કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/શાયર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૧. શાયર

આંખોમાં મળી રહે છે જગા એક દિ એને,
મ્હોતાજ નથી હોતો કદી સુરમો સળીનો;
શાયરનો દરજ્જો છે બહુ ઊંચો દરજ્જો,
એ હૈયું છે સાકીનું અને હાથ સખીનો.
ગાગર મહીં ઘૂઘવતો સાગર થઈ શકું છું,
સંસારમાં રહીને શાયર થઈ શકું છું;
નહિ જેવો તોય ઈશ્વર તારો જ અંશ છું હું!
હું પણ અનેક રૂપે હાજર થઈ શકું છું.
ચોરાનો જો કહો તો ચોરાનો વંશ છું હું,
ઈશ્વર નથી પરંતુ ઈશ્વરનો અંશ છું હું;
છે કૃષ્ણના સુદર્શન જેવો ઘાટ મારો,
ધારો તો ધર્મ છું હું ફેંકો તો ધ્વંસ છું હું.
અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરીયે સંજીવની છે ‘ઘાયલ',
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું.

૨૩-૧૦-૧૯૬૬(આઠોં જામ ખુમારી, પૃ. ૪૯૮)