કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/ઠરતી હતી...

From Ekatra Wiki
Revision as of 04:06, 18 November 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૨. ઠરતી હતી...

ઠરતી હતી ન ક્યાંય નજર, એ ઠરી તો છે,
ડોળાઈ ગઈ' તી વાત, જરી આછરી તો છે.

આંખો ઉદાસ, નજર બાવરી તો છે,
કૈં વાત એમના ય ગળે ઊતરી તો છે.

મ્હેકી રહ્યો છું હુંય, જરા સૂંઘી તો જુઓ,
આ મારું મન છો ફૂલ નથી, મંજરી તો છે.

પોચી જમીન પ્રીતમાં ક્યારેય ના મળી,
સ્વપ્નોની વેલ તેમ છતાં પાંગરી તો છે.

માઠા વરસમાં વરસી નથી જાણી વાદળી,
આ મારી આંખ દુ:ખમાં સદા ઝરમરી તો છે.

લેવું પડે છે જીભનું યે કામ આંખથી!
આ અંજુમનની રીત રસમ આકરી તો છે.

‘ઘાયલ' જીવન શું? તારું મરણ સુધરી ગયું,
કે અંત વેળા એની સતત હાજરી તો છે.

(આઠોં જામ ખુમારી, પૃ. ૩૪૪)