ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કુન્દનિકા કાપડિયા

From Ekatra Wiki
Revision as of 03:27, 19 December 2024 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
કુન્દનિકાબેન કાપડિયાની વાર્તાઓ

ગિરિમા ધારેખાન

Kundanika Kapadia 2.jpg

લેખિકાનો પરિચય નામ : કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા જન્મ : ૧૧-૧-૧૯૨૭, લીંબડી. મૃત્યુ : ૩૦-૪-૨૦૨૦, નંદીગ્રામ. જીવનસાથી : શ્રી મકરંદ દવે અભ્યાસ : પ્રાથમિક શિક્ષણ – ગોધરા, બી.એ. – ભાવનગર – ૧૯૪૮ [રાજકારણ અને ઇતિહાસ], એમ.એ. – મુંબઈ સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ સંપાદક : ‘યાત્રિક’ ૧૯૫૫–૫૭, ‘નવનીત’, ૧૯૬૨–૮૦ સર્જન : ત્રણ નવલકથા : પરોઢ થતાં પહેલાં, અગનપિપાસા, સાત પગલાં આકાશમાં નિબંધ : દ્વાર અને દીવાલ, ચંદ્ર તારા વૃક્ષ વાદળ સંપાદન : આક્રંદ અને આક્રોશ [બકુલા ઘાસવાલા સાથે] પ્રાર્થનાનું પુસ્તક : પરમ સમીપે અનુવાદ : છ પુસ્તકો પાંચ નવલિકા સંગ્રહ : પ્રેમનાં આંસુ, વધુ ને વધુ સુંદર, જવા દઈશું તમને, કાગળની હોડી, મનુષ્ય થવું . પુરસ્કાર : નવલકથા, વાર્તાસંગ્રહ અને નિબંધસંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિકો, સાહિત્ય અકાદમી (દિલ્હી) – નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ માટે -૧૯૮૫, ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક -૧૯૮૪ નવલિકા સંગ્રહ વિગતો : ૧. પ્રેમનાં આંસુ (૧૯૫૪)

અર્પણ : પૂજ્ય બા – મોટાભાઈને
વાર્તા સંખ્યા : ૧૮ (૧૭૮ પાનાં)

૨. વધુ ને વધુ સુંદર (૧૯૬૭)

અર્પણ : પ્રિય લાભુબેન મોહનભાઈને
વાર્તા સંખ્યા : ૨૦ (૧૯૨ પાનાં)

૩. કાગળની હોડી (૧૯૭૯)

અર્પણ : કુંજને
વાર્તા સંખ્યા : ૨૪ (૨૨૪ પાનાં)

૪. જવા દઈશું તમને (૧૯૮૩)

અર્પણ : નાનાભાઈ – વિનુબહેન, કાન્તા બહેન – સુધાબહેનને
વાર્તા સંખ્યા : ૩૧ (૨૩૨ પાનાં)

૫. મનુષ્ય થવું (૧૯૯૦)

અર્પણ : અનન્યાને
વાર્તા સંખ્યા : ૧૧ (૮૦ પાનાં)
તખલ્લુસ ‘સ્નેહધન’

કુન્દનિકાબેન કાપડિયાની વાર્તાઓ

સ્વાતંત્ર્યોત્તર સમય ગાળામાં, ગુજરાતી સાહિત્યના આધુનિક યુગમાં, પોતપોતાની રીતે વાર્તાનું કળાશિલ્પ ઘડનારા વાર્તાકારોમાં વિષયવસ્તુ, આલેખન અને અનુભૂતિની રીતે કુન્દનિકાબેન કાપડીઆનું નામ અલગ તરી આવે છે. એમની નવલકથાઓ, નિબંધો, અનુવાદ અને પ્રાર્થના પુસ્તકની સાથે સાથે એમના વાર્તાસંગ્રહો પણ ગુજરાતી સાહિત્યમાં અગત્યનું સ્થાન પામ્યાં છે. એમની વાર્તા લેખનની શરૂઆત એક સ્પર્ધા માટે લખેલી ‘પ્રેમનાં આંસુ’ વાર્તાથી થઈ હતી.[જે પુરસ્કૃત પણ થઈ હતી.] એ પછી એક ‘આનંદ પ્રવૃત્તિ’ની જેમ એમનું વાર્તાલેખન ચાલુ રહ્યું. પોતાની પસંદગીની ‘શ્રેષ્ઠ વાર્તાઓ’ની પ્રસ્તાવનામાં આ લેખિકા જણાવે છે કે ‘મારી વાર્તાઓમાં મુગ્ધ વયે જે વાંચેલું તેની ભાવસૃષ્ટિની, શૈલીની અને વિચારોની છાયા હતી.’ ગુજરાતીમાં ધૂમકેતુ અને ભારતીય સાહિત્યમાંથી શરદબાબુ, ટાગોર, ખાંડેકર અને સરોજીની નાયડુ, તો વિશ્વ સાહિત્યમાંથી મેથ્યુ આર્નોલ્ડ, શેક્સપિયર અને હેન્રીક ઇબ્સનનો એમની ઉપર ખાસો પ્રભાવ હતો. (એમની વાર્તાઓમાં આ લેખકોનાં નામ વાર્તાના કોઈ સંદર્ભ સાથે જોડાઈને ઘણી વાર દર્શન આપી જાય છે.) વાર્તા વિશેની પોતાની વિભાવના વિષે તેઓ કહે છે કે ‘હેતુપૂર્વક, આયાસપૂર્વક મેં કોઈ વાર્તારીતિ શોધી નથી. ભાષાકર્મ, સંયોજન, ટેક્‌નિક, ઘટનાત્મકતા – વાર્તાની નિજી જરૂરિયાત પ્રમાણે સહજપણે વાર્તાનો ભાગ બનીને આવ્યાં છે. સાહિત્ય જીવન અને જીવનની અનુભૂતિઓથી અળગું હોઈ શકે નહીં. હું ઘટનાલોપમાં માનતી નથી. જે કંઈ લખાય છે તેમાં જીવનની સ્થૂળ કે સૂક્ષ્મ, કોઈક પ્રક્રિયા છે. મારી વાર્તાઓમાં એ રીતે વાર્તા ઓછી છે, સંકેતો વધારે છે.’


જીવનને સાહિત્યમાં વણી લેવાના કુન્દનિકાબેનના અભિગમની અનુભૂતિ એમની લગભગ દરેક વાર્તા વાંચતા અનુભવાય છે. એમની વાર્તાઓમાં જીવન ઝરણાની જેમ વહે છે અને પોતાની નાની નાની લહેરોથી હૃદયને ભીનું કરી નાખે છે. એ વાર્તાઓમાંથી પસાર થતાં લાગે કે વાર્તાઓ લખવા પાછળનો એમનો આશય જીવનના મર્મ અને હાર્દને માણવાનો છે. મનુષ્ય સ્વભાવને એમણે બહુ નજીકથી ઓળખ્યો છે. એટલે જ એમની વાર્તાઓમાં ઉંમરના દરેક પડાવ ઉપર ઊભેલી સ્ત્રીઓ, બાળકો અને પુરુષો, એમની સમસ્યાઓ અને ઉકેલો, સંબંધોની આંટીઘૂંટી, ભાવજગતની વિવિધ દશાઓ બહુ સુંદર રીતે આલેખાયાં છે. એમનાં પાત્રો જીવનમાંથી જડેલા પાત્રો છે, માનવ સહજ નબળાઈઓ સાથેના માણસો છે.

Prem-nan Aansu by Kundanika Kapadia - Book Cover.jpg

સામાન્ય માન્યતાથી વિરુદ્ધ, કુન્દનિકાબહેને માત્ર સ્ત્રી સંવેદનાઓને જ વ્યક્ત નથી કરી. એમની ઘણી વાર્તાઓમાં પુરુષ પાત્રોએ પણ પોતાનાં હૃદય ઠાલવ્યાં છે અને પરકાયા પ્રવેશ કરીને લેખિકાએ એ બરાબર ઝીલ્યાં છે. આ વાર્તાઓ વાંચીને લાગે છે કે ‘સાત પગલાં આકાશમાં’થી અલાયદું એમનું બીજું એક આ આસમાન પણ હતું. ‘પ્રેમનાં આંસુ’ની ‘ઓળખાણ’ વાર્તામાં ક્યારેય કોઈ માગણીઓ ન કરતી પત્ની માટે પતિને વિચાર આવે છે કે જાણે એ એને ઓળખતો જ નથી. ‘ડંખ’ વાર્તાનો પત્ની ઉપર આધિપત્ય જમાવવા માગતો નાયક બીજી એક પત્નીની પોતાના પોતાના પતિ માટે જીવ આપવાની તૈયારી જુએ છે અને પોતાની ભૂલ સમજે છે. ‘પ્રેમ કરતાં કંઈક વધારે’માં પરિણીત સ્ત્રીને પ્રેમ કરતા પુરુષની વ્યથા છે. એમની ‘મકાન’, ‘ચકલાંઘર’, ‘શોધ’, વગેરે વાર્તાઓમાં અલગ અલગ પરિસ્થિતિમાં મૂકાયેલા પુરુષોની મનોવ્યથા સાહજિક રીતે વ્યક્ત થઈ છે. ‘એક મૂરખની પ્રેમકથા’માં પ્રેમ છૂપાવતો અનિકેત ભાવકોનો પ્રેમ જીતવામાં સફળ થાય છે. ‘વિદાય’ અને ‘એક રાતની વાત’માં પુરુષ હૃદયનાં સંવેદનો એવાં આબાદ ઝીલાયાં છે જાણે એમને પુરુષ સર્જક દ્વારા ઘડવામાં આવ્યાં હોય. કુન્દનિકાબેન પુરુષોના હૃદયની ભાવનાઓ પણ બરાબર સમજે છે એ ‘સર્વનાશ’ વાર્તામાં ખૂબ સરસ રીતે દેખાય છે. અહીં પત્નીને સુધારવાને બહાને એના નિર્દોષ, નાના નાના આનંદને ઝૂંટવી લેતા પુરુષની વાત છે જે અંતમાં પત્નીના મૃત્યુનું નિમિત્ત બને છે. ‘ચળકાટ’માં કડકાઈથી ઉછરેલા માણસની વ્યથાની વાત વાર્તાના પોતમાં સુંદર રીતે વણાઈ લેવાઈ છે. ‘તે ક્યાં છે?’માં તો નાયકની મા અને થનાર પત્ની માટેની એની સંવેદનાઓ ખૂબ બારીકાઈથી એના જ મુખે વ્યક્ત થઈ છે. ‘દરિયાની સાક્ષીએ’નો નાયક ક્રાંતિકારી છે જે પોતે જેને ચાહે છે એ છોકરીના પ્રેમ માટે લગ્ન પછી એના ઘરમાં રહેવા તૈયાર થઈ જાય છે. આમ ક્યાંક પુરુષ કથક પાસે કુન્દનિકાબહેને આડકતરી રીતે પુરુષપ્રધાન સમાજની સ્ત્રીઓ ઉપર પડતી અસર, દબાણ, વગેરેની વાત કરી છે તો નીરવ અને માધવ જેવા પુરુષોના અમર, અમીટ પ્રેમની વાત કરીને પુરુષોના ‘ખલનાયક’ જેવા ચિત્રને બદલી પણ નાખ્યું છે. આવી જ સાહજિકતાથી લેખિકા બાળકોના મનોજગતમાં પણ પ્રવેશ કરી શક્યાં છે. આમાં ‘આગળ શું આવશે?’ની નિર્દોષ બાલિકાનું પાત્ર તો હંમેશ માટે હૃદયમાં વસી જાય એવું છે. મૃત્યુ પામતી માની સ્થિતિની ગંભીરતા ન સમજી શકતી, ટ્રેનની પોતાની પહેલી મુસાફરીથી ઉત્તેજિત આઠ વર્ષની બાલિકા સતત કથકને પૂછ્યા કરે છે – ‘આગળ શું આવશે?’ તો પાલક દાદાજીને મૂકીને સાસરે ન જવા માગતી કલ્યાણીનું પાત્ર તો ગુજરાતી સાહિત્યમાં અમર થઈ ગયું છે. એકાકી વૃદ્ધાને ઘરમાં ચાલતી પાર્ટી વખતે ‘દાદી’નું સંબોધન કરીને ‘ઉષ્મા’ આપતા કામવાળીના છોકરાની આંખોની ઉષ્મામાં ભાવક પણ તરવા માંડે છે. ‘ધતિંગ’ વાર્તાનો નિર્દોષ બાળક પ્રકૃતિથી કેટલો નજીક છે! એની દૃષ્ટિએ પાંદડાંઓ એક બીજા સાથે હાથ મેળવીને તાળીઓ પાડે છે અને ફૂલો એ પરીનું હાસ્ય છે. આ બાળકના મનોજગતમાં તો ફૂલોને શરદી પણ થાય છે! બાળસહજ કુતૂહલ અને પ્રકૃતિના જ અંશ જેવાં બાળકના કુદરત પ્રત્યેના ખેંચાણની આ એક અનોખી વાર્તા છે. ‘સમજવાની એક ક્ષણ’માં અંધારાથી ડરતો બાળક રાતમાં એની મા બીમાર પડતાં બધો ડર છોડીને ડૉક્ટરને બોલાવવા દોડી જાય છે. ‘સમજવાની એક ક્ષણ’ બાળકને મોટું કરી નાખે છે એ વાત અહીં કેવી સરસ રીતે કહેવાઈ છે! દંડ કરતા શિક્ષકને પિતા પાસે દંડ અપાવીને, મોટા થયા પછી એને માટે પોતાની જાતને ગુનેગાર માનતા બાળકનું અંતરજગત ‘સજા’માં શબ્દદેહે આકાર આપ્યું છે. વળી ‘કોઈક દિવસ’ તો બાળકના વિસ્મયની જ કથા છે. ‘સ્નેહધન’માં પ્રેમ ઝંખતા બાળકના મનોસંચોલનો સોળે કળાએ ખીલ્યાં છે. ‘કાગળની હોડી’માં બે ગરીબ બાળકો – જીવો અને તનિયોની વાતો અને એનો અંત આંખોમાં આંસુ લાવી દે એવી સંવેદનાઓથી ભરેલો છે.

Vadhu ne Vadhu Sundar by Kundanika Kapadia - Book Cover.jpg

કુન્દનિકાબેનના સ્ત્રીપાત્રોમાં તો એટલી વિવિધતા છે કે આપણે એમને ત્રણ અલગ અલગ વિભાવનાઓના બિલોરી કાચ લઈને તપાસવી પડે. સમાજમાં અને સાહિત્યમાં સ્ત્રીને મહદઅંશે સ્નેહભૂખી, સ્નેહદાત્રી, કોમળ, સહનશીલતાની મૂર્તિ અને સમર્પણ કરતી જોવામાં આવે છે. આ સર્જકની નવલિકાઓમાંથી પસાર થતાં એવું અનુભવાય છે કે મૃદુતા, ઋજુતા અને ક્ષમા વગેરે સદ્‌ગુણો ઉપરાંત સ્ત્રીના વ્યક્તિત્વનાં બીજાં પાસાં પણ હોઈ શકે અને એ પણ એટલાં જ સાચાં છે. સ્ત્રીને પણ પ્રતિષ્ઠાની, સ્વમાનની, સ્વતંત્રતાની એષણાઓ હોય છે અને એ પરિપૂર્ણ ન થાય ત્યારે તે પોતાના ક્ષમા અને સહનશીલતાના ગુણોની કેદમાંથી બહાર નીકળી જતી હોય છે. શ્રદ્ધાબેન ત્રિવેદી જણાવે છે એ પ્રમાણે કુન્દનિકાબેનનાં સ્ત્રીપાત્રોનું મુખ્યત્વે ત્રણ વિભાગમાં વર્ગીકરણ કરી શકાય. ૧. સ્ત્રીવિષયક પરંપરાગત વિચારોનું વહન કરતી સ્ત્રીઓ ૨. પરંપરાને સાચવીને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરતી સ્ત્રીઓ ૩. અલગ ચીલો ચાતરીને પોતાની રીતે વિચારતી, વર્તતી સ્ત્રીઓ પહેલા વર્ગમાં મૂકી શકીએ ‘પ્રથમ રાત્રિએ’ની મંજુને, જેને પ્રેમી મોહનથી દૂર થયાનું દુઃખ છે પણ પતિને સુખ આપવામાં અચકાતી નથી. ‘ડહેલિયાનું ફૂલ’ની સોમા પણ આ જ ચોકઠામાં બંધ બેસે છે. લેખિકાને બહુ ગમતી એમની પ્રથમ વાર્તા ‘પ્રેમનાં આંસુ’માં સરયુ અપંગ, સાવકા પુત્ર ઉપર પ્રેમ વરસાવીને અપનાવેલા માતૃત્વને ઉજાગર કરે છે. ‘અંતર’ની અનસૂયા પતિની કઠિન મનોસ્થિતિમાં એનો આધાર બનીને અડગ ઊભી રહે છે. ‘અંધારું પાથરતી મીણબત્તી’ની સુહાસી અને ‘સાથ’ની જેઠાણી બીજા પ્રકારની સ્ત્રીઓ છે જેઓ પરંપરા તો સાચવે છે, પણ સાથે પોતાનું આગવું અસ્તિત્વ પણ વિકસાવી શકે છે. ‘અવકાશ’ની પૂર્વી સફળ ગૃહિણી છે, પતિના સેક્રેટરી તરીકેની ફરજ બજાવે છે, પણ આ બધાની વચ્ચે પણ પોતાના અસ્તિત્વને શોધવામાં સફળ થાય છે. પરંપરાગત માન્યતાઓ તોડીને કૈંક અલગ ચીલો ચાતરતી સ્ત્રીઓમાં એકદમ આંખે ઊડીને વળગે છે ‘કરોળિયાનું ઘર’ની માતા. એકલા હાથે મહેનત કરીને ઉછેરેલા દીકરાઓ હવે ઘડપણમાં પોતાનું ધ્યાન નથી રાખતા એટલે પોતાની બધી જ મિલકત ધર્માદા કરી દેતાં આ મા અચકાતી નથી. એ માતા જણાવે છે કે પુત્ર કુપુત્ર થાય તો માતાને પણ કુમાતા થવાનો હક છે. એવું જ સત્વવાળું પાત્ર છે ‘તારાછાયી રાત’ની અલકા, જે સ્વાર્થી પ્રેમી વિનય દ્વારા હૃદયભગ્ન થયા પછી દાર્જીર્લિંગના રસ્તે અનાથ બાળકોને અપનાવીને સત્ત્વપૂર્ણ જીવન વ્યતીત કરે છે. ‘રસ્તા પર’ની પૂર્વી સ્વતંત્ર રીતે કામ કરી શકતી સ્ત્રીઓની પ્રતિનિધિ છે. ‘પ્રતિશોધ’ની અચિરાનો ઠંડે કલેજે પતિ ઉપર લેવાતો પ્રતિશોધ ખરેખર મનને મોહી લે છે. લગ્નની પહેલી રાતે પતિ એને ઘરમાં બધાનું ધ્યાન રાખવાની શિખામણ આપે છે. એ શિખામણ ગાંઠે વાળીને ઘરમાં બધાનું જ ધ્યાન રાખતી અચિરા સતત પતિની અવગણના કરે છે. અહીં અચિરાની ગર્ભિત લાગણીઓ બહુ સુંદર રીતે આકાર પામી છે. ‘ન્યાય’ની રાધિકાએ તો પહેલેથી જણાવ્યું જ છે કે એના પતિએ એના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર કરવો પડશે. પણ પતિ જ્યારે પરંપરાગત ‘પુરુષ’ બની જાય છે ત્યારે પોતાના સ્વમાનની રક્ષા માટે એ ઘર છોડતાં અચકાતી નથી. સ્ત્રીના આવા જ મનોભાવને સ્પષ્ટ અભિવ્યક્તિ મળી છે ‘તમારા ચરણોમાં’. એની નાયિકા શીલા પત્ર દ્વારા પતિને જણાવી દે છે કે ‘મારું મન એ કોઈ પ્રવાહી ન હતું કે એને તમારી પસંદગીના વાસણમાં નાખી તમને મનગમતો આકાર એને આપી શકાય.’ પતિનો ગૂંગળાવી દેતો પ્રેમ એને સ્વીકાર્ય નથી. આમ કુન્દનિકાબેનની વાર્તાઓનાં ઘણાં સ્ત્રીપાત્રો ‘સાત પગલાં આકાશમાં’ની સુમેધાનાં નાનાં પણ ઝળહળતાં સ્વરૂપ છે. એ લોકો સાચા અર્થમાં અત્યારના યુગની નારીનું પ્રતિનિધિત્વ કરે છે.

KagaL-ni HoDi by Kundanika Kapadia - Book Cover.jpg

આ સમર્થ લેખિકાનાં પાત્રોની ખાસિયત એ છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં પોતાની ‘સંસ્કારિતા’ નથી છોડતાં. મહદ્‌અંશે નગરજીવનનાં આ પાત્રો મધ્યમ અથવા ઉપલા વર્ગમાંથી આવે છે. અમુક સ્ત્રીઓ રૂઢિગત માન્યતાઓ સામે બળવો કરે છે, પતિની જોહુકમીને તાબે નથી થતી, પણ સ્ત્રી કે પુરુષ એકે ય પક્ષે લગ્નબાહ્ય સંબંધોને સ્થાન મળ્યું નથી. વ્યક્તિત્વના વિકાસની પ્રબળ ઝંખના જ પતિ પત્નીના સંબંધોની વચ્ચેની રેખા બની જાય છે, અન્ય કોઈ પરિબળ નહીં. પોતાના સમકાલીન કહી શકાય એવા શ્રી સુરેશ જોષીના ‘ઘટનાતિરોધાન’વાળી વાર્તાઓનો કે શ્રી કિશોર જાદવ જેવા અન્ય સર્જકોનો પ્રભાવ કુન્દનિકાબેન ઉપર નથી. પણ એક નાની ઘટનાને કેન્દ્રમાં રાખીને એની આસપાસ લેખિકા સંવેદનોનું જાળું એવી રીતે ગૂંથે છે કે વાર્તામાં એ જ મુખ્ય તત્ત્વ બની જાય છે. એમના કહેવા પ્રમાણે એમણે ‘સંવેદનશીલતાને શબ્દબદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે, વાર્તાઓમાં માત્ર પ્રસંગો નથી, પણ એની પાછળ કામ કરતાં સંકેતો-રહસ્યોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરેલો છે. ‘જીવનના અંધ બળોના ઉધામા કે ધસમસતા આવેગોનાં નિરૂપણ અહીં જોવા નથી મળતાં. છતાં કથન ક્યાંય શુષ્ક નથી બનતું. સંક્ષેપમાં ઘણું કહી દેવામાં આ લેખિકા પારંગત છે. એક પાત્રના વર્ણનમાં એ કહે છે – ‘જરાએ દરવાજા ઉઘાડ્યા છે, જીર્ણતાએ પથારી પાથરી છે.’ હૃદયની કશ્મકશ આ રીતે વ્યક્ત થાય છે – ‘બે બાજુ બે શિખર છે, બેઉ પર સાથે ચડવાનું તો શક્ય નથી.’ ભાવજગતની ઝીણી ભાતવાળી અનુભૂતિનું સૂક્ષ્મ નિરૂપણ આ વાર્તાઓનું બળ છે. ‘પ્રથમ પુરુષ’ની કથનરીતિથી ઘણી વાર્તાઓ લખાઈ છે જે ભાવકને કથકના હૃદયની અંદર દૃષ્ટિ કરવા માટેનું બારણું બની શકે છે. હવે વિષયવસ્તુની દૃષ્ટિએ એકદમ નોખી ભાત પાડતી એમની વાર્તાઓ ઉપર નજર નાખીએ. એમણે તો કહ્યું છે કે એમની વાર્તાઓ એ ‘પ્રયોગ વૃત્તિ’ નથી, નવા ફોર્મની સભાન શોધ નથી. ટેક્‌નિક, ઘટનાત્મકતા કે ઘટનાતિરોધાન – એ તેનાં મુખ્ય અંગો નથી. એમણે માત્ર પ્રસંગોને અને એની પાછળ કાર્ય કરતાં માનસિક પરિબળોને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ એ પ્રયત્નો કરવામાં સહજ રીતે વિષયવસ્તુ અને વાર્તાકલાની દૃષ્ટિએ અમુક સફળ પ્રયોગો થઈ ગયા છે. જેમ કે ‘એક વેળાનું ચાહેલું શહેર’ પ્રતીકાત્મક વાર્તા બની છે અને ‘ઓછાયો’ સર્‌ર્‌રિયલ કહી શકાય એવી વાર્તા છે. ‘જવા દઈશું તમને’માં મરણપથારીએ પડેલી સાહિત્યપ્રેમી માની લાગણીઓ પહેલી વાર જ મળતી, દીકરાની અમેરિકન વહુ સમજી શકે છે અને શાંતિથી મૃત્યુ પામવાની ઘટનાને મા પોતાનું પરમ સૌભાગ્ય સમજે છે. ‘દિવાળીના દીવા’માં એકલી, નિવૃત્ત શિક્ષિકાની બીજાને ઘેર વિદ્યાર્થીઓનો આનંદ જોઈને વ્યક્ત થતી ખુશીની વાત અલગ જ છાપ છોડી જાય છે. ‘ચકલાંઘર’ એ સંનિધિકરણની નજીક જતી વાર્તા છે જેમાં ચકલાંના બચ્ચાં અને વહુની પ્રસૂતિ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘સંપૂર્ણ સુંદર પળે’ એક પત્રવાર્તા છે. ‘પ્રિયતમનાં લગ્ન’ વાર્તામાં પોતાના પ્રિયતમનાં લગ્ન બીજી સ્ત્રી સાથે થઈ રહ્યાં છે એવું સપનું જોતી રાધિકાના મનોસંચોલનો જ આકારિત થયાં છે. અલગ વિષયની વાર્તાઓમાં ખાસ ધ્યાન ખેંચે છે અનોખા શીર્ષકવાળી વાર્તા – ‘યુદ્ધ-વિરામ-શાંતિ’, જેમાં ચીન અને કોરિયા વચ્ચેના યુદ્ધમાં લશ્કરમાં જોડાતા પતિની અનંતકાળ સુધી રાહ જોતી ચાઇનીઝ સ્ત્રીની હૃદયદ્રાવક કથા આલેખાઈ છે. ‘અંધકાર’ વાર્તા નાયક-નાયિકા, બંનેના કથાનકથી આલેખાઈ છે. એ વખતમાં કદાચ આ પ્રયોગશીલ વાર્તા કહેવાઈ હશે. ઇઝરાયેલના પરિવેશમાં કંડારાયેલી ‘મકાન’ વાર્તાનું કથાવસ્તુ તો એકદમ અનોખું છે. માત્ર ત્રણ પાત્રોવાળી ‘શોધ’ વાર્તામાં એક પણ પાત્રનું નામ નથી.

Java Daishu Tamane by Kundanika Kapadia - Book Cover.jpg

હવે વાત કરીએ કુન્દનિકાબેનની વાર્તાઓનાં શીર્ષકોની. અમુક વાર્તાઓનાં શીર્ષક એકદમ અલગ અને ધ્યાન ખેંચે એવાં છે. જેમ કે ‘ખુરશી’ શીર્ષક એક વ્યંજનાની જેમ મૂકાયું છે જેમાં પત્નીને ખુરશી (એક જડ વસ્તુ) ગણતા એક પતિની વાત છે. ‘અંતર’માં અંતમાં વાત ભૌગોલિક અંતરની થઈ છે પણ ખરેખર તો એ સંબંધોમાં આવી ગયેલા અંતરની વાત છે. ‘બીડાયેલી સુગંધ’માં પણ વ્યંજના છે જેમાં શાંત રહેતી પત્ની પુષ્પા (સુગંધનું મૂળ?)ના મૂંગા પ્રેમને અંતમાં એનો પતિ સમજી શકે છે. ‘સ્વાભાવિક કે નેચરલ’ બે ભાષામાં આવેલા શીર્ષકવાળી વાર્તામાં અંગ્રેજી અને ગુજરાતી ભાષાની ભેળસેળની વાત થોડા કટાક્ષ સાથે કહેવાઈ છે. એકાક્ષરી શીર્ષક ‘તો?’ પણ ધ્યાન ખેંચે છે. કુન્દનિકાબેનના સંગીતપ્રેમની વાત તો સર્વવિદિત છે. સંગીતને માનવજીવન સાથે સાંકળતી ઘણી વાર્તાઓ મનમાં લાંબા સમય સુધી રણઝણ્યા કરે છે. સરળ અને પ્રવાહી શૈલીમાં વાર્તા સાથે વણાઈ ગયેલું લેખિકાનું શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન પણ વાર્તાઓના સંવાદોને સૂરીલા બનાવે છે. સંગીત આપમેળે, અંદરથી પ્રગટે છે એ વાત ‘મુક્તિ’માં અદ્‌ભુત રીતે કહેવાઈ છે. ‘ભર્યું ઘર’ તો વાત જ એક સંગીતકારની છે જેની મૃત્યુની ઘડીને એક માળીની છોકરી પોતાના સંગીતથી ધન્ય બનાવી દે છે. શીર્ષકમાં જ ‘સૂર’ લઈને આવેલી વાર્તામાં પતિના મૃત્યુના ૭૦ દિવસ પછી નાયિકાને ભ્રમણા (hallucination) થાય છે અને પતિએ વગાડેલી દિલરુબાના સૂર સંભળાય છે. ‘પથ્થરનું સંગીત’માં લેખિકાનો સંગીતપ્રેમ છલકાય છે. ‘હરિ આવન કી આવાઝ’માં પણ સંગીત કથાની સાથે ઓતપ્રોત થઈ ગયું છે. કુન્દનિકાબેનની વાર્તાઓમાં પાત્રો તો આપણી આજુબાજુના જીવનમાં જોવા મળે છે એવાં જ છે. એટલે એમની ભાષા, સંવાદો, બધું સામાન્ય બોલચાલની ભાષામાંથી ઉદ્‌ભવેલું હોય એવાં જ છે. તો પણ ભાષાની લયકારી અને મર્મસ્થાનને સ્પર્શી જતા સંવાદો સામાન્ય ઘટનાને પણ રસપ્રદ બનાવે છે. મોટે ભાગે અભિધાના સ્તરે અને સીધી લીટીમાં ગતિ કરતી વાર્તાઓના આદિ, મધ્ય અને અંત પ્રતીતિકર લાગે એ રીતે મૂકાયાં છે. જો માત્ર જીવનમાં બનતા પ્રસંગો જ નિરૂપીને લેખિકા અટકી ગયાં હોત તો એમની વાર્તાઓ બહુ સામાન્ય બનીને રહી જાત. પણ એમણે એ પ્રસંગો પાછળ પ્રેરક બળ તરીકે કામ કરતી લાગણીઓની ગૂંચને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે, જેને લીધે વાર્તાઓને ઊંચાઈ મળી છે. આ વાર્તાઓમાં આંખે ઊડીને વળગે છે એમાં નિરૂપાયેલા પ્રકૃતિનાં અદ્‌ભુત વર્ણનો અને એનો હાથ પકડીને આવતી ઉપમાઓ અને અલંકારો. આકાશના જુદા જુદા સમયના રંગો વાર્તાઓમાં અનેક જગ્યાએ રંગછાંટણાં કરે છે. એમના શબ્દો થકી ઝરણાંનો રવ ખંજરી જેવો લાગે છે, સંગીત પીરસતી નદીઓ મુક્ત લાવણ્ય તરફ ગતિ કરે છે અને સૂરજની સામે છાતી ધરીને ખુલ્લો પડેલો સાગર મૃદંગનો નાદ ફેલાવે છે. વરસાદ એના સૌમ્ય અને રૌદ્ર બંને સ્વરૂપે આવે છે અને વાર્તાનું પાત્ર બની જાય છે. એમનાં પાત્રો પવનની કેશવાળી પકડીને દોડે અને વડવાઈને ઝૂલે હિંચતી હવાની આંગળીઓ ઝાલે. કુદરતનાં આ વર્ણનો કથાવસ્તુની આંગળી પકડીને ચાલે છે એટલે ક્યાંય વધારાના છોગાં જેવાં નથી લાગતાં. દાખલા તરીકે ‘અંધારું પાથરતી મીણબત્તી’માં નાયક કહે કે ‘ધરતી પર જેમ આકાશ છવાયેલું રહે એમ એ મારા મન પર છવાયેલી રહેતી’ – ત્યારે આમાં નાયકની મનોઃસ્થિતિ કેવી આબેહૂબ વ્યક્ત થાય છે! ‘ઉસ પાર’માં ભણવાના બોજાથી, શિક્ષક અને માતા-પિતાની સતત ટકોરથી કંટાળેલો કિશોર કુદરતના ખોળે માથું ટેકવીને જ શાતા મેળવે છે. ‘સૂરજ ઉગશે’માં તો નાયક પ્રેમમાં નાસીપાસ થયેલી યુવતીને પ્રકૃતિની નજીક લઈ જઈને હતાશામાંથી બહાર ખેંચી લાવે છે. એ વખતના એના શબ્દો છે – ‘સાંભળો, આ અંધકારના ગાનને સાંભળો, પાઈનની સુગંધને સાંભળો, ધરતીના ઉચ્છ્‌વાસને સાંભળો.’ અંધકારને, સુગંધને, ધરતી અને અવકાશના અવાજને નંદીગ્રામની સ્થાપક આ લેખિકા જ સાંભળી શકે. અરે એમનાં પાત્રનો વિશ્વાસ પણ હરિયાળી જેવો શાંત અને લીલો હોય છે.

Manushya Thavu by Kundanika Kapadia - Book Cover.jpg

પોતાની પસંદગીની શ્રેષ્ઠ વાર્તાઓની પ્રસ્તાવનામાં કુન્દનિકાબેન જણાવે છે કે ‘મને અંગત રીતે લેખન કરતાં જીવનમાં વધુ રસ છે, એટલે કેવળ આનંદઅર્થે લેખનલીલા કરવા જતાં પણ તેમાંથી કશોક વિચાર, કોઈ દિશા પ્રગટ થાય છે.’ એમનું જીવનદર્શન પ્રગટ કરતી ઘણી વાર્તાઓ, ઘણાં વાક્યો, એમની વાર્તાઓમાં જોવા મળે છે જે મુખ્ય કથાવસ્તુને નવું રૂપ આપે છે. એમના ‘મનુષ્ય થવું’ વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી નરેશ વેદે એમની વાર્તાઓને જીવનના મર્મો પ્રગટ કરતી વાર્તાઓ કહી છે. એ સંગ્રહની દરેક વાર્તાના અંતે ભાવક કોઈ વિચાર, કોઈ સંવેદન, કોઈ અર્થ કે કોઈ રહસ્યનો સાક્ષાત્કાર કરે છે. એમની ઘણી વાર્તાઓમાં જીવનનું તત્ત્વજ્ઞાન, જીવનદર્શન, એવી રીતે ભળી ગયાં છે કે એ વાર્તાને ભારે કે નીરસ બનાવ્યા વિના મર્મસ્થાન સુધી પહોંચી શકે છે. એ એમની અભિવ્યક્તિનું સામર્થ્ય છે. ક્યારેક વ્યંજનાનું કામ કરી જતાં એ તત્ત્વજ્ઞાનથી ભરેલાં વાક્યો વાર્તાને વધુ ગહન બનાવે છે. એનાં કેટલાંક ઉદાહરણ જોઈએ : – માણસનું જીવન અપૂર્ણતામાંથી સંપૂર્ણતામાં જવા માટેની યાત્રા છે. – સ્પર્ધાની થેલીને તળિયે કાણું હોય છે. – ફૂલોને ઓળખવાં સહેલાં છે, પાંદડાંને મુશ્કેલ. – માણસને સાચું સ્વરૂપ હોતું જ નથી, એનું દરેક સ્વરૂપ પરિસ્થિતિનું પ્રતિબિંબ હોય છે. – જે પળે આપણે સુખને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, એ પળે જ સુખનો અંત આવી જાય છે. — અનંત શક્યતાઓથી ભરેલ આ પૃથ્વી પરના જીવનમાં એવા શું કોઈ માર્ગ નથી કે આપણે મોટાં થતાં જઈએ છતાં સુખી રહી શકીએ? આ ઉપરાંત અમુક વાર્તાઓ જ લેખિકાના જીવન પ્રત્યેના અભિગમને પ્રગટ કરે છે. ‘સુખ’માં ભૌતિક સુખને ન ચાહતી નાનીબેન મોટીબેન જેવું સુખ એને ન મળે એવી પ્રાર્થના કરે છે. ‘શોધ’ વાર્તા પણ એવી જ છે. આ ઉપરાંત મૃત્યુ પણ અલગ અલગ અસબાબ પહેરીને એમની વાર્તાઓમાં આવ્યું છે. ‘ફરી વરસાદ’માં નામરૂપી અસ્તિત્ત્વ ઓગાળીને જાતની અંદર ઊતરવાની વાત એમણે ખૂબ સાહજિકતાથી કરી દીધી છે. કુન્દનિકાબહેનની વાર્તાઓ વિત્તવાન છે. સરળ અને પ્રવાહી શૈલી અને વાક્યોમાં લયાત્મકતા એ એમની ખાસિયત છે. એમની વાર્તાઓમાં માનવીય લાગણીઓ એના અનેક રૂપ રંગ લઈને આવી છે. આયામી કે કૃતક બનાવ્યા વિના એમણે સંવેદનશીલતાને શબ્દબદ્ધ કરી છે. લેખિકાએ આપેલાં વિવિધ પરિવેશ, નિરૂપણની ચોકસાઈ અને ભાષાની તાજગી ભાવકને ભાવવિભોર અને રસતરબોળ કરી દે છે. કથાનકની મૌલિકતા અને સહજ સંવાદો વાચકને એક રસાત્મક સફર ઉપર લઈ જાય છે. મોટે ભાગે હકારાત્મક અભિગમવાળી વાર્તાઓ માનવજીવનમાં વહેતા ચૈતન્ય સ્વરૂપથી ભાવકોને પરિચિત કરાવે છે. માણસમાંથી ‘મનુષ્ય’ બનવા તરફની વ્યક્તિની ગતિની કલાત્મક ઝાંખી ઘણી વાર્તાઓમાં જોવા મળે છે. આ લેખિકાની બધી જ વાર્તાઓનું સુંદર ભરતકામ ઉકેલી જોવાનું શક્ય જ નથી. માત્ર એના દોરા અને પોત જરા નજીકથી જોઈ શકીએ, એ દોરાઓનો રંગ અને એમણે વણેલી ભાતથી જરા પરિચિત થઈ શકીએ તો પણ ઘણું. ‘કાગળની હોડી’ની પ્રસ્તાવનામાં શ્રી મકરંદ દવેએ મેમ્ફિસના દેવળની એક તકતી ઉપર કોતરાયેલા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે :

ઈશ્વરના હૃદયમાંથી
બહાર આવી છે બધી બાબતો
અને ઈશ્વરની જીભે
હૃદયની એ જ કથાને ફરી ફરી ઉચ્ચારી છે.
‘ઈશા’ની વાર્તાઓના સંદર્ભે આ લખાયું હશે?

(સંદર્ભ : પ્રતિભાવકથા, શ્રદ્ધા ત્રિવેદી,
‘મનુષ્ય થવું’, પ્રસ્તાવના, નરેશ વેદ)

ગિરિમા ધારેખાન
એમ.એ., બી.એડ્‌. (અંગ્રેજી સાહિત્ય)
વાર્તાસંગ્રહ, નવલકથા, લઘુકથા, બાળવાર્તા, વ્યક્તિચરિત્રો
અને (સંશોધન આધારિત) મંદિરો વિશેનું એક પુસ્તક
– એમ કુલ ૧૫ પુસ્તકો પ્રકાશિત થયાં છે.
મો. ૮૯૮૦૨ ૦૫૯૦૯