ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વિઠ્ઠલ પંડ્યા

From Ekatra Wiki
Revision as of 02:51, 19 December 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સામાન્યજનના પ્રિય વાર્તાકાર :
વિઠ્ઠલ પંડ્યા
(૨૧-૦૧-૧૯૨૩ – ૩-૭-૨૦૦૮)

માવજી મહેશ્વરી

Viththal Pandya.jpg

વિઠ્ઠલ કૃપારામ પંડ્યાનો જન્મ તારીખ ૨૧ જાન્યુઆરી ૧૯૨૩માં સાબરકાંઠા જિલ્લાના કાબોદરા ગામે થયો હતો. તેમની માતાનું નામ મેનાબેન હતું. કાબોદરા હાલ હાઈવે ઉપર આવેલું વિકસિત ગામ છે. પણ વિઠ્ઠલ પંડ્યાના જન્મ સમયે તે નાનું ગામડું જ હતું. એવા ગામડામાં આઝાદી પહેલાં જન્મેલા વિઠ્ઠલ પંડ્યા ફિલ્મની લાઇનમાં કેવી રીતે પહોંચી ગયા? અને ફિલ્મી લાઇનમાં ઝંપલાવનાર યુવાન લેખક કેવી રીતે બની ગયો? આની પાછળ નિયતિની એક કહાની છે. કાબોદરા ગામમાં તેમના પિતાજી કૃપારામની ખેતીની જમીન. વિઠ્ઠલભાઈ નાનપણમાં ખૂબ તોફાની એટલે તેમના પિતાજીએ નવ વર્ષની ઉંમરે એમને જ્ઞાતિબંધુઓ તથા મોટાભાઈ જીવતરામ પાસે મુંબઈ મોકલી આપ્યા હતા. એક તરફ કાબોદરા જેવું નાનું ગામ બીજી તરફ મુંબઈની ચમકદમક. વિઠ્ઠલભાઈ આપબળે ઇન્ટર સુધી ભણ્યા તો ખરા પણ એમને મુંબઈની મોહિની લાગી ગઈ હતી. એમની પૂરી ઊંચાઈ, ભાવવાહી આંખો, ઉડતાં જુલ્ફાં. એમનો દેખાવ જ ફિલ્મી હીરો જેવો હતો. એમના શાળાજીવનના મિત્ર નારાયણ જાની એમને દિગ્દર્શક રામચંદ્ર ઠાકુર પાસે લઈ ગયા અને એમની ફિલ્મયાત્રાનો પ્રારંભ થયો. જે જમાનામાં સારા ઘરનાં છોકરા-છોકરીઓ ફિલ્મોથી દૂર રહેતાં અને ફિલ્મી કલાકારો પ્રત્યે લોકો સૂગની નજરે જોતાં એ સમયે એટલે કે ૧૯૪૦ના દાયકામાં ફિલ્મ અભિનેતા બનવા માટે વિઠ્ઠલ પંડ્યાએ ફિલ્મોમાં ઝંપલાવ્યું હતું. તેમના જ શબ્દોમાં : “પાંચ ફૂટ આઠ ઇંચની ઊંચાઈ, સાગના સોટા જેવું કસરતી બદન, માથે વાંકડિયાં ઝુલ્ફાં, ચહેરા પર આત્મવિશ્વાસની ઝલક... ફિલ્મમાં હીરો થવા માટે આથી વિશેષ લાયકાત બીજી કઈ જોઈએ?’ જોકે એ જમાનામાં પણ ફિલ્મોમાં ઘૂસવું અને કામ મેળવવું જરાય સરળ નહોતું. એક અભિનેતા તરીકે ફિલ્મોમાં ખાસ ગજ ન વાગતાં વિઠ્ઠલ પંડ્યાએ દિગ્દર્શનમાં ઝુકાવ્યું હતું. દસેક ગુજરાતી અને દસેક હિંદી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે તેમણે કામ કર્યું હતું. ‘મંગળફેરા’ ફિલ્મમાં તેમણે વ્યાજખાઉ શેઠનું પાત્ર ભજવ્યું હતું. સમય જતાં ફિલ્મોનું ભૂત માથેથી ઊતર્યું. તેમને લાગ્યું કે તેમણે લખવું જોઈએ. અને તેમણે લખવા તરફ મન વાળ્યું. ફિલ્મોમાં જેટલો સમય તેઓ રહ્યા એ દરમ્યાન કેટલાક જાણીતા થઈ ચૂકેલા અને કારકિર્દી ઘડી રહેલા અનેક કલાકારો અને કસબીઓ સાથે કામ કરવાની અને ખાસ તો ફિલ્મી દુનિયાને નિકટથી જોવાની તેમને તક મળી હતી. એમનું મગજ ‘હાઈ ક્રીએટીવ’ હતું. વાર્તાઓને કેવી રીતે વળાંક આપવો, વાર્તામાં વાચકને શું આપવું અને શું ગમશે તે સારી પેઠે સમજતા વિઠ્ઠલ પંડ્યાએ વાર્તાઓ લખવા માંડી. ૧૯૫૫માં ‘સવિતા’ વાર્તાસ્પર્ધા યોજાઈ અને એ સ્પર્ધામાં દિગ્ગજ વાર્તાકારો વચ્ચેની એમની વાર્તા વિજેતા બની. એમનો ઉત્સાહ વધ્યો. એ વાર્તાસ્પર્ધાએ એમને સુવર્ણચંદ્રક અપાવ્યો. એ જમાનો વાર્તાનો હતો. ધારાવાહિક નવલકથાનો હતો. છાપાંઓ અને સામયિકોની માગણી રહેતી. તે વખતે દીવાળીના ખાસ અંકો બહાર પડતા જેમાં વાચકો વિઠ્ઠલ પંડ્યાની વાર્તા પહેલા વાંચતા. તેઓને ફિલ્મોમાં કામ કરવું હતું પણ એમને ફળ્યું લેખનક્ષેત્ર. તે પછી તેમણે ધારાવાહિક નવલકથાઓ લખવા માંડી. તેમની નવલકથાઓ એટલી લોકપ્રિય થઈ કે તેમની નવલકથાઓ આખાય ગુજરાતની લાયબ્રેરીઓમાં જોવા મળતી. જેની પાંચ પાંચ આવૃત્તિઓ થઈ છે. ગુજરાતી સાહિત્યનો એક સ્વભાવ રહ્યો છે જે લેખક લોકપ્રિય હોય, લોકભોગ્ય લખતો હોય તેને હાંસિયામાં જ રાખવો. એવા કેટલાય લેખકોની તે વખતના વિવેચકોએ નોંધ નથી લીધી જેમાં એક વિઠ્ઠલ પંડ્યા પણ ખરા. તેમ છતાં વિઠ્ઠલ પંડ્યાને વાંચનારી પાંચમી પેઢી અત્યારે હયાત છે. વાર્તાલેખનમાં તેમના યોગદાનને ભૂલી જવું શક્ય જ નથી. આજે કે થોડાં વર્ષો પૂર્વે, ગુજરાતી લેખકને માત્ર લેખન ઉપર જીવવું શક્ય નહોતું. વિઠ્ઠલ પંડ્યાએ કલમના સહારે જીવન વિતાવ્યું. એમની આત્મકથામાં એમણે આર્થિક સ્થિતિની વાત ખૂલીને કરી છે.

લેખકનું સર્જન :

વિઠ્ઠલ પંડ્યાનું યોગદાન વાર્તા અને નવલકથા બેય સ્વરૂપમાં સરખું હતું. એમનું પહેલું પુસ્તક પણ નવલકથા હતું. તેમણે કુલ ૫૧ નવલકથાઓ લખી છે. જેનાં નામ આ રહ્યાં – ‘જખમ પડે એ જાણે’, ‘હંસા પ્રિત ન કીજિયે’, ‘ચરમસીમા’, ‘મોહપાશ’, ‘જીવા દોરી’, ‘ગોપી’, ‘ઝનૂન’, ‘ચક્રવ્યૂહ’, ‘સુખની સરહદ’, ‘નૈન વરસ્યાં રાતભર’, ‘યાદોનાં ભીનાં રણ’, ‘શમણાં તો પંખીની જાત’, ‘એક ચહેરો અંદર’, ‘લોહીનો બદલાતો રંગ’, ‘લાંબી સફર ટૂંકી જિંદગી’, ‘અહીં તરસ ત્યાં વાદળી’, ‘આખું આકાશ મારી આંખોમાં’, ‘સાવ અચાનક’, ‘હજીયે તું સાંભરે છે’, ‘માણસ હોવાની મને બીક’, ‘બુકાની બાંધેલા રસ્તા’, ‘મને એક સાંજ આપો’, ‘લીલાં સૂકાં સપનાં’, ‘ભીંતો વિનાનું ઘર’, ‘હથેલીમાં ચાંદ’, ‘સંબંધોની દુનિયા’, ‘આ ભવની ઓળખ’, ‘પ્રતિકાર’, ‘ચહેરા કોના છે દર્પણમાં?’, ‘શૂળી ઉપર સેજ હમારી’, ‘સાત જનમના દરવાજા’, ‘આંખ ઝરે તો સાવન’, ‘ગજગ્રાહ’, ‘પાનખરનાં ફૂલ’, ‘લોહચુંબક’, ‘રૂપજ્વાલા’, ‘પ્રપંચ’, ‘રુંવે રુંવે આગ’, ‘દર્દ, ન જાને ક્યું?’ ‘ફૂલને વાગ્યા કાંટા’, ‘નિષ્કલંક’, ‘મન મેલાં તન ઉજળાં’, ‘જંતરમંતર’, ‘ડંખ’, ‘હારજીત’, ‘ચિરપરિચિત’, ‘લાંછન’, ‘કંચનવર્ણી’, ‘નજરબંધી’, ‘મનમોતી ને કાચ’, ‘મીઠાં જળના મીન’. તેમના વાર્તાસંગ્રહો કુલ દસ થયા છે. પહેલો વાર્તા સંગ્રહ ૧૯૬૮માં બહાર પડ્યો હતો. તેમના વાર્તાસંગ્રહો ‘ફાલ્ગુની’, ‘જખમ’, ‘રોહિણી’, ‘રસિકપ્રિયા’, ‘અંગૂઠા જેવડી વહુ’, ‘આસક્તિ’, ‘નહીં સાંધો, નહીં રેણ’, ‘અંજળપાણી’, ‘નિરુત્તર’ અને ‘લજામણી’. તેમના વાર્તાસંગ્રહોની પાંચ પાંચ આવૃત્તિઓ થઈ છે. આ સિવાય એમણે ગુજરાતી ફિલ્મોના પાંચ દાયકા નામે પરિચય પુસ્તિકા લખી છે. ‘અસલી નકલી ચહેરા’ અને ‘સપનાંના સોદાગર’ નામે સ્મરણો લખ્યાં છે. યાદ નામે એક સંપાદન તથા તેમની પોતાની આત્મકથા ‘ભીંત ફાડીને ઊગ્યો પીપળો’ લખી છે. ચોવીસેક વર્ષ ફિલ્મક્ષેત્રે દિગ્દર્શન અને અભિનયમાં ગાળ્યાં. દસેક ગુજરાતી ફિલ્મો અને દસેક હિન્દી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું. રાજકપૂર અભિનીત ફિલ્મ ‘રિપોર્ટર’માં સહાયક દિગ્દર્શક તરીકે તેમણે કામ કર્યું. પુનાતરની જાણીતી ગુજરાતી ફિલ્મ ‘મંગળફેરા’માં વ્યાજખાઉ શેઠનું પાત્ર ભજવ્યું. ઉપરાંત ફિલ્મ ‘ગોરખધંધા’, ‘નારદમુનિ’ આદિમાં નાનાં-મોટાં પાત્રો ભજવ્યાં. વર્ષો પછી ફિલ્મી દુનિયા સાથેનાં તેમનાં સ્મરણો તેમણે ‘સમકાલીન’માં આલેખ્યાં હતાં, અને પછી તે ‘અસલીનકલી ચહેરા’ તથા ‘સપનાંના સોદાગર’ પુસ્તકરૂપે પ્રગટ થયાં હતાં. માસ્ટરવિઠ્ઠલ, ઝુબેદા, સવિતાદેવી, શોભના સમર્થ, સ્નેહપ્રભા પ્રધાન, સાગર ફિલ્મ કંપની, નલીની જયવંત, હંસા વાડકર, સુલોચના, લીલા દેસાઈ, નૂરજહાં, વી. એમ. વ્યાસ, કિશોર સાહુ, ચંદ્રમોહન જેવાં અનેક કલાકારોની અંતરંગ વાતો રસાળ શૈલીમાં તેમણે આલેખી છે. એ સમયના મુંબઈના ફિલ્મઉદ્યોગ વિશેની ઘણી અંતરંગ માહિતી આ પુસ્તકોમાં છે. વિઠ્ઠલ પંડ્યા વિશે એમ કહી શકાય કે ભલે તેમને ફિલ્મી દુનિયા ન ફળી, પણ તેને કારણે ગુજરાતી સાહિત્યને એક ઉત્તમ લેખક મળ્યા. વિઠ્ઠલ પંડ્યા મુંબઈમાં વસતા હતા એટલે એમની નોંધ ગુજરાતના લેખક તરીકે ખાસ લેવાઈ નથી. તેમ છતાં એમની નવલકથા ‘સાત જનમના દરવાજા’ને ૧૯૭૩માં ગુજરાત રાજ્ય દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે.

લેખકનો યુગસંદર્ભ :

જોકે કોઈ ફિલ્મ સાથે જોડાયેલા વ્યક્તિનો કોઈ યુગ હોતો નથી. તેઓ કોઈ વાદ, કોઈની કંઠી બાંધતા નથી. કલા એકમાત્ર તેમનો ધ્યેય હોય છે. વિઠ્ઠલ પંડ્યા ભલે લેખક તરીકે જાણીતા બન્યા પણ તેમનો આત્મા તો ફિલ્મી જ હતો. એટલે એમની વાર્તાઓમાં યુગસંદર્ભ શોધવો કે તેમના સર્જનને ચોક્કસકાળમાં રાખવો એ વ્યર્થ મહેનત ગણાશે. તેમ છતાં તેમણે જે વાર્તાઓ લખી છે, તેમની વાર્તાઓમાં જે પાત્રો આવે છે તે પાત્રોનાં વર્તનો, વ્યવહાર આધુનિક છે. જોકે એમણે ગામડાઓની વાર્તાઓ બહુ ઓછી લખી છે. મોટાભાગની વાર્તાઓ શહેરી કે શહેરી માનસ ધરાવતા ગામડાઓની છે. એટલે લેખકને આધુનિક કાળના લેખક ગણી શકાય.

ટૂંકીવાર્તા વિશે વિઠ્ઠલ પંડ્યાની સમજ :

લોકપ્રિય કથાસાહિત્યની પરંપરાને વળગી રહીને સાહિત્યસર્જન કરનાર આ લેખકના વાર્તાસંગ્રહોમાં ઊભરેલાં પાત્રો સામાન્ય વાચકવર્ગને આકર્ષવામાં સફળ નીવડ્યાં છે. તેમની વાર્તાઓમાં કોઈ ટૂંકીવાર્તાના શાસ્ત્રીય પ્રયોગ નથી. કોઈ વાર્તા દુર્બોધ બનતી નથી. તેઓ ફિલ્મી જગતની નજીક રહ્યા હતા એટલે ફિલ્મોમાં જે રીતે પલટાઓ આવે તેવા પલટાઓ તેમની વાર્તાઓમાં પણ આવે છે. તેમની વાર્તાઓમાં શાસ્ત્રીયતા અને રંજકતત્ત્વનું મિશ્રણ છે. ક્યારેક એવું પણ લાગે કે તેમની વાર્તાઓ અમુક વર્ગ માટે જ લખવામાં આવી છે. તેમની વાર્તાનાં પાત્રોના સંવાદોમાં બૌદ્ધિક તત્ત્વ કરતાં જીવનતત્ત્વ વધારે છે. છુપાવીને કહેવાની કળા જે વાર્તાની મૂળ શરત છે તે શરતને તેમની વાર્તાઓ બહુ ઓછી સ્પર્શે છે. વાર્તાની ગતિ બેશક એકધારી છે, જેમાં મનોરંજક તત્ત્વ વિશેષ છે. લેખકની સૌથી મોટી કામયાબી છે તેમણે વ્યાપક લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં તેઓ સફળ રહ્યા છે. તેમની વાર્તાઓ Class કરતાં Massની વધુ છે. જોકે એક તરફ જ્યારે લોકો તમને ચાહતા હોય, વાંચતા હોય ત્યારે પ્રતિષ્ઠિત વિવેચકો તમારાથી દૂર રહેતા હોય એ સ્થિતિ કોઈ લેખકને માટે અકળાવનારી બની રહે. પણ વિઠ્ઠલ પંડ્યાએ કદી પોતાની વાર્તા વિશે એવું વિચાર્યું જ નથી. તેઓએ જીવનને ચાહ્યું છે. તેમની વાર્તામાં તત્કાલીન સમાજ ધબકે છે, સમાજના પ્રશ્નો ધબકે છે. એ પ્રશ્નોની રજૂઆત કદાચ શાસ્ત્રીય ન હોય તેથી શું? શું એ વાર્તાઓને વાર્તાઓ ન ગણવી? કદાચ હવેના સમયમાં એ લેખકોએ સર્જેલ સાહિત્યનું પુનર્મૂલ્યાંકન થાય એ જરૂરી છે. વિઠ્ઠલ પંડ્યા જેવા લેખકોના વખતમાં સમાજ દર્શન કેવી કેવી રીતે આવ્યું છે તે શોધવાની જરૂર છે. એ અર્થમાં તેમના દસે દસ વાર્તાસંગ્રહોમાં સમાવાયેલી સામગ્રી વાર્તાઓ જ છે એવું મને લાગે છે.

વિઠ્ઠલ પંડ્યાના વાર્તાસંગ્રહોનો પરિચય :

Rasik Priya by Viththal Pandya - Book Cover.jpg
Falguni by Viththal Pandya - Book Cover.jpg
Rohini by Viththal Pandya - Book Cover.jpg
Lajamani by Viththal Pandya - Book Cover.jpg
Nahi Sandho by Viththal Pandya - Book Cover.jpg
Angutha jevadi Vahu by Viththal Pandya - Book Cover.jpg

વિઠ્ઠલ પંડ્યાએ કુલ ૧૦ વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમનો પહેલો અને બીજો સંગ્રહ એક જ વર્ષના છેલ્લા બે મહિનામાં આવ્યા છે. ‘રસિકપ્રિયા’ નવેમ્બર ૧૯૬૦ આવ્યો જેમાં માત્ર ૧૩ વાર્તાઓ છે. અને ‘ફાલ્ગુની’ ડિસેમ્બર ૧૯૬૦માં આવ્યો જેમાં ૨૩ વાર્તાઓ છે. તેમનો છેલ્લો અને દસમો વાર્તાસંગ્રહ ‘લજામણી’ ૧૯૯૮માં આવ્યો. કદાચ તેમણે તે પછી વાર્તાઓ લખી નથી અથવા તેમની અગ્રંથસ્થ વાર્તાઓનું કોઈ પુસ્તક બહાર પડ્યું નથી. વિઠ્ઠલ પંડ્યાની વાર્તાઓ એટલે રોચક વાર્તાઓ, વાંચવી ગમે તેવી વાર્તાઓ. સમાજમાં બનતા સામાન્ય બનાવોનું આબેહૂબ વર્ણન. ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખકો અને કેટલાક વિવેચકો પણ એમની વાર્તાના રસિયા હતા. તે વખતના દીવાળીના અંકો તેમની વાર્તાઓ વગર અધૂરા લાગતા. એવા સમયના આ લેખકે દસ વાર્તાસંગ્રહો આપ્યા છે. તો એ સંગ્રહોમાં શું છે તે જોઈએ. એમનો પહેલો વાર્તાસંગ્રહ ૧૯૬૦માં ‘રસિકપ્રિયા’ નામે આવ્યો. સંગ્રહનું જેવું નામ છે એવી જ વાર્તાઓ છે. એક વાર્તા બહુ રોચક છે. તેની ભાષા અને વર્ણનો વાર્તાકારના ભાષા સામર્થ્યનો પુરાવો છે. વાર્તાનું નામ છે ‘રસિકપ્રિયા’ ભવાઈ રમતા લોકો એક ગામમાં ભવાઈ રમવા આવે છે. એમાંના યુવાન મુરલીનો અંગવળોટ જોઈને કનક નામની એક યુવતી મોહિત થઈ જાય છે. તે મુરલીને પોતાના મનની વાત લખીને આપે છે. છેલ્લે લખે છે ‘ચિઠ્ઠી ફાડી નાખજે હોં’ આ એ વખતનું વાતાવરણ છે જ્યારે ફોન નહોતા. મુરલી એ ચિઠ્ઠી ફાડતો નથી પણ રાખી લે છે. એ ચિઠ્ઠી કોઈના હાથમાં આવી જાય છે ને બધા જ ભવાયા સામે મોરચો મંડાય છે. જો કે ચિઠ્ઠી મુરલીએ નહીં પણ કોઈ છોકરીએ લખી હતી. મુરલી અને તેના સાથીદાર મોહનને થોડો માર મારીને ગામ છોડી જવાનું કહેવાય છે. છેલ્લે મુરલી મોહનને કહે છે, ‘તારી બધી વાત સાચી પણ એવી ચિઠ્ઠી હું શેઠના હાથમાં સોંપું તો એમાં મારી શી કિંમત રહે? ચિઠ્ઠી લખનારે કેટલા વિશ્વાસથી અને કેટલી લાગણીથી મારી આગળ મન ખોલ્યું હશે એની તને કંઈ ખબર છે? શું મારે એને દગો દેવો?’ વાર્તા અત્યંત લાઘવથી લખાઈ છે. આ સંગ્રહમાં તે વખતના કેટલાક શબ્દ વપરાયા છે. અવરગંડી, મંદવાડ, વાંગો, અમરોઠ, કડકીને કડુખલે, જેસણી માતાના સોગંદ જેવા શબ્દો નવા લાગે. જો કે અન્ય વાર્તાઓ એક જ પ્રકારની અને સામાન્ય છે. બીજો સંગ્રહ એક મહિના પછી ડિસેમ્બર ૧૯૬૦માં આવ્યો. આ સંગ્રહમાં કુલ ૨૩ વાર્તાઓ છે. આ સંગ્રહનું નામ વાર્તાના નામ પરથી રાખવામાં આવ્યું છે. વાર્તાનું નામ પાત્રના નામ પરથી છે. આ સંગ્રહમાં ‘તલપ’ નામની વાર્તા છે. રણજીત નવી બનતી રેલવે લાઈન માટે જંગલમાં કામ કરે છે. પોતાની પત્ની રમીલાને મળ્યે ત્રણ મહિના થઈ ગયા છે. એક સાંજે તેને જંગલમાંથી ‘બચાવો બચાવો’ની બૂમો સંભળાય છે. તેને નવાઈ લાગે છે કે જંગલમાં સ્ત્રી અવાજ ક્યાંથી? તે હિંમત કરીને અવાજની દિશામાં જાય છે તો કોઈ યુવક એક યુવતીનો હાથ પકડીને ઢસડતો લઈ જતો દેખાયો. રણજીત સાથે બીજા બે જણને જોઈ એ યુવક ભાગી જાય છે. ડરી ગયેલી પેલી નમણી યુવતી મૂંઝાઈને ઊભી રહી જાય છે. રણજીત એને સમજાવીને પોતાના પડાવ પાસે લઈ આવે છે. એ યુવતીની કથની સાંભળે છે. રાતે બધા પુરુષો વચ્ચે એ યુવતી નિર્ભય બનીને સૂઈ જાય છે. પણ રાતે રણજીતને પોતાની વહાલી પત્ની રમીલા સાંભરે છે, એનો લીસ્સો યુવાન દેહ સાંભરે છે. અહીં મનસુખ નામના ત્રીજા પાત્રનો પ્રવેશ થાય છે. મનસુખ દમનો દર્દી છે. એને વારંવાર ખાંસી આવે છે. મનસુખ સૂતો જ નથી. રણજીતને વહેમ, પડે છે કે મનસુખ પેલી યુવતી માટે જાગે છે. સાથે એને એવી પણ ઇચ્છા જાગે છે કે જો મનસુખ સૂઈ જાય તો હું યુવતીની ઓરડીમાં જાઉં. પણ નીચેના માણસ આગળ સાહેબ બની રહેવા માગતા રણજીતને મનસુખનો ખાટલો ખાલી દેખાય છે. રણજીત બેટરી લઈને ગજિયાની ઓરડીના બાકોરામાંથી શેરડો ફેંકે છે તો અંદર સૂતેલી માલી નામની યુવતી જાગી જાય છે. તે સાથે બહારથી મનસુખનો અવાજ આવે છે. ‘સાહેબ ઓરડીમાં શું શોધો છો?’ ભોંઠો પડી ગયેલ રણજીત મનસુખને જ કહે છે, ‘એકાદ બીડી હોય તો આપ ને. ક્યારની સાલી તલબ લાગી છે.’ વાર્તા આમ તો સામાન્ય છે પણ પુરુષની આદિમ ઇચ્છા તક મળતાં જ જાગી ઊઠે છે તેનું સચોટ વર્ણન આ વાર્તામાં છે. ‘જખમ’ની વાર્તા ‘ઘડીક આપણો સંગ’ પણ ‘તલપ’ નામની વાર્તાના કુળની છે. નિર્જન રેલવે સ્ટેશન પર એક યુવક અને યુવતી ટ્રેન ચૂકી જાય છે. યુવતીને ડાભોંડા જવું છે અને યુવકને મુંબઈ. એમનું લાંબુ અને અર્થવગરનું વર્ણન પણ આવે છે. પાછા ગયા વિના છૂટકો નથી. બેય જણ અમદાવાદ જવા માટે એ રેલવે સ્ટેશન પરથી ટાંગો કરીને હાઈવે ઉપર જાય છે. અંધારું છે. યુવતી બીએ છે પણ યુવક નચિંત છે. ત્યાં છાપરી જેવી જગ્યાએ અજાણ્યા દેહાતી લોકો વચ્ચે દંગલ થાય છે. એમનાથી બચવા એ યુવતી ઓટલાની ધાર નીચે સૂઈ જાય છે. પેલો યુવક એને રક્ષણ આપતો હોય તેમ એના ઉપર સૂઈ જાય છે. પેલા લોકો ચાલ્યા જાય છે ત્યારે અચાનક જ પેલી યુવતીને સ્થિતિ સમજાય છે કે દેહાતી અને જંગલી પેલા લોકો હતા કે જેના ઉપર ખરેખર વિશ્વાસ મૂક્યો એ આ ભણેલો યુવક હતો? તે ગુસ્સામાં યુવકને કહે છે, ‘ઘડીક સથવારો કર્યો એમાં તો છેવટે જાત પર આવી જવું હતું ને તમારે?’ યુવક કશો પ્રત્યુતર વાળતો નથી. એ માત્ર પોતાનો બિસ્તરો ઉપાડીને ચાલવા માંડે છે. જોકે વાર્તામાં કશું જ નવું નથી. પણ તત્કાલીન વ્યવસ્થાઓ અને એકબીજા ઉપરનો વિશ્વાસ દેખાય છે. વિઠ્ઠલ પંડ્યાની કેટલીક વાર્તાઓમાં હાસ્ય તત્ત્વ ઊડીને આંખે વળગે તેવું છે. વાર્તાની વાક્યરચનાઓ અને નાના સંવાદોમાં અર્થપૂર્ણ હાસ્ય પ્રગટે છે. એમની કેટલીક વાર્તાઓ વાંચીને એમ થાય કે આ વાર્તાઓ વિનોદ ભટ્ટની તો નથી ને? ‘રોહિણી’ સંગ્રહની એક વાર્તા ‘વિવાહની વરસી’ ઉત્તમ હાસ્યવાર્તાનો નમૂનો છે. આજની વાર્તાઓમાં હાસ્ય દેખાતું જ નથી ત્યારે એમની આ વાર્તા નોંધનીય છે. અમથાલાલ નામનો એક યુવાન ટ્રેન દ્વારા અમદાવાદ આવવા નીકળ્યો છે. ટ્રેનમાં એને એક સહયાત્રી મળે છે. એની સાથે જે ચર્ચાઓ થાય છે જેમાંથી હાસ્યના ફુવારા છૂટે છે. લેખકે અમુક વાક્યપ્રયોગોમાં ખપમાં લીધેલા શબ્દોથી વાક્યરચના નવીન લાગે છે. આ વાર્તાના કેટલાંક વાક્યો ‘હા, બાકી તકદીર જરા અદકપાંસળું ખરું. એટલે જ તો પેલી પાટલાઘો જેવી પ્રેમિલા મારા ભાગ્યમાં પડીને’, ‘અરે એ રૂઢિચુસ્ત હશે તો હું રૂઢિત્રસ્ત છું’, ‘પણ જોજે શંખભારથી, કાંઈ કાચું કાપી ન આવતો’. ‘હજી તો વિવાહ માંડ થયા છે અને ભાવિ પત્ની એવી ડામચિયા જેવી છે કે એને જાગતોય હું નથી સાંભરતો’. ‘મારી નાની સાળી છે ને એ મજાની ચકલી જેવી છે. જાણે ચોળાફળીની સુંવાળી સીંગ જોઈ લ્યો.’ એ અમથાલાલ આવી ડંફાસ મારતા મારતા મુસાફરી કરે છે. આખરે બધું પાધરું થાય છે ત્યારે એને લાગે છે કે આખું અમદાવાદ ચક્કર ચક્કર ફરે છે. અમથાલાલ જેને મળવા જતા હતા એજ તેનો સાળો વૈંકુઠ હતો. જેની સામે તેણે લવારી કરી હતી. ‘અંગૂઠા જેવડી વહુ’ની વાર્તા ‘નાગી જાત’ વાંચવા જેવી છે. બજાણિયા કોમની સ્ત્રીઓ રાતે છાશ માગવા નીકળે છે ત્યારનું આ વર્ણન. ‘એણે પહેરેલાં કાનના લટકણિયાં, ગળામાંનો ચકતાવાળો મણિકા મઢ્યો હાર, માથાના સેંથામાં બાંધેલું ચાંદીનું બોર, હાથમાં એલ્યુમિનિયમનાં બલૈયાં ને પગમાં રૂમઝૂમ કરતાં એવાં જ કાંબિયાં. જાણે કે ભટકતી કોમનું પ્રતિનિધિત્વ ધરાવતી આ બાઈ એક અનોખું વ્યક્તિત્વ લઈને ઊભી હતી.’ ભણીને આવેલો રઘુવીર ત્રણ સ્ત્રીઓમાંની યુવાન અને દેખાવડી સ્ત્રીને તાકી રહે છે. વૃદ્ધ સ્ત્રીઓ વાતવાતમાં યુવાન સ્ત્રી વિશે કહે છે કે છે કે ‘આને એનો વર ગમતો નથી એટલે સાસરે જતી નથી’ એ સાંભળીને રઘુવીર વિચારે છે કે, અણગમતી વસ્તુને પરાણે સ્વીકારી લઈને જિંદગી લગી પરિતાપની ભઠ્ઠીમાં શેકાતી ઉજળિયાત વર્ગની સ્ત્રી ચઢે કે આ અભણ ગમાર યુવતી? એ સ્ત્રીને પણ આ યુવાન રઘુવીર ગમી જાય છે. એવામાં રઘુવીરના બાપા રાતે જેમાંથી પાણી પીતા એ પિત્તળની ગાગર ગુમ થઈ જાય છે. ઘણું શોધવા છતાં મળતી નથી. બે ચાર દિવસ પછી એ યુવતી છાશ માગવાને બહાને આવીને રઘુવીરને કહે છે કે, ગાગર મળી જશે. હું કહું એ જગ્યાએ આવવું પડશે. રઘુવીર જાય છે. પેલી યુવતી એક જગ્યાએ રેતાળ પટમાં ખોદવાનું કહે છે તો ગાગર મળી આવે છે. પેલી યુવતી કહે છે, આ ગાગરના બદલામાં મને તમારું રુદિયું જોઈએ. એમ કહીને તે રઘુવીરને ભીંસી નાખે છે. યુવાન રઘુવીર પણ ભાન ભૂલી તણાઈ જાય છે. આવેશની ક્ષણો પૂરી થાય છે ત્યારે રઘુવીર ગાગર નમાવી રેતી ખંખેરી નાખતાં કહે છે, ‘મારી સાળી નાગી જાત ન જોઈ હોય તો!’ જોકે આ વાર્તા આમ જોઈએ તો એક પ્રસંગકથા કે સંવેદનકથા કહેવાય. પણ વાર્તાના સંવાદો અને ભટકતી જાતિની સ્ત્રીઓ વિશેનું લેખકનું જ્ઞાન અદ્‌ભુત છે. ભણેલા રઘુવીરનું સ્ત્રીઓ વિશેનું મૂલ્યાંકન વાર્તાને વાર્તા બનાવે છે. ‘નિરુત્તર’ નામના સંગ્રહની એક વાર્તા ૧૯૬૨ના ગાળામાં લખાઈ હશે પણ તે વર્તમાનને દૃશ્યમાન કરે છે. એ વાર્તાનું નામ જ ‘ભમકી ગયું’ છે. આમ તો આ હાસ્ય કે વ્યંગ્ય વાર્તા છે પણ એને કટાક્ષકથા પણ કહી શકાય. આ વાર્તા વાંચીને રમણભાઈની ‘ભદ્રંભદ્ર’ યાદ આવી જાય. સુંદરલાલ નામના એક માણસને એક બ્રાહ્મણ કશુંક કહી જાય છે તે પછી એમના ધખારા શરૂ થાય છે. પહેલાં તે જાહેર કરે છે કે મારા મૃત્યુ પછી મારું દરેક હાડકાંની રાખ આ દેશના અમુક ભાગમાં વેરી દેજો. એ પછી લાલબહાદુર શાસ્ત્રીનો સમય આવે છે ને યુદ્ધ ફાટી નીકળે છે. તો સુંદરલાલને રણમેદાનમાં ધસી જવાના ધખારા ઉપડે છે. એમનાં સાત સંતાનોને લેખકે ‘સપ્તર્ષિ’ની ઉપમા આપી છે. એમની પત્ની અને સંતાનો રડે છે. એમની કાયા ભારેખમ છે તો કોઈ ના પાડે છે. કોઈ સલાહ આપે છે કે તમે સભાઓ કરો. ઇંદિરા ગાંધીની જેમ બધાને કહો કે હું કોઈથી ડરતો નથી. બસ સુંદરલાલને ચડી જાય છે અને તેઓ ગામ વચ્ચે નીકળી પડે છે. આખરે પોલીસ એમની ધકપકડ કરે છે અને ગાંડાની હૉસ્પિટલમાં મૂકી આવે છે. આ વાર્તા અસ્સલ વ્યંગકથા છે. આપણા દેશમાં નીકળી પડતા જાતજાતની વાત કરતા લોકો, નારા આપતા નેતાઓને આ વાર્તામાં આડે હાથ લીધા છે. વિઠ્ઠલ પંડ્યાની વાર્તાઓ વાર્તાની આજની ગતિ અને અર્થ કરતાં સાવ ઉફરી ચાલે છે. ફિલ્મોની જેમ દૃશ્યો બદલાય, ફિલ્મો જેવી ઘટનાઓ ઘટે, મોટાભાગની વાર્તાઓમાં લેખક સ્ત્રી-પુરુષના સંબંધોની જ વાત કરે છે. વાર્તાઓમાં ક્યાંય સાંકેતિક ભાષા નથી, સપાટ અને રોચક બાની પર ચાલતી એમની વાર્તાઓ સામાન્ય વાચકને આકર્ષવાનો પૂરો સામાન ભરેલો છે. ક્યાંક ઢંગધડા વગરના બનાવો બને છે. એમની વાર્તાઓની સ્ત્રીઓ તરત જ પુરુષો તરફ આકર્ષાય છે. પુરુષપાત્રો પણ તક મળે સ્ત્રીનો સંગ માણવા ઉતાવળા થતા જણાય છે. જોકે એમની ભાષા અને કેટલાંક વર્ણન સારાં છે છતાંય આખે આખા સંગ્રહમાં એક પણ નવીન કથાવસ્તુ ન મળે એવું પણ બને છે. જ્યારે કથાવસ્તુ સામાજિક પ્રશ્નોને છેડે તો ત્યાંથી તરત જ વાર્તા વળાંક લઈને ફરી રોમાંચક તત્ત્વ તરફ વળી જાય છે. હા આ લેખકમાં હાસ્યની દૃષ્ટિ જરૂર છે. કેટલીક વાર્તાઓ ઉત્તમ હાસ્યવાર્તાઓ તરીકે ઊભી રહી શકે તેમ છે. કદાચ આ લેખકને ગંભીર લખવું ગમ્યું જ નથી.

વિઠ્ઠલ પંડ્યાની વાર્તાકલા :

વાર્તાકલા એક એવું તત્ત્વ છે જે વાર્તાના કથાવસ્તુમાં, લેખકની ભાષામાં, સંવાદોમાં, પ્રતીક સંયોજનોમાં છુપાઈને પડેલું હોય. વિઠ્ઠલ પંડ્યાની વાર્તાઓમાં કલાતત્ત્વ સમૂળગું ગેરહાજર છે. હા, તે સમયના વાચકોને એમની વાર્તાઓ ગમી છે, એનાં કોઈ કારણ હશે. પણ એમની વાર્તાઓમાં સર્જકતા દેખાતી નથી. લેખકનું મગજ અત્યંત સક્રિય અને રસિક છે તે જણાઈ આવે છે. દરેક વાર્તાઓનું વર્ણન ચિત્રાત્મક રીતે થયું છે, પાત્રોનાં વર્ણનો ગમી જાય તેવાં છે. સૌથી મોટી વાત, એમની વાર્તાઓમાં તે વખતનો સમય સચવાયો છે. લેખકે મુંબઈમાં રહીને લખ્યું છે. કદાચ એમને ફેરવાચન માટે સમય પણ રહેતો નહીં હોય. પણ કલા આખરે કલા છે. કલાનું કોઈ સ્વરૂપ તેના વર્તમાન મુજબનું ન જણાય ત્યારે પ્રશ્નો થવાના. એમાં શંકા નથી કે વિઠ્ઠલ પંડ્યા લોકપ્રિય લેખક હતા. પણ લોકપ્રિયતાનો માપદંડ શું? આજે પણ એજ પ્રશ્ન પડઘાય છે કે લોકપ્રિય હોવું એટલે શું? ઝવેરચંદ મેઘાણી, ક. મા. મુન્શી, અશ્વિની ભટ્ટ એ બધા જ ક્યારેક લોકપ્રિય લેખક ગણાતા. પણ એમના દ્વારા રચાયેલું સાહિત્ય, સાહિત્યના સ્વરૂપની શરતો પાળે છે. વિઠ્ઠલ પંડ્યા એટલું જ ચૂકી ગયા છે. અતિલેખનના વ્યામોહમાં તેમણે કલા કે એના સ્વરૂપની ચિંતા કરી નથી. કદાક એટલે જ તેમની વાર્તાઓ અમુક લેખકો અને વિવેચકોને ગમતી હોવા છતાં વાર્તાઓ વિશે કોઈએ કશું લખ્યું નથી. ન કોઈ અભ્યાસુએ એમની વાર્તાઓનો અભ્યાસ કર્યો છે કે ન કોઈ વિદ્યાર્થીએ એમના સાહિત્ય ઉપર Ph.D. કર્યું છે.

વિઠ્ઠલ પંડ્યાના વિવેચકો ‘આપણે આજે વિઠ્ઠલભાઈ વિશે વાત કરીએ છીએ કારણ તેઓ હજી પણ વાચકોના દિલમાં જીવંત છે. કોઈ પણ લેખક માટે લોકપ્રિય થવું સરળ નથી!’ – ડૉ. સેજલ શાહ
‘ચાર દાયકા અગાઉ નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાના નવા પુસ્તકની ત્રણ ચાર નકલ લાયબ્રેરીમાં આવતી તોયે એ નવલકથા મેળવવી મુશ્કેલ રહેતી, એનું લાંબુ વેઇટિંગ લિસ્ટ રહેતું. ૧૯૭૦થી ૯૦ના દાયકામાં ‘ચિત્રલેખા’ના દિવાળી અંકમાં વિઠ્ઠલ પંડ્યાની ટૂંકીવાર્તા તો હોય જ! કાંદીવલીનું પરિવર્તન પુસ્તકાલય હોય, હિતવર્ધક મંડળની લાયબ્રેરી હોય કે ગુજરાતના કોઈ પણ શહેરની લાયબ્રેરી હોય. નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાનાં પુસ્તકો વાંચનારો એક વર્ગ બધે જ મળી આવે છે. ’ – જય વસાવડા
“ ‘ચિત્રલેખા’, ‘યુવાદર્શન’ જેવાં અનેક સામાયિકના દિવાળી અંકમાં એમની વાર્તાઓ છપાઈ. એક આખી પેઢી, પ્રેમમાં કેમ પડવું, એ એમની નવલકથાઓ વાંચી શીખી. એમની નવલકથાઓ વાંચનારો મોટો વાચકવર્ગ હજી પણ એમની નવલકથાઓ ખરીદી લાવે છે અથવા નજીકની લાયબ્રેરીમાંથી મેળવી લે છે. સાંઈઠે પહોંચેલા વાચકો સાથે વિઠ્ઠલ પંડ્યાની નવલકથાઓની વાત કરીએ તો હજી એમની આંખમાં ચાર દાયકા અગાઉની ચમક વરતાય છે.” – હસમુખ થાનકી
સંદર્ભ

લેખક વિઠ્ઠલ પંડ્યાના તમામ વાર્તાસંગ્રહો એમની ૧૦૧મી જન્મજયંતિની ઉજવણીના અહેવાલ

માવજી મહેશ્વરી
નવલકથાકાર, વાર્તાકાર
અંજાર (કચ્છ)
મો. ૯૦૬૪૦ ૧૨૯૫૭