કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/આ આંખ મળી તો

From Ekatra Wiki
Revision as of 02:09, 13 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૫. આ આંખ મળી તો

આ આંખ મળી તો મળ્યું આભ ને ચરણ મળ્યાં તો ધરતી;
આ લીધો હાથમાં હાથ : ઊછળી આવે સુગંધ-ભરતી!

લીલા ઘાસમાં કુમળો તડકો
પોચા પગલે દોડે,
કોઈ હૃદયની વાત ટહુકતી
ફૂલ થઈ અંબોડે;
મસ્ત પવનની સાથે ફોરમ પાગલ થઈને ફરતી :
આ આંખ મળી તો મળ્યું આભ ને ચરણ મળ્યાં તો ધરતી!

કદી મૌનની ટેકરીઓ પર
એકલવાયું ઝાડ,
અંધકારને પીએ, પાંદડે
ઝંખી રહે ઉઘાડ;
નહીં આંખમાં નીંદ : રાત કઈ તરસ લઈ ટળવળતી?
મળ્યું આભ ને મળી આંખ નહીં : ચરણ મળ્યાં : નહીં ધરતી!

૧૯૬૯(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૧૪-૧૧૫)