ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/પ્રશ્ન તુજ — સુન્દરમ્
સુન્દરમ્
ઘણા કહેશે, ‘આવો પ્રણય ન કદી હોય ઉચિત.
કશા વિશ્વાસેથી મિલન જગતે યોજિત કર્યું,
કયા અર્થે ને ત્યાં કઈ વિધ તમારું ચિત ફર્યું,
કયા પાટે બીજે ચડી જ ગઈ ગાડી અકલિત !’
તું યે શું કહેશે તે કઠિન કરવું કલ્પન હવે
કંઈ આવું : ‘દ્રોહી ! મુજ હૃદયના ભાવ અવળા
બધા વાંચ્યા, તારા મગજ તણી કૈં વૃત્તિ ચપળા
રહી નર્તી, તારી વિકૃતિ ઉરનાં જલ્પન લવે.’
મને આવી તેવી નહિ સમજ, હું માત્ર સમજ્યો-
પડ્યો જયારે પહેલો મુજ તૃણમયી સૃષ્ટિ દહતો
અજાણ્યા વહ્નિનો કણ, ક્ષણથી તે વૃદ્ધિ ગ્રહતો
રહે, તેવાં મારાં હવિ અરપવાં. ના ભય ભજ્યો.
પછાડ્યો મેં તારે ચરણ રણતો સ્નેહ મુજનો,
સુનેરી સિક્કા શો, અવ શું કરવું - પ્રશ્ન તુજનો !
– સુન્દરમ્
ચાળીસ વર્ષ નાનોસૂનો સમયગાળો ન કહેવાય કવિની કારકિર્દીમાં. કલાપી, મણિલાલ, રાવજી, બાયરન, શેલી, રુપર્ટ બ્રુક, એડવર્ડ થોમસ અને કીટ્સ તો જન્મી, ગાઈ અને મરીયે ગયા ચાળીસ પતતાં પહેલાં. ૧૯૫૧માં ‘યાત્રા’ પછીના ક્રમાંકનો સુન્દરમૂનો કાવ્યસંગ્રહ ‘વરદા’ છેક હમણાં બહાર પડ્યો, મરણોત્તર. બે કાવ્યસંગ્રહ વચ્ચે ચાળીસ - ચાળીસ વર્ષનું અંતર રહ્યાનો અન્ય કિસ્સો સાંભળ્યો નથી; આ વિક્રમ તોડવાનું સદ્ભાગ્ય પ્રભુ કોઈને ન આપે. કેટલાક પ્રેમસંબંધો સમાજને માન્ય હોતા નથી. કુટુંબ અંદરના, જ્ઞાતિ બહારના, ઉંમરના મોટા તફાવતવાળા, ગુરુ-શિષ્યાના, લગ્નેતર, શારીરિક કજોડાના.... નિષેધની પોથી મોટી છે. તકલીફ એટલી કે હૃદય અઢી અક્ષરથી આગળ ઉકેલી શકે તેટલું વિદ્વાન ક્યાં છે ? પ્રેમકાવ્યો આત્મલક્ષી હોય, પરંતુ આ સૉનેટમાં જગત શું વિચારતું હશે, પ્રિયાના મનમાં શું રમતું હશે, તેનું કથન પણ થયું છે. એ વિધાનો ઘસાયેલી ચવાયેલી ભાષામાં મુકાયાં હોવાથી કવિનો તે પ્રત્યેનો તુચ્છકાર અછતો રહેતો નથી. “આવો પ્રણય તે કંઈ ઉચિત ન કહેવાય, કેવા વિશ્વાસેથી તમને ભળાવ્યાં હતાં, ને તમારું ચિત્ત કઈ ગમ ફર્યું, અવળે જ પાટે ગાડી દોડાવી, મારી સાથે દ્રોહ કર્યો, અરેરે, આવી માનસિક વિકૃતિ...” (સુન્દરમનો શિખરિણી જુઓ. વાક્યો એક પંક્તિથી બીજીમાં અનાયાસે દડી જાય છે, ૧-૪ અને ૨-૩ પંક્તિઓમાં પ્રાસ-જોડકાં હોવા છતાં બોલચાલની લઢણો સચવાઈ છે.) દુનિયાનું આ પેટીપેક ડહાપણ સ્વાનુભવસિદ્ધ નથી, એટલે ઉપલકિયું લાગે છે. ‘લૈલા કો દેખો મજનૂ કી આંખોં સે’ એ તો ખરું લેકિન ‘મજનૂ કો ભી દેખો મજનૂ કી આંખોં સે.’
મૈંને મજનૂ પે લડકપન મેં અસદ
સંગ ઉઠાયા થા કે સર યાદ આયા.
(ગાલિબ - અસદ)
પથ્થરથી મજનૂનું માથું ફોડવા જનારનો હાથ એ વિચારે થંભી જાય છે કે મારે માથે પ્રેમ સવાર થશે એ દિવસનું શું ? મજા એમ છે કે કાવ્યનાયક પોતાના બચાવમાં એકેય દલીલ કરતો નથી. પ્રેમને વાજબી ઠેરવવા માટે એ કોઈ કારણ આગળ ધરતો નથી, સિવાય કે પ્રેમ. જે કાર્ય છે, તે કારણ પણ છે.
કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે
કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે.
(અમૃત ઘાયલ)
આકર્ષણના અંગારથી અસ્તિત્વનાં ખડલાકડાં ચેતી ગયાં છે. કવિ હોંશે હોંશે હોમાય છે. આ વહ્નિ પ્રિયતમાને લીધે પ્રકટ્યો એ ખરું, તોય વહ્નિ અજાણ્યો છે. બે ચકમકમાંથી પ્રકટતી હોય તોય ચિનગારી એ ચકમક નથી.
કવિ પોતાના સ્નેહનો અર્ઘ્ય પ્રિયાના ચરણે ચડાવી રહ્યા છે તે દૃશ્યને ‘પોઝ’ની ચાંપ દબાવીને બારીકીથી જુઓ. પ્રિયાના સૌંદર્યનો સ્વીકાર છે, ‘હૃદયજલની અંજલિ’ તેને ચડાવાય છે, પણ એક મિનિટ, દીનભાવ પલટાય છે સ્વામીભાવમાં. નિજ સ્નેહના સુનેરી સિક્કાને કવિ પછાડે છે, મગરૂરીથી. કલાપીની જેમ સુન્દરમ્ પણ દ્વિધામાં છે કે યારી – ગુલામી શું કરું તારી સનમ? ગાલે ચૂમું કે પાનીએ તુને સનમ ?
ડાહ્યા-ડાહ્યા જગત સામે પ્રેમનો સો ટચનો સિક્કો પછાડીને કવિ પડકાર ફેંકે છે - હા, હું પ્રેમ કરું છું, થાય તે કરી લ્યો, જાઓ ! ‘પૉઝ’ની ચાંપ છૂટી જાય છે, સૈકા પર સૈકા રિવાઈન્ડ થતા જાય છે, આ તો ‘અનારકલી’નો શોટ : અકબરી સૈન્યો સામે સમશેર તાણીને ખડો છે શાહજાદો સલીમ. થોડા વધુ સૈકા રિવાઇન્ડ. ‘ક્લિયોપેટ્રા’ ચલચિત્રની ફ્રેઇમમાં ઑગસ્ટસ સિઝરના લિજિયન્સને યુદ્ધભૂમિમાં એકલપંડે લલકારતો ઘોડેસવાર : માર્ક એન્ટની.
કવિનો પ્રેમ ખોટો સિક્કો નથી, સુવર્ણમુદ્રા છે. (‘ચરણ રણતો સ્નેહ’માં ખણખણાટ સંભળાયો ?) પણ પ્રેમ શું બિકાઉ વસ્તુ છે ? સિક્કો, ભલે તે સોનાનો કેમ ન હોય, સ્નેહને ખરીદી શકે ખરો ?
સ્નેહ સત્ય છે, ભૂમિથી એક વેંત અદ્ધર ચાલે છે તેનો રથ, અવઢવના કળણમાં ફસાતો નથી. એટલે કવિ કેશ ઉછાળીને અપરાધભાવ વગર કહી દે છે - હું તો તને ચાહું છું. હવે આગળ શું કરવું એ તારો પ્રશ્ન. ધેટ્સ યોર પ્રોબ્લેમ !
***