ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પીતાંબર પટેલ
પીતાંબર નરસિંહભાઈ પટેલ
વિજયરાજસિંહ જાડેજા
વાર્તાકારનો પરિચય :
પીતાંબર પટેલનો જન્મ ૧૦ ઑગસ્ટ ૧૯૧૮ના રોજ મહેસાણા જિલ્લાના શેલાવી ગામમાં થયો હતો. જે ગામનો હવે પાટણ જિલ્લામાં સમાવેશ થયો છે. તેઓએ પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં લીધું હતું. ત્યાર બાદ માધ્યમિક શિક્ષણ સર્વ વિદ્યાલય, કડીમાં લીધું હતું. મેટ્રિકનો અભ્યાસ ૧૯૩૬માં, તેમજ સ્નાતક ૧૯૪૦માં અમદાવાદની એલ. ડી. આટ્ર્સ કૉલેજમાંથી થયા હતા. સ્નાતકમાં રા. વિ. પાઠક પાસે તેઓએ અભ્યાસ કર્યો હતો. ૧૯૫૬થી ૫૯ દરમિયાન ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ.ની પદવી મેળવી હતી. ત્યાં તેમના વિદ્યાગુરુ રસિકભાઈ પરીખ, કે. કા. શાસ્ત્રી અને ઉમાશંકર જોશી હતા. અભ્યાસની સાથે આકાશવાણી, અમદાવાદમાં જોડાયા હતા. તે પછી તેઓ ‘સંદેશ’ વર્તમાનપત્રના તંત્રીવિભાગ તથા ‘આરામ’ વાર્તામાસિકના સંપાદક તરીકે જોડાયા. ૧૬ વર્ષ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રીપદે રહ્યા હતા. સામાજિક-સાંસ્કૃતિક-શૈક્ષણિક સંસ્થાઓની સાથે સક્રિય રહી સેવાઓ પ્રદાન કરી. ૧૯૬૭માં વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી પણ બતાવી હતી. લોકસેવાને લીધે પ્રત્યક્ષ જીવન સાથે તેમનો અનુબંધ રહ્યો, તેનું પ્રતિબિંબ એક અથવા બીજી રીતે તેમના સાહિત્યસર્જનમાં પણ જોવા મળે છે. તેઓનાં સાત પુસ્તકને ગુજરાત રાજ્ય દ્વારા અને બે પુસ્તકને ભારત સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યાં છે. ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’ અને ‘સૌજન્ય’ પીતાંબર પટેલનાં ઉપનામ છે. તેમનું અવસાન ૨૪ મે ૧૯૭૭ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.
સાહિત્યસર્જન :
નવલકથા : ‘રસિયો જીવ’ (૧૯૪૨), ‘પરિવર્તન’ (૧૯૪૪), ‘ઊગ્યું પ્રભાત’ (૧૯૫૦), ‘તેજરેખા’ (૧૯૫૨), ‘ખેતરને ખોળે’ ભા. ૧-૨ (૧૯૫૩), ‘આશાભરી’ (૧૯૫૪), ‘અંતરનાં અજવાળાં’ (૧૯૬૦), ‘ચિરંતન જ્યોત’ ભા. ૧-૨ (૧૯૬૦), ‘ધરતીનાં અમી’ ભા. ૧-૨ (૧૯૬૨), ‘કેવડિયાનો કાંટો’ (૧૯૬૫), ‘ઘરનો મોભ’ (૧૯૬૬) નવલિકા : ‘વગડાનાં ફૂલ’ (૧૯૪૪), ‘ખોળાનો ખૂંદનાર અને બીજી વાતો’ (૧૯૪૯), ‘મિલાપ’ (૧૯૫૦), ‘શ્રદ્ધાદીપ’ (૧૯૫૩), ‘કલ્પના’ (૧૯૫૪), ‘છૂટાછેડા’ (૧૯૫૫), ‘શમણાની રાખ’ (૧૯૫૬), ‘સોનાનું ઈંડું’ (૧૯૫૬), ‘કેસૂડાનાં ફૂલ’ (૧૯૫૭), ‘કર લે સિંગાર’ (૧૯૫૯), ‘નીલ ગગનનાં પંખી’ (૧૯૬૧), ‘રૂડી સરવરિયાની પાળ’ (૧૯૬૪), ‘ઝૂલતા મિનારા’ (૧૯૬૬), ‘કીર્તિ અને કલદાર’ વાર્તાસંપાદનો : ‘પીતાંબર પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૬૦), ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ’ ભા. ૧-૨ (૧૯૬૧) વ્યક્તિચિત્રો-પ્રસંગકથા : ‘રાખની ઢગલી’ (૧૯૪૫), ‘ધરમ તારો સંભાળ રે’ (૧૯૫૩), ‘ગામડાની કેડીએ’ (૧૯૫૯), ‘વીરપસલી’ (૧૯૬૧), ‘નવો અવતાર’ (૧૯૬૨), ‘લીંબડાની એક ડાળ મીઠી’ (૧૯૬૩), ‘સર્વોદયપાત્ર’ (૧૯૬૬), ‘સૌભાગ્યનો શણગાર’ (૧૯૬૩), ‘સત્નો દીવો’ (૧૯૬૫), ‘ધરતીનો જાયો’ (૧૯૬૬), ‘રામ નામની પરબ’ પ્રવાસનિબંધ : ‘નૂતન ભારતનાં તીરથ’ ભા. ૧-૫ (૧૯૫૭) સંપાદન : ‘મંગલ વાતો’, ‘માણસાઈની વાતો’
વાર્તાકારનો યુગસંદર્ભ : પીતાંબર પટેલનું મુખ્યત્વે સર્જન કથાસાહિત્યમાં રહ્યું છે. પીતાંબર પટેલ, પન્નાલાલ પટેલ અને ઈશ્વર પેટલીકરના સમકાલીન અને અનુગામી વાર્તાકાર છે. ત્રણેય ગાંધીયુગના મહત્ત્વના વાર્તાકારો, તેઓના સાહિત્યસર્જનમાં ગાંધીવિચારનો પડઘો સતત સંભળાતો રહે છે. ગાંધીવિચારથી પ્રભાવિત પીતાંબર પટેલ લોકસેવાને લીધે જીવનને નજીકથી જુએ છે. આ જીવનનાં વિધવિધ સ્વરૂપો તેમની કથાનાં ચાલકબળ રહ્યાં છે. ગાંધીયુગથી શરૂ થયેલી સર્જનસફર અનુગાંધીયુગ અને આધુનિકયુગનાં પગરણ સુધી વિસ્તરે છે. આ સમયગાળાની વૈશ્વિક, રાજકીય, સામાજિક, આર્થિક પરિસ્થિતિનો આલેખ પીતાંબર પટેલના સાહિત્યસર્જનમાંથી પ્રાપ્ત થાય છે.
‘વગડાનાં ફૂલ’નો પરિચય :
‘વગડાનાં ફૂલ’ વાર્તાસંગ્રહમાં કુલ ૧૯ વાર્તાઓ સમાવેશ પામી છે. તેમણે આ વાર્તાસંગ્રહ મિત્ર અને ગુરુ ઉમાશંકર જોશીને અર્પણ કર્યો છે. પીતાંબર પટેલનો મુંબઈમાં વસવાટ અને કાર્યક્ષેત્રને લીધે નગરજીવનના પ્રશ્નો, પડકારો અને ફિલ્મક્ષેત્ર વાર્તાઓનો વિષય બનીને આવે છે. ‘કૅમેરાનાં આંસુ’, ‘એક્સ્ટ્રા ગર્લ’માં ફિલ્મઉદ્યોગની વરવી વાસ્તવિકતાનો ખ્યાલ વાર્તામાંથી પસાર થતાં મળી રહે છે. જ્યારે મુંબઈનું નગરજીવન ‘ક્રૂર મશ્કરી’ અને ‘મનનો મેલ’ વાર્તાઓમાં વ્યક્ત થયું છે. સામાજિક રીતિ-રિવાજ અને લોકોની માનસિકતા સામે વાર્તાકારને પ્રશ્ન થયા છે, જે ‘હરામખોર’, ‘ફાટેલું દૂધ’, ‘અભરખો’, ‘જીવન્નાટક’, ‘વાડીકાકા’, ‘...અને એ પરણી ગયો’, ‘પાક્કું કામ’ વાર્તાઓમાં અભિવ્યક્તિ પામ્યાં છે. જેમાં માનવવૃત્તિઓનું સૂક્ષ્મ રીતે આલેખન થયું છે. તો વળી કોઈક વાર્તામાં જાતિયતાનું નિરૂપણ જોવા મળે છે. ‘કરફ્યુ ઓર્ડર’ અને ‘એકલતા’ જેવી વાર્તામાં માનવની આધુનિક જીવન પદ્ધતિના પ્રશ્નો છે. ‘વગડાનાં ફૂલ’ જે વાર્તાસંગ્રહનું શીર્ષક છે, તેમાં વાર્તાની અંદર વાર્તાનો પ્રયોગ કરીને વાર્તાકારે પ્રતીકાત્મક રીતે રજૂઆત કરી છે. જેમાં પ્રણયકથા છે. ‘મનના અધિકારી’ અને ‘વાડીકાકા’ વ્યક્તિકેન્દ્રી વાર્તા છે. ધાર્મિક વિખવાદ અને ભાગલાને લીધે ઊભી થયેલી હાલાકીની વાર્તા એટલે ‘અપહ્યતા’. ઉત્તર ગુજરાતની તળ બોલી તેમજ કહેવતો અને રૂઢિપ્રયોગનો વિનિયોગ ‘કાળી ટીલી’ નામક વાર્તામાં જોવા મળે છે.
પીતાંબર પટેલની વાર્તાકળા :
પીતાંબર પટેલ આસપાસ વસતાં મનુષ્યની વાતો વાર્તાના માધ્યમે પ્રગટ કરે છે. આ મનુષ્ય ક્યાંક નગરમાં વસવાટ કરે છે, તો વળી ક્યાંક ગામડાનો નિવાસી છે. આમ, નગર અને ગ્રામજીવનના પ્રશ્નો વાર્તાનો વિષય તરીકે આવ્યાં છે. માણસની અપેક્ષા, ઇચ્છા, માનસિક વૃત્તિ વગેરે ભાવોનું નિરૂપણ અલગ અલગ વાર્તાઓમાં થયું છે. સામાજિક રીત-રિવાજો અને પ્રશ્નો વાર્તાનું ચાલક બળ બન્યાં છે. દામ્પત્યજીવન, સ્વતંત્રતા બાદના ધાર્મિક વિખવાદો વાર્તાનું કથાનક બન્યાં છે. જેમાં ભોગવવું સામાન્ય માણસે પડ્યું છે. પ્રસ્તુત સંગ્રહની દરેક વાર્તાઓનાં શીર્ષક ધ્યાન ખેંચે તેવાં છે. આ શીર્ષક થકી વાચકો વાર્તા સુધી પહોંચે છે, વાર્તાઓમાંથી પસાર થતાં શીર્ષકની સાર્થકતા જોઈ શકાય છે. કોઈક જગ્યાએ શીર્ષક પ્રતીકાત્મક પણ લાગે છે. પીતાંબર પટેલની વાર્તાઓની શરૂઆત જ વાચકોને જકડી રાખનારી છે. મોટે ભાગે વાર્તાની શરૂઆતનાં પ્રથમ વાક્ય કે શબ્દો રહસ્ય ખડું કરી આપે છે. આ રહસ્ય સર્જક છેક સુધી મમળાવે છે. અંતે સૂચક રીતે તેનો ખુલાસો કરે છે. વાર્તાના આરંભે જ પાત્રોનો પરિચય આપણને વાર્તાકાર કરાવી આપે છે. કેટલીક વાર્તાઓનાં પાત્રો ચરિત્ર બનવા સુધી પહોંચ્યાં છે. દરેક વાર્તામાંથી વાર્તાકારનો જીવનદર્શનનો સૂર સાંભળી શકાય તેમ છે. પીતાંબર પટેલની વાર્તાઓનો સ્પર્શ વાસ્તવિક ધરાતલ સાથે વધુ છે. સમાજમાં બનતી કોઈ ઘટના-પ્રસંગને લઈને વાર્તાકાર અભિવ્યક્ત થયા છે. ‘વગડાનાં ફૂલ’ વાર્તાસંગ્રહમાં પીઠ ઝબકાર, વાર્તાની અંદર વાર્તા તેમ જ એકાદ વાર્તામાં પત્ર દ્વારા વાર્તાનો વિકાસ... વગેરે પ્રયુક્તિઓ જોવા મળે છે.
પીતાંબર પટેલની વાર્તાઓ વિશે વિવેચકો : – ‘પીતાંબરની વાર્તાઓમાં પાત્રાલેખન, ઘટનાનિરૂપણ, સંવાદકૌશલ તેમ જ જીવનદર્શન જેવાં ઘટક તત્ત્વોની તુલનાએ પાત્ર અને પરિસ્થિતિના બહિરંગનું પ્રાધાન્ય જોવા મળે છે. આમ, હોઈને પાત્રોની મનોમયતા, આંતરવિશ્વના વિકલ્પે દેખીતા બાહ્યસંઘર્ષને વિશેષ મહત્ત્વ મળે છે.’ – પારુલ કંદર્પ દેસાઈ
સંદર્ભ :
(૧) ‘પીતાંબર નરસિંહભાઈ પટેલ, ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’ – દેસાઈ પારુલ કંદર્પ, ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૬’, પ્રથમ આવૃત્તિ ૨૦૦૬, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.
‘મિલાપ’ (ત્રણ લાંબી વાર્તાઓ)
‘મિલાપ’નો પરિચય :
‘મિલાપ’ પીતાંબર પટેલનો ત્રીજો વાર્તાસંગ્રહ છે. તેઓએ આ સંગ્રહ શ્રી મોહનલાલ મહેતા અને લાભુબેન મહેતા મિત્રદંપતીને અર્પણ કર્યો છે. પ્રસ્તુત સંગ્રહમાં ત્રણ લાંબી વાર્તાઓ છે. જેમાં પ્રથમ ‘મિલાપ’ જે સંગ્રહનું શીર્ષક છે, બીજી બે અનુક્રમે ‘ફૂલ અને કાંટા’, ‘સોહાગરાત’ છે. સંગ્રહની ત્રણેય વાર્તાનું કેન્દ્ર નારી અને તેની સમસ્યા છે. ત્રણેય વાર્તાઓનું ચાલકબળ મુખ્ય અને ગૌણ સૂરમાં પ્રણય સંબંધ છે. ‘મિલાપ’ વાર્તામાં મજબૂરીમાં વેશ્યા બની ગયેલ નારીની વાત છે. જે પોતાની પુત્રીને ઝંખે છે. પુત્રી લગ્નલાયક થવાથી તેને છેલ્લીવાર મળવાનું વિચારે છે. માતા અને પુત્રી વચ્ચેનો લાંબા સમયનો વિલાપ વાર્તાન્તે ‘મિલાપ’માં પરિણમે છે. વાર્તામાં કહેવાતા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની અવદશા તરફનો નિર્દેશ છે. તે સમયનાં જ્ઞાતિગત બંધનોની અને સામાજિક રીતિ-રિવાજોની વાત વાર્તાકારે કરી છે. ‘ફૂલ અને કાંટા’ વાર્તાની શરૂઆતમાં નગર-ગ્રામ વચ્ચેની ભેદરેખા પીતાંબર પટેલ દોરે છે. ‘ફૂલ (સ્ત્રી) અને કાંટા (ગ્રામઉદ્ધારનું સેવાકાર્ય)’ વચ્ચે અસમંજસમાં જીવતો વિનોદ મુખ્ય પાત્ર છે. બંનેમાંથી કોઈ એકની પસંદગી નથી કરી શકતો. જેને લીધે મૂંઝવણમાં મુકાય છે. માનવસહજ વૃત્તિનું આલેખન વાર્તામાં જોવા મળે છે. વિનોદ-વિમળાનો પ્રણય સંબંધ અંતે વિમળા-મહેશના પ્રણય સંબંધમાં ફેરવાય છે. આમ, જોવા જઈએ તો અહીં પ્રણયત્રિકોણ રચાયો છે. વિમળા વિનોદના મનને કળી જાય છે, તે સ્ત્રીને ઝંખતો હોય છે. અંતે વિમળાની સમજાવટથી વિનોદ બીજી સ્ત્રી સાથે પરણવા માટે તૈયાર થાય છે. ‘સોહાગ રાત’ દુષ્કાળની પરિસ્થિતિમાં બાળક અને પતિને માટે જીવતી એકલી સ્ત્રી-જમનીની વાર્તા છે. ગંજેરી પતિ ગગાજી પત્ની-પુત્રને મૂકી ક્યાંક જતો રહે છે. પછી બાળકનું પણ અકાળે અવસાન થાય છે. જમનીનું રૂપ જોઈ દરેક પુરુષ તેની સાથે ‘સોહાગ રાત’ની કામના રાખે છે .એકલી જમની પુરુષમાં રહેલી કામવૃત્તિને લીધે સતત મુશ્કેલીમાં મુકાય છે, અંતે તેનો પતિ ગગાજી મળી જતાં બચી જાય છે.
પીતાંબર પટેલની વાર્તાકળા :
પીતાંબર પટેલ સંગ્રહની ત્રણેય વાર્તામાં સામાજિક, માનસિક અને આર્થિક પ્રશ્નોને રજૂ કરે છે. તેઓની વાર્તાનું કેન્દ્ર સામાન્ય-પીડિત વર્ગ હોય છે. પીતાંબર પટેલ વણસ્પર્શ્યા વિષયો સુધી પહોંચે છે. જેથી સમાજની વાસ્તવિકતાઓથી ભાવકવર્ગ પરિચિત થઈ શકે. આધુનિક નગરચેતના સામે ગ્રામઉદ્ધારની જરૂરિયાત શું? તેની સમજાવટ વાર્તાના માધ્યમે તેઓએ કરી છે. સાથે પ્રકૃતિ સાથે માનવસ્વભાવને સરખાવી, સ્ત્રી માટેની ઝંખના પ્રતીકાત્મક રીતે રજૂ થઈ છે. પન્નાલાલના સમકાલીન હોવાથી દુષ્કાળ અને તેના પ્રત્યાઘાતો વાર્તાનું ચાલકબળ બન્યાં છે. આ સંગ્રહની ત્રણેય વાર્તાઓનાં શીર્ષકો ગર્ભિત અને પ્રતીકાત્મક છે. લાંબી વાર્તાઓ હોવાથી કથાનો ક્યાંક બિનજરૂરી વિસ્તાર થતો જોવા મળે છે. ત્રણેય વાર્તાઓમાં સર્જકનો નારીવાદી અભિગમ ધ્યાન ખેંચે છે. પીતાંબર પટેલ ઓછાં પાત્રો પાસેથી વધુ કામ લેવાની કળા જાણે છે. તેનું ઉદાહરણ આ સંગ્રહની ત્રણેય વાર્તાઓ છે. બે-ત્રણ મુખ્ય પાત્રની આસપાસ કથાનક ગૂંથાય છે. પરિવેશને અનુરૂપ પાત્રોની ગતિ સ્થળ-કાળમાં ઓછી છે. વર્તમાનમાં ચાલતી વાર્તા હળવેકથી પાત્રના ભૂતકાળમાં સરી પડે છે. આગળ વધતાં ફ્લેશબૅકમાં ચાલતો કથાનો દોર ફરી વર્તમાનમાં આવી જાય છે. પાત્ર-પાત્ર વચ્ચેના સંવાદોની જેમ જ મુખ્ય પાત્રનું મનોમંથન વાર્તાને આગળ ધપાવે છે. નગર અને ગ્રામપરિવેશની વાતો સમાંતરે વાર્તાકાર કરે છે. પીતાંબર પટેલ પોતાનું દર્શન વચ્ચે વચ્ચે રજૂ કરતા રહ્યા છે.
સંદર્ભ :
૧. ‘પિનાકપાણિ’, ‘રાજહંસ’, ‘સૌજન્ય’, પીતાંબર નરસિંહભાઈ પટેલ ૨. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ ગ્રંથ : ૬, પારુલ કંદર્પ દેસાઈ, પ્રથમ આવૃત્તિ ૨૦૦૬, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.
‘શ્રદ્ધાદીપ’
‘શ્રદ્ધાદીપ’નો પરિચય :
‘શ્રદ્ધાદીપ’ પીતાંબર પટેલનો ચોથો વાર્તાસંગ્રહ છે. જેમાં ૨૦ જેટલી વાર્તાઓ સંગૃહીત છે. તેઓએ આ સંગ્રહ મિત્ર અંબાલાલ મૂળચંદદાસ પટેલને અર્પણ કર્યો છે. ગ્રામજીવનમાં નિસંતાન હોવું એ અભિશાપ ગણાય છે. અહીં વાર્તાકારે ‘ઉઘાડું ઘર’ અને ‘પખાલીને વાંકે’ એમ બે વાર્તાઓ દ્વારા વાંઝિયામેણાને વિષય તરીકે લઈ રજૂઆત કરી છે. ગ્રામલોકોની રૂઢિચુસ્ત વિચારસરણી અને ભણેલ વર્ગ પ્રત્યેનો અણગમો ‘ભણેલી વહુ’, ‘રામસેના’, ‘પખાલીને વાંકે’ જેવી વાર્તાઓમાં વ્યક્ત થયો છે. તો વળી અંધશ્રદ્ધાને કારણે ગામનાં લોકો પોતાનું જ નુકસાન કરે છે. ‘રામસેના’ વાર્તા તેનું ઉત્તમ ઉદાહરણ છે. સંગ્રહની ઘણીખરી વાર્તાઓ નારીકેન્દ્રી છે. જેમ કે ‘મેળાનું પંખી’, ‘સ્ત્રીનું હૃદય’, ‘ગામડાનું ડોબું’ અને ‘ઊજડેલો બાગ’. ‘રડતા પાવા’, ‘પ્રેમનું ભૂત’, ‘મનડાની માયા’, ‘સ્ત્રીશત્રુ’ અને ‘નલિની’ આ વાર્તાઓનો વિષય પ્રેમ છે. પ્રણય સંબંધમાં બંધાયેલાં વાર્તાનાં પાત્રોને અંતે વિચ્છેદનો જ સામનો કરવો પડે છે. એ રીતે આ વાર્તાઓનો અંત દુઃખદ છે. ‘લોહીની સગાઈ’ શીર્ષક ઈશ્વર પેટલીકરની આ જ શીર્ષકથી લખાયેલ વાર્તાની યાદ અપાવે છે. પરંતુ પ્રસ્તુત વાર્તામાં પારિવારિક સંબંધોની આંટીઘૂંટીની વાત આલેખન પામી છે. બે ભાઈ-ભાઈ વચ્ચેના વિગ્રહને પ્રસ્તુત કરે છે. ‘ગુપ્તદાન’ વાર્તામાં ભીખાશેઠ ગામને જરૂર પડ્યે ગુપ્ત રીતે સેવા કરતાં જોવા મળે છે. અંતિમ વાર્તા ‘શ્રદ્ધાદીપ’ ઘર છોડી ગયેલ પતિ જીવિત છે, તેવી શ્રદ્ધા રાખનાર હેમકોરની કથા છે. જે ગામનાં લોકોનો નીડરતાથી સામનો કરી અડગ રહે છે.
પીતાંબર પટેલની વાર્તાકળા :
‘શ્રદ્ધાદીપ’ વાર્તાસંગ્રહની મોટાં ભાગની વાર્તાઓમાં ગ્રામજીવન વિવિધ રીતે પ્રગટ થયું છે. માત્ર ગ્રામજીવન જ નહીં, પરંતુ ગ્રામસમાજના પ્રશ્નો-પડકારો, રીતિ-રિવાજ, શ્રદ્ધા-અંધશ્રદ્ધા, ઉચ્ચ-નિમ્ન વર્ગનો ભેદ, પ્રેમ-બલિદાન જેવા વિષયો નિરૂપણ પામ્યા છે. જેની વિષય સંદર્ભે ઉક્ત મુદ્દામાં ચર્ચા કરી છે. પીતાંબર પટેલ સરળ શૈલી અને સહજ વિષય સાથે વાચકને વાર્તામાં પ્રવેશ કરાવે છે. તેમની વાર્તાનાં પાત્રો જાણે આપણી આસપાસની સૃષ્ટિનાં હોય, તેમ પરિચિત લાગે છે. સમાજમાં બનતી ઘટનાઓ અને લોકોની વિચારસરણીને કેન્દ્રમાં રાખીને વાર્તાકારે વાર્તાઓ લખી છે. તેઓ ભ્રષ્ટાચાર સામે વાર્તાનાં માધ્યમે લડત આપે છે. કોઈ કોઈ વાર્તાઓમાં વાર્તાકાર પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે કટાક્ષ કરતા જોવા મળે છે. ગ્રામ-નગર જીવનમાં જે વિચારસરણીનો ભેદ છે, તે વાર્તાઓમાં વિવિધ રીતે વ્યક્ત થયો છે. એકાદ વાર્તામાં પરોપકારવૃત્તિનો ભાવ પણ જોઈ શકાય છે. ‘શ્રદ્ધાદીપ’ સંગ્રહની વાર્તાઓનાં શીર્ષકો પ્રતીકાત્મક છે, જે વાર્તામાં પ્રવેશવા માટે મજબૂર કરે છે. એકાદ વાર્તાનાં શીર્ષક જાણીતા વાર્તાકારની વાર્તાને અનુસરતાં જોવા મળે છે. હા, કથાનક વાર્તાકારે સ્વકીય રીતે રજૂ કર્યું છે, તેમાં કોઈ પ્રકારે સામ્યતા જોવા મળતી નથી. બીજી એક વાર્તા ‘ઉઘાડું ઘર’નું કથાનક મડિયાની વાર્તા ‘મજિયારી પછીતના પથ્થરો’ સાથે સરખામણી થઈ શકે તેમ છે. ‘ઊજડેલો બાગ’ વાર્તા પત્રશૈલીમાં લખાયેલ છે. સ્વતંત્રતા મળ્યા બાદ એકલી પડી ગયેલ નારીનું વ્યથાનું પ્રસ્તુત વાર્તામાં આલેખન થયું છે. કેટલીક વાર્તાઓ પાત્રમુખે કહેવાયેલ છે. વાર્તાઓનાં કથનકેન્દ્ર બદલાતાં રહે છે. કોઈ વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં તો વળી ક્યાંક ત્રીજા પુરુષ એકવચન કથનકેન્દ્રમાં ગતિ કરે છે. વાર્તાઓમાંથી જીવનદર્શનનો સૂર પણ સાંભળી શકાય છે. અહીં સમાવિષ્ટ મોટા ભાગની વાર્તાઓ વિચારકેન્દ્રી છે. જેમ જેમ વાર્તા આગળ વધે તેમ તેમ વાર્તાકારનો વિચાર પ્રગટ થાય છે. કોઈક વાર્તા વર્તમાન-ભૂતકાળ-વર્તમાન એ રીતે ગતિ કરતી જોવા મળે છે. આમ, પ્રસ્તુત સંગ્રહની વાર્તાઓમાં વિષયવૈવિધ્યની સાથે રજૂઆતની વિવિધતા ધ્યાનાકર્ષક બની રહે છે.
ડૉ. વિજયરાજસિંહ જાડેજા
આસિસ્ટન્ટ પ્રોફેસર
મહારાણીશ્રી નંદકુંવરબા મહિલા આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ,
નીલમબાગ ચોક, ભાવનગર
મો. ૯૯૧૩૮ ૦૦૭૫૨
Email : jadejavijayrajsinh૯૭૦૭@gmail.com
‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૧’નો પરિચય :
વિપુલ કાળિયાનીયા
પીતાંબર પટેલ : સર્જક પરિચય
પીતાંબર નરસિંહભાઈ પટેલનો જન્મ ૧૦ ઓગસ્ટ, ૧૯૧૮ના રોજ મહેસાણા જિલ્લાના શેલાવી ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં લીધું હતું. તેમણે માધ્યમિક શિક્ષણ સર્વ વિદ્યાલય કડીમાં લીધું હતું. ૧૯૩૬માં મેટ્રિક થયા. અમદાવાદની એલ. ડી. આટ્ર્સ કૉલેજમાંથી ૧૯૩૬થી ૧૯૪૦માં બી.એ. થયા હતા. ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી ૧૯૪૨માં એમ.એ. થયા. ૧૯૫૬થી આકાશવાણી, અમદાવાદમાં કાર્યરત હતા. તેઓ ભવાઈ મંડળના પ્રણેતા રહ્યા હતા. એ સિવાય પણ જાહેર જીવનમાં સક્રિય ભાગીદારી નોંધાવતા રહ્યા છે. અમદાવાદ લેખક મિલન અને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકેની સેવા આપી હતી. ‘સંદેશ’ના તંત્રીવિભાગમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. ‘આરામ’ વાર્તામાસિકના સંપાદક તરીકે પણ સેવા આપી હતી. ફિલ્મ નિર્માણની પ્રક્રિયામાં પણ સક્રિય કામગીરી કરેલી. ગરવી ગુજરાતના પનોતા પુત્ર અને ગ્રામજીવનને પોતાના સાહિત્યમાં આલેખનાર પીતાંબર પટેલ તેમના ગદ્યસર્જનથી સુખ્યાત છે. વૈવિધ્યસભર સાહિત્યના પ્રદાનમાં તેમની પાસેથી સંખ્યાબંધ નવલકથાઓ અને નવલિકાઓ મળે છે.
‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૧’નો પરિચય :
મિહિર પ્રકાશન, રાજકોટ દ્વારા પીતાંબર પટેલનાં તમામ પુસ્તકો એક સાથે સેટ સ્વરૂપે પ્રકાશિત કરેલાં છે. જેમાં તેમના નવલિકા સંગ્રહોમાંથી ચૂંટીને ઉત્તમ વાર્તાઓના ચાર સંગ્રહો ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ’ સ્વરૂપે પ્રગટ કરેલ છે. જે પૈકીના પ્રથમ સંગ્રહ ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૧’નો પરિચય મેળવવાનો અહીં ઉપક્રમ છે. ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૧’માં કુલ ૩૩ વાર્તાઓ સમાવિષ્ટ છે. વૈવિધ્યસભર વિષયો લઈને આવતી આ વાર્તાઓમાં સર્જક પર પુરોગામી અને સમકાલીન વાર્તાસર્જકોની અસર વર્તાઈ આવે છે. સંગ્રહની પ્રત્યેક વાર્તા વિશે ચર્ચા કરીએ તો, ‘નંદવાયેલું હૈયું’ સંગ્રહની પ્રથમ વાર્તા છે. ઉગરી ડોશીનો દીકરો લાલજી ઘર છોડીને ભાગી ગયો છે કારણ કે એને એની પત્ની નાથી એને ‘છપ્પરપગી’ લાગે છે. ડોશી કાંતિલાલ માસ્તર પાસે લાલજીને પત્ર લખાવે છે. થોડાક સમય પછી એનો જવાબ આવે છે કે નાથીને ઘરેથી કાઢી મૂકો તો જ આવીશ. પણ ડોશી આવું કરી શકતાં નથી અને લાલજી આવે છે. મા- દીકરાની વાત નાથી સાંભળી જાય છે અને નાથી કૂવામાં પડી આત્મહત્યા કરે છે. વાર્તા કરુણાંત બની છે. ગામડાનું ચિત્રાંકન, તળપદી બોલીનો વિનિયોગ અને સુરેખ પાત્રાલેખન વાર્તાની નોંધપાત્ર બાબત છે. મૂડીવાદી સમાજરચના સામે બંડ પોકારતી વાર્તા ‘પાગલ’ પાગલખાનાના દૃશ્યથી વાર્તા આરંભાય છે. અહીં વકીલનો પરિચય યુવાન લેખન ગુણવંતલાલ સાથે થાય છે. સનાતન શેઠ દ્વારા લેખક ગુણવંતલાલની નવલકથા પડાવી લઈ પોતાના નામે ચડાવી પુરસ્કાર સ્વીકારી, સાચા લેખક ગુણવંતલાલને પાગલખાનામાં ધકેલવામાં આવ્યા છે એ વાત વકીલને ખબર પડે છે. વકીલ લેખકને મદદ કરવા માગે છે, ન્યાય અપાવવા માગે છે પણ લેખક ના પાડે છે. માત્ર થોડાંક પુસ્તકોની માગણી કરે છે. સંપત્તિ આગળ શાણપણ નકામું એ વાત અહીં સ્પષ્ટ વર્તાઈ આવે છે. ‘અધૂરાં અરમાન’ વાર્તા મારુતિ અને ચંદ્રભાગાના સંસારમાં રહેલાં અધૂરાં અરમાનોને વર્ણવે છે. ક્ષયરોગથી પીડાતા પતિ મારુતિની સારવારમાં પોતાનું સર્વસ્વ ગુમાવતી ચંદ્રભાગા અંતે તો મારુતિને પણ ગુમાવી બેસે છે. પોતાના પતિની સારવાર માટે –ઇન્જેક્શનનો કોર્સ પૂરો કરાવવા માટે રૂપિયાની સગવડ કરવા પોતાના શેઠની તાબે થાય છે પણ ઘરે પાછાં ફરતા ઝેર પીને આત્મહત્યા કરેલો પતિ નજરે પડે છે. કરુણાંત વાર્તામાં પાત્ર અને પરિસ્થિતિને અનુરૂપ ભાષા નિરૂપણ ધ્યાન ખેંચે છે. ‘જળોજથા’ વાર્તામાં કાશીમા અવસ્થાએ પહોંચ્યાં છે, ચાર ધામની જાત્રા કરી આવ્યાં છે પણ સંસારની મોહમાયા-જળોજથા મૂકતાં નથી એ બાબત સુપેરે રજૂ થઈ છે. ગામડું, ગામડાંના લોકો, એના વ્યવહાર અહીં તાદૃશ થવા પામ્યા છે. ‘જનેતા બની’ વાર્તામાં સ્ત્રીમાં રહેલાં માતૃત્વની મહત્તા પ્રગટી છે. દમના દર્દી અને બીજવર જોઈતા સાથે પરણીને યુવાવયે વિધવા બનતી શિવીની આ વાત છે. શિવીને લાલચુ પિતાના કારણે આ લગ્ન કરવા પડેલાં પણ અકાળે એના બીમાર પતિનું મૃત્યુ થાય છે. પતિના આગલાં ઘરના બે બાળકો સાથે સ્નેહના કારણે પતિના મૃત્યુ પછી બીજું ઘર કરવાને બદલે બે નાનાં બાળકોની જનેતા બનીને રહેવાનું સ્વીકારે છે. વાત્સલ્યભાવનો વિજય દર્શાવતી આ સુખાંત વાર્તા છે. અહીં ગામડાના કુંભાર જ્ઞાતિના રિવાજો, અરસપરસના વ્યવહારો વ્યક્ત થયા છે. સાથોસાથ જેમને અક્ષરજ્ઞાન નથી પણ અંતર-સ્નેહની સમજણ છે એ વ્યક્ત થયું છે. સ્ત્રીમાં રહેલાં માતૃત્વના ગુણને ચડિયાતો બતાવી યુવાન શિવી પત્ની નહિ પણ જનેતા બનીને જન્મારો કાઢવા તૈયાર થઈ એ બાબત સાહજિક રીતે દર્શાવી છે. ‘સુનંદા’ આ સંગ્રહની ઉત્તમ કહી શકાય એવી વાર્તા બનવા પામી છે. સુનંદા અને રાજેન્દ્રના સુખી સંસારમાં નટવર – જે સુનંદાનો પૂર્વ પ્રેમી હતો એનો પ્રવેશ થાય છે અને એના સુખી સંસારમાં આગ લગાડવા આવેલો નટવર કશું ખરાબ કરવાને બદલે એના પ્રેમપ્રકરણના પુરાવા પત્ર દ્વારા પરત કરી જતો રહે છે. વાત માત્ર આટલી જ છે પણ એ વ્યક્ત કરવા માટે સર્જકે પાત્રની ચૈતસિક સ્થિતિ દર્શાવવા અવનવી પ્રયુક્તિ કરતા નજરે પડે છે. વાર્તાનો આરંભ જ રહસ્યમય રીતે થયો છે. સર્જક ભાવકના ચિત્તને ઉત્તેજી એને રહસ્ય ખોલવા સુધી લઈ જાય છે. ભાવ અને ભાષાનો સુભગ સમન્વય આ વાર્તામાં થયેલો જણાય છે. ‘જળકમળ’ વાર્તામાં ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા જતિનદાની વાત કરવામાં આવી છે. અવ્વલ ફિલૉસૉફર, લગ્નની ઉંમર વટાવી ચૂકેલા જતિનદા અચાનક લગ્ન કરે છે એ પણ અભિનેત્રી સુચરિતા સાથે. પણ આ લગ્ન પરિસ્થિતિજન્ય છે એ વાત સચીનબાબુ અને વાર્તાકથકને ખ્યાલ આવે છે. જળકમળવત્ રહેલાં જતિનદા મૂઠી ઊંચેરા માનવી બની રહે છે. બંગાળી પાત્રો, મુંબઈની ફિલ્મી દુનિયા પણ અહીં દર્શાવાય છે. ‘ચૂપચાપ લગ્ન’ વાર્તામાં પણ આધેડ ઉંમરનાં પાત્રોનાં લગ્નની વાત છે. વિધુર સમાજસેવક મનસુખભાઈના વ્યક્તિત્વથી આકર્ષાયને વિધવા લીલા એમની સાથે લગ્ન કરવાની ના પાડે છે પણ વૃદ્ધ માતાની સંભાળ ખાતર અચાનક લીલાના લગ્નના પ્રસ્તાવને સ્વીકારી ચૂપચાપ લગ્ન કરી લે છે. સામાન્ય કક્ષાની આ વાર્તામાં વિધવાવિવાહ અને સમાજસેવાની મહત્તા કરવામાં આવી છે. ‘માણેકમા’ પન્નાલાલ પટેલની વાર્તાઓની યાદ અપાવે એવી આ વાર્તા છે. પોતાના ગામના કોઈપણને હંમેશાં મદદ માટે તત્પર એવાં માણેકમાના જીવનના ચિતાર જેવી આ વાર્તા છે. આ સર્જકનાં યાદગાર પાત્રો પૈકીનું આ પાત્ર બની રહે છે. ‘ઉપેક્ષિતા’ વાર્તામાં પણ ફિલ્મી દુનિયા દર્શાવાય છે. રેલ રાહતફંડ માટે નીકળેલા સરઘસથી વાર્તા પ્રારંભાય છે અને ફિલ્મી દુનિયામાં ઉપેક્ષા પામેલી અભિનેત્રી ડાયરી લખે છે. વર્તમાન અને ભૂતકાળમાં ફરતી આ અભિનેત્રીને ભૂતકાળની એક ઘટના આનંદિત કરી મૂકે છે. પોતાના ‘સૌભાગ્ય’ ફિલ્મના પ્રભાવથી એક નવયુગલ પર જે હકારાત્મક અસર થઈ છે એ વાત એને રાજી રાજી કરી દે છે. ‘વ્યવહાર કુશળતા’ વાર્તાનો આરંભ સોમચંદ શેઠની શોકસભાથી થાય છે. શેઠનાં કાળાં કરતૂતોના જાણકાર ડૉક્ટર મનુભાઈ મનમાં મૂંઝાય છે. વર્તમાન અને ભૂતકાળમાં ફરતા ડૉક્ટર મનુભાઈ પણ અંતે શેઠની વાતમાં આવી ગયેલા. શા માટે? એવા પ્રશ્નાર્થ સાથે વાર્તા પૂરી થાય છે. ભાવકના વાર્તારસને પોષે એવી વાર્તા ‘શકીલા’ પણ સંગ્રહની સારી વાર્તા છે. નાયક અને હંસા પતિ-પત્ની હોવા છતાં પોતાના પડોશમાં રહેતા પઠાણ કુટુંબની યુવતી ‘શકીલા’ સાથે જે રમત રમે છે એ વાત છે. શકીલા વાર્તાનાયક તરફ આકર્ષાય છે, એને પ્રેમ કરવા લાગે છે, હંસા તેની મિત્ર બની જાય છે અને શકીલા નાયક વિશે પૂછપરછ કરે છે. હંસા એને મહેમાન ગણાવે છે. શકીલા પત્ર લખી પ્રેમનો એકરાર કરે છે પણ સમય જતા ખબર પડે છે કે એ જ હંસાના પતિ છે. ત્યારબાદ શકીનાનાં લગ્ન થઈ જાય છે પણ ‘ઈદ મુબારક ઍન્ડ લવ’ કહેવાનો સિલસિલો આજ સુધી શરૂ રહે છે. વાર્તા વર્તમાનથી શરૂ થઈ ફ્લેશબૅકમાં સરી પડે છે. નૈનિતાલ અને લખનૌનું વાતાવરણ વાર્તામાં સુપેરે આલેખાયું છે. સાથોસાથ પાત્રાલેખન અને પાત્રોની મનઃસ્થિતિ આલેખાય છે. પન્નાલાલ અને પેટલીકરની અસર ઝીલીને લખતા સર્જક પાસેથી મેળાને અને મેળાના માનવીને કેન્દ્રમાં રાખીને ઘણી કૃતિઓ મળે છે. એ પૈકીની વાર્તાઓમાં ‘મેળાના માનવી’ અને ‘પ્રીતના પડઘા’. મેળાનાં માનવી’ વાર્તામાં હેતી અને દાનસંગના પ્રણયની – મિલન-વિરહ અને મિલનની – વાત રજૂ કરવામાં આવી છે. હેતીનું મિલન દાનસંગ સાથે મેળામાં થાય છે. એની જોડે પરણે છે પણ ઘર ચાલતું નથી દાનસંગ મારઝૂડ કરે છે. હેતી પિયર પાછી ફરે છે, ભાઈ દ્વારા તેને બીજે પરણાવવાનું નક્કી કરવામાં આવે છે અને ફરી મેળો આવે છે. મેળામાં હેતી પણ જાય છે અને પૂર્વ પતિ દાનસંગ પાવા વગાડી પોતાનું દર્દ વ્યક્ત કરી રહ્યો હતો અને હેતી એની પાસે જઈ એની સાથે જવા તૈયાર થાય છે. મેળામાં મળેલા આ માનવી વિખૂટા પડ્યા પણ ફરી મેળો આવતાં એક થઈ જાય છે. ગુજરાતી વાર્તાઓ અને નવલકથામાં આવતો મેળો અહીં પીતાંબર પટેલની કલમે પણ સુંદર રીતે આલેખાયો છે. લોકજીવનનું અભિન્ન અંગ એવો મેળો અહીં પણ સંસારચક્રના પ્રતીક તરીકે ઊભરી આવે છે. ભાવ અને ભાષાનો સુભગ સમન્વય થયો છે અને એક સુખાંત વાર્તા સાંપડી છે. ‘પ્રીતના પડઘા’ વાર્તામાં રૂપકુમારી-ફિલ્મ અભિનેત્રીના જીવનની કથા વર્ણવવામાં આવી છે. હાલમાં એ ફિલ્મક્ષેત્રે સક્રિય છે, ફિલ્મ ડાયરેક્ટર સાથે ફિલ્મ જોવા આવે છે અને ફિલ્મમાં મેળાનું દૃશ્ય આવતા એને એનો ભૂતકાળ યાદ આવે છે. ગામડું, ગામડાંના નિર્દોષ, નિખાલસ લોકો, મેળો, મેળાનો આનંદ, મેળાનાં ગીતો, હીરાજી વગેરે યાદ આવે છે. હીરાજી સાથેના એના મીઠા મધુરા દિવસો યાદ આવી જાય છે અને રડી પડે છે. આમ, આ વાર્તામાં પણ મેળો અને મેળામાં પાંગરેલો પ્રણય દર્શાવાયો છે પણ બન્ને પ્રેમી એક થઈ શક્યાં નથી. કરુણાંત વાર્તા બની છે ‘કુંવારી મા’ વાર્તામાં પ્રારંભે રમણલાલ-શોભાની વાત છે. શોભા બે સુવાવડમાં બન્ને બાળકો ગુમાવે છે એ વાત દ્વારા માતૃઝંખના વર્ણવાય છે. ત્યારબાદની સુવાવડમાં જે હૉસ્પિટલમાં તે દાખલ થાય છે એની રોઝ નામની ક્રિશ્ચિયન નર્સની કથા આ વાર્તાનું મુખ્ય કેન્દ્રબિંદુ બની રહે છે. રમણલાલ અને રોઝના પરિવારને કૌટુંબિક સંબંધ બંધાય છે, ઘરે આવનજાવન થાય છે અને રોઝને ભરત નામનો દીકરો છે એની કથા રોઝના મુખે સાંભળવા મળે છે. નવજાત બાળક ભરત માટે લગ્ન પણ ન કરનારી આ ‘કુંવારી માતા’ રોઝની વાર્તા હૃદયસ્પર્શી બની છે. પણ વાર્તાના અંતમાં આવતો લેખકનો ઉપદેશ ભાવકોને ખટકે છે. ‘ગોપાળકૃષ્ણ’ વાર્તા એની પ્રયુક્તિને કારણે ધ્યાનાર્હ બને છે. વાર્તાની અંદર વાર્તાની પ્રયુક્તિ સિવાય આ વાર્તા ખાસ અસર ઉપજાવી શકતી નથી. ‘જીવનદાન’ વાર્તામાં દાયણનું કામ કરતી હેમકોર ડોશી બીમાર છે છતાં પોતાના ગામની એક સ્ત્રીની પીડા દૂર કરવા પહોંચી જાય છે અને અંતે પોતે જ મોતને ભેટે છે. પરોપકારી જીવ એવા હેમકોર ડોશીનું ચિત્ર સારી રીતે ઊપસી શક્યું છે. ‘સ્મારક’ વાર્તામાં પાલક માતા સૂરજ ડોશીની યાદમાં શાળા બંધાવી એની વાત છે. વર્તમાનમાં શાળાના ઉદ્ઘાટનમાં હાજર બાલુશેઠ ભૂતકાળમાં ખોવાય જાય છે. સૂરજ ડોશીનું પાત્રાલેખન સારું ઊપસી શક્યું છે. કન્યા કેળવણીને પ્રાધાન્ય આપતી વાર્તા ‘ભણેલો વર’ વાર્તા એના વિષયવસ્તુ અને ભાષાને કારણે નોંધપાત્ર બને છે. ‘સજળ નયનો’ વાર્તામાં એક કિશોરને અભ્યાસ માટે મદદ કરતા શેઠની વાત - પરોપકારની વાત આવે છે. ‘જાસાચિઠ્ઠી’, ‘જિંદગીનો સાચો અર્થ’, ‘ગામના ગુરુજી’, ‘કૃષ્ણાર્પણ’ ‘હરાજી’ જેવી વાર્તાઓમાં ગામડાની મહત્તા વર્ણવાય છે. આ વાર્તાઓ એ સિવાય ખાસ અસર ઉપસાવતી નથી. ‘ભાઈબંધ’ વાર્તા છગન-મગનની મૈત્રી અને એમાં આવતો ખટરાગ અને અંતમાં મિત્ર જ મિત્રની મદદે આવે છે એ વાત વ્યક્ત થઈ છે. ‘ધૂપસુગંધ’ વાર્તામાં મુંબઈના માળાનું જીવન અને ચીમનના ધૂપસળી જેવા જીવનની વાત કરવામાં આવી છે. પોતાના ભાઈના અવસાન બાદ ભત્રીજાઓ અને ભાભીના જીવનનિર્વાહની જવાબદારીને કારણે આજીવન ન પરણનાર ચીમનની વાત, ભાઈઓના સ્નેહ અને જવાબદારીની મહત્તા દર્શાવાય છે. ‘મીઠાંબોલી’ વાર્તામાં ચીમનના કુટુંબની વાત છે જેઠાણીના જીવનમાં-વર્તનમાં આવતું પરિવર્તન વાર્તાની વિષયવસ્તુ છે, પણ આ વાર્તા ખાસ છાપ છોડતી નથી
પીતાંબર પટેલની વાર્તાકલા :
‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૧’ને આધારે જોઈએ તો પીતાંબર પટેલની વાર્તાઓમાં ગ્રામજીવનનાં વિવિધ પાસાંઓ પ્રગટે છે. ગ્રામજીવન, શહેરીજીવન અને ફિલ્મી દુનિયા આસપાસ આ સર્જકની વાર્તાઓ ફર્યા કરે છે. દરેકના સારા-નરસા પાસા સર્જક તારવે છે. વાર્તાકલાને બરાબર વળગીને આગળ વધતી બહુ ઓછી વાર્તાઓ આપણને મળે છે. છતાં પણ એ સમયને ધ્યાને રાખે તો સંતોષકારક ખેદાન પીતાંબર પટેલે વાર્તાક્ષેત્રે કર્યું છે એમ અવશ્ય કહી શકીએ. એમની વાર્તાઓમાં વિષયવસ્તુની વિવિધતા છે પણ નિરૂપણરીતિનું નાવીન્ય નજરે પડતું નથી. ક્યારેક કોઈ વાર્તા માત્ર ઉપદેશ આપતી હોય એમ પણ લાગે છે. ગામડાના વિષયવસ્તુવાળી વાર્તાઓમાં જાત્રા, દાન-પુણ્ય, ધર્માદો, પંખીઓને ચણ, પાણીના પરબ બંધાવવા, શાળા માટે દાન આપવું વગેરે વારંવાર આવે છે. તો ગામડામાં જોવા મળતી પરોપકારી વ્યક્તિ જે આખા ગામ માટે ભલું ઇચ્છતી હોય અને આખા ગામના આદર્શ હોય આ બાબત પણ એમની ઘણી વાર્તાઓમાં પ્રગટે છે. મેળા, ચકડોળ પણ એમની વાર્તાઓમાં ચાલકબળ બનીને આવે છે. શહેરીજીવન અને ફિલ્મી દુનિયા સાથે આ સર્જકને જાત અનુભવ છે એટલે પણ એમની વાર્તાઓના વિષય આ તરફ ગતિ કરતા જોવા મળે છે પણ ફિલ્મી દુનિયાના વિષયવાળી પીતાંબર પટેલની ચિરંજીવ વાર્તા મળી શકી નથી.
પીતાંબર પટેલની વાર્તાઓ વિશે ‘ગુજરાત વિશ્વકોશ’માં વિવેચક પ્રસાદ બ્રહ્મભટ્ટનો અભિપ્રાય : “આ વાર્તાઓમાં વિષયવસ્તુનું વૈવિધ્ય છે. ગુજરાતી ગ્રામજીવન, શહેરીજીવન, સમાજજીવન, ફિલ્મી દુનિયા સુધીના વિવિધ વિષયો નિરૂપાયા છે. પાત્રો પણ વિષયવસ્તુ અનુરૂપ સમાજનાં વિવિધ સ્તરોમાંથી આવ્યાં છે. વાર્તાઓમાં લેખક નિરૂપણરીતિનું વૈવિધ્ય નિપજાવી શક્યા નથી. વળી એમની વાર્તાઓ મોટેભાગે બોધાત્મક બની રહે છે અને વાર્તાતત્ત્વ કરતાં સમસ્યાનું મહત્ત્વ એમની ટૂંકી વાર્તાઓમાં વધુ હોવાની છાપ પડે છે.”
વિપુલ કાળિયાનીયા
ગુજરાતી વિષયના અધ્યાપક અને વિભાગાધ્યક્ષ,
શ્રી વી. એમ. સાકરિયા મહિલા આટ્ર્સ કૉલેજ, બોટાદ
મો. ૯૯૨૪૨ ૪૨૭૫૨