કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/તો આપો
Jump to navigation
Jump to search
૪૬. તો આપો
મેલું ઘેલું મકાન તો આપો!
ધૂળ જેવું ય ધાન તો આપો;
સાવ જૂઠું શું કામ બોલો છો,
કોક સાચી જબાન તો આપો.
થોડો ઝાઝો હિસાબ તો આપો!
ખોટો સાચો જવાબ તો આપો!
બાગમાં ભાગ છે અમારો પણ,
એક વાસી ગુલાબ તો આપો.
સુખના બે ચાર શ્વાસ તો આપો!
જિન્દગાનીનો ભાસ તો આપો!
મુક્ત વાતાવરણના સ્વામીઓ,
કૈં હવા કૈં ઉજાસ તો આપો!
મુક્તિનું એને સાજ તો આપો!
આદમીનો અવાજ તો આપો!
માઈના પૂત માનવીને પ્રથમ,
માનવીનો મિજાજ તો આપો!
ભૂજ, સપ્ટે. ૧૯૬૨(આઠોં જામ ખુમારી, પૃ. ૫૮૧)