કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/મન ઠેકાણે હોય તો...!

From Ekatra Wiki
Revision as of 01:04, 12 November 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૭. મન ઠેકાણે હોય તો....

મન ઠેકાણે હોય તો અવસર ફૂલો જેવા લાગે છે,
મન ઠેકાણે હોય નહિ તો પથ્થર પેઠે વાગે છે.
નિત્ય બને છે આવું પણ આ બનવું સારું લાગે છે,
ઢંઢોળો તો ડોળ સૂવાનો, હડસેલો તો જાગે છે.
અધરોનાં ઓળાયા અંકે હોતા નથી સરખા જ પરંતુ,
શેષ રહે છે શૂન્ય જ જ્યારે ભાજ્યને ભાજક ભાગે છે.
જગ શું જાણે પાગલના બિસમાર પહેરણની વાતો,
દુનિયાભરની સુખસમૃદ્ધિ એના ધાગેધાગે છે.
આપસમાં જે ખૂબ હતો તે ઊઠી ગયો વિશ્વાસ બધો,
દરિયા જેવા દરિયાઓ પણ એકબીજાને તાગે છે.
માગણિયા તો ખેર જવા દો એ તો છે મજબૂર બધા,
જેની પાસે મબલખ વિત્ત છે, એય સિફતથી માગે છે.
આમ નહીં તો નભને તાકી ‘ઘાયલ' હું બેસી ન રહું,
ખસી ગયું છે મારું ચોક્કસ એમ મને પણ લાગે છે.

(આઠોં જામ ખુમારી, પૃ. ૬૦૪)