અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં ઔચિત્ય
તપસ્વી નાન્દી
સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં ‘ઔચિત્ય'ની વિચારણા ઘણી પ્રાચીન છે. અને ભરતથી માંડીને ઉપલબ્ધ સંસ્કૃત કાવ્યશાસ્ત્રીય ગ્રંથોમાં ઔચિત્યના ખ્યાલનો પરામર્શ થયેલો જોવા મળે છે. અલબત્ત, ક્ષેમેન્દ્ર સિવાય કોઈએ એને અનુલક્ષીને સ્વતંત્ર ગ્રંથરચના કરી નથી. ક્ષેમેન્દ્રે ઔચિત્યની જે વ્યાખ્યા, જે વિભાવના પુરસ્કૃત કરી છે એની વ્યાપક ભૂમિકાનું અધ્યયન પણ કરવું જોઈએ. સૌપ્રથમ એ વિગત સંપૂર્ણ રીતે સ્પષ્ટ થવી જોઈએ કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ઔચિત્યવિચારણાને ક્યારેય સ્વતંત્ર પરંપરાવાદ કે સંપ્રદાય સ્વરૂપે કોઈ પણ આલંકારિક પ્રવર્તિત કરી નથી; ક્ષેમેન્દ્રે પણ નહીં. વાસ્તવમાં ઔચિત્યનો ખ્યાલ એ કદાચ કોઈ સ્વતંત્ર સિદ્ધાન્ત નથી પણ સિદ્ધાન્તનો વિનિયોગ છે. ખાસ કરીને તો આનંદવર્ધન-અભિનવગુપ્તના રસ-ધ્વનિ-વ્યંજનાવિચારના પ્રયોગ. સમ્યકપ્રયોગ માટેની એક આચારસંહિતા, જે કવિએ પાળવાની છે, તે જ ‘ઔચિત્ય' છે. આનંદવર્ધને ધ્વન્યાલોકમાં કારિકા (ઉદ્યોત) ૧-૨ના અનુસંધાનમાં નોંધ્યું છે કે, ‘જે રીતે શરીરમાં આત્માની સ્થિતિ હોય છે એ રીતે, ‘લલિત' અને ‘ઉચિત’ સન્નિવેષને લીધે સુંદર જણાતા કાવ્યમાં પણ સહૃદયશ્લાધ્ય એવો જે અર્થ સારરૂપે રહેલો છે તેના ‘વાચ્ય’ અને ‘પ્રતીયમાન’ એવા બે ભેદો છે. અભિનવગુપ્ત લોચનટીકામાં નોંધે છે કે, ‘લલિત’ શબ્દ વડે ગુણો તથા અલંકારોનું ગ્રહણ કહેવાયું છે. ‘ઉચિત’ શબ્દ દ્વારા રસવિષયક ઔચિત્ય હોય છે એવું દર્શાવતાં, રસધ્વનિ જીવિતરૂપ છે એવું આનંદવર્ધન સૂચવે છે. આમ ‘ઔચિત્ય' એટલે રસલક્ષી ઔચિત્ય એવો સ્પષ્ટ ખ્યાલ આનંદવર્ધન ને અભિનવગુપ્તમાં જોવા મળે છે. આપણે સહુ જાણીએ છીએ કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જે કોઈ પૂર્વ-પ્રાપ્ત પરંપરાઓ હતી; જેવી કે ગુણ, દોષ, અલંકાર, રીતિ, વૃત્તિ વગેરે, તે સઘળીની રસ-ધ્વનિને કેન્દ્રમાં રાખીને આનંદવર્ધને પુનર્યોજના કરી. તેમણે પૂર્વાચાર્યોએ પ્રવર્તાવેલા કાવ્યતત્ત્વના કોઈ પણ વિચારનું ખંડન નથી કર્યું પણ રસના અનુસંધાનમાં પુનર્યોજન કર્યું છે; અર્થાત્ ગુણ, અલંકાર, રીતિ, વૃત્તિ વગેરે સઘળાં તત્ત્વો રસનાં વ્યંજક હોય તે રીતે પ્રયોજાય તો આવકાર્ય છે, એવું તેમણે સમજાવ્યું, ત્યારે પ્રશ્ન એ થાય કે આ સઘળાં તત્ત્વો સાચી રીતે રસ-વ્યંજક કેવી રીતે બને? જવાબ એ છે કે જો તેમનો ઔચિત્યપૂર્ણ પ્રયોગ કવિ કરે તો તેવું પરિણામ સિદ્ધ થઈ શકે. અનૌચિત્ય એ રસભંગનું મોટામાં મોટું કારણ છે. અનૌચિત્ય એ જ એકમાત્ર દોષ છે. પ્રસિદ્ધ એવા ઔચિત્યનું નિરૂપણ એ જ રસનું રહસ્ય છે. ક્ષેમેન્દ્રે ૨૭-૨૮ પ્રકારના રસલક્ષી ઔચિત્યનો વિચાર, સફળ-અસફળ વિનિયોગ (એટલે કે, કવિઓએ કરેલા પ્રયોગની સમજૂતી) સાથે રજૂ કર્યો છે. એ પછી કુન્તક, ભોજ વગેરે આલંકારિકો, જેઓ કાશ્મીરી પરંપરાને થોડી બાજુ ઉપર રાખીને ચાલ્યા હતા, એમણે પણ પોતાની રીતે એ વિચારને પુરસ્કાર્યો છે. જ્યારે હેમચન્દ્રથી માંડીને જગન્નાથ સુધીના આનંદના અનુયાયીઓ તો એવું કરે એમાં આશ્ચર્ય નથી. છેલ્લે એક પ્રશ્ન એ થાય કે જુદા જુદા વ્યંજકો રસલક્ષી બને તેવો પ્રયોગ તેમાં જો ઔચિત્ય હોય તો તેવા ઔચિત્યનો નિર્ણય કોણ અને કેવી રીતે કરે? ‘ઔચિત્ય’ એ કોઈ વસ્તુલક્ષી વિચાર છે કે વ્યક્તિલક્ષી-સહૃદયલક્ષી વિભાવના છે? કદાચ એવું કહી શકાય કે મુખ્યત્વે અમુક કવિપ્રયોગમાં ઔચિત્ય છે કે કેમ એનો નિર્ણય સહૃદયલક્ષી જ ગણી શકાય છતાં કેટલાક સર્વસંમત પ્રયોગોમાં - જેમ કે, અમુક ગુણ અમુક જ રસનું વ્યંજન કરે માટે જે-તે સંદર્ભમાં જે-તે ગુણનો પ્રયોગ જ ઉચિત લેખાય, આવી સિદ્ધ વિગતોના અનુસંધાનમાં - ઔચિત્યવિચારણામાં થોડી વસ્તુલક્ષિતા, થોડી શાસ્ત્રીયતા પણ જોવા મળે છે. પણ સરવાળે તો એ સિદ્ધાન્તના વિનિયોગ રૂપે જ પ્રગટે છે, સ્વતંત્ર સિદ્ધાન્ત રૂપે નહીં.
*
('અધીત : સાત')