ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/બળવન્તરાય ઠાકોર

From Ekatra Wiki
Revision as of 16:51, 9 December 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘દર્શનિયું’ : બ. ક. ઠાકોર વિશે

વેદાન્ત પુરોહિત

Balvantray Thakor.png

બ. ક. ઠાકોર પરિચય :

બલવન્તરાય ઠાકોરનો જન્મ ૨૩મી ઑક્ટોબર, ૧૮૬૯ના દિવસે ભરૂચમાં થયો હતો. તેમના પિતાનું નામ કલ્યાણરાય ઠાકોર તથા માતાનું નામ જમના હતું. પિતા શરૂઆતમાં શિક્ષક અને એ પછી રાજકોટમાં વકીલનો વ્યવસાય કરતા હતા. તેથી બાળપણમાં બ. ક. ઠાકોરને ભરૂચ, જૂનાગઢ અને રાજકોટ રહેવાનું થયું. જેમાં ભરૂચ તથા રાજકોટ ખાતેથી તેમણે શાળાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. જ્યાં બળવંતરાય ઠાકોરને ગાંધીજી, કાન્ત, નવલરામ પંડ્યાનો પરિચય થયો. આમ, ૧૮૮૩માં બલવન્તરાય મેટ્રિક પાસ થાય છે. એ પછી ૧૮૮૫માં ભાવનગરની શામળદાસ કૉલેજમાં ઉચ્ચ શિક્ષણાર્થે દાખલ થાય છે. જ્યાં મણિલાલ નભુભાઈ તેમના સંસ્કૃતના અધ્યાપક હતા. ઠાકોર આઈ.સી.એસ. થવાની ઇચ્છા ધરાવતા હોવાથી ૧૮૮૭માં મુંબઈ જઈ, એલ્ફિસ્ટન કૉલેજમાં પ્રવેશ મેળવે છે અને ૧૮૮૯માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરે છે. ત્યારબાદ ૧૮૯૧માં પૂના ડેક્કન કૉલેજમાં એમ.એ.ના અભ્યાસ માટે જોડાય છે અને ત્યાં જ ૧૮૯૨માં ફેલો નિમાય છે. એમ.એ.નો અભ્યાસ અધૂરો છોડી ૧૮૯૫માં કરાચીની ડી.જે. સિંઘ આટ્‌ર્સ કૉલેજમાં ઇતિહાસ, લોજિક અને મોરલ ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક તરીકે જોડાય છે. એ પછી ૧૮૯૬માં બરોડા કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય, લોજિક અને ફિલોસોફીનું કામચલાઉ અધ્યાપન કરે છે. એ જ વર્ષ અજમેરની સરકારી કૉલેજમાં ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક થાય છે. ૧૮૯૯માં પૂનાની ડેક્કન કૉલેજમાં કામચલાઉ પ્રાધ્યાપકપદે નિયુક્ત થાય છે. તો ૧૯૦૨માં ફરી અજમેરમાં અધ્યાપક અને ઉપાચાર્ય તરીકે જોડાય છે. ૧૯૧૪માં પૂનાની ડેક્કન કૉલેજમાં કાયમી અધ્યાપક તરીકે નિયુક્તિ પામે છે અને ૧૯૨૪માં નિવૃત્ત થયા પણ ૧૯૨૭ સુધી પૂના જ રહે છે. ત્યારબાદ ૧૯૨૮થી ૧૯૩૭ સુધી વડોદરા અને ૧૯૩૯થી આયુષ્યના અંત બીજી જાન્યુઆરી, ૧૯૫૨ સુધી મુંબઈમાં નિવાસ કરે છે. બ. ક. ઠાકોરના અભ્યાસ અને વ્યવસાયની સફર વિશે પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ તેમની સાહિત્યલેખનની સફરનો થોડો પરિચય મેળવીએ. ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ગણાતા સર્જકોમાં બ. ક. ઠા.નો સમાવેશ થાય છે. જેમની પાસેથી ઈ. સ. ૧૯૧૮માં ‘ભણકાર’ ધારા પહેલી, ઈ. સ. ૧૯૨૮માં ‘ભણકાર’ ધારા બીજી, ઈ. સ. ૧૯૩૫માં ‘મ્હારાં સૉનેટ’ અને આ ત્રણે કાવ્યસંગ્રહો તથા એ પછી લખાયેલી સમગ્ર કાવ્યરચનાઓને ‘ભણકાર’ (૧૯૪૨) શીર્ષકથી થયેલા કાવ્યગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવી. આ કાવ્યગ્રંથમાં વિષયવસ્તુ આધારિત વિવિધ સાત વિભાગ કરવામાં આવ્યા છે. જેમાં આત્મલક્ષી અને પરલક્ષી બન્ને પ્રકારનાં કાવ્યો છે. સ્વાનુભવલક્ષી કાવ્યોમાં મુખ્યત્વે પ્રેમ, મૈત્રી, વાર્ધક્ય અને મૃત્યુવિષયક કાવ્યો છે તો સર્વાનુભવનાં કાવ્યોમાં સમાજ, રાજ્ય, ઇતિહાસ, પ્રકૃતિ અને પરમેશ્વર જેવા વિષયો કેન્દ્રસ્થાને છે. આમ, બ. ક. ઠાકોર ગુજરાતી ભાષાનાં મહત્ત્વના કવિ છે. ૧૮૮૮ આસપાસ ઓગણીસ વર્ષના બળવંતરાયે વાયુ, વાદળ અને સમુદ્ર અંગેનું ભુજંગી છંદમાં રચેલ ૧૪ પંક્તિનું આનંદકાવ્ય પોતાનું તથા ગુજરાતી ભાષાનું પ્રથમ સૉનેટનાં બીજરૂપ હતું. બ. ક. ઠાકોરે પદ્ય સાથે ગદ્યક્ષેત્રે પણ ઘણું ખેડાણ કરેલું છે. ગુજરાતી વિવેચન સંદર્ભે કરેલું એમનું કાર્ય સવિશેષ નોંધપાત્ર છે. તેમનું વિવેચન ‘કવિતા શિક્ષણ’ (૧૯૨૪), ‘લિરિક’ (૧૯૨૮), ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ (૧૯૪૩), ‘વિવિધ વ્યાખ્યાનોઃ ગુચ્છ પહેલો’ (૧૯૪૫), ‘વિવિધ વ્યાખ્યાનોઃ ગુચ્છ બીજો’ (૧૯૪૮), ‘વિવિધ વ્યાખ્યાનોઃ ગુચ્છ ત્રીજો’ (૧૯૫૬), ‘ભણકાર : પદ વિવરણ’ (૧૯૫૧), ‘પ્રવેશકો : ગુચ્છ પહેલો’ (૧૯૫૯), ‘પ્રવેશકો : ગુચ્છ બીજો’ (૧૯૧૧) વગેરે સંગ્રહોમાં સ્થાન પામ્યું છે. આ સાથે તેમની પાસેથી ‘ઊગતી જુવાની’ (૧૯૨૩) અને ‘લગ્નમાં બ્રહ્મચર્ય અથવા સંયોગ વિયોગ’ (૧૯૨૮) જેવા બે મૌલિક નાટક પણ પ્રગટ થાય છે. તો ૧૯૨૪માં ‘દર્શનિયું’ નામે તેમનો એકમાત્ર વાર્તાસંગ્રહ મળે છે. આ જ સમયગાળા દરમિયાન ‘રમણી પ્રફુલ્લ’ નામે નવલકથા લખવાની શરૂઆત કરી પરંતુ તે એક પ્રકરણથી આગળ લખાઈ નહિ. ઉપરાંત ઠાકોર પાસેથી આપણને જીવનચરિત્ર, ઇતિહાસદર્શન, ડાયરી, સામાજિક નિબંધ, સ્મારકગ્રંથ, વિવિધ સંપાદન વગેરે જેવાં પુસ્તકો પ્રાપ્ત થાય છે. કવિ અને વિવેચક તરીકે પ્રખ્યાત થયેલા સાહિત્યકારની છબિ વાર્તાકાર તરીકે કેવી છે તેની હવે સવિશેષ ચર્ચા કરીએ... ‘દર્શનિયું’ (૧૯૨૪) :

Darshaniyu - Book Cover.png

‘દર્શનિયું’ એ બ. ક. ઠાકોરનો એકમાત્ર વાર્તાસંગ્રહ છે. જેની પ્રથમ આવૃત્તિ ૧૯૨૪માં તેમણે પોતે જ પ્રગટ કરી અને એ પછી ઈ. સ. ૧૯૪૦માં તેની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. આ બીજી આવૃત્તિમાં એક નવલિકા (વાર્તા) વધારે ઉમેરવામાં આવી એટલે ‘દર્શનિયું’ સંગ્રહમાંથી આપણને દશ નવલિકા મળે છે. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને આમ તો આપણે કવિ અને વિવેચક તરીકે ઓળખતા હોઈએ પરંતુ તેમણે કેટલાંક સામયિકોમાં વાર્તાઓ (નવલિકા) લખેલી અને પછી તેને સંગ્રહનું સ્વરૂપ આપવામાં આવ્યું. પુસ્તકની પ્રસ્તાવનામાં બ. ક. ઠાકોર સંગ્રહનું નામ ‘દર્શનિયું’ છે તો તેનો અર્થ શું થાય છે તેની પણ વિસ્તારથી ચર્ચા કરે છે. અને સાથે પ્રસ્તાવનામાં જ નવલિકા અને નવલકથા બંને સાહિત્યસ્વરૂપ વિશે તથા બન્ને વચ્ચેના ભેદ વિશે થોડી ચર્ચા કરે છે. આ સંગ્રહની કેટલીક નવલિકા વિવિધ ભાષાની શાળાઉપયોગી ચોપડી (પુસ્તક)માં પણ લેવામાં આવ્યાનો ઉલ્લેખ પુસ્તકમાં જોવા મળે છે. બ. ક. ઠાકોરનો સમય ગુજરાતી વાર્તાનો શરૂઆતનો સમય હતો તેથી સ્વરૂપ વિશે કે વાર્તાની લંબાઈ વિશે સાંપ્રત સમય જેટલી સમજ કેળવાયેલી નથી. તેથી આજની વાર્તાથી બ. ક. ઠાકોરની વાર્તા થોડી ભિન્ન લાગે છે. સંગ્રહની ‘માતા અને બાળક’, “ગુલદાવરીનું કુંડુ અથવા બે. સર્વવ્યાપી પરીઓ’ અને ‘ધરતી છેડો ઘરનો નેડો’ આ ત્રણ વાર્તા અંગ્રેજીકથામાંથી ઉદ્‌ભાવિત કરેલી નવલિકા છે, તો ‘ઉ-વોલ્ડોનો સ્મારકસ્તંભ’ અને ‘યુદ્ધકાલનો લોહીતરસ્યો ધર્મ’ એ બે વાર્તા બ. ક. ઠાકોરે વાંચેલી અંગ્રેજી કથામાં થોડાંઘણાં પરિવર્તન કરીને લખેલ ‘તરજુમા’ છે. ‘મુકુલ’, ‘દેવી અને યોગીરાજ’, ‘કાગભૂત’ તથા ‘એકતાન’ આ ચાર વાર્તાઓ લેખકની મૌલિક કૃતિ છે. જે નવલિકા અંગ્રેજીમાંથી લેવામાં આવી છે તેની નોંધ બ. ક. ઠાકોર વાર્તાની પહેલા જ કરે છે. મૂળ કૃતિનો સંદર્ભ પણ તે જણાવે છે અને મૌલિક કૃતિ હોય તો તે કૃતિની રચના સંબંધી ઘટના કે વિચાર વિશેની નોંધ પણ વાર્તા પૂર્વે કરેલી જોઈ શકાય છે. ઉપરાંત વાર્તા અને તેના પ્રથમ પ્રકાશન સંદર્ભે તો અમુક વાર્તામાં સ્થળ સંદર્ભે વિવિધ નોંધ જોવા મળે છે. પંડિતયુગના જાણીતા સર્જક તેમ જ વિવેચક એક વાર્તાકાર તરીકે કેવા રહ્યા છે તેના વિશે હવે આપણે આગળ ચર્ચા કરીએ. ‘દર્શનિયું’ વાર્તાસંગ્રહની પ્રથમ નવલિકા ‘માતા અને બાળક છે. આ નવલિકા/વાર્તામાં મુખ્યત્વે માતા અને તેના બાળક વચ્ચેના સંવાદો આપેલા છે. ઘણું નાનું કથાઘટક ધરાવતી આ કૃતિ બોધપ્રધાન તો છે પણ વાર્તા બની શકતી નથી. જીવનનો તત્ત્વાર્થ શોધતા બાળકના તેની મા સાથેના સંવાદો કોઈ ઘટના ઉપજાવી શકતા નથી. એટલે આ કૃતિ કોઈ બોધપ્રધાન ચિંતનાત્મક પ્રસંગ હોય તેવું લાગે છે. આ કૃતિમાં બે પાત્ર તો છે પણ તેમની વચ્ચે થતા સંવાદોમાં કોઈ વાર્તાતત્ત્વ દેખાતું નથી અને કદાચ ઠાકોર આમાં કોઈ ઘટનાનો ઉમેરો કરવા માંગતા ન હોય એમ પણ માની શકાય છે. સંગ્રહની બીજી કૃતિ ‘ગુલદાવરીનું કુંડુ’ છે. આ કૃતિને બ. ક. ઠાકોર ‘બે સર્વવ્યાપી પરીઓ’ એવું શીર્ષક પણ અથવા તરીકે આપે છે. આ કૃતિ મૂળ અંગ્રેજી કૃતિ ‘The Caxtones’ના ચોથા પ્રકરણના ઉત્તરાર્ધ ૫ર આધારિત છે. તેવી નોંધ વાર્તાની પહેલા જ આપે છે. આ કૃતિ બોધકથા કહી શકાય એવી છે. કથાની શરૂઆત ગુલદાવરીનું કુંડું પડવાના પ્રસંગથી થાય છે. બાળક કુંડું પાડે છે અને કુંડું તૂટી જાય છે ત્યારે ઘરનો નોકર બાળકનો બચાવ કરવા આરોપ પોતાના પર લઈ લે છે ત્યારે બાળક ડર્યા વિના પોતે ભૂલ કરી તે સત્ય સ્વીકારે છે એ પછી કાકા સાથે પોતાને ભેટમાં મળેલ રમકડું વેચીને ફરી નવું કુંડું લઈ આપે છે. વાર્તા આમ તો વ્યવસ્થિત રીતે ઘડાયેલી છે પણ ઘટના ઉપર થોડી શંકા થાય છે કારણે કે કાકાની શિખામણ યોગ્ય રીતે સમજી પણ નથી શકતો તેવો બાળક પોતાનું રમકડું આપી પોતાની ભૂલ સૂધારે છે. એ વાત વાસ્તવમાં શક્ય લાગતી નથી. પણ છેલ્લે માતાનો સંવાદ આખી વાર્તાનો હેતુ જણાવી આપે છે ત્યારે વાર્તા નવી દિશા પ્રાપ્ત કરે છે. તેથી આ વાર્તા લેખકની સફળ વાર્તા કહી શકાય. કથાનક તો અંગ્રેજી પરથી લીધેલું છે પરંતુ અભિવ્યક્તિ લેખકની પોતાની છે અને વાર્તાની દરેક ઘટના સરસ રીતે આલેખાઈ પણ છે. બાળકના સંવાદ વખતે બ. ક. ઠાકોર બાળકની જ બોલીનો ઉપયોગ કરે છે તે વિશિષ્ટ બાબત ગણી શકાય. સંગ્રહની ત્રીજી વાર્તા ‘મુકુલ’ની કથા ગૂંથણી વ્યવસ્થિત રીતે થઈ છે. વાર્તામાં બાળ-નાયક મુકુલનો સ્વપ્નાનુભવ વ્યક્ત થયો છે. વાર્તામાં એક પછી એક બનતી ઘટના વાર્તાને મનોરંજક તો બનાવે છે પણ સાથે તે વાચકને confuse કરી દે છે. માતા ગુમાવેલાં ભાઈ-બહેન મુકુલ અને કળી માસીને ત્યાં રહી પોતાને ઘેર આવે છે, આ પછી મુકુલને નવી માની ખબર પડે છે. એવામાં મુકુલ શાળાએ જાય ત્યાં શિક્ષક દ્વારા તેને માર પડે અને તેના લીધે મુકુલની તબિયત બગડે છે. તે શાળાથી ઘરે આવે તો પિતાનો ઠપકો મળે છે અને નીચે પડી જતા બેહોશ થાય છે. બેભાન અવસ્થામાં તેને સ્વપ્ન આવે છે જેમાં તેની મૃત્યુ પામેલી માતા દેખાય છે અને માતા મુકુલને જીવનઘડતર અને ભવિષ્યની ફરજ વિષે સમજ આપે છે. આ સ્વપ્ન પછી મુકુલ જાગ્રત થાય છે અને તે સાજો થઈ ગયો હોય છે. આ બધી ઘટનાઓમાં વાર્તાનું મુખ્ય focus શું છે, તે સ્પષ્ટ થતું નથી. લેખકને જો સ્વપ્નાનુભવની વાત કરવી હોય તો શાળામાં શિક્ષકના મારની ઘટનાને વિસ્તારથી રજૂ કરવાની જરૂર ન હતી. સ્વપ્નાનુભવની વાતમાં પણ આવું જ બને છે. જ્યારે મુકુલને સ્વપ્નમાં માતા દેખાય છે તો સમજી શકાય કે મુકુલ માતૃ વાત્સલ્ય ઝંખે છે તેથી આવું સ્વપ્ન આવવું સાહજિક છે. પરંતુ અહીંયા તો લેખક મુકુલના જીવનઘડતર અને ચારિત્ર્યઘડતરની વાત લઈ આવે છે. આ બધું confusion વાર્તાને ઉપકારક સાબિત થતું નથી અને પરિણામે સારું કથાનક લેખક યોગ્ય રીતે વ્યક્ત કરી શક્યા નથી. ‘પેરિસના ત્રણ છોકરા’ એ વાસ્તવિક પ્રસંગને આધારે લખાયેલી કૃતિ છે. યુરોપના કોઈ પ્રખ્યાત ગવૈયાનું મોત થયું તેના જીવન વિશે આવેલી વર્તમાનપત્ર નોંધ પરથી આ કૃતિ તૈયાર થઈ છે એવી વિગત બ. ક. ઠાકોર શરૂઆતમાં કરે છે. વાર્તાનો પ્રસંગ ઘણો હૃદયસ્પર્શી છે. પરંતુ લેખકની વસ્તુસંકલના અસરકારક લગતી નથી. ટૂંકી વાર્તાનો અંત જ તેનો પ્રાણ હોય છે, અંતમાં વાર્તા કોઈ નવો વળાંક લેશે તેમ વિચારીને જ વાચક વાર્તા વાંચે છે. આ વાર્તામાં શરૂઆતમાં વૃદ્ધની દારુણ પરિસ્થિતિનું વર્ણન તો વ્યવસ્થિત થાય છે. પણ અજાણતા લેખક એક વિધાન દ્વારા આ વૃદ્ધનું શું થવાનું છે તે રહસ્ય પ્રગટ કરી વાર્તાની મજા મારી નાખે છે. તો વાર્તામાં ત્રણ છોકરાનું આગમન એ સ્પષ્ટતા કરી દે છે કે આ છોકરા વૃદ્ધની મદદ કરશે. તો પણ વાર્તામાં કથાતત્ત્વ જળવાયેલું રહે છે. પરંતુ લેખક દ્વારા જ્યારે આ ત્રણ છોકરાને ‘આશા’, ‘શ્રદ્ધા’ અને ‘દયા’ જેવા નામથી દર્શાવવામાં આવે છે ત્યારે લેખકના હાથમાંથી વાર્તા છટકી ગઈ હોય તેવું પ્રતીત થાય છે. Faith, Hope અને Charityનો આ સીધો અનુવાદ વાર્તામાં મેળ બેસતો નથી. વાર્તાનું શરૂઆતમાં વર્ણન કરેલ વાતાવરણ તથા નિર્ધન વાયોલિન રાખેલ ડોસાનું વર્ણન વાચકને વાર્તા તરફ આકર્ષે છે. પણ પછી તરત જ ‘...અને કોઈ અણધાર્યો હાથ એની મદદે ન લંબાત, તો આવી રાતના ઠારમાં એ બિચારો આ ગટર આગળ જ શિંગડું થઈ જાત.’ જેવું વિધાન વાચકને વાર્તાનો સુખદ અંત પ્રગટ કરી દે છે. ‘ધરતી છેડો ઘરનો નેડો’ વાર્તા ચાલીસ જેટલાં પૃષ્ઠમાં લખાયેલી લાંબી ટૂંકી વાર્તા છે. આ વાર્તા મૂળ અંગ્રેજી પરથી વત્તા-ઓછા ફેરફાર સાથે લખાયેલી છે. વાર્તાને લેખકે ૨૨ પ્રકરણમાં વિભાજિત કરી છે. આ કૃતિ ક્યાંક નવલિકા સ્વરૂપમાં ન લેખી શકાય એવી બની જતી દેખાય છે. લેખકની વર્ણનકળાનો આ કૃતિમાં આપણને સારો પરિચય થાય છે. પાત્રાલેખનમાં લેખક કાચા પડેલા દેખાય છે. કથાનો નાયક જ કથાના કેન્દ્રમાં છે છતાં તે યોગ્ય રીતે વાચક સામે ઉઘડતો નથી અને માત્ર એક કથાનું પાત્ર બનીને જ રહી જાય છે. કૃતિનું શીર્ષક કથાવસ્તુ શું હશે તે જણાવતું છે. કથામાં નાયક યુવાનીમાં બાળપણમાં જોયેલા સ્વપ્નની ત્રણ બાબત પૂર્ણ કરવા વિશ્વપ્રવાસે જાય છે. આ પ્રવાસથી તે જ્ઞાની તો બને છે, પરંતુ સપનામાં જોયેલી વસ્તુ પામતો નથી. વર્ષો પછી જ્યારે ઘરે પાછો ફરે છે. ત્યારે ઘરે આવી પોતાના ઘર-ગામમાંથી સપનાની વસ્તુઓ પ્રાપ્ત થાય છે અને આમ, ‘ધરતી છેડો ઘરનો નેડો’ શીર્ષક પણ સાર્થક થાય છે. આ કથા મૂળ તો અનુવાદિત કૃતિ છે. પણ વાંચતી વખતે તે જાણે મૌલિક કૃતિ હોય તેવો અનુભવ થાય છે. જે રીતે ‘પેરિસના ત્રણ છોકરા’ કૃતિમાં લેખક સીધો અનુવાદ કરે છે તેવું અહીંયા બનતું નથી. આ કથાને લેખક અસરકારક રીતે ભારતીય પરિવેશમાં ઢાળી શક્યા છે. કૃતિ ટૂંકીવાર્તા સ્વરૂપે થોડી લાંબી છે છતાં વાચકને વાંચતી વખતે લેખકનું પ્રવાહી રસમય ગદ્ય આ લંબાણ અનુભવવા દેતું નથી. આ કૃતિ ભલે સંપૂર્ણ મૌલિક કથા ન હોય પણ લેખક તેને યોગ્ય રીતે વ્યક્ત કરી શક્યા છે. ‘દેવી અને યોગીરાજ’ સ્વનાનુભવની કથા છે. આ કૃતિ સૌપ્રથમ મણિશંકર ભટ્ટને પત્રસ્વરૂપે મોકલી તેવી વિગત લેખક જણાવે છે. કૃતિનું કથાવસ્તુ સ્વપ્નાનુભાવનું કાલ્પનિક છે. નાયક/લેખકની તબિયત સારી ના હોવાથી તે લેપ લગાવી ઝૂલા પર બેસે છે અને તેને સ્વપ્ન આવે છે. આ સ્વપ્નની વિગત વાર્તા સ્વરૂપે રજૂ થઈ છે. વાર્તામાં લેખક વાચકને હિમાલયની પર્વતમાળામાં લઈ જાય છે. નાયક/કથક પક્ષી સ્વરૂપે ઊંચે ઊંચે ઊડીને પર્વત પર પહોંચે છે. ત્યાં તેને યોગીરાજ અને દેવીના મિલનનું દૃશ્ય દેખાય છે. વાર્તાનું સ્વપ્ન પ્રતીક લેખી શકાય છે. પરંતુ વાર્તાનું કથાવસ્તુ અસ્પષ્ટ રહે છે. અહીંયા લેખક સ્વપ્નને આબેહૂબ રજૂ કરે છે માટે તે દુર્બોધ રહે છે. જે રીતે ‘મુકુલ’માં સ્વપ્ન વ્યક્ત થયું છે તેમ આ કૃતિમાં નથી. સ્વપ્ન ક્યારેય સરળ કે સાહજિક તો હોય નહીં પરંતુ જ્યારે તેને કૃતિમાં પ્રસ્તુત કરવાનું થાય ત્યારે તેમાં જે કંઈ ફેરફાર કરવા જોઈએ તે લેખક નથી કરતા માટે કૃતિ સામાન્ય કક્ષાની રહી જાય છે. સાંપ્રત ટૂંકીવાર્તાના માપદંડને આધારે જો આ કૃતિનું મૂલ્યાંકન થાય તો કદાચ આ સ્વપ્નાનુભાવને વાર્તા કહેતાં પહેલાં પ્રશ્ન જરૂર થાય. ‘ઉ-વૉલ્ડોનો સ્મારકસ્તંભઃ એક શિકારી’ એ નવલિકા ઠાકોરના જણાવ્યા મુજબ મૂળ અંગ્રેજીમાંથી થોડા સુધારાવધારા સાથે લીધેલો તરજુમો છે. જે મૂળ તેમના શિષ્યમિત્રની સહાયથી તૈયાર થયેલો હતો તેવું ઠાકોર શરૂઆતમાં નોંધે છે, પ્રસ્તુત ગદ્યની અન્ય વિગતો પણ લેખકે આરંભમાં જ ટપકાવી છે. ૩૬૧ પૃષ્ઠોમાં વિસ્તરેલી આ વાર્તાના અંત સુધીમાં વાચક કૃતિથી દૂર થતો જતો જણાય છે. નવલિકામાં જે રીતે ‘ઉ-વૉલ્ડોનો સ્મારકસ્તંભ’ અને ‘એક શિકારી’ની વાતને અલગ પાડીને કહેવામાં આવી છે તે પરથી તેનું શીર્ષક યોગ્ય જણાય છે. નવલિકાની શરૂઆતમાં લેખકે ઉ-વૉલ્ડોને એક લાકડાના સ્તંભ પર કોતરણી કરતો બતાવ્યો છે, જે તેના પિતાનો સ્મારકસ્તંભ છે આ સાથે લેખક પરિવેશ દર્શાવે છે. ત્યાં એક ઘોડેસવાર આવે છે અને ઉ-વૉલ્ડો સાથે વાતચીત શરૂ કરે છે. ત્યારે વાતવાતમાં એ કોતરણી કરેલ સ્તંભ જુએ છે અને ઉ-વૉલ્ડોને વર્ષો જૂની વાર્તા કહેવાની શરૂઆત કરે છે જેનું શીર્ષક છે એક શિકારી. જેમાં શિકારી તેની નિજી જિંદગીથી હારેલો થાકેલો હોય છે અને એક દિવસ એ એક વિશાળ પંખીને જુએ છે જે વાર્તામાં સત્ય અને ડહાપણનું પ્રતીક છે. તેને મેળવવા માટેના અથાગ પ્રયત્નો, ધીરજ, કઠોર મહેનત અને અનેક વિઘ્નો વચ્ચેથી પસાર થઈને અંતે પણ તે સતરૂપી પંખીને પામી શકતો નથી અને મૃત્યુ પામે છે. આ કથા વચ્ચે ક્યાંક વર્ણન બિનજરૂરી લાગે એવું લાંબું છે. તો ઘણી વખત વિસ્તારથી કરેલું વાતાવરણનું આલેખન કથાને કંઈ અસરકારક હોય એવું લાગતું નથી. લેખકને જે કહેવું છે તે વાચક સુધી પહોંચી તો જાય છે પણ ત્યાં સુધીમાં વાચકની ધીરજની મર્યાદા આવી જાય છે. માનવજીવનમાં સત્યની શોધને આ કથા દ્વારા ઠાકોર રજૂ કરે છે નવલિકા મનોરંજન સાથે મૂળ વિચાર સફળતાપૂર્વક રજૂ કરી શકે છે પરંતુ લેખકની કથાને વધારે સરળ અને સુગ્રાહ્ય બનાવવાની વૃત્તિ ક્યાંક કથાને નુકસાન પહોંચાડે છે. તો વાર્તામાં વાર્તાની પ્રયુક્તિનો લેખક આ વાર્તામાં સફળ રીતે ઉપયોગ કર્યો છે જે આગવી બાબત છે. ‘કાગભૂત’ બીમાર નાયકનો સ્વપ્નાનુભાવ વ્યક્ત કરતી આ સંગ્રહની ત્રીજી વાર્તા છે. પરંતુ આગળની બે વાર્તામાં આ સ્વપ્નાનુભવ સુખદ હતો પણ અહીંયા આ અનુભવ ભયજનક છે. બીમાર નાયક અહીંયા પોતે જ કથા કહે છે એમ પ્રથમપુરુષ એકવચન કથનશૈલી છે. શરૂઆતમાં નાયક પોતાની તબિયત તેમ જ શરીરના બાંધા વિષે વાત કરે છે. તાવને લીધે બગડી ગયેલી તબિયતમાંથી થોડી રાહત મળતાં નાયક હવાફેર કરવા બહાર નીકળે છે પરંતુ ત્યાં તબિયત બગડતા બેહોશ થાય છે અને આ બેહોશીની અવસ્થામાં તેને કાગભૂતનો સ્વપ્નાનુભવ થાય છે. નાયક બેહોશ થાય છે ત્યારે તેનો દીકરો આવીને મોટરકારમાં ઘરે લઈ જાય છે. નાયક પોતાના આ અનુભવની વાત કોઈ પરિવારના સભ્યને નથી કરતા. આમ, વાર્તાનું કથાવસ્તુ સરળ છે. વાર્તાની ઘટના પણ વાસ્તવિક અને મનોરંજક લાગે છે. છતાં વચ્ચે લેખક ‘આપણા દેશમાં...’ જેવાં વિધાનો કરી સાંપ્રત સ્થિતિનું આલેખન કરે છે. તે આ કાલ્પનિક દુનિયામાં પહોંચી ગયેલા ભાવકનો વાચન પ્રવાહ સ્ખલિત કરે છે. લેખક જો આવાં કેટલાંક વિધાનો કરવાનું ટાળ્યું હોત તો વાર્તા વધારે અસરકારક રીતે વ્યક્ત થઈ હોત. તો પણ લેખકની ચારેક જેટલી મૌલિક કૃતિમાંથી આ વાર્તામાં યોગ્ય રીતે નવલિકા સ્વરૂપની શિસ્ત જળવાયેલી છે. ‘યુદ્ધકાલનો લોહી તરસ્યો ધર્મ’ એ મૂળ અંગ્રેજીમાંથી લીધેલ તરજુમો થોડી વધઘટ સાથે રજૂ થયો છે. જેનું બીજું શીર્ષક ‘કાર્ટર ડૃસ અને તેનો પિતા’ છે. જે મૂળ શીર્ષક જેટલું અસરકારક નથી. આ કથા લખવા પાછળની ઘટનાનો ઠાકોર કૃતિ પહેલા ઉલ્લેખ કરે છે. આ કૃતિ ભલે અનુવાદિત હોય, છતાં ઘણી સારી રીતે વ્યક્ત થઈ છે. પાત્ર હોય કે પરિવેશ લેખક બધી બાબતને યોગ્ય રીતે ન્યાય આપી શક્યા છે. કૃતિનું કથાનક તો ઘણું નાનું છે. પણ તેમાં રહેલી સંઘર્ષની દરેક ક્ષણનો ઠાકોર યોગ્ય રીતે ઉપયોગ કરી શક્યા છે. જે વ્યક્તિની હત્યા થાય છે તે સૈનિકના પિતા કે કોઈ સંબંધી જ હશે એ કેળવાયેલો વાચક જાણી જાય છે. છતાં કૃતિ નબળી પડતી નથી. લેખકનું લક્ષ્ય હત્યા કે રહસ્ય છે જ નહીં લેખકને તો યુદ્ધકાલ કેવો લોહી તરસ્યો હોય છે તે દર્શાવવું છે, જેની માટે આ કથાનક એક માધ્યમ છે. વાતાવરણનું વર્ણન આ કૃતિની આગવી બાબત છે. કથાનક લેખકના વિચારને વ્યક્ત થવામાં પૂર્ણ રીતે અસરકારક સાબિત થાય છે. ‘એક તાન’ એ દર્શનિયું સંગ્રહની બીજી આવૃત્તિમાં ઉમેરેલી છેલ્લી કૃતિ છે. કૃતિની શરૂઆત પહેલા ઠાકોર નોંધ કરે છે કે, “છે છેલ્લી, પણ વાંચવાની છે ‘દેવી અને યોગીરાજ’ એ છઠ્ઠી નવલિકા પછી તુરત.” દેવી અને યોગીરાજ જેમ આ કૃતિ પણ સ્વપ્ન અનુભવ લઈ આવે છે. પણ આ અનુભવ ‘દેવી અને યોગીરાજ’થી ભિન્ન છે. છઠ્ઠી નવલિકામાં એક દિવ્ય સ્વપ્નાનુભવ છે તો અહીંયા બાળપણના સંભારણા સ્વપ્નસ્વરૂપે વ્યક્ત થયા છે. ગદ્યની રીતે કૃતિ ઠીક છે પણ વાર્તામાં જરૂરી સંઘર્ષ અહીંયા હાજર નથી. લેખક પોતાની વાત તો રજૂ કરે છે છતાં આ રજૂઆતમાં કલાનું મિશ્રણ યોગ્ય રીતે થયેલું ના હોવાથી કૃતિ સામાન્ય નિબંધ કહી શકાય એવી છે. આમ, દર્શનિયું નવલિકા સંગ્રહમાં વિવિધ દસ નવલિકા પ્રગટ થયેલી છે આ બધાનો વિગતે પરિચય મેળવ્યા બાદ હવે આપને સમગ્ર સંગ્રહ વિષે થોડી મહત્ત્વની બાબતોની સ્પષ્ટતા કરીએ. લેખકના ગદ્યની વાત કરીએ તો આ ગદ્ય આજની વાર્તાથી જુદું પંડિતયુગનું છે. તો ઈ. સ. ૧૯૦૦ આસપાસ વાર્તાના સ્વરૂપ અંગે ખાસ સ્પષ્ટતા ન હોવાથી આપણને એક જ સંગ્રહની કૃતિ એકબીજાથી ભિન્ન લાગી શકે. મોટાભાગની કૃતિ અંગ્રેજીમાંથી ઉદ્‌ભાવિત હોવાથી પરિવેશના પ્રશ્નો રહે છે, છતાં કેટલીક કૃતિને લેખક સફળતાપૂર્વક ભારતીય પરિવેશમાં ઢાળી શક્યા છે. લેખકની કથા સારી હોય તો ક્યાંક ક્યાંક પાત્રો મજબૂત લાગતા નથી અથવા પાત્રનું વ્યક્તિત્વ બરાબર રીતે પ્રગટ થતું નથી, આને લીધે વાચકને વાર્તા થોડી દુર્બોધ લાગે. તો વાર્તા પહેલાં આપેલી નોંધ કદાચ લેખકના મતે જરૂરી હશે પણ આજના સમયમાં તો લેખકને પોતાની કૃતિ પર સંદેહ છે માટે વિવિધ સ્પષ્ટતા કરે છે એ રીતે પણ જોઈ શકાય. આવી સ્પષ્તા કરતાં કૃતિ પોતે જ બધી હકીકત પ્રગટ કરે તે વધારે અનુકૂળ રહે. સંગ્રહની નવલિકાની કેટલીક બાબત કૃત્રિમ લાગે એવી છે. જે વાંચવા સાથે સીધી ધ્યાનમાં આવે છે. સામાન્ય જગતમાં સંભવ ના લાગતી બાબત વાચક કૃતિમાં પણ સરળતાથી સ્વીકારતો નથી. દસ નવલિકામાંથી લેખકની મૌલિક કૃતિ તો ત્રણ જ છે. તેનું અલગથી મૂલ્યાંકન કરીએ તો જાણી શકાય કે લેખક પોતાને શું કહેવું છે અને કેવી રીતે કહેવું છે આવી બાબતોમાં થોડા confused છે, કાં તો પોતાની વાત યોગ્ય રીતે કળામાં વ્યક્ત નથી કરી શક્યા. તો વિવિધ ગદ્ય પ્રયુક્તિના ઉપયોગમાં લેખક આગળ છે. વાર્તાની અંદર વાર્તા, સ્વપ્ન પ્રયુક્તિ કે પ્રતીક આ દરેક પ્રયુક્તિ ઠાકોર પોતાની નવલિકામાં લઈ આવે છે તે નોંધનીય બાબત છે. સાહિત્યના પદ સ્વરૂપમાં જે રીતે બ. ક. ઠાકોર પોતાને સફળતાપૂર્વક સ્થાપિત કરી શક્યા છે તેમ ગદ્યમાં થયું નથી. પ્રો. હર્ષદ ત્રિવેદી એક લેખમાં વાત કરે છે તે મુજબ જે સાહિત્યવિચાર ઠાકોરને કવિતામાં સફળતા અપાવે છે તે વિચાર નવલિકા/ગદ્ય માટે ઉપકારક સાબિત થયો નથી અને પરિણામે વિવેચક અને કવિ બળવંતરાય વાર્તાકાર તરીકે સફળ થયેલા નથી.

વેદાન્ત એ. પુરોહિત
એમ. એ., ગુજરાતી
(મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા)
GSET-૨૦૨૩ Qualified
મો. ૭૯૯૦૫૪૬૩૦૨
Email : vedantpurohit૨૧૧૨@gmail.com