કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/હરેડ બંધાણી

From Ekatra Wiki
Revision as of 00:56, 12 November 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૨. હરેડ બંધાણી

હું શ્રમનો બંધાણી હરેડ,
મારો ધંધો ધીંગી ખેડ – હું૦
પો ફાટે તે પહેલાં જાગું,
જાગું ખેતર ઢાળો ભાગું;
વર્ષો જૂનું મારું ઘડતર
જનમો જૂની મારી ઘરેડ – હું૦
લીલુંછમ ખેતરનું પાતર,
ચણતાં એમાં પંખી માતર;
એને ભાળી રુદિયો મારો,
બસ રાજી રાજીના રેડ – હું૦
બળિયા બળદો મારા બેલી,
ભાગ્યની વાતો ગાલાવેલી;
મારું કરમ કરડી કોદાળી,
મારું કિસ્મત કરમી કેડ – હું૦
આ ધરતી સહુની સહિયારી,
સહિયારી આકાશ અટારી;
મીટ જે માંડે એનો મેઘ,
ખંતથી ખેડે એની ખેડ – હું૦
ધૂળમાંથી હું ધાન પકાવું,
ભોં માથે ભગવાન બતાવું;
ધારું તો ધરતી પર લાવું,
સુરગંગાની દૂધિયા શેડ – હું૦

જૂનાગઢ, ૬-૧૨-૧૯૫૭(આઠોં જામ ખુમારી, પૃ. ૫૦૯)