અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગીત : સ્વરૂપ

From Ekatra Wiki
Revision as of 15:14, 1 December 2024 by Meghdhanu (talk | contribs) (+1)
Jump to navigation Jump to search
૩૪. ગીત : સ્વરૂપ

વિનોદ ગાંધી

‘ગીત' એવો શબ્દ નિરક્ષરો કે અલ્પશિક્ષિતોના કાને પડે એટલે સંગીતની જ એક સંજ્ઞાનું અર્થોદ્ઘાટન એમને થતું હોય છે. તળના લોકો માટે આમ થવું સાહજિક છે. કારણ કે રોજબરોજના લોકજીવનમાં કે ઉત્સવઅવસરોના દિવસોમાં ગીત (લોકગીત) ગાવાની વસ્તુ તરીકે જ ઉપયોગાતું આવ્યું છે. વળી શિક્ષિતોમાં યે સાહિત્યના વિશેષ ક્ષેત્રના અભ્યાસુ સિવાયના લોકો માટે ‘ગીત’ સંજ્ઞા સાહિત્યના ક્ષેત્રની જ છે. એવો અર્થસ્વીકાર થવામાં વાર લગાડાતી હોય છે, કારણ કે ગવાય તે ગીત એવી માન્યતા સ્થિર થયેલી છે. તેથી ગઝલ, નજમ, ઇત્યાદિ ગીતેતર સ્વરૂપનુંયે કશું ગવાતું સંભળાય તે ‘ગીત’ સંજ્ઞામાં જ સમાઈ જતું, સામાન્ય રીતે, બનતું આવ્યું છે. એટલે ‘ગીત’ સ્વરૂપની ચર્ચા કરીએ ત્યારે જેમ ‘નૃત્ય’ સંગીતકલામાં સમાઈ જાય છે, તેમ ગીત પણ જાણે કે સંગીત કલાનો જ એક સંભાગ હોય એવી માન્યતા બંધાઈ છે. ‘ગીત’ સંજ્ઞા गै ધાતુ પરથી આવેલ છે એ गै ઘાતનું ભૂતકૃદન્ત છે. गियते इति गीतम् ગવાય તે ગીત એવું સ્વીકારાઈ ગયું છે, ત્યારે ‘અગેય ગીત’ એવી વદતોવ્યાઘાત કરતી સંજ્ઞા પણ રચાઈ છે. સાંપ્રતમાં રચાતાં ગીતોમાં વિચારતત્ત્વ કે અધ્યાત્મ તત્ત્વનાં ભારદાયક દબાણોને લીધે ‘ગીત’ સંજ્ઞાને ચહેરાઈ જવું પડ્યું છે. ‘ગીત’ની સમાન્તરે ‘ગીતકાવ્ય', 'અગેય ગીત' અને 'ગીતેય’ રચના - જેવી સંજ્ઞાઓ વહેતી થઈ છે. પણ ગીતનું વાહન શબ્દ છે. લાભશંકર પુરોહિતનું તારણ એ છે કે ગીતમાં શબ્દ ઉદ્ગાર રૂપે નહીં, પણ ઉદ્દગાન રૂપે પ્રયોજાય છે. આથી ‘ગીત’માં ત્રિવિધ તત્ત્વો આવે છે : કવિતાનાં, સંગીતનાં અને ગીતનાં પોતાનાં કવિતાનું તત્ત્વ એટલે શબ્દદેહ, રસપુદ્ગલ અને વિષયનિરૂપણ ગીતનાં મુખ્ય અંગો છે. ગીતનો શબ્દદેહ લય અને તાલથી રચાય છે. રાગીયતા, ઉક્તિલાઘવ, અર્થલાઘવ, પ્રાસ વગેરે લક્ષણોથી ગીત રચાય છે. આ જ બાબતને લાભશંકર પુરોહિત ગીતનો શબ્દ સંગીત અને કવિતાની દ્વિસ્તરીય પ્રક્રિયામાંથી પસાર થાય છે એમ કહે છે અને ગીત પ્રકૃતિથી અને વ્યુત્પત્તિથી પણ લય આંદોલનથી સંકળાયેલ છે એમ કહે છે. તેથી ગીત, સંગીત તત્ત્વને લીધે અન્ય કાવ્યપ્રકારોથી જુદું પડે છે એમ કહેવાય છે. લય, સંગીત એ લય અને ભાષાનો લય. ભાષાનો લય, જેને વાગ્લય પણ કહે છે તે ભાષાકર્મનો આંતરિક સવિશેષ છે તે ગીતને નોખું તારવે છે, यस्मिन् लीनो भवेत् तद् सकलम् लय इति व्यवहरन्ति । લય એટલે લીન કરતું તત્ત્વ. લીન થઈ જવું એટલે સમવિષમ અંશોની સંવાદપૂર્ણ સમરસતા અને એમાંથી બંધાતો આકાર. અંગ્રેજીમાં લયને માટે Rhythem સંજ્ઞા સ્વીકારાઈ છે. આ લય નિશ્ચિત ઘટકોના નિયમનબદ્ધ આવર્તનથી બંધાય છે. આ આવર્તન સંદર્ભે ખાસી ચર્ચા થઈ છે તે મુજબ આવર્તનમાં નિયતતા અને નિયમિતતાથી શ્રુતિઘટકોની પેટર્ન રચાય છે. સંસ્કૃતમાં જેને 'વૃત્ત' કહે છે તે કાવ્ય સંદર્ભે છંદ તરીકે ઓળખાય છે. વૃત્ત એટલે વર્તુળ. કોઈ એક નિયત એકમ વારંવાર અને ચોક્કસ સમયાન્તરે આવે અને એમ મેળ રચાય તે જોકે કાવ્યતર ક્ષેત્રે આવા 'મેળ’ રચાય છે એ ન ભૂલવું જોઈએ. આ વૃત્ત લય ઊર્ભો કરે છે. ગીતનો લય ભાષાનો લય છે, એ આપણે જોયું. ભાષા એટલે ધ્વનિસામગ્રી. આ ભાષિક સામગ્રીના આવર્તનાત્મક ઉપયોગથી લય બંધાય છે. જેને આપણે લય કહીએ છીએ. તેના વિવિધ આકારો જ છંદ છે. પણ આ લયવિધાનો છંદના અને ગીતના એમ બે પ્રકારે હોય છે. એટલે કહેવાયું છે કે લયવિધાનો સંરચના, સ્વરૂપ અને કાર્યની રીતે એકમેકથી ભિન્ન હોય છે. દરેકના લયની નીતિ વિભિન્ન છે, તેમના વડે ઊભી થતી સર્જનપરક સગવડ-અગવડ પણ જુદી જુદી છે. નિયતતા, નિયમિતતા, તાલવ્ય, ગીતત્ત્વ, ગેયત્વ અને પાઠ્યત્વ આ બધાં લયવિધાનો સ્વરૂપ અને કાર્ય બાબતે એકમેકથી અલગ પડી જાય છે. છાંદસ લયવિધાન નિયત એકમના નિયમિત આવર્તનની જે ખાતરી અને જે સગવડ આપે છે તે અછાંદસ નથી આપી શકતું. ગીતનો લય બાહ્ય ભૂમિકાનો નહીં પણ ભાવસૌંદર્યની વ્યંજનાના નિર્માણનો હોય છે. છંદ ન હોય તો લય હોઈ શકે છે પણ લય હોય એટલે કાવ્ય હોય જ એમ નથી. છાંદસ લવિધાનથી જે ભાષારચના પ્રગટે છે તેનું પરંપરાગત નામ પદ્ય છે, છંદથી લય જન્મે અને લયી પદ્ય, પદ્યરચના, યાદ રહે કે પદ્ય જન્મે છે કાવ્ય નહીં. પદ્ય ન હોય તોપણ કાવ્ય હોઈ શકે. છંદોબદ્ધતામાં પણ કાવ્ય ન હોય તેમ બની શકે તેમ લયબદ્ધતામાં પણ ગીત ન હોઈ શકે એવું પણ બને કારણ કે ભાવસૌંદર્યનો અભાવ હોય તો ક્યાંથી ગીત બને? આ લય ગીતનો વેગ છે. આમ સરળ રીતે કહેવું હોય તો કહેવાય કે લય એટલે માત્રિક સંધિ એકમોના નિયમિત આવર્તનથી બંધાતી તરેહ, જેને ઢાળ; કે દેશી તરીકે પણ ઓળખીએ છીએ. પણ માત્રિક એકમોની સંધિથી બંધાતો લય કાચું પોત texture છે, એમાં નાદ (sound) અને શ્રુતિ (syllable)ની જુગલબંદીમાંથી ઊઠતી અસ્ફુટ ભાવ વ્યંજનના જ લય છે. આ લયનું ચાલક બળ તાલ છે. આ તાલ કાલમાન પર નિર્ભર છે. શાબ્દી કળા તરીકે ગીત અર્થસાપેક્ષ / ભાવસાપેક્ષ છે. જ્યારે સંગીત અર્થક્તિ નિરાલંબ સ્વરસૃષ્ટિ છે. ગીતનો લય ભાષાગત અર્થથી નિયંત્રિત થતો રહે છે. લયસૃષ્ટ શબ્દ-અર્થની સંવાદપૂર્ણ સંયુક્તિને કારણે જ ગીતમાં અવ્યક્ત પ્રકારના સંગીતનો સંચાર થાય છે, સુંદરમ્ જેને 'રાગીયતા' કહે છે. ગીતમાં શ્રુતિસંસિદ્ધ ભાવસૌંદર્ય જરૂરી છે એટલે કે લય જરૂરી છે જેને હવે આપણે કૃતિના નાદાત્મક સ્તર, પદ્યબંધના આરોહઅવરોહ, પંક્તિચરણના વિરામો, પ્રાસ સંકલ્પના, પૂરકોની અર્થપોષક રીતિગતિ વગેરેમાં જોઈ શકીશું. ટૂંકમાં ગીતનો લય અહીં જણાવેલ તત્ત્વોથી બંધાતું શ્રુતિસંસિદ્ધ ભાવસૌંદર્ય. ગીતમાં ધ્રુવપદ અને અંતરો-મહત્ત્વની બાબતો છે. ધ્રુવપદ ગીતમાં આવર્તિત થતું હોય છે. ગીતારંભે બંધાતું ધ્રુવપદ, એનાં લાંબાં કે ટૂંકાં ચરણો ભીતરના સંવેદન પર નિર્ભર હોય છે. એટલે પંક્તિની દીર્ઘતા કે લઘુતા પ્રલંબ લય કે સ્વલયના પર્યાયો નથી. પંક્તિ લાંબી કે ટૂંકી બને છે એના ભીતરના સંવેદનને લીધે. અખતરા રૂપે પ્રલંબ લયનાં ગીતો ગુજરાતીમાં રચાયાં છે, જે પુસ્તકોમાં આડાપાને છપાયાના દાખલા મળે છે. આ ધ્રુવપદ મુખડાનું પંક્તિચરણ છે, જે અડધી પંક્તિનું, દોઢ પંક્તિનું, બે પંક્તિનું, એક પંક્તિનું પણ હોઈ શકે છે. આ ધ્રુવપદ અંતરાને અંતે આવ્યા કરતું હોય છે. ગીતના કેન્દ્રીય ભાવસૂત્રને આકારતો ધ્રુવખંડ તે જ ધ્રુવપંક્તિ. અંતરાઓ ભાવવિકાસને સાધતા ખંડો છે. જેનો લય માત્રિક સંધિ એકમોથી બંધાતો હોય છે. (ષટ્કલ, અષ્ટકલની રીતે) જે ધ્રુવપંક્તિના લયથી જુદો પણ હોઈ શકે. ગીત માટે પદ્યીકરણ અતિ મહત્ત્વનું છે. ભાવની પ્રકૃતિ Lyrical છે, તેથી તેમાં લાઘવ, સઘનતા, પ્રવાહિતા, ગેયતા વગેરે હોય છે. ભાવના પદ્યાવતાર માટે માત્રિક સંધિએકમોના આવર્તનાત્મક રૂપો જરૂરી છે, જે ઝૂલણા, સવૈયા, હરિગીત, દોહરો, ચોપાઈના નામે ઓળખાયા છે. એમાં લઘુગુરુની મેળવણીવાળા સંધિએકમો હોય છે. એમાં દૃઢ થયેલ ચાલમાં કવિ નાના-મોટા ફેરફારો કરી અંતરાઓ રચે છે. ગીતના પદ્યાવતાર માટે ૧. પૂરકો અને ૨. પ્રાસ જરૂરી તત્ત્વો છે. રે, હો. જી, કે, તે. હારે, રે, રે લોલ વગેરે પૂરકો છે. આ પૂરકોનું કાર્ય પણ ગીતમાં મહત્ત્વનું બની રહે છે. પ્રાસ-અંત્યાનુપ્રાસ ગીતના પધાવતાર માટે organic ઘટક છે. આ પ્રાસ આકૃતિ રચે છે, ચરણનો અંત વ્યક્ત કરે છે. ધ્વનિપ્રકૃતિ નિશ્ચિત કરે છે. આ પ્રાસ-અંત્યાનુપ્રાસ બે વર્ણીનો, ત્રણ વર્ષોનો હોઈ શકે. ચરણાન્ત એકાધિક સમાન પદો આવે તેનાથી પણ આ પ્રાસ રચાતો હોય છે. પ્રાસ દ્વારા ચિત્ર નિર્માણ થાય, નિરૂપિત ભાવ ઘટ્ટ થાય, ભાવદ્યોતન થાય વગેરે બને છે. આમ ગીત બનતું હોય છે. અંગ્રેજી Lyricની ચર્ચાવિચારણાના આરંભે ઊર્મિકાવ્ય અંતર્ગત ગીતની પણ ચર્ચા થઈ. નહીં તો ગીત રાગડા તાણવાનું સાધન બની રહ્યાનું સ્મરણમાં છે. મધ્યકાલીન પદરચનાઓ, ભજનો આદિ એક રીતે જોતાં ગીતો જ છે. એક સમયે ગીતને 'કાવ્ય' ગણવામાં નહોતું આવતું અને એટલે કાવ્યસંગ્રહોમાં એનું સ્થાન મોભાનું ગણવામાં નહોતું આવતું. પ્રસ્તાવનાઓમાં ‘કાવ્યો અને થોડાં ગીતો’ એવા ઉલ્લેખો મળે છે. એ ગીતની સાતમા દાયકામાં શી વલે થઈ? સુમન શાહ નોંધે છે તે મુજબ - સાતમો દાયકો ગીતનો પ્રતિગીતની કોટિનો કાયાકલ્પ કરે છે, આધુનિકોએ સાતમા દાયકામાં ગીતને લિરિસિઝમનું માધ્યમ ન રહેવા દીધું, બલકે એન્ટિલિટીસિઝમનો ગીત જેવી નાજુક સર્જકતા પર મારો થયો. ગીત અને ગીતકાવ્ય વચ્ચેનો ભેદ કેટલાંક નિદર્શનોમાં અળપાઈ ગયો. પરિણામે પરમ્પરાગત ગીતત્વ પ્રશ્નાર્થ હેઠળ આવી ગયું… કેટલાંક, ગીતમાં, ગીતના નાજુક રૂપને લીધે એમાં ત્રૈણભાવો જ આવે એવો આગ્રહ સેવતા હતા. પણ હવે એમ નથી રહ્યું. જોકે સર્જાયેલાં-લખાયેલાં ગીતો એ રીતે ગવાતાં કે તે લોકોનાં બની રહ્યાં. લોકગીત રૂપે પણ ઓળખાયાં.

*

નોંધ : ગીત સ્વરૂપ વિશે ખાસી ચર્ચાને અવકાશ છે. અહીં જે કાંઈ લખાયું છે તે તો માત્ર ચર્ચાના મુદ્દાઓ રૂપે જ છે, એમ માનજો. વિસ્તારભર્યો આ લેખ સારલેખ રૂપે જ આપ્યો છે. વળી ગીતની ચર્ચા હોય અને ગીતનાં ઉદાહરણો જ ન હોય એ કેવું? એવા-આવા પ્રશ્નો થવાના, પણ એમ કરવા જતાં તો લેખ લાંબો લાંબો… કરવો પડે, એ અહીં શક્ય નથી. ગીતના આ સારલેખમાં ઘણાબધા વિવેચકોનાં પુસ્તકો, વિચારો ખપમાં લીધાં છે તે સૌનો આભાર.

સંદર્ભ પુસ્તકો : ૧. ફલશ્રુતિ - લાભશંકર પુરોહિત ૨. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતકવિતા: મહત્ત્વનાં સ્થિત્યંતરો – ભગીરથ બ્રહ્મભટ્ટ ૩. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીત : સ્વરૂપ અને વિકાસ - પથિક પરમાર ૪. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતસંચય ચંદ્રકાન્ત શેઠ, હિરકૃષ્ણ પાઠક (સંપાદકો) ૫. ગૂર્જર ગીતસંચય - ચંદ્રકાન્ત શેઠાદિ (સંપાદકો) ૬. કાવ્યપદ - સુમન શાહ ૭. ઊર્મિકવિતા - ચંદ્રકાન્ત ભટ્ટ

  • આર્ટ્સ કૉલેજ, પ્રાંતિજમાં વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનશાળા અંતર્ગત આપેલ વક્તવ્યોનો સારલેખ (૨૨-૧૨-૦૯)

('અધીત : બાવીસ-ત્રેવીસ')