિસન સાથે, આજ્ઞાંકિત ધીરજલાલની સંમતિથી. હરકિસનની ચોથી વારની પત્ની તરીકે જીવન ગાળવાનું સવિતાને નથી ગમતું. એટલે એ વેશ્યાવૃત્તિ કરે છે. જોઈતો તેનો તબલચી બને છે. ધીરજલાલ તેને ગ્રાહકો લાવી આપે છે. છેવટે સવિતા અને જોઈતો પરણે છે.

કાકાની શશી

પંચગનીમાં મુનશીના બંગલા ‘ગિરિવિલાસ’ની ભાગી માલણ એના વૃદ્ધ પતિની પરિચર્યા કરતી. માળી વૃદ્ધ પણ કામગરો હતો. એટલે બાગની દેખભાળ રાખ્યા જ કરતો. એ માળી બાવીશેક વર્ષનો હતો ત્યારે મહાબલેશ્વરમાં તેણે ભાગીને જોઈ. ભાગીને તેની વૃદ્ધ દાદી ઉછેરતી હતી. દાદી મરવા પડી ત્યારે માળીએ તેની પાસેથી પાંચ વરસની ભાગીને માગી લીધી. એને પત્ની જોઈતી હતી. એટલે ડોશી ગુજરી ગઈ ત્યારે એ ભાગીને પોતાને ખભે બેસાડીને પંચગની લઈ ગયો ને તેને પરણી ગયો. ભાગી તો બાળક હતી એટલે, મુનશીના શબ્દોમાં કહીએ તો, “માના હેતથી માળી તેને નવાડે, ખવાડે, તેનો ચોટલોય વાળે ને સરસોકાએ કરે. ભાગી મોટી થઈ અને પતિનું પર માંડ્યું. તેને ત્રણ છોકરા થયા. માળી ને ભાગીનું અનુપમ દાંપત્ય માળી ગુજરી ગયો ત્યાં સુધી ટક્યું.... એ (વાત) ઉપરથી મેં ‘કાકાની શશી’ નાટક ઉપજાવી કાઢ્યું.”[16] નાટક ‘ઉપજાવી’ કાઢતાં મુનશીએ મૂળ કથાનું આખું માળખું જ બદલાવી કાઢ્યું છે. અને કાકાને અને શશીને જુદી જ આર્થિક, સામાજિક અને સાંસ્કારિક ભૂમિકા પર મૂકીને કથાવસ્તુને અસંભવિત કરી નાખ્યું છે. આ નાટકના કથાવસ્તુની અને અંતની કંઈક ચર્ચા મેં અન્યત્ર[17] કરી છે.

બ્રહ્મચર્યાશ્રમ

આ નાટક યરવડા જેલમાં લખાયું હતું. અસહકારની ચળવળમાં ભાગ લઈને જેલમાં આવેલા કેટલાક ભણેલાગણેલા પુરુષો, જેલમાં સ્ત્રીનું દર્શન છીનવાઈ જતાં, બ્રહ્મચર્યનો મહિમા ગાતા હોય છે. ને જેલમાંથી મુક્ત થયા પછી, કોણ જાણે કેમ પણ પોતપોતાને ઘેર ન જતાં કે દેશસેવાનું નામ ન લેતાં, બ્રહ્મચર્યાશ્રમ સ્થાપે છે. રસોયો પણ તેમણે પુરુષ જ રાખ્યો છે. એટલે બ્રહ્મચર્યની વાતો રસ અને ઉલ્લાસપૂર્વક કરવાનું તેમને ફાવે છે. પણ રસોયો માંદો પડતાં, તેની અવેજીમાં પેમલી નામની તેની ભત્રીજી આવે છે. ને આશ્રમના અંતેવાસીઓની આખી દુનિયા બદલાઈ જાય છે. મહાત્માઓ માટીના માનવી બની જાય છે, માંહોમાંહ લડે છે, ઝઘડે છે, મારામારી કરે છે, પેમલી પાસે વેવલાં વીણવા મંડી જાય છે ને એકબીજાને આશ્રમમાંથી હાંકી કાઢવા મથે છે. આશ્રમ ખાલી થઈ જાય છે. રહે છે, આશ્રમના મુખ્ય સ્થાપક ડૉ. માધુભાઈ એકલા. આખી માનવજાતિને અમર બનાવવાની પોતાની યોજના ધૂળમાં મળતાં એ રડે છે. ડૉક્ટર પ્રત્યેની સહાનુભૂતિની પ્રેરી પેમલી રડતાં રડતાં ડૉક્ટરને પોતાના બાહુપાશમાં લઈને આશ્વાસન આપે છે. એકાએક ડૉક્ટરની આંખ ઊઘડે છે ને જુએ છે તો પેમલી એમને વળગી પડી છે. ડૉક્ટરના મોંમાંથી એમની પ્રિય પંક્તિ સરી પડે છે : ‘હરિનો મારગ છે શૂરાનો!’ ને પેમલી પણ હોંશભેર એમાં પોતાનો સૂર પુરાવે છે.

પીડાગ્રસ્ત પ્રોફેસર

મુનશીના ‘સ્નેહસંભ્રમ’નું આ નાટ્યરૂપાંતર છે. નવલકથામાં જે વસ્તુ તાલમેલિયું લાગે છે તે નાટકના—પ્રહસનના—રૂપમાં રોચક લાગે છે.

ડૉ. મધુરિકા

ડૉ. મધુરિકા બૅરિસ્ટર નરેન્દ્ર સાથે શરતી લગ્ન કરે છે. એ શરતોમાં બે શરતો મુખ્ય છે : એક તો નરેન્દ્રે એને એના મનમાન્યા મિત્રો સાથે ફરતી અટકાવવી નહિ. અને બીજું, પ્રજોત્પત્તિથી એને મુક્ત રાખવી. નરેન્દ્ર આ શરતો સ્વીકારે તો છે; પણ દિવસો વીતતા જાય છે તેમ તેમ તેને આ બંધનો ખટકવા લાગે છે. એ મધુરિકાના મિત્ર ડૉ. ગૌરીશની પુત્રી વાસંતી તરફ આકર્ષાવા લાગે છે. પોતાને માટે નિર્બંધ જીવનનાં બધાં દ્વાર ખુલ્લાં રાખવાની આગ્રહી મધુરિકાની આંખમાં આ જોઈને ઝેર આવે છે. ને ‘કાં તો હું નહિ ને કાં તો વાસંતી નહિ’ એમ કહીને બેમાંથી એકની પસંદગી કરવાનું નરેન્દ્રને કહે છે. નરેન્દ્ર મધુરિકાને પસંદ કરે છે, પણ એક શરતે : મધુરિકા શસ્ત્રવૈદ્ય તરીકેનો પોતાનો વ્યવસાય છોડી દે તે. મધુરિકા આ શરત સ્વીકારતી નથી. પણ નરેન્દ્રને તેણે સ્વીકારેલી શરતોનાં બંધનોમાંથી મુક્ત કરે છે.

છીએ તે જ ઠીક

નાટકના નાયક જિતેન્દ્રને પાશ્ચાત્ય સંસ્કારો પ્રત્યે આકર્ષણ છે, નાયિકા ઉર્વશીને, પૌરસ્ત્ય સંસ્કારો પ્રત્યે. એક સાધુની ચમત્કારશક્તિ દ્વારા જિતેન્દ્રના દેહમાં ઉર્વશીનો ને ઉર્વશીના દેહમાં જિતેન્દ્રનો આત્મા સંક્રાન્ત થાય છે. અને જિતેન્દ્ર સ્ત્રીની જેમ ને ઉર્વશી પુરુષની જેમ વર્તવા લાગે છે. પરિણામે અનેક ગોટાળા થાય છે. અંતે બન્નેની માગણીથી પેલો સાધુ ફરીથી ચમત્કાર કરે છે ને બન્નેના આત્માઓને તેમના પોતપોતાના મૂળ દેહમાં પાછા મૂકે છે. આ નાટક પર બૌધાયનના સંસ્કૃત નાટક ‘ભગવદજ્જુકમ્‌’ની અસર જોઈ શકાય.

વાહ રે મૈં વાહ!

મુનશી હૈદરાબાદમાં સ્વતંત્ર ભારતના એજન્ટ-જનરલ નિમાયા તે વખતે હૈદરાબાદમાં રઝાકારોનું જોર હતું ને નિઝામ ભારતનો વિરોધી હતો. આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં મુનશીને હૈદરાબાદ જવામાં જીવનું જોખમ લાગે છે. (આવું લાગવા માટે કારણ, ખરું કહીએ તો, કંઈ નહોતું; કારણ કે મુનશીની પાછળ તો ભારતનું આખું રાજ્ય હતું. જોખમ જેવું હોય તો મુનશી કરતાં વધારે તો હૈદરાબાદનો જે કોઈ એજન્ટ-જનરલ ભારતમાં હોય તેને સ્વાભાવિક રીતે હોય. પણ મુનશીએ આ નાટકમાં તેમ જ અન્યત્ર આ પ્રસંગને મલાવવામાં બાકી નથી રાખી.) હૈદરાબાદ જવાનો નિર્ણય કરતાં પહેલાં મુનશીના મનમાં જે અવઢવ ચાલી તે, ભલે હસવામાં કાઢી નાખી શકાય તે રીતે પણ, આ નાટકમાં આલેખવામાં આવી છે. આ નાટક વિશે દિનમણિશંકર દેસાઈનો અભિપ્રાય નોંધવા જેવો છે : “(આ નાટકમાં) મુનશીએ પોતાનાં અનેક પાત્રોનો વૈભવ પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે; પ્રહસન ઊભું કરવાનું તો બહાનું હતું; પરગુણ-કથન દ્વારા પોતાના ગુણો સ્થાપવાનો એ એક કરુણ પ્રયત્ન હતો ને એ કારણે આ સારાયે આયાસ નથી બનતો નાટક, નથી fantasyની ઊંચાઈએ પહોંચતો; હાસ્યરસ પણ ખૂબ સીમિત બનીને છાંટણા રૂપે જ અહીંતહી થોડી ઝલક આપીને વિરમી જતો જણાય છે,... મુનશીની લેખક મુનશીને હાથે ઠઠ્ઠામશ્કરી થવી તે સહજ સરળ વાત ન હતી. એ મશ્કરીને સાહિત્યના સ્તર સુધી પહોંચાડવા માટે લેખકે પોતાના હુંપદને વાટીઘૂંટીને પી જવાનું હોય છે અને તટસ્થ યોગીની અદા કેળવવી પડે છે. ‘વાહ રે મૈં વાહ’માં એવું શોધવાનો પ્રયત્ન નિષ્ફળ બને છે...”[18]

*

મુનશીની સામાજિક નવલકથાઓ માટે જે કહેવામાં આવ્યું છે તે જ તેમનાં સામાજિક નાટકો માટે પણ કહી શકાય તેમ છે. સમાજશરીરને અંદરથી કોરી ખાતા સાચા અને મહત્ત્વના પ્રશ્નોમાં મુનશીને રસ જ નથી. તેમ જ એક પણ ગંભીર અને ચિરંજીવ સાહિત્યિક ગુણવત્તાવાળા સામાજિક નાટકનું સર્જન મુનશીને હાથે થઈ શક્યું નથી. મુનશીની નજર સમકાલીન ‘લોક’-પ્રિયતાથી આગળ વધી જ નથી.

પૌરાણિક અને ઐતિહાસિક નાટકો

પૌરાણિક નાટકો

‘પૌરાણિક નાટકો’માં ચાર નાટકો—‘પુરંદર પરાજય’ (૧૯૨૨) ‘અવિભક્ત આત્મા’ (૧૯૨૩), ‘તર્પણ’ (૧૯૨૪) અને ‘પુત્રસમોવડી’ (૧૯૨૯)-નો સંગ્રહ કરવામાં આવ્યો છે. એ નાટકોના મને મહત્ત્વના લાગ્યા તેવા કેટલાક મુદ્દાઓની ચર્ચા મેં અન્યત્ર[19] કરી છે. તેની પૂર્તિ રૂપે શ્રી જશવંત શેખડીવાળાનું નીચેનું વિધાન નોંધવા લાયક છે :

“પ્રાચીન ઋષિમુનિઓની ભવ્યતાદિવ્યતાની વાતો નાટ્યલેખક મુનશી તેમનાં નાટકોના પ્રયોજન માટે જ કરતા હેાય છે. બાકી વ્યક્તિ મુનશીને એ પ્રાચીન ઋષિમુનિઓ માટે ઝાઝો પ્રેમ-આદર હોય તેવું જણાતું નથી. તેમણે ‘લોપામુદ્રા’ નાટકત્રયીની ‘પૂર્વકથા’ તરીકે લખેલ નવલકથા ‘લોપામુદ્રા : ખંડ ૧’ (વિશ્વરથ)ના ‘આમુખ’માં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે – ‘ઋષિ યુદ્ધમાં ઊતરી, હજારોનો સંહાર કરી શકે (પૃ. ૬)... જુવાન છોકરાછોકરીઓ પોતાના નખરાંથી એકબીજાને આકર્ષતાં, અને ઋષિઓ રૂપાળી સ્ત્રીઓ આકર્ષવાના મંત્રો બનાવતા. (પૃ. ૭). ... ઋષિઓ હજારો નકટાં કાળાં દાસદાસીઓની ભેટો માગે અને લે, સોમ પી નશો કરે, લોભ અને ક્રોધનું પ્રદર્શન કરે, ધેનુઓના દેનારની પ્રશંસા કરે, નહિ તો દેષના માર્યા એકબીજા પર દેવોનો ક્રોધ ઉતારવાના પ્રયત્નો કરે. કેટલાક ઋષિઓના તો પિતા કોણ તેનાં પણ ઠેકાણાં નહોતાં. છતાં, એમનામાં આદર્શમયતા, દેવોની ભક્તિ, સત્ય અને તપની ઝંખના, થોડી થોડી વારે દેવો સાથે વાતચીત કરવાની ટેવ. આર્યત્વના આ જીવંત વિશ્વકર્માઓ સમજવા ઘણા કઠણ છે. (પૃ. ૮) ...સ્વદેશની કલ્પના નહિ. દેવો અનેક અને જરા જરા વારમાં આર્ય દેવ સગો કે મિત્ર હોય તેમ, ગમે તે એકનો આશ્રય લેવા બેસી જાય. બીભત્સતાનો ખ્યાલ નહિ. લોપામુદ્રા અગસ્ત્યને વીનવે છે તે એવા શબ્દોમાં કે અંગ્રેજી તરજુમા કરનારને લૅટિનમાં છાપવા પડે.’ (પૃ. ૯).”[20]

શ્રદ્ધાળુ હિંદુ ન હોય તેવો કોઈ વાચક પૂરતી સહાનુભૂતિ વિના વેદો કે પુરાણો વાંચે તો આર્યો કે ઋષિઓ તેને આવા લાગે પણ ખરા : પણ મુદ્દાની વાત એ નથી. મુદ્દાની વાત એ છે કે મુનશીને આર્યો કે ઋષિમુનિઓ પ્રત્યે સાચો અને ઊંડો આદર ન હોવા છતાં, એમણે પૂજ્ય અને પ્રતાપી, ભવ્ય અને મહામહિમ પાત્રો રૂપે આર્યોનું અને ઋષિમુનિઓનું સર્જન કરવાનો ઉદ્યમ કર્યો છે. આમ મુનશી ખુદ પોતાની જાત પ્રત્યે સાચુકલા (true) રહી શક્યા નથી : તેથી તેમનાં પાત્રોનાં વાણી અને વર્તન વચ્ચે ગંભીર અસંગતિઓ રહી જવા પામી છે.

ધ્રુવસ્વામિની દેવી

‘ધ્રુવસ્વામિની દેવી’ પૌરાણિક નહિ, પણ ઐતિહાસિક નાટક છે. મુનશી લખે છે : “... સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત (વિક્રમાદિત્ય) બેની વચ્ચે સમુદ્રગુપ્તનો મોટો પુત્ર રામગુપ્ત ગુપ્તોનો રાજ્યદંડ થોડા વખત માટે ધારતો હતો એ શોષ ડૉક્ટર સિલ્વિયન લેવીએ કરી છે. એ રામગુપ્ત કેવો હતો, એનાં નીચ કૃત્યો શાં હતાં અને તે કેવી રીતે મૂઓ, તે પ્રસંગ પર ‘મુદ્રારાક્ષસ’ના કર્તા વિશાખદત્તે ‘દેવી ચંદ્રગુપ્તમ્‌’ નામનું નાટક રચ્યું હતું. એ નાટક હાથ લાગ્યું નથી, પણ તેના ટુકડાઓ ભેગા કરી તેમાં રહેલી ઐતિહાસિક હકીકતનો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. આ નષ્ટ થયેલા નાટકના વસ્તુમાં બીજી ઐતિહાસિક અને કાલ્પનિક સામગ્રી ઉમેરી નવે સ્વરૂપે આ નાટક લખવાનો મેં પ્રયત્ન કર્યો છે.” નાટકનું મુખ્ય પાત્ર ધ્રુવસ્વામિની દેવી મુનશીની પ્રતાપી સ્ત્રીત્વની પ્રિય કલ્પનાને અનુરૂપ છે. પોતાના પતિ રામગુપ્તની પામરતા, અધમતા અને સ્વાર્થાંધતાથી સંત્રસ્ત થઈ એ પોતાના દિયર ચંદ્રગુપ્ત પ્રત્યે આકર્ષાય છે. અને રામગુપ્તનું ગાંડો થઈ ગયો હોવાનો દેખાવ કરનાર ચંદ્રગુપ્તને હાથે મૃત્યુ થતાં, અંતે ચંદ્રગુપ્તને પરણે છે. મુનશીનાં સામાજિક નાટકોમાં જે આછકલાઈ અને નરી લોકાનુરંજનની વૃત્તિ છે અને પૌરાણિક નાટકોમાં ઉચ્ચ ભાવનાઓનો ઉદ્‌ઘોષ કરતાં પાત્રોનાં વાણી અને વર્તન વચ્ચે જે અસંગતિઓ રહી ગઈ છે તે ‘ધ્રુવસ્વામિની દેવી’માં નથી. એટલે નાટક તરીકે એ સફળ અને આસ્વાદ્ય છે. ચંદ્રગુપ્તનું ગાંડપણ હૅમ્લેટની ઘેલછાનું સ્મરણ કરાવે છે. અને ઘેલછામાં હૅમ્લેટ જો એના કાકાનું ખૂન કરે છે તો ચંદ્રગુપ્ત એના ભાઈ રામગુપ્તનું ખૂન કરે છે. હૅમ્લેટ ખરેખર ગાંડો હતો કે એ ગાંડો હોવાનો માત્ર દેખાવ જ કરતો હતો તે શેક્‌સ્પિયરે અકળ જ રહેવા દીધું છે. ચંદ્રગુપ્ત ખરેખર ગાંડો નહોતો એ મુનશીએ લેશ પણ સંદિગ્ધ રહેવા દીધું નથી. આને લીધે ચંદ્રગુપ્ત તકવાદી છે અને પોતાનો સ્વાર્થ સાધવા માટે એટલે કે રાજપદ અને ધ્રુવસ્વામિનીને પામવા માટે એ કંઈ પણ કરતાં પાછું વાળીને જુએ તેમ નથી, એ દીવા જેવું થઈ જાય છે. ચંદ્રગુપ્તનું આ વર્તન મુનશીના કુનેહ, હોશિયારી વગેરેના ખ્યાલને સર્વથા અનુરૂપ છે તે, અલબત્ત, સ્વીકારવું જોઈએ. ચંદ્રગુપ્ત અને ધ્રુવસ્વામિની વચ્ચેનો પ્રણય મુનશીની કલ્પનાનું સર્જન છે. એને માટે ઇતિહાસનો કશો આધાર નથી.

લોપામુદ્રા : ભાગ ૨ ૩ , ૪

‘લોપામુદ્રા’નો પહેલો ભાગ (વિશ્વરથ) નવલકથારૂપે આલેખાયેલો છે. ભાગ ૨ (શમ્બરકન્યા), ભાગ ૩ (દેવે દીધેલી) અને ભાગ ૪ (વિશ્વામિત્ર ઋષિ) નાટક રૂપે આલેખાયા છે. આ નાટકત્રયીમાં ભરતકુળનો આર્ય રાજા વિશ્વરથ ઋષિ વિશ્વામિત્ર શી રીને બન્યો તે બતાવવામાં આવ્યું છે. પહેલા નાટક ‘શમ્બરકન્યામાં શમ્બરગઢના દસ્યુ રાજા શમ્બરની પુત્રી ઉગ્રા સાથેના વિશ્વરથના પ્રેમનું અને તે માટે ઉગ્રાએ આપેલા પોતાના સર્વસ્વના બલિદાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજા નાટક ‘દેવે દીધેલી’માં ઉગ્રાને પોતાની રાણી બનાવવાના વિશ્વરથના નિર્ણયને લીધે તેને (વિશ્વરથને) દસ્યુઓના કટ્ટર વિરોધી ને આર્યોની શ્રેષ્ઠતા અને શુદ્ધિના આગ્રહી, તેના ગુરુ અગસ્ત્ય સાથે જે સંઘર્ષ થાય છે તેનું આલેખન કરવામાં આવ્યું છે. અને ત્રીજા નાટક ‘વિશ્વામિત્ર ઋષિ’માં દસ્યુઓની મુક્તિ અને સર્વ જાતિઓની સમાનતા અને બંધુતા સિદ્ધ કરવા માટે વિશ્વરથને બીજા આર્યો સાથે, વસિષ્ઠ સાથે અને ખુદ પોતાની જાતની સાથે કેવો સંઘર્ષ થાય છે તે આલેખવામાં આવ્યું છે. આમ, આર્યત્વ જન્મજાત નહિ ૫ણ સંસ્કારસાધ્ય છે એ સત્યનું દર્શન આ નાટકત્રયીમાં કરાવવાનો મુનશીનો ઉપક્રમ છે. નવલકથા અને નાટકત્રયીનું શીર્ષક ‘લોપામુદ્રા’ રાખવામાં આવ્યું છે. લોપામુદ્રા આ ચારે કૃતિઓનું, અલબત્ત, એક મહત્ત્વનું પાત્ર છે. લોપામુદ્રા મંત્રદ્રષ્ટા અને ઋષિ છે. અગસ્ત્ય પ્રત્યે એને અસાધારણ પ્રેમ છે. અને છતાં તેના પ્રણયભાજન અગસ્ત્યને નથી તે વિશ્વરથના આર્યત્વના દર્શનમાં તેને શ્રદ્ધા છે. અને છેલ્લે એ પ્રેમભરી સમજાવટથી અગસ્ત્યને જડતા અને કટુતાથી મુક્ત કરે છે તે વિશ્વરથ-ઉગ્રાના લગ્ન પ્રત્યે તેને સહિષ્ણુ અને સમભાવશીલ બનાવે છે. નવલકથા તેમ જ નાટકત્રયીનું સૌથી મહત્ત્વનું પાત્ર, તેમ છતાં, વિશ્વરથ જ રહે છે. નાટકત્રયીના વાચન પહેલાં નવલકથાનું વાચન કરવું અનિવાર્ય છે. નાટકત્રયીના ગુણદોષની સૂક્ષ્મ અને સાધાર, ચર્ચા શ્રી જશવંત શેખડીવાળાએ ‘ગ્રંથ’ના કનૈયાલાલ મુનશી વિશેષાંકમાંના એમના લેખ ‘મુનશીનાં પૌરાણિક નાટકો’માં કરી છે.

*

મુનશીની પ્રતિભાનો વિશેષ તેમની વસ્તુસંકલનામાં નહિ તેટલો પાત્રસર્જનમાં રહ્યો છે એમ આપણે ત્યાં કહેવાતું અને સ્વીકારાતું આવ્યું છે. મુનશીને એક તરફથી વીસમી સદીના પહેલા બેત્રણ દાયકાઓનું જીવન નિઃસત્ત્વ અને સંકુચિત લાગે છે. ને બીજી તરફથી તેમને પ્રબળ રીતે આકર્ષે છે સત્તા અને પ્રભાવની મૂર્તિ જેવા નેપોલિયન, સિઝર, પરશુરામ વગેરે લોકોત્તર મહામાનવો, supermen, men of power. એટલે વર્તમાનના વેંતિયાઓ તેમણે સર્જ્યા ખરાઃ પણ તેમનો મુખ્યત્વે ઉપહાસ કરવાને. અને પોતાના પ્રભાવથી સૌને ડારતા ને દઝાડતા મહામાનવોના સર્જન માટે એ ઇતિહાસ તરફ વળ્યા. ઇતિહાસનો તો અમથો એવો આધાર લઈને, ગ્રીસ અને રોમની જે સંસ્કૃતિએ તેમને મુગ્ધ કર્યા હતા તેનાં ભવ્ય પ્રભાવશાળી પાત્રો જેવાં પાત્રો તેમણે ભારતના અને ગુજરાતના ભૂતકાળમાં કલ્પનાથી ઊભાં કર્યાં[21] અને ગુજરાતને મુંજાલ, કાક, મુંજ, શુક્રાચાર્ય, ઔર્વ, કૌટિલ્ય, પરશુરામ, વિશ્વરથ, (‘પુત્રસમોવડી’નો) વસિષ્ઠ, કૃષ્ણ, બાડા મહારાજ, મંજરી, દેવયાની, લોપામુદ્રા, સુકન્યા, અરુંધતી વગેરે અનેક નાનાંમોટાં પાત્રો મળ્યાં.

મુનશીના વ્યક્તિત્વમાં કેટલાંક પરસ્પર વિરોધી તત્ત્વો જોવા મળે છે. એક તરફથી એમને સત્ય, ઋત, ત્યાગ, તપ, પ્રેમ વગેરે પ્રત્યે આદર છે; તો બીજી તરફથી એમને જીવનમાં કોઈ પણ ભોગે ને કોઈ પણ ઉપાયે સિદ્ધ કરવા જેવું કંઈ દેખાતું હોય તો તે ભૌતિક સફળતા (success) છે. એક તરફથી એમને પ્રતાપી, ગર્વિષ્ઠ ને પુરુષસમોવડ સ્ત્રીત્વ આકર્ષે છે : તો બીજી તરફથી તેમના હૃદયમાં ઊંડે ઊંડે દૃઢમૂલ થઈને પડ્યો છે ખ્યાલ પુરુષની સરસાઈનો ને સાર્વભૌમત્વનો. એક તરફથી એમને રુચતી દેખાય છે વર્ણ કે જાતિ, લિંગ કે વય, કશાના પણ ભેદભાવ વિના, માનવમાત્રની સમાનતા, બંધુતા અને સ્વતંત્રતા : તો બીજી તરફથી તેમનામાં સ્થાને-અસ્થાને ડોકાયાં કરતું જ હોય છે બ્રાહ્મણ તરીકેનું અને તેમાં પણ પાછું ભાર્ગવ બ્રાહ્મણ તરીકેનું અભિમાન. એક તરફથી એમનામાં ઊભરાઈ જતી હોય છે ગુજરાતભક્તિ : તો બીજી તરફથી એમના સમકાલીન ગુજરાતના પ્રોફેસરો, ડૉક્ટરો, વકીલો, વેપારીઓ, કૉલેજિયન યુવાનો અને યુવતીઓ, સરકારી નોકરો ને અસહકારી દેશભક્તો, કશેય એમને કશું પણ શ્રીમત્‌ કે ઊર્જિત વિભૂતિમત્‌ તત્ત્વ નજરે પડતું નથી, ને ભૂતકાલમાં પણ એમને તેનો પ્રક્ષેપ કરવો પડે છે, મોટે ભાગે તો કલ્પનાથી. એક તરફથી તે પોતાનાં પાત્રોનું આલેખન ચમત્કારમુક્ત અને બુદ્ધિગ્રાહ્ય રીતે કરવાનો પ્રયત્ન કરે છે : ને બીજી તરફ તેમને પોતાનાં પૌરાણિક નાટકોમાં ને નવલકથાઓમાં કોઈ ને કોઈ પ્રકારનો પણ ચમત્કાર લાવ્યા વિના ચાલતું નથી. આને પરિણામે, મુનશી જે ઉચ્ચાતિઉચ્ચ ભાવનાઓ અને આદર્શોનો બુલંદ રણકાર પોતાનાં નાટકોમાં અને નવલકથાઓમાં કરી રહ્યા છે તે પાત્રોના વર્તનમાંથી અને કૃતિના નિર્વહણમાંથી સ્વયમેવ સ્ફુરી નીકળતાં નથી. અને તેમનાં ભવ્ય અને પ્રતાપી લાગતાં પાત્રો ક્યાંક ને ક્યાંક પણ ચાતરી ગયા વિના રહેતાં નથી. દેવયાની, લોપામુદ્રા, મંજરી, પ્રસન્ન, ચૌલા આદિ અનેક તેજરવી સ્ત્રીપાત્રો તેમના પિતાની પ્રેરણાથી કે સંમતિથી, પોતાનું કામ કઢાવી લેવું હોય તો, નખરાં કરતાંય પાછું વાળીને જોતાં નથી. મુનશીનાં પાત્રો બોલતાં ગમે તે હોય; વ્યવહારમાં તેમનું ધોરણ છે એક જઃ સફળતા, ‘યેન કેન પ્રકારેણ’ સફળતા. આનું અનિવાર્ય પરિણામ એ આવ્યું છે કે મુનશી જે પાત્રોને આપણી પાસે ભવ્ય અને પ્રતાપી તરીકે રજૂ કરવા મથે છે તે પાત્રો ખરેખર ભવ્ય અને પ્રતાપી બનતાં ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. અને જે પાત્રોને એમણે સંસ્કારનો ઓપ આપ્યા વિના આલેખ્યાં છે તે પાત્રો—ઋક્ષ, નેરો બોબડો, મોહન મેડિકો, શિવરાશિ, સત્યાશ્રય વગેરે—વાચકોને ગમી જાય તેવાં સર્જાયાં છે.

(ઇ)

નવલિકાઓ

મારી કમલા અને બીજી વાતો (૧૯૨૧)

મુનશીએ લેખકજીવનનો પ્રારંભ નવલિકાથી કર્યો. એમની પહેલી નવલિકા ‘મારી કમલા’ ૧૯૧૨માં ‘સ્ત્રીબોધ’માં ઘનશ્યામ વ્યાસના તખલ્લુસ નીચે પ્રકટ થઈ. તે નવલિકાએ નરસિંહરાવનું ધ્યાન ખેંચ્યું ને નરસિંહરાવે મુનશીને ઘેર જઈ તેમને અભિનંદન આપ્યાં. ત્યાર બાદ મુનશીએ ‘કોકિલા’ લખી. ને ‘ગુજરાતી’ના દિવાળી અંકમાં પ્રકટ થઈ. પણ ૧૯૧૪માં એમણે ‘વેરની વસૂલાત’નું ધારાવાહી પ્રકાશન શરૂ કર્યું. અને એનો જે સત્કાર થયોતેને લીધે મુનશી નવલકથા અને નાટકનાં ક્ષેત્રો તરફ વળી ગયા. ને તેમની પાસેથી નવલિકાઓનો માત્ર એક જ સંગ્રહ મળ્યો. મુનશીની નવલિકાઓમાં ગંભીર અને અગંભીર, બંને પ્રકારની નવલિકાઓ છે. ગંભીર નવલિકાઓમાં કાં તો કોઈ તત્કાલીન સામાજિક પ્રશ્ન કે પરિસ્થિતિનું આલેખન કરવામાં આવ્યું હોય છે ને કાં તો કોઈ માનસશાસ્ત્રીય કૂટ પ્રશ્ન નિરૂપાયો હોય છે. વિષયમાં કે આલેખનની રીતિમાં મુનશી કોઈ નવું પ્રસ્થાન કરી શક્યા નથી. મુનશીની અગંભીર નવલિકાઓ કંઈક વિશેષ સુવાચ્ય છે. એ નવલિકાઓમાં પણ નવલિકાના કલાસ્વરૂપની દૃષ્ટિએ અનવદ્ય ગણાય એવી એક પણ નવલિકા નથી એ ખરું; પણ તેમાં મુનશીને દંભ, મિથ્યાભિમાન, વિવેકહીન રૂઢિદાસ્ય, વેદિયાવેડા વગેરેને પોતાના કટાક્ષનું લક્ષ્ય બનાવવાનો અવકાશ મળે છે. મુનશીનું હાસ્ય ઘણી વાર પરિસ્થિતિનિષ્ઠ હોય છે, તો કેટલીક વાર પાત્રમાનસની અસંગતિમાંથી નિષ્પન્ન થતું હોય છે. ગુજરાતી ભાષામાં નવલિકાના સ્વરૂપની જે ઉત્ક્રાન્તિ થઈ તેમાં મુનશીનું પ્રદાન શું ઇયત્તા કે શું ગુણવત્તા, શું કોઈક ક્ષેત્રમાં નવપ્રસ્થાન કે શું નખશિખસુંદર કલાવિધાન, કોઈ પણ દૃષ્ટિએ અપૂર્વ કે અનન્ય ગણી શકાય તેમ નથી.

(ઈ)

આત્મકથા

૧. અડધે રસ્તે (૧૯૪૨), ૨. સીધાં ચઢાણ પુસ્તક ૧, ૨ (૧૯૪૩), ૩. સ્વપ્ન-સિદ્ધિની શોધમાં (૧૯૫૩) ‘અડધે રસ્તે’માં મુનશીનાં પહેલાં વીસ વર્ષની (૧૮૮૭થી ૧૯૦૬ સુધીની) કથા છે. ‘સીધાં ચઢાણ’માં ૧૯૦૭થી ૧૯૨૨ સુધીના સમયને અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’માં ૧૯૨૩થી ૧૯૨૬ સુધીના સમયને આવરી લેવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ‘અડધે રસ્તે’માં પોતે બાલ્યકાળ વિતાવી વડોદરા કૉલેજમાં દાખલ થયા ત્યાં સુધીની, ‘સીધાં ચઢાણ’માં પોતે મુંબઈમાં વકીલાત શરૂ કરી અને જાહેર જીવનમાં પડવાના પ્રયત્નો કર્યા ત્યાંથી શરૂ કરીને વકીલાતમાં સ્થિર થયા અને લીલાવતીબહેન સાથે લગ્ન થતાં, એમના જીવનનો એક મહાવિગ્રહ પૂરો થયો અને રાજકારણનું ક્ષેત્ર છોડીને, લીલાવતીબહેનના સહયોગ અને પ્રેરણાથી સાહિત્યના ક્ષેત્રનું નેતૃત્વ સ્વીકાર્યું ત્યાં સુધીની અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’-માં પોતાના જીવનનાં ૧૯૨૩થી ૧૯૨૬ સુધીનાં વર્ષોની કથાનું—ખાસ કરીને લીલાવતીબહેન સાથે તેમનાં લગ્ન થયાં તે પહેલાંના સમયની આશા-નિરાશા, તલસાટ, મંથનો આદિની કથાનું—પત્રો, રોજનીશી વગેરેમાંથી ટાંચણો આપીને મુનશીએ આલેખન કર્યું છે. મુનશીનાં પહેલી વારનાં પત્ની અતિલક્ષ્મીબહેન જીવતાં હતાં ત્યારે, ન એમના પ્રત્યે બેવફા થઈ શકાય, અને ન લીલાવતીબહેનના સહચાર વિના જીવનની ઊણપ પૂરી શકાય એવી મુનશીની મનોદશાનો આલેખ ખાસ કરીને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’થી મળે છે. મુનશી માને છે કે એમણે ગુજરાતની અસ્મિતા સિદ્ધ કરી.[22] એ સિદ્ધ થઈ ખાસ તો બે વસ્તુઓથી : લીલાવતીબહેન સાથે લગ્ન કરીને તેમણે અવિભક્ત આત્માનું દર્શન કર્યું, અથવા, બીજી રીતે કહીએ તો એ લગ્ન દ્વારા એમણે કોઈ મહાન ક્રાન્તિકારી અને ગુજરાતના જીવનને જુદી દિશામાં વાળનાર પગલું ભર્યું. બીજી વસ્તુ તે સાહિત્ય સંસદની સ્થાપના ને ‘ગુજરાત’ માસિકનું પ્રકાશન. આ દ્વારા તેમણે ગુજરાત પાસે સરસતા, ભાવનાત્મક અપૂર્વતા, જીવનનો ઉલ્લાસ વગેરે આદર્શો મૂક્યા. મુનશીના પોતાના જીવન પર આ બે ઘટનાઓની અને કદાચ એમના કૌટુંબિક જીવન પર પહેલી ઘટનાની પ્રબળ અસર થઈ હશે એ ખરું; પણ ગુજરાતના રાજકીય, સાંસ્કારિક અને સામાજિક જીવન પર આ ઘટનાઓની કોઈ વિશિષ્ટ અને ચિરંજીવ અસર થઈ હોય એમ લાગતું નથી. ત્રીશીનો અને ત્યાર પછીનાં વર્ષોનો સાહિત્યરાશિ હજી સુલભ છે. તેના પર અમથી એવી નજર ફેરવી જવાથી પણ તટસ્થ અને અધિકારી વાચક જોઈ શકશે કે ત્રીશીના શક્તિશાલી લેખકોનો ઘણો મોટો ભાગ મુનશીની જીવનવિષયક કે સાહિત્યવિષયક વિચારણાથી થયો છે તેના કરતાં વિશેષ ગાંધીજીની જીવનવિષયક અને બલવંતરાય ઠાકોરની સાહિત્યવિષયક વિચારણાથી પ્રભાવિત થયો છે. મુનશીની ઐતિહાસિક નવલકથાત્રયીને મળેલા સત્કારથી પ્રભાવિત થઈને ગુજરાતના કેટલાક નવલકથાલેખકો થોડો સમય સોલંકીયુગની નવલકથાઓ લખવા તરફ વળ્યા હતા તે હકીકત, અલબત્ત, સ્વીકારવી જોઈએ.[23] મુનશીની આત્મકથા ‘અડધે રસ્તે’માં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના ભરૂચના ટેકરાના કેટલાક મુનશીઓનાં મનોરમ શબ્દચિત્રો આપવામાં આવ્યાં છે; તેમ જ બાળક મુનશીની તરંગલીલાઓ અને વડોદરા કૉલેજનું વાતાવરણ આલેખવામાં આવ્યાં છે. ‘સીધાં ચઢાણ’ના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ લેખનકલાની દૃષ્ટિએ કંઈક વિશૃંખલ અને નબળા લાગે છે. અને તેની ગદ્યશૈલી પણ કાચી છે. ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’માં પ્રાધાન્ય ઘટનાનું નહિ પણ મુનશીનાં મનોમંથનોનું હોવાથી, એ ‘અડધે રસ્તે’ જેટલી આસ્વાદ્ય થઈ શકતી નથી. મુનશીની આત્મકથા નવલકથા જેટલા રસથી વાંચી શકાય છે એમ કહીને ઘણાએ એની પ્રશંસા કરી છે. પણ આત્મકથાની ઉત્કૃષ્ટતાનું લક્ષણ એની કેવળ રસાવહતા નહિ પણ વ્યક્તિના જીવનચિત્રની યથાર્થતા હોય છે. આત્મકથામાં સ્મૃતિ પર પણ આધાર રાખવાનો હોય છે; ને સ્મૃતિ પર આધાર રાખવાનો હોય ત્યારે તેમાં કલ્પના પણ ઓછાવત્તા પ્રમાણમાં ભળી જતી હોય છે. એટલે ઉત્કૃષ્ટ સર્જકશક્તિવાળા લેખકે તો આત્મકથા લખતી વેળા સવિશેષ સાવધાન રહેવાનું હોય છે. નવલકથાના વાચક કરતાં આત્મકથાના વાચકની અપેક્ષા જુદી હોય છે તેમ નવલકથાકાર કરતાં આત્મકથાના લેખકનું લક્ષ્ય પણ જુદું હોય છે. નવલકથાકારે કરવાની હોય છે કલ્પનાસ્પર્શી નવરસરુચિરા સૌન્દર્યનિર્મિતિ; આત્મકથાના લેખકે આપવાનો હોય છે પોતાના ઘડતર અને વિકાસનો હકીકતનિષ્ઠ આલેખ, આત્મકથા એવો આલેખ પણ આપે અને નવલકથા જેટલા રસપૂર્વક વાંચી પણ શકાય એવું ન બને તેમ નહિ; પણ મુનશીની આત્મકથા એ કક્ષાએ પહોંચતી હોય તેમ લાગતું નથી. ગાંધીજી, ઇન્દુલાલ યાજ્ઞિક, જગજીવન બાપા (જગજીવન ઓધવજી મહેતા), દુર્ગાશંકર શાસ્ત્રી, નાનજી કાલિદાસ વગેરેની આત્મકથામાં, નર્મદની ‘મારી હકીકત’માં કે કાકા કાલેલકરની ‘સ્મરણયાત્રા’નાં સ્મૃતિચિત્રોમાં પણ સત્યનો જે રણકો સંભળાય છે તે મુનશીની આત્મકથામાં નથી સંભળાતો. આત્મકથામાં પણ મુનશી નવલકથાકાર જ રહ્યા છે.

જીવનચરિત્રો

૧. નરસૈંયો – ભક્ત હરિનો. (૧૯૩૩), ૨. નર્મદ-અર્વાચીનોમાં આદ્ય (૧૯૩૯)

નરસૈંયો – ભક્ત હરિને

આ પુસ્તકમાં મુનશીએ નરસિંહ મહેતાનો સમય, નરસિંહની કૃતિઓ અને ‘હારમાળા’નું કર્તૃત્વ નરસિંહનું ખરું કે નહિ, એ ત્રણ મુદ્દાઓની ચર્ચા કરી છે. ને ત્યાર બાદ સાત પ્રકરણોમાં નરસિંહ મહેતાના જીવનનાં વિવિધ પાસાંઓને, મુખ્યત્વે તેનાં કાવ્યોને આધારે આલેખ્યાં છે. આ આલેખન, અલબત્ત, નરસિંહના જીવનનાં જાણીતાં પાસાંઓનું જ છે. પણ તેમાં નરસિંહના જીવન સાથે સંકળાયેલા ચમત્કારોને ગાળી નાખવામાં આવ્યા છે અને ચમત્કારક ગણાતી ઘટનાઓને બુદ્ધિની ભૂમિકા પર રહીને નિરૂપવામાં આવી છે. શ્રી વિશ્વનાથ ભટ્ટ કહે છે તે પ્રમાણે, “નરસિંહ મહેતો કોઈ બાવાને શંકર માની લે,—ઘડીભર જ નહિ પણ તળાજાથી દ્વારકા જતાં સુધીના દિવસોના દિવસો સુધી શંકર માની લે, દ્વારકામાં કોઈ રાસમંડળીને કૃષ્ણ-ગોપીનો અખંડ વ્રજનો રાસ માની લે, ત્યાંની કોઈ સ્ત્રીને રુક્મિણી માની લે અને આમ એના જીવનમાં ભ્રમણાઓની પરંપરા ચાલ્યા કરે એ સંભવિત કે પ્રતીતિજનક લાગતું નથી.” નરસિંહને મુનશીએ, અલબત્ત, જીવતો કરી દીધો છે. પણ એ નરસિંહ મુનશીનો નરસિંહ છે. પાંચસોએક વર્ષથી ગુજરાતી પ્રજાના હૃદયમાં આસન જમાવીને બેસી ગયેલો નરસિંહ નથી.

નર્મદ—અર્વાચીનોમાં આદ્ય

આ ચરિત્ર વિશેષ વ્યવસ્થિત રીતે લખાયેલું છે. એમાં નર્મદના જન્મસમયનું સુરત, પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કૃતિના સંપર્કને પરિણામે ત્યાં આવેલી જાગૃતિ અને એ સમયના કેટલાક મુખ્ય સુધારકો અને વ્યક્તિ-વિશેષોના સંદર્ભમાં નર્મદના જન્મથી મૃત્યુ સુધીની મહત્ત્વની ઘટનાઓનું આલેખન કરવામાં આવ્યું છે. એટલું જ નહિ પણ નર્મદની સાહિત્યસેવાનું પણ મૂલ્યાંકન થયું છે. આ કૃતિ, અલબત્ત, નર્મદની વિસ્તૃત અને પ્રમાણભૂત જીવનકથા નથી; પણ નર્મદનું સજીવ અને સુરેખ શબ્દચિત્ર છે. એમાં વીર સત્ય ને રસિક ટેકીપણાની મૂર્તિ જેવો નર્મદ ખડો થાય છે. મુનશી આ નવયુગના અરુણને રાષ્ટ્રીય અસ્મિતાના દ્રષ્ટા તરીકે ઓળખાવે છે. એમાં, નર્મદ હિન્દુ છે, તેને હિન્દુપણાનું અભિમાન છે અને હિન્દુઓને જ તે દેશજનતા ગણે છે, તેને મન ભારતનું રાષ્ટ્ર એટલે હિન્દુરાષ્ટ્ર જ, એ હકીકતની ઉપેક્ષા થઈ છે. આ ચરિત્રો ઉપરાંત, ‘ગુજરાતના જ્યોતિર્ધરો’ અને ‘શિશુ અને સખી’નો પણ આ વિભાગમાં સમાવેશ કરી શકાય.

ગુજરાતના જ્યોતિર્ધરો

આ નાનકડી પુસ્તિકામાં સહસ્ત્રાર્જુન કાર્તવીર્ય અને પરશુરામથી શરૂ કરીને મહાત્મા ગાંધી સુધીના ગુજરાતના કેટલાક લોકોત્તર શક્તિસંપન્ન સંસ્કારસ્વામીઓ અને વ્યક્તિવિશેષોનાં મિતાક્ષર ચિત્રો કવિત્વમય શૈલીમાં આલેખવામાં આવ્યા છે. આ લેખ ‘કેટલાક લેખો’ (૧૯૨૪)માં સંગૃહીત કરવામાં આવ્યો છે.

શિશુ અને સખી (૧૯૩૨)

શિશુ, સતી અને સખીની આ કથા પ્રકારાન્તરે આત્મકથા જ છે. મુનશીએ પોતાની આત્મકથાઓ, ‘I Follow the Mahatma’, કુલપતિના પત્રો, ‘મારી બિનજવાબદાર કહાણી’ વગેરેમાં એમને પોતાને માટે જે કંઈ કહેવા જેવું લાગ્યું તે બધું કહી દીધું છે. એટલે મુનશીનો કોઈ પણ વાચક શિશુ, સતી અને સખી કોણ તે તરત સમજી શકે તેમ છે. ‘સીધાં ચઢાણ’ અને ખાસ કરીને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’માં જે વાત કહેવામાં આવી છે તે જ શબ્દાન્તરે અને રૂપાન્તરે અહીં કહેવાઈ છે. વાત અહીં વાર્તા રૂપે ત્રીજા પુરુષમાં રજૂ થઈ હોવાથી, અન્ત, અલબત્ત, કાલ્પનિક છે. ‘શિશુ અને સખી’માં સતી અવસાન પામે છે અને સખી વિધવા થાય છે એટલે શિશુ અને સખીના મિલન માટેનો માર્ગ મોકળો થાય છે. આત્માનાં વિભક્ત થયેલાં અડધિયાં ફરીથી સંલગ્ન થાય છે ને જીવન આનંદની કોઈ અખંડ પરંપરા જેવું થઈ જાય છે. એક દિવસ શિશુ અને સખી સમુદ્રતટે એક જીર્ણ મંદિરમાં જાય છે. ત્યાં એમને કોઈ પૂજ્ય અને પ્રતાપી મહાર્ષિની ઝાંખી થાય છે. મહર્ષિ તેમને જીવનનો સાચો મર્મ અને ત્યાગની મહત્તા સમજાવે છે. સાચું જીવન એટલે સત્ય, તપ અને ઋત. આર્યાવર્તનો પ્રાણ આ છે એમ પ્રબોધે છે અને શિશુ અને સખી એ સંદેશ સ્વીકારે છે. કવિત્વમય શૈલીને લીધે કૃતિ કોઈ ગદ્યકાવ્ય જેવી બની છે. અને તેના કેટલાક અંશો ઘણા સુંદર છે.


  1. ૧. Gujarat And Its Literature (૧૯૩૫), P. ૩૨૯.
  2. ૨. સ્વપ્નદ્રષ્ટા, ૧૯૪૨ની ચોથી આવૃત્તિ, પૃ. ૩૩૬.
  3. ૩. એજન પૃ. ૨૪૩.
  4. ૪. સુદર્શન અને તેના મિત્રો તો વિજયના નશામાં ચકચૂર બની ગયા. તેમણે સમાધાન તોડી પાડ્યું હતું; કૉંગ્રેસ પાસે તોફાન કરાવ્યું હતું; નેતાઓ પાસે ઇતિહાસ ઘડાવ્યો હતો.—એજન, પૃ. ૨૯૯.
  5. ૫. એજન, પૃ. ૩૦૫.
  6. ૬. એજન, પૃ. ૩૫૦.
  7. ૭. એજન, પૃ. ૧૯૯.
  8. ૮. એજન, પૃ. ૨૯૬.
  9. ૯. ગ્રંથ : કનૈયાલાલ મુનશી વિશેષાંક, પૃ. ૪૫.
  10. ૧૦. મુનશીએ મીનળ અને મુંજાલ વચ્ચેના પ્રણયનું આલેખન કર્યું તેથી તો જૈનોએ એનો ઉગ્ર વિરોધ કર્યો હતો એમ મુનશી અને એમના પક્ષકારો લખે છે. આ સાચું હશે કારણ કે ‘પાટણની પ્રભુતા’થી રીસે ભરાઈને નારાયણ વિસનજી ઠક્કુરે ‘મહારાણી મયણલ્લા’ નામની એક નવલકથા લખેલી અને તેમાં મીનળ પવિત્રતાની મૂર્તિ હતી એવું પ્રતિપાદન કરેલું. મીનળના મુંજાલ પ્રત્યેના પ્રેમના આલેખનથી જે જૈનોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું કહેવાય છે તે જૈનોની ધાર્મિક લાગણી એમના સાધુ આનંદસૂરિને દેવપ્રસાદનું ખૂન કરાવવાની હદ સુધી આલેખાતો જોઈને નહોતી દુભાણી તે નવાઈ જેવું છે. મીનળ વિધવા હતી, જૈન સાધ્વી નહોતી, આનંદસૂરિ તો વિધિપૂર્વક દીક્ષિત થયેલો જૈન સાધુ હતો.
  11. ૧૧. ‘કાકને પત્ર’ - ‘કનૈયાલાલ મુનશી’ (વોરા)
  12. ૧૧. એજન
  13. ૧૨. ગ્રંથ : કનૈયાલાલ મુનશી વિશેષાંક, ૧૯૭૧. પૃ. ૧૩૨.
  14. ૧૩. એજન, પૃ. ૬૩.
  15. ૧૪. એજન પૃ. ૧૩૩.
  16. ૧. સ્વપ્નસિદ્ધિની શોધમાં, પૃ. ૨૪૪-૪૫.
  17. ૨. કનૈયાલાલ મુનશી (વોરા)
  18. ૩. ગ્રંથ : કનૈયાલાલ મુનશી વિશેષાંક, ૧૯૭૧, પૃ. ૧૨૬.
  19. ૪. કનૈયાલાલ મુનશી (વોરા)
  20. ૫. ગ્રંથ : કનૈયાલાલ મુનશી વિશેષાંક, પૃ. ૭૫.
  21. ૬. “ગુજરાતનો ઇતિહાસ ત્યારે હતો જ નહિ. હજી રણજિતરામને હું મળ્યો નહોતો. મેં ફાર્બસ રાસમાળા સિવાય ખાસ વાંચ્યું નહોતું. પણ ષડ્‌રિપુમંડળ અને ગૂર્જર સભાના સંપર્કથી ગુજરાતી સાહિત્ય પ્રત્યે પ્રીતિ થઈ. એ સાહિત્યના સ્પર્શ વડે ગુજરાતની મહત્તા મેં કલ્પી... આ મહત્તાના વિધાયકની શોધમાં મારી પ્રભાવવૃત્તિની મદદથી કલ્પનાએ મુંજાલ મહેતાને જન્મ દીધો. મુંજાલ આમ મારી ગુજરાતની અસ્મિતાનો (નું?) સંતાન અને પિતા બંને છે” – મધ્વરણ્ય, પૃ. ૯૨-૯૩
  22. ૧. “જૂની પ્રણાલિકાઓ મેં તોડીને હસી કાઢી. ધર્માંધતા, આડંબર, શિષ્ટાચારનાં ઠાલી (ઠાલાં?) ધોરણો મેં તિરસ્કાર્યાં. પણ જીવનમાં ને સાહિત્યમાં હું મૂર્તિભંજક ન બની શક્યો. ગુજરાતની અસ્મિતાનો હું ધ્વજધારી બન્યો હતો, પણ જીવનનો એક મહાવિગ્રહ પૂરો થયે નવા કોઠા આગળ હું આવીને ઊભો. ગુજરાતની અસ્મિતા શાથી થઈ? કેમ સુદૃઢ બને? કઈ એની દિશા? શું એનું ધ્યેય? – સ્વપ્રસિદ્ધિની શોધમાં, પૃ. ૩૭૩
  23. ૨. સાહિત્યમાં જે કોઈ કૃતિ સવિશેષ વખણાય ને વિવેચકો અને વાચકોનું ધ્યાન ખેંચે તેનું અનુકરણ થવું શરૂ થઈ જતું જ હોય છે.