zoom in zoom out toggle zoom 

< ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો

ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કનૈયાલાલ માણેકલાલ મુનશી

From Ekatra Wiki
Revision as of 02:21, 12 December 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વાર્તાકાર : કનૈયાલાલ મુનશી

ગુણવંત વ્યાસ

Kanaiyalal Munshi 27.png

વાર્તાલેખનથી જ સાહિત્યિક કારકિર્દીનો આરંભ કરતા કનૈયાલાલ મુનશી નવલક્થાકાર તરીકે વિશેષ પ્રસિદ્વ થયા. નવલકથા ઉપરાંત નાટકોથી પણ લોકોનાં હૃદય પર રાજ કરનાર મુનશી ગાંધીયુગના યશસ્વી અને અનોખા સર્જક છે!

૩૦-૧૨-૧૮૮૭ના રોજ ભરુચના પ્રતિષ્ઠિત બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા કનૈયાલાલના પૂર્વજોની અટક ‘વ્યાસ’ હતી. મુનશીના એક પૂર્વજ કેશુરદાસ દેસાઈને સસરા હરિવલ્લભદાસ તરફથી કન્યાદાનમાં મુનશીગીરી મળેલી ત્યારથી તેઓ મુનશી તરીકે પ્રસિદ્ધ થયા. કનૈયાલાલ મુનશીએ પ્રારંભે ‘ઘનશ્યામ વ્યાસ’થી સાહિત્યસર્જન કરેલું એ આ પ્રસંગે સહજ યાદ આવે.

ભૃગુઋષિના વંશજ પિતા માણેકલાલ અને માતા તાપીબાઈના તેજસ્વી પુત્ર કનૈયાલાલ કુટુંબમાં કનુભાઈથી ઓળખાતા. ૧૯૦૧માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી ઉચ્ચ શિક્ષણ વડોદરાની આટ્‌ર્સ કૉલેજમાંથી મેળવ્યું. ૧૯૦૭માં બી.એ.ની. પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવવા બદલ તેમને ‘ઈલિયટ પ્રાઇઝ’ પણ મળ્યું હતું. ૧૯૧૦માં મુંબઈથી એલ.એલ.બી.ની પદવી મેળવ્યા બાદ વકીલાત શરૂ કરી અને એમાં સફળ રહ્યા.

ઈ. સ. ૧૯૦૦માં અતિલક્ષ્મી સાથે લગ્ન થયાં ત્યારે અતિલક્ષ્મીની ઉંમર નવ વર્ષની અને કનૈયાલાલની ઉંમર માત્ર ૧૩ વર્ષની હતી! ઈ. સ. ૧૯૧૯માં લીલાવતી શેઠ સાથે પરિચય થાય છે, ને એ પરિચય પ્રણયમાં પલટાય છે! સચીન(સૂરત)માં બાળપણમાં જોયેલી એક બાલસખી, જે સ્મરણમાં હજુયે જીવંત હતી એ ‘દેવી’ જાણે ‘લીલાવતી’ રૂપે પ્રગટ થઈ! ‘ગુજરાત’ સામયિક નિમિત્તે લીલાવતીનો પરિચય પ્રણય અને પરિણય સુધી વિસ્તરે છે. પત્ની અતિલક્ષ્મીનું અવસાન ૧૯૨૪માં થયું. આ તરફ લીલાવતીના પતિનું પણ અવસાન થતાં ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ લીલાવતી શેઠ સાથે પુનઃ લગ્નગ્રંથિથી બંધાય છે. આ લગ્ન એ સમયે ખાસ્સું ચર્ચાસ્પદ રહ્યું હતું. એમની બાલસખી ‘દેવી’ અને અતિલક્ષ્મી- મુનશી-લીલાવતીનો પ્રણયત્રિકોણ વાર્તા રૂપે રજૂ થયેલું આત્મનિવેદન ‘શિશુ અને સખી’ અને આત્મકથા ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ તથા ‘મારી બિનજવાબદાર કહાણી’ ભાગમાં આરેખિત થયો છે.

મુનશીની સર્જનયાત્રા ‘મારી કમલા’ ટૂંકીવાર્તાથી આરંભાય છે. ઈ. સ. ૧૯૧૨માં ’સ્ત્રીબોધ’ સામયિકમાં ઘનશ્યામ વ્યાસના ઉપનામથી વાર્તાલેખ શરૂ કરતાં મુનશી પાસેથી માત્ર એક જ વાર્તાસંગ્રહ મળે છે. ‘મારી કમલા અને બીજી વાતો’ ૧૯૧૭માં પ્રગટ થાય છે. ત્યાર બાદ બીજી થોડી વાર્તાઓ લખાય છે; પણ એક સંગ્રહ થાય એટલી ન હોવાથી પ્રથમ સંગ્રહમાં તેને સમાવી લઈ નવી આવૃત્તિ ‘નવલિકાઓ’ શીર્ષકથી પ્રકાશિત થાય છે.

ઈ. સ. ૧૯૧૩માં પ્રગટ સામાજિક નવલકથા ‘વેરની વસૂલાત’ની અપ્રતિમ લોકપ્રિયતાએ મુનશીને નવલકથાના સાતત્યપૂર્વકના સર્જન તરફ વાળ્યા. ‘કોનો વાંક’ (૧૯૧૫), ‘સ્વપ્નદ્રષ્ટા’ (૧૯૨૪) અને ‘તપસ્વિની’ના ત્રણ ભાગ (૧૯૫૭, ૧૯૫૮) જેવી સામાજિક, ‘પાટણની પ્રભુતા’ (૧૯૧૬), ‘ગુજરાતનો નાથ’ (૧૯૧૭), ‘રાજાધિરાજ’ (૧૯રર), ‘જય સોમનાથ’ (૧૯૪૦), ‘ભગ્નપાદુકા’ (૧૯૫૬), ‘પૃથિવીવલ્લભ’ (૧૯૨૧) અને ‘ભગવાન કૌટિલ્ય’ (૧૯૪૩) જેવી ઐતિહાસિક, ઉપરાંત ‘લોપામુદ્રા-૧-૨’ (૧૯૩૩), ‘લોમહર્ષિણી’ (૧૯૪૫), ‘ભગવાન પરશુરામ’ (૧૯૪૬) અને ‘કૃષ્ણાવતાર-૧થી ૮’ (અધૂરો) જેથી પૌરાણિક નવલકથાઓનું માતબર સર્જન કરનાર મુનશીનાં તેજસ્વી અને પ્રભાવી પાત્રો, ગતિશીલ કથા-પ્રવાહ, ધારદાર સંવાદો અને રસિક અને રંજનકેન્દ્રી વસ્તુ ચયનથી લાંબા સમય સુધી સવિષેશ વાચકપ્રિય બની રહ્યાં. ‘વેરની વસૂલાત’ની રંગદર્શિતા, ‘કોનો વાંક’નું સુધારાવાદી વલણ, ‘સ્વપ્નદ્રષ્ટા’નો રાષ્ટ્રવાદી સંસ્પર્શ, ‘તપસ્વિની’નું રજવાડી વાતાવરણ વાચકોને સ્પર્શ્યું. સ્વાનુભવમાંથી આકારાતી સામાજિક નવલકથાની, અદ્રાવ્ય વસ્તુ ઉપરાંત ઘટનાઓના સ્વરૂપરૂપાંતરણના પ્રશ્નો પછી પણ પરાક્રમી પાત્રો, રંગદર્શી આલેખનો અને કૌતુકરાગિતાથી એ દીર્ઘજીવી બની શકી. ઐતિહાસિક નવલકથાઓમાં ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’ અને ‘રાજાધિરાજ’નો સત્તાસંધર્ષ અને સંકુલ રાજનીતિની આટીઘૂંટી, ‘પૃથિવીવલ્લભ’ની રસિક પ્રણયકથા, ‘ભગવાન કૌટિલ્ય’નું પુરાણગંધી ઐતિહાસિક ચરિત્રનિર્માણ, ‘જય સોમનાથ’ની શ્રદ્ધાપ્રણીત શૌર્યરંગી પ્રણયકથા, ‘ભગ્નપાદુકા’નું ગુજરાતગૌરવ અને એ જ ગૌરવના હનનની કથાએ મુનશીની લોકપ્રિયતા વધારી આપી; જોકે, એમની ઐતિહાસિક નવલકથા પર, એલેકઝાંડર ડુમાનો પ્રભાવ, ઇતિહાસ સાથે ચેડાં – લીધેલી છૂટછાટ, પાત્રના માધ્યમે સર્જકનો પ્રવેશ – પાત્રમાં સર્જકચરિત્રનું આરોપણ, અતિરંજકતાનાં તત્ત્વો આદિ મર્યાદાઓ પણ અભ્યાસુઓએ જોઈ-ચીંધી. મુનશીની પૌરાણિક નવલકથાઓમાં વ્યક્ત વૈદિક-પૌરાણિકકાલીન સાંસ્કૃતિક મૂલ્યોની ભવ્યતા-દિવ્યતા-અસ્મિતાનું ગાન સવિશેષ લોકાભિમુખ બની શક્યું છે. જોકે, તેમાં પણ ઋષિચરિત્રોમાં થયેલું માનવીયવૃત્તિઓનું આલેખન કાલવ્યુત્ક્રમની મર્યાદા રૂપે પણ જોવાયું છે!

ક. મા. મુનશીનાં નાટકોમાં ‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ (૧૯૨૧), ‘બે ખરાબ જણ’ (૧૯ર૪), ‘આજ્ઞાંકિત’ (૧૯૨૭), ‘કાકાની શશી’ (૧૯૨૯), ‘બ્રહ્મચર્યાશ્રમ’ (૧૯૩૧), ‘સ્નેહસંભ્રમ’ (૧૯૩૧), ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’ (૧૯૩૩), ‘ડૉ. મધુરિકા’ (૧૯૩૬), ‘છીએ તે જ ઠીક’ (૧૯૪૬) અને ‘વાહ રે વાહ’ (૧૯૫૩) જેવાં સામાજિક નાટકોની અતિરંજકતા તેને પ્રહસનોમાં ગણાવી દે છે; તો ‘પુરંદર પરાજય’ (૧૯૨૨), ‘અવિભક્ત આત્મા’ (૧૯૨૩), ‘તર્પણ’ (૧૯૨૪), ‘પુત્ર સમોવડી’ (૧૯૨૯) અને ‘લોપામુદ્રા’ (૧૯૩૩-૩૪) જેવાં પૌરાણિક નાટકોની અતિગંભીરતા ઉપરાંત ચરિત્રોની અવહેલના જેવી મર્યાદાઓ વચ્ચે ‘ધ્રુવસ્વામિનીદેવી’ (૧૯૨૯) જેવું બેલેન્સ ધરાવતું તાટસ્થ્યપૂર્ણ ઐતિહાસિક નાટક મુનશીને જમાપક્ષે નોંધી શકાય.

એમની પાસેથી આત્મકથા નામે ‘અડધે રસ્તે’ (૧૯૪૩), ‘સીધાં ચઢાણ’ (૧૯૪૩) અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ (૧૯૫૩) – એમ ત્રણ શીર્ષકથી, અને ‘મારી બિનજવાબદાર કહાણી’ (૧૯૪૩) પ્રવાસકથાના આત્મકથનાત્મક અંશોને ગણીએ તો ચાર ભાગ મળે છે. એમાં પ્રભાવશાળી પૂર્વજોથી આરંભી, મુનશીના જીવનનો સંઘર્ષ, પડાવ અને પ્રગતિ ઉપરાંત પ્રણયનાં સંવેદનો વિશે લેખકે રસિક શૈલીમાં સર્જનાત્મક અંશોને ગૂંથીને સ્વાનુભૂતિને સહજ નિખાલસતાથી આલેખી છે. એના સર્જનાત્મક અંશો એને નવલકથાની નિકટ લઈ જાય છે! ;

આ ઉપરાંત ‘ગુજરાતના જ્યોતિર્ધરો’ અને ‘નરસિંહયુગના કવિઓ’ને ગુજરાત અને ગુજરાતી સાહિત્યના ઇતિહાસ રૂપે જોઈ શકાય. તો, ‘નરસૈંયો - ભક્ત હરિનો’ (૧૯૩૩) ‘નર્મદ - અર્વાચીનોમાં આદ્ય’ (૧૯૪૯) મૂલ્યવાન સર્જનાત્મક ચરિત્રો રૂપે માણી શકાય. ‘કેટલાક લેખો’ (૧૯૨૬), ‘થોડાંક રસદર્શનો’ (૧૯૩૩), ‘ગુજરાતની અસ્મિતા’ (૧૯૩૯), ‘આદિવચનો’ - ૧ (૧૯૩૩) અને ‘આદિવચનો’-૨ (૧૯૪૧)માં વિવેચનાત્મક લખાણો ઉપરાંત કેળવણીવિષયક લેખો, વ્યાખ્યાનો, ઐતિહાસિક લખાણો વગેરેના સંગ્રહો છે. આ સિવાય એમનાં અંગ્રેજી લખાણોના સંગ્રહો પણ મળે છે.

માત્ર ગુજરાતના જ નહીં, પણ સમગ્ર દેશના પ્રમુખ સંસ્કારપુરુષોમાં માનવંતું સ્થાન શોભાવતા કનૈયાલાલ મુનશીને ગુજરાતની અસ્મિતાના ગાયક પણ કહેવાયા છે. માત્ર સાહિત્ય જ નહીં, પણ શિક્ષણ, સંસ્કૃતિ અને રાજકારણ ક્ષેત્રે પણ સક્રિય મુનશીનું પ્રખર પ્રતિભાશાળી વ્યક્તિત્વ અનેકરંગી અને બહુઆયામી છે. અભ્યાસ દરમિયાન પ્રા. અરવિંદ ઘોષનો સંસર્ગ, વિશાળ વાચન, સાતત્યપૂર્વકનું અધ્યયન-ચિંતન-મનન ઉપરાંત ભૃગુકુળનું ગૌરવ એમના વ્યક્તિત્વ-ઘડતરનાં મહત્ત્વનાં પરિબળો છે. એમની બહુમુખી પ્રતિભાએ એમને સફળ વકીલ, ઉત્તમ સર્જક, અગ્રિમ રાજનીતિજ્ઞ, જાગરૂક રાજ્યપાલની નવી ઓળખ અપાવી. એમણે સાહિત્ય, શિક્ષણ અને સંસ્કારક્ષેત્રે આપેલી અમૂલ્ય સેવા અપૂર્વ ગણી શકાય. ઈ. સ. ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની મુનશી દ્વારા થયેલી સ્થાપના ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસનો મહત્ત્વનો પડાવ ગણી શકાય. વડોદરા યુનિવર્સિટી કમિશનના સભ્ય, ગુજરાત યુનિવર્સિટી સોસાયટીના સ્થાપક મંત્રી, મુંબઈ યુનિવર્સિટીની ગુજરાત અભ્યાસ સમિતિના અધ્ય્ક્ષ, એ જ યુનિવર્સિટીના એકેડૅમિક કાઉન્સલર, આણંદ ખેતીવાડી કૉલેજમાં કૃષિગોવિદ્યાભવનના અધ્યક્ષ, ચારુતર વિદ્યામંડળ, વલ્લભવિદ્યાનગરના અધ્યક્ષ, ભારતીય વિદ્યાભવનના કુલપતિ અને ગોરખપુર યુનિવર્સિટીના કુલાધિપતિની મહત્ત્વપૂર્ણ સેવાઓ શિક્ષણ ક્ષેત્રની એમની સક્રિયતા દર્શાવે છે. સાહિત્યક્ષેત્રે જોઈએ તો ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણકર્તાઓમાંના એક તે એ સંસ્થામાં ઉપપ્રમુખ રહ્યા, પ્રમુખ પણ બન્યા. મુંબઈ યુનિવર્સિટી દ્વારા આયોજિત ઠક્કર માધવજી વસનજી વ્યાખ્યાનમાળામાં આપેલાં વ્યાખ્યાનો, ગુજરાતી નવલકથા-નાટક-વાર્તાસર્જન ઉપરાંત અંગ્રેજીમાં રચેલા વિવિધ વિષયના અભ્યાસપૂર્ણ ગ્રંથો એમની સાહિત્યિક રુચિના પરિચાયક છે. એમની બહુમુખી પ્રતિભા, અનેક સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પરની સક્રિયતા અને આજીવન સેવાના પરિણામરૂપ પાંચ-પાંચ યુનિવર્સિટી તરફથી ડૉક્ટર ઑફ લિટરેચરની માનદ પદવી એમને પ્રાપ્ત થઈ છે. આવા, અનેક સ્ફુલિંગોથી ઉભરાતા બહુમુખી વ્યક્તિત્વના માલિક કનૈયાલાલ મુનશી ગુજરાતી છે અને ગુજરાતી સાહિત્યકાર છે એનું ગૌરવ છે.

ગુજરાતી ટૂંકીવાર્તા ક્ષેત્રમાં મુનશીનો પ્રવેશ થાય એ પહેલાં ઘણી કલમ એનું કૌવત દાખવી ચૂકી છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં દલપતરામ, રણછોડભાઈ ઉદયરામ, ફરામજી બમનજી, ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ, રુસ્તમ ઈરાની જેવા ઘણા સર્જકોએ વાર્તા નામે બોધ અને મનોરંજનપ્રધાન કથાઓ આપી હતી. રમણભાઈ નીલકંઠની ‘ભોમિયાને દીધેલી ભૂલથાપ’ (૧૮૮૬), અંબાલાલ દેસાઈની ‘શાંતિદાસ’ (૧૯૦૦), રણજિતરામ વાવાભાઈ દેસાઈની ‘હીરા’ (૧૯૦૪), અમૃતલાલ પઢિયારની ‘નવા યુગની વાતો’ ભાગ-૧-૨ (૧૯૧૧, ૧૯૧૨) વગેરે મુનશીના આગમન પૂર્વે લખાઈ-આવકારાઈ ચૂકી છે. મુનશીનું વર્તાસર્જન મુખ્યત્વે ૧૯૧૨થી ૧૯૨૦ દરમિયાન થયું છે. એમણે વધુ વાર્તા ન લખી એનાં કારણોમાંનું એક વાર્તાનો મર્યાદિત પટ, લાઘવનું મહત્ત્વ અને વસ્તુની સંકુલતા મુખ્ય છે. મુનશીને નવલકથાનો વિશાળ પટ, સ્થળ અને પાત્રવર્ણનમાં મોકળાશ ઉપરાંત યદૃચ્છાવિહાર વધુ માફક આવ્યાં; પરિણામે પછીથી એમણે વાર્તાઓ ન જ લખી! એમનો એકમાત્ર વાર્તાસંગ્રહ ‘મારી કમલા અને બીજી વાતો’ પછીથી એમાં બીજી, થોડી નવી વાર્તાઓ ઉમેરીને નવી આવૃત્તિ રૂપે ‘નવલિકાઓ’ નામે પ્રગટ થઈ. મુનશીની કુલ ૨૩ વાર્તાઓ હળવાશ, વિષયવૈવિધ્ય, કથનપ્રયુક્તિ, ભાષાભિવ્યક્તિ, વર્ણનકલા અને સંવાદ-સામર્થ્યની દૃષ્ટિએ જોવી તપાસવી ગમે તેવી છે.

મુનશી ગંભીર, તેમ હળવાશભરી – એમ બન્ને પ્રકારની વાર્તાઓ લખી જાણે છે. એ જ રીતે, સર્વજ્ઞની કથનરીતિએ, તેમ પ્રથમપુરુષ એકવચનની કથનપ્રયુક્તિથી પણ વાર્તા સર્જી જાણે છે! વીસ-પચ્ચીસ પાનાંમાં વિસ્તરતી એમની વાર્તા ક્યારેક અઢી-ત્રણ પાનાંમાં પણ પૂરી થઈ જાય છે! સ્ત્રી-સંવેદનને અનુભવી શક્તા સર્જક પુરુષ મનોગતમાં પણ પ્રવેશી શકે છે! કોઈ વિષયનો એમને છોછ નથી! ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ વાંચ્યા પછી કોઈ વિવેચક ચિત્કારી પણ શકે કે ‘આ વાર્તા લખતાં મુનશીનો હાથ કપાઈ કેમ ન ગયો?!’ મુનશીના ઋષિ માત્ર પૌરાણિક નવલકથા/નાટકોમાં જ સ્ત્રીમોહિત નથી બનતા, વાર્તામાં પણ બને છે! પ્રણાલિકાભંજક તરીકેની એમની છાપ વાર્તાથી ચાલી આવી છે એમ તમે સહજતાથી કહી શકો. મુનશીની વાર્તાની વિશેષતા કહેવી હોય તો કહી શકાય કે વિષયપસંદગીને અનુરૂપ ભાષાપસંદગી; ને એને અનુરૂપ શૈલી! –‘એક સાધારણ અનુભવ’માં કથકના મિત્રની બદલાતી ભાષા, ‘કોકિલા’માં નાયિકાના રૂપલાલિત્યના વર્ણનની ભાષા, ‘ગૌમતિદાદાનું ગૌરવ’ની વ્યંગ/કટાક્ષમય શૈલી, ‘શામળશાનો વિવાહ’ની હળવાશ ‘અગ્નિહોત્રી’ અને ‘કંકુ આખ્યાન’ની પારંપરિત અને પૌરાણિક વાતાવરણને અનુરૂપ શબ્દપસંદગી આદિથી એ વિશેષ આસ્વાદ્ય બને છે. શક્ય છે કે આ વાર્તાઓમાં તમને સંકુલ કથાનક ન સાંપડે, સામગ્રી કરતાં રૂપનું મહત્ત્વ ગૌણ લાગે, રૂપઘટક તત્ત્વો પણ ખાસ ન મળે; પણ રસપ્રદ રચનાવિધાન, વ્યવહારુ સમજણ, જિંદગીના વાસ્તવિક આરોહ-અવરોહ, વ્યંગ અને વિડંબનાનો પ્રત્યક્ષ/પરોક્ષ સૂર, તત્કાલીનતાનું પ્રત્યક્ષીકરણ, લીરીકલ (ભાવાત્મક), નેરેટીવ (કથનાત્મક), ડ્રામેટિક (પ્રતિભાવાત્મક) અને ડીસ્કર્સીવ (મિશ્રપ્રકૃતિ)નું સંમિશ્રણ જેવા વિશેષો વાર્તાને – સ્વરૂપની આળપંપાળમાં પડ્યા વિના – લોકભોગ્ય બનાવે છે. આ વિધાનોને આંગળી મૂકીને – સદૃષ્ટાંત – જોવા-તપાસવા માટે પ્રત્યેક વાર્તાને જ તપાસીએ.

Mhari Kamala by K M Munshi - Book Cover.pngMunshi Grathavali -1 - Book Cover.png

સંગ્રહને જે વાર્તાનું શીર્ષક મળ્યું છે એ ‘મારી કમલા’ પ્રથમ પુરુષ એકવચનમાં કથકને મુખે રજૂ થઈ છે. વાર્તા વાંચતાં તમને આ જ લેખકનું નાટક ‘કાકાની શશી’ જરૂર યાદ આવે. બન્નેમાં આશ્રિત તરફનું આકર્ષણ કેન્દ્રમાં છે. અહીં વાર્તાનાયક/કથકની બદનસીબીની વાત છે. મનુષ્યજીવનમાં સુખ માત્ર આભાસ છે; દુઃખ જ સનાતન છે એ કહેવા જ જાણે કે આ વાર્તા લખાઈ હોય તેમ નાયકને આરંભથી જ બદનસીબ આલેખ્યો છે. યુવાન થતાં સુધીમાં દુઃખ-દર્દ-પીડા-એકલતા જ જેણે જોઈ છે એના જીવનમાં સ્વપ્નસમી ‘કમલા’ પ્રવેશે છે. કથકની આશ્રિત કમલાની મા કમલાને આઠ વર્ષની છોડીને કોઈ રાજપૂત જોડે નાસી જાય છે. કથક કમલાને મોટી કરે, આકર્ષાય ને પ્રેમ થતાં પરણી પણ બેસે! ‘સુખ’ની વ્યાખ્યા ને ‘જીવન’નો અર્થ સમજાતો લાગે ત્યાં જ ભાગી ગયેલી કમલાની મા ફરી પાછી આવે! મા-ના કહ્યામાં ને પ્રભાવમાં પતિ તરફ દુર્લક્ષ સેવતી થયેલી કમલાના દુર્વ્યવહારથી દૂર બદલી કરાવી લેતો નાયક કમલાની માના મૃત્યુ થયાના સમાચારે પરત આવે, પણ કમલાના અપમાનજનક વ્યવહારમાં કશો જ ફરક ન જોતાં વ્યથિત થતો પોતાના દુર્ભાગ્યને કોસે. ક્ષયની બીમારીમાં સંપડાયેલી કૃશ ને દુર્બળ કમલા અંતે પશ્ચાત્તાપ અનુભવતી દેહ છોડે ને નાયક ફરી સનાતન એકલતાનો અનુભવ કરે.

સ્વરૂપ-સંદર્ભ જોશો તો સર્જકનો વાર્તાપ્રપંચ તમે તરત પકડી શક્શો. નાયકની અનંત-અનહદ-અમાપ દુર્દશાને સનાતન બતાવવા પ્રારંભે એના મા-બાપનાં ને અંતે કમલાના મૃત્યુની ઘટના પસંદ કરે; કમલાની માનું પાત્ર નિર્મે; એને નાયકના દામ્પત્યજીવનમાં દખલગીરી કરતી આલેખાય, કમલાને માના પ્રભાવ તળે વર્તન કરતી આલેખાય વગેરે આયોજનબદ્ધ વાર્તાપ્રપંચ બની રહે! તત્સમ, તેમ અરબી-ફારક્ષી શબ્દસમૃદ્ધિ તત્કાલીન સમય-સંદર્ભ રચી આપે. ‘અમે પરણ્યાં, પછી સુખમાં શું પૂછવું?’, ‘પ્રેમ મળ્યે પરવા શાની?’, ‘માણસ અન્યાય ક્યાં સુધી ખમી શકે?’, ‘આમ ક્યાં સુધી ચાલે?’, ‘કોને દુશ્મન ગણું?’ જેવા પ્રશ્નોની ભરચકતા શૈલીની ભાત રચે. સ્ત્રીનાં બદલાતાં રૂપનો, અકળ વ્યક્તિત્વનો આલેખ રજૂ કરતી આ વાર્તાને નરસિંહરાવ દિવેટિયાએ હરખથી આવકારેલી, પણ વાતોમાં ઊર્મિનો અતિરેક આત્યંતિક રંજકતામાં પરિણમતાં કારુણ્યનો જોઈએ તેવો સંસ્પર્શ કરાવી શકતા નથી.

‘એક સાધારણ અનુભવ’ વ્યંગપ્રધાન વાર્તા છે. આ કથા પણ કથકના મુખે કહેવાઈ છે. ‘એક સાધારણ અનુભવ’ અહીં કથક માટે ‘એક અ-સાધારણ અનુભવ’ બની રહે છે. કથક અને તેનો મિત્ર રઘુનંદન પ્રારંભે આદર્શવાદી, સિદ્ધાંતવાદી અને બહુઆયામી વ્યક્તિત્વો ધરાવતા સ્વપ્નિલ યુવાનો છે. વિદ્યા અને અભ્યાસથી જ સમાજ અને રાષ્ટ્ર સુધરી શકે; એ માટે કંઈક કરી છૂટવાના ધખારાવાળા આ બે તેજસ્વી યુવકો સમયાંતરે જુદા પડે છે; પણ જ્યારે મળે છે ત્યારે રઘુનંદનનું બદલાયેલું, અર્થોપાસનાથી અંજાયેલું ભૌતિકવાદી માનસ કથકને આઘાત આપે છે. આ આઘાત જ વાર્તાનું કેન્દ્રબિંદુ છે. સ્થૂલ સુખોને ઇષ્ટ માનતા મિત્રનું ચારિત્ર્ય-અધઃપતન કથકને પીડે છે. મુંબઈના શ્રીમંત શેઠની એકની એક છોકરી સાથેના લગ્ન પછી મિત્રમાં પ્રવેશી ગયેલી શઠતા જે રીતે મિત્રના ઠંડાગાર અને હાસ્યમિશ્રિત, પ્રતિભાવોથી વ્યક્ત થઈ છે એ નાયકને આંચકો આપવા જ તો આલેખાઈ છે! પોતાના જૂના મિત્રને મળવા જતો કથક મિત્રને મળવા છતાં મળી શકતો નથી; પણ સંપત્તિથી છકેલા સંવેદનહીન પૂતળાને જાણે મળે છે! વિદ્યાકાળે સ્નેહ-સમર્પિત પ્રિયતમાને છોડી દેતો મિત્ર એના મરવાના સમાચારે પણ દુઃખી ન થતો આલિશાન મહેલમાં કૂતરી બીમાર પડ્યે બેબાકળો બની બેસે એ જોઈને વિદ્યાકાળનો પ્રગતિવાદી વિચારક ગુમાઈ ચૂક્યો છે; લક્ષ્મી આગળ સરસ્વતી ઝાંખી પડી છે એવો અનુભવ કથકને થાય છે! મિત્રની દંભી વાણી, સંપત્તિનો દેખાડો ને નફફટ હાસ્યથી ગૂંગળાઈને ઘર તરફ ભાગતો કથક વાર્તાન્તે ભર્તૃહરિનો શ્લોક યાદ કરે છે : ‘કકાવિહીનઃ સાક્ષાત પશુઃ |’ મુનશીને જાણે આજનો વાસ્તવ રજૂ કર્યો હોય તેવી તાજપ અનુભવાય છે! સર્જકને પારગામી આથી જ કહ્યો છે!

‘કોકિલા’નો કથક – નામે કિશોરલાલ – પણ એક અસાધારણ અનુભવ સ્વમુખે કથે છે, જેની નાયિકા કોકિલા છે! પત્નીના અવસાને વિષાદગ્રસ્ત કથક બેચેની દૂર કરવા સ્થળફેર માટે પાવાગઢ જાય; ત્યાં દુનિયાથી દૂર, પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સ્વર્ગીય અપ્સરાસમી, ખુદમાં જ ગરકાવ રહેતી કોકિલા મળે. એ તરફ આકર્ષાતો કથક વાર્તાલાપ કરતાં પ્રેમાલાપનાં સપનાં જોતો થાય, ને અવકાશ મળતાં જ લગ્નનો પ્રસ્તાવ પણ મૂકી બેસે! પણ, એકાંતપ્રિય, સ્વ-માં જ રમમાણ, આંતરમુખી કોકિલા પૂર્વજીવનના કડવા સ્વાનુભવને આગળ કરી, પ્રસ્તાવનો ઇનકાર કરે! પૂર્વજીવનમાં આકર્ષાયેલા યુવકની પૌરુષીય માનસિકતા અને સ્ત્રીને ગુલામડી માનવાની વૃત્તિથી વ્યથિત કોકિલા પીડાને કાયમ પાલવે બાંધી, સ્ત્રીની અવદશાની ઉપાધિમાં ગળતી-ઝળતી જાય ને અંતે એ જ વ્યાધિમાં મૃત્યુ પામે! કોકિલાના લગ્નવિષયક વિચારો ન્હાનાલાલના સ્નેહલગ્ન- લગ્નસ્નેહની ભાવનાને પ્રત્યક્ષ કરાવે; તો, પૂર્વ પ્રેમી સાથેના અનુભવોને આધારે અનાયાસ આલેખાતો નારી તરફી પક્ષપાત વાર્તાને નારીવાદ પૂર્વના નારીવાદી વિચારોની પ્રભાવકતા સિદ્ધ કરે! તત્સમ બાની, કેકિલાના રૂપવર્ણનનું લાલિત્ય, કથકનું પુરુષસહજ આકર્ષણ (જે એમની ઘણી વાર્તામાં પ્રભાવક બનતું વાર્તાનું ચાલકળથી બને છે!) અને અનેક શબ્દદ્વયો/સામાસિકો તત્કાલીન વાર્તા-વિષય ને શૈલીનો પ્રભાવ ચીંધે છે.

‘મારો ઉપયોગ’માં પ્રેમવાંછુ સ્ત્રી વિરુદ્ધે વ્યવસાયવ્યસ્ત કુંઠિત પુરુષના કથાવસ્તુ દ્વારા કજોડા દામ્પત્યજીવનના પ્રશ્નને સપાટી પર લાવવામાં આવ્યો છે. પ્રથમ પુરુષ એકવચનની કથનરીતિએ આલેખાતી આ વાર્તા વિશેષ તો વ્યંગ્યપ્રધાન છે! ‘એક સાધારણ અનુભવ’ની જેમ અહીં પણ બે સહાધ્યાયી મિત્રોના પૂર્વ અને વર્તમાન-જીવનની વાત દ્વારા કથકના મિત્રની બદલાયેલી પ્રકૃતિનો આલેખ રજૂ થયો છે! પૂર્વેની વાર્તામાં સંપત્તિથી અંજાતા મિત્રનું બદલાયેલું રૂપ કથકના આઘાતનું નિમિત્ત બને છે, અહીં, મિત્રનું વધુ રૂઢ ને ગૂઢ બનતું વ્યક્તિત્વ કથકના આશ્ચર્યનું નિમિત્ત બને છે! ભણ્યા બાદ છૂટા પડતા બે મિત્રો ત્રણેક વર્ષ બાદ ફરી મળે છે! કથક મિત્ર રમણિકને મળવા એમના ઘરે જાય છે. પ્રોફેસર મિત્રનું વેદિયાપણું, પુસ્તક પ્રત્યેની અનહદ ચાહત, નરી ને નકરી અભ્યાસમયતાને કારણે નિરસ બનતું/બની ગયેલું દામ્પત્યજીવન વાર્તાનો વિષય છે. મિત્રના જીવનમાં પ્રવેશી ગયેલી શુષ્ક યાંત્રિકતા દર્શાવવા તેને દિવસ-રાત અભ્યાસખંડમાં જ રત બતાવ્યો છે. સમગ્ર વાર્તામાં એને ‘પ્રોફેસર’ તરીકે સંબોધીને ધાર્યો વ્યંગ પણ કર્યો છે. તત્ત્વજ્ઞાની ચશ્માંથી વિદ્યાના વ્યસનને પોષતા પ્રોફેસરનું સામાજિક અજ્ઞાન. દામ્પત્યજીવનને કસોટીએ ચડાવે છે. એની વિરુદ્ધે પ્રોફેસરની પત્ની અનસૂયાનું રસિક-રંગીન જીવન જે રીતે નિરસ બનતું આલેખાયું છે એ જોતાં સુન્દરમ્‌ની ‘નાગરિકા’નું સ્મરણ થઈ આવે છે! રસિક અનસૂયાનું છતે પતિએ એકલવાયું જીવન કથકના આગમને થોડું ગતિશીલ, થોડું પ્રાણવાન બને છે! નાટક જોવામાં પણ નિરસ પ્રોફેસર પત્નીને મિત્ર સાથે નાટક જોવા મોકલ્યા પછી પ્રોફેસરના વર્તનમાં આવતું પરિવર્તન સુજ્ઞ ભાવક જો પકડી શકે તો અંતને આસાનીથી ઉકેલી શકે! વાર્તાનો ઉત્તરાર્ધ થોડો રહસ્યમય બનતો વાચકને પણ વિચારતા કરે! પતિની નાજુક તબિયતનું બહાનું ઊભું કરી, કથકને દવા લેવા મોકલતી અનસૂયા ગુમ થયાની – ભાગી ગયાની શંકાએ પાગલ જેવો બની જતો પ્રોફેસર ગ્રંથાલયનાં પુસ્તકોને વેર-વિખેર કરી, પાનાં ફાડી, અસ્તવ્યસ્ત ઓરડા વચ્ચે પ્રલાપોમાં સરી પડે! પોતાને મૂર્ખ, જાનવર, ગધેડો ગણાવી પત્નીને ન સમજી શક્યાનો અફસોસ વ્યક્ત કરતો તે, અનસૂયા મિત્ર રમણિક સાથે ભાગી ગયાની શંકાએ, પાગલ જેવો બનતો જાતને કોસે. ઘરમાં શોધખોળ દરમિયાન બે પત્રો મળે! એક, ટાઇપ કરેલો – ‘તારા મિત્રથી ચેત. તારી બૈરીને સુખ નહીં આપશે તો દુઃખી થશે.’ – એટલા જ લખાણવાળો; ને બીજો અનસૂયાનો – ‘છેલ્લી સલામ!’-વાળો! પહેલાં તો, અનસૂયા મિત્ર રમણિક સાથે ભાગી ગઈ હોવાનો ‘ભરોસો’(!) ને, દવા લઈને આવેલા મિત્રને જોતાં જ ‘આત્મઘાત કર્યો હોવાનો ડર’ વાચકને પણ ડરાવી દે છે! કરુણ અંત તરફ ધસતી વાર્તા ઓચિંતી જ – કબાટ પાછળથી પ્રગટતી, ખડખડાટ હસતી ને પ્રોફેસરને ગળે વીંટળાતી અનસૂયાથી – રસપલટો કરતી, હળવાશમાં સરી જાય છે! ‘કોણ, અનસૂયા?’ – ફાટેલા ઘાંટાથી રડતા, હસતા પ્રોફેસરે પૂછ્યું. અનસૂયાએ જવાબ દીધો નહીં. ધીમેધીમે ડરતા હોય તેમ પ્રોફેસરે આંખ પરના સુકોમળ હાથ તપાસ્યા – તે હસી પડ્યા!” – એ વિધાન સાથે વાર્તા પૂરી થવી જોઈતી હતી; પણ હજુ એક આખું પાનું લખવાનો મોહ જતો ન કરી શકનાર મુનશી વાર્તાને વણસાડી દે છે! વાર્તાને અંતે પુસ્તકરત પ્રોફેસરમાં આવેલો બદલાવ આકસ્મિક અને આયાસી લાગે. આ ઘટના પછી ખોવાયેલા ‘પોફેસર’ને ખોળતાં શિષ્યોનું કથન જરૂર હાસ્ય જન્માવે. કથકને પેટના દુઃખાવાની દવાનું પ્રિસ્ક્રીપ્શન પકડાવતી અનસૂયા ઘણી હોશિયાર જણાય, પ્રિસ્ક્રીપ્શનમાં પેટના દુખાવાની નહીં, પણ ‘ડિસ્પેપ્શિયા’ની દવા લખી હોવાનું કહેતો કેમિસ્ટ, અનસૂયાએ બતાવેલી દવાની દુકાન નજીકમાં ક્યાંય ન હોવાનું રહસ્ય વગેરે ભાવકના ચિત્તમાં અવનવાં વમળો સર્જવા પર્યાપ્ત છે. ‘મારો ઉપયોગ’ શીર્ષકનો ધ્વનિ વાર્તાન્તે પકડાય. અંતે ‘ખાધું, પીધું ને રાજ કર્યું’-ના ભાવ સાથે વાર્તા સુખાન્તને વળે!

‘કજોડાની વાત ‘એક પત્ર’ નામે વાર્તામાં પત્ર રૂપે વ્યક્ત થઈ છે, જે વાર્તા બનતી નથી! હિન્દુ સંસારમાં નાની વયે પરણીને સાસરે જતી સ્ત્રીને સાસુ અને પતિ તરફથી સહન કરવો પડતો ત્રાસ – એનો હિસાબ – આત્મહત્યા કરતી સોળ વર્ષની નિર્દોષ અભાગણી સ્ત્રીના પત્ર રૂપે અપાયો છે! એક રીતે જોઈએ તો, નાયિકા દ્વારા લખાતો આ પત્ર આત્મકથન માત્ર બની રહે છે. લેખકનો ઉદ્દેશ વાર્તાનિમિત્તે તત્કાલીન સમાજનું, સંયુક્ત પરિવારમાં સ્ત્રીની અવદશાનું ચિત્ર રજૂ કરવું છે. દિવસ-રાત એક ગુલામડીની જેવું ગધ્ધાવૈતરું કરતી સ્ત્રીને પડતો માર, સ્ત્રીનાં માતા-પિતાને પડતી ગાળો, વધે તો જ ખાવા મળે એવી સ્થિતિ, પિયર જવાની બંધી – આદિથી ત્રાસી જતી સ્ત્રીનો આત્મહત્યા પૂર્વેનો આ પત્ર ‘એક અભાગણીનો પત્ર’ જ નહીં, સમગ્ર સ્ત્રીજાતિની આપવીતીનો પત્ર બની રહે છે. મહિપતરામ નીલકંઠે જે વાત કહેવા ‘સાસુ-વહુની લડાઈ’ નામે આખી નવલકથા લખી, રણછોડરામ દવેએ આ જ વાત કરવા ‘લલિતા દુઃખદર્શન’ નામે પૂરું નાટક લખ્યું એ જ વાત મુનશીએ વાર્તા નામે એક પત્રમાં સમાવી એ એમનો વિશેષ! કરુણગર્ભ વ્યંજનાથી મળતું તત્કાલીન સમાજચિત્ર વાર્તાની ઓળખ બને છે.

‘ગૌમતિદાદાનું ગૌરવ’. એ ખોટા કુલાભિમાન, જ્ઞાતિગૌરવ અને વાહિયાત વંશ-પરંપરાની ઠેકડી ઉડાડવા જ લખાયેલી વાર્તા છે. અહીં સર્વજ્ઞની કથનરીતિ પ્રયોજાઈ છે. સમાનતાના સમયમાં જાતિ અભિમાનની પિપૂડી વગાડતા વંશજોના પક્ષપાતી સુમતિશંકરના પરિવારના પૂર્વજ ગૌમતિદાદાના ગેરસમજભર્યા ગૌરવને હળવાશની નીતિરીતિએ રજૂ કરે છે. વ્યંગ અહીં વાર્તાને પ્રાણવાન બનાવે છે. પરિવારજનો પોતે અત્રિ-અનસૂયાના વંશજ હોવાનું ગૌરવ કોઈ ક્ષણે ચૂકતા જ નથી; પણ પેઢીમાં થઈ ગયેલા ગૌરવાન્વિત પૂર્વજ ‘ગૌમતિદાદા’ના પ્રતાપી વ્યક્તિત્વના પ્રભાવને પણ પાળે-પોષે છે! એ પ્રભાવ પરિવારના સભ્યોના નામ સુધી પણ પ્રસર્યો છે! સુમતિના પિતા શંકરમતિ, કાકા વિમતિ, ફઈ ધીરમતિ-હરમતિ વગેરેથી સૂચવાતું ભ્રામક કુલગૌરવ અંગ્રેજી-કેળવણીથી ઘડાતા સુમતિના પ્રારંભે વાણી-વર્તન-વિચારથી ખોડંગાય છે! પ્રારંભે કુલદીપક લાગતા સુમતિના વ્યવહારો કુલકલંક ને કુલાંગારની પદવીને પામે એમાં તમે જરૂર વાર્તા-વિકાસ જોઈ શકો. ગૌમતિના પેટના હોવાનું કુલાભિમાન બાળ સુમતિને શેરીના બીજા છોકરા સાથે રમવા પણ ન દે એટલું જડ છે! ગૌમતિદાદાના ગૌરવનો ઇતિહાસ પૂજાની ઓરડીમાં પડેલી બંધ પેટીમાં કહે છે! એમણે પહેરેલાં કપડાં, મુગુટ, શણગારનાં દર્શન દરેક માટે દુર્લભ છે! એકવીસ વર્ષે પરિપકવ થયા પછી જ એ વસ્ત્રાલંકારો દર્શનસુલભ થઈ શકે એ પરંપરા સુમતિને દાદાના ગૌરવપ્રદ પોષાકથી દૂર જ રાખે છે! એ વિશેની જિજ્ઞાસા સુમતિને હિંદના ઇતિહાસથી ‘મિલ’ના ઇતિહાસ સુધી ખાંખાંખોળાં કરાવે છે કે કયાંય ‘ગૌમતિદાદા’નો ઐતિહાસિક સંદર્ભ મળી આવે! અંગ્રેજી કેળવણી લેતો સુમતિ કૉલેજની ડિબેટિંગ સોસાયટીમાં ‘માણસ બધાં સરખાં છે’, એ વિષયક ચર્ચા કરતો આલેખાય ત્યાંથી વાર્તા અંત તરફ ગતિ કરતી ભળાય! એકવીસ વર્ષ પૂરાં થતાં ‘ગૌમતિદાદાનું ગૌરવ’ ગણાતું પૂજાસ્થાન સુમતિ માટે પ્રવેશયોગ્ય બને. ‘મેટિક્રીસ્ટો’ની તિજોરી ખૂલતી હોય તેમ પેટી ખૂલે. એમાં ધારેલાં લીલા મખમલનો પોષાક, જરીના વાઘા કે રૂપાનાં ચકતાં જેવું કશું ન મળે; પણ ‘surat’ જેવું અંગ્રેજીમાં કશુંક વંચાતાં સુમતિ એ કોટને – બધાનો વિરોધ છતાં – પેટીમાંથી બહાર કાઢે; ને એ પર ‘Surat Factory. Mr. Howard’s Hamal’ શબ્દો ઉકેલાય! આઘાતગ્રસ્ત સુમતિ વાચકને ખડખડાટ હસાવી જાય! લેખકે એનું ગુજરાતી પણ નોંધ્યું છે! (કોઈ વાચક વાર્તાના વ્યંગથી વંચિત ન રહેવો જોઈએ!) ગૌમતિદાદા વિશે ઊભો થયેલો ઉજ્જ્વળ ભવ્યતાનો ગૌરવવંતો મહેલ પળભરમાં ખંડેર બનતો ખરખર ખરી પડે! વાર્તાને અંતે લેખક નોંધે : ‘રાત્રે બે ફોઈ ને ભત્રીજો પાછલે બારણેથી બહાર નીકળ્યાં. એક પોટલી સાથે ઘંટીનું પડ બાંધ્યું અને પડોશમાં કૂવો હતો ત્યાં ‘ગૌમતિદાદાનું ગૌરવ’ વિસર્જન કીધું!’ પૂછડે ડંખવાળી આ વાર્તાનો વસ્તુપ્રધાન કટાક્ષ વાચકને પ્રભાવિત કરે છે. વાચકને જકડી રાખતું તત્ત્વ જ વાર્તાની વ્યંગમઢી ભાષા છે; જોકે, કરોડરજ્જુ તો પેલી વયમર્યાદા; ને વિશેષ તો અંગ્રેજી કેળવણી છે! એ બે-ને હટાવી લો, વાર્તા તો શું; કથા પણ ન બને! રહસ્યસ્ફોટયુક્ત વસ્તુસંકલના, અભિવ્યક્તિની માર્મિકતા ને અંત સુધી જળવાઈ રહેતો રસ વાર્તાને પ્રાણવાન બનાવે છે.

‘શામળશાનો વિવાહ’માં લેખક ફરી કજોડાનો મુદ્દો જોડી હાસ્યપ્રધાન વાર્તા સર્જે છે. લાંબા કાળ સુધી ટકી શકે એવી મુનશીની થોડી વાર્તાઓમાં અધિકારપૂર્વક મૂકી શકાય આથી આ વાર્તાની કથનરીતિ પ્રથમ પુરુષ એકવચનની છે. કજોડાનો પ્રશ્ન વ્યંગ-વચનોથી, હળવાશની શૈલીએ આલેખીને વાર્તાકારે આપણી લગ્નપરંપરા, એની પોકળ પવિત્રતા અને દંભી કર્મકાંડને પણ હડફેટે ચડાવ્યાં છે. મુનશી ફરી અહીં પરંપરાભંજક તરીકેની એમની ઓળખને તાજી કરાવે છે. પાંચ-છ વર્ષની બાળા સાથે પચાસ-પંચાવન વર્ષના શામળશા શેઠનો વિવાહ આશ્ચર્ય કે આઘાત આપતો હોવા છતાં તત્કાલીન સમય/સમાજનો વરવો વાસ્તવ છે. પાંચમી વાર પરણતા શેઠનો જાડો, કાળો, વૃદ્ધ દેહ પરસેવા ને પીઠીથી કેવો વાર્નિશ લાગ્યો વિચિત્ર ભાસે છે! શામળશાના વરઘોડાનું વર્ણન શાહબુદ્દીન રાઠોડના વનેચંદના વરઘોડામાં પડઘાતું સંભળાય! ઘરડા ઘુવડ જેવા સમરથ જોષી હોઠે ચડ્યા શ્લોકની લીટીઓ બબડતાં ધર્મ પ્રમાણે લગ્ન કરવા લાયક થયાની શેઠને ખાતરી કરાવી, જોઈતા પૈસા પડાવી શકે છે! માયકાંગલે ઘોડે ચડતા ને પડતા શેઠનું હાસ્યાસ્પદ વર્ણન, ને એથીયે વધુ હાસ્યાસ્પદ મંડપમધ્યે ઊંઘી જતી, ને સંવનન (wooing) કરવા ઉત્સુક શેઠને ‘બાને બોલાવીશ!’ જેવી ધમકી આપતી કન્યાનો વાર્તાને અંતે સંભળાતો ઘાંટો – ‘ઓ, બા! બા! આ ડોસો મને મારે છે!’ – બની રહે છે. કજોડા લગ્નનું બેહૂદાપણું, શામળશાનું ઠઠ્ઠાચિત્ર, હળવાશસભર લગ્નનું વાતાવરણ, કુરૂઢિ પ્રતિનો મર્મ અને અસરદાર અભિવ્યક્તિ ‘વાર્તા’નું કાઠું ઘડે છે.

‘શકુન્તલા અને દુર્વાસા’ નાયિકાને મુખે રજૂ થતી, નાયિકાકેન્દ્રી વાર્તા પૌરાણિક કથાનકને કેન્દ્રમાં રાખીને કહેવાતી કરુણ આપવીતી છે. દુષ્યંતના વિચારોમાં જ ખોવાયેલી શકુન્તલા આંગણે આવેલા દુર્વાસાને આવકાર-આદર ન આપી શકી; પરિણામે શાપનો ભોગ બની; ને દુષ્યંત એથી વિમુખ થયો એવું જાણે પોતાના જીવનમાં બન્યાનું અનુભવતી નાયિકા અંતે પ્રાયશ્ચિત્તનો ભાવ અનુભવતી જોવા મળે! પરણ્યા પછી પતિને અનહદ ચાહતી નાયિકા ઘરમાં સલાહ-સૂચન કરતા સસરા આડખીલી-રૂપ લાગે. પુત્રવધૂની બે-ચાર વારની ટકોર ને પુત્રની પણ નારાજગી સમજી લેતા પિતા મૌન ધારણ કરી એ બન્નેને અનુરૂપ જીવન જીવતા થાય! પુત્રજન્મ બાદ એની સંપૂર્ણ જવાબદારી પણ સસરાને સોંપી નિશ્ચિંત થઈ જતી નાયિકા પતિના પ્રેમમાં જ રમમાણ રહે. આ અરસામાં પતિના પૂર્વ મિત્ર રામદાસ ફોજદારની બદલી એ જ ગામમાં થતાં પૂર્વની મૈત્રી પુનર્જીવિત થાય, પીવાના આદી ફોજદારની સંગતે પતિ પણ શરાબને રવાડે ચડે. ડૉક્ટરી વ્યવસાયમાં બેધ્યાન બનતાં આવક ઘટે અને અધૂરામાં પૂરું માતૃત્વથી વંચિત બાળક માના દૂધને વાંકે મોતને ભેટે! નાયિકાને ‘અભિજ્ઞાન શાકુન્તલ’માં વાંચેલો દુર્વાસાનો શાપ યાદ આવે! નક્કી, પતિ તરફની અમાપ ચાહતને કારણે સસરા તરફ સેવાયેલું દુર્લક્ષ જ આ દુઃખના મૂળમાં છે એવું માનતી થયેલી નાયિકાનું પ્રાયશ્ચિત્ત પતિના પરિવર્તનનું પણ નિમિત્ત બને એવું કથાનક કથા બની અટકી જાય છે. બોધકથા લાગતી આ કથાનો વ્યંગ ભાગ્યે જ કોઈ પકડી શકે; જો એ વાર્તાની પહેલી બે પંક્તિને એ પુનઃ વાંચે, ને એને ઘટનાસંદર્ભે તપાસે : ‘મેં અંગ્રેજી પાંચ છ ચોપડીઓનો અભ્યાસ કર્યો એ પહેલાં ડૉ. વિશ્વનાથ જોડે મારાં લગ્ન થયાં.’ – આ વિધાનમાં વાર્તાસર્જન પાછળનો સર્જકોદ્દેશ જોવા મળે, મુનશી ઉચ્ચ શિક્ષણ, અંગ્રેજી કેળવણી ને પાશ્ચાત્ય સંસ્કૃતિના પક્ષકાર છે. એની વિરુદ્ધે ભારતીય પરંપરા, માન્યતા, આદર્શો ને રીતિરિવાજોનો – અવસર મળ્યે – વ્યંગબાણોથી છેદ ઉડાડતા રહે છે. આ પૂર્વેની ‘એક પત્ર’, ‘ગૌમતિદાદાનું ગૌરવ’ અને ‘શામળશાનો વિવાહ’માં પણ એમનું પક્ષપાતી વલણ વ્યક્ત થયું જ છે. અહીં દુર્વાસાના શાપને નાયિકાના વર્તન-વ્યવહાર સાથે બાદરાયણ સંબંધે જોડીને; પતિના ભ્રષ્ટ થયાની ઘટના માટે ફોજદારનો પ્રવેશ કરાવીને; પતિના પ્રાયશ્ચિત્ત, પરિવર્તન અને ઘરવાપસી માટે પુત્રના મોતની ઊભી કરાતી ઘટના વાર્તાનું વર્તુળ તો પૂરું કરે છે; વાર્તાની વસ્તુસંકલના ને સ્વાભાવિકતા માટે ખાસ ઉપકારક બની શકતું નથી. તત્કાલીન સમાજના માનસને સમજવા, સમાજશાસ્ત્રીય અભ્યાસ માટે આ વાતો ઉપયોગી બની શકે!

‘ગુજરાતનો શ્રેષ્ઠ કવિવર’માં નકલખોર અને દેખાડો કરતા દંભી કવિઓની ઠેકડી ઉડાડી છે! ટ્રેનની મુસાફરી દરમિયાન કથકને બની બેઠેલા લેભાગુ કવિ મળી જાય છે. આ ‘મહાશય’ની કવિ અને કવિતા વિશેની સમજ ઉપરાંત કાવ્યસર્જનની અવનવી આગવી રીતો વાચકને અંત સુધી હસતા રાખે છે! કથક કાવ્યનો શોખીન છે, સાક્ષર થવાનો આકાંક્ષી છે, કવિ થવાનો અભિલાષી છે. સહપ્રવાસીનાં વાણી, વર્તન ને હાવભાવથી આકર્ષાઈને એ કોઈ ખ્યાત કવિ હોવાનું માની બેસતો કથક તેમનું નામ પૂછી બેસે છે. પોતાની જાતને ‘નમ્રતાપૂર્વક શ્રેષ્ઠ કવિવર’ માનતો એ ઑર્ડર પ્રમાણે, કહો કે પૂર્વ કવિઓની જ શૈલીએ કવિતા લખી આપે છે! કલાપી, નરસિંહરાવ કે ન્હાનાલાલ એમના માટે ‘ઠીક ઠીક’ કવિ છે! ઉપર્યુક્ત કવિઓને એક જ શૈલીમાં પચાસ વર્ષ ઘસઘસ કરવાથી મળેલી શ્રેષ્ઠતાને એ ગૌણ ગણે છે! એમની દૃષ્ટિએ શ્રેષ્ઠ કવિ એ પોતે જ છે! કારણ એ જ કે, એ દરેક કાવ્યની શૈલીએ કાવ્ય લખી શકે છે! એ કહે છે : ‘હું સર્વવ્યાપી છું. મારા મિત્રો મને અવારનવાર ઑર્ડરો લખી મોકલે છે. એને જોઈતી શૈલીમાં કવિતા લખવાની મેં નિશાળ કાઢી છે.’ ભાઈશ્રીએ કવિતા લખવાનું એવું શાસ્ત્ર ખોળી કાઢ્યું છે કે જેને આધારે ‘પંદર દિવસની મહેનતથી ગમે તેવો ગધેડો પણ સારામાં સારી ગુજરાતી કવિતા લખી શકે છે!’ જુદા-જુદા કવિઓના ખાસ શબ્દોની નોટબુક બનાવી, એને આધારે એ-એ કવિઓની શૈલીમાં કાવ્ય લખી આપતા આ મહાશય અછાંદસની રીત પણ શીખવાડે છે : ‘એક કાગળ પર ગદ્યમાં એવા પ્રસંગોનું, એવા શબ્દોથી સીંચેલું, એવી કલ્પનાઓથી કૂદતું કંઈ લખી નાખવું. પછી કાગળ લઈ એને સીધો ન ફાટે એમ ફાડી બે કટકા કરવા. આમ કરવાથી તમારી લીટીઓનું માપ વહેંચાઈ જશે, અને પછી તો ફક્ત જે પ્રમાણે કાગળ ફાડવાથી વાક્ય તૂટ્યું હોય તેમ જ લખી દેવું! બીજી એક રીત શતરંજની જેમ આઠ ઊભાં, આઠ આડાં ખાનાં પાડી એમાં કવિતામાં શોભે એવા શબ્દો છૂટાંછવાયાં ખાનાંમાં લખીને પછી તેની આજુબાજુ એને અનુરૂપ શબ્દો ગોઠવી દેવાથી ૬૪ શબ્દોનું કાવ્ય તૈયાર! આ કવિશ્રેષ્ઠ પોતાના નામે એટલા માટે જ કાવ્ય પ્રગટ નથી કરતા, કારણ કે ‘સ્મોલ કૉઝ કોર્ટના બીલીફોથી છુપાતા ફરવું’ પડે છે! વ્યંગ આ વાર્તાનું જીવાનુભૂત અંગ છે.

‘હું શું કરું?’-માં સ્વરૂપવાન અને ચપળ-ચાલાક સ્ત્રીના પતિની પીડા – આપવીતી – કથકના મુખે વ્યક્ત થઈ છે. લોકોને કદરૂપી, અભણ, નિરસ કે બેદરકાર સ્ત્રી મળ્યાની ફરિયાદ હોય છે; અહીં એથી ઊલટું છે! મિ. ‘ક્ષ’ નામનો કથક પોતાની પત્નીના પતિ/ધણી તરીકે ઓળખાય છે! શાણી, ડાહી, રસજ્ઞ, ચતુર અને શીલવંતી સ્ત્રીનો ભરથાર બન્યાથી સમાજ એને ‘ભાગ્યશાળી’ માને છે; પણ, એ જ તો કથકનું મોટું દુઃખ થઈ પડે છે! વ્યંગમાં સર્જક અંતે એના મૂળમાં ‘સ્ત્રીકેળવણી’ જુએ છે! હળવા પ્રસંગ રૂપે વાર્તા આલેખાઈ છે.

‘નવી આંખે જૂના તમાશા’-માં દુનિયાને બદલી નાંખવાના, સુધારી દેવાના શેખચલ્લી વિચારોથી લદાયેલા મિ. રેવડીઆથી પ્રભાવિત કથક પાશ્ચાત્ય સંસ્કૃતિથી અંજાયેલાઓ અને તેના આંધળા અનુકરણમાં રત લોકો તરફ એક પછી એક ધારદાર વ્યંગ્ય કરતો રહે છે. મિ. રેવડીઆ ભૂતકાળના હિન્દુઓને અક્કલ વગરના, જંગલી અને અસંસ્કારી ગણાવી પોતાને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રચારક માને છે. કથક તેથી જ તેમને ‘ગુરુ’પદે સ્થાપે છે! અહીં કથક આપણે ત્યાં વ્યાપ્ત વિવિધ સંપ્રદાયના સેવકો અને અનુયાયીઓનો પ્રતીક બની વ્યક્ત થયો છે! મિ. રેવડીઆનું સુધારાવાદી માનસ અતિ ઉત્સાહમાં સ્વર્ગને પણ સુધારવા સક્રિય બને છે! રેવડીઆએ સ્વર્ગમાં કરેલાં સુધારા ને પરિવર્તનોને નિદ્રામાં નીરખતો કથક વસિષ્ઠ, મનુ, ચાણક્ય, શિવાજી, પરશુરામ, ચંદ્રગુપ્ત મોર્ય, શ્રી હર્ષ અને જડભરતને એમના આદર્શો, સિંદ્વાતો, માન્યતાઓથી વિમુખ થઈ રેવડીઆ-ચીંધ્યા માર્ગે સ્વ-અર્થી બનતા ભાળે છે! સ્વર્ગમાં ‘રેવડીઆ-પંથ’નું વર્ચસ સતી સાવિત્રીને પણ ઊંચી એડીનાં સેન્ડલ ને નાકે ચશ્માં ચડાવતી સત્યવાન પાસે પોતાના હકમાં ‘વીલ’ કરવાની માગણી કરતી કરે! સ્વર્ગને પણ સુધારવા કમર કસતા કહેવાતા સુધારાવાદીઓ તરફનો આ વ્યંગ રસિક, કટાક્ષમઢ્યો ને ધારદાર છે.

‘મારા બચાવમાં’ વાર્તા કાલ્પનિક ડર, બીક, ભયથી પીડાતા કથકની – જે-તે ડરના પ્રસંગે – સ્વબચાવમાં રજૂ થયેલી વિવિધ ઉક્તિઓ છે, જે હાસ્યનિષ્પન્ન તો કરાવે જ છે; કથકની મનોદશાનો ચિતાર પણ રજૂ કરે છે. નાયકને માણસનો અને માનવસમૂહોનો ડર છે. આથી, એકાંતપ્રિય તે એકાંત શોધતો રહે છે અને એના સ્વ-બચાવમાં વિવિધ કારણો રજૂ કરતો રહે છે. મનોવૈજ્ઞાનિક વિષય ધરાવતું આ કથાનક ઉત્તમ વાર્તા બનતું રહી જાય છે.

‘સ્મરણદેશની સુંદરી’માં કથકનો અપરાધીભાવ – એક અબળાને ન બચાવી શક્યાનો – તેને પીડે છે. મનોવૈજ્ઞાનિક વિષયવસ્તુવાળી આ વાર્તામાં ઘૂંટાતું રહસ્ય વાર્તાને જિવાડે છે. પોતાના અપરાધીભાવના પ્રાયશ્ચિત્ત માટેના કથકના પ્રયત્નોને અંતે એક રાતે મળતું સમાધાન ભ્રામક હોવાનું ભાન થતાં બેભાન થઈ જતો કથક ભાવકને પરાવાસ્તવ સુધી વિચારતો કરી શકે છે! અંધારી રાત ને વરસાદનું વર્ણન, અબળાની મનઃસ્થિતિનું પ્રત્યક્ષ થતું આલેખન, નાયકના ચિત્તમાં ઘર કરી ગયેલો અપરાધીભાવ અને અંતે એક રાતે નાયિકા સ્વયં નાયકના દ્વારે આવ્યાના આભાસ વચ્ચે સમગ્ર વાર્તામાં પડઘાતો ‘દયા છે કે નહિ?’-નો વેધક પ્રશ્ન વાર્તાના વાતાવરણને બાંધવામાં ધાર્યો કારગત નીવડે છે.

‘અગ્નિહોત્રી’ સર્વજ્ઞ ક્થનરીતિએ રજૂ થયેલી કરુણાન્ત વાર્તા છે. આર્યસંસ્કૃતિને આદર્શ માની, પરમ તત્ત્વમાં અપૂર્વ શ્રદ્વા રાખતા સંસ્કાર-પુરુષ અગ્નિહોત્રીના બ્રાહ્મણ-સંસ્કાર અને એને નગરવાસી પુત્રના અસંસ્કારી વર્તનથી લાગતો કુઠારાઘાત આ વાર્તાના કેન્દ્રમાં છે. ગંભીર કહી શકાય તેવી કરુણાન્તિકા બે પેઢી, બે સંસ્કૃતિ, બે પ્રાંતના વર્ષોથી ચાલ્યા આવતા અંતરાલમાંથી જન્મતા સંઘર્ષને વિષય બનાવે છે. નિર્મળ નયનો ને પરમતત્ત્વના સાન્નિધ્યે સાઠ વર્ષ ગ્રામીણ સભ્યતા વચ્ચે ગુજારતો શુદ્ધ, સાત્ત્વિક, સંયમી બ્રાહ્મણ પિતા પુત્ર દ્વારા ધર્મનો ઉદ્ધાર અને આર્યસંસ્કૃતિનું પુનઃ સ્થાપન થવાનાં સપનાં જોતો પુત્રને મુંબઈ મોકલે છે. પુત્ર મુંબઈની મોહમયી માયામાં ખોવાતાં બાપને પણ ભૂલે છે. હવે તો પત્ર પણ લખતો બંધ થયો છે. બે પૌત્રની પધરામણીથી વંશવૃદ્ધિનો તો આનંદ છે જ; પોતાની ભાવના સજીવન કરવાનાં સાધનો પણ વધ્યાનો પિતાને હરખ છે! જોકે, અનેક પત્રો લખ્યા પછી પણ જવાબ ન મળતાં સંસ્કારી પિતા જિંદગીમાં પહેલી વાર મુંબઈ જવા નીકળે છે. રેલવેમાં, રેલવે-સ્ટેશન પર અને માર્ગમાં અનેક વર્ગોનો શંભુમેળો, એનાં વાણી-વર્તન અને ધર્મભ્રષ્ટ થતાં માનવજંતુઓથી તે દુઃખ અનુભવે છે. મુંબઈની ગંદી ગલીઓમાં સંસ્કારવિહોણા સ્ત્રી-પુરુષોથી વ્યથિત તે પોતાને ન ઓળખી શકેલાં પૌત્રો ને પુત્રવધૂના અસભ્ય વ્યવહારથી તો રીતસર ભાંગી જ પડે છે! દૂરથી જોયેલા પુત્રનો મેલોઘેલો દેખાવ ને ઈરાની હોટલમાં ખાવા જવાની અસંસ્કારિતા તેને પીડે છે! પોતાનું ઘર બળીને રાખ થતું લાગતાં તે શિવસ્મરણ કરતાં કરતાં સમુદ્રમાં જ દેહ ત્યાગે છે! અગ્નિહોત્રીની આંતરવ્યથાની અસરકારક અભિવ્યક્તિ કોઈપણ સુધરેલા સમાજને પણ હચમચાવી શકવા સમર્થ છે. બ્રાહ્મણસંસ્કૃતિ અને સભ્યતાને અનુરૂપ ભાષામાં પ્રગટતું અગ્નિહોત્રીનું વ્યક્તિત્વ વાર્તાનું પોષકબળ છે; તો, તેની વિરુદ્ધ મુંબઈમાં વસતા પુત્ર અને તેના પરિવાર ઉપરાંત ત્યાંની ચાલીઓનું વર્ણન વાર્તામાં સંઘર્ષનું નિર્માણ કરી, અગ્નિહોત્રીની આઘાતજનક મનોદશાને ધાર કાઢે છે. અંતનો કરુણ, આકસ્મિક ન લાગતાં સહજ અને સ્વાભાવિક બન્યો છે. ‘મુકુન્દરાય’માં પિતા-પુત્ર વચ્ચેની અસંવાદિતા બન્ને પાત્રોને એમના પક્ષે દલીલ કરવાના અધિકાર સાથે રજૂ થઈ છે; અહીં કેન્દ્રમાં માત્ર ને માત્ર પિતા અગ્નિહોત્રી છે; એમનો-બાળપણથી ઘડાયેલો દૃષ્ટિકોણ છે! પુત્ર સૂચિત કહી શકાય એ હદે શબ્દોથી/વર્ણનથી આલેખાયો/ઓળખાયો છે. મુનશીને અહીં બ્રાહ્મણ-સંસ્કારની ભવ્યતા, ધર્મને સમર્પિત જીવનની દિવ્યતા અને બદલાતા પુત્રથી આઘાતગ્રસ્ત પિતાનું ચિત્ર જ પ્રમુખપણે આ-રેખવુંછે. મુનશી એમાં મહદ્‌અંશે સફળ રહ્યા છે.

‘ખાનગી કારભારી’માં જુદી-જુદી સંસ્થાઓ, ટ્રસ્ટો, કમિટીઓમાં જુદા જુદા હોદ્દા પર વ્યસ્ત માનવીની પારિવારિક નિષ્ક્રિયતા – બેફિકરાઈ – બેવફાઈ અને એમાંથી જન્મતો વિનોદ વાર્તાના પૂર્વાર્ધને ભરચક રાખે છે. તો, કૌટુંબિક જવાબદારીઓમાં બધે જ ન પહોંચી શકતા શેઠ દ્વારા પારિવારિક પત્રાચાર માટે નોકરીએ રાખેલા ખાનગી કારોબારીનાં, વાણી અને વિચાર, ભાવ અને ભાષામાં ભળતી તત્સમગંધી હળવાશથી એનો ઉત્તરાર્ધ સમૃદ્ધ થાય છે. સર મોહનલાલ શેઠની વ્યાવસાયિક અને સામાજિક સેવાઓની વ્યસ્તતા – બીજી વારની, તિથલના કુદરતી વાતાવરણમાં સારવાર લેતી – બીમાર પત્નીને પત્ર લખવાની પણ ફુરસદ આપતી નથી. આથી જ, અન્ય ક્ષેત્રોમાં વહીવટ સંભાળતા કારોબારીઓની જેમ અંગત પત્રવ્યવહારના કામ માટે શેઠ એક ખાનગી કારોબારી રાખે છે! એ માટે ઇન્ટરવ્યૂ આપવા આવેલા તેર ઉમેદવારોમાંથી શેઠ ઇન્ટરવ્યૂ તો ત્રણનો જ લે છે! પહેલા બે-ને ના-પસંદ કરવાના ને ત્રીજાને પસંદ કરવાનાં કારણો અવ્યક્ત હોવા છતાં સુજ્ઞ ભાવક કળી ન શકે એવાં અકળ પણ નથી. પહેલો પારસી, યુવાન સ્માર્ટ છે, વાક્‌ચતુર છે (કદાચ એથી જ રિજેક્ટ થાય છે! યુવાન પત્નીને પત્રો લખવાના છે ને!) બીજો વિશેષ અનુભવી લાગતાં તે તરફનો શેઠનો પ્રતિભાવ હકારાત્મક છે; પણ ત્રીજો વધુ ગંભીર, નિસ્તેજ નેત્રો છતાં (સાક્ષર હોવા ઉપરાંત પરણેલો પણ છે!) પસંદ થાય છે! પસંદ થયેલ સાક્ષર મધુપર્કશંકર શાસ્ત્રી નામ પ્રમાણે જ શાસ્ત્રી છે! શેઠની બીમાર પત્ની મનોરમાને પ્રેમપત્ર લખવામાં પ્રારંભે અનુભવાતો ક્ષોભ ધીરેધીરે જે રીતે આકર્ષણમાં બદલાતો સ્નેહના તાંતણે બંધાતો લાગે છે એનો ક્રમિક વિકાસ પાંડિત્યસભર રસિક શૈલીમાં અભિવ્યક્તિ પામ્યો છે. પત્નીને લખાયેલા પત્ર પર કે તેના પ્રત્યુત્તર પર પણ નજર કરવાની શેઠને ફુરસદ નથી! મધુપર્ક દ્વારા લખાયેલા પત્રોની સાક્ષરી ને સાહિત્યિક ભાષાનું ગાંભીર્ય એના સૂચક વ્યંગથી હાસ્યજનક બને છે! શાસ્ત્રી દ્વારા શેઠને નામે લખાયેલા બે અને મનોરમાએ લખેલા ચાર પત્રોની શૈલી રસિક છે. મનોરમાના પત્રોથી પ્રભાવિત શાસ્ત્રી તેના કલ્પિત રૂપવૈભવથી પ્રત્યક્ષ થવા ઉત્સુક છે! મનોરમાને મળવા તિથલ જતા શેઠ સાથે શાસ્ત્રી પણ ગોઠવાઈ જાય; રાતના એકાંતમાં ચોરીછૂપીથી મનોરમાને જોવા-મળવા ઉતાવળો થતો શાસ્ત્રી રોગથી કાળી પડેલી, ક્ષીણ, અશક્ત, ડરામણી આંખોવાળી મનોરમાને જોતાં જ ગભરાઈ જાય; ઘાંટો પાડીને બોલતી મનોરમાનું શાસ્ત્રીને વળગી પડવું શાસ્ત્રીના જીવમાં જીવ ન રહેવા દે! શાસ્ત્રી સાથે જ શ્રોતા/વાચકનો પણ ભ્રમ ભાંગતાં ગંભીર પછીની હળવાશથી કરુણમિશ્રિત હાસ્ય નિષ્પન્ન થાય છે! આઘાતગ્રસ્ત ને હુમલાત્રસ્ત શાસ્ત્રી વહેલી સવારે રેલવેની ટિકિટ લેતો ભળાય છે!

‘એક સ્વપ્નું’માં વાત તો કથકને આવતા એક સ્વપ્નની જ છે; પણ જો શીર્ષક વાંચ્યા વિના જ વાર્તા વાંચો તો છેક છેલ્લે-છેલ્લા વિધાનમાં એ સ્વપ્ન હોવાનું ભાન થાય! શીર્ષક અને વાર્તાનું છેલ્લું વાક્ય જો વાર્તામાંથી બાદ કરવામાં આવે તો આધુનિકોએ લખેલી એબ્સર્ડ કક્ષાની અતાર્કિક લાગતી આ વાર્તા લાલિત્યસભર રસિક ભાષાવિધાનથી અને સ્વપ્નજગતની અકળ રહસ્યમયતાથી ભરીભરી લાગે છે! અકળ અને અંજાન સ્વરૂપવાન યુવતીને જોઈને એ તરફ આકર્ષાતા નાયકના સ્વપ્નિલ ખ્યાલો-વિચારો એ આધુનિકોની અતાર્કિકતાનું અનુસંધાન કરી આપે છે. દેવાંગના તરફ આકર્ષાતા ને અનાયાસે તેની પાછળ-પાછળ દોરાતા કથકના મનોગતમાં દિવસે જોયેલાં-વિચારેલાં દૃશ્યોની સેળભેળ, ને એથી રચાતી અકળ, છતાં આંતરિક સંબંધોથી ગૂંથાતી વાર્તાભાત મુનશીની સફળ વાર્તાકાર તરીકેની એક નવી જ દિશા ચીંધે છે. વાર્તામાં આવતા મિત્રો, સફેદ વસ્ત્રધારી અકળ સ્વજન, વૈભવશાળી રંગમહેલ, દક્ષિણી બ્રાહ્મણ અને કાઠિયાવાડીની આગંતુકતા, રુદ્રાક્ષની માળા અને બુટ ઉતારવાની ક્રિયાના અસંબંદ્ધ લાગતાં આલેખનોનાં અર્થઘટનોમાં પડ્યા વિના એને આધુનિકોએ પ્રયોજેલી રચનાપ્રપંચની રીતિએ જોવી-તપાસવી ગમે તેવી છે.

‘મારી કામચલાઉ ધર્મપત્ની’ મુનશીએ વાચેલી કોઈ અંગ્રેજી હાસ્યકથા આધારિત એક એવી વાર્તા છે કે જેને વાંચીને ઊકળી ઊઠેલા એક સંયમી વિવેચક અકળાઈને ગર્જી ઉઠેલા કે, ‘આ વાર્તા લખતાં મુનશીનો હાથ કપાઈ કેમ ન ગયો?’ રેલવે મુસાફરી દરમિયાન કોઈ અજાણી સહપ્રવાસીને કથકની પત્ની માની બેસે ને એ ગેરસમજ રાતે ઓરડાના એકાન્તમાં સાથે સૂવાની સગવડ કરવા સુધી વિસ્તરે ત્યારે જે ક્ષોભ, સંકોચ અને સંયમ વચ્ચે શિસ્ત જાળવવાના સંયોગ ઊભા થાય એની રસિક અને રોમાંચક કથા લખવાનું સાહસ મુનશીએ નીતિ અને સદાચારના મરજાદી સમયમાં કર્યું છે. આવી પરિસ્થિતિમાં સ્ત્રી અને પુરુષના મનમાં જન્મતાં ભાવસંવેદનોના ચડાવ-ઉતારને કંઈક શક્યતાઓ ને કંઈક કલ્પનાઓને આધારે આયોજનપૂર્વક સંકલિત કરીને વાર્તાનિર્માણ કરતા મુનશીની રસિકતા, રમૂજવૃત્તિ ને અગંભીર પ્રકૃતિ વાર્તાને કૌતુકપ્રિય બનાવે છે. કથક રેવન્યૂ ખાતામાં સર્કલ ઇન્સ્પેક્ટર છે. જ્યાં લગ્નના પ્રસંગે જઈ રહ્યા છે ત્યાં વાતો વહેતી થઈ છે કે આ ‘સાહેબ’ કલેક્ટરના ચિટનીસ થવાના છે! આથી માન-પાન વધ્યાં છે! રેલવે મુસાફરી દરમિયાન સહપ્રવાસી તરીકે આવી ચડેલા એક દંપતીમાંનો પતિ તો ઊંઘી જાય છે; બાજુમાં બેસેલી એની સ્ત્રીને અને કથકને પછી આવી ચડેલા વયસ્ક દેસાઈ દંપતી પતિ-પત્ની માની બેસે છે! યોગાનુયોગ આ પાંચેયને એક જ સ્ટેશને ઊતરવાનું થાય છે. ઊતર્યા પછી પેલા ઊંઘણશી પતિ કોઈનું સાથે આવી ગયેલું ધોતિયું પાછું દેવા ટ્રેનમાં ચડે ને ટ્રેન ઊપડી જાય! એક બળદગાડીમાં બેસીને લગ્નસ્થળે જવા સ્ટેશન છોડતો કથક બેઘડી કોઈના પતિ બન્યાનો હરખ મમળાવતો આગળ વધતો હોય ત્યારે પાછળ રહેલા દેસાઈ દંપતી જેને કથકની પત્ની માની લીધેલી તે સ્ત્રીને એકલી ઊભેલી જોઈ તેને તેનો પતિ આગળની બળદગાડીમાં ગયો હોવાનું કહી, તેની પાછળ બીજી બળદગાડીમાં બેસાડી દે! વિશેષ મહેમાન તરીકે અન્યથી અલગ મળેલા ઉતારે કથક રાતે સૂવા જાય ત્યારે પ્રવાસી સ્ત્રીને એ ઓરડામાં જુએ! (ઘરધણીએ પણ એ સ્ત્રીને ‘સાહેબ’નાં પત્ની માની લીધેલાં!) – બન્ને આશ્ચર્ય, આઘાત ને કંઈક ડર પણ અનુભવે! અનેક વિકલ્પો વિચાર્યા પછી – ખોટી હો-હાથી બચવા – ગમે તેમ સાથે રાત વિતાવવા નિર્ણય ન છૂટકે સ્વીકારે! વહેલી સવારે બહાનું બતાવી પ્રવાસી સ્ત્રી સાથે સ્ટેશને પહોંચી સ્ત્રીને રવાના કરી દેવાની તૈયારીમાં હોય ત્યાં જ પેલી સ્ત્રીનો પતિ પ્રગટ થાય ને કથકને મારવા દોડે ત્યારે કથક જીવ બચાવતો ટ્રેનમાં ચડી દરવાજો બંધ કરી દે! – કથાવસ્તુની શક્યતા ખૂબ ઓછી, લગભગ અશક્ય હોવા છતાં સંભાવનાને તાંતણે ચાલતું કથાનક પુરુષના મનોગતને ખાસ્સું રમણે ચડાવે છે. અંત સુધી પહોંચવા સર્જક યોજેલી તરકીબો જાણતલ તરત પકડી જાણે! પહેલાં તો પ્રથમ વર્ગનો અધિકારી હોવા છતાં કથકનો સામાન્ય વર્ગમાં મુસાફરી; યુવાન સ્ત્રીના પતિને ઊંઘણશી અને ભૂલકણો આલેખવો; દેસાઈ દંપતીને કડીરૂપ બનાવવું; યજમાનને ત્યાં પેલી સ્ત્રીને કથકના પત્ની હોવાનો ભ્રમ ચાલુ રાખવો – આમ, અનેક શક્યતાઓના સરવાળા રૂપે વાર્તાનું રૂ૫ આકારાતું જાય છે.

‘સ્ત્રીસંશોધક મંડળનો વાર્ષિક સમારંભ’ આજના સમયની એ સમયે લખાયેલી અ-નોખી ને અપૂર્વ વાર્તા એટલા માટે છે કે એમાં પત્નીપીડિત પુરુષોની કથા છે! કથકને પસ્તીમાંથી મળતું એક પુસ્તક ‘ગુર્જર સ્ત્રી-સંશોધક મંડળની રિપોર્ટ-બુક’ મળે છે! જિજ્ઞાસાવશ એનો વાર્ષિક અહેવાલ વાંચતાં જોવા મળતાં સ્ત્રીનાં વિવિધરૂપો – વિશેષ તો નકારાત્મક – જે પ્રકારે નોંધાયાં કથાયાં છે એ આજના સમયે લખવા જાઓ તો નારીવાદી સમર્થકો તમારી સામે કેસ કરી બેસે! આ મંડળની ખાસિયત એ છે કે એમાં કોઈ સ્ત્રી-સભ્ય નથી! બધા પુરુષ સભ્યો, એમનું સાચું નામ ગુપ્ત રાખી, તખલ્લુસથી જ ઓળખાય છે. પરિણામે અહીં પુરુરવા, હેમલેટ, ડોન જુઆન જેવાં તખલ્લુસ મળે! આ મંડળની વાર્ષિક સભામાં ‘તમે કેવી સ્ત્રીને અર્ઘ્ય આપશો?’ – એ વિશે રજૂ થયેલાં દસ સભ્યોનાં વક્તવ્યોમાંથી સ્ત્રીના દશાવતાર-રૂપ સાંપડે છે! સ્ત્રીનાં બાલિકા, કુમારિકા, પરિણીતા, વિધવા, પ્રૌઢા જેવાં વિવિધ રૂપોમાંથી પ્રગટતી સ્ત્રીની ઓળખ મોટે ભાગે સંતોષકારક નથી! કહો કે, આ સભ્યો સ્ત્રી-પીડિતો છે! વસ્તુ પણ વિવાદ જન્માવે તેવી અને વાર્તા પણ વણસી જતી જણાય છે. દસેય ચરિત્રોમાં ઊજળું જો કોઈ રૂપ હોય તો બાલિકાનું છે; જેને હજુ જુવાનીનો આડંબર, મુગ્ધાનો ઢોંગ, પ્રૌઢાની હરામખોરી કે વૃદ્વાની નિરસતા સ્પર્શ્યાં નથી! પતિપરાયણતાની મૂર્તિ પણ છે! (જોકે, આજની સ્ત્રીને એ પતિવ્રતાની અતિશયતા કઠે તેવી છે!) દસેયને સાંભળ્યા પછી પ્રમુખનો પ્રતિભાવ તાટસ્થ્યપૂર્વકનો લાગતો, એકતરફી વહેતી માનસિકતાને કંઈક સંયમિત/નિયંત્રિત કરી, સ્ત્રીને જગદ્‌જનની, જગદ્‌વિલાસિની, જગદ્‌મોહિની રૂપે જોઈ-મૂલવી-મૂકી આપે છે! આ બધું હોવા છતાં અહીં શૈલીની નવ્યતા સિવાય ‘વાર્તા’ નામે ખાસ કંઈ મળતું નથી. પુરુષવર્ગની સ્ત્રી-વિષયક માનસિકતા જ અહીં મુખ્ય છે.

‘કંડુ આખ્યાન’માં વિષ્ણુપુરાણ અંશ-૧, અધ્યાય-૧૫મા વર્ણિત કંડુ આખ્યાનને આધારે મુનશી સ્ત્રી-સાન્નિધ્યે પુરુષની વિવશતા, પરાધીનપણું ને આસક્તિને આકારી, પૃથ્વી પર પ્રગટેલી પ્રથમ સ્ત્રીના પ્રભાવમાં આવી જતા તપસિદ્ધ, યોગનિષ્ઠ મહામુનિ કંડુ ઋષિનું કથાનક ટીકાકારની નોંધ સાથે મૂકી આપે છે. સ્ત્રી કલંકરૂપ છે, રાક્ષસી છે, ત્યાજ્ય છે એ બોધ સ્ત્રી-સંગે વર્ષો સુધી રહીને તપોભંગ થતા કંડુઋષિ મેળવે છે! મૂળ વિષ્ણુપુરાણને વફાદાર રહેતા લેખકનો આશય વાર્તા સર્જવા કરતાં સ્ત્રીની મોહિનીથી તપસ્વી પણ પ્રભાવમુક્ત નથી એ સિદ્ધ કરવા તરફ રહ્યો છે. અહીં સ્ત્રીનું સૌન્દર્ય અને ઋષિ સાથેનો તેનો સહચાર મુનશીની કલમે આલેખાયાં હોઈ, મૌલિક તેમ રસિક પણ છે! પોતાને છોડીને ગયેલી સ્ત્રી (અપ્સરા) તરફનો ઇન્દ્રનો, અને પોતાને છોડીને ગયેલી સ્ત્રી તરફનો ઋષિનો ક્રોધ શાપ દેવાની તૈયારી સુધી પહોંચે છે! અંતે, ઇન્દ્રને છોડતી ને ઋષિથી તરછોડાતી સ્ત્રીના જીવનનું કારુણ્ય પણ મુનશીએ ચીંધ્યું છે. એ કારુણ્ય જ સ્ત્રી-માત્રના જીવનની વેદના બનતું, કથાનકને એકાંગી બનતું રોકે છે. બાકી તો, મુનશીની સામે નારીવાદ બળવો કાઢે ને સર્જક તરીકે તેમનો બહિષ્કાર કરે એ હદે સ્ત્રીચરિત્ર અહીં દૂષિત ને દોષિત થયું દેખાઈ આવે! મૈત્રેય અને પરાશર વચ્ચેનો આ પૌરાણિક સંવાદ અહીં ટીકાકારની કલમે આલેખાતો હોવા છતાં ‘વાર્તા’ બનતો નથી.

‘ભવિષ્યના તંત્રીશાસ્ત્રીઓ માટે’માં વર્તમાનપત્રો, સામયિકો અને જુદાં-જુદાં અઠવાડિક/ માસિક સામયિકોના તંત્રી/સંપાદકો પ્રતિ હળવો વ્યંગ છે. જે વાર્તા ન બનતાં નર્યો હળવાશભર્યો હાસ્યનિબંધ બની રહે છે. તંત્રીઓની માનસિકતા, એમનો ગર્વિષ્ઠ મિજાજ અને અહંકેન્દ્રી વ્યવહાર લેખકને નવા તંત્રીશાસ્ત્ર – તંત્રીઓલોજી – રચવાના પક્ષકાર બનાવે છે! તંત્રીઓનાં સ્વભાવ, ખાસિયત, વલણ, દૃષ્ટિબિંદુ આધારિત તંત્રીઓના પ્રકારો પાડતા લેખકનો વ્યંગ તંત્રીઓને ‘અમીબા’ કહેવા સુધી વિસ્તરે છે, જે ધીરેધીરે ‘એકોહમ્‌ બહુસ્યામ્‌’ થતો જાય છે! લેખકનું તો ત્યાં સુધી માનવું છે કે માનવજાતિ આખરે તંત્રીજાતિ તરીકે ઓળખાતી, એક સમયે ‘તંત્રીનાશ’ની દિશામાં ધકેલાશે અને દુનિયા ‘નીસ્તંત્રી’ બની જશે!

‘વૈકુંઠથી વૃંદાવન’ એ રાધા-કૃષ્ણની સ્વર્ગલોકથી પૃથ્વીલોક તરફની - સ્થૂલ અને સૂક્ષ્મ – એમ દ્વિવિધ ગતિ કરતી વાર્તા છે. એ ‘વાર્તા’ છે કે નહીં એ પછી વાત, પણ અસરદાર વ્યંગ તો જરૂર બને છે! પૃથ્વીલોકમાં વધી રહેલા ‘લક્ષ્મી’દાસોથી સ્વર્ગમાં સરસ્વતી ખિન્ન છે. લાકડીની જેમ વીણા પકડીને ઊભેલાં ભગ્નગૌરવ સરસ્વતીને ચિંતા છે કે પૃથ્વી પર લક્ષ્મીભક્તોની સંખ્યા વધતાં પોતે ‘અપૂજ’ થઈ જશે! સ્વર્ગલોકમાં લક્ષ્મીજીની ભવ્યતા, સરસ્વતીની ઉદાસી અને રાધાજીની પ્રસન્નતા વચ્ચે વિષ્ણુનો ગુસ્સો પૂરી ગુજરાતીતા સાથે વાર્તામાં આરેખાયો છે! સ્વર્ગીય આ પાત્રોનાં ભાવ-ભાષા-વર્તન સુધ્ધાં ગુજરાતી છે. એમના વાર્તાલાપમાં ભળી જતા મોંકાણ, પડોશણ, ધંધો, ગોથું, છોગાળા જેવા તળ ગુજરાતી શબ્દો ઉપરાંત ઍરોપ્લેન, ડિયર, ઑલરાઇટ, બ્રિજપાર્ટી, ડાન્સ જેવા અંગ્રેજી શબ્દો પણ એટલી જ સહજતાથી આવે છે! વિષ્ણુમુખે ઉચ્ચારાતું એક નામ – ‘મહાદેવભાઈ’ – તો શિવસંદર્ભે છે એ બીજી-ત્રીજી ક્ષણે ખ્યાલ આવે છે! લેખકનો એક આશય સાહિત્યથી વિમુખ થતા જતા ને નાણાંને મહત્ત્વ આપતા સમાજને નિર્દેશવાનો પણ છે. રોજેરોજ સરસ્વતીભક્તો વિદ્યાઉપાસના છોડી, લક્ષ્મીસેવક બની રહ્યાનો આંકડો સ્વર્ગમાં બધાને મળતો રહે છે. એ મુજબ હજુ તો છેલ્લી એક જ ઘડીમાં આવા પક્ષબદલુઓ ૧,૨૮,૩૦૯ હતા! રાધાજીની પ્રસન્નતાનું કારણ એનો એના ભક્તોમાં રહેલો વિશ્વાસ છે! વિષ્ણુ સ્વયમ્‌ને રાધાજીના વચનમાં વિશ્વાસ ન પડતાં રાધાજી સાથે ગરુડારૂઢ થઈ પૃથ્વીની સફરે નીકળી પડે છે! પૃથ્વી પર હજુયે પ્રેમીઓની સંખ્યા ઘટી નથી. પ્રેમ આજે પણ સર્વસ્વ છે. પ્રેમને ખાતર વિદ્યા, શબ્દસેવન, ગાયન, સાહિયસર્જન છોડનારાંયે ઘણાં છે ને ધનસંપત્તિ, સુખસાહ્યબી છોડનારાં પણ અઢળક છે એ વિષ્ણુને પ્રત્યક્ષ કરાવતાં રાધિકાજી અહીં સ્વયમ્‌ પ્રેમરૂપ બની અવતર્યાં છે. શીર્ષકના સ્થળવાચી બન્ને શબ્દો સ-અર્થ વ્યંજિત થાય છે. વૈકુંઠ કરતાં સમૃદ્ધિ/સુખસાહ્યબી અને વૃંદાવન કરતાં પ્રેમ/સ્નેહ! પૃથ્વી પર આજે પણ પ્રેમનો મહિમા છે એ વાત આ વાર્તા નામના વ્યંગલેખમાં કરવામાં આવી છે. સ્વર્ગલોકથી પ્રેમલોક સુધી વિસ્તરની આ હળવાશ એના ગુજરાતીપણાને કારણે વિશેષ આસ્વાદ્ય બની છે.

‘ફોજદાર સાહેબ’ લગભગ સત્તરેક પાનાંની, પાંચ ખંડમાં વિસ્તરતી લાંબી વાર્તા સ્વાતંત્ર્યસંગ્રામના વાતાવરણ વચ્ચે પારિવારિક ભાવનાને ગૂંથતી કથા છે. વાત બ્રિટિશ સલ્તનતના સિદ્ધાંતવાદી, ફરજનિષ્ઠ, અ-ડગ પોલીસ અધિકારીની શ્રદ્ધેય સેવાપરાયણતા અને ફરજ પ્રત્યેની વિશ્વસનીય વફાદારીની છે! ફોજદારની કડક અને અડગ પ્રકૃતિ સ્નેહના સ્પર્શે ને પારિવારિક ભાવનાથી કેવી તો ઋજુ અને સંવેદનશીલ બનતી નરમાશમાં પરિવર્તે છે! દરકે સખ્ત માણસમાં એક લાગણી-ધબકતું હૃદય પણ છે. વાર્તા સમર્થન આપે છે. સમગ્ર રાષ્ટ્ર જ્યારે ગાંધી પ્રભાવે બ્રિટિશ સલ્તનતની વિરુદ્વ હતું ત્યારે વ્યાવસાયિક વફાદારીને વરેલો ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ પ્રમોદરાય ફોજદાર આઝાદીની ચળવળના પ્રમુખ નેતા દિનેશ ઠાકોરને કોઈપણ પ્રકારે ધરપકડ કરવા સજ્જ થયો છે. પ્રથમ ખંડમાં માત્ર ને માત્ર આ પ્રમોદરાયના, બ્રિટિશ શાસનને વફાદાર સેવાસમર્પિત વ્યક્તિત્વનો પરિચય જ કહેવાયો છે. એ વાંચતાં આ ફોજદાર દિનેશની ધરપકડ કરીને જ ઝંપશે એવું લાગે, પણ બીજા ખંડમાં દિનેશની મા કમળાબેનનો પ્રવેશ વાચકની ખાતરીને ખંડિત કરે! આજે દિનેશનો જન્મદિવસ હોઈ, વળી તેની વહુ પિયરથી દીકરો લઈને આજે જ આવી હોઈ – ફોજદાર આજે દિનેશની ધરપકડ ન કરે એવી વિનવણી કરવા જ આવેલી કમળાને પહેલાં મળતો અડગ પ્રતિભાવ ફોજદાર વિશેની છાપને અખંડિત રાખે છે, પણ તેનો ઉત્તરાર્ધ અધિકારીને અવઢવમાં નાંખી દે છે! કમળાબેનની યૌવનાવસ્થાનાં રૂ૫-લાવણ્ય ને કસાયેલા દેહના સાક્ષી બન્યાનું સ્મરતા ફોજદારસાહેબ વાચકના વિશ્વાસને ડગુમગુ કરે છે! પૂર્વે કમળા અને ફોજદારનો વિવાહ થયેલો, ફોજદારે એકાંતે સિગરામમાં કમળાને શેરડી કાપીને આપેલી, તે શેરડી કાપતાં વચલી આંગળીએ પડેલો ઘા પૂર્વસંવેદનને તાજું કરાવતો આંગળી પર આજે પણ અડીખમ ઊભો છે! કમળા એ સ્મરણ તાજું કરાવે છે ને ‘ભાઈ, આજે દિનુને પકડશો નહિ.’ – એમ હસીને કહેતી જાય છે! અડગ મનના ફોજદારસાહેબ ગળું ખંખેરતાં માંડ માંડ ‘વારુ...!’ બોલી શકે છે! ત્રીજો ખંડ અક્કડ ફોજદારની નરમાશનો છે. અહીં ‘પ્રમોદરાય ફોજદાર’ ‘પરમોદકાકા’ બની દિનેશના જન્મદિને – ધરપકડ કરવા નહિ, પણ – મળવા જાય છે; દિનેશના કીકાને રમાડવા જાય છે; પોતાના કમળા સાથે વિવાહ થયેલાં એ કથવા જાય છે; ને પોતે હયાત છે ત્યાં સુધી દિનેશની ધરપકડ નહીં થાય એ ખાતરી બંધાવવા જાય છે! પ્રેમપૂર્વક દિનેશને ‘My Boy!’ કહિને સંબોધતા ફોજદાર વહાલસોયા આનંદી કુટુંબથી વિખૂટા પડી, રાતે એક વાગ્યે કલેક્ટરને જગાડી, રાજીનામાની ધમકી આપીને પણ દિનેશની ધરપકડનું વૉરંટ રદ કરાવે છે! ચોથો ખંડ અફવાઓનો છે. લોકવાયકા દિનેશની મા અને ફોજદારના સંબંધોને વળ ચડાવી દિનેશના લોહી બાબતે શંકા કરતી અને આંગળી ચીંધતી થઈ છે! પોતાના કપાળે ભયંકર કલંક હોવાનું માનતો દિનેશ કોઈપણ પ્રકારે જેલ જવા કે મરી જવા નિર્ણય કરે છે. કુટુંબથી દૂર રહેતો કુટુંબને ભૂલવા લાગે, પરિણામે કુટુંબની આવક તૂટે! ફોજદાર એ કારણથી આર્થિક સહાયઅર્થે ઘરે આવતો થાય, દિનેશને એ સમાચાર વધુ પીડે. પાંચમા ખંડમાં અંતિમવાદી બનતો દિનેશ બારડોલીના બળવામાં બ્રિટિશોની ગોળીએ વીંધાઈને શહીદ થવાનો સંકલ્પ કરે. ફોજદાર તેને બચાવવા મેદાને ઊતરે. દિનેશના આવેશને નિયંત્રિત કરવા ફોજદાર તેને સાચી હકીકતથી વાકેફ કરી, વિવાહની, શેરડીની કે કપાયેલી આંગળીની ઉપજાવી કાઢેલી વાત હોવાનું જણાવી તેના પુરાવા પણ રજૂ કરે! માત્ર ને માત્ર કમળાબેનનો પુત્રપ્રેમ, કૌટુંબિક ભાવના અને પરિવારના હર્ષોલ્લાસથી પ્રભાવિત ફોજદારે કમળાબેનનું કહ્યું માન્યું એ વાતને પુરાવાને આધારે સત્ય માનીને દિનેશ ફોજદારને ભેટી પડે! વાર્તા સુખાન્ત પામે. પ્રશ્ન અહીં એમ થાય કે ફોજદાર અને કમળાબેન વચ્ચે ‘સંબંધ’ જેવું કશું હતું જ નહીં તો એ વાત ઉપજાવી કાઢવાની ને એને જાહેરમાં જાહેર કરવાનો કોઈએ વિરોધેય ન કર્યો? ‘સંબંધ’ જેવું કશું ન હોવા છતાં કમળાબેનની એક વિનવણી માત્રથી અડગ મનનો ફોજદાર સિદ્વાંતો નીતિ-ફરજ-પ્રતિષ્ઠા બધું છોડી ડગી ગયો? પાત્રને પ્રત્યક્ષ કરાવવાનું સામર્થ્ય ફોજદારના ચરિત્ર – ખાસ તો, પ્રથમ ખંડ-માં વર્તાય. ઘટનાને સકારણ (બીજો ખંડ) અને અ-કારણ (પાંચમો ખંડ) વળાંક આપવાની આવડત પણ અચંબો જન્માવે! પ્રારંભે તંગ વાતાવરણથી ગરમાતી વાર્તા અંતે ફોજદારના પીગળવાથી શિથિલ બનતી જણાય.

‘પ્રણય – જૂનો અને નવો’-માં સનમના તલ માટે સમરકંદ અને બુખારા હારી જાય, ઇશ્કના મોહ-વૈવિધ્યમાં અનેક નાઝનીનોની કદમબોસી કરનાર કવિરાજ હાફિઝ બીજાપુરની જેલમાં કેદ કથકને જેલમાં જ જાદુઈ ચિરાગની જેમ પ્રત્યક્ષ થાય ને પોતાની પ્રણય/પાત્રવૈવિધ્યની ગાથા ગાય. તેની સામે અર્વાચીન સમયના ચુસ્ત પ્રણયના પ્રતીક સમો, પ્રેમને જ ધર્મ ગણતો ને એક ભવમાં એક જ વાર, એકને જ પ્રેમ કરતો, પ્રિયતમા સંગે જ સહજીવન અને સહમૃત્યુ ઝંખતો કથક મૂકી આપી રામના એકપત્નીવ્રતના આદર્શનું મૂલ્ય વધારે છે. હાફિઝના બહુપત્નીત્વ સામે કથકના એક પત્નીત્વને મૂકીને જૂના-નવા પ્રણયની વાત માંડતા મુનશીની શૈલી ભાષાસામર્થ્યથી પ્રભાવક બને છે. સંવાદોની પ્રસ્તુતિ નાટકની જણાય! ભાષા પણ ગદ્યથી સરતી પદ્યની આંગળી ઝાલી લે! એનાં થોડાં ઉદાહરણો જુઓ;

– ‘અમે અર્વાચીનો નથી રાચતા એ કદમબોસીની ગુલામગીરીથી. ને અમારી રીતિઓ નથી કહેવા દેતી અમે પૂજેલી નાઝનીનોની યાદીઓને.’

– ‘સરુના ઝાડની સાંકડી છાયામાં ઘાસ પર બેસી, વહી જતા ઝરણામાં દિલદારનાં ચશ્મ જોયાં છે?’

વાર્તા ન બનવા છતાં પણ શૈલી જરૂર પ્રભાવક બની છે; જે વાર્તા વાંચતાં કંટાળો જન્માવતી નથી.

*

મુનશી વાર્તાક્ષેત્રે એવા સમયે પ્રવેશે છે, જ્યારે હજુ એનું સ્વરૂપ સ્પષ્ટ નથી; ધૂંધળું છે. મુનશી પહેલાં વાર્તાનામે થોડા પ્રયોગો જરૂર થયા છે. પણ પાશ્ચાત્ય ઢાંચાવાળું નર્યું-નોખું વાર્તારૂપ હજુ તો ઘડાઈ રહ્યું છે. અર્થાત્‌, મુનશીની વાર્તાઓને જોવા-તપાસવા માટે એ કાળને/સમયને નજર સામે રાખવો જ પડે! પાશ્ચાત્ય એવા આ સ્વરૂપની વાર્તાઓ જેવી જ જો ગુજરાતીમાં ઉતારવાની થાય તો તેમાં ગુજરાતી સમાજ એની માનસિકતા અને પરંપરા સાથે આલોખવો જોઈએ એ પૂર્વશરત બની રહે. મુનશીએ એમની વાર્તાઓમાં ગુજરાત અને ગુજરાતીઓનાં વિશેષોને વસ્તુ તરીકે પસંદ કર્યાં. ગુજરાતી રહેણીકરણી, વાણી-વ્યવહાર, લોકમાનસ અને રૂઢિઓને મુનશી ‘વાર્તા’ નિમિત્તે રજૂ કરે છે. અપ્રસ્તુત, અવ્યાવહારિક, અ-વાજબી વર્તન મુનશીને સમાજ આગળ ખુલ્લાં કરવાં છે. એને માટે વાર્તા એમને શ્રેષ્ઠ માધ્યમ લાગે છે. આથી ક્યાંક એ ગંભીરતાથી ને બહુધા એ હળવાશથી એ બદીઓને/સામાજિક મર્યાદાઓને/માનવવ્યવહારની ક્ષતિઓને વાર્તામાં મૂકી આપી, પ્રત્યક્ષ/પરોક્ષે એને કથારૂપ આપે છે. સ્વરૂપ તો વાર્તાનું જ પસંદ કર્યું છે; પણ સ્વરૂપસિદ્ધિ ગૌણ છે આ ગાળાના વાર્તાકારો માટે! કહેવું છે એ કહેવાનો, ને ક્યાંક સૂચવવાનો હેતુ મુખ્ય છે. પરિણામે ‘એક સાધારણ અનુભવ’, ‘એક પત્ર’, ‘ગૌમતિદાદાનું ગૌરવ’, ‘શામળશાનો વિવાહ’, ‘શકુંતલા અને દુર્વાસા’, ‘ગુજરાતનો શ્રેષ્ઠ કવિવર’, ‘અગ્નિહોત્રી’, ‘ભવિષ્યના તંત્રીશાસ્ત્રીઓ માટે’ કે ‘વૈકુંઠથી વૃંદાવન’ જેવી વાર્તાઓ સંભવી છે. એનો અભ્યાસ કરનારે એ વાર્તા બને છે કે નહીં એ પછી જોવાનું છે; પણ જે કહેવાનું છે એ કેવી રીતે, કેટલું કહેવાયું છે એ પહેલાં જોવાનું રહે છે.

ત્રેવીસમાંથી તેર વાર્તાઓ હાસ્ય/વ્યંગ પ્રધાન છે! કટાક્ષ એનો પ્રાણ છે. મુનશી જ નહીં; એ સમયના ઘણા-ખરા વાર્તાકારોએ હાસ્ય/વ્યંગ/કટાક્ષને જાણે કે વાર્તા માટે અનિવાર્ય નહીં તોયે આવશ્યક તત્ત્વ તરીકે સ્વીકાર્યાં હોય તેમ પ્રધાનતયા વત્તે-ઓછે અંશે આરંભિક ગાળાની વાર્તાઓમાં જોવા મળે છે. ‘ગોવાલણી’ પણ એમાંથી બાકાત નથી!

પ્રથમ પુરુષ એકવચનની કથનરીતિ પણ મુનશીની ત્રેવીસ વાર્તાઓમાંથી સોળ વાર્તાઓમાં સફળતાપૂર્વક પ્રયોજાય છે. કથક દ્વારા કથાતી કથા એની વિશ્વસનીયતાને વધારી આપે છે. કથક દ્વારા થતું દર્શન- આલેખન વધુ સ્વાભાવિક બને છે.

મુનશીમાં વર્ણન-સામર્થ્ય છે જ એ તમે એમની વાર્તાઓ વાંચીને પણ કહી શકો. દૃશ્યને પ્રત્યક્ષ કરાવતું સશક્ત વર્ણન વાર્તાની સરળતામાં અધઝાઝેરો હિસ્સો નોંધાવે છે; ને બાકીનું કામ મુનશીની ભાષા - વસ્તુ/પાત્રોચિત ભાષા–થી સિદ્ધ થાય છે! વિષયાનુરૂપ ભાષા મુનશીને હસ્તગત છે. સંવાદો ભાગ્યે જ આવે છે; પણ જ્યાં આવે છે તે ભરી-ભરી નાટ્યાત્મકતા સાથે આવે છે.

મુનશીમાં સ્ત્રીપ્રધાન અને સ્ત્રીકેન્દ્રી વાર્તાઓ ઘણી છે! ‘મારી કમલા’, ‘કોકિલા’, ‘એક પત્ર’, ‘શકુંતલા અને દુર્વાસા’, ‘સ્મરણ દેશની સુંદરી’ જેવી વાર્તાઓમાં નાયિકા મુખ્ય છે; જ્યારે ‘ખાનગી કારભારી’, ‘એક સ્વપ્નું’, ‘મારી કામચલાઉ ધર્મપત્ની’, ‘સ્ત્રી સંશોધક મંડળનો વાર્ષિક સમારંભ’ વગેરે સ્ત્રી-કેન્દ્રી વાર્તાઓ છે. સ્ત્રીનાં વિવિધ રૂપોને, એના સૌન્દર્ય ને એના આકર્ષણને, એની પીડા ને એના દર્દને, એના મોહ ને એની માયાને જમા-ઉધાર પક્ષે આલેખીને કામણગારી, તેમ કળી ન શકાતી છબીને પ્રત્યક્ષ કરાવી છે.

‘મારો ઉપયોગ’, ‘એક પત્ર’, ‘ખાનગી કારોબારી’ જેવી વાર્તાઓમાં વાર્તાની એક પ્રયુક્તિ રૂપે પત્રનો ઉપયોગ ધ્યાન ખેંચે છે. ફ્લેશબૅક ટેક્‌નિકનો વિનિયોગ મુનશીની કોઈ વાર્તામાં જોવા નથી મળતો, પણ પૂંછડે ડંખની રીતિ મુનશી જરૂર અખત્યાર કરે છે. ‘મારો ઉપયોગ’, ‘ગૌમતિદાદાનું ગૌરવ’, ‘ખાનગી કારોબારી’માં અંતનું રહસ્ય ઉદ્‌ઘાટિત થતાં વાર્તા હાસ્યમાં સરી પડે છે! જોકે, ‘ખાનગી કારોબારી’નો અંત કરુણમિશ્રિત હાસ્ય જન્માવે છે! કુણાન્તિકાઓમાં ‘મારી કમલા’, ‘કોકિલા’, ‘એક પત્ર’, ‘અગ્નિહોત્રી’, ‘સ્મરણદેશની સુંદરી’ વગેરે છે, જ્યારે સુખાન્ત વાર્તાઓમાં ‘મારો ઉપયોગ’, ‘ફોજદાર સાહેબ’ જેવી વાર્તાઓ છે. ‘એક સાધારણ અનુભવ’, ‘શકુન્તલા અને દુર્વાસા’ અને ‘અગ્નિહોત્રી’ જેવી વાર્તાઓમાં બે વિચારધારા ને એમાંથી જન્મતો સંઘર્ષ વિષય બનીને આવે છે. ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ અને ‘શામળશાનો વિવાહ’માં લેખકનો પ્રવેશ વાચકને થતા સંબોધનથી જોઈ શકો! દેશ-વિદેશના સર્જકો, એમની કૃતિઓ, સંસ્કૃત કવિઓની ઉક્તિઓ ને ગુજરાતી સર્જકોના ઉલ્લેખો વિષયાનુરૂપ વાર્તામાં આવતાં ૨હે છે!

વાર્તાકાર મુનશીની ભાષાનો સ્વતંત્ર અભ્યાસ થઈ શકે એટલી સમર્થ છે. તમે માત્ર કથકોની ભાષા જ ચકાસો. બધા જ કથકો શિક્ષિત, જ્ઞાની ને વિદ્વાન છે! એમનાં કથનમાં ભારતીય તેમ વૈશ્વિક સાહિત્યના સંદર્ભો ઉલ્લેખાતા ૨હે છે. એમની ભાષા શિષ્ટ, કેળવાયેલી, રસિક અને માર્મિક છે. કથા-નાયકોનાં કુળ પણ તપાસો : ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ અને ‘ખાનગી કારભારી’ના કથકો/નાયકો એક જ કુળના છે! ‘એક સ્વપ્નું’ અને ‘કોકિલા’ના નાયકો પણ ‘કાકા-બાપાના પોયરા’ જ છે. આ બધા નાયકો પરણેલા છે; પણ સ્ત્રીઆકર્ષણથી બચી શકતા નથી. પુરુષસહજ સ્ત્રીઆસક્તિ આ પાત્રોનો (ને વાર્તાનો પણ) ગુણધર્મ છે. જોકે, ‘સંયમ’ એમનો વિશેષ પણ બને છે.

મુનશીનો વાર્તાકાર તરીકે સ્વીકાર થઈ શકે એવી સબળ વાર્તાઓમાં ‘મારી કમલા’, ‘ગૌમતિદાદાનું ગૌરવ’, ‘શામળશાનો વિવાહ’, ‘ખાનગી કારભારી’ ને ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ જુદા-જુદા સમીક્ષકો, વિવેચકો, ઇતિહાસકારો દ્વારા ઉલ્લેખાતી-ચર્ચાતી રહી છે. એમાં અધિકારપૂર્વક ઉમેરી શકાય તેવી ‘કોકિલા’, ‘અગ્નિહોત્રી’ વાર્તાઓ પણ એના વિષય-વર્ણન-રીતિથી આગવી ઓળખ પામી છે.

ગમે તેમ, મુનશીની વાર્તાઓનું વસ્તુ-બાહુલ્ય, અગંભીર શૈલી, ઊર્મિમાંદ્ય અને અતિરંજક તત્ત્વો, ઠઠ્ઠાચિત્ર બનતાં પાત્રો, કથાવ્યાપ, લોકભોગ્ય વિષયો અને લેખ કે નિબંધની કોટિએ અટકી જતાં કથાનકો જેવા દોષ બતાવ્યા પછી પણ વાસ્તવકેન્દ્રી અભિગમ, નરવી રમૂજવૃત્તિ, માર્મિક આલેખનો, પાત્ર અને પરિવેશચિત્રણની અસરકારિતા, આલંકારિક વર્ણનો, સમુચિત કથનપ્રયુક્તિ જેવા ગુણવિશેષોથી એ યાદગાર બની શકે તેટલી સમર્થ જરૂર છે. વાર્તાના ઉગમકાળનું મુનશીનું આ સાહસ વાર્તાના ઇતિહાસમાં અનિવાર્યપણે ઉલ્લેખનીય બની રહે એવું સર્જન જરૂર બન્યું છે એ નિર્વિવાદ છે.

ગુણવંત વ્યાસ
મો. ૯૪૨૬૩ ૧૭૯૧૩