અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કવિતાનું ભાષાકર્મ
ધીરુ પરીખ
કવિતાનું ભાષાકર્મ શું છે એ વિશે થોડી વાત કરવી છે ત્યારે વિશેષ ભાવે ગુજરાતી કવિતાના ભાષાકર્મ અંગે નહિ, પરંતુ વ્યાપક ભાવે કવિતાના ભાષાકર્મનો ખ્યાલ રાખ્યો છે. વળી, તેથી જ કવિતામાંના ભાષાકર્મને તેના ઐતિહાસિક વિકાસક્રમમાં આલેખવાનું પણ મુનાસિબ માન્યું નથી. અલબત્ત, જે ઉદાહરણો લઈશ તે મહદંશે ગુજરાતી કવિતામાંથી હશે, અને તે સ્વાભાવિક લેખાશે. સાહિત્યનું ઉપાદાન શબ્દ છે અને ભાષા શબ્દોની બનેલી છે. તો પછી કવિતાનું ભાષાકર્મ કઈ રીતે જુદું પડે? પ્રથમ તો વ્યવહાર-ભાષા અને સાહિત્યભાષા એ જ ચર્ચ્યા મુદ્દો છે. એમાં ય કવિતાનું ભાષાકર્મ વિશેષભાવે ચર્ચ્યા છે. વ્યવહારમાં ભાષાનો પ્રયોગ ભાવોર્મિ અને વિચારના પ્રત્યાયન માટે થાય છે એ આપણે સહુ જાણીએ છીએ. અને આવો પ્રયોગ મુખ્યત્વે ગદ્યમાં થાય છે એ પણ આપણે જાણીએ છીએ, આથી ભાષાનું બીજું વિશેષ વ્યવહાર-પ્રયોજન નથી. પરંતુ જ્યારે ભાષાનો વિનિયોગ સાહિત્યસર્જનમાં થાય છે ત્યારે એને સૌન્દર્યમંડિત, રસાન્વિત બનાવવા તરફ પ્રયોજકનું લક્ષ હોય છે. આમ, સાહિત્યભાષાનું પ્રયોજન વિશિષ્ટ છે. એમાંય કવિતા જેવા સૂક્ષ્મ અને તરલ સાહિત્યસ્વરૂપમાં ભાષાકર્મ સવિશેષ જુદું તરી આવે તે સ્વાભાવિક છે. પ્રથમ તો મોટા ભાગની કવિતા અને લાંબા કાળથી ચાલી આવતી કવિતાનું વાહન પદ્ય (Verse) છે તેથી પદ્યની શિસ્ત અને ચુસ્તી તેમાં પ્રયોજાતી ભાષા માટે વિધાયક પરિબળ બની રહે છે. એટલે કવિતાનું પદ્યત્વ કવિતાના ભાષાકર્મ માટે એક નિર્ણાયક સ્થિતિ સર્જી રહે છે. આમ, પદ્યને જાળવવા જતાં ભાષાને ઠરડવી-મરડવી પડે, કે સમુચિત શબ્દને સ્થાને કોઈ ઓછો અસરકારક પર્યાય પ્રયોજવો પડે. આમ, પદ્યમાં રચાતી કવિતા માટે પદ્યનું પ્રભુત્વ ભાષાકર્મના સ્વાતંત્ર્યને જોખમમાં મૂકી શકે છે. અને જગતકવિતામાં પદ્યમાંથી પદ્યમુક્તિની દિશામાં જવાનું જે વલણ સ્વીકાર્ય બન્યું તેમાં સ્વયં પદ્ય નિર્મલી પોતાની મર્યાદા પણ અનેક કારણોમાંનું એક કારણ છે. ન્હાનાલાલને છંદોબદ્ધ કાવ્યો સિદ્ધ કર્યા પછી પોતાની અભિવ્યક્તિના ભાષાકીય સ્વાતંત્ર્ય માટે છંદત્યાગ કરવાની અનિવાર્યતા જણાઈ હતી. આથી એમણે વાણીનું વિશિષ્ટ ડોલન જાળવી ‘વસન્તોત્સવ’ જેવી રચનાઓની છોળો ઉડાડી.
'ગુલછડી સમોવડી
એક સુન્દર બાલિકા હતી.’
ઉપરની પંક્તિઓમાં 'ગુલછડી'ના પ્રાસમાં સમોવડી' શબ્દ ખેંચાઈ આવી એક પ્રકારનું લયાન્દોલન સર્જી રહે છે અને સમાનોચ્ચારણથી એક પ્રકારનું માધુર્ય નિષ્પન્ન થઈ રહે છે, માધુર્ય ન્હાનાલાલની કાવ્યભાષાનો આગળ તરી આવતો વિશેષ છે એવી જ રીતે પદ્યની ચુસ્તી નીચે પંક્તિમાં કેવું અસુભગ પરિણામ લાવે છે તે પદ્યને પરતંત્ર કાવ્યભાષાનો દાખલો પૂરો પાડી રહે છે :
‘આજે સુદિન તુજ નામિની પૂર્ણિમાનો’
અહીં વસન્તતિલકાની આ પંક્તિમાં ચોથો અક્ષર ગુરુના સ્થાને છે. એને, એટલે કે 'સુદિન'માં ના ‘દિ’ને, દીર્ઘ ‘દી’ જ ઉચ્ચારવો પડે. અને એમ કરવા જતાં 'સુદિન'નું ઉચ્ચારણ ‘સુદીન' કરવું પડે! લઘુગુરુની આ છૂટનું અર્થભેદે કેવું પરિણામ આવ્યું! આ રીતે પદ્ય કાવ્યભાષા નિર્માણમાં કેવું નિર્ણાયક પરિબળ છે તે પામી શકાશે. કવિતાના ભાષાકર્મમાં કવિતાનાં બદલાતાં પ્રયોજનો પણ ભાગ ભજવે છે. આ પ્રયોજનો સમયના એક જ પટમાં સર્જનપ્રવૃત્ત ભિન્ન ભિન્ન કવિઓનાં ભિન્ન ભિન્ન હોઈ શકે તેમ સમયાનુક્રમે કવિતાપ્રવાહ સાથે બદલતાં પણ રહે. અમૂર્ત જીવનમૂલ્યોના નિરૂપણનાં કાવ્યોમાં સારપ, સચ્ચાઈ, સૌન્દર્ય આદિનો મહિમા વર્ણવતી કવિતામાં કલ્પન-પ્રતીક કે વક્ર-ઉક્તિની આવશ્યકતા ન જણાતાં તેવી કવિતાનું ભાષકર્મ સરળ હોય છે અને ત્યાં ભાષા સાદીસીધી સપાટ બની રહે છે:
‘ઓ હિન્દ દેવભૂમિ સંતાન સહુ તમારાં
કરીએ મળીને વન્દન સ્વીકારજો અમારાં' (કાન્ત)
‘સુખદુઃખ મનમાં ન આણીયે, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.’ (નરસિંહ)
'તું પાપ સાથે નવ પાપી મારતો’ (સુન્દરમ્)
પરંતુ આ જ કવિઓનાં અન્ય કાવ્યોમાં પ્રયોજના બદલાતાં ભાષાકર્મમાં કેવું પરિવર્તન આવે છે તે જોઈ શકાશે :
‘ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,
ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય;
બેસીને કોણ જાણે ક્યહિં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય,
ગાળી નાખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.’ (કાન્ત)
અહીં વસંતવાયુના પ્રભાવનું વર્ણન માનવચિત્તના સંદર્ભમાં અપાયું હોઈ ભાષાકર્મ એ પ્રભાવને માટે પ્રતીતિકારક બની રહે એવું જોવા મળે છે. તો આ ઉદાહરણ જુઓ -
‘વારી જાઉં રે ગિરિધરલાલ તમારા લટકાને
લટકે ગિરિ ગોવર્ધન તોળ્યો, લટકે પલવટ વાળી,
લટકે જળજમુનામાં પેઠા, લટકે નાથ્યો કાળી.’ (નરસિંહ)
અહીં પ્રથમ પંક્તિમાં લટકા પર વારી જવાની ઉક્તિમાં જે ભક્તિ-શૃંગાર પ્રકટ થાય છે તેમાં પછીની પંક્તિઓનાં ઉદાહરણો ભળતાં 'લટકા' શબ્દનો આખો સંકેત બદલાઈ જાય છે, આમ હૃદયોર્મિના ઉછાળને દૃઢાવવા અને પ્રિય પાત્રની પ્રભુતા ઉપસાવવા ‘લટકા' શબ્દનો નરસિંહે કેવો અર્થવિસ્તાર કરી આપ્યો છે. હવે નીચેની પંક્તિઓનું ભાષાકર્મ તપાસી જોઈએ.
‘તને મેં ઝંખી છે
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.’ (સુન્દરમ્)
અહીં વિરહની તીવ્રતા માટે યુગોથી તમ સહરાની વાત મૂકીને વક્તવ્યને સચોટ બનાવાયું છે. તો વ્યક્તિગત પાર્થિવ પ્રેમની અનુભૂતિમાં ભાષા કેવું રૂપ ધારણ કરે છે તે આ ઉદાહરણમાં માણી શકાશે :
'એક ચૂમી,
મત્ત પાગલ મેહુલા જેવું ઝૂમી
બસ એક ચૂમી મેં લીધી;
શી સ્વર્ગની જ સુધા પીધી!’ (નિરંજન ભગત)
પરંતુ આ જ કવિની અભિવ્યક્તિનું લક્ષ્ય બદલાય છે ત્યારે ભાષાનો સ્તર પણ બદલાય છે, 'અમદાવાદ' નામક કાવ્યમાં એ નગરને મિષે જે આધુનિક નગરની દુર્દશા છે તે વર્ણવાઈ છે :
‘આ ન શહેર, માત્ર ધૂમ્રના ધૂંવા,
રૂંધાય જ્યાં મનુષ્યનાં રુંવેરુંવાં,
અસંખ્ય નેત્રમાં અદમ્ય રૂપની તૃષા;
ઊગે છે નિત્ય તોય વ્યર્થ રે અહીં ઉષા,
સદાય કૌરવાશ્રયે પડ્યા ઉદાર કર્ણશી
કે મિલમાલિકો તણા સુવર્ણશી;’
જોઈ શકાય છે કે સૌન્દર્યબોધ તરફથી વાસ્તવબોધ તરફ કવિતાની ગતિ થતી ગઈ તેમ તેમાંની ભાષા, પણ પરિવર્તન પામતી ગઈ. વેદનાની તીવ્રતા કટાક્ષની પણ તીવ્રતા સર્જે છે અને તે પણ તદનુરૂપ ભાષાકર્મ દ્વારા. નવી નગરસભ્યતાની વાત આવી એટલે ભાષાએ પણ મરોડ લીધો. આ જ કવિની થોડી પંક્તિઓ : 'અરણ્ય, જન જ્યાં અગણ્ય પશુ હિંસ્ત્રશાં ઘૂમતાં;
શિલાશત, સિમેન્ટ, કાચ વળી કાંકરેટે રચ્યું;
ધરાતલ પરે ન ઇન્દ્રધનુ લોહનું હો લચ્યું!’
('આધુનિક અરણ્ય')
***
‘એમને મળ્યા નહીં મનુષ્ય જેમ પાય,
જો મળ્યા જ હોત, ક્યારનાં થયાં ન હોત ચાલતાં!
શિલાસિમેન્ટલોહકાચકાંકરેટ પાસ વામણાં, વિશેષ ચાલતાં.’
('ફાઉન્ટનના બસસ્ટોપ પર’)
આ આધુનિકતાની તીવ્રતા ને અસલિયત આજની સભ્યતામાં ઊછરેલો માણસ કેવો છે તેના નિરૂપણમાં જોવા મળે છે. લાભશંકર ઠાકરના દીર્ઘકાવ્ય ‘માણસની વાત'માંની આ પંક્તિઓમાં :
‘કપાળની નીચેના ભાગમાં
આગળની બાજુ બે ખાડા છે તે આંખ માટે છે.
એ ખાડામાં
જીવતા માણસોનાં મીણનાં પૂતળાં બનાવતો નરરાક્ષસ
મેલી વિદ્યાની આસુરી પ્રવૃત્તિ ધરાવતી સુંદરીને
બાડી આંખથી તાકી રહ્યો છે.
બન્નેની વચ્ચે છે કમખર્ચનાં રોલિંગ શટરો–’
સિતાંશુ યશશ્ચંદ્ર ‘મોંએ-જો-દડો : એક સર્રિયલ અકસ્માત' નામક કાવ્યના ‘માંડુક્યોપનિષદ એટલે જ વહાણ નામે ભૂલ…’ ખંડના અંતે આવતી ઈશ્વરની ઉક્તિમાં અને ત્યાર પછીની થોડી પંક્તિઓમાં ભાષાનો અર્થવ્યંજક અભિનવ પ્રયોગ કરે છે :
‘ઈશ્વર : 'ભૂલ કરી તો કર્યા ભોગવો.’
જન્મ્યા? બધ્ધાં મર્યાં ભોગવો.
બિઝન-શિંગડે, શીળી ભીંગડે, કરવત મેલી, યાદવી ઘેલી,
ભાઈનું ખૂન, દધીચિ ખૂન, સિંહગઢ માથે, ઈસા સાથે.
અવનવાં મારાં સૌ મોત.’
આમ, સમયસંદર્ભ કે સભ્યતાસંદર્ભ બદલાતાં કવિને તેને અનુરૂપ ભાષાકર્મની મથામણ કરવી પડતી હોય છે. વિશ્વયુદ્ધકાલીન માનવસંહારની વિભીષિકા અને માનવવ્યવહારની બીભત્સતા વ્યક્ત કરવા ટેન્ક તળે કચડાતા માનવનું, સાર્થ વાક્યનું અન્-અર્થ વાક્યમાં રૂપાંતર કરી, રવજન્ય વાતાવરણ ભાષાકર્મથી ખડું કર્યું છે :
ટેન્કની આગેકૂચ ટેન્ત કહું કચ ડાળે તો રે
બેન્ક ટકું તચ હાડે તો તે
હેન્ક તળું કક કેડા તો ચે
હેન્ક ટેન્ક કચ ડાન્ક તોન્ક હાં.
***
માણસની વેદના અને
તેના મરણીઆ હુમલાનો આનંદ ટેન્ક કળે હું ટચડાતો હું
ટેટે ળેળે હૈંહે ચૂં
ચે ચે ચે ચે ચે ચે
ટેન્કત ટેન્કત
હોક ટાન્ક કચડા હાં તો એ
આ રીતે કવિતાનું ભાષાકર્મ એ સૂક્ષ્મતાથી જોઈએ તો કવિતાની પોતાની માગ છે. કાવ્ય જે રીતે અવતરવા મથે છે તેને અનુકૂળ ભાષા માટે તે કવિને સતર્ક કરે છે. આવા સતર્ક કવિનો કાવ્યપુરુષાર્થ જ કવિતાનું ભાષાકર્મ નિત્યનૂતન પરિણામો લાવી શકે.
*
('અધીત : અઢાર)