ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પન્નાલાલ પટેલ

From Ekatra Wiki
Revision as of 16:05, 17 December 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
વાર્તાકાર પન્નાલાલ પટેલના
નવ વાર્તાસંગ્રહો

કલ્પેશ પટેલ

Pannalal Patel.jpg

જ્ઞાનપીઠ વિજેતા લેખક પન્નાલાલ પટેલ પોતાને ‘ગુજરાતી ભાષાસાહિત્યનો એક ચમત્કાર’ ગણાવતા હતા, અને એ ઘણે અંશે સાચું પણ છે. સાહિત્યના ક્ષેત્રમાં પન્નાલાલ પટેલનો પ્રવેશ વિલક્ષણ રીતે થયો હતો.

જન્મ અને ઘડતર :

પન્નાલાલ પટેલનો જન્મ તા. ૭મી મે, ૧૯૧૨ના રોજ ડુંગરપુર, રાજસ્થાનમાં ગુજરાતની સરહદ પરના માંડલી ગામે થયો હતો. તેઓ ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા, પરંતુ ગામ અને આસપાસના પંથકમાં એમનું ઘર ‘વિદ્યાનું ઘર’ કહેવાતું. પન્નાલાલના પિતાજી નાનાલાલને ગામલોકો ‘નાના ભગત’ કહીને બોલાવતા. ‘રામાયણ’, ‘મહાભારત’ તેમજ ‘મોટું કાવ્યદોહન’ જેવા ગ્રંથો તેઓ પોતાના ઘરે રાખતા અને એમાંની કથાઓ કહેતા. પન્નાલાલે મેઘરજમાં સાધુ જયશંકરાનંદ પાસે રહીને પ્રાથમિક શિક્ષણ મેળવેલું. એક વાર ઈડરના મહારાજા સમક્ષ નાનકડા કિશોર પન્નાએ મીઠા કંઠે એક સરસ મજાનું ગીત ‘બંસીવાલા આજો મારે દેસ’ ગાયું. રાજા એથી ખૂબ પ્રસન્ન થયા અને માસિક રૂપિયા ત્રણની શિષ્યવૃત્તિ મંજૂર કરી જેથી પન્નાલાલ ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલમાં ભણી શક્યા, પરંતુ પરિવારની આર્થિક તકલીફો અપાર હતી એટલે અંગ્રેજી ચોથા ધોરણ પછી અભ્યાસ છોડી દેવાની સ્થિતિ ઊભી થઈ હતી. સોળ વર્ષની ઉંમરે પન્નાલાલનાં લગ્ન વાલીબેન સાથે થયેલાં. ડુંગરપુરમાં થોડાક સમય માટે કાપડની દુકાન પણ કરેલી, પણ તેમાં બહુ ફાવ્યા નહિ એટલે એ પછી જુદી જુદી અનેક નોકરીઓ કરી હતી. આમ જ એમનું જીવનઘડતર થયું હતું. કૌટુંબિક વિટંબણાઓ અપાર હતી. એમાં ગંભીર માંદગીઓએ તેમને સતત શારીરિક તેમ માનસિક યંત્રણાઓનો અનુભવ કરાવ્યો. તેમને પુસ્તક દ્વારા કેળવણી મળી નથી. પણ નક્કર વાસ્તવજીવનનો સાક્ષાત્‌ અનુભવ તેમની સર્જક તરીકેની મૂડી બને છે. સુન્દરમ્‌ એમ કહેતા કે પન્નાલાલની ‘સાહિત્યસર્જક તરીકેની શક્તિ વાંસની ગાંઠ પેઠે’ ફૂટી નીકળી હતી. પન્નાલાલ પટેલે વાર્તા અને નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું છે. તેમના નવલિકાસંગ્રહોની યાદી જોઈએ : ‘સુખદુઃખના સાથી’, ‘જિંદગીના ખેલ’, ‘જીવો દાંડ’, ‘લખચોરાસી’, ‘પાનેતરના રંગ’, ‘અજબ માનવી’, ‘સાચાં સમણાં’, ‘પારેવડાં’, ‘વાત્રકને કાંઠે’, ‘ઓરતા’, ‘દિલની વાત’, ‘મનના મોરલા’, ‘તિલોત્તમા’, ‘ધરતી આભનાં છેટાં’, ‘ત્યાગી-અનુરાગી’, ‘દિલાસો’, ‘ચીતરેલી દીવાલો’, ‘મોરલીના મૂંગા સૂર’, ‘માળો’, ‘વટનો કટકો’, ‘અણવર’, ‘કોઈ દેશી કોઈ પરદેશી’, ‘આસમાની નજર’, ‘બિન્ની’, ઘ્‘ારનું ઘર’, ‘છણકો’, ‘નરાટો’, ‘જમાઈરાજ’, ‘વૈતરણીના કાંઠે’, ‘ઢોલિયા સાગ સીસમના’, ‘સપનાનાં સાથી’, ‘અલ્લડ છોકરી’ આદિ છે. પન્નાલાલનો આશાસ્પદ લેખક તરીકે સાહિત્યમાં પ્રવેશ ‘વળામણાં’થી થયો હતો. ‘વળામણાં’ લઘુનવલ છે. તેમાં ગામડાનું સાદું તળપદું જીવન, તેમનાં અજ્ઞાન, દુષ્ટતા, પામરતા, સંકુચિતતા, વહાલ ને વેરઝેર સહિત, સાહિત્યિક આકાર પામે છે. લેખક પાત્રોનાં મનોગત ને ઊર્મિસંચલનોને સચોટ ને સબળ રીતે આલેખી જાણે છે. પન્નાલાલની મોટા ભાગની વાર્તાઓના વિષય ગ્રામકેન્દ્રી છે. નવલકથાની માફક ટૂંકી વાર્તામાં પણ પાત્રનાં ઊંડાં સંવેદનો અને મનોગતોને પન્નાલાલ તટસ્થ ભાવે આલેખે છે. શરૂઆતના ત્રણેક સંગ્રહો ‘સુખદુઃખનાં સાથી’, ‘જીવો દાંડ’ અને ‘જિન્દગીના ખેલ’માં વાર્તારસ તો જળવાય છે, પણ સ્વરૂપ અપેક્ષા મુજબ સચવાતું નથી. ઘણી વાર આરંભ સરસ હોય પરંતુ અંત કથળી જતો અનુભવાય છે. ઘણી વાર લેખક અતિશયોક્તિ કરતા જણાય છે. વાર્તાના પ્રમાણભાનના પ્રશ્નો પણ જણાય છે. છતાં ‘સુખદુઃખનાં સાથી’, ‘જિંદગીના ખેલ’, ‘મગમાળા’, ‘કુલડીમાં ગોળ’ અને ‘વાત્રકને કાંઠે’ જેવી વાર્તાઓ પાત્રચિત્રણ, રહસ્ય ને બાંધણીની દૃષ્ટિએ સારી નીપજી છે. ‘સાચાં સમણાં’, ‘એળે નહીં તો બેળે’, ‘રેવામા’, ‘જમાદારનો બોકડો’, ‘બિચારા પ્રસાદજી’ વગેરે રચનાઓ પણ વિવિધ રીતે ધ્યાન ખેંચે છે. પન્નાલાલ વાર્તાઓમાં વસ્તુને કોઈ વાર પાત્રના વર્તાવથી તો કોઈ વાર દૈવની ગતિથી વળાંક લેતું બતાવે છે ને પાત્રના માનસને તે મુજબ પ્રગટ કરતા જાય છે. ‘સાચાં સમણાં’ના મથુરના મનઃપટ પર વસ્તુના બીજરૂપ ટૂંપિયો પિતા, પત્ની, મણિ અને જ્ઞાતિજનો ઊભાં રહીને તેને નિશ્ચિત ભાવિ ભણી કેવાં ધકેલી રહે છે તેનું પન્નાલાલે સૂક્ષ્મ ને હૃદયંગમ નિરૂપણ કર્યું છે. ત્રણ વાર વહુને તેડવા ગયેલો પણ સાસુની અવળચંડાઈને કારણે ખાલી હાથે પાછો આવેલ શાન્ત પ્રકૃતિનો કોદર ચોથે ફેરે વહુને ‘એળે નહીં તો બેળે’ પણ તેડી જવાનો નિર્ધાર કરીને સાસરે જાય છે. ત્યારે મિત્રનાં કટાક્ષવચનો, સાસુની વક્રતા અને વહુનું મહેણું એ બધાંથી ઉત્તરોત્તર ઉત્તેજાઈને છેવટે વહુને ચોટલો પકડીને આગળ કરે છે. લેખક એ પ્રસંગને નાટ્યક્ષમ રીતે સંવાદમાં ઉપસે છે. ‘બિચારા પ્રસાદજી’ વાર્તા અદ્‌ભુત છે. તેમાં લોકનેતાનું હળવું ‘ઠઠ્ઠાચિત્ર’ ઊપસાવે છે. પન્નાલાલ એક વાર્તાકાર તરીકે ભાષાનો કસ કાઢે છે એમ કહી શકાય. એમાંય તળપદી બાનીના તો એ જાદુગર છે! શિષ્ટ ભાષાનાં વાક્યોનાં વાક્યો જ્યાં અસર ન કરે ત્યાં આ તળપદી બોલીની એકાદ ટૂંકી ઉક્તિ વેધક બને છે. તેમાં સંવેદનની ઉત્કટતા અને તીર જેવી સદ્યોવેધકતા હોય છે. પાત્રો વચ્ચે સહજ રીતે રચાતા સંવાદ અને લેખકની તાજગીભરી કથનરીતિ આ વાર્તાઓની સફળતાનાં મુખ્ય અંગો છે. પછી વાર્તાઓ લખવામાં લેખકની લઢણ બંધાઈ જાય છે ત્યારે તેની ધાર બૂઠી થઈ જતી લાગે છે. ગામડાની બહારનું વસ્તુ તેમને એટલી યારી આપતું નથી. જોકે, તેમણે નગરજીવનને સ્પર્શતી પણ અસંખ્ય વાર્તાઓ આપી છે. ખાસ કરીને શહેરના મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગની વાર્તાઓમાં તેઓ અનેક વિષયોને સ્પર્શ્યા છે. વાર્તાકાર પન્નાલાલ પટેલના વાર્તાસંગ્રહો વિશે વિગતવાર જોઈએ.

૧. વાત્રકને કાંઠે :

પન્નાલાલ પટેલનો આ વાર્તાસંગ્રહ ઈ. સ. ૧૯૫૨માં પ્રકાશિત થયો હતો. જેમાં ૨૦ વાર્તાઓ સંગ્રહિત થઈ છે. જેમાંની પ્રથમ વાર્તા ‘વાત્રકને કાંઠે’ પન્નાલાલની નીવડેલી વાર્તાઓમાંની એક છે અને ‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’માં સ્થાન પામી છે. આ વાર્તાની નાયિકા નવલ છે અને તેનો અગાઉનો અને પછીનો પતિ પણ અહીં પાત્ર રૂપે છે. આ ત્રણેય પાત્રોનાં હૈયાંની અભિવ્યક્તિ પન્નાલાલ લીલયા આલેખે છે. નાયિકાના પાત્રને ગજબની મનોસંઘર્ષની સ્થિતિમાં મૂકીને પન્નાલાલે અદ્‌ભુત કલાનાં દર્શન કરાવ્યાં છે. ‘આંટી’ વાર્તામાં ઇચ્છાશંકર અને મૂળશંકર એ ભાઈઓના ભાગ વહેંચવાની વાતથી વાર્તા શરૂ થાય છે, જે વાચકને તરત જ વાર્તામાં સંડોવે છે અને અંત સુધી એને જકડી રાખે છે, એટલું જ નહિ, ઉચાટમાં પણ રાખે છે. જે ઇચ્છાશંકર પોતાના મોટા ભાઈ મૂળશંકર પાસે જુદું માગે એ અંગે અનેક લોકોના કહેવા છતાં જુદું માગતા હોતા નથી, પરંતુ એક નાનીશી ઘટના કઈ રીતે તેમને જુદું માગવા પ્રેરે છે એ ‘આંટી’ની કથા છે. જેમાં પન્નાલાલની એક લેખક તરીકેની સૂઝ અને નિરીક્ષણની શક્તિનાં દર્શન થાય છે. ‘લૂગડાં ઉતારીને વાંચજો’ વાર્તામાં વાર્તાકથક ‘હું’ વાત માધવની કરે છે. માધવની કોઈ જાતીય ખામીને કારણે એની પત્ની ચંચળ એને છોડીને ચાલી જાય છે, પત્ની ચાલી ગઈ છે એ દુઃખ કરતાં પણ વધારે દુઃખ માધવને પોતાના પિતા આ સમાચાર જાણશે તો શું થશે! એ વાતની ચિંતા છે. વાર્તાકથક એ જવાબદારી સ્વીકારે છે. માધવના પિતા વળી એની પત્ની ભાગી નથી ગઈ પણ માધવે કાઢી મૂકી છે એવું જાહેર કરવા વાર્તાકથક પર દબાણ લાવે છે. કેમ કે, તેઓ ફરી એક વાર માધવને ‘ફરીથી માંડવે ચડાવવા’ માગે છે! લાચાર માધવ ‘ચિતાએ ચડીશ, પણ ચોરીએ નહિ’ એવું મોઢે ચડીને બોલે છે, અને છેલ્લે વાર્તાકથકને પત્ર મળે છે જેમાં ઉપર જ લખ્યું હતું, ‘લૂગડાં ઉતારીને વાંચજો.’ વાર્તાકથક તરત સમજી જાય છે કે આ માધવના મરણના સમાચાર છે! વાર્તા એટલેથી અટકતી નથી તેથી તેની ચોટ ઓછી થતી અનુભવાય છે. વાર્તાકથકની એકોક્તિ, ‘માધવ તારા પિતાએ તને વિચારીને તો નહિ- વગર વિચારે ચોરીને બદલે ચિતાએ જ ચઢાવી દીધો છે! તેં આપઘાત નથી કર્યો પણ તારું ખૂન જ –’ વાર્તાને હાનિ કરતી અનુભવાય છે. ‘લાઇનદોરી’ વાર્તામાં સડકના નિર્માણની માપણી વખતે પોતાના મહુડાને બચાવી લેવા વિદ્રોહ કરવા સુધી તૈયાર ભીલ યુવકને મદદરૂપ થવા મથતો વાર્તાકથક અંદરની રાજનીતિ જોઈને લાચારીથી પાછો પડે છે તે સચ્ચાઈનું તટસ્થ આલેખન છે. જે મહુડો બચાવવા એ નીકળ્યો છે એ મહુડા પર સત્તાધારીઓનો પણ ડોળો છે, એ જાણ્યા પછી વાર્તા એકાધિક પરિમાણો પ્રાપ્ત કરે છે. પોતાની વાર્તાઓમાં રાજનીતિ કે સમાજનીતિનો વિષય ભાગ્યે જ લઈ આવતા પન્નાલાલ અહીં રાજાશાહી, કૉંગ્રેસ, સામ્યવાદ, ગાંધીવાદ વગેરેનો ઉલ્લેખ કરે છે. ‘અજાણ્યાં’ ઘણી લાંબી વાર્તા છે. આમ એક રીતે તો એ પ્રેમકથા છે, જેમાં લેખક શરૂઆતમાં એક પ્રયુક્તિનો આશરો તો લેવા ગયા છે, પણ એનો ઝાઝો લાભ વાર્તાને થયો નથી. એ પ્રયુક્તિ લટકણિયું બનીને રહી જાય છે. આ પ્રેમકથા એક દર્દી અને નર્સની છે. અલબત્ત વાર્તાની ખરી મજા તો વાર્તાન્તે વાર્તાકથક જે સંશય રજૂ કરે છે, તેમાં છે : ‘હજુય મને ખાતરી નથી કે ફ્લોરા મને ચાહતી હતી. આમ, માનવસ્વભાવની સંકુલતાનું આલેખન વાર્તાને સામાન્યતામાંથી ઉપર ઉઠાવે છે એમ કહી શકાય. ‘વિદાય વદવા સમો’માં અશોક અને કૃષ્ણા વચ્ચે ટ્યૂશન વખતે વિકસેલો સંબંધ અટકી ગયેલો, ભવિષ્યમાં કૃષ્ણા બીજા પુરુષ સાથે જોડાય છે અને ગર્ભવતી બને છે, અશોકને છેલ્લી વાર મળીને આત્મહત્યા કરવાનું એણે મનોમન ઠરાવ્યું છે. જોકે, એ જે પત્ર લખીને લાવી છે તે અનાયાસે એને ખબર ન પડે એ રીતે અશોક વાંચી લે છે, અશોક કૃષ્ણા સાથે તત્કાળ પરણી જાય છે. પન્નાલાલની કથા કહેવાની સૂઝને લીધે વાર્તા ટકી ગઈ છે એથી વિશેષ કંઈ નથી. ‘જીવનસાથી’ વાર્તામાં લેખકે પત્રની પ્રયુક્તિ ખપમાં લીધી છે. પન્નાલાલનો એક વાર્તાકાર તરીકેનો વિશેષ સ્ત્રીપુરુષ સંબંધોની સંકુલતા છે. અહીં પણ નાની વયની પત્ની અને મોટી વયના પતિના દામ્પત્યની સમસ્યાઓ કેન્દ્રમાં છે એ ખરું, પરંતુ વાર્તામાં અપેક્ષિત ચમત્કૃતિ નથી. સંગ્રહની આઠમી વાર્તા ‘ઝૂંપડીની માયા’માં પણ હૉસ્પિટલની જ વાત છે, જેમાં જરાય ન ગમતી કૉટેજ બીમાર શાન્તુને ગમવા લાગે છે, કારણ કે બાજુમાં છોકરીઓ રહે છે, અને એટલે જ પંદર દિવસ પછી ‘સિલ્વર બ્લોક’માં તેને શિફ્ટ કરવાની વાતે શાંતુ હવે નારાજ થાય છે અને જવાની ના પાડે છે! વાર્તા હળવા ટોનની છે, અને પરિવેશનું નિરૂપણ પણ ધ્યાનપાત્ર છે. ભલે એ શ્રેષ્ઠ વાર્તાની પંગતમાં બેસી શકે એવી તો નથી પરંતુ પન્નાલાલની જેમાં મહારત છે, તે મનનું આલેખન અહીં સારી રીતે થયું છે એમ કહી શકાય. ‘બલિદાન’ વાર્તામાં માનવતાથી મોટો કોઈ ધર્મ નથી એવું મોતીગર બાવાના પાત્ર દ્વારા સરસ રીતે અભિવ્યક્ત થયું છે. કટ્ટરપંથીઓ પોતાના નેતા શ્રીરામ શાસ્ત્રીની આગેવાનીમાં નીકળી પડ્યા છે. તેઓ શિવના મંદિરમાં મોતીગર બાવાને શરણે ગયેલા અકબરખાનને મારવા માગે છે. મોતીગર બાવા કહે છે કે એ શિવને શરણે આવ્યો છે, એને મરાય નહિ. હુમલાખોરો મોતીગરનો ભોગ લે છે. જોકે, સૌને પછી તો પસ્તાવો થાય છે અને મોતીગર મહારાજનો માનવધર્મ મહેકી ઊઠે છે. ‘અધૂરી વાત’ વાર્તા યુવા હૈયાનાં કોમળ સંવેદનોની છે. યુવાનોની મહેફિલમાં દેવીસિંહ નામનો યુવાન પણ છે. બધા વનમાતાના ડુંગરે ઊપડ્યા છે ત્યારે દેવીસિંહને ગાવા માટે સૌ આગ્રહ કરે છે. ત્યારે તે ગાવા માટે ના પાડે છે. અને એ ન ગાવાનું કારણ જે દેવીસિંહ આપે છે તેનું રહસ્ય જાણવાની ઇન્તેજારી વાર્તાકથકની જેમ વાચકને પણ થાય છે! વાર્તાનો અંત જુઓ, “કોણ હશે એ વચનથી બાંધનાર? તે શા માટે કયા સંજોગોમાં એણે ન ગાવાનું જ વચન લીધું હશે?”(પૃ. ૧૧૯) ‘અંજુમંજુ’ વાર્તા લગ્નસંસ્થાના વિષયની વાર્તા છે, જેમાં અંજુ અને મંજુ ગાંધીવિચારથી પ્રભાવિત સખીઓ છે. તેઓ દેશસેવાના ઉમળકામાં આવી જઈને આજીવન બ્રહ્મચર્ય પાળવાનો નિયમ લે છે. તેઓ સ્વયં મહાત્મા ગાંધીજીના આશીર્વાદ પણ લઈ આવે છે. જોકે, થોડાક સમય પછી મંજુના વિચાર બદલાય છે અને તે લગ્ન કરી લે છે, એક પુત્રની માતા પણ બને છે. બીજી બાજુ અંજુ મક્કમ રહે છે અને તે પોતાની દેશસેવાની પ્રવૃત્તિ ચાલુ રાખે છે અને ગૌરવભેર પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરતી રહે છે. જોકે ધીમે ધીમે તેના વિચારો પણ પલટાય છે અને તે મંજુને મળે છે. મંજુ તો પોતે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તોડ્યા પછી અંજુને દેવી માનતી હોય છે. જોકે અંજુ જ્યારે મંજુની પ્રશંસા કરતાં કહે છે કે તેં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તોડીને જે સાહસ કર્યું છે એ હિમ્મતનું કામ છે, જ્યારે હું એ કરી શકી નથી! મંજુ ચોંકી જાય છે. પોતે તો હવે ૨૯ વર્ષની થઈ, પોતાની સાથે કોણ પરણે એવી શંકા રજૂ કરે છે ત્યારે મંજુ એને માટે મૂરતિયો શોધવા તૈયાર થાય છે. આખરે ઘીના ઠામમાં ઘી પડે છે અને અંજુ પણ લગ્નગ્રંથિથી જોડાઈ જાય છે. આ વાર્તામાં બ્રહ્મચર્યનું પોકળ કેવું છે તે વિશે મનોવૈજ્ઞાનિક રીતે વાર્તાની શરતે વાત થઈ છે, તેથી વાર્તા નોંધપાત્ર બને છે એમ કહી શકાય ‘મા’ વાર્તા ઘણી જ સંકુલ છે. જાલમ ખાંટના પરિવારની વિષમ પરિસ્થિતિનું આલેખન આ વાર્તામાં એક ઘટના દ્વારા થયું છે. એને આંગણે બાંધેલી ભેંસ વિયાવાની છે એ રાતનું વર્ણન છે. ભેંસને પાડો આવશે કે પાડી એ અંગે ઘરમાં ચર્ચા છે! પાડો વધુ જીવતો નથી અને ભેંસને પોતાના પાડા કે પાડીનો હેડો થઈ જાય. એના કરતાં જન્મની સાથે જ પાડા મરી જતા હોય તો કેવું સારું! આ ભાવ જાલમ ખાંટની પત્નીનો છે. વાર્તાનો મુખ્ય વિષય પણ આ જ છે, એટલે જાલમની પત્ની બધાંને સૂઈ જવાનું કહીને પોતે જાગે છે. મોડી રાત્રે ભેંસ વિયાય છે, એને પાડો જ આવે છે. અંધારામાં ભેંસને ખબર ન પડી જાય એ રીતે પાડાને ટોપલામાં નાખીને પાડો લઈ જઈને ખૂણાવાળી પાણી ભરેલી ખાણમાં નાખી આવવા કહે છે. પુત્રવધૂ આવા કામ માટે સ્પષ્ટ નન્નો ભણે છે. તો માતા (એની સાસુ) જાતે જ એ કામ કરે છે. અને ખૂબી તો જુઓ આમ છતાં તે આપણને જરાય નિર્દય લાગતી નથી, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ માણસને કેટલી હદે નિર્મમ બનાવી શકે છે એનો આ વાર્તા પરિચય મળે છે. ‘બે મુલાકાત’ વાર્તામાં વાર્તાકથક પોતાની મિત્રબેલડી પ્રિયમ ને પ્રેમલીલાને તેમનાં લગ્ન પછી મળવા જાય છે, પરંતુ ત્યાં તેને ઘણો જ ઠંડો આવકાર મળે છે. તેને માટે એ ચિંતાનો વિષય બને છે. એ પોતાના અન્ય એક મિત્ર હેમુને કે જે મનોવિજ્ઞાનનો પ્રોફેસર છે તેને આનું રહસ્ય પૂછે છે. હેમુનું કહેવું છે કે શહેરના સુધરેલા લોકો તો આવા જ હોય! એમને સમજવા મુશ્કેલ હોય, પરંતુ કદાચ તેં કંઈ મશ્કરી કરી હોય એનું આ પરિણામ હોઈ શકે! એ પછી વાર્તાકથક પોતે ભૂતકાળમાં એવી કોઈ મજાક કે મશ્કરી જેવું કંઈ કર્યું હતું એ યાદ કરવા મથે છે. એમાંથી તેને આખી એક વાતનો તાળો મળે છે. પ્રેમલીલાના પ્રિયમ માટેના અતિ પ્રેમને જોઈને વાર્તાકથક એને કહે છે કે પોતે એવું કંઈક કરી બતાવશે જેથી તારો પ્રિયમ પણ લલચાઈ ન ઊઠે તો કહેજે. એ પછી મોહિની બનીને વાર્તાકથક (કે જે પોતે કવિ પણ છે) પ્રિયમને એવા તો લોભામણા પત્રો લખે છે કે તે મોહિનીને મળવા પહોંચી જાય છે જ્યાં વાર્તાકથક અને પ્રેમલીલા બંને હાજર હોય છે! સત્ય જાણીને પ્રિયમ ઘણો જ ભોંઠો પડે છે. આમ પ્રેમલીલાને પોતાના પ્રેમની અધૂરપ ઉઘાડી પડે છે તે કઠે છે. પ્રિયમ અને પ્રેમલીલા તેથી જ કદાચ વાર્તાકથકથી દૂર થાય છે! આ એક ઘણી મનોવૈજ્ઞાનિક વાર્તા છે ‘ચાડી’ વાર્તાનો વાર્તાકથક એક શિક્ષક છે, જે મંગુમા ગોરાણીને મદદ કરવા માટે પ્રયત્નશીલ છે. ગોરાણીને જે ગણો તે એક દીકરો છે, પરંતુ કેટલીક તકલીફોને કારણે તેની સગાઈ થતી નથી. એને માટે ગોરાણી કેટલીક યુક્તિ પ્રયુક્તિઓનો આશરો લે છે, જેમાં તેઓ આ શિક્ષકની મદદ લે છે. આ યુક્તિ-પ્રયુક્તિ એટલે કેટલીક સામાજિક છાપ પાડવા માટે કરેલી બનાવટ. વાસ્તવમાં તેમના છોકરાને એવી કોઈ ભારે નોકરી મળી નથી છતાં પણ તે મુંબઈમાં અમુક શેઠને ત્યાં ઊંચા પગારે નોકરી રહ્યો છે એવો પત્ર મંગુબા વાર્તાકથક પાસે લખાવે છે અને આખા ગામમાં વંચાવે છે એવું ને એવું દાગીના વેચીને લાવેલા પૈસાનું મનીઓર્ડર પણ મંગુબાને નામે વાર્તાકથક દ્વારા જ કરાવવામાં આવે છે એટલે આખા ગામમાં મંગુમાનો દીકરો સારું કમાતો થયો છે એવી છાપ ઊભી થાય છે. જોકે કોઈ કારણોસર આખી વાત ફૂટી જાય છે એટલે મંગુબા વાર્તાકથકને ભાંડે છે કે તું વિશ્વાસઘાતી છે. વાર્તામાં લેખકે વાત ફૂટવાનું કોઈ કારણ બતાવ્યું નથી કદાચ એટલે જ વાર્તા વધારે અસરકારક બની રહી છે. ‘અબરખનાં પડ’ વાર્તાનો પરિવેશ સાહિત્યિક છે, તેનો નાયક શ્રવણ એક યુવા વાર્તાકાર છે અને તેણે લખેલી વાર્તાઓ આજકાલ ખૂબ જ ચર્ચામાં હોય છે. એવામાં કોઈ મૅગેઝિનની સ્પર્ધામાં વાર્તા મોકલવા અંગે બધા મિત્રોએ શ્રવણને સૂચવ્યું હતું. કારણ કે ઇનામ ઘણું જ મોટું છે. શ્રવણની વાર્તા પણ ઉમદા લખાઈ હતી. એ વાર્તા વિશેની ચર્ચા પણ વાર્તામાં સુંદર રીતે મૂકવામાં આવી છે. અલબત્ત શ્રવણ તે મૅગેઝિનમાં વાર્તા મોકલતો નથી અને અન્ય નબળા મૅગેઝિનમાં વાર્તા મોકલે છે તે મિત્રો માટે ઘણું જ ચોંકાવનારું અને રહસ્યમય છે એટલે તેઓ શ્રવણને મળવા જાય છે. એ પછી શ્રવણ જે હકીકત રજૂ કરે છે તે વાર્તાનો વિષય છે. વાસ્તવમાં શ્રવણને વાર્તા માટે આમંત્રણ મોકલનાર કોઈ વસંત છે, જે વાસ્તવમાં સ્ત્રી છે અને શ્રવણની પ્રેયસી છે એવું સિદ્ધ થાય છે. બધા બેઠા હોય છે અને વાર્તાકાર શ્રવણને તાર મળે છે જેમાં જાન લઈને આવવા જણાવ્યું છે. આમ, વાર્તા સુખદ અંતને પામે છે. ‘દેવરૂપ’ વાર્તાનું શીર્ષક બે રીતે સાર્થક થયું છે, એક તો દાસીનો નાનો પુત્ર અને બીજું રાજાને ખુદ દીવાન (કે જે એમનો ભત્રીજો છે તે) ‘દેવરૂપ’ની ઉપમા આપે છે. વિષય સરસ છે. રાજા પોતાની એક ગોલીને એના પુત્ર સાથે બોલાવીને એ શિશુને ઘણાં જ લાડ લડાવે છે અને પછી પોતાના દીવાનને બોલાવીને રાજ્યમાંથી ગુલામીની નાબૂદીની ઘોષણા કરતો હુકમ બહાર પાડવા જણાવે છે. દીવાન આ નિર્ણયનાં ભયસ્થાનો રાજાને ચીંધે છે, પરંતુ રાજા પોતે મક્કમ છે, તેઓ કહે છે, “એને બદલે આજ જોઉં છું તો નથી હું કવિ રહ્યો, નથી રાજા રહ્યો, કે અરે! માણસ પણ નથી રહ્યો, ગટુ!” (પૃ. ૧૬૯) આમ, આ વાર્તા માનવીય અભિગમની વાર્તા બની રહે છે. ‘રળિયામણે ડુંગરે’ વાર્તામાં લેખકે ફરી એક વાર લગ્નસંસ્થાનો વિષય છેડ્યો છે. વાર્તાનો નાયક ઉદ્દામ નામે એક લેખક છે. તેનું આ નામ જ ઘણું બધું કહી જાય છે. પત્ની સાથે તે એક વાર કાશ્મીર ફરવા ગયો હોય છે ત્યારે તેણે એકાદ એવું યુગલ જોયું છે કે જે પતિપત્ની નથી, પરંતુ સંજોગવશાત્‌ નજીક આવ્યું છે. આના આધારે ઉદ્દામ વાર્તા લખવા માંગે છે. પત્ની પોતાની માસીને મળવા ગઈ છે. ઉદ્દામ વાર્તા લખવા બેઠો છે. કશુંક બરાબર ન જામતાં તે ઈરાની હોટલમાં ચા પીવા જાય છે. ચા પીને સિગરેટ પીતી વખતે તે વાર્તા વિશે આગળ વિચારે છે. વાર્તામાં એણે કુલ ત્રણ પાત્રો કલ્પ્યાં છે. ત્રીજું પાત્ર પેલી સ્ત્રીના હસબંડનું છે જેને લેખક ઉદ્દામ ગુસ્સો અને ઈર્ષ્યા કરતું રજૂ કરવા જાય છે ત્યાં જ તેને એવું લાગે છે કે પેલા યુગલ પૈકીની સ્ત્રી તો એની પોતાની પત્ની જ છે. હવે લેખકનું આખું દર્શન બદલાઈ જાય છે. આ વાર્તામાં લગ્નસંસ્થા અંગે નુક્તેચીની છે જે સંકુલ રીતે અભિવ્યક્તિ પામી છે. ‘ગળપણ વિનાનો ગોળ’ વાર્તાનો નાયક ખુમાન એક એવી વાતે દુઃખી છે કે જે કોઈને કહી શકાય એમ નથી! નાછૂટકે એ ‘પનાભાઈ’ને કહે છે. થોડાક વખત પર પોતાના ઘરે મહેમાન થઈને રોકાયેલી એક દૂરની સંબંધી મોડી રાતે ચીસ પાડી ઊઠે છે ત્યારે ખુમાન ‘અચાનક શું થયું?’ એમ ગભરાઈને એની પાસે જાય છે, બરાબર એ જ વખતે ખુમાનની પત્ની પણ જાગી જાય છે અને પતિને એ સ્ત્રીની પાસે જોઈને એ જુદી જ શંકા કરે છે, અને ‘ફટ ગોજારા’ એવા શબ્દો વાપરે છે. એ પછી ખુમાનનું જીવન ક્લૂષિત બની જાય છે! ખુમાન પોતે તો દુઃખ વેઠી બલકે જીરવી લે છે, પરંતુ પત્નીની પીડા એનાથી જીરવાતી નથી. એના મતે ‘બધુંય ખરું, પણ ગળપણ વિનાના ગોળ જેવું’ વાર્તા સ્ત્રી-પુરુષ સંબંધોની સંકુલતાને જ સ્પર્શે છે. ‘લાડુનું જમણ’ વાર્તા પન્નાલાલ પટેલની ઘણી જ જાણીતી વાર્તા છે. એમાં એક તરફ દેવશંકર માસ્તરનો લાડુપ્રેમ છે તો બીજી તરફ તેમની વિષમ આર્થિક પરિસ્થિતિ છે. સાવ હળવાશથી રજૂ થયેલી આ વાર્તા અંતમાં કરુણમાં જઈને વિરમે છે. વીશીવાળા શંકરલાલ ભલા છે પરંતુ બે પૈસા કમાવાની એમને પણ દાનત હોય એ સ્વાભાવિક છે. છતાં એ દેવશંકરની માફી માગે છે, પરંતુ દેવશંકર એમનો વાંક જોતા નથી. એમણે તો લાડુ ખાવાનું હવે જળ મૂક્યું હોય છે! આ વાર્તા બહુપારિમાણિક છે. ‘મશાણિયે વડલે!’ની અવલ સુંદર છે, એ પતિને વધારે પડતો સાચવેલો છે. એ અવલને લાયક નથી. ઘરનાં બધાં અવલને પરેશાન કરવામાં બાકી નથી રાખતાં, એમને સૌને અવલ દ્વારા સંતાનની ઝંખના છે. નામર્દ સરખો પતિ અવલને માતા બનાવી શકે એમ નથી. અવલને એકાદ વાર તો એવો પણ વિચાર આવી જાય છે કે કોઈ બીજા પુરુષનું પડખું સેવીને સંતાનપ્રાપ્તિ કરી લઉં! પરંતુ એમ તો એ ખાનદાન છે. આખરે પરિવારમાં સ્વીકૃતિ મળે એ હેતુથી પોતે ગર્ભવતી થઈ છે એવો પ્રપંચ રચે છે. જોકે, આખરે સત્ય તો બહાર પડીને રહે છે. બધાં એને ગાળાગાળી કરે છે, રાતે પતિ એને બહુ મારે છે એટલે સવારે એ દોરડું લઈને ‘મશાણિયે વડલે’ જઈને લટકી જાય છે. વાર્તામાં એકાધિક વાર એ વડલાનો સંદર્ભ પણ આવે છે. વાર્તાનો કરુણાંત ચોંકાવી મૂકે છે. ‘વાત્રકને કાંઠે’ વાર્તાસંગ્રહની ૨૦ વાર્તાઓ વિષય, અભિવ્યક્તિ, ભાષા અને વસ્તુસંકલનાની દૃષ્ટિએ નોખી ભાત પાડે છે. લેખકના અનુભવ, સંવેદના, નિરીક્ષણ અને અભ્યાસ એમાં બહુ જ ખપ લાગ્યાં છે.

૨. જિંદગીના ખેલ

‘જિંદગીના ખેલ’ વાર્તાસંગ્રહ ઈ. સ. ૧૯૪૦માં પ્રકાશિત થયો હતો. આ સંગ્રહમાં કુલ ૧૩ વાર્તાઓનો સમાવેશ થયો છે. આ સંગ્રહની વાર્તાઓ જોતાં એમ કહી શકાય કે આ લાંબી ટૂંકીવાર્તાઓ છે. સંગ્રહનું શીર્ષક જેને મળ્યું છે તે વાર્તા ‘જિંદગીના ખેલ’ એના વિષયને લઈને ઘણી જ જુદી પડતી દીર્ઘ વાર્તા છે. સાઠથી પણ વધુ પૃષ્ઠોમાં વિસ્તરેલી આ વાર્તામાં લેખકે બે સામસામા છેડાનાં પાત્રોને મૂકી આપીને વાત તો જીવનની રહસ્યમયતા અને અનિશ્ચિતતાની જ પ્રગટ કરી છે. સાથે સાથે માનવીના મનના અતલ ઊંડાણને તાગવાનો પુરુષાર્થ કર્યો છે. વાર્તાકથક મોહન એક સાદોસીધો યુવક છે, તે જેની વાત માંડે છે તે કનુ અનૈતિક અને અયોગ્ય કામ કરનારો છેલબટાઉ અને જમાનાનો ખાધેલ માણસ છે. લેખકે વાર્તા મલાવી મલાવીને કહી છે. કનુના જીવનનાં એક એક પડ ખૂલતાં જાય છે. લોહીનો વેપાર, છેતરપિંડી, જુગારખાનું જેવા અનેક ધંધા કરનારા કનુના અંદરની માણસાઈ પણ નિરૂપવાનું લેખક ચૂક્યા નથી. એક શ્રીમંત માણસનો પુત્ર કઈ રીતે અપરાધી બને છે એનું મનોવૈજ્ઞાનિક બયાન આ વાર્તાને ઊંચાઈ આપે છે. ‘શેઠની શારદા’ વાર્તા પણ પ્રમાણમાં લાંબી વાર્તા છે. નવલ કે લઘુનવલ માંડતા હોય એ રીતે લેખક આ વાર્તાનો ઉઘાડ કરે છે. શરૂઆતમાં એકદમ હળવા ટોનમાં આગળ વધતી વાર્તા આનંદની જ વાત માંડતી લાગે, પરંતુ ઉત્તરાર્ધમાં વાચકને ચોંકાવી દઈને વાર્તાકાર ઊંચી વાર્તાકલા સિદ્ધ કરે છે એમ કહી શકાય. વાર્તાનો નાયક મૂળજી છે, રંગીલો જુવાન છે, પોતાની પત્ની કંકુ અને બે બળદો પર એને અત્યંત પ્રેમ છે. એના બે બળદ એના કહેવા મુજબ રામ-લખમણની જોડ છે. પત્ની માટેનો એનો પ્રેમ પણ ગામમાં ચર્ચાનો વિષય બનેલો છે. વાર્તાનો ઉઘાડ થાય છે ત્યારે મૂળજી પોતાના સાથી હીરા અને વડીલ વીરજી સાથે ગાડામાં શહેર કહેવાય એવા ગામમાં આવ્યો છે. ત્યાં બધા આનંદ કરી લે છે. વળતી વખતે મૂળજી દુહા પણ લલકારે છે, બળદોનાં વખાણ પણ કરી લે છે. વહેલી સવારે એ લોકો ઘરે પહોંચે છે એ પછી રમણ શેઠ એમનો હિસાબ લઈને મૂળજી પાસે આવે છે. ભાંજગડ કુટાય છે, આખરે મૂળજી વિવશતાથી પોતાના રામ-લખમણને છોડી આપે છે ત્યારે વાર્તામાં એક નવું જ પરિમાણ ઉમેરાય છે અને વાર્તારંભે દેખાતી પન્નાલાલની રંગદર્શિતા ઊડી જાય છે અને સામાજિક વિષમતાનું નરવું ને વરવું ચિત્રણ કરતી વાર્તા બનીને ઊભરે છે. વાર્તામાં માત્ર બેવાર ‘શેઠની શારદા’ શબ્દ આવે છે પરંતુ વાર્તાના વિષયને બખૂબી અભિવ્યંજિત કરે છે. ‘આવતાં તો આવી ગયો’ વાર્તામાં નાયક શકરો ભલો-ભોળો છે, સારા પતિ તરીકે ઓળખાય છે, પરંતુ એક નબળી ક્ષણે પત્નીને મારી બેસે છે, અબોલા વધતાં રિસાઈને અમદાવાદ ચાલ્યો જાય છે. ઘર છોડ્યાનો પસ્તાવો તો એને ભારોભાર છે, પરંતુ હવે સારું એવું કમાઈને બે પૈસા ઘરે લઈ જઈને પત્નીને રાજી કરવાના અભરખા એને મહેનતે વાળે છે, પેલા ભોળપણને કારણે જ એ ચોરી કરવા પ્રેરાઈને જેલવાસ ભોગવે છે, જેલમાંથી પાછા ફર્યા બાદ ફરી પાછાં સ્વપ્ન સજાવે છે અને મજૂરીએ તો વળે છે, પરંતુ શરીર હવે સાથ આપતું નથી, મુકાદમ એને હૉસ્પિટલમાં દાખલ કરે છે, અહીં શકરાને સોરવતું નથી, એ વારંવાર બોલે છે, ‘આવતાં તો આવી ગયો.’ એને પોતાને હવે સાજા થવા અંગે સંશય છે, જે સાચો પડે છે. દવાખાનામાં જ એ જીવ છોડે છે. લેખકે આ વાર્તાના અંતમાં ચમત્કૃતિ આણીને વાર્તાનું ગજું વધારી આપ્યું છે, શકરાને પોતે છેલ્લવેલી પત્નીને કાખમાં છોકરીને દબાવીને બળદને દોરીને કીડીવેગે જતી જોઈ હતી એ દૃશ્ય દેખાય છે અને મરતાં મરતાં બોલી પડાય છે, ‘આવતાં તો આવી ગયો!’ ‘મગમાળા’ વાર્તાનો મુદ્દો સામાન્ય લાગે, પરંતુ વાર્તાકાર જે કળા કરી બતાવે છે એ કાબિલેદાદ છે. ઓરમાન માતા મોંઘી ડોશીના મૃત્યુ પછી તેમનો ઓરમાન પુત્ર જગજી એમની મગમાળાનું પુણ્યદાન ડાહ્યારામ નામના બ્રાહ્મણને અનિચ્છાથી પણ કરે છે, કેમ કે ઘરમાં માઠા બનાવો બને છે. લેખકે અહીં મનોવિજ્ઞાનને બખૂબી ખપમાં લીધું છે. ડાહ્યારામ લોભવશ મગમાળા લઈને પત્નીને આપે છે, પરંતુ એ પછી પત્નીનું માનસિક સ્વાસ્થ્ય જે રીતે કથળે છે એનું વર્ણન લેખકે કલાકીય સૂઝ સાથે કર્યું છે. વાર્તાન્તે ડાહ્યારામની પત્નીનું અવસાન થાય છે. ‘સાલે ચોર’ વાર્તાનો નાયક ગરીબીમાં સબડતો લેંબો છે, જેને વેરો ભરવાની સમસ્યા વાર્તાનો વિષય છે. મુખીના હસ્તક્ષેપથી પટવારી વેરો ભરવાની મુદ્દત ત્રણ દિવસ વધારી આપે છે જેનું અંદરનું કારણ તો લેંબાની વહુ મંછી છે. ત્રણ દિવસ પછી પણ પૈસાનો જોગ થતો નથી. લેંબો મુખીની દાનત અંગે શંકાશીલ છે. બીજી તરફ આબરૂ જવાના ભયથી મગન શેઠને ત્યાં ચોરી કરે છે. લેખકે લેંબા અને મંછી બંનેને પરિસ્થિતિ સામે ઝૂઝતાં- ઝઝૂમતાં દર્શાવ્યાં છે. વાર્તાને અંતે લેંબાની ચોરી તો પકડાઈ જ જાય છે, પરંતુ એને ‘સાલે ચોર’ કહેનારા જ ખરેખર તો ચોર છે એવું સહજ રીતે નિષ્પન્ન થાય છે. કલાત્મકતાને અળપાવ્યા વિના સમાજની આર્થિક વિષમતાનું નિરૂપણ પન્નાલાલે આ વાર્તામાં કર્યું છે. ‘બ્રાહ્મણ વિધવા’ વાર્તાનું શીર્ષક બોલકું છે, પરંતુ વાર્તા જરાય બોલકી ન બની જાય એની કાળજી લેખકે લીધી છે. વાર્તાનાયિકા મણિ પરણીને તરત જ વિધવા થઈ છે. સાસરીમાં હવે એના સિવાય સાસુ-સસરા છે. પિયરમાં એને ઓરમાન માતા છે તેથી પિતા પણ લાચાર થઈને મણિને સાસરે જ રહેવા મજબૂર કરે છે. પિયર અને સાસરીના વડીલોને યુવાન મણિ ક્યાંક આડુંઅવળું કરી ન બેસે એની ચિંતા છે. સાસુ તેને વાતે વાતે લડ્યા કરે છે અને હેરાન કરે છે. બ્રાહ્મણ પરિવારની આબરૂ જાણે કે મણિના હાથમાં છે! એના પિતા તો કહે છે, “ઉપાધ્યાના અને પંડ્યાના બેઉ કુટુંબની આબરૂ તારા હાથમાં છે હો!” જુવાન મણિને મોતી નામના જુવાન દ્વારા હૂંફ મળે છે, એક તબક્કે બંને દેહથી પણ નજીક આવી જાય છે. મોતી એને લઈને દૂર ભાગી જવા તૈયાર છે, પરંતુ મણિ એ માટે તૈયાર થતી નથી. જોકે, એના વર્તનમાં આવેલા ફેરફારથી સાસુ રાજી થઈને એમના પતિને કહે છે, “હમણાં હમણાંની તો બહુ ડાહી થઈ ગઈ છે, સામું બોલતીય નથી!” વાસ્તવમાં એનો બદલાયેલો વર્તાવ મોતી સાથેના સંબંધનું પરિણામ છે એવું સાસુ-સસરા સમજી શકતા નથી. લેખકે ખૂબીપૂર્વક વાર્તાને અટકાવી દીધી છે. ‘જીવતે જીવ બારમું’ વાર્તા મકનજીની આસપાસ ફરે છે. મકનજીના શેઠે એમને નોકરીમાંથી છૂટા થયા ત્યારે પાંચ તોલાનો ‘ગળું ભરાઈ જાય એવો’ હાર આપ્યો હતો. એ એમણે સાચવી રાખેલો. મકનજીના મિત્ર અને શુભેચ્છક લાલચંદ શેઠ માંદા પડેલા મકનજીને જીવતે જીવ બારમું કરવાની લોકોની સલાહને ટેકો આપે છે. મકનજીને આગળ-પાછળ કોઈ નથી. બીમાર મકનજી કચવાતે મને તૈયાર થાય છે. નાત અને બ્રાહ્મણોને જમાડે છે. લાલચંદ શેઠ એમનો અવસર સરસ રીતે નિપટાવી આપે છે. એ પછી મકનજીનો રોજનો ચાપાણી અને અફીણનો ખર્ચ જરા વધી જાય છે. હિસાબ કરે છે તો દેવું થોડું ચડી ગયું હોય છે! આ સ્થિતિમાં મકનજી લાલચંદ શેઠને સાથે લઈને હાર વેચવા ધરમપુર જાય છે. પરંતુ એ બેઉના આશ્ચર્ય વચ્ચે હાર અસલી નથી એવું સોની કહે છે! હવે? મકનજીને પોતાના શેઠ પરની શ્રદ્ધા અકબંધ છે. આખરે એક વખતે મરવા પડેલા પચાસ વર્ષીય મકનજી પોતાનું દેવું ભરવા વરસાદ થઈ ગયા પછી હળ જોડે છે! આમ તો પન્નાલાલની રૂઢ શૈલીની આ વાર્તા છે, પરંતુ જીવનના વ્યવહારનું દર્શન એનું જમા પાસું છે. ‘મનોમૂર્તિ’ વાર્તામાં પણ આ સિદ્ધહસ્ત વાર્તાકાર પોતાની વાર્તાકલાનો પરિચય આપે છે. વાર્તાનાયક મધુકાન્ત ચિત્રકાર તરીકે નામીચો બન્યો છે. મિત્રોની મજલિસમાં આવેલા દેસાઈ હાથ જોવામાં કુશળ છે. મધુકાન્ત પરિણીત છે, પરંતુ એની પત્નીનું આણું થયું નથી. પોતાની અભણ પત્ની પ્રત્યે એને ઝાઝો લગાવ પણ નથી, પોતે શહેરમાં રહે છે, ચિત્રકાર છે તેથી અનેક યુવતીઓ એની ચાહક પણ છે, એમાંની નંદુ સાથે તો એની ઘનિષ્ઠતા છે. નંદુની એક લાક્ષણિક તસવીર બનાવવાનું પણ એણે શરૂ કર્યું છે! આ સ્થિતિમાં દેસાઈ હાથ જોઈને કહે છે કે તમારે જે પત્ની છે એનાથી તમારું ઘર મંડાય એમ લાગતું નથી, બીજી પત્નીનો યોગ છે! આ વાતને પકડી લઈને મધુકાન્ત સાસરીમાં જઈને તડ ને ફડ કહી દઈને છૂટાછેડા લેવાનો નિર્ણય કરે છે, પરંતુ સાસરીમાં ગયા પછી પત્નીના અનાયાસે સખી સમક્ષ બોલાયેલા શબ્દો એના માનસને પલટાવી દે છે. ‘કોઈ પોતાનું છે’ એવી દૃઢ અનુભૂતિ એને ‘મનોમૂર્તિ’ નામે પત્નીનું ચિત્ર દોરવા પ્રેરે છે. લેખકે કુશળતાથી નંદુના અધૂરા ચિત્રની રેખાઓ પલટીને મધુને પત્નીનું ચિત્ર દોરતો બતાવીને ધાર્યું નિશાન પાડ્યું છે એમ કહી શકાય! ‘રોટલાનો રળનાર’ વાર્તાસંગ્રહની ઉત્તમ વાર્તાઓમાંની એક છે. સમય દુષ્કાળનો છે અને ડુંગરા પાસે વસતી ભીલપ્રજાના હાલાકીભર્યા જીવનમાં ડોકિયું છે. દશ-બાર વર્ષનો પુત્ર ભૂખને કારણે માંસના લોચા સરખો થઈ ગયો છે. એની માતા થાવરી પોતાના પતિ અળખાની રાહ જોઈ રહી છે, અળખો ખાવાનો જોગ કરી લાવવા ડુંગરે ગયો છે, પરંતુ અચાનક જ સમાચાર આવે છે કે એની પર ઝાડની ડાળીઓ પડવાથી એ મૃત્યુ પામ્યો છે! ગામના લોકો એની અંતિમક્રિયા કરે છે અને પાડોશી કાળિયો અળખાના છોકરા માટે ઘેંશ લઈ આવે છે. આમ, રોટલાનો રળનાર અળખો મરીને (એના મૃત્યુને લીધે લોકોની સહાનુભૂતિને કારણે) રોટલો ખવડાવનાર બની રહે છે. આ વાર્તામાં લેખકે બીજી વાર્તાઓની જેમ સંવાદોનો અતિરેક નથી કર્યો અને વર્ણનથી કામ લીધું છે તેથી વાર્તા નીવડી આવી છે.

૩. પારેવડાં

આ સંગ્રહની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૫૬માં થઈ હતી, જેમાં ૨૧ વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ‘સેવાનો ઉમેદવાર’ વાર્તામાં વાર્તાકથક હું - સુમંત છે, જે નરેન્દ્રની વાત કરી રહ્યો છે. ગામડાના નૈસર્ગિક અને સાદગીભર્યા જીવનથી ખૂબ જ પ્રભાવિત નરેન્દ્ર ગામડામાં સેવા કરવા માટે કૃતનિશ્ચય છે. એ સુખી અને સંપન્ન ઘરનો છે. બીજી તરફ વાર્તાકથક સુમંત પોતે ગામડાનો છે અને જીવનના સત્યને વધારે સમજેલો છે અને એટલે જ નરેન્દ્ર જ્યારે ગામડાનો અનુભવ કરે છે ત્યારે એના સેવા અને સુધારાના વિચારો વરાળ બનીને ઊડી જાય છે! વાર્તા થોડી લાંબી થઈ છે અને શરૂઆતમાં લેખકે અનાવશ્યક લંબાણ કર્યું હોય એવું જણાય છે. જોકે, પન્નાલાલની કલમના ચમકારને લીધે એ બધું સહ્ય બને છે. ‘કસ વિનાનું’ વાર્તાનો કથક એક લેખક મધુ છે. તેને એક અરસા બાદ પોતાનો મિત્ર જશુ મળી જાય છે. મધુ એને હાલચાલ પૂછે છે કે કેવું ચાલે છે? તો જશુ કહે છે કે ‘કસ વિનાનું!’ વાસ્તવમાં ‘કસ વિનાનું’ મધુ દ્વારા જશુના માટે લખવામાં આવેલી વાર્તાનું જ શીર્ષક છે! એક યુવતી લીલુને પ્રભાવિત કરવા જશુએ મિત્ર લેખક મધુ પાસે વાર્તા લખાવીને કૉલેજના મૅગેઝિનમાં છપાવેલી. એ પછી એ યુવતી જશુથી પ્રભાવિત થઈને એને પરણેલી. જોકે, લગ્નનાં આઠેક વર્ષ પછી જશુનો ભ્રમ ભાંગી ગયેલો. જશુ મિત્રલેખક સમક્ષ એકરાર કરતાં કહે છે, “એ વખતે મને શી ખબર કે તમે આ વાર્તા દ્વારા મારી આંખ ઉઘાડો છો?” લેખક એને દિલાસો દેતાં કહે છે, “યુવાની જ એવી છે જશભાઈ! એ વખતે ન તો વાર્તામાં કંઈ રહસ્ય દેખાય કે કોઈ જોવા રોકાય!” આમ, આ વાર્તા પણ પન્નાલાલ પટેલ જેને માટે વખણાયા છે એ માનવમનને જ લક્ષમાં લે છે. આ વાર્તાની બીજી વિશેષતા એ છે કે એમાં વાર્તામાં પણ વાર્તા છે! ‘નેશનલ સેવિંગ’ વાર્તામાં શાસન અને પ્રજાની જ વાત છે. ગરીબ પ્રજાને બળજબરીથી રાષ્ટ્રીય બચતપત્રો આપવાની લોભામણી ઓફરની ભીતર જરાય સદ્‌ભાવ નથી. ગરીબ લોકો આમતેમ ઉછી-ઉધારાં કરીને નેશનલ સેવિંગ સર્ટિર્ફીકેટ મેળવે તો છે પરંતુ એ કાગળિયાં સાચવવાં ક્યાં એ સમસ્યા સૌને મૂંઝવે છે. એમાં રાવજી પોતાનું સર્ટિર્ શેઠને ત્યાં વેચીને ઓછીવત્તી રોકડી કરી લે છે અને એમ માને છે કે પોતે બુદ્ધિનું કામ કર્યું છે! ત્યારે તંત્ર દ્વારા સામાન્ય માનવીના ઉત્થાન માટે કરાતા પ્રયાસો કેટલા તો હવાઈ હોય છે એનો પરિચય મળે છે. ‘અજબ માનવી’ વાર્તાની શરૂઆત ફળિયાની એક કૂતરીને પકડવાની ઘટનાથી થાય છે. કૂતરીથી સૌ ત્રાસેલું છે એટલે કેશરમા ઘંટી ટંકાવવાની લાલચ આપીને એક વાઘરીને બોલાવે છે. શરૂઆતમાં સપાટી પરનું સાદુંસીધું વર્ણન આવે છે, પરંતુ કુશળ લેખક જે પાત્રને એમાં સંડોવવા માગે છે એ દાદુ ડોસાના નામથી જ વાર્તા શરૂ કરે છે! થોડાંક વર્ષો પહેલાં પોતે પત્નીને કહો કે, વેચી દેનાર દાદુ ડોસાને એ ઘટના યાદ આવે છે. એ વખતે તેની પત્નીએ કહેલું, “અરેરે ભૂંડા! એટલો તો વિચાર કર કે જઉં જઉં કરતાંય મેં તારી સાથે કેટલાં વરસ...” પરંતુ ત્યારે દાદુએ દયા ખાધી નહોતી. વર્તમાનમાં કૂતરીની હાલત જોઈને દાદુ વાઘરી પાસેથી કૂતરીને છોડાવી લાવે છે અને જાણે પ્રાયશ્ચિત્તનો પ્રયાસ કરે છે. ‘નકટાં’માં સમાજના તળિયાના વર્ગનાં પાત્રો છે. રઘો અને માલી પીંછાં વીણીને એને ગૂંથીને મેળામાં વેચીને ગુજરાન ચલાવે છે. વચ્ચે વચ્ચે છૂટક મજૂરી પણ કરી લે છે. રઘો નાના પટેલે આપેલા પૈસાથી પરણી શકેલો એટલે નાનાલાલ મુખીને એ બહુ માન આપે છે. મેળામાં જવાનું હતું એ જ દિવસે તમાકુમાં નિંદામણનું કામ હોવાથી નાના મુખી રઘાને પોતાના ખેતરે આવવા આગ્રહ કરે છે. મુખીનો ઉપકાર યાદ રાખીને રઘો માલીને મોકલે છે, પરંતુ મુખીની દાનત સારી નથી. તેઓ માલીને ખાવાનું આપતી વખતે અડપલાં કરે છે. ખાવામાં બીજી વસ્તુ સાથે અથાણાની ચીરી પણ હોય છે! ગુસ્સે થયેલી માલી ઘરે આવતી રહે છે, પરંતુ પતિને કશું કહેતી નથી. મુખી જ્યારે રઘાને મળે છે ત્યારે ધમકાવે છે, જવાબમાં રઘા અને માલી વચ્ચે ઝઘડો થાય છે. રઘો પત્નીને કાઢી મૂકે છે. બંનેને એકબીજા માટે ઘણો જ પ્રેમ છે, પરંતુ પહેલ કોણ કરે? મુખીની વાતોમાં આવી ગયેલો રઘો બીજું બૈરું પણ કરે છે, જોકે, અંદરથી એ માલીને જરાય ભૂલ્યો નથી. આ તરફ માલીને એના કાકા નાતરું કરવા બહુ સમજાવે છે પણ તે એ માટે તૈયાર થતી નથી. એક વાર જમવા બેઠેલો રઘો નવી પત્નીને પૂછે છે કે આ અથાણું ક્યાંથી લાવી? તો એ જવાબ આપે છે કે નાનાકાકાને ત્યાંથી! કાકી તો એક ચીરી જ આપતાં હતાં પણ મુખીએ આખો દડિયો ભરી આપ્યો! આ વાતથી રઘો છંછેડાય છે. લેખકે બહુ સૂક્ષ્મતાથી આ વાત મૂકી છે. રઘાને માલીની યાદ સતાવતી રહે છે. આખરે માલી મેળામાં રઘો મળશે એવી આશાએ જાય છે. રઘો ખરેખર મળે છે અને એને પાછી પોતાને ઘેર લઈ આવે છે ત્યારે આ જાણીને મુખી કહે છે આ લોક તો નકટું! વાસ્તવમાં લેખકને જે ઇંગિત છે તે તો એ છે કે નકટો તો મુખી છે! ‘પ્રેમપત્ર’ વાર્તા લેખકે એકદમ હળવી રીતે આગળ ધપાવી છે. એમાં મુખ્યત્વે નારીપાત્રો છે. હોસ્ટેલમાં રહીને ભણતી યુવતીઓને વર્ષ દરમ્યાન મળેલા પ્રેમપત્રો સિસ્ટરે એક પેટીમાં મૂકી રાખ્યા છે. વેકેશનમાં ઘરે જતાં પહેલાં એ પ્રેમપત્રો પાછા મેળવવાની એમની તાક છે, બીજી તરફ સિસ્ટરની માનીતી પદ્માને કોઈ જ પ્રેમપત્ર આવતો નથી, કારણ કે એને કોઈ પ્રેમ કરતું નથી. પદ્માને વિશ્વાસમાં લેવા યુવતીઓ એક કારસો રચે છે. પદ્માને નામે- સરનામે આ યુવતીઓ જ પ્રેમપત્ર લખે છે. પદ્મા જાણે છે કે એને કોઈ પત્ર લખતું નથી છતાં એ ભ્રમ બનાવી રાખે છે! સાવ સાદીસીધી અને હળવી શૈલીમાં લખાયેલી આ વાર્તા મનોવૈજ્ઞાનિક પરિમાણ પ્રાપ્ત કરે છે. નારીના મનને ઉજાગર કરવામાં પન્નાલાલનો જોટો જડે એમ નથી એમ કહી શકાય. ‘સરભર હિસાબ’ વાર્તામાં આધેડ વયના નેમીદાસ ત્રીજી વારનાં લગ્ન પછી પણ વિધુર બને છે, હવે ચોથી વાર પરણવા તેઓ રાજી નથી, પરંતુ તેમના હિતેચ્છુઓ તેમને એમ કરવા રાજી કરે છે. એ પછી નાતના સુધારાવાદી યુવાનો નેમીદાસને આ લગ્ન ન કરવા સમજાવવા આવે છે. લેખકે અહીં એ સંવાદ વિગતે લખ્યો છે, પરંતુ વાર્તાની જરૂરિયાત હોઈને આગંતુક બનતો નથી. ‘આધેડ નેમીદાસે લગ્ન ન કરવાં જોઈએ’ એવી યુવાનોની સલાહ સામે નેમીદાસ પોતાના વ્યવહારુ તર્ક આપે છે અને સૌને નિરુત્તર કરે છે એટલું જ નહીં, નેમીદાસનાં લગ્ન પછી મૅગેઝિન માટે ફાળો ઉઘરાવવા આવેલા એ જ યુવાનો નેમીદાસનું સુલોચના સાથેનું સફળ દામ્પત્ય જોઈને સુખદ આશ્ચર્ય અનુભવે છે. એમના મતે નેમીદાસ દસકો નાના થઈ ગયા છે તો સુલોચના દશ વર્ષ મોટાં થઈ ગયાં છે એટલે ‘સરભર હિસાબ થઈ ગયો છે!’ ‘ફરાળી ઘંટી’ વાર્તાનો મુદ્દો તો જાતીયતાનો જ છે. “ગામમાં ભગત તરીકે ઓળખાતા મંગળ ડોસાને ‘ફરાળી ઘંટી’ ચાલુ કરવાનો વિચાર કેમ આવ્યો હશે?” એવા વાર્તાકથકના કોયડાનો જવાબ પત્ની પાસેથી જ મળી જાય છે! વાર્તાકથકની પત્ની શિંગોડાં દળાવવા એમને ત્યાં જાય છે અને વીફરેલી વાઘણની જેમ પાછી આવે છે ત્યારે એને સમજાય છે કે ડોસાએ સ્ત્રીઓના સંપર્કમાં રહી શકાય એ માટે જ આ ઘંટી ચાલુ કરી છે! વાર્તામાં સંકુલતા છે જે ઘણા જ અન્ડર ટોનમાં વ્યક્ત થઈ છે. ‘બાપુનો કૂતરો’ વાર્તા શાસકના માનસ અને પ્રજાના માનસને એકસાથે મૂકી આપે છે. ગામમાં બાપુના આગમનની અસરોનું વર્ણન લેખકે ઝીણવટથી કર્યું છે. વિદેશથી આવેલા બાપુ સાથે એક કૂતરો પણ લાવ્યા છે જે ગામલોકો માટે ‘જોણું’ બની રહ્યો છે. કૂતરો બાપુ કરતાં પણ વધુ આકર્ષણનું કેન્દ્ર બનીને રહ્યો છે. પ્રજામાં શાસકની ખુશામત કેવી ઘર કરી ગઈ હોય છે એનો ચિતાર પણ અહીં મળે છે તેમ શાસનકર્તાઓના દંભ અને આછકલાઈ પણ અહીં અભિવ્યક્તિ પામ્યાં છે. વિલાયતી કૂતરો દેશી કૂતરાં સામે ટક્કર લેવા તો જાય છે પરંતુ મૃત્યુ પામે છે જેથી બાપુનો રોષ દેશી કૂતરા પર ઊતરી આવે છે. બાપુના કૂતરાને કફન તરીકે ઓઢાડવા એક ગરીબ માણસની પછેડી જેને પહેલાં ગંદી ગણીને મજાક ઉડાવવામાં આવી હતી એ કામ લાગે છે. કોઈ કોઈને એવો ભય છે કે કૂતરાના મૃત્યુને લીધે બાપુ એની કિંમત ૫૦૦ રૂપિયા ગામ પર ફાળવશે! બાપુનો રસાલો પાછો રવાના થાય છે ત્યારે સૌ રાહત અનુભવે છે. ‘પખાલીને ડામ’ વાર્તા પન્નાલાલ પટેલની જેમાં હથોટી છે એ ગ્રામકેન્દ્રી વિષયની નથી, પરંતુ લેખક જે મનોવૈજ્ઞાનિક રીતે પાત્રોને અભિવ્યક્ત કરવામાં કુશળતા ધરાવે છે એ તો આ વાર્તામાં છે જે સુનીતા-નટવર સુખી અને સમૃદ્ધ પરિવારનું દંપતી છે. સુનીતાને કોઈ એવી બીમારી છે જેનું નિદાન સારા સારા ડૉક્ટર કરી શક્યા નથી. એક ડૉક્ટર નટવરનો ખાસ મિત્ર છે. તે સુનીતાને સાજી કરવા જુદો જ ખેલ રચે છે. સાજેસાજા નટવરને તે અચાનક જ બીમાર પડવાનો અભિનય કરવા કહે છે અને પોતાની ક્લિનિકમાં દાખલ કરી દે છે. આ આખેઆખી યોજનાથી સુનીતા અજાણ છે. પતિ ગંભીર રીતે બીમાર છે તે જાણ્યા પછી સુનીતા ચપળતા અને જુસ્સા સાથે એની સરભરામાં લાગી જાય છે. એનું પોતાનું દર્દ ભૂલી જ જાય છે. અને ઘીના ઠામમાં ઘી પડે છે. ડૉક્ટરમિત્રના મતે સુનીતાની બીમારીનું ખરું કારણ નટવર હતો. સુનીતાની સહજતાને નટવરે વધારે પડતી કાળજી લઈને ખોરવી નાખી હતી. એને પોતાની રીતે જીવવા દીધી નહોતી. આમ, સુનીતાના કેસનો મનોવૈજ્ઞાનિક ઉકેલ ડૉક્ટર લાવે છે. ‘રાહતવેરો’ વાર્તા કોઈને વાર્તા બનતી ન પણ લાગે, પરંતુ એનું કથન વર્ણન જોતાં તે વાર્તા નથી એમ પણ કહી શકાય એમ નથી. વાત હિમ પડવાથી પાક બગડવાને લગતી છે. એ વર્ષનું મહેસૂલ માફ થાય એ માટે કમિટી રચાય છે. લેખકે ઘરડેરા, આધેડ અને નવલોહિયા એમ ત્રણેય વર્ગની અભિવ્યક્તિ રજૂ કરી છે. ‘રાજ વર્ષોથી જે કરતું આવ્યું છે એ જ કરશે’ -- એવો વૃદ્ધોનો મત સાચો જ પડે છે. વાર્તામાં કોઈ ચોક્કસ પાત્રો નથી, આખા વર્ગનો જ ઉલ્લેખ છે તેથી પન્નાલાલની બીજી વાર્તાઓની કલાત્મક સંકુલતા અહીં નથી, વાર્તા સપાટ બયાન બનીને રહી જાય છે. ‘ઢાફો અફીણી’ વાર્તાનો લોકાલ પણ ગ્રામજીવનનો છે. ઢાફાનું ચરિત્ર લેખકે ખૂબ જ ઝીણવટથી વર્ણવ્યું છે. એ જરા અલગારી છે અને અફીણ જ એનું જીવન છે તેથી સૌ એને ઢાફો અફીણી કહીને જ બોલાવે છે. અફીણ મેળવવાની તકલીફ પડે છે એ સમયે ઢાફો ધૂણવા લાગે છે અને એની અંદર માતાનો પ્રવેશ થયો છે એવું લોકોના મનમાં ઠસાવવામાં સફળ બને છે. એટલે તો એ મનોમન બોલે છે, “વાહ રે ઢાફા, વાહ! આ મનવરો સાથે એફણ અને ઉપરથી પાછાં શીરા-કંસારનાં જમણ! માન જુઓ તો નાના ગામના ઠાકોર જેટલું!’ લેખકે ધૂણી રહેલા ઢાફાનું વર્ણન પ્રતીતિકર કર્યું છે. ‘એન્જીશન’ વાર્તા વાંચતાં પમાય છે કે પન્નાલાલે ગ્રામીણ સમાજને કેટલો નિકટથી જોયો છે! મનુષ્યના મનને કેટલી ઝીણવટથી વાંચ્યું છે! વાત તો સામાન્ય છે, કાબરો નામનો એક વહોરો એના મરણતોલ ટટ્ટુ પર બેસીને ઉદાને ત્યાં વેચેલા તપેલાની ઉઘરાણીએ આવે છે. ઉદો બીમાર છે અને દવા પાછળ ધૂમ ખર્ચ કરી ચૂક્યો છે. હવે એને શહેરના ડૉક્ટર પાસે ‘એન્જીશન’ લેવાથી જ મટશે એવી આશા છે. જેનો ખર્ચ દશ રૂપિયા છે. કાબરો આવ્યો છે ત્યારે ઉદાની પત્ની ઘરે નથી. તપેલાનો બધો વ્યવહાર કાબરાએ એની સાથે કર્યો છે એટલે કાબરો ઉદા પાસે બેસીને રાહ જોઈ રહ્યો છે. ઉદો પોતાનું દુઃખ કાબરા પાસે ગાય છે. કાબરો વહેવારિક રીતે એની વાત સાંભળે છે. એને પોતાના પાંચ રૂપિયામાં રસ છે. ઉદો કાબરાને થોડોઝાઝો ભીંજવે છે તેથી જ કાબરો એને કહે છે કે ડૉક્ટરને ત્યાં મારું નામ આપજે કે કાબરાનો ઘરાક છું. એટલામાં ઉદાની પત્ની આવે છે. કાબરો એની પાસે પૈસા માગે છે ત્યારે એ કાબરાને ઘરના અંદરના ભાગમાં બોલાવીને કંઈક કહેવા માગે છે! કાબરાના આશ્ચર્ય વચ્ચે એનું કહેવું એ છે કે તમે ઉદાને એમ કહો કે ‘એન્જીશન’નો કોઈ લાભ નથી! આ આખી પરિસ્થિતિ કાબરાની અંદર જે પરિવર્તન આણે છે એ જરાય આદર્શવાદી નથી, સહજ અને મનોવૈજ્ઞાનિક છે! ઉઘરાણી બાબતે જે ઘણો જ કુખ્યાત હતો એ કાબરો સામે ચાલીને ઉદાને ‘એન્જીશન’ અપાવવા લઈ જાય છે! ‘આંટીઘૂંટી’ વાર્તામાં દોલી અને બદો ગોળ-સમાજની સામે પડીને લગ્ન કરે છે, બે સંતાનનાં મા-બાપ બને છે, પરંતુ બદો જીવલેણ બીમારીનો ભોગ બને છે. મરતાં પહેલાં પત્ની પાસેથી વચન લે છે કે તું નાતરું કરજે, કેમ કે આખો સંસાર આપણી વિરોધમાં છે, લોક તને જીવવા નહિ દે! “પતિના મૃત્યુના એકાદ વર્ષ પછી દોલી એક આધેડ સાથે પુનર્લગ્ન કરે છે. ત્યારે સૌને અચરજ એ છે કે આખા ગોળની સામે પડીને જેની સાથે પરણી હતી એના મરણ પછી તરત બીજા સાથે ઘર માંડ્યું! પણ ખરી હકીકત તો દોલીને જ ખબર છે! દોલી લોકોને જે જવાબ આપતી એ ઘણો જ માર્મિક છે,” તમારે તો મરનારની દયા જ ખાવી છે ને મારે તો એની જીવતી થાપણ ઉછેરવી છે, ને તે તમારા કોઈની ઓછિયાળ વેઠ્યા વગર, એની ક્યાં તમને કશી ખબર છે? આમ, દોલીના મૂઠી ઊંચેરા વ્યક્તિત્વનો પરિચય મળે છે. ‘ખૂનીનું ખૂન’ વાર્તામાં મુખ્ય ત્રણ પાત્રો છે, છબીલી, એનો પતિ બાલુ અને એ બેઉથી ખારે બળતો ભારુ. ભારુ હંમેશાં બાલુને ‘બાયલો’ કહીને સંબોધે છે. એને બાલુ છબીલી જેવી પત્ની લાવ્યો એની ઈર્ષ્યા છે. “એક દિવસ હું બાલુનું ખૂન કરી નાખીશ” એવી ધમકી એ રોજ આપ્યા કરે છે. છબીલી અને ખાસ તો બાલુ આનાથી કંટાળ્યાં છે. એ પછી મેળામાં છબીલી એકલી જાય છે. એટલું જ નહિ, ત્યાં જે ગાણું ગાય છે એ ભારુને ઉશ્કેરે છે. ભારુ છબીલીને મારી નાખવા આગળ વધે છે ત્યાં તો બાલુ ભારુ પર તલવાર ચલાવી દે છે. વાર્તામાં સંકુલતા છે અને માનવમનને તાગવાનો પ્રયાસ છે. ‘વલણ’ વાર્તામાં અલકકિશોરને પત્ની અને બાળકો છે, લગ્નજીવનનાં થોડાં વર્ષ પછી મુંબઈમાં એક યુવતીને રાખી છે. અલકકિશોરને શેરબજારમાં ભારે નુકસાન વેઠવાની સ્થિતિ આવે છે ત્યારે એ યુવતી જ પોતાની પાસેની બચત અને ખાસ તો ઝવેરાત આપીને એને સંકટમાંથી મુક્ત કરાવે છે ત્યારે એ એની રખાતને બદલે પ્રેમપત્ની બનીને રહે છે અને એટલે જ અલકકિશોર અંતમાં એને કહે છે, “કાલથી મારું જમવાનું પણ અહીં જ કરજે!” કહીને એને પ્રેમપત્ની તરીકે સહજપણે સ્વીકારે છે. ખરું તો એ છે કે ગણિકાપુત્રીને પતિની ઝંખના અલકકિશોરમાં પૂર્ણ થાય છે. વાર્તા વિષયની રીતે જુદી પડે છે અને સમાજના એક એવા ખૂણા તરફ બત્તી ફેંકે છે જ્યાં ભાગ્યે જ જોવામાં આવ્યું હોય! ‘ભાવનાનું ભૂત’નો વિષય અલબત્ત, સાહિત્ય જગત છે. જાણીતા લેખક સોહનીસાહેબ કોઈ સામયિકના દીપોત્સવી અંક માટે વાર્તા લખવા બેસે છે, અને ઊંઘમાં સરી પડે છે ત્યારે એમને સ્વપ્ન સ્વરૂપે કશુંક સ્ફુરે છે. જેમાં કોઈ યુવતીને પોતે બે સંતાનના આધેડની કોટે વળગાડી હતી એ યુવતી જાણે એમને આવીને ફરિયાદ કરતી હોય એવું ભાસે છે. વાસ્તવમાં એ સોહનીસાહેબ દ્વારા યુવતીને ‘ભાવના’ને નામે છેતરવામાં જ આવી હતી. અહીં પોતાનો એ અપરાધ ભૂલીને વાર્તા લખવા શૂરા થયેલા સોહનીસાહેબ વાચકને ભાવનાહીન અને સ્વાર્થી અનુભવાય છે. ‘રહેણીકરણી’ વાર્તા છેક સુધી જકડી રાખે છે. શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો રેવાશંકર વેકેશન પછી આવ્યો છે ત્યારનો સ્ટાફમિત્રોને જુદો લાગે છે. એની આખી ‘રહેણીકરણી’ બદલાઈ ગઈ છે. એ દરરોજ ટપાલની રાહ જોઈ રહ્યો છે. સહકર્મીઓ એનું પેટ જાણવાનું કામ તીભુને સોંપે છે. રેવાશંકર તીભુનામાં વિશ્વાસ મૂકીને પોતે મિત્રને ત્યાં મુંબઈ ગયો હતો એની વિગતે વાત માંડે છે. લેખકે એ આખું જ વર્ણન સરસ રીતે કર્યું છે. દિલીપની બહેન મીના રેવાશંકરને ગમી ગઈ છે. આખો મહિનો એ રેવાશંકરની કાળજી લે છે. રેવાશંકર એમ જ માને છે કે મીના એના પ્રેમમાં છે. દુકાનમાંથી ગરમ સ્વેટર ખરીદી રહેલા રેવાશંકરને અટકાવીને ‘હું તારે માટે સ્વેટર ગૂંથીને તને પાર્સલ કરીશ’ એવું મીના વચન આપે છે. આથી રેવાશંકર દૃઢપણે માનવા લાગે છે કે મીના એને પસંદ કરે છે. આખરે મીના દ્વિવેદીનું પાર્સલ આવે છે અને એમાં સ્વેટર પણ હોય છે, સાથેના કવરમાં મીનાના લગ્નની કંકોતરી પણ હોય છે! અને એમાં રેવાશંકરને પધારવાનું આમંત્રણ પણ હોય છે! અહીં ‘રહેણીકરણી’ શીર્ષકના એકાધિક અર્થ વાર્તાને અસરકારક બનાવે છે. ‘દિલનાં દર્પણ’ વાર્તા પતિ-પત્નીનાં રિસામણાં-મનામણાંની કથા છે, જેમાં લેખકે પત્રની ટેક્‌નિકનો જે ઉપયોગ કર્યો છે એ ઘણો જ રોચક બની રહે છે. પતિ સાથેની ચણભણ પછી રિસાઈને પિયર જવાને બદલે દૂરદરાજના ગામે રહેતી ચંપા લોકોની કાનાફૂસીથી ત્રાસીને પોતે જ કુબેર (પતિનું નામ) હોય એ રીતે પોતાને (એટલે કે ચંપાને) પત્ર લખાવે છે! પોતે નિરક્ષર હોવાથી એ નજીકની પોસ્ટઑફિસના ટપાલી પાસે આ પત્ર લખાવે છે. એ પત્ર નવો ટપાલી થઈને આવેલો કુબેર જ ચંપા પાસે લઈને આવે છે! અને ચંપા જ્યારે એની પાસે જ ટપાલ વંચાવે છે ત્યારે ચમત્કાર સર્જાય છે! વાર્તા એવી અસામાન્ય નથી, પરંતુ પન્નાલાલ પટેલની સર્જક તરીકેની કુશળતા વાર્તાને પાર ઉતારે છે! ‘ગટુકાકા’ વાર્તા એક ચરિત્રકથા બની જાય એમ હતું પરંતુ કુશળ લેખક એને વાર્તાનું સ્વરૂપ આપવામાં સફળ થયા છે. હૉસ્પિટલમાં દાખલ થયેલા ગટુકાકાને જે પલંગ ફાળવવામાં આવે છે, એ અપશુકનિયાળ છે, કેમ કે એ પલંગ પર થોડાક જ સમયગાળામાં બે દર્દીનાં મરણ થયાં હોય છે. જોકે, ગટુકાકાનું વ્યક્તિત્વ અદ્‌ભુત છે. તેઓ પોતાની પ્રસન્નતા થકી સૌને પ્રભાવિત કરે છે અને પોતાનું આરોગ્ય સુધારવામાં સફળ થાય છે. ડૉકટરો પણ એમના સ્વભાવથી ખુશ થઈને એમની પ્રશંસા કરે છે. સંગ્રહને જે વાર્તાનું નામ મળ્યું છે તે વાર્તા ‘પારેવડાં’ વાર્તામાં યૌવનથી સભર બે યુવતીઓ કે જે એકબીજાની સખીઓ છે તે પરણીને એક જ ઘરે જાય છે, પરંતુ સાસરીમાં એમની સહજતા અને ઉન્માદ અવરોધાય છે. બંને સખીઓ ત્યાંથી મુક્તિ ઝંખે છે. લેખકે ખેતરમાંના કૂવામાંનાં પારેવાંનો પણ પ્રતીક તરીકે ઉપયોગ કર્યો છે. નાની સખી – જે દેરાણી છે તેને ગામના એક અલ્લડ યુવક સાથે આંખ મળી ગઈ છે. તે ભાગવા વિચારે છે. જોકે, જેઠાણી છે તે સખીનો તર્ક એ છે કે ‘જોબનિયું કાલે જાતું રે’શે!’ એ પંક્તિને આધીન ચાલે છે, આ લોકગીતનો બહુ ખૂબીપૂર્વક ઉપયોગ કરવામાં લેખક સફળ થયા છે. એક રાતે નાની (દેરાણી) પોતાના મનના માનેલા સાથે ભાગી જાય છે, મોટી એ બંને ઓળાને અંધારામાં જતા જોઈ રહે છે ત્યારે એના મનની ગતિવિધિનું સૂક્ષ્મ વર્ણન લેખકે કરીને કલાનાં ઊંચાં શિખર સર કરી બતાવ્યાં છે. આમ, ‘પારેવડાં’ વાર્તાસંગ્રહની વાર્તાઓ વાર્તાકાર પન્નાલાલ પટેલની વાર્તાકલાની સૂઝનો પરિચય આપે છે.

૪. ઓરતા

‘ઓરતા’ વાર્તાસંગ્રહ ૧૯૫૪માં પ્રકાશિત થયો હતો. તેમાં ૧૭ વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. સંગ્રહને જેનું નામ મળ્યું છે તે ‘ઓરતા’ વાર્તા લાંબી ટૂંકી વાર્તા છે, જે ૨૫ પૃષ્ઠોમાં વિસ્તરેલી છે. ‘ઓરતા’ની નાયિકા પાનુ છે જે ગુણિયલ, સ્વરૂપવાન ને થોડીક અલ્લડ પણ છે. એનામાં જે સ્ત્રી તરીકેની સહજતા અને ઊર્જા છે તેને લીધે જ સાસરીમાં બે વાર એને શોષાવું પડે છે અને માર ખાવો પડે છે. બીજી વાર તો એ રિસાઈને પિયરમાં જ રહે છે. એ થોડુંઘણું લખી-વાંચી જાણે છે. ગામના જ બલકે ફળિયાના યુવાન ભલાની પત્નીને એ જ પત્ર લખી આપે છે. એક વાર ખેતરમાં ભાઈના દફતરમાંથી કાગળ ને પેન્સિલ લઈને એ પોતાનું હૈયું સહજ રીતે ખોલે છે, જેમાં એ સંબોધન ‘વહાલાજી’ એવું કરે છે! એકદમ રમત રમતમાં (અને આ રમતિયાળપણું એનામાં જન્મજાત છે. શરૂઆતમાં જ છોકરા સાથે ગેડીદડો રમતી કે દિયરની ચોપડીમાંથી ગરબી વાંચતી પાનુમાં એ દેખાય છે.) એ પોતાનું આ લખાણ ભલાભાઈને લખેલા પત્રમાં ભેગું બીડે છે તો ભલો પાનુનો મારા પ્રત્યે ભાવ છે એમ માનીને દોડ્યો આવે છે અને ત્યારે પાનુ હસીને કહે છે કે હું તો મશ્કરી કરતી હતી! પેલો યુવક એને ‘રોલી’ જ ગણી કાઢે છે, પણ એને પાનુ માટે આદર તો છે જ! અને એટલે જ એ પાછા વળતી વખતે પાનુની સાસરીમાં જઈને એના પતિ ગગલ અને સાસુને પાનુ અંગે સારો અભિપ્રાય આપીને ‘તેડી’ લાવવા ભલામણ કરે છે. એ પછી પસ્તાઈ રહેલો ગગલ એક વડીલને સાથે લઈને પાનુને તેડવા જાય છે. અંતે ઘીના ઠામમાં ઘી પડે છે. બહાર દેખાતી પાનુ અને અંદરની પાનુ બંને એક છે છતાં જુદી છે! પાનુએ રમત ખાતર લખેલા પત્રમાંથી પાનુના ઓરતાથી પરિચિત થવાય છે. ‘ઓરતા’ વાર્તાની પાનુ ગુજરાતી ટૂંકી વાર્તાસાહિત્યનું ચિરંજીવ પાત્ર બની રહી છે. સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ સંબંધોના તાણાવાણા સંકુલતા સાથે ગૂંથતા વાર્તાકાર પન્નાલાલ પટેલે કેટલીક વાર્તાઓ સામાજિક-આર્થિક અને રાજકીય સમસ્યાઓની પણ લખી છે. એ તરફ વાચકો-વિવેચકોનું ઓછું જ ધ્યાન ગયું છે. આવી જ એક વાર્તા ‘ઘરનો નંબર’ છે. વસ્તી- ગણતરીના કામથી આવેલો પટવારી આઝાદી પછી બદલાયેલ પરિસ્થિતિથી નિરાશ અને નારાજ છે, કેમ કે લોકો હવે પહેલાંની જેમ ન તો આદર આપે છે કે દબાયેલા રહે છે! એને ઝડપથી કામ પૂરું કરવું છે એટલે તે ગામેતીને ત્યાં બેસીને પટાવાળાને લોકોને બોલાવવા મોકલે છે. પટવારીને એમ છે કે ઘાસની સાંઠીઓથી બનેલાં ઝૂંપડાંને વળી નમ્બર ક્યાંથી હશે? પરંતુ એની એ ધારણા પણ ખોટી પડે છે! હવે પ્રજા તો ભણેલી નથી એટલે દરેક ઘરે નંબર જોવા તો જવું જ પડવાનું! આ વાતે પટવારીના મોતિયા મરી જાય છે. વળી, પહેલાં આવતા ત્યારે કૂકડી-મરઘીની જ્યાફત થતી એવી હવે નહિ થાય એ વાતનું પણ એને દુઃખ છે, પરંતુ ગામેતી ઠંડે કલેજે કહે છે કે નવાં ઝૂંપડાંવાળાંને નંબર પડાવી આપશો તો એય થઈ પડશે! વાર્તા એકસાથે ઘણુંબધું કહી જાય છે અને જરા પણ બોલકી બન્યા વગર આગળ ચાલે છે. લોકોનું માનસ અને અમલદારોની રુગ્ણ માનસિકતા અહીં સરસ રીતે શબ્દાંકિત થયાં છે. ‘પીઠીનું પડીકું’ લેખકની શ્રેષ્ઠ વાર્તાઓ પૈકીની એક વાર્તા છે. આમ તો એ એક પ્રેમકથા છે. કેવા સંજોગોમાં લખમણ કીકીને મળે છે અને બેઉ એકબીજાને લગ્નના કોલ આપી બેસે છે, એમાં કેવી કેવી અડચણ આવે છે, કીકીને ‘પીઠીનું પડીકું’ મોકલવા લખમણ કેવું દુઃસાહસ કરે છે અને એમાં કેવો ફસાય છે એની વાત એ ન્યાયાધીશ સામે ખુદ માંડે છે. અને એ એટલી તો રસપ્રદ છે કે પન્નાલાલ એક સામાન્ય કથાનકને પણ મલાવી મલાવીને કેવું રસપ્રદ બનાવી મૂકે છે એનો જીવંત દાખલો આ વાર્તા છે. અંતમાં ચમત્કાર થતો ન બતાવીને લેખકે વાર્તા બચાવી લીધી છે, પરંતુ લખમણની કહાણી સાંભળીને ભાવુક થઈ ગયેલા જમાદાર હિન્દીમાં જે કંઈ બોલે છે એ વાર્તાને ઓર સુંદર બનાવી મૂકે છે. ‘નવો નુસખો’ વાર્તામાં છપ્પનિયા પછીના એક દુષ્કાળની વાત છે, રાહતકામ ચાલુ થયાં છે, એવામાં ગામનો જ એક યુવાન અરજણ લોહી વેચીને બસો રૂપિયા જેવી માતબર રકમ ઊભી કરે છે. એનો આ નવો નુસખો પહેલાં તો લોકોની ટીકાને પાત્ર જ બને છે. એમાંય એના કુટુંબી કાકા ઉદાકાકા તો ભારે વસવસો કરતાં કહે છે કે કણબીનો છોકરો લોહી વેચે? અરજણની પત્ની પણ લોકોની આ ટીકાઓથી ડરી જાય છે. પોતાના પતિનું આયુષ્ય ઘટી જશે એવો પણ એને ભય છે. એને તો ઉદાકાકા પણ બે બાજુ બોલતા હોય એવું લાગે છે! જોકે, દવાખાનેથી ઘરે આવેલો અરજણ આખી બાજી સંભાળી લે છે. એ આખી વાત જ એ રીતે મૂકે છે કે લોકો એના પગલાને સમર્થન આપવા લાગે છે! અને પછી તો ગામના અનેક લોકો આ ‘નવો નુસખો’ અજમાવવા તૈયાર થઈ જાય છે, કેમ કે ગામમાં દરેકને આર્થિક સંકડામણ છે. તે એટલે સુધી કે ખુદ ઉદાકાકા પણ અરજણને બોલાવીને આ દિશામાં કંઈક કરવા ભલામણ કરે છે. બીજી પા અરજણને જે સમસ્યા છે તે એ છે કે તે આ ભલાભોળા માણસોને કઈ રીતે સમજાવે કે લોહી આપવું તે એટલો સરળ મામલો નથી. એક તો જેવું જોઈએ છે એવું લોહી હોવું, બીજું આપનારની એટલી ક્ષમતા હોવી, ત્રીજું લેનાર બધા કંઈ પૈસા આપી જ શકે એવા ન પણ હોય!.. પરંતુ એ સૌને “હા.. હા.. કંઈક કરીશ!” એવો સંતોષકારક ઉત્તર વાળે છે! સ્ત્રી-પુરુષના દામ્પત્યની સંકુલ સમસ્યાઓનું નિરૂપણ પણ પન્નાલાલ પટેલનો ગમતો વિષય છે. ‘પાનનું બીડું’ વાર્તા એ પ્રકારની છે. વાત તો દિવાળી અને એના પતિ ભવનની છે, પરંતુ કદાચ એ હરેક પતિ-પત્નીની બની રહે છે. દિવાળી અને ભવન વચ્ચેનું લગ્નજીવન રગશિયા ગાડા જેમ ચાલી રહ્યું છે, રઘડા-ઝઘડા અને ગાળાગાળી એમને માટે સહજ છે, પરંતુ એક દિવસ મોટા ગામથી પતિ માટે પાનનું બીડું અને સિગારેટ ખરીદે છે એ સાથે જ પોતાના દામ્પત્યને મધુર બનાવવાની એની મથામણનો આરમ્ભ થાય છે. કેમ કે, ભવનને પાનનું બીડું અને સિગારેટ ગમતી ચીજો છે! ભવન માટે પત્નીમાં આવેલો આ બદલાવ આશ્ચર્યજનક છે! રાત્રે પતિ-પત્ની મધુર પળો માણી રહે છે. ‘પાનનું બીડું’ અહીં પ્રતીક બનીને ઊભરી આવે છે. ‘જાત કજાત’ વાર્તામાં ગર્ભવતી થયેલી બ્રાહ્મણ વિધવાની વાત છે, જેમાં ઘરના સ્વજન સમા ભીલ જાતિના કાકા પ્રથમ તો વિધવાનાં ભાઈ-ભાભીને મદદ કરવા કાશી લઈને જાય છે, ત્યાં સંતાનનો જન્મ થયા પછી ગંગામાં વહાવી દઈને પાછાં આવીશું એવો વિશ્વાસ આપીને ગયેલા કાકા તો વિધવાના પેટમાં જે પુરુષનું બાળક હતું એ પુરુષ સાથે જ વિધવાવિવાહ કરાવે છે ત્યારે ગોર-ગોરાણી કાકા પર રોષ કરીને એની નીચી જાતને લીધે આમ કર્યું એવું કહે છે ત્યારે ખરેખર તો ખુદ એમની જ જાત(પ્રકૃતિ, સ્વભાવ અથવા વૃત્તિ) નીચી સિદ્ધ થાય છે! પોતાના યુગની અંધશ્રદ્ધા અને કુરૂઢિઓને વિષય બનાવીને લખતા વાર્તાકાર સહજતાથી પોતાનો માનવધર્મ પ્રગટ કરતા અનુભવાય છે. ‘સાધના’ વાર્તામાં લેખકે સાધના નામની યુવતીના વરણીના પ્રશ્નને કલાત્મકતાથી નિરૂપ્યો છે અને ઉકેલ સુધી ગયા છે. નિરંજન અને પ્રદીપ બંનેના સ્વભાવ અને વ્યક્તિત્વમાં ફેર છે. પ્રદીપનો સાધના પ્રત્યેનો પ્રેમ પ્રબળ-વેગવાન છે જ્યારે નિરંજનનો પ્રેમ દેખાવમાં ઓછો લાગે છે પણ ઊંડો છે. અને એટલે જ અંતમાં વાર્ષિકોત્સવમાં યોજાયેલ હરીફાઈમાં અવ્વલ આવનારા પ્રદીપને પસંદ કરવાને બદલે સાધના નિરંજનને પસંદ કરે છે. ‘ગોળની ચા’ વાર્તાનો મુદ્દો કાળા બજારનો છે, વાર્તાનાયક કેશુભાઈ મુંબઈ પારેખસાહેબને ત્યાં જઈને આવ્યા પછી ખાંડની ચાને બદલે ગોળની ચા બનાવવા પત્નીને કહે છે. પત્ની કારણ પૂછે છે તો એ પારેખસાહેબ જેવા પહોંચેલા માણસ પણ દેશના હિત માટે ગોળની ચા પીએ છે એમ કહે છે. વાર્તાનો મુદ્દો સારો છે, પરંતુ એક પ્રસંગવર્ણનથી વાત આગળ વધતી નથી અને વાર્તા નબળી રહી જવા પામી છે. લગ્નપ્રસંગોનું રસિક અને કૌતુકરાગી વર્ણન એ પન્નાલાલ પટેલનો વાર્તાકાર તરીકેનો એક વિશેષ છે. એમાં યુવા હૈયાની તોફાન-મસ્તી, મશ્કરી અને મુગ્ધ ભાવોનું વર્ણન પન્નાલાલ અચ્છી રીતે કરી શકે છે. ‘મોળાં-મીઠાં નીર’ વાર્તા એનું દૃષ્ટાંત છે. વાર્તામાં ચતુર રતનનું પાત્ર સરસ ઊપસી શક્યું છે. માંડણ ગામના જેઠા અને દોલાને જાનમાં આવેલી મોલાત ગામની રતન કેવા તો મૂર્ખ બનાવે છે એનું રોચક વર્ણન આ વાર્તામાં મળે છે તો નાનાનું પાત્ર રતનને કહ્યાગરુંં બની રહ્યું છે. પન્નાલાલ પટેલે અસંખ્ય વાર્તાઓ લખી છે, યૌવનના મુગ્ધ ભાવો, રિસામણાં-મનામણાં અને મનની સંકુલતા તેમને ગમતા વિષયો છે એ ખરું, પરંતુ તેમણે કેટલીક વાર્તાઓ સાવ કંગાળ હાલતમાં જીવતા લોકોની પણ લખી છે, ‘વળગી રહેલાં’ વાર્તા પણ આવી જ એક બળૂકી વાર્તા છે, જેમાં બચરવાળ અને ગરીબ નકજી અકાળે વિધુર થાય છે. અનાયાસે એના જેવી જ એક દુખિયારી સ્ત્રી એની નજીક આવે છે, સ્ત્રી પણ બચરવાળ છે. બંને સાથે મળીને વસમી જિંદગી કેવી રીતે વિતાવે છે તેનું યથાર્થ ચિત્રણ આ વાર્તામાં છે. આવી તંગ હાલતમાં પણ તેઓ એકબીજાનો કેવો વિચાર કરે છે એનું વર્ણન ભાવવાહી છે. ‘દરવાજે ત્રિમૂર્તિ’ વાર્તામાં વાર્તાકથક એક ધર્માદા દવાખાનામાં દાખલ થાય છે. એમ કરવામાં તેના એક ડૉક્ટર મિત્રએ મદદ કરી છે, પરંતુ કહેવાતા ધર્માદા દવાખાનામાંના ડૉક્ટર, નર્સ અને તેના પટાવાળા દ્વારા જે રીતનું વર્તન અને છેતરપિંડી કરવામાં આવે છે તેનાથી ઉબાઈ જઈને તેમને નવ ગજના નમસ્કાર કરીને વાર્તાકથક ત્યાંથી મુક્ત થાય છે. ‘રૂપાં’ વાર્તામાં વાર્તાકથક પોતાના ફળિયાની એક છોકરી રૂપાંની વાત માંડે છે, વાર્તાકથકને રૂપાંના ઊજળા ભવિષ્ય માટે આશા છે. રૂપાં નાનપણથી જ ગાવા-નાચવા-કૂદવામાં અવ્વલ છે. શ્રદ્ધાળુઓ તો એમ પણ માને છે કે તેની અંદર માતાજીનો પ્રવેશ થાય છે. ત્યારે તે તલવાર પણ વીંઝે છે. વાર્તાકથકે એનાં માતા પિતાને કહી રાખ્યું છે કે એને માટે લાયક વર અને ઘર શોધે! થોડાક સમય બાદ રૂપાંનાં લગ્ન થાય છે. અલબત્ત, તેનાં લગ્ન તો સારી જગ્યાએ જ થયાં છે. તેનો પતિ બીજવર છે, પણ ભોળો છે અને તેને સાચવે છે. સુખી અને સંપન્ન પરિવારનો પણ છે, પરંતુ વાર્તાકથકને જાણવા મળે છે કે રૂપાં જરાય ખુશ નથી, એ વારંવાર પિયર આવી જાય છે ત્યારે તેનું મોં ઊતરેલું અને ઉદાસ હોય છે. વાર્તાકથકને એની સમસ્યા જાણવામાં રસ છે. રૂપાંના કહેવા પ્રમાણે સાસરીમાં આમ જોવા જઈએ તો કોઈ પણ જાતનું દુઃખ નથી. પોતે જ ધણિયાણી છે. પતિ પત્ની બે એકલાં જ છે, પાણી માગે ત્યાં દૂધ હાજર થાય એવું છે. આમ છતાં કશુંક એવું છે કે તેને માટે ભારરૂપ બની જાય છે. વાર્તાકથક રૂપાંના પિતા સાથે એની સાસરીમાં જાય છે ત્યાં રાત પણ રોકાય છે પરંતુ ખુદ એને પણ ત્યાં ભારનો અનુભવ થાય છે. તે પણ ત્યાંથી નીકળી જાય છે. મતલબ કે રૂપાં પિયરમાં જે સહજતાથી જીવન જીવી છે એવું જીવન ત્યાં નથી, ત્યાં નકરો ભાર છે, જવાબદારીઓ છે. વાર્તાકથક ઉદાસી સાથે રૂપાંને ભીની આંખે મૂકીને વિદાય થાય છે. વાર્તા કશા ઉકેલ સુધી જતી નથી અને લગ્નજીવન સામે એક સંકુલતા સમેત પ્રશ્નાર્થચિહ્ન મૂકતી જાય છે. ‘સૌભાગ્યવતી’ વાર્તાનો કથક ડૉક્ટર છે, જેણે હજુ નવું દવાખાનું કર્યું છે. ત્યાં એક સ્ત્રી દવા લેવા આવે છે. પછી તો એ નિયમિત આવતી થાય છે. ડૉક્ટરને નવા દર્દીઓ એને કારણે મળતા થાય છે, જોકે એ સ્ત્રીનું દર્દ ડૉક્ટર મટાડી શકતા નથી. આ વાતનો વસવસો ડૉક્ટરને પણ છે, પરંતુ ધીમે ધીમે ડૉક્ટરને સમજાય છે કે આ સ્ત્રીની સમસ્યા શારીરિક કરતાંય માનસિક વધુ છે. ડૉક્ટરને જાણવા મળે છે કે આ સ્ત્રી સુખીસંપન્ન પરિવારની છે. ઘરે રસોઈયા અને કામ કરનારા પણ છે અને જ્યારે ડૉક્ટર એને કહે છે કે તમે ઘરે રહીને રસોઈયા ઉપર નજર રાખતા હોવ તો સારું ‘ત્યારે એ ચિડાઈને કહે છે કે રસોઈ પર ધ્યાન રાખનાર તો એમનાં (એના પતિની) ધર્મનાં બેન છેને! ત્યારે આ સૌભાગ્યવતી સ્ત્રીની પીડાનો ચિતાર મળે છે. એ પછી ડૉક્ટર સંવેદના દાખવીને એના પતિને ચિઠ્ઠી લખીને મળવા બોલાવે છે, પરંતુ પતિ માત્ર ઔપચારિકતા ખાતર મળીને ચાલ્યા જાય છે ત્યારે ડૉક્ટરને સ્ત્રીનું વિચિત્ર પ્રકારનું સૌભાગ્ય સમજાય છે! ‘અજબ રસ’ વાર્તા એક કરુણ પ્રેમકથા છે, જેમાં વાર્તાકથક મિસ્ટર પટેલ પિન્ટો અને તેની પ્રેમિકા મિસ રોઝની વાત માંડે છે. વાર્તાકથકને એ ચિંતા છે કે પિંટો મિસ રોઝને ગંભીર રીતે ચાહી રહ્યો છે પરંતુ મિસ રોઝ એ બાબતે સિરિયસ નથી. એવામાં અચાનક પિન્ટોનું મૃત્યુ થાય છે ત્યારે તેની ખબર પડતાં મિત્ર પટેલ જાય છે રોઝ પણ મળે છે. બંને વચ્ચેના સંબંધો ઘણા જ માર્મિક છે. વાર્તાકથક અંતમાં કહે છે, “આવું જ બન્યું છે રોઝ! પિન્ટોનો જીવ જાણે અને પિન્ટોનો તારું જીવન ચરણે તું જ કે કોને દોષ દેવો?’ મનુષ્યના જીવનના કેટલાક અકળ સંબંધોની પડતાલ કરવામાં લેખક પન્નાલાલને રસ છે તે આ વાર્તામાં આપણે જોઈ શકીએ છીએ. ‘સર્જન’ વાર્તામાં પણ લેખકે વાર્તાકથકનો એક પાત્ર તરીકે ઉપયોગ કર્યો છે. પોતાનો પાડોશી કરસન પત્ની પ્રત્યે અક્કડ છે અને તેને સુખેથી ખાવા-પીવા પણ દેતો નથી તે એને માટે ચિંતાનો વિષય છે. કરસન પત્નીને ઘી પણ ખાવા નથી દેતો, તેમજ સરખી રીતે જીવવા નથી દેતો, એવી વાર્તાકથકને ફરિયાદ છે. આડોશીપાડોશીઓ પણ કરસનથી કંટાળ્યા છે, પરંતુ કરસનનો એક પક્ષકાર વાર્તાકથકને કરસનની માનસિકતાનો જરા જુદી રીતે પરિચય આપે છે. કરસન હજુ સંતાનહીન છે. કદાચ કરસનના આવા રુક્ષ સ્વભાવના મૂળમાં આ કારણ પણ હોય! એ પછી વાર્તાકથક જુદી રીતે વિચારે છે અને કરસનને જે રીતે ટ્રીટ કરે છે, તે વાર્તાનો મુખ્ય મુદ્દો છે. વાર્તાને અંતે કરસનના વર્તનમાં પરિવર્તન આવ્યું છે. એટલું જ નહીં તે એક પુત્રનો પિતા પણ બન્યો છે અને તેની પત્ની પણ સુખેથી જીવતી થઈ છે. આમ, આ વાર્તા એક મનોવૈજ્ઞાનિક કેસ હિસ્ટ્રી બની રહે છે. ‘પાલવના પાટે’ વાર્તામાં આલમ ખાંટનું પાત્ર સરસ રીતે ઊપસી શક્યું છે. તેનામાં મધ્યયુગના વીરો જેવો વીરરસ છે અને પારકી લડાઈમાં કૂદી પડવાની માણસાઈ છે, જેનો લાભ તેને મળે છે અને દિતિ તેની સાથે ઘર માંડે છે. એ પછી આલમમાં ઘણું પરિવર્તન આવ્યું છે, તે બહાર નીકળતો નથી. દિતિને છોડીને ક્યાંય જતો નથી. કારણ કે જેને તેણે ઠમઠોર્યો હતો એ દિતિનો ભાઈ ગુંડા સરખો છે, એ ગમે ત્યારે હુમલો કરી શકે એવો ભય હતો. દરમિયાનમાં ખેતરમાં કામ કરી રહેલા આલમને એક બૂમ સંભળાય છે. એક ફકીર જીવ બચાવવા દોડતો આવે છે, તેની પાછળ હિન્દુઓનું ટોળું પડ્યું છે. ઘડીભરમાં ફકીર હતો ન હતો થઈ જાય એવી સ્થિતિ છે ત્યારે આલમ ફકીરનાં કપડાં પોતે પહેરી લે છે અને પોતાનાં કપડાં ફકીરને પહેરાવીને ડુંગર ચડી જાય છે અને તેને આત્મવિશ્વાસ છે કે પોતે ફકીરને બચાવી શકશે અને પોતે પણ બચી શકશે. એટલામાં અચાનક ઝાડની ઓથેથી બંદૂકમાંથી ગોળી છૂટે છે અને ફકીરને ગોળી વાગે છે. વાસ્તવમાં આ ગોળી મારનાર દિતિનો ભાઈ છે. થોડીક મેલોડ્રામેટિક લાગતી આ વાર્તામાં વાત માણસાઈની છે. ફકીર બચી જાય છે અને આલમને પોલીસવાળા પણ આલમ ફકીર કહે છે ત્યારે તેનું પાત્ર એક ઊંચાઈએ પહોંચતું અનુભવાય છે. સંગ્રહની છેલ્લી વાર્તા ‘નાદાન છોકરી’માં રાજકીય પૃષ્ઠભૂમિ છે. શીલા, શ્યામ અને અલગારી આ વાર્તાનાં મુખ્ય ત્રણ પાત્રો છે. અલગારી એના નામ મુજબ અલગારી જ છે. રાજકારણમાં ગળાડૂબ શીલાને રાજકારણના કહેવાતા “મોટા’ માણસ દ્વારા ગર્ભ રહી જાય છે ત્યારે અલગારી એની પડખે ઊભો રહેલો. શીલાએ એબોર્શનનો આગ્રહ રાખ્યો તો પણ એ સહકારમાં રહેલો. એ પછી શીલાને શ્યામ સાથે પરણાવવામાં પણ અલગારીની મહત્ત્વની ભૂમિકા હતી. અલગારી પ્રત્યે શ્યામને ઘણો જ આદર છે, પરંતુ ધીમે ધીમે શીલા અલગારીને ધિક્કારવા લાગે છે એનું પણ રોકડું કારણ છે. એક રાજકીય કાર્યક્રમમાં ચારિત્ર્ય વિશેનો પોતાનો લેખ વાંચી રહેલી શીલાને ત્યાં બેઠેલા કહેવાતા ‘મોટા’ અને અલગારીની હાજરી કઠે છે, કારણ કે પોતે જે વાત કરી રહી છે એનાથી વિપરીત પોતાનું વર્તન છે એવું પેલા બંને તો જાણે છે! આને કારણે તે પોતાનું વ્યાખ્યાન ટૂંકાવી દે છે અને ફરી વાર જ્યારે અલગારી એક કાર્યક્રમમાં આવવાનો હોય છે ત્યારે તેને પોતાના ઘર ન આવવા બાબતે શ્યામ સાથે એ ઝઘડો કરે છે, પરંતુ શ્યામને અલગારી માટે બહુ જ ભાવ અને આદર છે. બંને વચ્ચે ઝઘડો થાય છે એટલામાં અલગારી આવે છે. શીલા તેને ઠંડો આવકાર તો આપે છે પરંતુ મનોમન કશુંક નક્કી કરે છે અને નોકર પાસે ચા મુકાવે છે અને ટ્રે પોતાની પાસે લાવવા કહે છે અને અલગારીની ચામાં સિફતથી ઝેર ઉમેરી દે છે, પરંતુ પછી તરત પસ્તાય છે અને બૂમ પાડીને અલગારીને કહે છે કે, ચા ન પીતા અને પોતે ઊલટી કરે છે અને બેભાન થઈ જાય છે. અલબત્ત, અલગારીએ થોડી ચા પીધી હોય છે. શ્યામ બંનેને તાત્કાલિક દવાખાને પહોંચાડે છે. અંતે અલગારી બચી જાય છે, શીલા બચી કે નહીં તેની એને ચિંતા છે. અલગારીના મતે નાદાન છોકરી છે! અલગારીનું ચરિત્ર વાર્તાને સુંદર બનાવી મૂકે છે. ‘ઓરતા’ની ૧૭ વાર્તાઓમાંથી પસાર થતાં લાગે છે કે લેખક પાસે અનુભવની મૂડી છે. તેનો વાર્તાના વિષય માટે તેમણે ઉપયોગ કર્યો છે. સાથે સાથે તેમની અવલોકન અને નિરીક્ષણની શક્તિ પણ વાર્તાને મજબૂત ધાર આપવામાં મદદરૂપ થાય છે. મુખ્યત્વે ગ્રામજીવનને સ્પર્શતા આ લેખક નગરજીવનની વાર્તાઓ પણ સારી રીતે લખી શક્યા છે એમ કહી શકાય. વળી સમકાલીન રાજનીતિના સંદર્ભો પણ તેમની વાર્તાઓમાં વિષય તરીકે આવ્યા છે. કેટલીક વાર્તાઓ સામાજિક વિષમતાને સ્પર્શતી વાર્તાઓ છે, જે પન્નાલાલ પટેલની વાર્તાકાર તરીકેની એક જુદી છબી ઉપસાવે છે.

૫. સાચાં સમણાં

‘સાચાં સમણાં’ વાર્તાસંગ્રહ પ્રથમવાર ઈ. સ. ૧૯૪૯માં પ્રકાશિત થયો હતો. આ સંગ્રહમાં કુલ ૧૨ વાર્તાઓ સંગૃહીત થઈ છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘સાચાં સમણાં’ છે, જેનું સ્વરૂપ લઘુનવલ સુધી વિસ્તર્યું છે એમ કહી શકાય. લેખકે આ વાર્તા મલાવી મલાવીને નિરાંતે કહી છે. આને લાંબી ટૂંકી વાર્તા કહેવી કે લઘુનવલ એ વિવાદ બાજુ પર રાખીને આપણે એના કથાવસ્તુ અને સ્વરૂપ વિશે જોઈએ. વાર્તાનાયક મથુર રતન સાથે પરણેલો છે, એક પુત્ર અને એક પુત્રીનો બાપ પણ છે, ગામના સુખી માણસોમાં એની ગણના છે. પરંતુ એના કુટુંબમાં પેઢી દર પેઢી ‘બે પત્નીઓ કરવાનો રિવાજ’ ચાલ્યો આવ્યો છે. મથુર વાર્તાના આરંભે છ-સાત તોલાનો ટુંપિયો વહોરે છે અને ત્યારે અફીણ-કસુમ્બા માટે ગામના લોકોને નોતરે છે. અને ત્યારે મથુરના બીજા બૈરા અંગે ટીખળ ચાલે છે! મથુર પત્ની રતનથી ખુશ છે. બીજી પત્ની કરવી જ એવી હઠ એની નથી, પોતાની જ સાળી મણી મથુરને ત્યાં આવેલી છે. એ મથુરની બીજી વારની પત્ની બને તો કેવું! આ મુદ્દો મથુરને દ્વિધામાં મૂકે છે. આમ જુઓ તો આખી અ કથા મથુરની મૂંઝવણની છે. મથુરને રાતે સપનામાં પણ મણી દેખાવા લાગે છે, સ્વર્ગવાસી પિતા પણ સપનામાં આવીને મથુરને બીજું બૈરું કરવા પ્રેરણા આપે છે! સપનું વાસ્તવમાં તો મથુરના મનની સંકુલ આંટીઘૂંટીનું જ પ્રતીક બને છે. મણી તરફ ગામનો બીજો એક યુવક સુખો પણ ઓળઘોળ છે અને ખેતર ગીરો મૂકીનેય મણીને ઘરમાં બેસાડવા તૈયાર છે. અંતમાં કોઈ ચમત્કાર થતો નથી અને મથુર મણીને લૂગડાં પહેરાવે છે (એની સાથે પરણે છે). જોકે, એને એવો હરખ પણ થતો નથી. આ આખી પ્રક્રિયામાં લખા ડોસા અને એમનાં પત્ની મથુરને મદદ કરે છે. એક સાધારણ મુદ્દાને કલાત્મક વાર્તા સ્વરૂપ આપવામાં લેખક સફળ થાય છે. . ‘રેવામા’ વાર્તામાં વાત રેવામા નામની વૃદ્ધ એકાકી સ્ત્રીની જ છે, જેને માટે એની ભેંસ લાડણી જ સર્વસ્વ હતી, હાથી જેવી એ ભેંસ અચાનક ગુજરી જાય છે એ પછી રેવામાની કથળતી જતી મનોસ્થિતિનું વર્ણન જેટલું કરુણ તેટલું પ્રતીતિકર પણ છે. જોકે, ગામલોકો રેવામા પ્રત્યે સહાનુભૂતિ દાખવવાને સ્થાને ‘એમની નજર અમારાં ઢોરને લાગી જશે તો!’ એવો ભય રાખીને જાણે રેવામાના દુઃખમાં વધારો કરે છે. આખરે રેવામા મોત માગતાં થઈ જાય છે. ‘નિરુપાય’ વાર્તામાં લેખકે પત્રની ટેક્‌નિકનો સરસ વિનિયોગ કર્યો છે. વાર્તામાં વિનોદ, લીલા અને મનોરમા એ ત્રણ મુખ્ય પાત્રો છે. વિનોદ અને લીલા કૉલેજકાળનાં પ્રેમી છે. મનોરમા વિનોદની પત્ની છે. વિનોદ પત્ર લખીને લીલાને પોતાને ભૂલી જવાનું અને અન્યત્ર પરણી જવાનું જણાવે છે. લીલા વિનોદના નિર્ણયને સ્વીકારે તો છે જ! વરસો પછી વિનોદ એક લગ્ન નિમિત્તે લીલાના શહેરમાં જાય છે અને એને મળે છે. ડૉક્ટર લીલા જોકે બીજે ક્યાંય પરણી નથી. લીલા અને વિનોદ સાથે જમે છે, લીલાનું રુદન જોઈને વિનોદ વિહ્‌વળ છે, પરંતુ પોતે નિરુપાય છે. આમ, પ્રેમકથા પરિણામ સુધી પહોંચતી નથી. ‘બિચારા પ્રસાદજી’ વાર્તામાં લેખકે પન્નાલાલ, માણેક, ગુલાબદાસ, પીતાંબર પટેલ જેવા લેખકોની મજલિસમાં ગુલાબદાસ કોઈ અમથાલાલની વાર્તા માંડે છે, જે થોડાક કલાક માટે જિલ્લા સમિતિના પ્રમુખ બન્યા હતા. અને જેલવાસ પણ ભોગવ્યો હતો! પ્રમુખ થયા પછી અમથાલાલમાંથી તેઓ અમથાપ્રસાદ બને છે! અને અંતે તો પ્રસાદજી તરીકે ઓળખાવા લાગે છે. વાસ્તવમાં તો કહેવાતા નેતાઓનો ઠઠ્ઠો આ વાર્તામાં બખૂબી કરવામાં આવ્યો છે. વાર્તાને સાંભળ્યા બાદ પીતાંબર પટેલ ગુલાબદાસને વાર્તાના શીર્ષક માટે પ્રસાદજી શબ્દની આગળ બિચારા શબ્દ મૂકી દેવાનું કહે છે! ‘બલા’માં ભીલ યુવક ખાતરો, એની દીકરી કોદરી અને કોદરીને વહાલી કાબરી બિલાડીની વાત છે. ઉઘરાણીએ આવેલા શેઠ કાબરી બિલાડીને જોઈને ખાતરા પાસે એની માંગ કરે છે, એમને પ્રાણીપ્રેમ છે એવું નથી. એમને તો અનાજમાં બગાડ કરતા ઉંદરોને ઠીક કરવા જ કાબરીનો ખપ છે! તેઓ કાબરી વેચાતી લેવા માગે છે. ખાતરો જાણે છે કે કાબરી પોતાની પુત્રી માટે શું છે! મન કાઠું કરીને તે શેઠને એવી શરતે કાબરી આપે છે કે કામ પતી જાય એટલે કાબરી પાછી આપવી પડશે. થોડાક અનાજના બદલામાં ખાતરો શેઠને બિલાડી આપે છે, જોકે, શેઠ કદી કાબરી પાછી આપતા નથી. ગરીબ અને તવંગરની વૃત્તિમાં રહેલો ફરક વાર્તાને એક સશક્ત આયામ પૂરો પાડે છે. ‘પતી ગયું’ વાર્તામાં કુંદનલાલ શેઠ વિધુર છે, તેમને તારા નામે પુત્રી છે. કુંદનલાલને શહેરની જ એક શિક્ષિકા સરલા સાથે પ્રેમસંબંધ છે. સરલાએ પોતાનું ઘર ગીરો મૂકીને કુંદનલાલને વોરંટ વખતે બચાવ્યા છે, પરંતુ એ જ કુંદનલાલ પોતાની પુત્રી તારા જ્યારે સરલા સાથે ફિલ્મ જોવા જાય છે ત્યારે એને ધમકાવતાં એમ કહે છે કે ‘જેની ને તેની સાથે ફિલ્મ જોવા જતાં શરમ નથી આવતી!’ આ વાત સરલાને કઠે છે અને કુંદનલાલ સાથેનો સંબંધ કાયમ માટે કાપવા મજબૂર બને છે. સ્ત્રીના સન્માન અને સ્વમાનની વાર્તા ભારે અસરકારક બની છે. ‘જમાદારનો બોકડો’ વાર્તામાં આખા ગામને રંજાડતો અને નુકસાન કરતો બકરો સૌ માટે માથાનો દુખાવો બન્યો છે. ગામ ફરિયાદ કરવા જાય છે તો ચોર કોટવાલને દંડે એવો ઘાટ થાય છે! સૌથી વધુ નુકસાન મકના ખાંટે વેઠ્યું છે. એટલે એ બોકડાનો ઘાટ ઘડવાનું વિચારે છે. જોકે, એને જમાદારની બીક છે તેથી તે કળથી કામ લે છે. બીમાર જમાદારને તે સૂંઠ સાથે માખ ખવડાવી દે છે જેથી જમાદારને ઊલટીઓ થવા લાગે છે, ગભરાઈ ગયેલા જમાદારને ‘આ વળગાડ જેવું છે’ એમ કહીને માતાજીને ભોગ ધરાવવાની વાત કરે છે! ભયભીત જમાદાર પોતાના બોકડાનો ભોગ આપવા તૈયાર થઈ જાય છે. વાર્તામાં બખૂબી અમલદારશાહીની લોલુપતા, સ્વાર્થ અને તાનાશાહીનું વર્ણન થયું છે. ‘અરુણા’ વાર્તામાં મદન અને અરુણા પ્રેમમાં હતાં એ પછી ભારતના ભાગલા થતાં અપહૃત અરુણાનો મોડેથી જે પત્ર મળે છે. તેમાં એ પોતાના પર થયેલા જુલમ વિશે લખે છે. સમાજની માનસિકતાથી ડરી ગયેલો મદન મૂંઝવણમાં છે. એને એક મિત્ર સ્વસ્થ ચિત્તે વિચારવા પ્રેરે છે. અંતે મદનના બદલાતા વિચારો વાર્તાને સુખાંત ભણી લઈ જાય છે તેમજ કુશળ સર્જક વાર્તા બોલકી અને બોધાત્મક ન બની જાય એની કાળજી પણ રાખે છે. ‘એળે નહિ તો બેળે’ વાર્તામાં કોદાર તેની પત્ની રુખીને તેડવા ભગા નામના મિત્રને લઈને સાસરે જાય છે. કોદરની વિધવા સાસુ ઘણા વખતથી કોઈ પણ હિસાબે દીકરીને સાસરે મોકલતી નથી. કોદરને અનેક વાર ઠાલે હાથે પાછા જવું પડ્યું છે! ચતુર ભગાનું માનવું છે કે પત્નીએ કોદર પર ‘મોયણી’ (મોહિની) કરી છે. રાબેતા મુજબ કોદરને સાસરીમાં ઉપેક્ષા જ સાંપડે છે અને સાસુ મનફાવે તેમ બોલે છે. કોદર પણ ઉશ્કેરાય છે અને છેલ્લે રુખીનો ચોટલો ઝાલીને આગળ કરે છે. જોકે, એને પછી સમજાય છે કે રુખીએ જ કોદરને એવું કરે એ માટે ઉશ્કેર્યો હતો! મતલબ કે રુખી પણ સાસરે જવા આતુર હતી! વાર્તાનો અંત ચોટદાર છે એટલું જ નહિ, માનવમનની આંટીઘૂંટીને ખોલી આપનારો પણ છે! ‘દશ વર્ષ પછી’ વાર્તા સખાવતથી ચાલતા દવાખાનાની એક નર્સ સુલેની આસપાસ ફરે છે. પતિ પાટણકરથી જુદા થયે એને એક દાયકો વીતી ગયો છે. જુદા થવાનું કારણ બીજું કાંઈ નથી, પરંતુ સુલેને થયેલી ગંભીર બીમારી છે. સુલેને એક દીકરી માલિની પણ છે. સુલે સાજી નહિ થાય એવા અંદેશાથી પાટણકરે બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધાં છે. એનાથી એને બે બાળકો પણ થયાં છે. ગંભીર બીમારીમાંથી બહાર આવ્યા પછી સુલે એ જ ધર્માદા દવાખાનામાં નર્સનું કામ સ્વીકારે છે. એણે નામ બદલવાની સાથે બધું જ બદલી નાખીને નવેસરથી જીવન જીવી રહી છે. જોકે, એની દીકરી મેનેન્જાઈટીસથી મૃત્યુ પામે છે. આ કારી ઘાને પણ એ જીરવી જાય છે. એમ દશ વર્ષ વીત્યાં છે ત્યાં પાટણકર એને મળવા આવે છે! એની નવી પત્ની મૃત્યુ પામી છે. પાટણકર ફરીથી સુલેને પોતાની પાસે લઈ જવા આવ્યો છે. લેખકે ખૂબીપૂર્વક વાર્તાનો અંત અસ્પષ્ટ રહેવા દઈને પણ કહેવા જેવું કહી દીધું છે. ‘મલક ઉપર’ વાર્તામાં ગોવનો ચમાર વાસના બીજા કારીગરોની જેમ મોટા મોટા ટાંકા લેવાને બદલે બૂટ-ચંપલને કુશળ મોચીઓ ભરે એવા ઝીણા સરસ ટાંકા ભરે છે. એ બદલ એને વાસના લોકોનો રોષ પણ વહોરવાનો થાય છે. ગોવનાની આ કુશળતાનો મફતમાં લાભ લેવા અમલદાર વર્ગ ટાંપીને બેઠો છે. પરિણામે વાસના બીજા લોકોને પણ મફતમાં ચામડું આપવાનું બને છે. આથી તંગ આવી જઈને બધા ગોવનાને વાસ છોડાવી દઈશું એવી ધમકી આપે છે. એક તબક્કે ગોવનો રીસભર્યો વાસ છોડીને નીકળી જાય છે. સૌને એના પ્રત્યે સહાનુભૂતિ છે, સૌને એમ છે કે એ જઈ જઈને ક્યાં જવાનો છે? એકબે દિવસમાં પાછો આવી જશે. જોકે, એની પત્નીને ગળા સુધી વિશ્વાસ છે કે એ નહિ આવે. વાર્તામાં શોષિત વર્ગની પીડાનું હૃદયદ્રાવક વર્ણન છે તો ગરીબોનું લોહી ચૂસીને તાગડધિન્ના કરતા શોષક વર્ગની નિર્દયતા અને નઠોરતાનું સજીવ વર્ણન પણ છે. ‘રંગ વાતો’માં એક આધુનિક અને સુશિક્ષિત યુવતી રંજના આશ્રમના આચાર્યના કોઈ વિદ્યાર્થિની સાથેના અનૈતિક સંબંધો વિરુદ્ધ જંગે ચડી છે. એમની કામલીલાના ફોટા પણ એની પાસે છે. આચાર્યને ઉઘાડા પાડવા એને કીકુભાઈ છાપાવાળાની મદદ પણ મળી છે. વધુ પુરાવા એકત્ર કરવા એને કીકુભાઈ સાથે બહાર જવાનું થાય છે ત્યાં હોટલના વાતાવરણમાં એક પુરુષ સાથેનું સાન્નિધ્ય એને જે રીતે ખલેલ પહોંચાડે છે તેનું વર્ણન લેખકે સંકુલતાથી કર્યું છે. કીકુભાઈ અને રંજના બંને પાત્રોની લેખકે જાણે અગ્નિપરીક્ષા લીધી છે. લેખકે અધ્યાહાર રાખેલું એક વાક્ય ઘણું કહી જાય છે : “બીજાની નિર્બળતા સામે ઢંઢેરો પીટવા નીકળેલી હું પોતે જ –” (પૃ. ૧૯૪, ‘રંગ વાતો’ વાર્તાસંગ્રહ - ‘સાચાં સમણાં’ સાતમી આવૃત્તિ- ૨૦૦૯) ‘સાચાં સમણાં’ સંગ્રહની ૧૨ વાર્તાઓમાં પન્નાલાલ પટેલની અન્ય વાર્તાઓની જેમ તળપદી ભાષા અને તળપદું વિશ્વ છે, તેમ કેટલીક વાર્તાઓ નગરજીવનની પણ છે. ‘જમાદારનો બોકડો’ અને ‘મલક ઉપર’ જેવી વાર્તાઓમાં સામાજિક વિષમતા અને શોષણના મુદ્દાને પણ લેખક સ્પર્શ્યા છે. તો વળી ‘રંગ વાતો’ અને ‘એળે નહિ તો બેળે’ જેવી વાર્તાઓમાં પાત્રના મનના સંકુલ ભાવોનું પણ નિરૂપણ મળે છે.

૬. જીવો દાંડ

‘જીવો દાંડ’ વાર્તાસંગ્રહ ઈ. સ. ૧૯૪૧માં પ્રગટ થયો હતો. જેમાં કુલ ત્રણ વાર્તાઓ છે, મતલબ કે આ લાંબી ટૂંકી વાર્તાઓ છે, જેમાંની પ્રથમ વાર્તા ‘જીવો દાંડ’ ૪૧ પૃષ્ઠની વાર્તા છે. વાર્તાનું શીર્ષક પાત્રપ્રધાન છે. ‘જીવો ખાંટ’ નામનો એક ઠાકોર યુવક છે. વાર્તાના આરંભે જ જીવાના પિતા મૃત્યુ પામી રહ્યા છે. તેઓ જીવાને વ્યવહારની શીખ દેતા જાય છે, સાથે સાથે મુખી અને મતાદાર જેવા આગેવાનોને જીવાને સાચવી-સંભાળી લેવાનું પણ સોંપતા જાય છે. પિતાના અવસાન પછી જીવાની જવાબદારી ખરેખર વધી જાય છે. આર્થિક સ્થિતિ તો પ્ર્રથમથી નબળી જ છે. ગામમાં ઠાકોરનાં છ- સાત ઘર છે, એમાં આર્થિક રીતે નબળું ઘર કદાચ જીવાનું છે. લેખકે માંડીને વાત કરી છે એટલે આખી વાર્તા લઘુનવલ બનવા સુધી વિસ્તરે છે. આ વાર્તામાં પન્નાલાલ પટેલનો વિશેષ એ છે કે સામાજિક વિષમતા અને ખાસ કરીને આર્થિક અસમાનતાની વાતને ખૂબ જ તટસ્થતાથી રજૂ કરે છે. ગામમાં ખેલાતા રાજકારણના આટાપાટા તેમજ આર્થિક રીતે મૂડીવાદી એવા વેપારી તેમજ એ પ્રદેશના રજવાડાના ઠાકોર, એમના વહીવટદારો અને મળતિયા, મુખી અને મતદાર : આ બધાં જ પાત્રો સરવાળે તો શોષક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એવું સિદ્ધ થાય છે. વેરાને નામે, દેવાને નામે અથવા તો ઠાકોરની દીકરીના લગ્નમાં ચાંલ્લાને નામે ગરીબ લોકોનું શોષણ થતું રહે છે, તો ગામમાં મૂડીપતિ એવા શેઠ પણ મુખી અને મતાદાર સાથે ભળેલા છે એટલે જીવા જેવા ખરેખર કાળી મજૂરી કરીને જીવતા લોકો ઊંચા આવી શકતા નથી, જીવાને પત્નીનો દાગીનો ગીરવે મૂકીને બળદ લાવવો પડે છે અને એ પછી દેવાના ડુંગરને લીધે એને વેચવો પણ પડે છે. અતિશય મજૂરી કરવાથી જ કદાચ જીવો મરણપથારીએ પડે છે. જોકે, એમાંથી એ ઊગરી પણ જાય છે. લેખકે તત્કાલીન ગ્રામીણ સમાજની માનસિકતા પણ સુપેરે રજૂ કરી છે. આખો ગ્રામીણ સમાજ વેઠી રહ્યો છે, જોકે બીજા લોકો કરતાં જીવો જુદો છે. એના સ્વભાવમાં તીખાશ છે. એની વર્તણૂકમાં વિદ્રોહ છે અને એટલે જ એક તબક્કે તે તેનું અહિત કરનાર મતાદારનો પાક સળગાવી આવે છે. બધાને એના પર શંકા હોવા છતાં મોઢામોઢ કહી શકતા નથી. એવી જ રીતે જમાદારની સામે પણ તે થાય છે અને શેઠને પણ એક વાર મારતાં મારતાં માંડ છોડે છે. આને કારણે તેની છાપ ‘દાંડ’ની પડી છે. જોકે, તેને એ છાપનો વાંધો પણ નથી. એક તબક્કે ગામમાં ઠાકોરસાહેબની પધરામણી થાય છે ત્યારે કર ન આપનાર જીવાને ત્યાં બોલાવવામાં આવે છે. જીવો ત્યાં પણ મોઢામોઢ જવાબ આપી દેતાં અચકાતો નથી. તેને એક ઘરમાં પૂરવામાં આવે છે, પણ ત્યાંથી ભાગી જવામાં એ સફળ થાય છે. એની આ વિદ્રોહી છાપને કારણે ઠાકોર જેવા ઠાકોર પણ ડરીને ત્યાંથી રીતસર ઉચાળા જ ભરે છે અને જે લોકો કાયમથી જીવાને બદગોઈ કરતા હતા અને તેને નુકસાન પહોંચાડવા શૂરા હતા એના એ આગેવાનો ‘જરૂર પડે તો દાણા લઈ જ્જે’ એમ કહેતા થઈ જાય છે. લેખકને જે કહેવું છે તે એ છે કે માણસ ખરાબ નથી, સામાજિક-આર્થિક અવ્યવસ્થા એ સમસ્યા છે. કોઈ પણ જાતના વાદ-ઇઝમમાં બદ્ધ થયા વિના પન્નાલાલ આવી સામાજિક સરોકાર ધરાવતી વાર્તા આપે છે. ‘જીવો દાંડ’ વાર્તા પન્નાલાલ પટેલની અન્ય વાર્તાઓ કરતાં જુદી પડતી લાંબી ટૂંકી વાર્તા છે અને તેમાં ગુજરાતનાં જ નહીં, ભારતનાં અંતરિયાળ ગામડાંની આર્થિક સામાજિક સમસ્યા સરસ રીતે નિરૂપિત થઈ છે. ‘ધુમાડો’ પણ ઘણી જ દીર્ઘ વાર્તા છે. અને એના પ્રસ્તારને લીધે જ વાર્તા એની ચુસ્તી અને ચોટ ગુમાવતી હોય એવો અનુભવ થાય છે. વાર્તાનું વિષયવસ્તુ સાવ સામાન્ય છે. મૂળ તો પ્રેમની વાત છે. વાત કુંજ નામના એક કૉલેજિયન યુવકની છે. તે મિત્ર ધીરુ સાથે રૂમ રાખીને શહેરમાં રહે છે. કૉલેજમાં તેને સુલતા નામની એક યુવતી પ્રત્યે ગજબનું ખેંચાણ થાય છે. સુલતા પ્રત્યેના આકર્ષણને કારણે કુંજનું ધ્યાન ભણવામાંથી પણ ચળે છે. એની નોંધ ધીરુ લે છે અને વારંવાર ધીરુ તેને આ બાબતે ટોકે પણ છે. વાર્તામાં કુંજ અને સુલતાને પરસ્પર વાત કરતાં બતાવ્યાં નથી. કુંજ એકાદ વાર સુલતાને પત્ર લખવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ લખીને અટકી જાય છે, સુલતાને આપતો નથી. અહીં સુલતા શું અનુભવે છે એ વાચક માટે ધારણાનો વિષય છે. કુંજના આધારે જ બધી ધારણા કરવાની થાય છે. એક તબક્કે કુંજને જાણવા મળે છે કે સુલતાની સગાઈ સૂર્યકાંત સાથે થઈ ચૂકી છે અને સૂર્યકાંત વિદેશથી આવેલો યુવાન છે. એ પછી પણ કુંજનું સુલતા પ્રત્યેનું ખેંચાણ અકબંધ રહે છે. થોડા વખત પછી સુલતાનાં લગ્ન પણ ગોઠવાય છે. લગ્નને દિવસે પણ કુંજ સુલતાના ઘર તરફ આંટો મારવાનું ચૂકતો નથી. એનું માનવું છે કે સુલતા સૂર્યકાંત સાથેની સગાઈથી કે લગ્નથી ખુશ નથી. અગાઉ કહ્યું તેમ વાર્તાનું લંબાણ વધારે છે એટલે ચોટ ગુમાવે છે, પરંતુ અંતે ‘જીવન પોતે જ ધુમાડો છે’ એવું માનતો નાયક જાતે જ ભીતરથી શાંતિ અનુભવે છે, એવો ભાવ વાર્તાને અંતે લેખક પ્રગટ કરે છે. ‘કડદો’ વાર્તા પણ સુદીર્ઘ વાર્તા છે, જેમાં વાત તો દાંપત્યજીવનને લગતી છે, પરંતુ એમાં કુશળ વાર્તાકાર નાયક અને નાયિકાનાં મનોસંચલનો સુંદર રીતે નિરૂપે છે અને માનવમનની સંકુલતાને તાગવાનો પ્રશસ્ય પ્રયાસ કરે છે. સ્વાભાવિક રીતે જ લેખકે વાર્તા માંડીને કહી છે. વાત દિનુ અને મીનાક્ષીની છે. બંનેની સગાઈ થયેલી છે. મીનાક્ષી શ્રીમંત પિતાની પુત્રી છે, તેમનો મોટો કારોબાર છે. દિનુનું ઘર અત્યારે ભલે ઘસાતું છે પણ તેના ગામમાં તે ‘બાપા કુટુંબ’ના સભ્ય તરીકે જાણીતો છે. એક જમાનામાં બાપા કુટુંબ ગામમાં મોભી ગણાતું. દીનુની માતા મરી ચૂકી છે. તેના મામા મથુરદાસ છે તેઓ એક દિવસ પોતાના બનેવીને મળીને સ્થિતિ જાણી લે છે. બનેવી દિનુની સગાઈ તોડી નાખવાના મતના છે. દિનુ બીએ થયેલો યુવાન છે. જોકે મથુરદાસ દિનુને હાથ પર લઈને કડદો કરે છે તેમજ સામે પક્ષે મીનાક્ષીના ભાઈને મળીને મીનુ દિનુને પત્ર કેમ લખતી નથી એ રીતે ઉશ્કેરે છે અને મીનુ દ્વારા એક સરસ મજાનો પત્ર દિનુને લખાવે છે, જેની ધારી અસર થાય છે. એ પછી દિનુ અને મિનુનાં લગ્ન થાય છે. દિનુ શહેરમાં રહેવા જાય છે. તેને સસરાના ધંધામાં જ નોકરી પણ મળી જાય છે અને સ્વતંત્ર ઘર બંને માણસને રહેવા પણ મળી જાય છે. પ્રશ્ન આટલેથી હલ થતો નથી. સમસ્યા હવે શરૂ થાય છે. દિનુને એવું લાગે છે કે પોતે મીનુની યોગ્યતા જોઈને તેની સાથે લગ્ન કર્યાં નથી પરંતુ તેના પિતાની મિલકત અને પૈસા જોઈને લગ્ન કર્યાં છે. તેને આવું વિચારવા પ્રેરવામાં મિત્રોની માનસિકતા અને સમાજનું એક પ્રકારનું માનસ પણ જવાબદાર છે એટલે નવદંપતીનું જીવન શરૂઆતના તબક્કે જ ક્લૂષિત બને છે, કારણ કે મીનુ અમુક રીતે જીવવા ટેવાયેલી છે જ્યારે દિનુ ભલે એક જમાનાના સુખી ઘરનો હોય, પણ એ ગામડિયો છે. આને કારણે પતિ પત્ની વચ્ચે ગજગ્રાહ સર્જાય છે. એક વાર ભાણેજનું શ્રેષ્ઠ દાંપત્ય જોવા માટે આવેલા મથુરદાસને લાગે છે કે આ તો પોતે ભાણેજનું અહિત કરી બેઠા છે. તેઓ ભાણેજને એક ઇલાજ સૂચવે છે. તેમના મતે ભાણેજ દિનુએ અસલ રીતે ઘરજમાઈપણું દાખવવું જોઈએ. તેની આ નમ્રતા ને સીધાપણું જ તેના પ્રશ્નોના મૂળમાં છે! મામાની આ યુક્તિ સફળ થાય છે અને થોડાક સમય બાદ ઘરનો માહોલ બદલાય છે. જે દિનુ સાથે મીનુના સંબંધો તણાવપૂર્ણ હતા એ દિનુનું મીનુ સાથેનું દાંપત્યજીવન ઘણું ખીલી ઊઠે છે, જેની નોંધ ઘરના નોકરચાકર વર્ગ પણ લે છે. એક તબક્કે મથુરદાસ જ્યારે ત્યાં આવે છે ત્યારે પોતાના ભાણેજની લીલીછમ વાડી જોઈને પ્રસન્ન થાય છે કે દુઃખી તે પણ લેખકે અદ્‌ભુત સંકુલતાથી નિરૂપણ કર્યું છે. આમ, વાર્તાનું ‘કડદો’ શીર્ષક સાર્થક બને છે. લેખકના ‘જીવો દાંડ’ વાર્તાસંગ્રહની ત્રણેય વાર્તાઓમાં આમ ગ્રામજીવન-નગરજીવન ઉભય રજૂ થયું છે. પ્રથમ વાર્તા ગ્રામચેતનાની છે તો બાકીની બે વાર્તાઓ નગરચેતનાની છે, એમ કહી શકાય, જેમાં બીજી વાર્તા ‘ધુમાડો’ મધ્યમ વર્ગનાં સ્વપ્નો અને અરમાનોને બખૂબી રજૂ કરે છે, તો ત્રીજી વાર્તા ‘કદડો’માં શહેરના ઉચ્ચ વર્ગ અને મધ્યમ વર્ગનું સંયુક્ત રીતે જીવનદર્શન પમાય છે. આ ત્રણેય લાંબી ટૂંકીવાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં એક નોંધપાત્ર સ્થાન અંકે કરે છે એમ કહી શકાય. વિવિધ ભાષાપ્રયોગો, બોલી, કાકુ, સંવાદ અને અભિવ્યક્તિની તાજગી આ વાર્તાઓને સબળ અને સફળ બનાવે છે.

૭. લખચોરાસી

પન્નાલાલ પટેલનો ‘લખચોરાસી’ વાર્તાસંગ્રહ ઈ. સ. ૧૯૪૪માં પ્રગટ થયો હતો, જેમાં ૧૬ વાર્તાઓ સ્થાન પામી છે. સંગ્રહને જે વાર્તાનું શીર્ષક મળ્યું છે તે પ્રથમ વાર્તા ‘લખચોરાસી’ છે, જે ૨૫થી પણ વધારે પૃષ્ઠમાં વિસ્તરેલી છે. વાર્તામાં વાર્તાકથક રઘુ છે. રઘુ અને તેનો મિત્ર વસંત કૉલેજિયન છે, બંને ભાડેથી શહેરમાં રહે છે. ભાડે રહેતા લોકોને જે રીતે વારંવાર ઘર બદલવાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે એની ઘટનાઓ લેખકે નિરૂપી છે, પરંતુ આ વાર્તામાં કંઈ એટલું જ નથી. આ વાર્તામાં લેખકે કુશળતાપૂર્વક માનવમનને તાગવાનો એમનો મનગમતો વિષય પણ છેડ્યો છે. એક જગ્યાએથી વસંતની રાગડા તાણવાની એટલે કે સંગીતની ટેવને કારણે એને મકાન ખાલી કરવાની સ્થિતિનું નિર્માણ થાય છે. એ પછી રસિકભાઈ નામના એક સજ્જન આ બંને યુવકોને પોતાને ત્યાં એક ઓરડી ભાડે આપે છે. થોડાક સમય બધું સરસ ચાલે છે. રસિકભાઈ એમનાં પત્ની અને તેમની બહેન કંચન સાથે આ બંને યુવકો ચાલવા પણ જતા હોય છે. રસિકભાઈ અને તેમનો પરિવાર માયાળુ છે, પરંતુ થોડાક સમય પછી વસંત રઘુને કહે છે કે મારે અહીં રહેવું નથી. રઘુને આ સ્થિતિ સમજાતી નથી. વસંત આવું કેમ કહે છે તે અંગે તે વિચારમાં પણ પડે છે. તેને શંકા પણ જાય છે. પછી પણ એક કરતાં વધારે મકાન ખાલી કરવાની સ્થિતિ આવે છે. આખરે ફરીવાર રઘુના સૂચનથી વસંત રસિકભાઈની એ જ ઓરડીમાં પાછો રહેવા જવા તૈયાર થાય છે. વાસ્તવમાં વસંતને કંચનનું આકર્ષણ છે. એ આકર્ષણને કારણે વસંત સારી રીતે વાંચી શકતો નથી કે પરીક્ષાની તૈયારી કરી શકતો નથી. છેલ્લે વસંત એમ કહે છે કે ‘આપણો લખચોરાસીનો ફેરો ટળી ગયો. છે!’ ત્યારે રઘુ કંઈક પીડા સાથે એમ કહે છે કે તારો ફેરો તો ટળી ગયો છે, પણ મારો તો લખચોરાસીનો ફેરો એમ ને એમ છે. એ રીતે વાર્તા સંકુલ બની આવી છે. આમ, આ વાર્તામાં તત્કાલીન સમાજ અને પરિસ્થિતિનું ચિત્રણ મળે છે. આ વાર્તામાં લેખકે હળવી શૈલીમાં વાત માંડીને પણ મધ્યમ વર્ગની જીવનરીતિની સાથે સાથે માનવમનની ગલીકૂંચીને તાગવાનો પ્રયાસ કર્યો છે. ‘આકરો અમરો’ વાર્તામાં વાત દાંપત્યજીવનની અને સ્ત્રીપુરુષ સંબંધની સંકુલતાની છે. વાર્તાનાયક અમરો ઓછી ઊંચાઈ ધરાવે છે, તેની પત્ની રાજુ તેનાથી ઊંચી છે. એટલે અમરાના મિત્રો તેને વારંવાર એ બાબતે સજાગ કરે છે કે પહેલેથી એની પર દાબ રાખજે. જોકે, અમરાનો સ્વભાવ તીખા મરચા જેવો જ છે. એટલે સૌને વિશ્વાસ છે કે અમરાના દાંપત્યજીવનમાં વાંધો નહિ આવે. મિત્રો દ્વારા વારંવાર ટોકાયેલ અમરો શરૂઆતથી જ પત્ની રાજુ પ્રત્યે કડક અને કઠોર વલણ અખત્યાર કરે છે. રાજુને પોતાનું ઘર કરવું છે એટલે પતિના આ ખરાબ વર્તનને અવગણીને જીવે છે. વળી સાસુ તેને બહુ જ સાચવે છે. સાસુની હમદર્દીને કારણે રાજુ લાંબા સમય સુધી ચૂપ રહે છે, પરંતુ એને કારણે અમરો જરૂર કરતાં વધારે બેફામ બની જાય છે. પતિને યોગ્ય દિશા આપવા ચતુર રાજુ પ્રયાસ પણ કરે છે. અમરો બાંધે એનાથી ત્રણ ગણો મોટો ઘાસનો ભારો તે બાંધીને વગર ચડામણે વાળી લઈને માથે મૂકે છે. આવા તેવા બીજા કામમાં પોતે અમરા કરતાં અવ્વલ છે એવો અનુભવ પૂરો પાડવા છતાં સિદ્ધ કરવા છતાં, પતિપણું સિદ્ધ કરવા વિહ્‌વળ થયેલો અમરો કશું સમજી શકતો નથી. એક વાર એક ઘટના એવી બને છે કે અમરાનો ભ્રમ ભાંગી જાય છે! ખેતરમાં કાબૂ બહાર ગયેલા આખલાને વશ કરવામાં અમરો થાકી જાય છે પણ સફળ થતો નથી. રાજુ તે વખતે હાથમાં થોડું ઘાસ અને એક લાંબું ઝરડું લઈને આખલા સામે ઘસી જાય છે અને ગણતરીની પળોમાં તો આખલાને વશ કરી લે છે. આજુબાજુ હળ હાંકતા ખેડૂતો જેમાં અમરાનો મિત્ર દોલો પણ હોય છે તે આ દૃશ્ય જોઈને અમરા પર હસે છે. અમરા માટે આ અસહ્ય સ્થિતિ છે. તે અમરો ગુસ્સે થઈને દોલાને ગાળ બોલે છે. દોલો એને મારવા આવે છે. એ વખતે રાજુ અમરાને બચાવવા મથે છે. આ સમયે દોલો તો અમરાને છોડી દે છે પણ અમરો રાજુને ગમે તેમ બકે છે તેથી ઉશ્કેરાયેલી રાજુ એક મોટો પથ્થરો ઉપાડી લે છે અને અમરાને મારવા ધસે છે. અમરો પોતાના બચાવમાં દોલાની ફરતે ફરે છે! દોલાની સમજાવટ પછી જ એ પથરો એક બાજુ ફેંકી દે છે. આ આખી ઘટના અમરાને ધ્રુજાવી મૂકે છે. રાજુ તો ઘેર ચાલી જાય છે પણ અમરો ઘરે જઈ શકતો નથી. ખેતરમાં જ રહે છે અને દોલાના ઘરે જમી આવે છે. આખરે દોલાની સમજાવટથી રાજુ માની જાય છે. અમરો ભયભીત છે પણ સાથેસાથે રાજુના એક પત્ની તરીકેના ગુણો અમરો પણ જાણે છે. આખરે ઘીના ઠામમાં ઘી પડે છે. વાર્તાનો અંત સુખદ અને આકર્ષક છે. મૂળ તો સ્ત્રીપુરુષ સંબંધની સંકુલતા અને દાંપત્યજીવનના અંતર્વિરોધને સાદી સરળ ભાષામાં નિરૂપીને લેખકે પોતાની વાર્તાકળાનો હિસાબ આપ્યો છે એમ કહી શકાય. ‘ભૂંડો અખતરો’ વાર્તામાં પણ સાદીસીધી ઘટનાને ખપમાં લઈને લેખક માનવમનની સંકુલતાને વર્ણવે છે અને તાગવાનો પ્રયાસ કરે છે. બંસી એકાએક જ સારું અને સગવડભર્યું મકાન ખાલી કરીને અન્યત્ર રહેવા જાય છે ત્યારે વાર્તાકથકને આશ્ચર્ય થાય છે. તે પોતાના મિત્ર હેમુને લઈને બંસીને મળવા જાય છે, અને અચાનક મકાન ખાલી કરી જવાનું કારણ જાણવા માગે છે. પરિણીત બંસી નાછૂટકે કારણ જણાવે છે તે ઘણું ચોંકાવનારું છે. બંસી અગાઉ જ્યાં રહેતો હતો ત્યાં સામેના બ્લોકમાં યુવાન છોકરી-છોકરો અને એક વૃદ્ધ માજી રહેતાં હતાં. છોકરો આખો દિવસ બહાર રહેતો. માજી બહારની ખુરશીમાં બેસી રહેતાં. છોકરી ભાગ્યે બહાર નીકળતી અને ક્યારેક જ જોવા મળતી. બંસી પોતાની કામવાળી દ્વારા એ છોકરી વિશે જાણવા માગે છે, કારણ કે તે પેલી છોકરીના બ્લોકમાં પણ કામ કરવા જતી હોય છે. કામવાળી જણાવે છે કે એ છોકરી પરણવાની નથી, તે ભણેલી ગણેલી છે અને એનું સમગ્ર ધ્યાન ધર્મ અને ભક્તિમાં છે. સંસારમાં એનું મન નથી. બંસીને આ વાતનું અચરજ થાય છે અને ખાસ વિશ્વાસ આવતો નથી. તેને એમ થાય છે કે એ યુવતી પણ કોડભરી હશે. એ પછી બંસી એક અખતરો કરે છે, દરરોજ તે યુવતીની નજર પડે એ રીતે બેસતો હોય છે અને એની સામે જોયા કરે છે. ધીમે ધીમે બંસીના આશ્ચર્ય વચ્ચે એ યુવતી તેનામાં રસ લેતી હોય એવું અનુભવાય છે. એક વાર બંસી શાકમાર્કેટ તરફ જાય છે ત્યારે એ યુવતી પણ ત્યાં આવે છે અને બંસીના હાથમાં એક કાગળ પકડાવીને ચાલી જાય છે! પત્ર વાંચીને બંસી ચોંકી જાય છે અને તરત જ એ મકાન ખાલી કરીને ચાલી જાય છે. આટલી વાત વાર્તાકથકને બંસી કહે છે પછી પોતાની પાસે સાચવી રાખેલ પત્ર વાર્તાકથક સામે ધરે છે એ પત્રમાં યુવતીએ પોતાની પરિસ્થિતિનો ચિતાર આપ્યો હોય છે અને બંસીની સામે તેણે એક રીતે તો લગ્નનો પ્રસ્તાવ જ મૂક્યો હોય છે અને પોતાની ગરીબીને કારણે પોતે પરણી શકે એમ નહોતી, એટલે પોતે ન પરણવાનો નિર્ણય લીધો હતો! બંસી એના જીવનમાં આવીને તેને આ સ્થિતિમાંથી બહાર કાઢી શકે એમ છે એવો ભાવ તેણે વ્યક્ત કર્યો હતો અને લિખિતંગ – તમારી દાસી એમ લખ્યું હતું! આમ, પરિણીત બંસીનો અખતરો સાચે જ ભૂંડો સાબિત થાય છે. અહીં પણ આખરે તો માનવમનની ગલીકૂંચીને તાગવાનો જ લેખકનો પ્રયાસ બર આવ્યો છે એમ કહી શકાય.

૮. સુખદુઃખનાં સાથી

Sukh Dukh-na Sathi by Pannala Patel - Book Cover.jpg

‘સુખદુઃખનાં સાથી’ વાર્તાસંગ્રહ ૧૯૪૦માં પ્રકાશિત થયો હતો. આ વાર્તાસંગ્રહમાં ૧૫ વાર્તાઓ સંગ્રહિત થઈ છે. સંગ્રહની પ્રસ્તાવના ગાંધીયુગના જાણીતા વાર્તાકાર અને વિવેચક રામનારાયણ વિશ્વનાથ પાઠકે લખી છે. પ્રથમ વાર્તા ‘સુખદુઃખનાં સાથી’માં લેખકે સમાજના એકદમ નીચલા થરના વર્ગની – ભીખ માગીને જીવનનિર્વાહ કરતાં ચમનો અને જમનીની સ્નેહકથા આલેખી છે. ચમનો પગે લંગડો છે અને જમની આંધળી છે. બંને દેવસ્થાનોની બહાર ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવે છે. અનાયાસે બંનેનો પરિચય થાય છે જે ધીમે ધીમે પ્રેમમાં પરિણમે છે. પછી તો બંને પોતાનો સંસાર માંડે છે. સતત એકબીજાના સુખ અને દુઃખનો વિચાર કરે છે. લેખકે આખી વાર્તામાં ભિક્ષુક વર્ગનું સજીવ વર્ણન કર્યું છે. સાથે રહેતાં હોય છે ત્યારે ચમનાને થાય છે કે જમનીના અંગ પર સરખાં કપડાં પણ નથી. એમ વિચારી તે જમની માટે સાડી લેવાનો વિચાર કરે છે ત્યારે જમની ચમનાને પણ સારાં કપડાં નથી એ વાતે ફરિયાદ કરીને ‘લાવે તો બંને માટે લાવ’ એમ કહે છે. આમ એમનો સંસાર અનેક તકલીફો વચ્ચે પણ સારી રીતે ચાલે છે. એક વાર ચમનાને તાવ આવે છે, એનું ડીલ આખું તાવથી ધગધગે છે. જમની તેને બે ગોદડી ઓઢાડીને ‘ભીખ માગવાની નોકરીએ’ જાય છે તો રોજની જગ્યા પરથી તેને ઉઠાડી મૂકવામાં આવે છે કારણ કે ત્યાંથી ગવર્નરસાહેબની સવારી નીકળવાની હોય છે અને અંધ જમનીને રોજના રસ્તા કરતાં બીજા રસ્તા તરફ ધકેલી દેવામાં આવે છે. ચમનાની ચિંતા કરતી કરતી તે આગળ વધે છે. બીજી બાજુ તાવથી ધગી રહેલો ચમનો જમની આવી ન હોવાથી તેને શોધવા નીકળી પડે છે. એનું ડિલ તો તાવથી ધગધગતું હોય છે તેવી સ્થિતિમાં પોલીસવાળા એને ધક્કે ચડાવે છે. એને જમની મળતી નથી. દરમિયાન જમની રોજના એમના વસવાટે જઈને તપાસ કરે છે પણ ચમનો મળતો નથી. આખરે નારંગી વેચતા એક મુસલમાનને તે ચમના વિશે પૂછે છે, ત્યારે જાણવા મળે છે કે એ તો મરી ગયો છે અને એનું મડદું હમણાં જ મ્યુનિસિપાલિટીવાળા લઈ ગયા છે. આમ, સમાજના એકદમ કચડાયેલા અને ઉપેક્ષિત વર્ગની વ્યથાનું કરુણ પરંતુ વાસ્તવિક વર્ણન આ વાર્તામાં છે. એક વાર્તાકાર તરીકે પન્નાલાલ પટેલ સાહિત્યમાં સર્વજ્ઞ અને આત્મકથનાત્મક કથનકેન્દ્રનો ઉપયોગ કરે છે. ‘ચપળા’ વાર્તામાં આત્મકથનાત્મક કથનકેન્દ્ર છે. આ વાર્તામાં ચપળા નામની એક યુવતીને કેન્દ્રમાં રાખીને આખી વાત થઈ છે. વાર્તાકથકને એક વાર એક કથામહોત્સવમાં ચપળાનો પરિચય થાય છે. પરિચય આગળ વધે છે. પરિણીત ચપળા ‘શા માટે પિયરમાં રહે છે અને તેના ચહેરા પર દુઃખ કેમ લીપાયેલું રહે છે તે વાર્તાકથક માટે જિજ્ઞાસાનો વિષય છે.’ પરિચય વધતાં એક વાર તે ચપળાને આ અંગે પૂછે છે. એ પછી ચપળા પોતાના લગ્નના દિવસથી લઈને પતિના ઘરેથી કાયમ માટે પાછી આવવાની ઘટના વર્ણવે છે. આ આખી વાત ઘણી જ કરુણ છે, પરંતુ વાર્તામાં એને કારણે જ રસ જળવાઈ રહે છે. ચપળાનો પતિ વેપારી છે, તેનો એક મિત્ર છે, જે સુખી અને સંપન્ન છે. પોતાના ઘરમાં તેનું વારંવાર આવવું ચપળાને પસંદ નથી. ચપળાના પતિના કહેવા મુજબ તે મિત્રનું તેના પર ઘણું ઋણ છે. એ પછી તે મિત્ર જરૂર કરતાં વધારે છૂટ લેતો અનુભવાય છે એટલે ચપળા નારાજ થઈ જાય છે અને એનો સંગ છોડી દેવા કહે છે, પરંતુ પતિ મિત્રને ત્યાગી શકે એમ નથી. મિત્ર સાથે પતિ દારૂની મહેફિલ પણ કરે છે, જે ચપળાને જરાય ગમતું નથી. એવી જ એક રાતે દારૂની મહેફિલ પછી પતિનો મિત્ર બીમાર હોવાનો ઢોંગ કરે છે. ચપળા એના પ્રત્યે દયા દાખવીને રાત્રે એના રૂમમાં જાય છે. દેવામાં ડૂબેલા પતિને એ મિત્ર મદદ કરી શકે એમ છે, પરંતુ એને માટે તે ચપળાના દેહની માંગણી કરે છે. ચપળા સમયસૂચકતા દાખવીને એમ જણાવે છે કે તમે અમારું બધું દેવું માફ કરી દેશો અને દુકાનમાં અડધો ભાગ રાખી દેશો એ પછી હું તમારી માંગણી પૂરી કરીશ! લંપટ મિત્ર તરત કોરો ચેક કાઢીને તેમાં ૩૦ હજારની રકમ ભરી દે છે. ચપળા માટે આ અનપેક્ષિત સ્થિતિ હતી એટલે તે ત્યાંથી છટકવાનો પ્રયત્ન કરે છે અને તેને અપશબ્દ પણ કહે છે. જોકે સવારે સ્થિતિ જુદી હોય છે સવારે જ્યારે ચપળા જાગે છે ત્યારે પતિ અને તેનો મિત્ર કશીક ગપસપ કરી રહ્યા હોય છે. મિત્ર એમ કહી રહ્યો હોય છે કે દારૂના નશામાં મેં ભૂલથી આ ચેક લખી દીધો હતો અને ભાભીએ મારી સાથે બળજબરી કરી છે, પરંતુ મારી ભૂલ હોઈ સ્વીકારું છું. એટલે પતિ ચપળાને ઘોડાગાડીમાં બેસાડીને પિયર વિદાય કરી દે છે અને સાથે ૩૦,૦૦૦નો ચેક પણ આપી દે છે! વાર્તા માંસલ કથાનક ધરાવે છે, સાથેસાથે જીવનની કડવી વાસ્તવિકતાનો ચિતાર પણ આપે છે. જોકે, આ વાર્તા સરેરાશ વાર્તાથી ઉપર ઊઠી શકતી નથી એમ કહી શકાય. ‘પન્નાની તસવીર’ વાર્તા પણ ‘હું’ના કથનકેન્દ્રથી લખાઈ છે, જેમાં વાર્તાકથક અમીન કોઈ રજવાડાને ત્યાં મિત્ર કેકી સાથે મહેમાન થયો છે. જંગલમાં ફરીને આવ્યા પછી યજમાન કુમારસાહેબ સાથે બંને મિત્રો શરાબ પીવા બેસે છે. એ વખતે વાર્તાકથકની નજર સામેની ભીંત પરની એક તસવીર પર પડે છે, જે એક સુંદર યુવતીની છે, વાર્તાકથક અમીનને એ ચિત્રમાં રસ પડે છે અને તે કોણ હશે એ જાણવાનું કુતૂહલ જાગે છે. એ પછી કુમારસાહેબ તે યુવતી અંગે જણાવે છે કે એનું નામ પન્ના છે અને તે તેમના મામાની રખાત હતી. જેને જંગલ વિસ્તારમાં એક બંગલો તેમણે અપાવ્યો હતો. વિલાયતથી આવ્યા પછી કુમારસાહેબની એની સાથે મુલાકાત થયેલી. તેઓ એકબીજામાં રસ લેતાં થયેલાં. પન્ના તેમની સાથે જંગલમાં ફરવા પણ જતી. પન્ના પોતે દિલ્હીથી આવેલી અને એનાં માતાપિતા કોણ છે એ વિશે અજાણ હતી. વાસ્તવમાં તો તે એક ત્યજાયેલી બાળકી હતી અને નાયિકાએ તેનો ઉછેર કરેલો. ત્યાર બાદ કુમારના મામા તેને ખરીદીને લાવ્યા હતા. કુમાર સાથે પન્નાના સંબંધો એકદમ નિર્દોષ હતા એવું કુમાર જણાવે છે પરંતુ તેમના વધતા અને વિકસતા લાગેલા સંબંધને મામી જીરવી શકતાં નથી અને મામાને ફરિયાદ કરે છે. ગુસ્સે થયેલા મામા તેને ખૂબ જ બૂરી રીતે મારી નખાવે છે. લેખકે સૂઝપૂર્વક પન્નાના મૃત્યુનું વર્ણન કુમારસાહેબ પાસે ન કરાવતાં એક નોકર પાસે કરાવ્યું છે એટલે કે કુમારસાહેબ એના મૃત્યુને સ્વીકારી શકતા નથી. કુમારના મામા દ્વારા પન્નાને નિર્વસ્ત્ર કરીને એક કોથળામાં પૂરીને આસોપાલવની ડાળી પર લટકાવીને કોથળામાં કાચંડા નાખીને એકદમ પીડાદાયક મૃત્યુ આપવામાં આવે છે. લેખકે સંવાદની પ્રયુક્તિ ખપમાં લઈને વાર્તા આગળ ધપાવીને પન્નાના વ્યક્તિત્વને ઉઠાવ આપ્યો છે. ચોથી વાર્તા ‘ઘડાતો તલાટી’માં અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં નોકરી કરતા તલાટીની વાત છે. આ વાર્તા પણ ‘હું’ના કથનકેન્દ્રથી લખાયેલી વાર્તા છે. રાજાસાહેબના હુકમથી નવો તલાટી વેરો ઉઘરાવવા એક ગામમાં જાય છે. રાજાસાહેબને એના કામથી સંતોષ નથી. એનું કારણ એ છે કે નવો તલાટી સારી રીતે વેરો ઉઘરાવી શકતો નથી. એટલે આ વખતે આ નવો તલાટી મક્કમતાથી જાય છે. તેની પોતાના ઘરની આર્થિક સ્થિતિ પણ બહુ સારી નથી. એને માટે નોકરી ખૂબ જ અગત્યની જરૂરિયાત છે, એટલે આ સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિ પર લેખકે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રસ્તામાં ગામની નજીક જ તલાટીને કોઈ સ્ત્રીના રુદનનો અવાજ સંભળાય છે. એ રડતાં રડતાં જે કંઈ બોલે છે એના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે તેનો પતિ હાલ જ મૃત્યુ પામ્યો છે. ગામમાં ગયા પછી ગામેતીને બોલાવીને વેરો ઉઘરાવવાની પ્રક્રિયા શરૂ થાય છે, જોકે, દુકાળિયું સૂકું વરસ હોવાથી ત્રણ-ચાર જણ વેરો ભરે છે. એ પછી નથ્થુખાન સાહેબને કડક થવાની સલાહ આપે છે. નવો તલાટી કડક પણ થાય છે. એમ કરતાં બીજા દિવસથી સાંજ સુધીમાં માત્ર બે જણનો વેરો ભરવાનો બાકી રહે છે, જેમાં એક વ્યક્તિ તો ગામના ઉતાર જેવી છે એ તો ગમે ત્યાં ખાતર પાડીને પણ વેરો ભરી દેશે એવો નથ્થુખાનને વિશ્વાસ હોય છે. જ્યારે બીજી વ્યક્તિ તે પેલી આજે જ વિધવા થયેલી સ્ત્રી હોય છે. એ સ્ત્રીને બોલાવવામાં આવે છે. એની પાસે આપવા માટે કશું જ નથી માત્ર એક બળદ છે. એના પતિના મરણનો શોક હજુ તાજો છે. એને શિરે જવાબદારીનો પાર નથી. ગામેતી પણ એ સ્ત્રીનો બચાવ કરતાં કહે છે કે આવતા વર્ષે ભેગો વેરો ભરી દેશે. બીજી બાજુ નવો તલાટી રાજાસાહેબનો રોષ વહોરવા તૈયાર નથી. એટલે તે નથ્થુખાનને કડક થઈને કાર્યવાહી કરવાનો આદેશ કરે છે અને પોતે ત્યાંથી બહાર નીકળી જાય છે. આ ડુંગરાળ પ્રદેશમાં નોકરીએ આવ્યા ત્યારથી તલાટીને જરાય આનંદ નથી, પરંતુ તેના એક કવિમિત્રએ પ્રકૃતિનો આનંદ લૂંટવાનું કહ્યું હતું. અત્યારે એ ચાલતો ચાલતો નીકળે છે. પ્રકૃતિનો આનંદ પામવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે, કારણ કે બીજી બાજુ પેલી સ્ત્રીની પીડા તેને સંભળાય છે. થોડી વાર પછી તે પેલી સ્ત્રીના ઘર આગળ જઈને ઊભો રહે છે. તે એના પગમાં પડીને વિનંતી કરે છે કે મારો વેરો આટલા વર્ષ માટે માફ કરો. તલાટી એમ કહે છે કે, “તારો વેરો આવી ગયો. બળદને ન વેચતી!” અને પોતાના ઉતારા તરફ આવીને ચોપડામાં સ્ત્રીના ખાનામાં વેરો ભરાઈ ગયાની નોંધ કરે છે ત્યારે નથ્થુખાનના આશ્ચર્યનો પાર રહેતો નથી. પોતાના અનુભવ મુજબ તેને એમ લાગે છે કે નવા તલાટી પેલી સ્ત્રીથી ભોળવાઈ ગયા છે. પન્નાલાલ ખાસ કરીને રોમેન્ટિક વાર્તાઓ માટે જાણીતા છે, પરંતુ કેટલીક સામાજિક-આર્થિક સમસ્યાને સ્પર્શતી વાર્તાઓમાં તેઓ સમાજની ભીષણ પરિસ્થિતિનું વર્ણન કરે છે ત્યારે તેઓ મૂઠી ઊંચેરા વાર્તાકાર સિદ્ધ થાય છે તેવું આ વાર્તા વાંચીને કહી શકાય. ‘અંબુ’ વાર્તા પણ નાયકપ્રધાન છે, જેમાં અંબુના વસુ સાથેના પ્રેમસંબંધનું નિરૂપણ છે. અલબત્ત આ એકદમ સપાટી પરના પ્રેમનું આલેખન નથી, પરંતુ પ્રેમની સંકુલ પરિસ્થિતિનું વર્ણન છે. અંબુ એક સહૃદય અને સુશિક્ષિત યુવક છે જે આઝાદીની ચળવળોમાં પણ સક્રિય છે. તે આર્થિક રીતે સામાન્ય ઘરનો છે. બીજી તરફ વસુ એ શ્રીમંત ઘરની યુવતી છે. શરૂઆતમાં અંબુને એમ હોય છે કે પોતાની ઓરડી જોઈને વસુ આપોઆપ પોતાનાથી દૂર થઈ જશે, પરંતુ એવું થતું નથી. ઊલટાની વસુ તેને એક જગ્યાએ ટ્યૂશન અપાવીને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે. ચળવળમાં ભાગ લેવાને કારણે અંબુ જેલમાં જાય છે. જેલમાં પણ તેને વસુનું સ્મરણ રહે છે. એ પછી થોડાક સમય વસુ સાથે મુલાકાત થતી નથી. એક વાર અચાનક એને સમાચાર મળે છે કે વસુ શહેરમાં પાછી આવી છે ત્યારે અંબુ તેને મળવા જાય છે, પરંતુ આ વખતે એને જુદો જ અનુભવ થાય છે. અંબુ તેને ઠંડો આવકાર આપે છે, તેમજ અગાઉની જેમ ‘ચાલો, મારા અભ્યાસખંડમાં’ એવું કહેવાનું પણ ટાળે છે અને ઉપરછલ્લી રીતે વાતચીત કરે છે. તે વખતે એક શૂટબૂટમાં સજ્જ એક યુવક ત્યાં આવે છે. તેનો પરિચય વસુના જીવનસાથી તરીકે આપવામાં આવે છે. થોડાક સમય બાદ તેમનાં લગ્ન પણ થવાનાં હોય છે. અંબુ તરત જ ત્યાંથી વિદાય માગે છે. એ પછી વસુનાં લગ્ન ભવ્ય રીતે થાય છે. અખબારોમાં વરઘોડો ક્યાંથી નીકળશે એ અંગેના સમાચાર આવે છે. અંબુ તેનો સાક્ષી પણ બને છે. એ વસુને ભૂલવા પણ મથે છે અને એ પછી તે મજૂરોના કલ્યાણના કાર્યમાં સક્રિય થાય છે. અનેક વાર જેલવાસ પણ ભોગવે છે. સમાજના નીતિનિયમોને તે ઠેબે ચડાવે છે. અનેક સ્ત્રીઓ સાથે તેનો પરિચય થાય છે. તેનો સ્વભાવ વિદ્રોહી બની જાય છે. થોડાક સમય બાદ એક વાર વસુ તેને મળી જાય છે. અંબુ તેને તેના લગ્નજીવન વિશે પૂછે છે, સામે વસુ પણ અંબુની સ્થિતિ જાણવા માંગે છે. અંબુ કહે છે કે પોતે લગ્ન કરવાનો નથી, લગ્ન વિના જ જો બધું રહેતું હોય તો લગ્ન કરવાની શી જરૂર છે, એવું વિધાન પણ કરે છે. એ પછી બંને મેદાનના એક ખૂણે બેસે છે ત્યારે વસુ એની નિકટતા ઇચ્છે છે અને કહે છે, “તમે પહેલાં તો આવા નહોતા!” જોકે એ પછી અંબુ એકદમ ઊભો થઈ જાય છે અને ડ્રાઇવરને ગાડી લાવવા માટે કહે છે. ત્યારે વસુનો નિઃશ્વાસ પણ તેને સંભળાય છે. વાસ્તવમાં વસુ અંબુને કેવા પ્રકારનો જોવા ઝંખતી હતી એવા પ્રકારનો અંબુ હવે થયો છે એવો ભાવ વાર્તાના અંતે પ્રગટ થાય છે. ઝરમર ઝરમર વરસાદ આવે છે. આકાશમાં વીજળીના કડાકા-ભડાકા થઈ રહ્યા છે. અમે સૌ વરસાદમાં નાહીએ છીએ. વૃક્ષો પવન અને વરસાદથી ઝૂમી ઊઠે છે. પશુ-પક્ષી પણ ખુશ ખુશ દેખાઈ રહ્યાં છે. ‘પોપટ’ વાર્તામાં ઑફિસમાં કામ કરતો પોપટ બીજા મિત્રોના ચઢાવામાં આવીને પોતે સંગીતકાર બની શકે એમ છે, એમ માનીને સંગીતકાર બનવા માટેની સાધના શરૂ કરે છે જેને ઑફિસના મિત્રો હસવામાં જ લે છે. વાસ્તવમાં પોપટ પાસે જન્મજાત સારો રાગ નથી, પરંતુ તેનો એક મિત્ર ઠાકોર તેને સંગીતકાર બનવા ઉશ્કેરે છે અને કહે છે કે તું જરા ગળાને કેળવે તો રેડિયો પર પણ તને સંગીતકાર તરીકે બોલાવે અને માસ્ટર વસંત કરતાં પણ તું સારો સંગીતકાર બની શકે! પોપટ એ પછી તો હપ્તેથી હાર્મોનિયમ પણ ખરીદી લાવે છે. પત્નીને પતિનો આ છંદ જરાય પસંદ નથી કારણ કે દૂધના પૈસામાં કાપ મૂકીને હાર્મોનિયમના હપ્તા ભરવા એ નિમ્ન વર્ગની ગૃહિણીને પોસાય એમ નથી પરંતુ પતિના છંદ આગળ તે લાચાર રહે છે. થોડાક સમયમાં તો પત્ની ઉપરાંત આડોશીપાડોશી પણ પોપટની આ સંગીત માટેની ઘેલછાથી તંગ આવી જાય છે. ઑફિસમાં હેડ ક્લાર્ક પણ તેના કામમાં ખામી કાઢીને ધમકાવે છે છતાં પણ પોપટ સમજી શકતો નથી પરંતુ બીજા એક સમારંભમાં પોપટ હાર્મોનિયમ લઈને ગળું ફુલાવીને જ્યારે ગાય છે ત્યારે તેની બરાબરની મજાક ઉડાડવામાં આવે છે. આનાથી તે ગુસ્સે થઈ જાય છે અને કોઈને સંગીતની ગતાગમ નથી એમ માનીને ઘર તરફ ચાલવા લાગે છે, એ ઘરે પહોંચે છે ત્યારે પત્નીને પણ કહી દે છે કે હવે પછી હું કોઈ દિવસ સંગીત અને સાધના કરવાનો નથી. ક્યારેય ગાવાનો નથી. પત્ની પણ તેની પાસેથી આખો પગાર માગી લે છે અને હાર્મોનિયમનો હપ્તો ભરવાની ના પાડે છે તેમજ હાર્મોનિયમ પાછું આપી દેવાની જીદ કરે છે. આમ, આ વાર્તામાં પન્નાલાલની બીજી વાર્તાઓ કરતાં જુદા પ્રકારની હળવાશ છે, પરંતુ તેમાં રહેલું રમૂજનું તત્ત્વ પણ અમુક અંશે કરુણ નિષ્પન્ન કરે છે એમ કહી શકાય. ‘ધણીનું નાક’ વાર્તામાં નવોઢા ઝવેર સાસરીમાં આવ્યા પછી લગભગ દરરોજ પતિ વાલાના હાથનો માર ખાય છે. એનાં બે કારણો લેખકે ગણાવ્યાં છે, એક તો ઝવરીનું રૂપ અને બીજું વાલાને પોતે થયેલા અનુભવોમાંથી સ્ત્રી જાતિ પ્રત્યે તેને અવિશ્વાસ થઈ ગયો છે. ઝવેર પણ દુઃખ સહન કર્યા કરે છે. પતિ એને મેળે પણ લઈ જતો નથી. કોઈ બીજી સ્ત્રીને બંગડી અપાવે છે, પણ પત્નીને અપાવતો નથી! બીજી સ્ત્રીઓ સાથે ઝવરીને ગરબે પણ ઘૂમવા દેતો નથી. એના પિતા પણ એકાદ વાર જમાઈને ઠપકો કરવા આવે છે, પરંતુ વાલો તેમનું પણ મોં ચૂટી ખાય છે એટલે ઝવરને કોઈ આશરો નથી. આ સ્થિતિમાં ગામના મુખી દલાકાકા થોડા સેવાના ભાવ અને થોડા સ્વાર્થના ભાવે ઝવરને કહે છે કે આના હાથનો માર ખાવા કરતાં તારે બીજું ઘર માંડવું જોઈએ. પહેલાં તો ઝવર ડરની મારી હા નથી પાડતી, પરંતુ એક તબક્કે એનો વિચાર ફરે છે અને તે વાલાને પડતો મૂકીને બીજે ઠેકાણે ઘર માંડવા તૈયાર થઈ જાય છે. દલાકાકાની સૂચના પ્રમાણે એક રાતે તે બેત્રણ માણસો સાથે ઘર અને ગામ છોડી જાય છે અને પરગામમાં કોઈનું ઘર માંડી પણ દે છે. આ બાજુ ધણીપણું કરવા ટેવાયેલા વાલા માટે આ ઘટના ભારે પીડાદાયક છે. તેના અહંકારને ઠેસ પહોંચે છે. તેના એકબે મિત્રો તેને ઉશ્કેરે છે અને કહે છે કે એનું નાક વાઢે તો ખરો! એટલે મિત્રોની સાથે ત્રણ ગાઉ દૂર આવેલા ગામમાં તેઓ પહોંચે છે અને માથે નાનું પૂરેટું મૂકીને ખેતરમાંથી પાછી ફરી રહેલી ઝવરને મારવા માટેની તૈયારી કરે છે. બે મિત્રો વાલાને છરો લઈને આગળ વધવા કહે છે. કોઈ સમસ્યા થશે તો અમે સીટી મારીશું એમ પણ સધિયારો આપે છે. વાલો આગળ તો વધે છે પરંતુ આજે એને ઝવર માટે જુદો જ ભાવ જાગે છે. તેના માથે નાનકડું પોટકું હતું એ જોઈને તેને ઝવરના નવા ઘરનો ખ્યાલ આવે છે કે ઘર પ્રમાણમાં મારા ઘર કરતાં ઘણું જ નબળું છે. આમ છતાં ઝવરના ચહેરા પર એક પ્રકારની સુખની લાલિમા છે. એ જોઈને એને પોતાના કર્યા બદલ પસ્તાવો થાય છે અને એ તો બિચારી કહેતી જ હતી, પણ હું ન માન્યો અને મેં આ પત્નીને ગુમાવી તેવો દંશ એ અનુભવે છે એટલે એ હુમલો કરી શકતો નથી. આથી રોષે ભરાયેલા તેના બે મિત્રો તેને ‘બાયલો’ કહે છે, પરંતુ એમની બાજી અવળી પડે છે. વાલો એ બંનેને પડકાર ફેંકતાં કહે છે કે તમે મને બાયલો માનો છો પરંતુ ખરા મરદના બચ્ચા હોવ તો આવી જાવ! તમે બે અને હું એકલો! ‘મર્દાઈ સ્ત્રીને મારવામાં નથી એવો પાઠ એ અનુભવે શીખ્યો છે’ તે ઝવરને કહે છે કે ‘તું તારી ચાલી જા!’ આમ, વાર્તામાં વાલાના પાત્રનું જે રૂપાંતર થતું લેખકે બતાવ્યું છે એ કાબિલેદાદ છે. ‘ભાભી’ વાર્તાસંગ્રહની સૌથી જુદી પડતી વાર્તા છે, એમાં વાર્તાકથક ‘હું’ પોતે ભાભીની વાત કરે છે જે તેર-ચૌદ વર્ષનો કિશોર છે. પન્નાલાલની બીજી વાર્તાઓમાં વાર્તાકથક ‘હું’ની વાર્તામાં ખાસ ભૂમિકા હોતી નથી માત્ર વાર્તાને આગળ ધપાવવા પૂરતી જ તેની ભૂમિકા હોય છે. અહીંયાં વાત જુદી છે. અહીંયાં તો ભાભીની ઓથમાં ઊછરેલો સદા નામનો કિશોર ભાભીના ગુણ ગાય છે. એમાંથી ભાભીનું સુરેખ ચિત્ર ઊપસે છે. ભાભીના સદાના મામા સાથેના ખાસ પ્રકારના સંબંધોનું વર્ણન પણ કિશોરસહજ ભાષામાં થયું છે. કિશોરનાં માતા-પિતા અને ભાઈ ગુજરી ગયા છે જે ગણો એ ભાભી જ છે પરંતુ ભાભીએ તેને કદી માતા-પિતાની ખોટ સાલવા દીધી નથી. મામાનું વાર્તાકથકને ત્યાં આવવું, રોકાવું અને એ વખતે વાર્તાકથક કિશોરને બહાર મોકલી દેવો. આ બધી વાતો સંકેતથી સરસ રીતે કહેવાઈ છે. સુજ્ઞ લેખકે વાર્તાની માંડણી એ રીતે કરી છે કે વાર્તા માત્ર ભાભીનું ચરિત્રચિત્ર ન બની જાય. ભાભી ઉપરાંત વાર્તાકથક અને મામા સિવાયનાં એકાદબે પાત્રો પણ વાર્તાને ગતિ આપવામાં સહાયક સિદ્ધ થયાં છે, જે મામા ભાભીની હયાતીમાં હતા એવા ને એવા મામા ભાભીના અવસાન પછી નથી એની નોંધ કિશોર પણ લે છે. વળી મામા, ‘મામીની હાજરીમાં તારે ભાભીનો ઉલ્લેખ ન કરવો’ એવું સમજાવે છે ત્યારે કિશોર મૂંઝવણ અનુભવે છે. આમ, મામાના ભાભી સાથેના આડા સંબંધોનો સંકેત પણ વાર્તામાં સુંદર રીતે ઝિલાયો છે. ભાભી મરતાં પહેલાં રેવાકાકીને પોતાના સદાની ભલામણ કરીને જાય છે ત્યારે રેવાકાકીએ કહેલું કે એના મામા તો છે જ ને ત્યારે ભાભીએ એમ કહેલું કે, આદમીનો શો ભરોસો? વાર્તાને અંતે કિશોર ભાભીના આ વાક્યને સાર્થક થતું અનુભવે છે. ‘દાણીનું ઘડિયાળ’ એક સામાજિક વાસ્તવને રજૂ કરતી પરંતુ હળવી શૈલીમાં ચાલતી ધારદાર વાર્તા છે. દાણીસાહેબનું ઘડિયાળ એક સવારે તેમને મળતું નથી. પોતે દરરોજ જે જગ્યાએ મૂકતા હતા ત્યાં પણ તપાસે છે. ગામના જ બે ચોકીદાર હતા. ફતાકાકા અને શકનો – તેમને પૂછે છે પરંતુ તેઓ પણ અજાણ છે. રાત્રે સાહેબ ગશ્તમાં ગયા હોય છે કદાચ ત્યાં ક્યાંક પડી ગયું હોય એવી ધારણા બંને ચોકીદાર બાંધે છે, પરંતુ દાણી એ વાત મંજૂર રાખતા નથી. ત્યાં ઉપસ્થિત એક ભીલ યુવક પણ શોધખોળમાં જોડાય છે. બધે તપાસ્યા પછી ઘડિયાળ ચોરાઈ ગયાનું જાહેર થાય છે. એકબીજા ઉપર શંકા જન્મે છે. દાણી બધાને પાર વગરની ગાળો સંભળાવે છે. આખરે મુખી હાજર થાય છે. દાણી મુખીને ઘડિયાળ ચોરાયાની વાત કરે છે. થોડી વારમાં તો ગામના ઘણા લોકો ભેગા થઈ જાય છે. દાણી આખરે એવી ધમકી આપે છે કે જો મારું ઘડિયાળ ન મળ્યું તો હું ફરિયાદ કરીશ અને પછી ઝડપી લેવાશે તો ફોજદારસાહેબ કોઈને છોડશે નહીં. આથી ગભરાયેલા ગામલોકો મુખીના ઘરે ભેગા થાય છે. મુખી વચ્ચેનો રસ્તો કાઢીને દરેક ઘરેથી બે બે ત્રણ રૂપિયા ઉઘરાવીને દાણીને આપવા અંગે વિચારે છે. દાણીના કહેવા પ્રમાણે એમનું ઘડિયાળ રૂપિયા ૨પનું હતું, પરંતુ પોતે રૂપિયા ૨૦માં લાવ્યા હતા. થોડા વાંધાવચકા કાઢ્યા બાદ ગામલોકો પૈસા આપવા સંમત થાય છે. કુલ મળીને ૧૭ રૂપિયા ભેગા થાય છે. દાણીને ૨૦ આપવાના છે, (એમાં મુખી તો પંદર જ કહીને આવ્યા છે. કેમ કે, એમને પણ કટકી કરવાની દાનત છે) પરંતુ મુખીના કહેવા પ્રમાણે પોતે દાણીસાહેબને સમજાવી લેશે. ૧૭ રૂપિયા લઈને મુખી દાણી પાસે જાય છે. અંદર પોતે એકલા જાય છે અને રૂપિયા પંદર દાણી સમક્ષ મૂકે છે અને તમાકુ અફીણના કરીને એક બીજો રૂપિયો ઉમેરીને સોળ રૂપિયા આપીને કહે છે કે સાહેબ આટલામાં માની જાવ! એ પછી દાણી રાજી થઈને પૈસા સ્વીકારે છે અને મુખી પાસેથી એક લખાણમાં અંગૂઠો ચંપાવે છે અને કહે છે કે આ તો માત્ર એક આધાર છે. તમે નિશ્ચિંત રહેજો. આમ જાણે કે ગામ ઉપર આવેલું સંકટ ટળે છે. થોડા દિવસ પછી ગામનો એક છોકરો દાણીને કોઈ કામસર મળવા ગયો હોય છે. તેની નજર અચાનક દાણીની ઘડિયાળ પર પડે છે. ઘરે જવાને બદલે તે સીધો મુખીકાકા પાસે જઈને જણાવે છે કે દાણીસાહેબે એમનું ઘડિયાળ તો પહેરેલું હતું. મુખી અને બીજા બે વડીલો આખી વાતને દબાવી દે છે અને કહે છે કે એ કોઈ બીજું ઘડિયાળ હશે. તું આ વાત કોઈને કહેતો નહીં. જોકે, ગામમાં ધીમે ધીમે આ વાત પ્રસરે છે. શકનો અને ફતાકાકા પણ એકબીજાને મળે છે. શકનો જણાવે છે કે દાણીનું ઘડિયાળ તો ખરેખર ચોરાયું જ નહોતું. ચોરનાર તો એ પોતે જ હતો ત્યારે ફતાકાકા કહે છે કે હવે આ વાતને આટલે જ દાબી દેજો નહિ તો દાણી ફરીથી ઘડિયાળ પાછો મૂકી દેનાર ચોર કોણ હતો? એમ કહીને એને શોધવા માટે બધાને ધંધે લગાડશે. આમ અહીં સત્તાતંત્ર અને અધિકારીઓ ભોળા ગામલોકોનું શોષણ કેવી રીતે કરતા હતા તેનું સજીવ નિરૂપણ પન્નાલાલ પોતાની વાર્તામાં આપે છે. એક સામાન્ય જણાતા મુદ્દાને વિકસાવીને પન્નાલાલ અજબ કલાસૂઝથી વાર્તા સિદ્ધ કરે છે. ‘ખાલી ફેરો’ દ્વારકામાં યૌવનના નાજુક ભાવોનું સુંદર આલેખન છે. બંગડીની ફેરી કરતો એક ફેરિયો જેનું નામ પાછળથી ગંભીરચંદ છે તેવી વાચકને ખબર પડે છે. તેની પાસે એક પરિણીત યુવતી ખાસ પ્રકારની બંગડીની એક જોડ મંગાવે છે, ફેરિયો તેના પર ઓળઘોળ થઈ જાય છે અને તેને માટે ખાસ ધક્કો ખાઈને એણે માંગી હતી એ પ્રકારની બંગડીની બે જોડ લાવે છે. પેલી યુવતી પાંચ આના આપીને એમાંની એક જોડ ખરીદી લે છે અને ફેરિયાનો આભાર માનીને અંદર જતી રહે છે. ફેરિયાના બધા અરમાનો કડડભૂસ કરતા તૂટી પડે છે પરંતુ તેને તેના પ્રત્યેનું આકર્ષણ જ્યારે ઓછું થતું નથી તેથી વારંવાર તે ચાલીમાં જઈને ‘બંગડી લો’ની બૂમ પાડ્યા વિના રહેતો નથી. એકવાર તેને એ સ્ત્રીનો પતિ ધમકાવીને કાઢી પણ મૂકે છે કે ટૂંકા પગારમાં પાંચ રૂપિયાની બંગડી ખરીદીને પછી એ જે કામ કર્યું છે તેના પ્રત્યેનો અણગમો એ રીતે વ્યક્ત કરે છે. એ પછી થોડા દિવસ બાદ ફેરિયાને તે યુવતીના ઘરની બહાર બીજો એક યુવાન બેઠેલો જોવા મળે છે અને તેમની વચ્ચેના સંવાદ પરથી ખબર પડે છે કે આ યુવાન એ સ્ત્રીનો પ્રેમી છે. તેઓ આ ભવમાં એક થઈ શક્યાં નથી અને યુવતીને અગાઉ બે બંગડીની ભેટ આપી હતી તે આ યુવાને આપી હતી. તેમાં એક બંગડી તૂટી જવાને કારણે તેણે ઊલટ કરીને ફેરિયા પાસે આ બંગડી મંગાવી હતી. એ દિવસે ફેરિયાને પોતાનું ગામ યાદ આવે છે, ગામની નદી યાદ આવે છે અને ગામની એક વિધવાએ પોતે વતનમાં હતો ત્યારે કાંકરો મારીને તેને આકર્ષ્યો હતો તે વાત યાદ આવે છે. સાથેસાથે એ વિધવાએ જ્યારે આ યુવાન કમાવા માટે અમદાવાદ જવા નીકળ્યો ત્યારે તેણે પૂછેલું તમે એકલા જ જાઓ છો? આજે યુવાન ઝડપથી કરીને રેલવેની ટિકિટ મેળવીને વતનમાં જવા માટે ઉતાવળો બને છે. રસ્તામાં તેને ગામનો એક જણ મળે છે તે જણાવે છે કે ગંભીરચંદ તને હુકમચંદ ક્યારનાયે ખોળે છે. એમનાથી જાન છોડાવીને ગંભીરચંદ રેલવે સ્ટેશને પહોંચે છે પરંતુ ત્યાં હુકમચંદ તેને મળી જાય છે અને તે ગંભીરચંદ માટે એક યુવતીની વાત લાવ્યા છે અને હજાર પંદરસોમાં લગ્નનો જોક થઈ જશે એવી વાત પણ કરે છે. જોકે, ગંભીરચંદને એમાં બિલકુલ રસ પડતો નથી, કારણ કે તેનું ધ્યાન પેલે ગામની વિધવામાં છે અને તે એને મળવા ગામડે જઈ રહ્યો છે. માંડ માંડ ગંભીરચંદ હુકમચંદથી જાન છોડાવવા પૂછે છે કે ગામની બીજી નવાજૂની શું છે તો હુકમચંદ જણાવે છે કે તારી ફળીમાં પેલી મોતીચંદ શેઠની જે વિધવા હતી એણે કાળું કર્યું છે અને ભાગી ગઈ છે, એટલે ગંભીરચંદને ભારે આઘાત લાગે છે ને એ બેસી પડે છે. આમ, અહીં વાર્તાનું ખાલી ફેરો શીર્ષક સાર્થક થાય છે. પેલી રુખી નામની યુવતી પણ મનગમતા પુરુષને પરણી શકી નથી એવી જ રીતે ગંભીરચંદ પણ પોતે જેને મળવા જઈ રહ્યો હતો એ ત્યાં રહી નથી એમ એનો ફેરો ખાલી રહી જવા પામે છે. કપડાંની ફેરી કરનાર યુવકને કેન્દ્રમાં રાખીને વાર્તા લખવાનો પડકાર ઝીલીને લેખક એને સફળ બનાવે છે. ‘ચિઠ્ઠીનો ભેદ’ વાર્તામાં વાર્તાકથક અંબાલાલને સમાજસેવક રાવજીભાઈએ સવારે મળવાનો સમય આપ્યો હોય છે. અંબાલાલ વહેલી સવારે એમના ઘરે પહોંચી જાય છે પરંતુ ઘરે તાળું હોય છે એટલે નિરાશ થઈ જાય છે અને બેસી પડે છે. અચાનક દરવાજાની નીચે જુએ છે તો એક ચિઠ્ઠી પડી હોય છે, તે ખોલીને વાંચે છે. તેમાં લખ્યું હોય છે કે રાહ જોજે હું દશ વાગે આવું છું. અંબાલાલ પોતાને રાવજીભાઈથી ઘણા નજીક માને છે, એટલે આ ચિઠ્ઠી પોતાને માટે જ લખી છે માનીને બેસે છે, એટલામાં એક મિલના સેક્રેટરી પણ ત્યાં આવે છે તેઓ પણ એમ માને છે કે આ ચિઠ્ઠી એમને જ માટે લખી હશે એમ માનીને તેઓ પણ બેસે છે. દરમિયાનમાં ત્રીજા પણ એક ભાઈ રાવજીભાઈની રાહ જોઈને ‘થોડીક વારમાં આવવાના હોય તો મળીને જ જાઉં’ એમ માનીને બેસે છે. આ ઉપરાંત એક યુવતી સુનંદા ખાદીનાં વસ્ત્રોમાં ત્યારે આવે છે અને રાવજીભાઈ અંગે પૂછે છે. અંબાલાલ તેને જણાવે છે કે લાલજીભાઈ ચિઠ્ઠી લખીને ગયા છે. હવે આવવામાં છે, પરંતુ રાહ જોયા વગર પાછી ચાલી જાય છે. મોડેથી રાવજીભાઈ આવે છે. આવ્યા પછી રાવજીભાઈ ત્રણેયમાંથી એકેને મળવાનો સમય આપતા નથી અને આવતી કાલે અથવા તો પછી આવવાનું કહીને ત્રણેયને વિદાય આપી દે છે ત્યારે વાર્તાકથક અંબાલાલના અચરજનો પાર રહેતો નથી. રાવજીભાઈ થોડીક જ વારમાં આવીને રાહ જોવા લાગે છે. વાર્તાકથક અંબાલાલને ખ્યાલ આવી જાય છે. તેને હવે સમજાય છે કે આ ચિઠ્ઠી લાલજીભાઈએ સુનંદા માટે લખી છે. આ અગાઉ વાર્તામાં અંબાલાલને પરણી જવા અંગે પણ રાવજીભાઈએ મુક્ત મને વાત કરી હતી. આમ રાવજીભાઈના વ્યક્તિત્વના સંકુલ પાસાને આ વાર્તા ઉજાગર કરે છે. વાર્તાને અંતે વાર્તાકથક અંબાલાલ રસ્તા વચ્ચે ઊભા રહીને ખડખડાટ હસી પડે છે. ‘રેમુ સિપાઈ’ વાર્તામાં પોલીસની નોકરીમાં સાવ નવો જોડાયેલો રેમુ ઘણો જ સંવેદનશીલ અને પ્રામાણિક છે, પરંતુ ધીમે ધીમે તે કેવી રીતે ભ્રષ્ટ થતો જાય છે તેનું બયાન આ વાર્તામાં સરસ રીતે કરવામાં આવ્યું છે. રેમુ ધીમે ધીમે મતલબી, ભ્રષ્ટ અને નઠોર બનતો જાય છે. તેનું ખૂબ જ કલાકાત્મક રીતે વાસ્તવિક વર્ણન પન્નાલાલે કર્યું છે. એ માટે તેમણે જે જે ઘટનાઓ અને પરિસ્થિતિઓનો આશરો લીધો છે તે એકદમ સટિક છે. શરૂઆતમાં જ અમરસિંહ નામના સાથી દ્વારા ગામડાના એક માણસ પાસે મફતમાં વાલોળ લેવામાં આવે છે ત્યારે રેમુને નવાઈ લાગે છે કે વગર પૈસે કેવી રીતે વાલોળ લઈ શકાય? એ પછી ધીમે ધીમે તેની પ્રામાણિકતા જવાબ દેવા લાગે છે તેનું વર્ણન ખરેખર અદ્‌ભુત છે. રેમુનાં માતાપિતા નાની ઉંમરે મૃત્યુ પામ્યાં છે. તેને મામાએ ઉછેર્યો છે. મામા ફોજદાર હતા એટલે તેમણે તેને પોતાની લાગવગથી જ આ નોકરી અપાવી. છે. પગાર ટૂંકો છે એટલે આજુબાજુનો માહોલ અને ઘરની પરિસ્થિતિ તેને ભ્રષ્ટ બનવા તરફ દોરી જાય છે. અંતે સાહેબોનો સરપાવ મેળવવા માટે ગામડાના ગરીબ લોકો પર જુલમ કરતાં તે વિચારતો નથી અને એટલે સુધી કે ગામડાનો એક વડીલ માણસ એમ કહે છે કે અમલદાર તો ઘણાય જોયા પણ તમારા જેવો કડક કોઈ જોયો નથી! ત્યારે રેમુને એમાં ગૌરવનો અનુભવ થતો લેખક દર્શાવે છે. આ વાર્તા વ્યક્તિ કરતાં સિસ્ટમનો કેટલો દોષ છે તેના તરફ સહજ આંગળી ચીંધે છે અને પન્નાલાલની નીવડેલી વાર્તાઓમાં સ્થાન મેળવે છે. ‘વનબાળા’ વાર્તા મોકલી નામની એક ભીલ કન્યા આસપાસ ફરે છે. માતા નાની ઉંમરે મૃત્યુ પામી છે. પિતાએ તેને લાડ લડાવીને મોટી કરી છે. તે ખરા અર્થમાં વન બાળક છે. તેને નદીમાં નાહવું ગમે છે, જંગલમાં ભટકવું ગમે છે. તે લગ્ન અંગે ગંભીર નથી પરંતુ પિતાના આગ્રહથી શહેરમાં નોકરી કરતા કચરાને પરણવા તૈયાર થાય છે, કચરો પણ તેને પરણવા આતુર હોય છે. બંનેનાં લગ્ન થાય છે, તે કચરાની સાથે મોકલી અમદાવાદ જાય છે. જોકે, તેને ટ્રેનમાં સોરવતું નથી, તેમ ઓરડીમાં પણ બધું બંધ લાગે છે. વતનમાં જે છૂટ હતી તે અહીં નથી. કચરો એને સિનેમા જોવા લઈ જાય છે એમાં પણ તેને શહેરના લોકો જાદુઈ લાગે છે. તેનું નૈસર્ગિક હાસ્ય અને આનંદ છીનવાઈ જાય છે. છ મહિને મોકલી ઘરે આવે છે ત્યારે તેના પિતા તો એનું બદલાયેલું રૂપ જોઈને રાજી થઈ જાય છે ભલે તે સુકાયેલી છે પણ કપડેલતે અને વ્યવહારે થોડી શહેરી બની છે. થોડાક સમય પછી એના પિતાનું અવસાન થાય છે. કચરો સસરાની ઉત્તરક્રિયા સરસ રીતે કરે એ પછી મોકલીનું શહેરમાં મન નથી એમ માનીને મોકલીની રજા લઈને એકલો જ અમદાવાદ જાય છે. હવે પિતા ન હોવાથી મોકલીને સાસરીમાં રહેવું પડે છે. સાસરિયાં એને ખૂબ જ સાચવે છે, કારણ કે તે શહેરમાં રહીને આવી છે અને સૌની લાડકી છે. જોકે થોડાક સમય પછી મોકલીને કામ કરવું પણ ગમતું નથી. તેને એમ લાગે છે કે અહીં વેઠ કરવી અને પોલીસની હાજરી ભરવી અને ત્રાસ વેઠવો એના કરતાં શહેર શું ખોટું છે! તે કચરાને પત્ર લખાવે છે કે હું માંદી પડી છું જલદીથી મને મળવા આવો. કચરો આવે છે વાસ્તવમાં મોકલી માંદી નથી. કચરાને આખી વાત સમજાઈ જાય છે. એ રાતે તેમનો વાસ મોકલીના પિતાને ત્યાં હોય છે, પણ તું શહેરમાં આવીશ એવું કચરો પૂછે છે, ‘ત્યારે તમે એકલા રહેશો?’ એમ કહીને એ જવા માટે તૈયાર થાય છે. લેખકે માનવમનની ગલીકૂંચીને તાગી વાસ્તવિક વાર્તા લખીને સાચી કળાનાં દર્શન કરાવ્યાં છે. ‘ધમકારો’ વાર્તા બદલાતા યુગની વાત જરા રમૂજી શૈલીમાં આપણી સામે મૂકી આપે છે. ગામડાગામમાં પહેલવહેલી એક મોટરકાર આવે છે અને એનો ધમકારો સંભળાય છે. મૂળી ડોશી અંધ છે પરંતુ એમના કાન સાબૂત છે. તેમને પહેલવહેલો ધમકારો સંભળાય છે! પછી તો આખું ગામ હડુડુ કરતું મોટરની આજુબાજુ ગોઠવાઈ જાય છે. સૌને પાર વગરનું અચરજ છે. સૌ માને છે કે આ સત્ય નથી! વગર ઘોડા કે બળદ જોડે કઈ પોતમેળે થોડું ચાલે? એ પછી તો મૂળી ડોશીનો દીકરો ડ્રાઇવરને ડ્રાઇવર સાહેબ કહીને એમને જે ગામ જવું છે ત્યાં મૂકવા રસ્તો બતાવવા માટે ગાડીમાં બેસી જાય છે. અને વળતા ચાલીને પાછો આવી જાય છે. આટલો જલદી પાછો આવેલો જોઈને સૌને થાય છે કે આ માતાજીની મહેરબાની વિના શક્ય ન બને એટલે રાજી થયેલાં મૂળી ડોશી વહુને કંસાર રાંધવાનું કહે છે, અને એ તો વળી એટલે સુધી કહે છે કે મૂઈને એટલુંય ન સૂઝ્યું કે ગામમાં આજે ઉજાણી કરવી જોઈએ! ગામમાં મોટર આવી તે સામાન્ય ઘટના નથી. ડોશીની આ વાત પર બધા હસી પડે છે તેથી ગુસ્સે થયેલા મૂળી ડોશી દીકરાને અને બીજાઓને મારવા દોડે છે ત્યારે બારણાનો ખીલો એમને વાગી જાય છે અને બેભાન થઈ જાય છે! મસ્તીનો માહોલ શોકમાં પરિણમે છે, ડોશી બેભાન થઈ જાય છે. એમની પાટાપીંડી વગેરે ચાલે છે તે દરમ્યાન ગામમાં નાનામોટા જે બનાવો બને છે એમાં પણ ગાડી આવવાથી અપશુકન થયા છે, એવું સૌ માને છે અને મહેમાન મૂળી ડોશી હજુ પણ લવતાં હોય છે કે પહેલો ધમકારો તો મેં સાંભળ્યો હતો. એમ આપણે ત્યાં નવી વસ્તુ વ્યવહારમાં આવતાં પહેલાં જે કૌતુક સર્જાય છે, તેની સરસ વાર્તા પન્નાલાલ આપણને સંપડાવે છે. ‘રીઢાં માથાં’માં અભેસિંગ એક દાસીના પ્રેમમાં છે. દાસીને તે એવું ઠસાવવા માગે છે કે આપણી વચ્ચે ઊંચનીચ જેવું કંઈ નથી, પરંતુ જીવનના કડવા અનુભવ ધરાવતી દાસી જણાવે છે કે અંગ્રેજો અને આપણા કાળા લોકો વચ્ચે જે ભેદ છે, એ તમારી અને અમારા ગોલાઓની વચ્ચે છે. એક વાર અભેસિંગ રજવાડાના કહેવાથી લડાઈમાં જવા તૈયાર થાય છે ત્યારે એની પ્રેમિકા જડાવ એમ કે છે ‘કેમ માથાવાડા ચાલે શું?’ ત્યારે ઉશ્કેરાટમાં અભેસિંગ બોલી પડે છે, ‘માથાં દેવાનું કામ રાજપૂતોનું છે, ગોલાનું કામ નથી સમજી!’ અને આ ઉત્તર જડાવ માટે ડામ જેવો સાબિત થાય છે. જોકે, અભેસિંગને બોલ્યા પછી પસ્તાવો પણ થાય છે કે મારાથી આવું કેમ બોલાઈ ગયું? જોકે, જડાવ તો સણસણતો ઉત્તર આપે છે અને કહે છે, દસ છાપરાંના ગરાસ સાટે કે રાજપૂતાઈ માટે માથાં વઢાવવાનું બીજી કોઈ કોમને સૂઝે પણ ક્યાંથી? અંતમાં અભેસિંગ ઘણો જ ઉદાસ થઈ જાય છે, એના પસ્તાવાનો પાર નથી. ‘ઓળખાણ’ વાર્તામાં પણ માનવમનની સંકુલતાનું નિરૂપણ સુંદર રીતે થયું છે. વાર્તાકથક પોતે શિવજીને એક શેઠને ત્યાં નોકરી અપાવે છે અને એ માટે તેને ઓળખાણ આપવા માટે રૂબરૂ જાય છે ત્યાં શેઠાણી એને આગ્રહ કરીને ચા પીવડાવે છે અને પછી ક્યારેક ક્યારેક આવતા રહેવું એમ જણાવે છે. એ પછી તો શિવજી બરાબર કામ નથી કરતો એમ કહીને પણ શેઠાણી વાર્તાકથક રૂબરૂ મળી જાય એવો આગ્રહ રાખે છે, પછી શેઠાણીની મતિ પર શંકા જન્મે છે. ત્રીજી ચોથી વારની મુલાકાતમાં તો શેઠાણી તેને વળગી જ પડે છે. વાસ્તવમાં ગોપીનાથ શેઠ ઉંમરવાળા છે, એમની તબિયત પણ બરાબર નથી, એ સ્થિતિમાં આ યુવતીએ પોતાની જાતને હોમી દીધી છે. શેઠાણીની અતૃપ્ત ભાવનાઓનું નિરૂપણ લેખકે ખૂબ જ સંયત રહીને આ વાર્તામાં કર્યું છે. ‘બહેનનો અવસર’ વાર્તામાં ફકીરો અને તેની બહેન રાજીની કથા છે. ભાઈબેન નાની ઉંમરે અનાથ બન્યાં છે. ભાઈ જરા મોટો છે તે બહેનની પૂરતી કાળજી લે છે. ઘર દેવામાં ડૂબેલું છે પરંતુ મહેનત કરીને ભાઈબહેન દેવું પણ ભરપાઈ કરવા મથી રહ્યાં છે. ફકીરાને થોડોઘણો સંગદોષ પણ લાગે છે, અને એકાદ વાર મિત્રો સાથે દારૂ પીએ છે. રાજી આ જાણી જાય છે અને તેને સંકલ્પ લેવડાવે છે કે હવે પછી દારૂ નહીં પીએ. જોકે, એ સંકલ્પ તો ઝાઝો ટકતો નથી. દરમિયાન રાજીનું આણું કરવાનો પ્રસંગ આવે છે ત્યારે ફકીરો પોતાના શેઠને ત્યાં જાય છે અને બેન માટે કપડાંની વાત મૂકે છે. શેઠ જરા ઉદ્ધત જવાબ આપે છે એટલે એમને છોડીને બીજા વેપારીને ત્યાંથી તે જરૂરી માલસામાન ખરીદે છે અને બહેનનું આણું કરે છે. વાસ્તવમાં એની પાસે જે દરદાગીનો હતો એ વેચીને જ તે આણા માટેના ખર્ચની જોગવાઈ કરી શકે છે. એ પછી બહેનને પુત્ર પ્રાપ્તિ થાય છે. થોડા સમય પછી એનું (ભાણાનું) લગ્ન કરવાનું હોય છે ત્યારે મામેરાનો પ્રસંગ છે. આ સ્થિતિમાં ફકીરા પાસે કાંઈ કહેતાં કાંઈ નથી. ઠાલા હાથે મામેરામાં જવું એ એને બરાબર લાગતું નથી, એટલે રાત્રે તે પેલા શેઠને ત્યાં ખાતર પાડે છે અને મામેરામાં અવનવી વસ્તુઓ લઈને જાય છે. જોકે તેનો ભાંડો ફૂટી ગયો હોય છે અને મામેરું ભરાઈ રહે છે ને તરત જ પોલીસ આવીને તેને પકડી જાય છે. આ વાર્તામાં ભાઈબહેનના સ્નેહની તો વાત છે, સાથે સાથે પરિસ્થિતિ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે તેનું નિરૂપણ પણ સુંદર રીતે થયું છે. આ વાર્તામાં પન્નાલાલનું સામાજિક આર્થિક દર્શન પણ સુપેરે પ્રગટ થયું છે એમ કહી શકાય. ‘પગડિયા બહુતેરી’ વાર્તામાં સુરેન્દ્ર અને શારદા પતિપત્ની છે. સુરેન્દ્રની માતા તો મૃત્યુ પામી છે. પિતા ગોરપદું કરીને જેમ તેમ નભાવે છે, પરંતુ હવે સુરેન્દ્ર એક શેઠને ત્યાં નોકરીએ પિતાના મિત્ર દ્વારા લાગે છે. જોકે પગાર ઓછો પડે છે અને ખાનારાં ત્રણ થયાં છે એટલે શેઠને ફરીથી રજૂઆત કરવામાં આવતાં શેઠ એને આફ્રિકા મોકલવા તૈયાર થાય છે. નવોઢા પત્નીને છોડીને આફ્રિકા જવું સુરેન્દ્ર માટે મુશ્કેલ તો છે, પરંતુ પોતાના ઊજળા ભવિષ્ય માટે થઈને તે આફ્રિકા જવા તૈયાર થાય છે. પતિપત્ની એકબીજાને નિયમિત પત્રો લખતાં રહે છે, દરમિયાન શેઠે શારદાને કહી રાખ્યું છે કે “તને ન ફાવે તો શેઠાણી જોડે આવીને બેસવાનું રાખ! અને એમને કામમાં મદદ કરવાનું રાખ!” શેઠાણી ઘણા દિવસોથી બીમાર જ રહ્યા કરે છે. જોકે શારદા નિયમિત જતીઆવતી થાય છે ત્યારે શેઠ તેની સાથે વધારે છૂટથી વર્તતા હોય એવો અનુભવ થાય છે. એક-બે વાર તો એ જવાનું બંધ રાખે છે, પરંતુ નિર્દોષ શેઠાણીને શેઠની આ રમતની ખબર નથી એટલે વારંવાર આવીને તેડી જાય છે. એમાં ને એમાં શેઠ અને શારદા વચ્ચે શરીરસંબંધ સ્થપાઈ જાય છે. શારદા સુરેન્દ્રને પત્રો પણ ઓછા લખતી થઈ છે. બંને વચ્ચે પત્રોનો પ્રવાહ ઘટ્યો છે. એવામાં શારદાને ગર્ભ રહી જાય છે, એટલે તે ગભરાય છે અને શેઠને જણાવે છે. પહેલાં તો વ્યંગ કરે છે પરંતુ પછી પોતે પોતાની જવાબદારીમાંથી છટકશે નહીં એમ જણાવે છે. તેઓ ગર્ભપાત માટેની અનેક દવાઓ શારદાને આપે છે. જોકે એનાથી ગર્ભપાત શક્ય બનતો નથી એટલે શેઠ મુંબઈ જઈને ખાસ પ્રકારની પડીકી લઈને આવે છે અને શારદાને ખવડાવી દે છે. થોડા દિવસમાં એને કારણે જ કદાચ શારદાનું મૃત્યુ થાય છે. શારદાએ મરતાં પહેલાં એક પત્ર સુરેન્દ્રને લખ્યો છે. સુરેન્દ્ર આફ્રિકાથી પાછો આવે છે. આ બાજુ શારદાના મૃત્યુના આઘાતમાં સસરા પણ મૃત્યુ પામે છે. સુરેન્દ્ર થોડાક દિવસ એમ જ ફર્યા કરે છે, પરંતુ એક વાર તેને ઘરમાંથી દાગીના મળી આવે છે. તેના પરથી તેને શારદાની આ હાલત માટે શેઠ જવાબદાર છે એવી શંકા પડે છે અને તે જઈને શેઠ પાસે જઈને દાગીનાની પોટલી જોરથી શેઠના માથે મારે છે. શેઠનું મૃત્યુ થાય છે. આમ, જુઓ તો આ વાર્તા એક સપાટી પરની સાદીસીધી કથા છે, પરંતુ તેમાં પણ શેઠની સંકુલ મનોવૃત્તિનું વર્ણન કરવામાં લેખકે જરા પણ ઉતાવળ કરી નથી એમ કહી શકાય. ‘કંકુ’ વાર્તા લેખકની નીવડેલી વાર્તાઓમાંની એક છે. કંકુ પરથી તેમણે વિસ્તારીને નવલકથા પણ લખી છે, તેમજ આ કથા પરથી ગુજરાતી ફિલ્મ પણ ઊતરી છે. પન્નાલાલ એક વાર્તાકાર તરીકે આ વાર્તામાં બરાબરના ખીલ્યા છે એમ કહી શકાય. કંકુનો પતિ ખૂમો ખૂબ જ નાની ઉંમરે મૃત્યુ પામે છે. કંકુને એક દીકરો હીરો છે. જુવાનજોધ કંકુ દીકરા માટે થઈને ક્યાંય નાતરું કરતી નથી અને પોતાના ઘરને ઊંચું લાવવા મથામણ કરે છે. બાજુના મોટા ગામના મલકચંદ શેઠને ત્યાંથી જરૂર પડે પૈસા કે સીધું સામાન લઈ આવે છે. મલકચંદ શેઠને ખૂમામાં વિશ્વાસ હતો, એટલો જ વિશ્વાસ કંકુમાં પણ છે. એટલે જરૂરી ધીરધાર એ જરાય આનાકાની વગર કરે છે. કંકુને હળ કરવામાં પણ મલકચંદ શેઠ મદદ કરે છે. પરંતુ મલકચંદમાં એને વિશ્વાસ છે. મલકચંદ પોતે એકાકી છે. આ તરફ કંકુના દીકરા હીરાને પરણાવવાનો જોગ થાય છે ત્યારે પણ ઘી અને કપડાં આ બધું સીધું સામાન શેઠ જ પૂરું પાડે છે. રોકડ રૂપિયા પણ શેઠ જ પૂરા પાડે છે. જોકે શેઠને ત્યાં એનો આવરોજાવરો બંનેને નજીક લાવી મૂકે છે. એમાં ગોળ તોળતી વખતે અંધાર કોટડીમાં પણ બંને ઘણાં જ નજીક આવી જાય છે. એ પછી દીકરાના લગ્નના આગલા દિવસે પૈસા લેવા કંકુ જાય છે ત્યારે હાથ પરના પૈસા ઓછા પડતાં શેઠ ગોરધન શેઠને ત્યાં પૈસા લેવા જાય છે પરંતુ ત્યાં પણ પૈસાની તાણ છે. પોતાની માતાના કહેવાથી મલકચંદ શેઠ એમના ઘરના ઓરડામાંનાય ઓરડામાં લઈ જાય છે. અને ત્યાં સંતાડેલા પૈસાની કોથળી કાઢવા માટે કંકુને ઉપર ચડાવે છે. એ પછી પોતે પણ ઉપર ચડે છે. કોથળી એકદમ ખેંચી કાઢતાં શેઠ પટકાય છે, કંકુ પણ પટકાય છે અને એમ બંને વધારે નજીક આવી જાય છે. બંને વચ્ચે શરીર સંબંધ સ્થપાય છે. દીકરાનાં લગ્ન તો સરસ રીતે પૂર્ણ થાય છે, પરંતુ કંકુને ઉત્સાહ નથી. પોતે જે ગુમાવ્યું છે, એનો એને રંજ છે. થોડાક દિવસ પછી ગામની સ્ત્રીઓને શંકા પડે છે કે કંકુને ગર્ભ રહ્યો છે! કંકુ જોકે માનતી નથી એ પછી તો બધા એને મનાવે છે અને કોણ માણસ છે એ જાણવા બહુ મથે છે, પરંતુ ખાનદાન કંકુ મલકચંદનું નામ આપતી નથી. ગામના વડીલો કંકુની અને ગામની આબરૂ રાખવા માટે ગામના એક પાંત્રીસ વર્ષના યુવાન કાળુ સાથે કંકુનાં લૂગડાં પહેરાવી દે છે. થોડાક દિવસ પછી કંકુ મા બને છે ત્યારે ગલા ડામોરની ડોશી સંતાનની મોંકળા પરથી જાણી જાય છે કે આ કામ મલકચંદનું છે અને ત્યારે તે ગુસ્સે થતી ઘરે જતાં બોલે છે, “જાહ્‌ રે મલકા જાહ્‌!” તેનું માનવું છે કે જો આ વહેલી ખબર પડી હોત તો મલકચંદના ઘણા પૈસા ખંખેરી શકાયા હોત! કંકુ વાર્તામાં વાર્તાકારે પ્રતીક અને સંકેતો અંગભંગી વગેરે દ્વારા મનની સંકુલતાને સરસ રીતે સિદ્ધ કરી છે. પોતાની સાહજિક કલાસૂઝથી લેખકે અહીં વાર્તાને એક ઊંચો આયામ આપ્યો છે. ‘હસનની શાદી’માં હસન એક લગ્નવાચ્છુ યુવક છે. આમ તો યુવાની હવે જવા બેઠી છે, હિંદુ જિતેન્દ્રમાંથી તે ખ્રિસ્તી જોસેફ થયો છે અને પછી છેલ્લે ઇસ્લામના શરણે ગયેલો બંગાળી છે. વાર્તાકથક સાથે મિલમાં કામ કરે છે. એના જીવનનું એકમાત્ર સપનું લગ્ન કરવાનું છે. જોકે, એના જ્ઞાતિજનો તેને શાદીની લાલચ આપીને રવાડે ચડાવે છે એ સ્થિતિ છે. અગાઉ પણ એ વારંવાર છેતરાયો છે, એટલે બેત્રણ દિવસ પછી તેની શાદી છે ત્યારે વાર્તાકથક તેને સમજાવે છે કે જોજે આ વખતે ફસાતો, પરંતુ શાદીવાચ્છુ હસનને વિશ્વાસ છે કે આ વખતે તો તેનું સરસ રીતે ગોઠવાઈ જશે. બીજી તરફ મૅનેજરસાહેબ તેને પૂરતી રજા પણ આપતા નથી. માત્ર બેત્રણ દિવસની રજા આપે છે. બીજી મિલમાં કામ કરતી કોઈ યુવતી સાથે હસનનો જીવ મળ્યો છે, કારણ કે એ પસાર થતી હોય ત્યારે હસન ઊભો રહીને એને જોયા કરે છે. હસનને આ બાબતે પૂછતાં તે વાતને ટાળી દે છે અને કહે છે કે જોજો કોઈને આ વાત કરતો. ત્રણચાર દિવસ પછી હસન પાછો આવે છે ત્યારે તેના ચહેરા પર લગ્ન કર્યાનો કશો આનંદ જણાતો નથી એટલે વાર્તાકથક તેની પાસેથી જાણવા માંગે છે ત્યારે હસન જણાવે છે કે જ્ઞાતિજનોએ મારી સાથે છેતરપિંડી કરીને મને એક હીજડા સાથે પરણાવ્યો હતો. આમ, હસનની શાદીનો કરુણ અંજામ આવે છે. એ દિવસે હસન સાથે બેઠેલા વાર્તાકથકને પણ મિલના સાહેબ ધમકાવે છે અને કામે વળગવા કહે છે. બીજા દિવસથી હસન મિલ પર આવતો નથી અને પેલી યુવતી પણ દેખાતી નથી. આમ લગ્નની એક સમસ્યામાં રહેલી આંટીઘૂંટીઓને ઉકેલવાનો આ વાર્તામાં સુંદર પ્રયાસ થયો છે. ‘ધન્ય છે’ વાર્તા શ્રમિકોના જીવનને ઉજાગર કરે છે, તેમાં મિલમાં કામ કરતો શંકર ધીમે ધીમે કેવી રીતે દેવામાં ડૂબતો જાય છે તેની વાત છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શ્રમિક વર્ગ દારૂના રવાડે ચડે છે પરંતુ તેના મૂળમાં પણ તેની આર્થિક અને સામાજિક સમસ્યા છે એ ન ભૂલવું જોઈએ. લેખકે આ વાત અહીં સરસ રીતે મૂકી છે. અંતમાં જ્યારે પૈસા ન ભરવા બદલ શંકરને જેલમાં પુરાવું પડે છે ત્યારે એ જે કંઈ ઉદ્‌ગારો કરે છે તે વાર્તાને ઘણી જ મહત્ત્વની બનાવી મૂકે છે. ‘ધન્ય છે કાયદાના કરનાર તને કે ગુનેગારને રોટલો દીધો જ્યારે બેગુનાહનો ઝૂંટવી લીધો.’ આ જે વાત છે, તેમાં સમાજની અંતર્વિરોધની પરિસ્થિતિનું બયાન મળે છે. વાર્તા સીધી અને સટ ગળે ઊતરી જાય છે ‘આંસુ નહીં, આગ’ વાર્તાનું શીર્ષક ઘણું ઘણું કહી જાય છે. વાર્તાનો નાયક હું કવિ હૃદય છે. સર્જક હૃદય છે. શહેર છોડીને થોડાક સમય માટે ગામડામાં આવે છે ત્યારે શરૂ શરૂમાં તેને પ્રકૃતિ વાદળાં આકાશ એ બધાંની કવિતા કરવાનું સૂઝે છે તો બીજી તરફ જીવનની સચ્ચાઈ, ખેડૂતોની તકલીફો અને બંગાળમાં મરી ગયેલા લાખો લોકો આંખ સામે આવે છે અને એની કલમ હવે આગ એટલે કે ક્રાંતિની વાત કરે એ તરફ ગતિ દર્શાવે છે. આમ, આ વાર્તામાં સર્જક ધર્મનું નિરૂપણ થયું છે ‘બે ભાઈબંધ’ વાર્તા ધીરુ અને વીરાની સાદીસીધી વાર્તા છે, છતાં તે સાવ જ બોધપ્રધાન ન થઈ જાય તેની કાળજી લેખકે રાખી છે. વીરો અને ધીરો નાનપણથી ભાઈબંધ છે. એકબીજા વગર એમને જરાય ચાલતું નથી. રામલીલામાં પણ જો ધીરો રામ બને તો વીરો લક્ષ્મણ બનતો. ધીરો રાજા બનતો તો વીરો એનો દીવાન બનતો. આમ નાનપણથી જ તેમના જીવ મળી ગયેલા છે, પણ તેઓ અનેક સાહસો સાથે કરે છે, પરંતુ નામ પ્રમાણે ધીરગંભીર છે, જ્યારે વીરો થોડોક તોફાની છે. એક વાર વીરો મુખીના બળદને ગુમ કરી દેવાનો વિચાર ધીરા સમક્ષ મૂકે છે પરંતુ ધીરો એમાં સહમત થતો નથી. જોકે, ધીરો એમાં અસંમત થાય છે તે તેને ગમતું નથી. થોડાક સમય પછી ખરેખર મુખીના બળદ ગાયબ થઈ જાય છે અને બીજા પ્રદેશમાં મોકલી દેવામાં આવે છે. તપાસ થતાં વીરો પકડાય છે. જોકે, ધીરો વચ્ચે પડીને એનો ઉકેલ કરી આપે છે, પરંતુ વીરાને એવું ઠસી જાય છે કે ચોર મુદ્દામાલ સાથે હું છું એવું ધીરજે કહી દીધું હશે, કારણ કે એ જાણતો હતો. એને કારણે મૈત્રીમાં અંટસ પડે છે. થોડાક સમય પછી ધીરો રાત્રે બીજા લોકો સાથે ભજન કરતો હોય છે ત્યારે તેના ખેતરનું ઘાસ અચાનક ભડભડ બળવા લાગે છે, ધીરાને સત્ય સમજાઈ જાય છે. ભજન કરવા આવેલા લોકો સળગાવનારને પકડવા દોડે છે ત્યારે ધીરો બીજી દિશામાં દોડે છે, કારણ કે તેને ખબર છે કે આ કોણે સળગાવી હશે. વીરો પકડાય છે તે આજીજી કરે છે કે મને બચાવી લે! ધીરો એને પોતાને ત્યાં જ સંતાડે છે અને સળગાવનારની શોધ કરનાર લોકોને બીજા રસ્તે વાળી દે છે એટલે વીરાને પોતાની ભૂલ સમજાય છે મિત્રતાનું મહત્ત્વ સમજાય છે અને મૈત્રી પહેલાંના જેવી પુનર્જીવિત થાય છે. ‘માવલાની મા’ વાર્તામાં માવલાની મા એ હરિભાઈની પત્ની છે. મિલમાં કામ કરતા વાર્તાકથક અને તુકારામ તેમજ બીજાઓની સાથે હરિભાઈ ડ્રાઇવર તરીકે કામ કરે છે. હરિભાઈ સિવાયના મિત્રોને ટોળટપ્પાં કરવાનો શોખ છે. હરિભાઈ એમાં ભાગ્યે જ જોડાય છે. એક વાર હરિભાઈ રંગમાં આવી જઈને ફાંકો મારતાં કહે છે કે માવલાની મા મને મોહીને આવેલી! પછી તો મિત્રો હરિભાઈની આખી રામકહાણી સાંભળે છે, જેમાં પોતે કેવી રીતે નદીએ નાહવા જતા અને તરતાં તરતાં કેવી રીતે પાણી ભરવા આવેલી માવલાની માની માણ પોતે ખેંચી લીધેલી અને માવલાની મા કેવી બીકથી ભાગેલી તેનું વર્ણન કરે છે, બધાને એમાં રસ પડે છે એ પછી તો રાત્રે સૂતેલી માવલાની માનો ખાટલો રાત્રે કેવી રીતે પોતે ઊંચકીને નદીએ લાવેલા અને પરણીશ તો તને જ પરણીશ એવો કેવી રીતે કોલ લીધેલો. આ બધી વાત મલાવી મલાવીને હરિભાઈ કરે છે, પરંતુ એ પછી તુકારામ આખી જાતતપાસ કરી આવે છે અને હરિભાઈની વાતમાં કશો દમ નથી એવું સિદ્ધ કરે છે અને ચાની શરત જીતી જાય છે. હરિભાઈ ખુલ્લા પડી જાય છે અને મૅનેજરને આ લોકો વિરુદ્ધ ફરિયાદ કરે છે. જોકે તે આખી વાત હસવામાં ઊડી જાય છે. લઘુતાગ્રંથિથી પીડાતા હરિભાઈનું ચરિત્ર સાચે જ કાબિલેદાદ છે.

૮. પાનેતરના રંગ

Panetar-na Rang by Pannala Patel - Book Cover.jpg

પન્નાલાલ પટેલનો વાર્તાસંગ્રહ ‘પાનેતરના રંગ’ ઈ. સ. ૧૯૪૬માં પ્રકાશિત થયો હતો. સંગ્રહમાં ૧૪ વાર્તાઓ છે. પ્રથમ વાર્તા ‘પાનેતરનો રંગ’ ફિલ્મજગતને લગતી વાર્તા છે. તેમાં પણ પન્નાલાલની જે વાર્તાકાર તરીકેની કુશળતા છે તે પમાય છે. માલતી પ્રૌઢ વય તરફ ઢળી રહેલી હિરોઈન છે. હમણાંથી તેને કામ મળતું બંધ થઈ ગયું છે, એ સ્થિતિમાં અચાનક ઝવેરચંદ શેઠ નામના એક નિર્માતા પોતાના દિગ્દર્શક સાથે તેને મળવા આવે છે. પોતાની ઊતરતી યુવાની ન દેખાય એ માટે માલતી સરસ મેકઅપ કરી લે છે અને શેઠ તેમ જ દિગ્દર્શક સાથે સંવાદ કરે છે. જોકે એની ધારણાથી વિપરીત તેને મુખ્ય નાયિકાને બદલે પ્રૌઢ સ્ત્રીનો રોલ આપવામાં આવે છે. આથી તેનું સ્વમાન તો ઘવાય છે, પરંતુ નાછૂટકે તે આ રોલ કરવા તૈયાર થાય છે. એ પછી લેખક વાર્તાને ફ્લેશબૅકમાં લઈ ગયા છે અને માલતીની માતા બંગાળથી કેવી રીતે આવી, મુંબઈમાં કેવી રીતે ઠરીઠામ થઈને ગાયિકા બની અને માલતીને કેવી રીતે ઉછેરી એની વાત આવે છે. માતા તો માલતીને ફિલ્મી દુનિયાથી દૂર રાખવા માગતી હતી પરંતુ માલતીને એનું આકર્ષણ હતું. પ્રભાકર નામનો યુવક તેને ડાન્સ શીખવામાં મદદ કરે છે પછી પ્રભાકર સાથે તેનાં લગ્ન થાય છે, પરંતુ ફિલ્મી દુનિયાનું ઘેલું તેને પ્રભાકરને છૂટાછેડા આપવા મજબૂર કરે છે. પ્રભાકર તેને ખૂબ ચાહતો હોય છે, પરંતુ માલતી મક્કમ રહે છે અને ફિલ્મી દુનિયાની ઝાકઝમાળમાં ખોવાઈ જાય છે. જોકે, સમયની સાથે તેના માઠા દિવસો શરૂ થાય છે અને ઘરે બેસી રહેવાની સ્થિતિ આવે છે ત્યારે પ્રભાકરને કરેલો અન્યાય પણ તેને સમજાય છે. છૂટાછેડા થયેલા ત્યારે એણે કહેલું કે પાનેતરના રંગ તો હજુ ઊતરવા દેવા હતા! આ શબ્દ તે ભૂલી ગઈ હોય છે પરંતુ શૂટિંગ વખતે સહજપણે આ શબ્દ દિગ્દર્શકની ટીમમાંથી કોઈ બોલે છે ત્યારે તેને પ્રભાકર યાદ આવી જાય છે. શોટ આપતી વખતે તે રડી પડે છે એ વખતે ત્યાં જ બેઠેલો પ્રભાકર કશુંક બોલી ઊઠે છે. માલતી પ્રભાકરને ઓળખી જાય છે. પછી તો ઘીના ઠામમાં ઘી પડે છે. પ્રભાકર ફરીથી એની સાથે પરણે છે. આમ, ફિલ્મને લગતી કથા આ ફિલ્મી અંત પણ ધરાવે છે પરંતુ તેમાં પન્નાલાલીય સ્પર્શ તો અનુભવાય જ છે. ‘જીવતર પણ ખોયણું’ વાર્તામાં નાયિકા જમની ભારે ઊંચી પડછંદ છે, માબાપે તેને જ્યાં પરણાવી છે તે મૂરતિયો ઠીંગુજી છે અને શરીરે પણ મડદાલ છે. માત્ર મિલકત જોઈને માતાપિતાએ એને ત્યાં પરણાવી છે. એમાં વળી બે વેવાઈઓ વચ્ચે અંટશ પડવાને લીધે એના પિતાએ હજુ સુધી તેનું આણું કર્યું નથી. દરમિયાનમાં પિયરમાં પાડોશના જગા નામના જુવાન સાથે મનમેળ થઈ જતાં ગર્ભ રહી જવા પામે છે તેથી નાતના એક આગેવાનની મથામણ દ્વારા તાત્કાલિક આણું કરવામાં આવે છે. દીકરાના બાપને શંકા તો પડે છે કે જે વેવાઈ આણા માટે જરાય તૈયાર નહોતા એ આમ અચાનક કેમ તૈયાર થઈ ગયા હશે? રતન સાસરીએ આવે છે, પરંતુ પતિ સાથે જરૂર પૂરતી જ વાત થાય છે. રતન ઘરની જવાબદારી સંભાળી પણ લે છે. થોડાક સમયમાં તેને પિયર તેડી જાય છે અને તે દીકરીની મા બને છે. તેની દીકરી ઓછા મહિને જન્મી છે એટલે એનું શરીર વળશે કે કેમ તે અંગે રતનની માતાને શંકા છે. તે ગામની ખબર લેવા આવતી દરેક સ્ત્રી આગળ આ અંગે કહ્યા કરે છે તેથી રતનની મોટી બહેન એક વાર માતાને ઠપકો કરતાં કહે છે કે જેના ને તેના આગળ આવાં પોપડિયાં ન પાડતી હોય તો! કારણ કે એમ કહેવાથી જ ગામની સ્ત્રીઓ રતનના ચારિત્ર્ય વિશે વધારે મજાક કરે છે. આથી માતા રતન વિશે જેમતેમ બોલે છે. રતન પણ ગુસ્સે થઈને સામે બોલે છે, ત્યારે માતા કહે છે કે ચૂપ થઈ જા નહિ તો મોઢા પર ખોયણું ચાંપી દઈશ અને ત્યારે દુખિયારી રતન બોલે છે કે જીવતર પર કોઈએ ખોયણું ચાંપી દીધું છે! આમ, નારીજીવનની પીડાનું વાસ્તવદર્શી આલેખન આ વાર્તામાં મળે છે. ‘મનહર’ વાર્તામાં નાયક મનહર શ્રીમંત ઘરની પુત્રી મંજુને પ્રેમ કરે છે, બંને પરિવારની સામે પડીને પરણે છે. બંને કૉલેજનાં મિત્રો છે અને લગ્ન પછી શરીર સંબંધ અંગે લાલાયિત નહિ રહીએ એવો ગાંધીઆદર્શ સેવ્યો છે, પરંતુ લગ્ન પછી મંજુના બદલાયેલા સ્વભાવને સમજવામાં મનહર બહુ મોડે સુધી થાપ ખાય છે. તેનું ભોળપણ મંજુ ચલાવી લે છે. મંજુને રાજી કરવા તે પૈસાની તાણ હોવા છતાં રેડિયો ખરીદી લાવે છે. મંજુ નામ પાડીને કહી શકતી નથી, એના સંકેતો અને હાવભાવ પતિ સમજી શકતો નથી. પહેલી રાત્રે જ સૂવાનાં ગાદલાં પણ મનહર દૂર પાથરી દે છે! પત્નીને રાજી કરવાનાં હવાતિયાં મારી રહેલા મનહરને છેલ્લે મંજુ માથું દુખે છે કહીને પોતાના માથે બામ ઘસી આપવા મજબૂર કરે છે! બામ ઘસ્યા પછી શીશી મૂકીને મનહર આવે છે ત્યારે મંજુ બે પગમાં માથું નાખીને બેઠી છે, પરંતુ મનહર હજુ એમ જ માને છે કે એનું માથું દુખે છે! આખરે ગુસ્સે થઈને મંજુ એને લાફો મારી દે છે અને ત્યારે આવેશમાં આવેલો મનહર મંજુની ઇચ્છા મુજબ વર્તે છે. આમ, જાતીય એષણાની સૂક્ષ્મતાઓનું વર્ણન આ વાર્તામાં લેખક કરે છે. ‘બે વરસ’ વાર્તામાં વાર્તાકથક પરસનભાઈ પાસેના કોઈ શેઠના ઘરના નોકર ખેમાના સંપર્કમાં આવે છે. ખેમો અને એમનું વતન એક છે એ જાણ્યા પછી પરસ્પર પ્રીતિ વધી છે. ખેમો કોઈ કોઈ વાર પોતાની માતાને કાગળ લખાવવા પરસનભાઈ પાસે આવે છે. અહીં ખાસ સુખ નથી છતાં પણ તે એવું એવું લખાવે છે કે હું તો અહીં રોટલી, દાળ, ભાત અને શાક ખાઉં છું. સહેજ માથું દુખે તો પણ શેઠ દાક્તરને બોલાવી લે છે! ...માતાને ચિંતા ન થાય એ માટે ખેમો આવું લખાવે છે. સુખેદુખે એને બે વરસ અહીં કાઢી નાખવાં છે! શેઠ તો સારા છે પરંતુ શેઠાણીની કચકચ ચાલુ રહે છે! ખેમો પરસનભાઈને મળે છે એ પણ એમને ગમતું નથી. આટલી તકલીફો વેઠીને પણ તે ઘરે સુખના સમાચાર જ મોકલે છે. દિવાળી પર ઘરે પણ નથી જતો. એને મનમાં એવી હોંશ છે કે બે વરસ ખેંચી કાઢું, દેવું ભરાઈ જાય ને પછી લગ્ન કરી લઉં! બાઈ બહુ દુઃખ વેઠ્યું છે તેને એક તણખલું પણ ન તોડવા દઉં! લેખકે ક્ષય ભાર વિના શ્રીમંત અને ગરીબ વર્ગ વચ્ચેની ખાઈનું નિરૂપણ કર્યું છે. ખેમાના હાથે કાચના કપ તૂટી જાય તો પણ શેઠાણી જીરવી શકતાં નથી. એ પછી એક વાર ખેમાના હાથે રકાબીઓ ફૂટી જાય છે. વાર્તાકથક એક મિત્રના લગ્નમાં જઈને આવે છે ત્યારે જોકે ખેમો હોય છે પરંતુ વાર્તાકથક ઑફિસેથી પાછો આવે છે ત્યારે ખેમાને સ્થાને કોઈ બીજો નોકર આવી ગયો હોય છે. એ સાથે જ ખેમાનાં બે વરસ, એનાં લગ્ન અને સપનાં બધું વેરવિખેર થતું વાર્તાકથક અનુભવે છે. એકદમ ગરીબ વર્ગનાં સ્વપ્નો કેટલાં સાધારણ હોય છે તો પણ જાણે સિદ્ધ થતાં નથી. ગરીબની મૂંગી પીડાનું વર્ણન લેખકે સાહજિક રીતે આ વાર્તામાં કર્યું છે. ‘વંતરીનો ઉતાર’ વાર્તામાં દોલા અને મોંઘીનો ક્લૂષિત સંસાર આલેખાયો છે એટલું જ જો હોત તો વાર્તા એક સામાન્ય વાર્તા બનીને રહી જાત. પરંતુ લેખકે અહીં વાર્તાની શરતે કંકાસિયણ મોંઘીના વ્યવહાર અને સ્વભાવમાં આવતા પરિવર્તનનું સુંદર નિરૂપણ કર્યું છે. વાર્તાનો ઉઘાડ જ પતિ-પત્ની વચ્ચેના કડવા સંવાદથી થાય છે. દોલા જેવો સરસ જુવાન પત્નીને તેડી લાવ્યા પછી સુખે ખાઈ પી શકતો નથી. કોઈની સાથે હસીને બોલી શકતો નથી. મોટા ભાઈ પણ દોલાનું સુખ વિચારીને એને જુદારું આપે છે, પરંતુ એથી તો જાણે બાજી વધારે બગડે છે. દોલા પ્રત્યે આખા ગામને સહાનુભૂતિ છે, કેમ કે મોંઘીનું તો ‘લડ નહીં તો લડનારું આપ!’ એવું છે. ગામના સમજદાર લોકો દોલાને મોંઘીના ત્રાસમાંથી છોડાવવા બીજી પત્ની લાવવાનો મત રજૂ કરે છે. જોકે, દોલો આ બાબતે હજુ નિર્ણય લઈ શકતો નથી. એવામાં એક વાર દિવાળી ટાણે બીજાઓનાં અને પછી તો પત્નીના મેણાને કારણે સાસરીને ગામ જવા તૈયાર થાય છે ત્યાં એના ત્રણ સાળાઓ આઘ કરીને એને એમના ઘરે લઈ જાય છે. દોલો દારૂ નથી પીતો તોપણ પરાણે પીવડાવીને એને મારઝૂડ કરે છે. જોકે, પડોશી અને એકાદ ભાઈની પત્નીની સમયસૂચકતાથી એ બચી જાય છે. દોલાને એના ઘરે લઈ જવામાં આવે છે એ પછી મોંઘી પોતાના સગા ભાઈઓને પણ એવી જ ભૂંડી ગાળો સંભળાવે છે, જે અગાઉ બીજાઓને સંભળાવતી હતી! મોંઘી દોલાની જબરી ચાકરી કરે છે અને અનેક બાધાઓ રાખે છે. એની સેવાચાકરીથી જ દોલો બચી જાય છે! લેખકે બખૂબી દોલાના નાનકડા ભત્રીજાને માતૃવત્‌ વાત્સલ્ય કરતી મોંઘી દર્શાવી છે, વાર્તાનો અંત સુખાંત છે પણ આગન્તુક નથી લાગતો એમાં વાર્તાકારની ખૂબી છે. ‘ઘરવટ’ વાર્તામાં પણ માનવસ્વભાવની વિચિત્રતાઓ અને વિલક્ષણતાઓનું કળાપ્રપૂર્ણ વર્ણન છે. વર્તાકથક મોદી નવા વિસ્તારમાં રહેવા જાય છે ત્યાં દોશી નામની એક વ્યક્તિનો પરિચય થાય છે. દોશીનો દાવો એવો છે કે આખા આ વિસ્તારમાં બધા સાથે મારો ઘરોબો છે. સૌ મારી વાત રાખે છે. મતલબ કે બધે એમની ઘરવટ છે એમ કહીને રોજ જુદે જુદે ઘરે એમને લઈ જાય છે, બધે ચા પીએ, નાસ્તા કરે અને બીડી પણ બીજાની પીએ છે. મોદીને આ સોરવતું નથી. જેવા મોદી નોકરીએથી આવે કે તરત દોશી આવી જ જાય છે! આ સ્થિતિમાં વાર્તાકથક મોદીને ધીમે ધીમે જાણવા મળે છે કે દોશી જે દાવો કરે છે એવી કશી ઘરવટ એમની નથી! લોકો પાછળ તો એમને ધિક્કારે જ છે! એટલે મોદી એકવાર દોશીને આ વાત કહી દે છે! એ પછી દોશી પોતાની એકલતા સાથે બેસી રહેવા લાગે છે. અને ચીમનભાઈ નામનો પોળનો જ એક માણસ મજાક ઉડાવે છે કે ‘દોશીએ તો આજકાલ વાંદરાઓ સાથે ઘરવટ માંડી છે કે શું?’ ત્યારે વાર્તાકથકને દોશીનો ભ્રમ ભાંગી આપવા બદલ પસ્તાવો થાય છે અને એટલે જ પોતે ઑફિસના પટાવાળાને પોતે બીજા પટાવાળાઓ કરતાં વિશેષ છે એવી બડાઈ કરવા છતાં ટોકવાનું ટાળે છે. ‘પ્રભુ જે કરે તે સારા માટે’ વાર્તામાં વૃદ્ધ છબીલ શેઠની પત્ની રાધા યુવાન છે. અલબત્ત, આ ત્રીજી વારની પત્ની છે. નિઃસંતાન શેઠને પુત્રલાલસા પ્રબળ છે. પોતાની મિલકતનું પોતાના ગયા પછી શું થશે આ સમસ્યા શેઠને પીડા આપે છે. તેઓ દર માસે સારા સમાચાર સાંભળવા લાલાયિત છે પરંતુ કશું થતું નથી. રાધાના એક સ્ત્રી તરીકેના ઓરતા પણ અધૂરા છે. દરમ્યાનમાં બાજુનાં હેતી ગોરાણીનો માનેલો ભાઈ ત્યાં આવતો જતો થાય છે. જે પરિણીત છે, પરંતુ પત્ની અનુકૂળ નથી. એ પછી શેઠાણીને પેટમાં બરોળ પણ વધી ગઈ હોય એમ માનીને હેતી ગોરાણી પોતાનો ભાઈ એનો ઈલમ જાણે છે એમ કહીને શેઠાણીને એની પાસે હેતીના જ ઘરમાં મોકલવામાં આવે છે. એકવાર શેઠ હેતી ગોરાણીને ત્યાં અનાયાસે શેઠાણી ત્યાં હશે એમ માનીને જાય છે અને સૂતેલાં શેઠાણી ઉપરાંત રસોડામાં કોઈ ઓળો હોવાનું અનુભવે છે, પરંતુ કશું કહ્યા વિના ચાલ્યા જાય છે એ પછી શેઠાણી થોડાક સમયે પુત્રને જન્મ આપે છે. ત્યારે રાજી થયેલા શેઠ કહે છે કે પ્રભુ જે કરે તે સારા માટે જ કરે છે. આ વાર્તામાં જાતીય એષણા અને પુત્રએષણાનો દ્વંદ્વ જબરદસ્ત રીતે રજૂ થયો છે. ‘રાજીનામું’ વાર્તામાં દલજી શિક્ષણના એક અધિકારીનો પટાવાળો છે. સાહેબે તેને કહી રાખ્યું છે કે પોતે કોઈ સ્ત્રીને મુલાકાત આપી રહ્યા હોય ત્યારે બહાર કોઈ પણ આવે તોપણ અંદર કહેવા ન આવવું અને અંદર જો પુરુષ સાથે વાત કરી રહ્યા હોય ને બહાર કોઈ સ્ત્રી આવે તો તરત આવીને જાણ કરવી. દલજી આ નિયમને તો વળગીને ચાલ્યો છે. એના મતે સાહેબની નોકરી જ એવી છે કે એમને સ્ત્રીઓ સાથે પનારો પડે! સાહેબે એક કરતાં વધુ પટાવાળાઓને પાણીચું પકડાવ્યું છે! એ દલજી જાણે છે અને એટલે જ એ પોતાની ડ્યૂટી બાબતે સભાન છે. એવામાં એક વાર સાહેબનાં પત્ની જ મુલાકાતી થઈને આવે છે અને દલજીને કહે છે કે સાહેબને જઈને કહે કે એક બહેન મળવા માગે છે. દલજી નિયમને તો વફાદાર રહે છે પરંતુ એ તો સાહેબનાં ઘરનાં જ છે એ જાણ્યા પછી ચિંતામાં પડે છે કે શું કરવું! વળી અંદર બહેન હોય અને બહાર પણ બહેન જ મુલાકાતી તરીકે આવે તો શું કરવું એ બાબતે સાહેબે કોઈ નિયમ જારી કર્યો હોતો નથી! સાહેબનાં પત્નીના અતિ દબાણથી તે દરવાજા પાસે જઈને ઊભે છે પરંતુ અંદર કશું દેખાતું નથી એટલામાં ગુસ્સે થયેલાં બહેન દરવાજો ખોલી નાખે છે! થોડી વારમાં સાહેબ બહેન સાથે જ બહાર નીકળી જાય છે અને દલજીને લાગે છે કે પોતાને રાજીનામું આપવું જ પડશે એમ માનીને બીજે નોકરી શોધવાની વેતરણમાં પડે છે, અને શોધી પણ લે છે, પરંતુ ઑફિસમાં બાકી નીકળતો પગાર લેવા જાય છે ત્યારે કારકુન કહે છે કે ‘તેં અને સાહેબે સંપ કર્યો, લ્યા!’ એમ કહે છે ત્યારે દલજીને ખબર પડે છે કે સાહેબે પણ રાજીનામું આપી દીધું છે. અને ત્યારે તે મૂર્ખની માફક હસી પડે છે. સુજ્ઞ વાચકને જોકે રાજીનામા અંગે થોડી વહેલી ખબર પડી જાય એમ બને! ‘મોતનો મેળાપ’ વાર્તામાં વનવગડે વસતાં બે પ્રેમીપંખીડાંની વાત છે. વગડાઉ વાતાવરણ આબાદ ઝિલાવાની સાથેસાથે એમાં કરણનો પુટ પણ ભળ્યો છે. કનકો અને મંગળીના જીવ મળી ગયા છે. બેઉ દરરોજ ઢોર ચરાવવા આવે છે અને સાથે મળીને ખાય છે અને ગાય છે. પરંતુ મંગળીના બાપને રાજ વેરવી થવાથી ગામ છોડવું પડે છે અને એક દિવસે કનકો રાહ જોઈને થાકે છે પરંતુ મંગળી આવતી નથી. કનકો સચ્ચાઈ જાણીને તૂટી જાય છે. શરીર લથડતાં બાપ આવીને એને ઘરે લઈ જાય છે. (એ કોઈને ત્યાં ખેતીકામ માટે રહ્યો હોય છે.) કનકો થોડા વખત પછી ઝાલાના મેળે જાય છે, એને એમ છે કે કદાચને મંગળી મળી જાય! મેળામાં ગાંડાની જેમ એ બધે ફરી વળે છે, પરંતુ મંગળી જોવા મળતી નથી, એક કોતરની ધાર પર એ બેસી રહે છે ત્યાં એને પરિચિત અવાજ સંભળાય છે. એ સાચે જ મંગળી હોય છે. એ બૂમ પાડીને બોલાવવા જાય ત્યાં જ સિપાહી આવીને મંગળીને પકડે છે. કેમ કે, એ રાજના દુશ્મનની દીકરી છે. આ જોઈ છંછેડાયેલો કનકો સિપાહીને બાણ મારે છે એમ કરવા જતાં પગ લપસે છે અને એ ખાઈમાં જઈને પડે છે. આ તરફ ‘કનકા’ના નામની ચીસ પાડતી મંગળીને જ પેલું બાણ વાગી જાય છે. આમ, બંને મળેલા જીવ મૃત્યુ પામે છે. ‘મળેલા જીવ’ની પ્રેમકથાથી આ કથા બલકે નવલિકા મુદ્દલ ઊતરતી નથી. ‘રામસિંહ’ વાર્તા પણ લાંબી છે અને નાયકપ્રધાન છે. અલબત્ત, રામસિંહની આખી કથા મદનલાલના મોઢે લેખકે કહેવરાવી છે. કારખાનામાં કામ કરતા રામસિંહને કોઈ નામ દઈને ન બોલાવે તો એ ગુસ્સે થઈ જાય છે. એનું સ્વમાન ઘણું જ આક્રમક છે જેનો અનુભવ એની સાથે કામ કરતા બધાંને છે. રામસિંહની આર્થિક સ્થિતિ જરાય સારી નથી. ઘરે વૃદ્ધ માબાપ અને પત્ની છે તેમને સમયસર પૈસા પણ મોકલી શકતો નથી. આમ છતાં એ કોઈની તુમાખી સહન કરી લેતો નથી. કારખાનાના મિસ્ત્રી અને બીજા નાના અને મોટાસાહેબને સલામ ભરવા એ જરાય તૈયાર નથી. કારખાનાના સંચાલકોને મતે રામસિંહ જ બધાને બગાડે છે. રામસિંહના આ વર્તનને પરિણામે એને મોડાવહેલા પાણીચું મળશે એવું મદનલાલ અને બીજા પણ માને છે. એકાદ વાર તો રામસિંહ મિસ્ત્રીનું ગળું પણ પકડી લે છે. એ પછી રામસિંહ સૌના આશ્ચર્ય વચ્ચે સામે ચાલીને રાજીનામું આપી દે છે. સૌને આમાં મિસ્ત્રીની હાર અને રામસિંહની શહાદત લાગે છે. સર્વહારા વર્ગની પીડા, શોષણ અને સ્વમાનની વાત આ વાર્તામાં એકદમ સહજ રીતે વ્યક્ત થઈ શકી છે. શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે પન્નાલાલ પટેલને વાદના ચોકઠામાં બદ્ધ થયા વિના કલાત્મક રીતે વાર્તા લખનારા સર્જક તરીકે બિરદાવ્યા છે તે આ વાર્તામાં સાર્થક થતું અનુભવાય છે. ‘પૂરતો વિચાર’ વાર્તામાં લેખકે સંવાદોથી કામ લીધું છે. વાર્તા પ્રમાણમાં સપાટ છે, કુશળ લેખક વાર્તા લખતા હોવાથી મુસદ્દો વાર્તા બને છે એની ના ન થાય, પરંતુ સર્જકનો અસલ સ્પર્શ એમાં ગાયબ છે. અમરીષ પોતાના મિત્ર બાલુને લઈને કાનનને મળવા - મતલબ કે લગ્ન સંબંધે જાય છે. બાલુએ લગભગ બધું ગોઠવી મૂક્યું છે. અમરીષ હા પાડે એટલી જ વાર છે. બાલુ બંનેને એકલાં મૂકીને આઘોપાછો થઈ જાય છે. જોકે, મુલાકાત બાલુના આશ્ચર્ય વચ્ચે જલદી પૂર્ણ થઈ જાય છે. અમરીષ લગ્ન માટે તો તૈયાર છે, પરંતુ એ થોડો ગૂંચવાયેલો એ વાતે છે કે કાનનની માતા સાથે જ કોઈ સમયે એની સગાઈની વાત ચાલી હતી! ‘મહેણાંની મારેલી’ વાર્તાની લાડુના કપાળ પર એણાં (હીણાં- ખરાબ) પગલાંની એવું લખાઈ ગયું છે કેમ કે એ સાસરે આવે છે, એના એકાદ માસમાં જ એનો દિયર માંદગીમાં મૃત્યુ પામે છે! એ શરૂમાં તો આ મહેણાં વેઠી લે છે, પરંતુ સમય વિતવા છતાં એ માતૃત્વ ધારણ કરી શકતી નથી. એથી ફળિયાનાં બાળકોને ઘણાં લાડ લડાવે છે, પરંતુ એમાં સ્ત્રીઓ તરફથી ધુત્કાર એને મળે છે અને એમાંય લોકો પતિ-પત્નીના શુકન કોઈ નથી લેતું એથી દુણાયેલી લાડુ પતિને બીજી પત્ની લાવવા સમ્મત કરે છે. મનોર છેવટે એ માટે તૈયાર થાય છે. જોકે નવીના આવ્યા પછી પણ લાડુના જીવનમાં શાતા આવવાને બદલે નર્યું દુઃખ જ આવે છે! ઈર્ષાળુ લોકો લાડુ વિરુદ્ધ નવીના કાન ભંભેરે છે. શોક્યો વચ્ચે મન ચણભણ થયા કરે છે. લાડુ રિસાઈને પિયર આવે છે, પિયરમાં સુવાવડી ભાભીની સેવા કરે છે, પરંતુ માતા બન્યા પછી ભાભી પણ લાડુની વેરવણ બનીને રહે છે અને પોતાના દીકરાને લાડુથી વેગળો રાખે છે. એવામાં શોક્ય માતા બની છે એ સારા સમાચારનું બહાનું લાડુને પિયરની વાટ પકડવા અનુકૂળ જણાય છે, એનો ભાઈ એને મૂકવા આવે છે, પરંતુ દીકરો જન્મથી જ નબળો છે અને સૌને ભય છે કે એ જીવશે કે કેમ! એ અકસ્માત ગણો કે બીજું કંઈ પરંતુ લાડુના જવા સાથે જ પુત્ર મૃત્યુ પામે છે એ પછી તો નવી લાડુ પર શાપ વરસાવે છે. આખું ગામ લાડુને થૂ થૂ કરે છે. આખરે બીજો માર્ગ ન મળતાં લાડુ કૂવો પૂરે છે. નારીના જીવનની કરુણતા આલેખવામાં પન્નાલાલનો જોટો જડે એમ નથી એવું આ વાર્તા વાંચતાં પ્રતીત થાય છે. ‘શંકરકાકાએ કરેલું ધીરાનું વેવિશાળ’ હળવા ટોનની, જરા રમૂજસભર અને અદ્‌ભુત વાર્તા છે. મિલમાં ઘણકરી તરીકે કામ કરતા ધીરાને પરણવું છે, પરંતુ મિલમાં સામાન્ય ઘણ ચલાવવાનું કામ કંઈ એવું પ્રતિષ્ઠિત નથી કે કોઈ એને કન્યા આપે. શંકરકાકા મિસ્ત્રી નિઃસંતાન છે તેઓ ધીરાને પુત્રવત્‌ ચાહે છે. ધીરો એમ માને છે કે હું મારા ગોળમાં મિલમાં મિસ્ત્રી છું એવું જુઠાણું ચલાવું તો લગ્નનો સાંધો બેસે એમ છે. શંકરકાકા ભગવાનનું માણસ છે, તેમને આવું કરવું ગમે એમ નથી, પરંતુ ધીરાનું ચોકઠું ગોઠવાતું હોય તો કમને પણ તૈયાર થાય છે. ધીરો મૅનેજરને પણ એક દિવસ પૂરતો મિસ્ત્રી બનાવવા રાજી કરે છે અને મહેમાનો જ્યારે એને જોવા આવે છે ત્યારે મિસ્ત્રી તરીકેનું નાટક બખૂબી ભજવે છે! એના સારા સ્વભાવને કારણે મિલના સાથીઓ પણ એને પૂરતો સાથ આપે છે અને ધીરાનું ખરેખર ગોઠવાઈ જાય છે, એ પછી શંકરકાકાને એ વાતે ચિંતા થાય છે કે વાત ફૂટી જશે તો લેવાના દેવા પડી જશે એટલે તેઓ મૅનેજરને વિનંતિ કરીને એકાદ માસ રજાઓ પર ઊતરીને પોતાને બદલે ધીરાને મિસ્ત્રી તરીકેનું કામ ભળાવવા સમ્મત કરે છે અને સૌના આશ્ચર્ય વચ્ચે ધીરો એમાં સફળ પણ થાય છે! અને પછી તો શંકરકાકા પેન્શન પર ઊતરી જાય છે અને ધીરો ખરેખર મિસ્ત્રી બની જાય છે અને શંકરકાકાનો ખરા અર્થમાં દીકરો સિદ્ધ થાય છે. ‘વાત વાતમાં’ વાર્તામાં વસંત અને સુરબાળાએ પ્રેમલગ્ન કર્યાં છે. વસંત ગર્ભશ્રીમંત બાપનો દીકરો હતો જે ભાડે રહેતા એક સજ્જનની દીકરી સુરબાળા સાથે પ્રેમમાં પડે છે. માબાપની ના છતાં તે લગ્ન કરીને અલગ રહે છે, નાની સરખી નોકરી સ્વીકારી લે છે, પિતાની મિલકતમાંથી હક્ક જતો પણ કરી દે છે. સુરબાળા એને ખૂબ સાચવે છે. એનો ફિલ્મ જોવા જવાનો શોખ અને મિત્રોને બોલાવીને ચાપાણી કરાવવાની ટેવને પણ જાળવી રાખે છે. જોકે, એક સાહિત્યરસિક મિત્ર એકવાર વસંતને મળી જાય છે અને મોપાંસાની એક વાર્તાનું કથાવસ્તુ કહે છે જે સુરબાળાને મળતું આવે છે! જેમાં આવી જ સ્થિતિમાં એક સ્ત્રી પતિને દગો કરીને કેવી રીતે દાગીના એકઠા કરતી હોય છે એ રહસ્ય એના મૃત્યુ પછી ખૂલે છે એવી કથા હોય છે. આ વાર્તા તો મારા જીવનને જ સ્પર્શે છે એમ માનીને વસંત ઘરે આવીને સુરબાળા પાસે બધો હિસાબ માગે છે. સુરબાળાને ખબર પડી જાય છે કે વસંત આજે ધણીપણું કરી રહ્યો છે! અને એનામાં શંકા કરી રહ્યો છે. આથી તે હિસાબ તો આપી દે છે પણ સત્ય જાણ્યા પછી વસંત ભોંઠો પડી જાય છે, કેમ કે સુરબાળાએ પોતાના દાગીના વેચી વેચીને વસંતની ખુશી ટકાવી રાખી હતી! આ વાતને તો છ મહિના વીતી જાય છે, પરંતુ વસંત અને સુરબાળા વચ્ચેનો તાર પહેલાંની જેમ સંધાઈ શકતો નથી. પન્નાલાલ પટેલની વાર્તાઓમાંથી પસાર થતાં કેટલાંક નિરીક્ષણો આ રીતે તારવી શકાય.

• આ લેખક પાસે અનુભવજગત છે જેમાં તેમની સર્જકતા ઉમેરાય છે.
• લેખકની વાર્તાઓમાં વાસ્તવ અને કલ્પનાનો સુભગ સમન્વય છે.
• લેખક પાસે બોલીના યથાતથ અને સજીવ નિરૂપણની ક્ષમતા ગજબ છે.
• ગ્રામજીવન અને નગરજીવનને સ્પર્શતી વાર્તાઓ એમણે આપી છે.
• ગ્રામચેતના, બોલી, મનની સંકુલતાનું હેરત પમાડે એવું આલેખન અને કૌતુકરાગ આ લેખકનો વિશેષ છે.
• સ્ત્રી-પુરુષ સંબંધોમાં રહેલી સંકુલતાનો તાગ મેળવવા આ લેખક મથે છે.
• કયાંક ક્યાંક સામાજિક સમસ્યાઓને નિરૂપતી અને સામાજિક અને આર્થિક વિષમતા વિષયક વાર્તાઓ પણ આ લેખકે સહજતાથી લખી છે.
• આ લેખક લેખનમાં પ્રયોગો અને પ્રયુક્તિઓનો વિનિયોગ ભાગ્યે જ કરે છે.
• જે શૈલી એ લેખકનો આગવો વિશેષ છે તે તેમની મર્યાદા પણ બની રહે છે.
• આ લેખક ગ્રામજીવનની વાર્તાઓમાં જેટલા ફાવ્યા છે તેટલા નગરજીવનની વાર્તાઓમાં ફાવ્યા નથી.
• બોલીની લઢણો, કાકુ, કહેવતો, રૂઢિપ્રયોગો, સંવાદ અને વ્યંગ્યોક્તિમાં પન્નાલાલ પટેલ અજોડ છે.
• ભાષાના કેટલાક પ્રયોગોમાં આ લેખક ભૂલ કરતા પણ જણાય છે. ખાસ કરીને કેટલાક શબ્દોના લિંગમાં પણ ભૂલ થાય છે. જોડણીદોષો પણ નજરે ચડે છે. ‘અગવડતા’ અને ‘કિલ્લોલ’ જેવા અમાન્ય શબ્દો પણ લેખક વાપરી બેસે છે.

ટૂંકમાં કહીએ તો પન્નાલાલ પટેલ વાર્તાકાર તરીકે એક મસમોટી ઘટના છે. ગુજરાતી વાર્તાસાહિત્યની ચર્ચા પન્નાલાલ પટેલના ઉલ્લેખ વિના અધૂરી જ ગણાય.

કલ્પેશ પટેલ
વાર્તાકાર, નવલકથાકાર
૨૨૭/૨ કિસાનનગર, સેક્ટર-૨૬, ગાંધીનગર
મો. ૭૮૬૨૯ ૫૨૦૫૧

લોકમાનસના જ્ઞાતા – વાર્તાકાર પન્નાલાલ પટેલ

કિરણ ખેની



ગાંધીયુગમાં જ્યારે ગાંધીજીનો લોકોમાં, લોકજીવનમાં તેમજ સાહિત્યમાં પ્રભાવ હતો એવા સમયમાં ગાંધીજીના પ્રભાવમાં રંગાયા વિના મુક્ત મને સાહિત્ય સર્જન કરનારા, ૧૯૮૫નો ભારતીય ભાષાઓનો શ્રેષ્ઠ એવો જ્ઞાનપીઠ ઍવૉર્ડ મેળવનારા પન્નાલાલ પટેલનો જન્મ રાજસ્થાન- ગુજરાતની સરહદ પરના ડુંગરપુર રાજ્યના માંડલી ગામમાં થયેલો. પિતાનું નામ નાનાલાલ. માતાનું નામ હીરાબા. પિતા પાસેથી ધર્મવિષયક ગ્રંથો અને અનેક કથાઓ બાળપણમાં સાંભળેલી. શિક્ષણ માટે મેઘરજ, ઈડર બોર્ડિંગમાં માંડ અંગ્રેજી ચોથી સુધી ભણી શકે છે. ઈડર બોર્ડિર્ંગમાં ઉમાશંકર જોશીનો થયેલો પરિચય સર્જક પન્નાલાલને ફળે છે. આ સમય દરમિયાન આર્થિક અને શારીરિક પરિસ્થિતિઓ તેમને મૂંઝવે છે. ૧૯૩૬નું વર્ષ સર્જક પન્નાલાલ પટેલ માટે લાભદાયી નીવડે છે. ગાંધીયુગના કવિયુગ્મ ઉમાશંકર જોશી અને સુન્દરમ્‌નો પરિચય થવાથી સાહિત્ય સર્જનમાં પન્નાલાલ કવિતા લખવાથી શરૂઆત કરે છે પણ તેમાં ફાવટ ન આવતાં ટૂંકીવાર્તા સ્વરૂપમાં સર્જનની શરૂઆત કરે છે જે એમના સર્જનને ઓળખ અપાવે છે. ‘પ્રજાબંધુ’માં પ્રકાશિત થયેલી ‘વનબાલા’ તેમની પ્રથમ વાર્તા છે અને તે પછી તો ફૂલછાબમાં ‘શેઠની શારદા’, ‘કંકુ’, ‘ધણીનું નાક’, ‘સુખદુઃખના સાથી’ એમ એક એકથી ઉત્તમ વાર્તાઓ તેમની પાસેથી મળવા લાગે છે. વાર્તાસર્જનથી શરૂ થયેલી પન્નાલાલ પટેલની સર્જનયાત્રા પછી તો નવલકથા જેવા સ્વરૂપમાં વિશાળ વટવૃક્ષ બને છે. નવલકથા, એકાંકી-નાટક, અનુવાદ, બાળ-કિશોર સાહિત્યમાં પન્નાલાલ પટેલનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. બાળપણમાં પિતા પાસેથી અનેક કથા સાંભળેલી હોવાથી કથા સાહિત્યમાં તેમની વિશેષ ફાવટ રહેલી જોઈ શકાય છે. જે તેમણે આપેલી નવલકથાઓ અને વાર્તાઓ પરથી સમજી શકાય છે. તેમના વાર્તાસંગ્રહોના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન એમ બે વિભાગ પાડીએ તો ઉત્તરકાલીન વાર્તાસંગ્રહોમાં ‘વટનો કટકો’ (૧૯૬૯), ‘અણવર’ (૧૯૭૦), ‘કોઈ દેશી કોઈ પરદેશી’ (૧૯૭૧), ‘આસમાની નજર’ (૧૯૭૨), ‘બિન્ની’ (૧૯૬૭), ‘છણકો’ (૧૯૭૫), ‘ઘરનું ઘર’ (૧૯૭૯) અને ‘નરાટો’ (૧૯૮૬)નો સમાવેશ થાય છે રા. વિ. પાઠક, ઉમાશંકર જોશી, સુન્દરમ્‌ વગેરે વાર્તાકારો તરીકે શ્રેષ્ઠ સ્થાન મેળવી ચૂક્યા હતા એ અરસામાં પન્નાલાલ પટેલ વાર્તાના સ્વરૂપથી સાહિત્યસર્જનમાં પગ માંડે છે ત્યારે કોઈના પ્રભાવમાં આવ્યા વગર પોતે જોયેલા-અનુભવેલા વિશ્વને વાર્તાનું નવું રૂપ આપીને સિદ્ધહસ્ત વાર્તાકાર સુન્દરમ્‌ને પોતાની પ્રથમ વાર્તાથી જ પ્રભાવિત કરનાર વાર્તાકાર પન્નાલાલ પટેલ માનવહૃદયના અંતરમનને, સંવેદનને, લાગણીને પોતાની વાર્તામાં લાવીને સૌ કોઈને પ્રભાવિત કરે છે અને એમ પોતીકી મુદ્રા છોડી જાય છે. પન્નાલાલ પટેલની ઉત્તરકાલીન વાર્તાઓમાં માનવમૂલ્યો, સ્ત્રી-પુરુષના સંબંધો, નૈતિકતા-વિશ્વાસ, વફાદારી, કર્મનાં લેખાં-જોખાં, મહેનત, ઈમાનદારી, નાત-જાત, કરુણા, સ્ત્રીનું સ્વાભિમાન, સ્ત્રીને પોતાના શીલ પ્રત્યેની સભાનતા, ભૂલ, ધીરજ વગેરે માનવભાવોને ઘટનાની આંટી-ઘૂંટીમાં મૂકીને વાર્તાનું રૂપ આપેલું છે. તેમની વાર્તાની શરૂઆત જ ભાવકને સીધા કથામાં સાંકળી આપે છે તો અંત રહસ્યાત્મક રીતે આવતો હોય તો વળી વાર્તાની અંદર વાર્તા રચીને, પત્રશૈલી રૂપે કે ભૂતકાળની કથા વર્તમાનની રીતિએ એમ અનેક જુદી જુદી પ્રયુક્તિઓ રૂપે પન્નાલાલ પટેલની વાર્તાઓ ભાવકને આનંદાનુભૂતિ કરાવે છે, જે વાર્તાકાર તરીકે એમની વિશેષતા પણ છે. ‘બિન્ની’ (પહેલી આવૃત્તિ ૧૯૬૭, પુનર્મુદ્રણ-૨૦૦૭) વાર્તાસંગ્રહમાં કુલ ૧૮ વાર્તાઓ સમાવિષ્ટ છે. આ વાર્તાસંગ્રહ પન્નાલાલ પટેલે રઘુવીર ચૌધરીને અર્પણ કરેલો છે. આ વાર્તાસંગ્રહનું નામ સ્ત્રીલિંગમાં છે જે સૂચક છે કારણ કે વાર્તાસંગ્રહની મોટાભાગની વાર્તાઓ સ્ત્રીકેન્દ્રી છે, જેમાં પણ વૈવિધ્ય છે. એ ઉપરાંત શહેરી-ગ્રામીણ, શિક્ષણ, ઘડતર, દુકાળ, ધીરજ, બિઝનેસ ટેક્‌નિક જેવા વિષયોની પણ વાર્તાઓ છે. વધુ ધ્યાન ખેંચતી વાર્તાઓમાં ‘તપ’, ‘પ્રાર્થના’, ‘ભલુડી’, ‘ઘેલાસિંહ’, ‘અમૃતરસ’, ‘બચકું, ‘હમીદ રીક્ષાવાળો’ અને ‘પ્રજ્ઞાપ્રેરી ભૂલ’નો સમાવેશ થાય છે. પતિ-પત્નીના સંબંધમાં નાનીમોટી મીઠી કહી શકાય તેવી રકઝક તો ચાલતી જ હોય છે પણ જ્યારે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને ત્યારે આ મીઠી રકઝક વાસ્તવિક બની જતી હોય છે. એવી જ કથાવસ્તુ ‘તપ’માં બને છે. શારદાના ગૃહજીવનમાં આર્થિક મુશ્કેલીના કારણે પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થાય છે અને જ્યારે પતિ હરસિંગ પત્ની શારદાને મારે છે ત્યારે આ સંબંધ એક વળાંક પર આવી ઊભો રહે છે. આ બનાવ પછી તો પતિ હરસિંગ પણ પસ્તાવો અનુભવે છે અને હરસિંગ બે સંતાનો સાથે શારદાને મૂકીને જતો રહે છે અને પોતે મરી ગયો છે એમ જ સમજી લેવું એવી પત્ર મારફત શારદાને જાણ કરે છે. વર્ષોનાં વહાણાં વાય છે અને સમય બદલાય છે. હરસિંગ પરદેશમાં રસોઈ કરીને સારું કમાય છે તો આ બાજુ શારદા સ્વાશ્રય સંઘ મારફત સીવણકામ શીખી સારું કમાવા લાગે છે. હરસિંગ પોતાનો પાંચ વર્ષનો કૉન્ટ્રાક પૂરો કરી સ્વદેશ પાછો ફરે છે એ સાથે શારદાની યાદ આવતાં તેને મળવા અધીરો થાય છે પણ તેને ડર છે કે પોતાના કહેવા પ્રમાણે શારદાએ બીજાં લગ્ન કરી લીધાં હોય તો તેનું જવું શારદાના જીવન માટે મુશ્કેલ બને પણ પોતાની રીતે જાણકારી મેળવી તપ ધરી રહેલી (હરસિંગની રાહ જોતી) શારદાને મળે છે. ત્યાં વાર્તા સુખાંત પામે છે. આગળની કથાવસ્તુ પછીની વાર્તા ‘પ્રાર્થના’માં આગળ વધે છે. સુખી સંપન્ન જીવનમાં શારદા હજુ સીવણ કામ કરે છે એ જોઈને હરસિંગ દરરોજ તેને કહે છે કે આપણી પાસે હવે ઘણું ધન છે તારે કામ કરવાની જરૂર નથી. પણ શારદા અવિરત સીવણ કાર્ય કરે છે. જે ધનના અભાવે પોતાના જીવનમાં કપરો સમય આવ્યો હતો એ ફરી ન આવે એ માટે શ્રમ કરતા રહેવું એ એનો જીવનમંત્ર બની રહે છે. પત્રશૈલી, એક કથાવસ્તુ બે વાર્તામાં રજૂ કરવું તેમજ કામ કરવાની ધગશ, એક પ્રસંગમાંથી બોધ લઈ તે પ્રસંગ ફરી ન બને તે માટેની તકેદારી, હરસિંગ માટે રાહ જોતી શારદાની તપશ્ચર્યા આ વાર્તાની મહત્ત્વની બાબત બની રહે છે. ‘ભલુડી’ અને ‘બચકું’ પોતાના શીલને સ્વાભિમાન અને પૂરેપૂરી સભાનતા અને ચતુરાઈના બળે સાચવવાની કથાવાળી વાર્તાઓ છે. ભલુડી એ એક વિધવા સ્ત્રી છે જેનો ગામનો બકરીનો સોદાગર અહેમદ ઉતારુ ડુંગર સાથે ‘એક બકરીના બદલામાં એક રાત’ એવો સોદો ભલુડીને સમજાવીને કરે છે. ચતુર ભલુડી હાએે હા રાખી રાત્રે મળવાનું કહી આવે છે ત્યારે ભલુડીની રાહ જોતા થાકેલા અને નશામાં ધૂર્ત બંને સૂઈ ગયા હોય છે પોતાની ગણતરી પ્રમાણે અહેમદનું કામઠું અને ડુંગરના જોડા અને એક સારી બકરી લઈને ત્યાંથી નીકળી જાય છે. સવારે અહેમદ બકરીની શોધમાં ભલુડીના ઘરે જાય છે તો ત્યાં ત્રણેય વસ્તુ મળે છે. બકરીની ચોર પોતે હોય તો અહેમદનું કામઠું અને ડુંગરના જોડા અહીં ક્યાંથી આવ્યા? એ પ્રશ્ન મૂકીને અહેમદને પણ અચરજ પમાડી ભલુડી શીલ બચાવી પોતાના ગુજરાનનો પ્રશ્ન પણ હલ કરી લે છે. ‘બચકું’માં મકના અને તેની પત્નીની વાત છે. ભનુભાઈ નામના માણસે મકનાની પત્નીને પોતાની બાથમાં લીધેલી અને ગુસ્સામાં મકનાએ દાતરડું ઉગામેલું અને ભનુભાઈનો કાન આખો નીકળી ગયો તેની સજાના ભાગ રૂપે તેને જેલ થયેલી. સસરા જેલમાં પત્ર લખે છે, તારી પત્ની ચરિત્રહીન છે અને ગામના મરદ સાથે ખરાબ સંબંધો રાખે છે. મને અત્યારે હાથે વાગ્યું છે હું રાંધી શકું કે કામ કરી શકું એમ નથી છતાં તારી પત્ની પિયર જઈને બેઠી છે. આ સાંભળી મકનાને વિશ્વાસ નથી આવતો. થોડા સમયમાં મકનાના સારા સ્વભાવને કારણે તેને વહેલો છૂટો કરવાનો નિર્ણય લેવાય છે અને તેનો પત્ર તેના પિતા પર જાય છે. પિતા આ વાંચી હતપ્રભ બની મૃત્યુ પામે છે. મકનો આવતાંની સાથે જ પિતાને અગ્નિદાહ આપે છે. એ સમયે પિયરથી આવેલી પત્નીને મકનો ખિજાય છે ત્યારે પત્ની પતિના કાનમાં કહે છે કે તમારા પિતાને હાથે કશું વાગ્યું ન હતું પણ મેં બચકું ભર્યું હતું અને મકનો બધું સમજી જાય છે. પત્રશૈલી, રહસ્યાત્મક અંત, આરંભથી અંત સુધી જકડી રાખે તેવું વિષયવસ્તુ – આ વાર્તાનાં જમા પાસાં છે. ‘ઘેલાસિંહ’ એ પાત્રલક્ષી વાર્તા છે. મોઘીર શેઠને ત્યાં વર્ષોથી ડ્રાઇવર તરીકે કામ કરતાં ઘેલાસિંહની આ કથામાં મોઘીર શેઠ માટે ઘેલો પુત્ર સમાન છે. શેઠના પરોપકારી સ્વભાવને કારણે શેઠનો નાનો પુત્ર દાન-પુણ્યની રકમ અટકાવાના તમામ પ્રયાસ કરે છે ને છતાં નાનુંમોટું પિતા જરૂરિયાતમંદને આપે જાય છે. આ પાછળનું કારણ શોધતાં જાણવા મળે છે કે પિતા ગાડી લઈને બહાર જાય છે ત્યારે જ લોકો મદદ માંગે છે. આથી ઘેલાને બોલાવી ક્યાંય લોકો મદદ માંગવા આવે તો ગાડી ઊભી ન રાખવી એવું કહે છે અને છતાં મદદ અટકતી નથી. આથી નાના શેઠ ઘેલા પ્રત્યે પિતાના મનમાં ઝેર રેડી ડ્રાઇવર પદે બીજાની નિયુક્તિ કરાવે છે. આ નવા ડ્રાઇવર સાથે શેઠને ફાવતું નથી અને ફરી ઘેલાને ડ્રાઇવર પદ મળે છે ત્યારે ઘેલો શેઠને સાચી હકીકત કહે છે. શેઠ ઘેલાથી ખુશ થઈ પોતાની વીલમાં તેનો હિસ્સો આપે છે. આવા શેઠના મૃત્યુથી શરૂ થયેલી વાર્તા અહી અંત પામે છે. ઘેલાની વફાદારી, નાના શેઠનો પ્રપંચ, હૃદય પરિવર્તન, ડ્રાઇવર ઘેલાનો માલિક પ્રત્યેનો ભાવ વગેરે સ્પર્શી જાય છે. ‘હમીદ રીક્ષાવાળો’ વાર્તા પણ પાત્રકેન્દ્રી છે જેમાં હિંદુ-મુસ્લિમ લડાઈની જૂની કથાને સંવેદાત્મક રીતે કહી છે. હમીદ હિંદુ શાળાનાં બાળકોનો રીક્ષાવાળો છે અને એક દિવસ લડાઈ ફાટી નીકળે છે ત્યારે હમીદ માટે સંકટ પ્રશ્ન ઊભો થાય છે. જો બાળકોને એની કોલોનીમાં મૂકવા જાય તો પોતે મરાય અને બાળકોને પોતાની સાથે રાખે તો બાળકો મરાય – આવા કશ્મકશ સમયે તે પોતાનો જીવ સંકટમાં મૂકી બાળકોને બચાવે છે પણ પોતાની તરફ અસંખ્ય હિંદુઓ ધસી આવે છે ત્યારે હિંદુ માતાઓ હમીદને પોતાને ત્યાં છુપાવી બચાવી લે છે. ‘ઘડતર’, ‘હૂંફ અને હિંમત’ જેવી વાર્તાઓમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના આલેખાયેલી છે. તો ‘કરુણા’ અને જેઠાદાદા’ રાજકીય વિષયવસ્તુ અને ૧૯૪૭ની આઝાદીની આસપાસ ગૂંથાયેલી વાર્તાઓ છે. વાર્તાસંગ્રહની અંતિમ વાર્તા ‘પ્રજ્ઞાભરી ભૂલ’માં એક દીકરી પોતાના પ્રેમને મેળવવા પિતા સાથે મૃત્યુની રોચક કથા રચીને જાણીબૂઝીને પત્રની ઉલટ-સુલટની ભૂલ કરી પિતાને મનાવી લે છે. વાર્તાપ્રવાહ વેગીલો છે. ઝડપથી એક પછી એક ઘટના બને છે. આ સંગ્રહની દરેક વાર્તાની શરૂઆત ભાવકને સીધા કથા સાથે જોડી આપે છે. ગ્રામ્યસંસ્કૃતિમાં ઊછરેલા આ સર્જકને લોકમાનસનો વિશેષ પરિચય અહીં કથામાં અને ભાષા પ્રયોજવામાં કામ લાગ્યો છે. કહેવતો અને રૂઢિપ્રયોગોનો પ્રયોગ ગમી જાય છે. વાર્તાઓની લાઘવતા, અંતની રહસ્યાત્મકતા, વાર્તાની અંદર વાર્તા કહેવાની રીત તેમની વાર્તાઓની વિશેષતા છે તો ગ્રામ્ય-શહેરી વાતાવરણથી મિશ્ર એવી મોટાભાગની વાર્તાઓમાં પત્રશૈલીની જ રીતિ વધુ જોવા મળે છે. જે મર્યાદા પણ બની રહે છે, તો ‘બિઝનેસ ટેક્‌નિક’, ‘ભાવિનો માર્ગ’, ‘બિન્ની’ જેવી સામાન્ય કોટિની વાર્તાઓ પણ અહીં સમાવિષ્ટ પામી છે. ‘છણકો’ ૧૯૭૫માં પ્રગટ થયેલો પન્નાલાલ પટેલનો અન્ય વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહની ૧૯૭૫, ૧૯૯૧, ૨૦૧૦ અને ૨૦૧૩માં આવૃત્તિઓ થયેલી છે. આ વાર્તાસંગ્રહ એમણે જિતેન્દ્રભાઈ અને જ્યોત્સ્નાબેન ચૌધરીને અર્પણ કર્યો છે. અહીં કુલ ૨૧ વાર્તાઓ સમાવિષ્ટ છે. આ સંગ્રહમાં દુકાળ-માનવજીવનની સમસ્યાઓ અને રાજકારણ આ ત્રણ વિશેની વાર્તાઓ વધુ છે. ‘કાળની ખંજરી’, ‘વાત્રક બંગલે’, ‘રોટલો’ અને ‘ચાલો, ભાર ઉતારીએ’ વાર્તાઓમાં દુકાળના કારણે લાચારી અનુભવતી, પેટિયું રળવા અને ખાવા માટે ફાંફાં મારતી પ્રજાની હાડમારીને રજૂ કરી છે. ‘કાળની ખંજરી’માં દુર્ભિક્ષ(દુકાળ) કે જે તોંતેર વર્ષ પછી ફરી આવ્યો છે અને આ વખતે માલ-સામાનની સંગ્રહખોરી કરનાર લોકોને કારણે એ આવ્યો છે એ વાત તે રાત્રીરૂપી પાત્રને કહે છે. અહીં માનવ-માનવમાં કરુણા રહી નથી એનું સંવેદનમૂલક આલેખન થયું છે. ‘વાત્રકને બંગલે’માં સત્તાધારીઓ સામાન્ય પ્રજા પાસેથી એની ખુમારી પણ છીનવી રહી છે તે વાર્તામાં આવતા દલાડોસોના એક વાક્યથી જ પન્નાલાલ પટેલે કહી દીધું છે, ‘છપનિયા કાળમાં ભૂખ્યાએ લૂંટ્યા અને સ્વરાજ આવતાં ધરાયેલાએ લૂંટ્યા.’ (‘છણકો’ ચોથી આવૃત્તિ, પૃ. ૪૪) ‘રોટલો’ વાર્તાનો વિષય તો દુકાળ જ છે પણ વાર્તાનું શીર્ષક ‘રોટલો’ શબ્દની વ્યંજના વાર્તામાં જે રીતે મૂકી છે તે હૃદયસ્પર્શી બની છે. દુકાળના સમયમાં લોકોને જીવન ગુજરાનમાં મુશ્કેલી પડે છે ત્યારે તેના નિવારણના ભાગરૂપે ગામથી ત્રણેક માઈલ દૂર ફૂટાનું તળાવ ખોદવાનું અને તેના ભાગ રૂપે અનાજ મળે એવી વ્યવસ્થા કરાઈ છે. તળાવ દૂર હોવાના કારણે બપોરનું ભાથું સાથે લઈ જવા નીકળેલા સ્ત્રીવર્ગમાં ગામની ધીરી ઉતાવળમાં ભાથું ભૂલી જાય છે અને સાથે આવેલ સ્ત્રીઓ એમ માની લે છે કે ભાથું બનાવવા માટે અનાજ હોય તો બનાવે ને? આ તો ભૂલી ગયાનો ડોળ કરે છે. જેથી પોતાના ભાથામાંથી તે ખાઈ શકે. ધીરી સમજાવે છે પણ કોઈ માનતું નથી ત્યારે ગામસ્ત્રીઓ ધીરીના ઘરે આવી ખાતરી કરે છે. જે રોટલો ધીરીને બિલાડું ખાઈ જશે એવી ભીતિ હતી તે રોટલો બિલાડાએ ખોલ્યો છે પણ એ પણ ખાઈ શક્યું નથી તો એ રોટલો આ ધણી-ધણિયાણી કેવી રીતે ખાતાં હશે? એ કયાં અનાજનો બન્યો હશે? જેવા પ્રશ્ન સ્ત્રીઓના મનમાં ઉદ્‌ભવે છે. આ જ રોટલો(જેવો છે તેવો) જે આ ધણી-ધણિયાણી માટે જીવન ટકાવવા માટેનો આધાર છે. તો ‘ચાલો, ભાર ઉતારીએ’ વાર્તામાં ગાંધીમાર્ગે ચાલીને ચરખો કાંતીને ગુજરાન ચલાવવાની વાત છે. જ્યારે અત્યાચારના ભયે ન છપાયેલી વાર્તા ‘જેહાદ’ તત્કાલીન બાબતોને સમજવામાં મદદ કરે છે. ‘બીજી વારની બીમારી’, ‘મીરાં’, ‘ખમીર’, ‘સંગમ’, ‘મોંઘી કિંમતનું મશીન’, ‘વિદાય વદવાં સમાં’, ‘જેને જેવો શોખ’, ‘સગપણની સગાઈ’ વાર્તાઓમાં માનવજીવન નિરૂપણ પામ્યું છે. પૈસા ભેગા કર્યા પછી તેની કિંમત અને યોગ્ય રીતે વાપરતા જો સંતાનોને ન શીખવાડવામાં આવે તો સંતાનો કુટેવ, દારૂ-નશામાં લત અને કુસંસ્કારી બની જતાં હોય તે ‘બીજી, વારની બીમારી’માં છે. તો જીવનમાં સારો સંગ મળતો હોય તો જીવન સુખમય બની જતું હોય છે તે ‘સંગમ’ વાર્તા સૂચવે છે. ગરીબીના કારણે લોકોને દેવું થઈ જાય તો મરવું એ છેલ્લો વિકલ્પ હોય અને એ સૌ કોઈ પસંદ કરતું હોય પણ એ બધાની વચ્ચે અહીં વૃદ્ધ પિતા ખુમારીપૂર્વક રળીને શીખવે છે કે ‘મરતાં તો સૌ કોઈને આવડે, જીવતાં આવડે ત્યારે ખરું’ એ મર્મ કહેવાયો છે. આવું જ ખુમારીભર્યું એક અન્ય સંવેદન ‘મોંઘી કિંમતનું મશીન’માં જોવા મળે છે. એક અજાણ્યો રીક્ષાવાળો બીમાર એવા જગદીશભાઈનો ખર્ચ આપે છે જેને નામની પણ ઓળખાણ જગદીશભાઈ સાથે નથી. એ જ ભાવસંવેદનમાં આવતી ‘સગપણની સગાઈ’ વાર્તા છે. ‘પઝલ’, ‘સંગમ’ અને ‘ફળફળાદિ’ વાર્તાઓમાં કાળાબજાર, લાંચના કારણે કેવાં વિકટ પરિણામો આવી શકે તે સૂચવ્યું છે. વાર્તાસંગ્રહનું શીર્ષક બનતી વાર્તા ‘છણકો’માં શ્રેણિક અને માનાનાં પ્રેમજીવનમાં માનાનો એક છણકો માત્ર બંનેના પ્રેમજીવનનો અંત લાવી દે છે. યોગ્ય સમયે, ક્યાં, ક્યારે, શું બોલવું જોઈએ તેમજ પૂર્વગ્રંથિ ન રાખવી જોઈએ એ ભાવવિશ્વ અહીં મૂક્યું છે. આ સંગ્રહની મોટા ભાગની વાર્તાઓ અમદાવાદના વાતાવરણમાં આકાર પામેલી છે. વાર્તાઓને અપાયેલા શીર્ષક ખૂબ જ સૂચક રીતે વાર્તાના હાર્દને અનુરૂપ છે. માનવજીવનના જુદા જુદા ભાવો અને સંવેદનોને પારખીને વાર્તાનું રૂપ આપવાની પન્નાલાલ પટેલની રીતિ જાણીતી છે. વાર્તાઓ ક્યાંય પણ વધુ પડતી લંબાયેલી નથી હોતી કે સર્જક તરીકે પોતાને જે કહેવું છે તે કહેવાઈ જાય છે એટલે તરત જ એ વાર્તાને આટોપી લે છે. ‘બિન્ની’ વાર્તાસંગ્રહમાં ભાષાનું જે વૈવિધ્ય હતું તે અહીં નથી, નથી લોકબોલી. છતાં દરેક વાર્તા આગવી બની છે. છાપકામની ખાસ્સી ભૂલો અહીં રહી જવા પામી છે જે રસક્ષતિ કરાવે છે. આ બધાને અંતે દિલાવરસિંહ જાડેજાના શુભેચ્છા સંદેશના આ શબ્દો સાથે સહમત થવું ગમે જ, “વાર્તા કહેવાની એમની પાસે એક નૈસર્ગિક છટા છે. જીવનના રસની પકડમાંથી એમની વાર્તાઓ જન્મે છે. એ જેની વાત માંડે છે એ શહેરી જીવન કે ગ્રામજીવન નહિ પણ માનવજીવન છે.” ૧૯૭૦માં પ્રગટ થયેલો વાર્તાસંગ્રહ ‘અણવર’ની ૧૯૭૬, ૨૦૦૨ અને ૨૦૧૧માં અનુક્રમે બીજી, ત્રીજી અને ચોથી આવૃત્તિઓ થયેલી છે. આ વાર્તાસંગ્રહ પન્નાપાલ પટેલે પૂ. કાકાસાહેબ કાલેલકરને અર્પણ કર્યો છે. પન્નાલાલ પટેલની વાર્તાઓમાંથી પસાર થતાં એ અનુભવાયું છે કે લોકજીવનને એમણે જે જાણ્યું-અનુભવ્યું છે એ જ વાર્તાઓમાં ધબકતું કર્યું છે. આવું જ ધબકતું જીવન ‘અણવર’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાં મળે છે. અહીં કુલ ૧૬ વાર્તાઓ છે. જેમાં પ્રણયનાં અવનવાં રૂપ રજૂ કરતી વાર્તાઓમાં ‘પ્રણયદૂત’, ‘લક્ષ્મણરેખા’, ‘પાનખર અને પીપળ’, ‘તાપણી’ અને ‘અણવર’ છે. તો રાજકારણ અને ગાંધીવાદી વિચારો સાથે જોડાયેલી ‘કર્મનો મર્મ’, ‘સંવાદી વિસંવાદ’ વાર્તાઓ પણ છે. આ સાથે સેવા, ભલાઈ, ધીરજ, શિક્ષણનું જીવનમાં મહત્ત્વ જેવા માનવગુણોને વિકસાવતી ‘શેખાઈ’, ‘કુમકુમ પગલાં’, ‘ભલાઈનો ભાર’, ‘ઊંટ અને આરબ’ અને ‘મનવર’ વાર્તાઓ છે. મોટી ઉંમરે પરણીને આગળના જીવનમાં આવનારી એકલતાને ખાળી શકાય એવો સંદેશ લઈને આવતી દૂતકથા ‘પ્રણયદૂત’ છે તો રેલવેની સીટ પર દોલુ અને નયનાએ આંકેલી લક્ષ્મણરેખા જ એમના પ્રેમનું મૂળ બને છે. ભૂત-વર્તમાનની રીતિએ ચાલતી આ વાર્તામાં બે પાત્રો વચ્ચેનો રેલવેમાં ચાલતો મૂંગો મૂંગો સંવાદ હોય કે લક્ષ્મણરેખા નામ સાંભળતાં દોલુની ડોલાયમાન સ્થિતિમાંથી વાર્તાનો ઉઘાડ કરવાની રીત, પત્રશૈલી, વાર્તાના શીર્ષકનો વાર્તામાં કરેલો ઉપયોગ, વાર્તાની અંદર વાર્તાને જે રીતે સર્જકે મૂકી આપી છે એમાં સર્જક તરીકેની એમની વિશેષતા જ જોવા મળે છે. પ્રતિજ્ઞાનું જીવનમાં કેટલું મૂલ્ય છે અને જેની સામે તમે પ્રતિજ્ઞા લીધી હોય એ વ્યક્તિ આ દુનિયામાં ન હોય તો પણ એ પ્રતિજ્ઞાનું ચુસ્ત પાલન થાય અને એ પણ જીવનમાં જેને તમે સૌથી વધારે પ્રેમ કરતાં હો તેને જ એ પ્રતિજ્ઞાના કારણે છોડવો પડે એની અકથ્ય વેદના ભોગવતી અન્તિ અને પી.પી.નો પ્રેમભાવ રજૂ કરતી ‘પાનખર અને પીપળ’ વાર્તા છે. વાર્તાસંગ્રહનું શીર્ષક બનતી વાર્તા ‘અણવર’ ૭૩ પાનાંની ટૂંકીવાર્તા છે. વાર્તાની નાયિકા દ્વારા જ વાર્તા શીર્ષકના થતા બે અર્થ અહીં મૂક્યા છે. જેમાં ‘અણવર’નો એક અર્થ થાય છે પહેલી વાર સાસરે જતાં વર કે કન્યાની સાથે જનાર સાથી. ને બીજો અર્થ થાય છે : ‘વરનો કોઈ સોબતી એકાએક પરણે તે.’ (‘અણવર’ ચોથી આવૃત્તિ, પૃ. ૨૪૫) આ બંને અર્થ આ વાર્તામાં સાર્થક થાય છે. જય-વિજય નામે બે ભાઈ છે અને જય માટે એક છોકરીનો ફોટો મુંબઈથી આવે છે. આ ફોટો પિતા વિજયને આપીને અવનવી છોકરીઓના પ્રેમમાં પડેલ જયને આપવા અને આ અંગે એની હા જ આવે એવું કહેવા વિજયને (મોટા ભાઈને) આપે છે. અલબત્ત આ બંને સગા ભાઈ નથી. વિજયનાં માતાપિતા એકીસાથે પ્લેન અકસ્માતમાં ગુજરી ગયેલાં અને પાંચ વર્ષનો વિજય કાકાકાકી પાસે જ મોટો થાય છે. એ રીતે વિજય કાકા-કાકીનો ઋણી છે. છોકરીનો ફોટો જયને આપે એ પહેલાં વિજય એ જોવે છે અને જોતાંની સાથે જ વર્ષો પહેલાં એ છોકરી કે જે હેમા છે તેને પોતે મળ્યો હોય છે. ફોટો પોતા માટે જ છે એવી શંકા વિજયને જાય છે અને એને દૂર કરવા તે હેમાને એક પત્ર પણ લખે છે. જેમાં પોતાની અને જય પ્રત્યેની ગેરસમજ અને પોતાને તેણીની(હેમા) માટે આકર્ષણ છે એવું પણ સૂચવે છે. હેમા ખૂબ જ સારા ખાનદાનની લક્ષ્મી અને સરસ્વતી ગણાતી પ્રભાવશાળી છોકરી હોવાથી જય તેને જોવા માટે તૈયાર થાય છે. આ તરફ વિજયની મૂંઝવણ વધતી જાય છે કે હેમાને પોતાનો પત્ર મળ્યો હશે કે કેમ? બીજી તરફ જય- વિજય હેમાને જોવા મુંબઈ મામાના ઘરે પહોંચે છે. ત્યાં વિજયને ખ્યાલ આવે છે કે પોતાનો પત્ર હેમાને મળ્યો છે અને પોતાની મા સાથે જયના મામા આગળ તેની ચોખવટ કરી લીધી છે. મામા પણ બંને ભાઈને પૂછે છે કે તમારા બંનેમાંથી કોઈ આ પહેલાં હેમાને મળેલું અને ત્યાં વિજય સાચે સાચું કહી આપે છે. જેમાં જયની મામી તેનો સાથ આપે અને આવી સારી છોકરી આખરે તો પોતાના જ કુટુંબમાં જ આવવાની છે એમ કહી રાજીપો વ્યક્ત કરે છે. વિજયના મનમાં કાકા-કાકીનું જે ઋણ હતું તે જ આ વાત સ્વીકાર કરવા રોકતું હતું પણ જયના સાથથી તે સાચું સ્વીકારી લે છે. ત્યારબાદ હેમાના મેન્શનમાં જમણવાર ગોઠવાય છે અને હેમા-વિજય એક બીજાને મળી એકમેકને હા કહે છે અને બંનેનાં લગ્ન લેવાય છે. લગ્નના દિવસે પણ વિજયને એ જ ચિંતા છે કે કાકીને એવું થતું હશે કે પોતે જયના ભાગની ખુશી છીનવી લીધી છે. એ ભાર દૂર કરવા હેમાને તે પોતાના જ કુળમાંથી જય માટે છોકરી શોધવાનું કહ્યા કરતો હતો અને તેના ભાગ રૂપે પોતાના લગ્નના દિવસે જયને પોતાના જ કાકાની અને હેમાથી જરા પણ ઊતરતી નહિ પણ ચડિયાતી છોકરી સાથે બીજો મંડપ નાંખી બેવ ભાઈનાં લગ્ન લેવાય છે અને એમ કાકા-કાકીનું ઋણ વિજય અદા કરે છે. તો લગ્નના મંડપમાં હસ્તમેળાપમાં વિજય હાથની ચેષ્ટાઓ અને આંખ વડે પોતાને હેમાએ કરેલી મદદનો ભાવ વ્યક્ત કરે છે. ત્યાં વાર્તા પૂર્ણ થાય છે. વાર્તા પ્રમાણમાં લાંબી છે પણ ક્યાંય પણ વાર્તાભંગ કે રસભંગ થતો નથી. બલકે હવે શું? આગળ શું? –નો જ ભાવ અનુભવાય છે. વાર્તા શીર્ષક પાસેથી સરસ કામ સર્જકે અહીં લીધું છે. એ ઉપરાંત હેમાની સમજદારી, વર બનતો જય અણવર કે દિયર બને છે તો તેને દિયરપણું સમજાવવા વગાડેલું ગીત હોય કે ભાભી – વહુ તરીકે ઘરની વહુ શોધવી, આ અને આવી અનેક નાની-મોટી મુશ્કેલીને હેમા જે સમજ સાથે નિભાવે છે તે તો પ્રશંસનીય છે. હેમાના પાત્રને અહીં બરાબર ખીલવ્યું છે તો વિજયની મૂંઝવણ ભાવકની મૂઝંવણ બની જાય છે. એ જ છે સર્જક પન્નાલાલ પટેલની વાર્તાકળા. ‘દીવાદાંડી’માં સંતકાકાની નિઃસ્વાર્થ સેવાભાવના અને પદના મોહ કરતાં બીજાની મદદ એ જ પોતાના માટે – પોતાના જીવન માટે મોટું પદ છે એ ગુણ આલેખાયો છે. તો ‘કર્મનો મર્મ’માં નિવૃત્તિ પછી પણ કાર્યરત રહી શકાય છે એ દર્શાવ્યું છે. ‘શેખાઈ’માં પણ ભલાઈ, હમદર્દી, મોટપ ન રાખવી, ખોટી શેખાઈ ન મારવી જેવા જ માનવમૂડી રૂપ ગુણોનું વર્ણન સહજ કરાયેલું છે. રાજકીય જીવન અને સમાજજીવનને જોડતી ‘સંવાદી-વિસંવાદ’ વાર્તા પણ અહીં છે. આ સંગ્રહની વાર્તાઓમાં માનવજીવનના અવનવા ભાવ-ગુણોને વાર્તા રસમાં ઘોળીને એને વાર્તાનું રૂપ પન્નાલાલ પટેલે આપ્યું છે. જાણીતો વિષય પ્રણયને પણ એમણે જે નવા વહેણ સાથે વાર્તાઓમાં વહેતો કર્યો છે તે પણ નોંધનીય બને જ છે. ૭૩ પાનાંની પણ ટૂંકીવાર્તા રસાર્દ્ર હોઈ શકે તે અહીં જાણવા મળે છે. અંતે કાકાસાહેબ કાલેલકરે ટાંકેલ વિધાન આ વાતને વધુ સમર્થન પૂરું પાડે છે, “લોકજીવનનું ઊંડું અને ઝીણું દર્શન ને માનસ વિશેની સમજ પન્નાલાલ પટેલની મૂડી છે. આ મૂડીમાં પોતીકા અનુભવો ઉમેરાય અને સર્જાય પન્નાલાલની અનેરી વાર્તાસૃષ્ટિ. સ્વયં સ્ફુરણાથી સર્જાયેલી આ વાર્તાઓ વિષય અને સ્વરૂપ શૈલીની વિવિધ લાક્ષણિકતાઓ પણ ધરાવે છે.” ‘આસમાની નજર’ ૧૯૭૨માં પ્રગટ થયેલો વાર્તાસંગ્રહ છે. આ વાર્તાસંગ્રહની ૨૦૦૯ અને ૨૦૧૨ એમ બે આવૃત્તિઓ થયેલી છે. પન્નાલાલ પટેલે પોતાનો આ વાર્તાસંગ્રહ મણિલાલ છગનલાલ શાહને અર્પણ કરેલો છે. આ સંગ્રહમાં કુલ પંદર વાર્તાઓ છે. જેમાં ‘આસમાની નજર’, ‘અકસ્માત’, ‘પાવક ઝઘડો’, ‘મતદાન’, ‘વહાલો જમાઈ’, ‘સમાન ધર્મા’, ‘યાત્રાધામ’, ‘માંગ્યાં મોત’, ‘ગાંઠ’, ‘શારદા સાધુ’, ‘સાખ પાડોશી’, ‘સ્વર્ગનો પંથ’, ‘પૂર્ણાનંદ’, ‘મોરનાં દર્શન’, ‘પ્રાઇવેટ’નો સમાવેશ થાય છે. આ વાર્તાઓમાં રાજકારણ, ધર્મ, સામાજિક સમસ્યાઓ, પ્રેમ, ધીરજ, જીવનનાં સારાં-નરસાં પાસાઓ વગેરે આ વાર્તાઓના વિષયો રહ્યા છે. ‘અકસ્માત’, ‘પાવક ઝઘડો’, ‘વહાલો જમાઈ’, ‘શારદા સાધુ’ આ વાર્તાસંગ્રહની ઉત્તમ વાર્તાઓ ગણાવી શકાય. જીવનમાં થતા અકસ્માત હંમેશાં ખરાબ જ હોય એ વિચારસરણીની વિરુદ્ધની વાર્તા ‘અકસ્માત’ છે. એકબીજાને જોવા માટે પોતપોતાના શહેરમાંથી મુંબઈ જવા નીકળેલા મુની અને દીના એક જ ટ્રેનમાં સહજ ભેગા થાય છે અને વાર્તાન્તે અચરજ સાથે બેવ એકબીજાને જોવા જ આવેલાં છે એ પોતાની સખી મીનાક્ષી વતી જાણે છે અને એકમેકને પોતે હા કહે છે. પતિ-પત્નીના સંબંધમાં હંમેશાં નાના- મોટા ઝઘડા થતા રહેતા હોય છે પણ એ ઝઘડાનું મૂળ જો જડબેસલાક બેસી જાય તો સંબંધને તે વીંખી-પીંખી નાંખે છે અને પાછળથી પસ્તાવાનો વારો પણ આવે એ ભાવ સાથેની વાર્તા છે ‘પાવક ઝઘડા’. ‘વહાલો જમાઈ’ વાર્તામાં સાસુએ ત્રણ જમાઈમાંથી સૌથી નાના જમાઈને મરતી વખતે પોતાની પાસે રહેલા એક હજાર રૂપિયા આપેલા અને કહેલું કે તમને બેને ગમે એવા સારા કામમાં વાપરજો. વાર્તાની શરૂઆત આ પૈસા ક્યાં વાપરવા-ની મૂંઝવણથી થાય છે. દીકરી જમાઈ ખૂબ વિચાર કરે છે કે દવાખાને આપીએ, શાળામાં આપીએ, ગરીબ લોકોને આપીએ વગેરે સ્થળોમાં લાંબા વિચાર કરવાથી સમજાય છે કે બધામાં પૈસા યોગ્ય વપરાય એવું લાગતું નથી. આથી દીકરી પોતાની દૂરની થતી બહેનનાં બાળકોને ભણાવવા માટે આ પૈસા વાપરવા એવું નક્કી કરે છે પણ તે પણ આપ્યા પછી બાળકોના શાળા ખરચ પાછળ જ વાપરશે એવી કોઈ બાંહેધરી નથી. આથી પતિ સૂઝપૂર્વક વિચારીને એવું નક્કી કરે છે કે સાસુએ આપેલા એક હજારમાં બીજા એક હજાર દીકરીના(પત્નીના) નામે ભેળવીને બૅન્કમાં મૂકવા અને એમાંથી દર મહિને જે વ્યાજ આવે તે બહેનને બાળકોના ખર્ચા માટે આપ્યા કરવા. જમાઈની આ રીત પત્ની અને ભાવક બંનેને સ્પર્શી જાય છે અને કહેવાની જરૂર રહેતી નથી કે સાસુને આ નાનો જમાઈ કેમ સૌથી વહાલો હતો. સંવેદનાથી ભરપૂર એવી વાર્તાનું વિષયવસ્તુ સૌ કોઈને તરબોળ કરી આપે છે અને વાર્તાને અપાયેલું શીર્ષક સટિક બની રહે છે. ‘શારદા સાધુ’ જરા જુદા વિષયવસ્તુવાળી વાર્તા છે. વાર્તાનાયક શીતળની આ કથા છે. શીતળ એક મકાનના બાંધકામમાં સલાટનું કામ કરતો હતો અને એકાએક માલિકને આવી પોતાનો પગાર ગણાવી દેવાનું કહે છે. શીતળને સાધુ બનવાની લ્હાય લાગે છે અને બધું છોડી જૂનાપુરાણા મંદિરની શોધમાં નીકળી પડે છે અને એ પહેલાં સાધુ તરીકે પોતાને એક ગુરુ હોવા જોઈએ એવું માને છે. જોતજોતાંમાં ગુરુ પણ મળી જાય છે. ગુરુ સાથે થોડા સમય રહ્યા પછી પણ એના જીવને શાંતિ મળતી નથી. આથી ગુરુને છોડી એક ગામના સીમાડે તેને જૂનુંપુરાણું મંદિર મળે છે અને ત્યાં કાયમના ધામા નાંખે છે. ગામલોકો પણ સાધુ તરીકે તેને માન-સમ્માન આપે છે અને એમ સારા એવા દિવસો તેના પસાર થાય છે. ત્યાં એક રાત્રે દાણચોરી કરનારા લોકો સાથે તેનો ભેટો થાય છે અને એમાંથી તે ઘણું ધન મેળવે છે. પોતાની પાસે રહેલું ધન દાણચોરીથી મેળવેલું છે પણ તેને પુણ્યના કામમાં વાપરવાની ઇચ્છા થાય છે. આથી બધી બાજુનો વિચાર કરી ગામડાનાં આદિવાસી બાળકો દૂરના વિસ્તારમાં શિક્ષણ લેવા માટે જાય છે એ તપાસ કરી ગામડાનાં બાળકો અને આદિવાસી બાળકો માટે ગામમાં એક શાળા ઊભી કરવી એ વિચાર અમલમાં મૂકી ગામના લોકોને પોતાનો વિચાર કહે છે. ગામ માટે તો આ સારી વાત હોવાથી બધા સહમત થાય છે અને જોતજોતાંમાં શાળાનું બાંધકામ અને શાળા શરૂ પણ થઈ જાય છે. શાળાને સાધુનું નામ આપવું હોય છે પણ એ નહિ માને એ વિચારે શાળાનું નામ કોઈ પણ રીતે આ શીતળ સાથે અને વિદ્યાની દેવી સાથે જોડી શાળાનું નામ ‘શારદા સાધુ’ ગામલોકો નક્કી કરે છે. આ નામ શીતળજીને કહેવા નીકળેલા ગામલોકો મંદિરે જાય છે અને ત્યાં જુવે છે કે ઝાડના થડમાં સાધુનું શરીર પ્રાણ વિનાનું પડ્યું છે. દુઃખી ગામલોકો સાધુની ત્યાં જ સમાધિ બનાવે છે. વર્ષો પછી શાળાની મુલાકાતે આવેલા કથકની જુબાની આ વાર્તા કહેવાયેલી છે અને શીતળજીના આ કાર્યને સાંભળી કથકને આ સાધુને મળવાની ઇચ્છા થાય છે પણ તે સમાધિરૂપે હયાત છે એ જોઈ-જાણી કથક હતપ્રભ બની જાય છે. અને ત્યાં વાર્તા પૂર્ણ થાય છે. બુરાઈમાં પણ સારાઈ સમાયેલી છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ વાર્તા બની રહે છે. કથક વડે વાર્તા કહેવાની રીત, વાર્તાને અપાયેલું શીર્ષક, સમુચિત ભાષા વિનિયોગ આ વાર્તાને ઉત્તમ બનાવે છે. ‘મતદાન’, ‘સમાન ધર્મા’, ‘પ્રાઇવેટ’ રાજકારણને લગતી વાર્તાઓ છે. તો ‘યાત્રાધામ’, ‘માંગ્યાં મોત’, ‘ગાંઠ’, ‘સાખ પાડોશી’, ‘સ્વર્ગનો પંથ’ અને ‘મોરનાં દર્શન’ વાર્તાઓમાં પરોપકાર, શ્રદ્ધા, વિશ્વાસ, ભલાઈ, મદદ કરવી જેવા ગુણોની વાત કરાયેલી છે. વાર્તાસંગ્રહનું શીર્ષક બનતી વાર્તા ‘આસમાની નજર’ મિસ વાઝની કથા છે. પ્રણયકથા નથી છતાં પ્રણયકથા પ્રકારની આ વાર્તા છે. મિસ વાઝની સુંદરતાથી મોહક બનેલો મિશ્રા પાગલની માફક મિસ વાઝને ચાહે છે અને મિસ વાઝ તેને પંસદ કરતી નથી. પાગલની માફક ચાહતા મિશ્રાને નાયક નવીન અને મિસ વાઝ બંને સમજાવે છે અને તેનું આ પાગલપણું વાર્તાન્તે સાચું પાગલપણું બની જાય છે. વાર્તા પ્રમાણમાં ખાસ્સી લાંબી છે અને મિશ્રાનું પાગલપણું ક્યાંક વધારે પડતું લાગે છે. ડાયરીના પાનામાંથી ખૂલતી જતી આ વાર્તા મધ્યમ કક્ષાની બની રહે છે. પ્રસ્તુત વાર્તાસંગ્રહમાં પણ પન્નાલાલ પટેલે મોટે ભાગે માનવગુણોને આલેખતી વાર્તાઓ આપી છે. શહેરી અને ગ્રામ્ય સંસ્કૃતિઓનો સમન્વય કરતી આ વાર્તાઓમાં આવતા આ માનવગુણો ભાવકને સ્વનું મનોમંથન કરવા પ્રેરે જ છે અને એ જ એક વાર્તાકાર તરીકે પન્નાલાલ પટેલની સિદ્ધિ છે. ‘નરાટો’ ૧૯૮૬માં પ્રગટ થયેલો વાર્તાસંગ્રહ છે. આ વાર્તાસંગ્રહ પન્નાલાલ પટેલે સ્વ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને અર્પણ કરેલો છે. આ વાર્તાસંગ્રહની કુલ ૧૭ વાર્તાઓમાં ‘નરાટો’, ‘વતનની સુવાસ’, ‘સી...ધાં ઘેર!’, ‘ઉછી-ઉધારો....’, ‘હાઇવે’, ‘દાકતર’, ‘બંધન’, ‘આંકડેદાર’, ‘ભાગેડુ’, ‘બેકારોની સભા’, ‘અલગારી યુગલ’, ‘રીટાયર્ડ’, ‘પરણિત દંપતી’, ‘સબૂર’, ‘ગ્રાઉન્ડનટ’, ‘ચડ્ડી-ખમીસ’ અને ‘સંવાદ પ્રતિ’નો સમાવેશ થાય છે. વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા અને વાર્તાસંગ્રહનું શીર્ષક બનતી તથા આ સંગ્રહની ઉત્તમ વાર્તા છે ‘નરાટો’. નરાટો એટલે માણસ. અહીં માણસના વ્યક્તિત્વનાં કેવાં કેવાં જુદાં રૂપ(પરિસ્થિતિ અનુસાર) હોઈ શકે તેની વાત રહસ્યાત્મક રીતે મૂકવામાં આવેલી છે. ગરીબ એવો એક બ્રાહ્મણ પોતાની પત્ની અને દીકરી સાથે નગરશેઠના એકના એક દીકરા નરાટો પાસે પોતાની બીજી દીકરીને કોઈક દરિયાઈ લોકો લઈ ગયા છે અને તેને શોધી આપવાની આજીજી સાથે આવ્યાં છે. નરાટો પોતે દરિયાઈ ખેડુ હોવાથી બધી જાણકારી મેળવી બ્રાહ્મણની બીજી દીકરીને પોતાની સાથે લઈ દરિયાઈ માર્ગે જાય છે. બીજા દિવસે બંનેનાં શબ પોલીસ થાણામાં પડ્યાં હોય છે. નરાટોના પિતા એકના એક પુત્રના મૃત્યુથી શોકગ્રસ્ત અને બ્રાહ્મણ પર ગુસ્સે ભરાય છે. આ તરફ બ્રાહ્મણ પોતાની બંને દીકરીઓને ખોઈ બેસતાં હૃદયદ્રાવક રુદન કરે છે. અને થોડા મહિના પછી ગરીબ એવો બ્રાહ્મણ મહેલ જેવા ઘરમાં રહેતો હોય છે. ત્યાં જ આ વાર્તાની બધી ખૂબીઓ સમજવાની છે. જે આ બ્રાહ્મણને ઓળખતું હતું તે બ્રાહ્મણને બે દીકરી નહિ પણ એક જ હતી એવું કહેતા અને ગરીબ એવો બ્રાહ્મણ ત્રણ-ચાર મહિનામાં અમીર કેવી રીતે બન્યો જેવા પ્રશ્નો ભાવકના મનમાં મૂકી આ વાર્તા પૂરી થાય છે. સાચા અર્થમાં આ નરાટો એટલે માણસની જ વાત કરતી વાર્તા બની રહે છે. બીજી વાર્તા છે ‘વતનની સુવાસ’. વતન પ્રત્યેનો પ્રેમ દર્શાવતી અને સમાંતર પ્રણયકથા પણ છે. અમેરિકાનિવાસી ડેચિયાજી ડેપ્યુશનનો ઉપનેતા બનીને આવે છે. આથી બધાં તેની સરભરા કરવા લાગે છે. તેમજ તેના મૂળ ગામમાં તેને કોઈ ઓળખતું હતું કે કેમ તેની પણ અગાઉથી જાણકારી મેળવવામાં આવે છે અને એમાંથી વાર્તાનું બીજું પાત્ર ચંચી કેન્દ્રમાં આવે છે. જે એક વિધવા છે. ડેચિયાજી વતનની મુલાકાત કરી જ્યાં પોતાનું એક સમયે ઘર હતું એ જગ્યા જોવા માટે જાય છે એ જ સમયે ચંચી પણ ત્યાં આવે છે. બંને એકમેકને ઓળખે છે. બંને એકબીજાની પરિસ્થતિ જાણે છે અને અંતે ડેચિયાજી ચંચી આગળ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, ચંચી સ્વીકારે છે અને વતનમાં નવા ઘરના બાંધકામ, ગામના વિકાસના કામ શરૂ કરી અમેરિકાનાં અધૂરાં કામો પૂર્ણ કરવા અમેરિકા જાય છે, ત્યાં વાર્તા પૂર્ણ થાય છે. ‘સી...ધાં ઘેર!’ રાજકારણ સાથે જોડાયેલી વાર્તા છે. એક વાર સમાજમાં તમારી નામના પૈસાદાર કુંટુબમાં થઈ ગયા પછી સમાજ તમારી પાસેથી પૈસા માંગવાનું વલણ પછી પરિસ્થિતિ બદલાણી હોય તો પણ છોડતી નથી. તેની મુશ્કેલી અનુભવતા અને તેમાંથી બહાર નીકળતા સાંકળચંદ અને તેની પત્ની મનોરમાની આ રોચક કથા છે. ‘ઉછી ઉધારો’ દાદુ નામના માણસની કથા છે. દાદુ પોતાના જીવનમાં ભાઈને અને ભાઈના સંતાનને ભણાવવામાં પોતાની તમામ મિલકત ખરચી નાંખે છે. પણ ભાઈ ખરા સમયે દાદુને જાકારો આપે છે. પણ દાદુની મહેનત કરીને ખાવાની ખુમારી હજી જીવંત છે તે અહીં મકાઈના ઉછીના લીધેલા રોટલાની જે રીતે ચૂકવણી કરે છે તેમાં સ્પષ્ટ કરાવેલું છે. ‘બંધન’માં પોતે શીખવેલાં જીવનમૂલ્યો પર પુત્ર ખરો ઊતરે એવી આશા રાખતા મહેશભાઈ છે તો બીજી તરફ પુત્ર શ્રેણિક પરદેશોમાંથી દારૂની લત લઈને આવ્યો અને તેને છોડાવવા માટે પિતાની જાણ બહાર પ્રયાસો કરી રહ્યો છે. વાર્તાન્તે પિતાને ખ્યાલ આવે છે કે પુત્ર પોતાની આશા પર ખરો ઊતર્યો નથી અને તે અંગેની જાણ પત્નીને કરતાં તેને પત્ની દ્વારા ખ્યાલ આવે છે કે પુત્ર દારૂની લત છોડવાના તમામ પ્રયત્નો કરી રહ્યો છે. જે જાણીને પિતા તરીકે મહેશભાઈ ખરાબ ટેવને સુધારી શકાય અને પોતાનાં મૂલ્યો કરતાં ભૂલોને સુધારવી એ ગુણ મહાન છે એ સ્વીકારે છે. માનવમૂલ્યની આ સામાન્ય કથા રસપ્રદ બનીને આવી છે. ગામ પ્રત્યેનો પોતાનો પ્રેમ જો ગામલોકો સમજી ન શકવાને કારણે તેમજ તે માટે તો કાયમ ગામ છોડી, ગામલોકો સાથે નાતો તોડી ગામના સહુના વ્હાલા વીરા ડોસાની કથા ‘આંકડેદાર’ છે. સ્વતંત્રતા પછી પહેલી ચૂંટણી આવે અને તેમાં વીરા ડોસાને ગામલોકો આગેવાન તરીકે પસંદ કરશે એવી વીરા દાદાની ધારણા ગામલોકો ખોટી પાડે છે. કારણ કે ગામલોકો જાણે છે કે વીરા દાદા વટવાળા અને ક્રોધી મિજાજના હતા. પરિણામે વીરા દાદા મૃત્યુ સુધી ગામ અને ગામલોકો સાથે અબોલા લે છે, વર્ષો વીતી જાય છે. વર્ષો પછી વીરા દાદા મરણપથારીએ પડ્યા છે ત્યારે તે ગામના સૌ કોઈ લોકોને મળ્યા વગર પોતે નહિ મરે એમ કહી ગામના સરપંચના હાથે, આગેવાનોના હાથે કસુંબો પી-પીવરાવી અબોલા તોડે છે અને મૃત્યુ મેળવે છે. વીરા દાદાની ગામ પ્રત્યેની પ્રીતિ આ રીતે અહીં વણાયેલી છે. ‘અલગારી યુગલ’ વ્રજલાલ અને રમાની વાર્તા છે. લાખોની માલમિલકતવાળા પરિવારનો ત્યાગ કરીને પરન્યાતના વ્રજલાલ સાથે લગ્નગ્રંથિથી જોડાતી રમા છે, તો એકના એક ભાણાને ખોળે બેસાડી મામા લાખોનો વારસદાર બનાવવા માંગતા હતા અને બની શકે એમ હોવા છતાં સામાન્ય જીવન જીવતો વ્રજલાલ છે, આ બે પાત્રના માધ્યમે ‘કમ ખાના ઔર ખુશ રહેના’નો સુંદર મેસેજ આ વાર્તામાં બહુ સહજ રીતે આપવામાં આવ્યો છે. ‘ચડ્ડી-ખમીસ’ વાર્તામાં વિદ્યા પ્રીતિ ધરાવતા બાળક વકતા અને તેના ગુરુની કથા છે. ગુરુ વકતો હોશિયાર હોવાથી શહેરની ઉત્તમ શાળામાં તેનો દાખલો કરાવે છે પણ વકતો શાળાએ જતો નથી. વકતાના પિતા પાસેથી જાણવા મળે છે કે વકતા પાસે ફાટેલાં ચડ્ડી ખમીસ હોવાથી તે શાળએ ઇચ્છા હોવા છતાં જતો નથી. આથી વકતાને બોલાવી તેના બાપની માકફ જ ગુરુ નવાં ચડ્ડી ખમીસ લઈ આપવાનું કહી વકતાને જાતે શાળાએ મૂકવા જવાનું નક્કી કરે છે ત્યારે વકતાના પિતા કાળાજીનો આનંદ અને વકતાનો ઉત્સાહ સૌ કોઈનો બની જાય છે. ‘ભાગેડુ’ કવિ અને કવિગુરુ સંવાદમાંથી રચાતી અસ્તિત્વવાદની વાર્તા છે. ‘બેકારોની સભા’ શિક્ષિત છતાં બેકારીનો ભોગ બનેલા નવયુવાનોની લાચારીની હૃદયસ્પર્શી વાર્તા છે. ‘રીટાયર્ડ’ વાર્તામાં બે પરસ્પર વિરોધી સ્વભાવવાળા મિત્રો કોઈ બાબત પર એકસરખું વિચારી શકે એવી સ્થિતિએ પહોંચી શકે એ ભાવને આલેખતી વાર્તા છે. ‘પરણિત દંપતી’ ઘરજમાઈ બનતા પુરુષો બીજા લોકોનું દુઃખ પણ સમજી શકવા જેટલા સ્વતંત્ર રહેતા નથી એના પર કટાક્ષ કરતી વાર્તા છે. ‘સબુર’ રાજકારણ અને રાજકારણમાં જાગૃત રહેવાની વાત કરતી વાર્તા છે. ‘ગ્રાઉન્ડનટ’ તમારાથી જાણ્યે-અજાણ્યે કોઈનું ખરાબ થઈ જાય અને તમારાથી સામેની વ્યક્તિને દુઃખ મળ્યું છે એનો ખ્યાલ આવવો અને તેનો પસ્તાવો કઈ હદે તમારા મનમાં ઘર કરી બેસી જાય તે મનુભાઈના પાત્રથી રજૂ કરેલું છે. ‘નરાટો’ એટલે માણસ, એવો અર્થ પ્રથમ વાર્તામાં અપાયેલો છે. પ્રસ્તુત સંગ્રહની સત્તરેય વાર્તામાં માણસના જુદા જુદા સ્વભાવ, જીવનમાં અચાનક આવી પડતી મુશ્કેલીમાં માણસ કયા પ્રકારનું વર્તન કરે, ચિંતામાં સુધારેલાં કામો પણ બગડી જાય, ભૂલ સુધારવા ન મળે તો કેવી કફોડી સ્થિતિ થાય, અમીર-ગરીબ લોકોની પીડા, માણસની જીદ–જીદનો વટ કેવાં પરિણામ લાવી શકે છે તે, માણસનાં મહોરું પહેરેલાં વ્યક્તિત્વો અને એવું તો ઘણું ઘણું જે તમે કલ્પના કરી શકો તે તમામ બાબત આ વાર્તાસંગ્રહની કોઈક ને કોઈક વાર્તામાં દૃષ્ટિગોચર થાય જ છે. એ અર્થમાં આ વાર્તાસંગ્રહને અપાયેલું શીર્ષક, વાર્તાઓને અપાયેલાં શીર્ષકો યથાર્થ ઠરે છે. એ અર્થમાં એક શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ ‘નરાટો’ બની રહે છે. ‘ઘરનું ઘર’ એ ૧૯૭૯માં પ્રગટ થયેલો પન્નાલાલ પટેલનો વાર્તાસંગ્રહ છે. તેની ૨૦૧૦ અને ૨૦૧૩ એમ બે આવૃત્તિઓ થયેલી છે. આ વાર્તાસંગ્રહ નલિન પટેલ તથા સરોજબહેનને પન્નાલાલ પટેલે અર્પણ કરેલો છે. આ વાર્તાસંગ્રહના નિવેદનમાં પન્નાલાલ પટેલે એવું કહ્યું છે કે, ‘માનવીને અને જીવનને નાતો છે એમ જીવન અને સાહિત્યને પણ એકબીજાથી કોઈ ને કોઈ પ્રકારનો અનુબંધ પણ હોવાનો જ.’ અહીં ‘ઘરનું ઘર’ વાર્તાસંગ્રહની વાર્તાઓના વિષયો પરત્વેનો સંકેત પણ તેમણે આપી દીધો છે. આ સંગ્રહ પ્રગટ થાય છે એ પહેલાં તેમના ચોવીસ વાર્તાસંગ્રહ પ્રગટ થઈ ચૂક્યા હોય છે અને આ વાર્તાસંગ્રહનો પચીસમો ક્રમ તેઓ ગણાવે છે. પ્રસ્તુત વાર્તાસંગ્રહમાં કુલ બાવીસ વાર્તાઓ છે. જે સમાજ, માનવ અને માનવજીવનને જ વર્ણવતી વાર્તાઓ છે. જેમાં ‘ઘરનું ઘર’, ‘અધરાત-મધરાત’, ‘ભાવઘટાડો’, ‘કૉમરેડ’, ‘ભૂખ’, ‘માનો યા ના માનો’, ‘ઇન્દુએ આપઘાત કર્યો’, ‘સંકેત’, ‘સાઇકલ’, ‘ ‘ફિલસૂફ’, ‘કારભારી ફરી પ્રગટ્યા’, ‘રસિકતા’, ‘આંબાવાડિયું’, ‘અમદાવાદી’, ‘રહેમુ સિપાઈનો દીકરો’, ‘જીવન પ્રસંગ’, ‘પાણી-ઝીલારો’, ‘સાઈકોલોજીનો પ્રોફેસર’, ‘સંગેમરમર’, ‘રાસલીલા’, ‘ભૂતનો ગુરુ’ અને ‘ડાભી’ વાર્તાઓનો સમાવેશ થાય છે. આ બધી જ વાર્તાઓમાં માનવસંવેદન, માનવલાગણી, માનવપીડા કે ટૂંકમાં માનવજીવનની આંટીઘૂંટીઓ કે માનવજીવન પ્રસંગ કેન્દ્રસ્થાને છે. વાર્તાસંગ્રહનું શીર્ષક બનતી પહેલી વાર્તા ‘ઘરનું ઘર’ સયુંકત કુટુંબની વાર્તા છે. જેમાં એક પણ પાત્રને નામ અપાયેલું નથી. સંયુક્ત કુટુંબના આ પરિવારમાં ડોસો-ડોસી અને તેના બે દીકરા અને તેની પત્નીઓ એમ કુલ મળીને છ સભ્યો છે. ડોસાએ સરકારી નોકરી પૂર્ણ કરીને પોતાની જમા મૂડીમાંથી અમદાવાદમાં પોતાનું ઘર ખરીદવામાં પૈસા ખર્ચી નાખ્યા છે ત્યારે મોટો દીકરો એક દુકાનદારની દીકરી સાથે પરણી એ દુકાન ચલાવે છે. અને નાનો દીકરો ભણીગણીને સરકારી નોકરી મળવાની આશા સેવતો હોય છે. મોટા દીકરાની દુકાનના કારણે હાલ તો આ બધાનો જીવન ગુજારો થઈ રહ્યો છે જેનો વટ મોટા દીકરા અને મોટી વહુ બંનેને છે. આથી તે ડોસા-ડોસી અને નાના ભાઈ-વહુને મન ફાવે તેમ બોલે પણ છે. કશીક ભાંગ-તૂટ થાય તો પણ સંભળાવવામાં મોટી વહુ સસરા કે કોઈને પણ બાકી રાખતી નથી. સસરા ઓછું સાંભળતા હોવાથી આ બધું સાંભળવામાંથી છૂટી જાય છે એવી અનુભૂતિ ભાવકને કરાવી અને અંતે તો પત્નીથી પતિની કશું ન સાંભળી શકવાની ચહેરા પર અકળામણ જ પત્નીથી જોઈ શકાતી નથી. જે પિતા પોતાનું સર્વસ્વ પુત્રો માટે હોમી દે એ પિતા અને રાત-દિવસ એક કરી બાળકોને મોટાં કરે એ માતાની સ્થિતિ કેવી સંતાનો કરી દે છે એ અહીં કરુણ રીતે રજૂ કરવામાં આવ્યું છે. ‘અધરાત-મધરાત’ નામ પ્રમાણે રાત્રીનાં વાતાવરણમાં આલેખાયેલી વાર્તા છે. એક લેખક કે જે નાટક જોઈને ઘરે જવા નીકળે અને રીક્ષા ન મળતાં નજીકમાં જ ચાલતા ઘરે પહોંચી જવાશે એમ માની ચાલવા લાગે છે. જરાક આગળ વધે છે ત્યાં કોઈક પોતાની પાછળ હોવાનો આભાસ થાય છે. એક વાર બે વાર આવું થાય છે અને પછી તો એક માણસ સાક્ષાત્‌ પોતાની સામે હાજર થઈ જાય છે, જેનું નામ બેરિસ્ટર ઉમાકાંત છે. જે પોતે મરેલો અને પોતાના મૃત્યુનો ભેદ આજ સુધી કોઈ ઉકેલી કેમ નથી શક્યું એનું કારણ કહેવા આ લેખકને પોતાની જીવનકથની કહે છે. પોતે વકીલ બન્યા પછી જીવનમાં એક પછી એક ખોટા માર્ગના, ખૂની કેસ લે છે અને આ બધામાં જ પોતાનું પણ ખૂન થઈ જાય છે જે તેની માતાએ જ કર્યું છે એ વાત તે સબૂત સાથે લેખકને કરે છે. ત્યાં વાર્તા પૂરી થઈ જાય છે. એક માતા શા માટે પોતાના સંતાનને મારી નાંખે એવા પ્રશ્નના જવાબમાં એમ કહી શકાય કે માતાપિતા હંમેશાં એવું ઇચ્છે કે, પોતાનાં સંતાનો સત્‌ માર્ગે આગળ વધીને પ્રગતિ કરે ત્યારે પોતાના આ સંતાને જીવનભર ખોટા લોકોનો સાથ આપી સાચા લોકોને અન્યાય કર્યો છે અને એટલા માટે એવા સંતાનનું હોવું ન હોવું એક સમાન બની રહે છે એ સ્પષ્ટ સમજાઈ જાય છે. ‘ભાવ ઘટાડો’ વાર્તામાં યુવાનો અને સરકાર વચ્ચે ચાલી રહેલી લડાઈમાં શહેરમાં બે દિવસથી કરફ્યું હોય છે. સાંકળચંદ કે જે ઘાસતેલનો વેપારી છે અને તેમાંથી સારી એવી આવક મળતી હતી. પરંતુ કરફ્યુ લાગ્યું હોવાથી પોતે ઘાસતેલ વેચવા જઈ શકતો નથી અને એવામાં ખાધા-ખોરાકીની વસ્તુઓમાં તંગી સર્જાય છે જે વસ્તુઓના ભાવ ૧૦ કે ૧૨ આના હતા તે વેચવા જતાં તેના મૂળ ૬-૭ આના જ મળે છે અને આવું જ સાંકળચંદ સાથે થાય છે. એને ધ્યાનમાં રાખીને અપાયેલું શીર્ષક ‘ભાવ-ઘટાડો’ છે. ‘કૉમરેડ’ ત્રણ મિત્રો મન, મિ. મનસુરી અને કૉમરેડ છે. વાત અહીં કૉમરેડની છે જે ત્યાગ અને ઉદારતા કોને કહી શકાય એ બતાવી આપતું પાત્ર છે. ‘ભૂખ’ વાર્તામાં એક ભિખારણ કથાનાયકના દરવાજે દરરોજ આવતી અને ઘરે વધેલું હોય તો તેને મળતું પણ ઘરનો નોકર ભિખારણને આ રીતે દરરોજ આપી ટેવ પાડવા માંગતો ન હતો, કારણ કે પછી આવી ભિખારણો દરરોજ જ્યાં સુધી આપો નહિ ત્યાં સુધી દયાળુ મોં કરીને ઘર સામે તાક્યા જ કરે. કથાનાયક શરૂઆતમાં નોકરની આ વાત સાથે સહમત થાય છે પણ અંતે તે ઘરે વધેલું હોય ત્યાં સુધી ભિખારણને આપવું જ અને કૂતરા કે બીજા કોઈને ન આપતાં મનુષ્યના પેટમાં અન્ન જાય એવી ભાવના સેવે છે ત્યાં વાર્તા પૂર્ણ થાય છે. કથાનાયકને સમજાય છે કે જો ભિખારણને ખાવાનું આસાનીથી મળી જાય એમ હોત તો એ શા માટે દરદર ભટકીને ખાવાનું માંગવા જાય. માનવ લાગણી સાથે જોડાયેલી આ વાર્તાઓ આસ્વાદ્ય બની રહે છે. ‘સાઇકલ’ વાર્તામાં પણ સામાન્ય માણસનો જીવનનિર્વાહ જો કોઈ સાધન પર આધારિત હોય અને એ સાધન એની પાસેથી કોઈ રીતે જતું રહે તો તો તેની જીવનનૈયા ડૂબી જાય છે અને એવા સંજોગોમાં પાડોશી, સગાંસંબંધીઓનો સાથ સહકાર મળે તો ફરી જીવનસફર શરૂ થઈ શકે છે. એ હામ ભીડતી આ વાર્તા છે. ‘સંગેમરમર’ એ મા આરાસુરીના આશીર્વાદથી જન્મેલા આરાસુરની વાર્તા છે. મહેનતુ એવા આરાસુરને ગામમાં કોઈ મજૂરીનું કામ ચાલુ ન હોવાથી મળતું નથી ત્યારે તે મજૂરી કરવા અમદાવાદ શહેરમાં જાય છે અને ત્યાં સમયાવધિમાં એક કામ મળે છે. પત્ની અને દીકરા માટે જરૂરી હોઈ ખાધા-પીધા વગર કામ ચોક્કસ સમયાવધિમાં પૂર્ણ તો કરે છે પરંતુ કામના અંતે તે બેભાન બને છે અને તેના કામથી વેપારી ખુશ થાય છે. કામ કરવાની ધગશ જો તમારામાં હોય તો તમે ત્રણ વ્યક્તિનું કામ એકલા પણ કરી શકો અને જેને મહેનતનો રોટલો જોઈએ છે તેને કામ પણ મળી જ રહે છે એ વાત અહીં બહુ સરસ રીતે મૂકવામાં આવી છે. ‘રાસલીલા’માં લોકો તમારી સાથે સારું વર્તન કરે, તમારા હૃદયમાં સ્થાન મેળવે અને પોતે પણ પોતાના હૃદયમાં સ્થાન આપે એ ભાવ સુધી પહોંચ્યા પછી એકબીજા સાથે જોડાવાનું આવે ત્યારે સ્પષ્ટ તેની ના હોય એ પ્રકારની રમત રમતા લોકોની વાત કરતી વાર્તા છે. ‘જીવન પ્રસંગ’, ‘પાણી-ઝીલારો’ વાર્તાઓ મનુષ્યના મનના સારા ભાવને કારણે સમાજના સામાન્ય લોકોને તેનો લાભ મળી શકે એ લાગણી વ્યક્ત કરતી-આલેખતી વાર્તાઓ છે. આમ, પ્રસ્તુત વાર્તાસંગ્રહમાં માનવસંબંધોમાંથી ઊપસતું સાહિત્ય કયા પ્રકારનું હોઈ શકે તેનો ઉત્તમ નમૂનો પન્નાલાલ પટેલે ‘ઘરનું ઘર’ વાર્તાસંગ્રહ આપીને પૂરો પાડ્યો છે. માનવજીવન સાથે જોડાયેલી ભાત-ભાતની, જાત-જાતની ઘટનાઓ, વિપત્તિઓ, લાગણીઓ-સંવેદનાઓ, દગાખોરી, સારી-નરસી દાનત ને એવું કંઈ-કેટલુંય તમને આ વાર્તાસંગ્રહમાં મળી જશે. વાર્તાઓમાં આવતો પરિવેશ, સ્થળ, પાત્રો આ બધામાં વૈવિધ્ય સતત જોવા મળે છે તેમજ દરેક વાર્તાનું શીર્ષક વાર્તાબિંદુને સમજવાનો સીધો જ સંકેત આપે એ પ્રકારનાં છે. ભાષા સાદી, સરળ, સચોટ અને ધાર્યું કામ પાર પાડતી પ્રયોજાયેલી છે. એ અર્થમાં એક સર્વાંગ સંપૂર્ણ વાર્તાસંગ્રહ છે કે જેની દરેક વાર્તા વિષે વાત કરવી ગમે. ‘વટનો કટકો’ ૧૯૬૯માં પ્રગટ થયેલો વાર્તાસંગ્રહ છે. જેનું પુનર્મુદ્રણ ૧૯૭૨, ૧૯૮૦ અને ૨૦૦૩માં થયેલું છે. આ વાર્તાસંગ્રહ પન્નાલાલ પટેલે શ્રી અનંતરાય મ. રાવળને અર્પણ કરેલો છે. આ વર્તાસંગ્રહમાં કુલ ત્રેવીસ વાર્તાઓ મુકાયેલી છે. આ ત્રેવીસ વાર્તાઓ ‘ગરમાગરમ આઈસ્ક્રીમ’, ‘ટુવાલની ગડી’, ‘કાશીમાની કૂતરી’, ‘ભૂલ ખાધેલો કલાકાર’, ‘રામની ચબરખી’, ‘અમર મૃત્યુ’, ‘ચાંદી કરતાં મોંઘા વાળ’, ‘વીસમો ભાગ’, ‘જીકારો’, ‘ડેન્ગલ પુરાણ’, ‘વીમો’, ‘ટ્રાફિક ચક્કર’, ‘પ્રણયબંધ’, ‘એટેચમેન્ટ’, ‘કબ્રસ્તાનનાં હાડપિંજરો’, ‘નવ્વાણુંના ફેરમાં’, ‘આબોહવા’, ‘લેખેનું લેખે’, ‘સતેજ!’, ‘શ્રદ્ધા’, ‘ત્રિભંગ’, ‘પોપટિયું’, અને વટનો કટકો’ છે. અનંતરાય રાવળને આ સંગ્રહ અર્પણ કરતાંની સાથે પન્નાલાલ પટેલે એવું પણ કહ્યું છે કે, ‘............... પ્રસન્નતા! સંતની સ્વસ્થતાથી જે કર્તવ્ય આવ્યું વહી રહ્યાં. જીવનસાધના શી! કરું વંદના.’ એમ પોતાના ભાગે આવેલા કાર્યને જીવનસાધના ગણી શાંત મનથી કર્તવ્ય નિભાવ્યે જવાની રીતે જ આ સંગ્રહમાં આવતાં પાત્રોમાં પણ આ વિચાર જ દ્યોતક બનીને આવે છે. અહીંની મોટાભાગની વાર્તાનો પરિવેશ અમદાવાદ શહેર બન્યું છે. માનવજીવનની સામાન્ય લાગતી બાબત પણ વાર્તાનો વિષય બનીને આવે અને તેમાં તમને તાજગીનો અનુભવ થાય એ જ છે ખરી વાર્તા. એવા મતલબની વાર્તાઓમાં ‘ગરમાગરમ આઈસ્ક્રીમ’, ‘ટુવાલની ગડી’, ‘આબોહવા’, ‘વીમો’, ‘ચાંદી કરતાં મોઘા વાળ’ને ગણાવી શકાય. ‘કાશીમાની કૂતરી’માં કાશીમાની પ્રિય કૂતરી દુકાળીયા સમયમાં જ્યારે કાશીમાના ઘરમાંથી જ ગોળનું દડબું લઈને ભાગે છે ત્યારે હેતથી મોટી કરેલી કૂતરીને કાશીમા જ મારી મારીને અધમૂવી કરી દે છે અને ગામનાં નાનાં છોકરાં કાશીમા જે રીતે બધાના ઘરેથી ચપટી લોટ, ચપટી ઘી ભેગું કરી શીરો બનાવી કૂતરીના સારા દિવસોમાં મદદ કરતાં એમ આ અધમૂવી કૂતરીને જોઈ નાનાં છોકરાં કાશીમાની બીક લાગતી હોવા છતાં લોટ, ઘી ભેગાં કરી કૂતરીને જિવાડે છે. અને એમાંય સૌથી વધુ લોટ, ઘી કાશીમા જ આપે છે. દુકાળના આ કપરા સમયમાં આવાં મૂંગાં પ્રાણીઓની સ્થિતિ સુધરે એ માટે બાળકો પોતાના સવાર-સાંજના ભોજનમાંથી હવે આ કૂતરી માટે એક ભાગ કાઢશે જેથી દુકાળના આ કપરા સમયમાં કૂતરીને બધાના ઘરે ફાંફાં ન મારવાં પડે એ વિચાર રજૂ કરતી વાર્તા છે. કાશીમાનો કૂતરી પ્રત્યેનો પ્રેમ, દુકાળના સમયમાં મૂંગાં પ્રાણીઓની થતી વલે વગેરે વિચારોથી ભરેલું આ પાત્ર હૃદયસ્પર્શી બને છે. ‘ભૂલ ખાધેલો કલાકાર’ અને ‘ત્રિભંગ’ આ બંને વાર્તા અનુક્રમે સ્થાપત્યકળા સાથે જોડાયેલી વાર્તા છે. પહેલી વાર્તામાં એક અમેરિકન કલાકાર ભારતવાસીઓ માટે સુંદર મૂર્તિનું નિર્માણ કરી પોતાના દેશ અમેરિકા સ્ટીમરમાં જતો હોય છે ત્યારે એકાએક પોતાની કલામાં ભૂલ રહી જવા પામી છે એ મનોમંથન કરતાં જણાય છે ત્યારે તેના પ્રાયશ્ચિત્ત રૂપે દરિયામાં પડી જીવન ટૂંકાવે છે. એવા અલગારી કલાકારની કથા છે તો બીજી વાર્તા ‘ત્રિભંગ’માં કલાને હંમેશાં ધુત્કારનાર સ્મિતાનો પતિ જ્યારે વર્ષોથી પોતાના ઘરે પડેલી એક મૂર્તિ કલાશોખીન પત્નીની એવી જ કલાશોખીન સખી ઈશિતાના દીકરાના લગ્નપ્રસંગે ભેટ સ્વરૂપે દીકરાને આર્થિક સગવડ ન હોવાથી આપે છે અને જ્યારે એ મૂર્તિની લાખો કરોડોમાં કિંમત બોલાય છે ત્યારે સ્મિતાના પતિની આંખમાંથી ચોધાર આંસુ વહ્યે જાય છે. કળા તરફની પોતાની ઉદાસીનતા અને પોતાની એ ભૂલ વાર્તાન્તે તેને સમજાય છે. ‘રામની ચબરખી’ અને એના અનુસંધાને જ આગળ વધતી વાર્તા ‘અમર મૃત્યુ’ છે. જેમાં બે ગામ(સરપંચનું ગામ અને મુખીનું ગામ)ની વચ્ચે રહેલા આંબા માટે ઝઘડા કરતાં લોકોમાં વૃદ્ધ એવો દલિત ડોસો પોતાના સરપંચ ગામના લોકોની લાલચમાં આવ્યા વગર આ આંબો નિષ્પક્ષ રહી મુખી ગામનો છે એવું અદાલતમાં કહે છે. અને અંતે દીકરાની વિરુદ્ધ અને સરપંચ ગામ વિરુદ્ધ જઈને સાચું કહ્યું છે એટલે એ બંને એને છોડવાના નથી એ ભયે ડોસો ઘરે જતાં રસ્તામાં જ મૃત્યુ પામે છે, ડોસાના મૃત્યુથી મુખી ગામ કાયમ માટે આ ઝઘડાનો અંત આવે એવો નિર્ણય બીજા ગામ પાસે મૂકે છે, જે સરપંચ ગામ સ્વીકારે છે. અને ડોસાનું મૃત્યુ બંને ગામના ઝઘડાના અંતનું કારણ બને છે એ અર્થમાં ‘અમર મૃત્યુ’ શીર્ષક પણ બંધ બેસે છે. ‘વીસમો ભાગ’ અને ‘લેખેનું લેખે’ વિનાબા ભાવેના ભૂમિદાનથી પ્રેરિત વાર્તાઓ છે. જેમાં ‘લેખેનું લેખે’માં કંચનની જમીન આપવાની ઉદારતા વિશેષ ધ્યાન ખેંચે છે. ‘જીકારો’ રાજા પાસેથી ધન મળશે અને પોતાના પરિવારનો ઉદ્ધાર થશે એવા વિચાર સાથે રજપૂત જુવાન ખીણના કોરે ઘોડો દોડાવે છે અને ઇનામમાં રાજા તરફથી માનાર્થે ‘જી’કારો મળે છે. એનું એ શું કરે? જરૂર ધનની છે જે મળતું નથી – આ વાતથી આ લોકશાહી સમાજમાં વાયદા બહુ થાય છે પણ હાથમાં કશું જ આવતું નથી એ વાત સૂચિત કરેલી છે. ‘પ્રણયબંધ’ નદીનો બંધ તૂટી જાય છે અને ગામ આખામાં પાણી પાણી થઈ જાય છે ત્યારે પોતાની જાતને ઝીણી બચાવી શકે એમ છે પણ પ્રણયબંધથી બંધાયેલી ઝીણી લકવાગ્રસ્ત પતિને મૂકીને જવા માંગતી નથી. અને બેવ જણ ક્યારે પાણી ભેગાં ભળી જાય એની કલ્પના કરતી ઝીણીની આ વાર્તા છે. અલબત્ત બચાવ દળના હાથે ઝીણી બચી જાય છે પણ એના જીવનનો બંધ એનો પતિ એનાથી છૂટી જાય છે. ‘ડેન્ગલ પુરાણ’ આ વાર્તા જુદા વિષયવસ્તુવાળી છે. બે મિત્રો અને તે બેયની પત્ની બહેનો હોવાની સાથે સખીઓ પણ છે. બંને મિત્રો પત્નીને એક રાત માટે બદલવાની વેતરણ કરે છે જે બન્ને સખીઓની ચાલાકીથી શક્ય બનતું નથી. ‘એટેચમેન્ટ’ પૈસા સાથેનું જોડાણ હંમેશાં સ્વાર્થનું જ હોય એ વિચાર ખોટો પાડતી વાર્તા છે. ‘નવ્વાણુંના ફેરમાં’ પોતાની પત્નીને ચાલાકીથી બીજા પુરુષમાં મન ભળે એ પહેલાં જ એ પુરુષને ધનની લાલચમાં ગોટે ચડાવી દેનાર શેઠ હુકુમચંદની વાર્તા છે. દુકાળના સમયમાં ભૂખના કારણે એક પરિવાર આત્મહત્યા કરે છે એ જાણીને ગામનો સરપંચ માલુભા બધી બાજુનો વિચાર કરી પોતે આવા ભૂખ્યા લોકોને અનાજ પૂરું પાડશે અને કોઈએ ભૂખના કારણે મરવું નહીં પડે એમ કહે છે. ધીમે ધીમે બેકારોને કામ આપી પૈસા કમાતા પણ કરી દે છે અને આ યજ્ઞમાં પછી સદ્ધર સૌ કોઈ લોકો જોડાય છે. માલુભાની પત્નીની શ્રદ્ધા હતી કે પરોપકારી પતિ આ કપરા સમયને પણ સાચવી લેશે. તેની એ શ્રદ્ધા સાચી પડે છે. અને એટલે વાર્તાનું નામ છે ‘શ્રદ્ધા’. ‘પોપટિયું’ રસપ્રદ એવી પ્રણયકથા છે. વાર્તાસંગ્રહનું શીર્ષક બનતી ‘વટનો કટકો’ પણ પ્રણયકથા છે. ભીમા નામની ઠાકરની દીકરી શૂરવીર એવા પતિની શોધમાં છે પણ કેવો શૂરવીર તેને જોઈએ છે એ પોતે પણ સમજી શકતી નથી. પણ વાર્તાન્તે ભીમાનું હરણ કરી એક ઠાકર તેને લઈ જઈ રહ્યો હોય છે ત્યારે ભીમાનું રક્ષણ તાકોડી નામનો ઠાકર કરે છે. ત્યારે ભીમાને સમજાય છે કે પોતાનું રક્ષણ કરે એવો શૂરવીર તેને જોઈએ છે અને બહુ ચાલાકીથી પોતાનો વટ સચવાય એ રીતે થોડું વાગ્યાનું નાટક કરી તાકોડી સાથે તલવારની સાક્ષીએ લગ્ન કરે છે. પ્રસ્તુત વાર્તાસંગ્રહની ભાષા સરળ, સહજ છે. વિષયવસ્તુ સામાન્ય છતાં નાવીન્ય લાગે એ રીતે રજૂ થઈને આવ્યું છે. દુકાળ, ભૂમિદાન, ભૂખમરો અને માનવમૂલ્યોની વાત કરતી વાર્તાઓ અહીં વિશેષ છે. ક્યાંક કોઈક વાર્તામાં ભાષા ભૂલો રહી જવા પામી છે. સરવાળે સફળ વાર્તાઓ અહીં વધુ છે. જે રચનારીતિ, શીર્ષક અને પાત્રના આગવા નિરૂપણથી ધારદાર બની છે. ‘કોઈ દેશી કોઈ પરદેશી’ ૧૯૭૧માં પ્રગટ થયેલો વાર્તાસંગ્રહ છે. આ વાર્તાસંગ્રહ લેખકે તંત્રી રમણભાઈ શેઠને અર્પણ કરેલો છે. પ્રસ્તુત વાર્તાસંગ્રહમાં ‘બાથ સોપ’, ‘ભૂતનાં ભૂત’, ‘બંદૂક’, ‘રામનાં પૂજારી’, ‘રામરોટી’, ‘ચાર સખીઓ’, ‘સવા સોમા ટુક’, ‘હવાદાર’, ‘ગામની આબરૂ’, ‘નૃત્ય’, ‘ગૃહિણી’, ‘ચરચરાટ’, ‘ભાઈ’, ‘નોકર છોકરી’, ‘ચલમિયું’, ‘પાપ અને પ્રેમ’, ‘ઉઘાડ’, ‘પરદેશી’ અને ‘દેશી’ એમ કુલ ૧૯ વાર્તાઓ ગ્રંથસ્થ થયેલી છે. શહેરી અને દેશી વાતાવરણથી મિશ્રિત આ વાર્તાસંગ્રહની વાર્તાઓ છે. પોતાની આવડત પ્રમાણેનું જ્ઞાન અને જ્ઞાનના આધારે લોકોની માંદગી કે ભૂત પલીતથી સપડાયેલ માણસને સાજા કરવાનો પ્રયત્ન કરે છે ત્યાં તો લોક પરમાર કાકાને જ ગુરુ માની તેના ઘરે શ્રીફળ વધેરવું, દોરો બાંધવો જેવી આફત પરમાર કાકા માટે ઊભી કરે છે. આ બધાથી પરમાર કાકા અકળાય છે અને પોતાના મનમાં જ પોતે લોકોને છેતરી રહ્યાનું ભૂત ભરાઈ જાય છે પણ મિત્ર સાથેની વાત કરતાં સમજાય છે કે એમ કરવાથી લોકોનાં દર્દ, પીડા, ભૂત-પલીત દૂર થતાં હોય તો એ કામ શા માટે ન કરવું, એ વિચાર સાથે આવતી વાર્તા છે ‘ભૂતનાં ભૂત’. ‘બંદૂક’ વાર્તામાં દામ્પત્યજીવનના પ્રસંગ વડે એકબીજાને ઓળખતા પહેલાં સ્વને ઓળખી લેવામાં આવે તો મોટા ભાગના પ્રશ્નો આપોઆપ જ હલ થઈ શકે એ કેના અને સેતુનાં પાત્રોથી દર્શાવ્યું છે. ‘રામનાં પૂજારી’ અને ‘રામરોટી’માં દુકાળમાં અનાજના અભાવે વલખાં મારતી પ્રજાની વેદના રજૂ કરાયેલી છે. ‘ગામની આબરૂ’માં પરમાનંદ કે જે ગામમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો અને સ્વામીનારાયણ સંપ્રદાયમાં માનતો હોવા છતાં તેલના બદલે ગામમાં આવેલા મહાદેવના મંદિરે ઘીનો દીવો જ થાય એ માટે ઘીનો ડબો જ મોકલતો એવા ઉદાર પરમાનંદના માથે દુકાળના સમયમાં દેવાદારી વધી જાય છે, દુકાનમાં સામાન ઘણો છે પણ તેના મૂળ ભાવ તો દૂર રહ્યા ખોટ ખાઈને પણ માલ વેચે તો પણ લેણદેણ પૂરી થાય એમ નથી. આવા ધર્મસંકટમાં મુકાતો પરમાનંદ અંતે મહાદેવજીના શરણે જાય છે અને કોણ જાણે કેમ તેના લેણદારોને પોતાની રકમ મળી ગયાની વાત ગામલોકો લઈને આવે છે. ચમત્કાર, ઉદારતા, અદ્‌ભુત ભાવથી ભરેલી આ વાર્તા છે. સાચો પ્રેમ પોતાના દેશમાં-વતનમાં પરિવાર સાથે રહીને પામી શકાય છે તેની ઉત્તમ વાત લઈ આવતી વાર્તા છે ‘ગૃહિણી’. માનવને મળેલી સુંદરતા કુદરતી છે ત્યાં કોઈનું કશું ચાલતું નથી. બિંદુના ઘરે કામ કરતી બાઈ સવિતાની પૌત્રી મંજુને શાળાનો નોકર સાહેબની દીકરી મીની માનીને મંજુનું દફતર મીની પાસે ઉઠાવે છે ત્યાં નોકરે સુંદરતાને ખ્યાલમાં રાખી માલિકની દીકરી સુંદર જ હોવાની ભૂલ કરેલી. બિંદુએ આ બધું જાણેલું અને એટલે સવિતા-મંજુને પોતાના ઘરેથી કાઢવાનો નિર્ણય કરે છે. પોતાની દીકરી થોડી શ્યામ છે પણ પોતે માલિકની – શેઠની દીકરી છે એ ભાવ બિંદુ જતાવવા માંગે છે. જે તેનો પતિ કેતન તપાસ કરતાં જાણે છે. આ વિચાર સાથેની વાર્તા છે ‘નોકર છોકરી’. પ્રેમ માણસ પાસે શું કરાવી શકે છે? તેનો જવાબ સામા માનવીની સાથે ખોટું બોલવું, દગો આપવો, છેતરવો પણ હોઈ શકે અને આ બધાના અંતે પોતે કરેલાં પાપને પશ્ચાત્તાપ રૂપે દૈવિક પ્રેમમાં બદલી શકાય તે વિચાર સાથેની વાર્તા છે ‘પાપ અને પ્રેમ’. ‘ભાઈ’ વાર્તામાં સંપત્તિની વહેંચણી કર્યા પછી પોતાના નાના ભાઈને ખેતી તો આવડતી જ નથી. નાનો ભાઈ પણ પત્નીના કહેવાથી જ જુદો થાય છે. વાવણીના સમયે નાના ભાઈને અનાજ વેરતાં ન આવડતું જોઈ અને અનાજ બગડતું જોઈ તેની મદદ કરવા મોટો ભાઈ જાય છે. સાચો સ્નેહ કંઈ પણ સાંખી શકે અપમાન પણ. મોટો ભાઈ પોતાનું અને પત્નીનું અપમાન થયું હોવા છતાં મદદ કરવાનું ચૂકતો નથી. ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ મોટા ભાઈ બની રહે છે. છેલ્લી બે વાર્તાઓ ‘પરદેશી’ અને ‘દેશી’ એકબીજા સાથે જોડાયેલી વાર્તાઓ છે. અને ત્યાં વાર્તાસંગ્રહનું શીર્ષક પણ રહેલું છે. પ્રણય મુખ્ય વિષય છે. પરણિત ઝમકુને પરદેશી યુવક ગુમાન સાથે પ્રેમ થઈ જાય છે અને ગુમાનને પણ ઝમકુ ગમે છે. ઝમકુ પરણિત હોવાથી બંને એક થઈ શકવાનાં નથી. પણ એકબીજા વિશે સાર-સંભાળ તો લઈ શકાય એ રીતે બન્નેનો પ્રેમ પાંગરે છે. ગુમાન સરકારી કર્મચારી હોવાથી બદલીઓ થતી રહે છે અને એવામાં જ ઝમકુથી દૂર ગામ છોડવાની સ્થિતિ ઊભી થાય છે. ગુમાન ઝમકુને છોડી પરદેશી બની દૂર જતો રહે છે ને વર્ષો પછી દેશી બની ઝમકુના ખબર-અંતર જાણવા ફરી એ ગામમાં જાય છે. અને ત્યારે ઝમકુ લેખક બનેલા નિરંજન નામ બદલેલા ગુમાન વિશે બધું જ જાણતી હોય છે. ઝમકુ અને તેના પરિવાર સાથે ભૂતકાળનાં સ્મરણો વાગોળી નાયક ઘરે જવા નીકળે છે ત્યારે ઝમકુને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને ત્યાં વાર્તા પૂર્ણ થાય છે. પ્રેમ એટલે સાથે રહેવું, લગ્ન કરવાં, સંસારનું સુખ લેવું તેની સામે ઝમકુ અને ગુમાનનો આ પ્રેમ પ્રેમની જુદી પરિભાષા કરી જાય છે. કળાદૃષ્ટિએ ઉત્તમ કહી શકાય તેવી થોડી જ વાર્તાઓ અહીં છે. બાકીની વાર્તાઓના વિષય એક યા બીજી રીતે એમના અન્ય વાર્તાસંગ્રહની વાર્તાઓમાં આવી જ ગયા છે. જેમાં ‘ચરચરાટ’, ‘ચલમિયું’ને ગણાવી શકાય. પ્રણયકથાને રજૂ કરતી વાર્તાઓમાં સ્ત્રી સૌંદર્યની જ વાત કરતી અને તેની આસપાસ જ ઘુમરાયા કરતી વાર્તાઓ અહીં છે. જે થોડી નબળી બાજુ આ વાર્તાસંગ્રહ માટે બની રહે છે. તેમ છતાં ‘ભૂતનાં ભૂત’, ‘ગૃહિણી’, ‘નોકર છોકરી’, ‘પાપ અને પ્રેમ’, ‘ઉઘાડ’, ‘પરદેશી’ અને ‘દેશી’ – આ સંગ્રહની ઉત્તમ વાર્તાઓ બની છે. પન્નાલાલ પટેલના આ આઠેય વાર્તાસંગ્રહમાંથી પસાર થયા પછી એ કહેવાનું મન થાય કે માનવજીવન અને માનવ સાથે જોડાયેલી વિવિધ પરિસ્થિતિઓને પન્નાલાલ પટેલ જે ઝીણવટ અને સૂઝપૂર્વક મૂકી આપે છે તે કોઈ પણ ભાવકના મનને બદલવામાં કે જીવન સમીક્ષા કરવામાં મદદ કરે જ છે. અમદાવાદ જેવું શેહર તેમના દરેક વાર્તાસંગ્રહમાં આવ્યું છે તો એક પણ વાર્તાસંગ્રહમાં દુકાળની વાર્તા ન હોય એવું બન્યું નથી. ને દરેક વખતે દુકાળ વડે જુદી જ ભાવસંવેદના પન્નાલાલ પટેલ વાર્તામાં મૂકી આપે છે. પત્રશૈલી, વર્તમાન-ભૂતકાળની રીતિ, ગ્રામ્ય-શહેરી જીવનની વાર્તાઓ, વાર્તાશીર્ષકની વાર્તામાં ઊપસતી વ્યંજના, સરળ ભાષાપ્રયોગ વગેરે તેમનાં જમા પાસાં ગણાવી શકાય. ડૉ. કિરણ ખેની આસિસ્ટન્ટ પ્રોફેસર, ઉમા આટ્‌ર્સ ઍન્ડ નાથીબા કૉમર્સ મહિલા કૉલેજ, ગાંધીનગર મો. ૯૪૦૮૫૧૯૧૦૧૨, ૮૧૬૦૦૭૮૫૨૬ E-mail : khenikiran૨૪@gamil.com મ