ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/પ્રિય લો, મેં તમારાથી — જયન્ત પાઠક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રિય લો, મેં તમારાથી

જયન્ત પાઠક

પ્રિય લો, મેં તમારાથી વાળી લીધું મન
હવે તો નિરાંત ? નહિ વિરહ, મિલન;
સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન
રંગરંગી, પ્હેરી લીધું ચીવર, નિઃસંગ,
ગલી ભણી નહીં, હવે ઊલટો જ પંથ !
પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
વાતનો સરસ કેવો આવી ગયો અંત !
એકમેકને અજાણ એમ ધારે ધારે
ફરવું સંભાળી, મળવું ન મઝધારે;
રખે પેલો પ્રેમ પાછો આવી છાનોમાનો
બાંધી લિયે આપણને પાકા કોઈ તારે.
વરસી વરસી પ્રિય વેરાયું વાદળ,
રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.
— જયન્ત પાઠક

વિરહનો દેશ બડો વિચિત્ર છે. ચાંદો અહીં પ્રેમદૂત નહિ, પહેરેગીર છે; સ્કાયવે પર વગર ટ્રાફિકે હોર્ન મારતી કોયલડી પર ચડે છે રીસ; અને છાલક લેતાં ‘જળમાંથી ઝરે છે લૂ.’ વિખૂટા પડવા વિશેનું સૉનેટદ્વય જયન્ત પાઠકે રચ્યું છે, આ તેમાંનું પ્રથમ, વિયોગ પાકો, વિચ્છેદ પણ નક્કી. છતાં સંબોધન થયું : ‘પ્રિય’. મળવું-બિછડવું, એ બધી બાબતો સાથે પ્રેમને શી લેવાદેવા ? મીર તકી “મીર’ કહે છે તેમ, એક આયુષ્ય માટે એક મુલાકાત પૂરતી. સામી વ્યક્તિને પ્રતિક્ષણ, પગથી માથા સુધી પકડી રાખે તેને સ્વાર્થશાસ્ત્રમાં પ્રેમ કહે ને જીવશાસ્ત્રમાં ઑક્ટોપસ. કવિ પ્રિયજનને અભયવચન આપે છે: ન મારા મિલનનો ડર રાખ, ન વિરહનો. મેં તુજથી મન વાળી લીધું છે. આપણે અવસરોની સાળ પર અરસપરસ ગુંથાતાં જઈએ છીએ, ગૂંચવાતાં જઈએ છીએ. કવિ સંબંધના સૂતરનો પૂડો એક ઘાએ ફગાવી દે છે.

મારે નવા નવા સંબંધો બાંધવા નથી
મારે તૂટેલા ધાગાઓ સાંધવા નથી
(સુરેશ દલાલ)

સંબંધના દોરામાં પગ ભેરવાતાં ભલભલા કવિઓ ગબડી પડ્યા છે. વિષય જ એવો કે પોચટ કવિતા લખાઈ જાય, પણ જયન્ત પાઠકે ઉત્તરદાયિત્વ ગૌરવપૂર્વક નભાવ્યું છે. રંગીન મૈત્રીનું વસ્ત્ર ફેંકી દઈને કવિ એકાકી ભગવો સ્વીકારે છે, અને સનમની ગલીથી દૂરના પંથે વળે છે. (શબ્દપસંદગી જુઓ : ધર્મસંપ્રદાયોના પંથ હોય, પણ ગલી તો સનમની જ !) ભૂતકાળને બહુ યાદ કરવો નહિ. વારંવાર રિયર-વ્યૂ મિરરમાં જોનાર ડ્રાઇવર અકસ્માત કરી બેસે. ઓલ્યા ઓતરાદા દેશનો રાજકુમાર સોનકમળની શોધમાં તબડાક તબડાક ચાલ્યો જતો હોય ને કોઈનો સાદ સંભળાય. ભૂલથીયે પાછળ ફરી જોયું તો પથ્થર થઈ જવાય. ઘણીવાર આપણે પાછળ ન જોવાની શરતે જીવવું પડતું હોય છે. પણ ચીવરનો ભગવો રંગ ક્યાં પાકો છે ? કવિ પ્રિયજનની નિકટ આવતાં ડરે છે. રખેને જવાલામુખી ફરી જાગી જાય... કેટલાક ફેરિયા પાટિયું રાખીને બેસે ‘એક જ ભાવ - રૂા. ૬/-’ ઘરાક બહુ કસે તો હસતાં હસતાં અવળું ફેરવી દે, જ્યાં લખ્યું હોય, ‘એક જ ભાવ - રૂા. ૪/-’ ‘હું તને ભૂલી ગયો છું’ એવા પાટિયાની પાછળ કદાચ ચીતર્યું હોય, ‘હું તને ભૂલી કેમ શકું ?’ વહાલની વાદળી ભલે વરસીને વહી ગઈ, સ્મરણનાં નેવાં નીતરે છે. હરીન્દ્ર દવે આ દૂર-નજીકના આટાપાટાની ઓળખાણ આ રીતે આપે છે. જાણીબૂઝીને અમે અળગા ચાલ્યા, ને તોય પાલવ અડક્યાનો મને વ્હેમ છે સાવ રે સફાળા તમે ચોંકી ઊઠ્યાં, ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે ? ચૌદ પંક્તિનું એક ઉત્કૃષ્ટ સોનેટ લખનાર કવિને રોઝેટીએ ચૌદ વર્ષ થાક ખાવાનો અધિકાર આપ્યો છે. જયન્તભાઈને ચૌદ વર્ષનો વનવાસ તો નહિ ઇચ્છું, એટલું કહીશ કે ચૌદેક વર્ષ પહેલાં વાંચેલું આ સોનેટ સ્મૃતિમાં તાજું જ છે.

***