ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/સંસ્કૃતિ-ચિંતન
આધુનિક જીવનસ્થિતિને લક્ષમાં રાખીને આપણી હાલની સંસ્કૃતિ વિશે સ્વતંત્ર મૌલિક ચિંતન રજૂ કરતું સમર્થ પુસ્તક આ દાયકે એક મળ્યું છે તે ‘સમૂળી ક્રાન્તિ.’ પ્રવર્તમાન સંસારના જીવનનાવની ડામાડોળ સ્થિતિ અને ગતિ બતાવી, તેનાં મૂળ કારણ શુધી જીવનસમૃદ્ધિ વધે તે અર્થે દિશાસૂચનો કરાવતું આ પુસ્તક આ દાયકાનું ઉત્કૃષ્ટ ચિંતનપુસ્તક છે. આપણી ભાષાને ‘હિંદ સ્વરાજ' પછી કેટલેય વર્ષે આવું ક્રાન્તિકારી વિચારસરણીવાળું પુસ્તક પ્રાપ્ત થયું છે. પ્રજાજીવનની નાડની ખરી પારખ અને તેનું યથાશક્તિ નિદાન તેમાં મળે છે. સાચા તત્ત્વજ્ઞની જેમ બધા પૂર્વગ્રહો, દઢ માન્યતાઓ અને સંકુચિત મમતોથી પાર જઈને જોવાનો તેના લેખક શ્રી. મશરૂવાળાનો હેતુ તેમાં પૂરેપૂરો ચરિતાર્થ થયેલો છે. ધર્મ અને સમાજ, આર્થિક ક્રાન્તિ, રાજકીય ક્રાન્તિ અને કેળવણી એ ચારે વિભાગોમાં નવી બળવાન જીવનવ્યવસ્થાને સર્જવા માટે અને અવરોધક, સદી ગયેલી અત્યારની સંસ્કૃતિ (?)ને તત્કાળ ફેંકી દેવા માટે શાની સાધના કરવી જોઈએ એનું માર્ગદર્શન લેખકે તેમાં કરાવ્યું છે. વૈજ્ઞાનિક સત્યશોધક અને નિર્ભય વિચારોચ્ચારક શ્રી. મશરૂવાળાએ પોતે સમજેલ કે અનુભવેલ સત્યને કશી જાતની બાંધછોડ વિના નીડરપણે સચોટતાથી અનેક શુદ્ધ પ્રમાણે અને તર્કપૂત દલીલોથી મંડિત કરીને ‘સમૂળી ક્રાન્તિ'માં રજૂ કરેલ છે. એમાંનાં કેટલાંક વિધાનો ચિંત્ય છે. પણ લેખકની સત્યપ્રીતિ, નિષ્ઠા, મનનશીલતા, અનુભવ, અવલોકનબળ અને લોકસંગ્રહની ભાવના ગમે તેવા વિરોધી વિચારવાળા વાચક ઉપર પણ પ્રભાવ પાડ્યા વિના રહે તેમ નથી. શ્રી. રતિલાલ મો. ત્રિવેદીકૃત ‘થોડાંક અર્થદર્શનો' પ્રાચીન સાહિત્ય, પુરાણ અને સંસ્કૃતિનાં કેટલાંક રહસ્યોને નવીન જ્ઞાનમૂલક દૃષ્ટિએ મૂલવવાના પ્રયાસનું પરિણામ છે.