ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/બાબુ છાડવા

From Ekatra Wiki
Revision as of 02:54, 20 December 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘જણસ’ – બાબુ છાડવા

ઇંદુ જોશી

બાબુ છાડવા (જન્મ : ૭ જુલાઈ, ૧૯૩૦, મૃત્યુ : ૧ ડિસેમ્બર, ૧૯૮૭) ‘જણસ’ બાબુ છાડવાની વાર્તાઓનું સંપાદન છે. જેના સંપાદક અને પ્રકાશક ગીતા ભરત નાયક છે. પુસ્તકની પ્રથમ આવૃત્તિ ડિસેમ્બર ૧૯૮૮માં બાબુ છાડવાના મૃત્યુની પ્રથમ પુણ્યતિથિએ બહાર પડી. તે સમયે ૧૩૬ પૃષ્ઠની ૫૦૦ પ્રત છપાઈ હતી. તેનું મૂલ્ય ૨૫ રૂપિયા હતું. તેનું મુખપૃષ્ઠ ભૂપેન ખખ્ખર દ્વારા તૈયાર થયેલું છે. આ પુસ્તક ‘કચ્છી ભાષા સાહિત્યિક સ્તરે સમૃદ્ધ બને એવી આશાને’ – અર્પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ બાબુ છાડવાના પત્ની સાકરબેનનું પ્રકાશકનો આભાર માનતું નિવેદન છે. ‘જણસ’ વાર્તાસંગ્રહનું નામ જે પરથી પડ્યું છે તે બાબુ છાડવાની છેલ્લી વાર્તા છે. એ પહેલાં ‘એતદ્‌’માં તેમની ‘છુટકારો’ વાર્તા છપાઈ હતી. ‘નવનીત સમર્પણ’માં પણ તેમની વાર્તાઓ છપાઈ હતી. પ્રકાશક ગીતા ભરત નાયક પ્રાક્‌કથનમાં જણાવે છે તે પ્રમાણે બાબુ છાડવા આર્કિટેક હતા. મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં આર્કિટેક્ચર વિષયનું અધ્યાપન કરતા હતા. પછીથી પોતાનો વ્યવસાય શરૂ કરેલો. ચલચિત્રો જોવાના શોખીન હતા. પછી વાર્તાલેખન તરફ વળ્યા. ભૂપેન ખખ્ખર અને મધુ રાયે પણ તેમના મિત્ર બાબુ છાડવા સાથેનાં સ્મરણોનું અહીં પુસ્તકના આરંભે આલેખન કરેલું છે. તેઓ આધુનિક વાર્તાકાર છે. સુરેશ જોષીએ આધુનિકતાનાં મંડાણ દ્વારા જીવન, જગત, સંબંધો અંગે નવેસરથી વિચારસરણી શરૂ કરેલી તે તેમણે ઝીલી હતી. તેઓ આ અંગે ભૂપેન ખખ્ખર, મધુ રાય જેવા મિત્રો સાથે ચર્ચા કરતા. અનેક મહાન આધુનિકો વર્જિનિયા વૂલ્ફ, જેમ્સ જૉય્યસ, સાર્ત્ર, કાફકા, કામૂ, પ્રૂસ્ત, બૉદલેર, રામ્બો, માલાર્મે, વાલેરી, એલિયટ, રિલ્કે જેવા સર્જકોની કૃતિઓના ભાવને તેમના જેવા સર્જકોની ચેતના ઘડી. તેઓ ગાંધીયુગથી અલગ પડ્યા. એ લક્ષણોમાં મુખ્યત્વે ફ્રોઇડનું મનોવિજ્ઞાન તેમજ ભાષાવિજ્ઞાનની અન્ય શાખાઓનો પરિચય પણ ખરો. આવો અભ્યાસ પછી તેમના જેવા સર્જકોને આંતરચેતનાની પ્રતીતિ કરાવતી કૃતિઓ સર્જવા પ્રેરે છે. આધુનિકોનો સમય ‘ઇથોસ’નો સમય હતો – વ્યક્તિઓ વડે ઘડાતું જતું જીવન. બાબુ છાડવાની વાર્તાઓમાં તે વિશિષ્ટ રીતે પમાય છે. આમાંની દરેકે દરેક વાર્તા વિષયવસ્તુ, વસ્તુસંકલના ને ભાષાની દૃષ્ટિએ વિશિષ્ટ મુદ્રા ઉપસાવે છે. દરેક વાર્તા ભાવકને ભિન્ન પ્રકારના સંવેદનજગતનો અનુભવ કરાવે છે. કોઈપણ બે વાર્તાને એકબીજી સાથે સરખાવી જ ન શકાય એવી આ સર્જકની વૈયક્તિક પ્રતિભાની નમૂનારૂપ વાર્તાઓ છે. આપણા યુગના પ્રખર અભ્યાસુ અને વાર્તાસાહિત્ય અને સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર જયેશ ભોગાયતા એમના શોધનિબંધ ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તા ઘટનાતત્ત્વનું નિરૂપણ’ પુસ્તકમાં સંનિષ્ઠ વિવેચક શિરીષ પંચાલનું આ વાર્તાસંગ્રહ માટેનું અવલોકન નોંધે છે : “આ વાર્તાઓ કોઈ એક જ ઢાંચાને કે શૈલીને અનુસરતી નથી. કેટલીક પરંપરાવાદી છે તો કેટલીક અતિવાસ્તવવાદી અને કપોલકલ્પિત લઢણો ધરાવતી છે. તેઓ એકલવાયાપણાની લાગણી સતત અનુભવતા હતા. આને તેઓ ટૂંકીવાર્તામાં કઈ રીતે રૂપાંતરિત કરે છે એ પ્રશ્ન મહત્ત્વનો છે.” (‘ટૂંકીવાર્તા : ઘટનાતત્ત્વના નિરૂપણ સંદર્ભે’, પૃ. ૧૨૨) આપણા સમયના સાહિત્યના માધ્યમ ભાષાને આધુનિક દૃષ્ટિએ તેઓ પ્રયોજે છે. આંખ મીંચીને અનુસરાતી પરંપરાગત શ્રદ્ધાને સ્થાને સમજણપૂર્વકની અશ્રદ્ધા ને તેનાથી ઊભું થયેલું ખંડદર્શન તેમની કૃતિમાં પ્રગટ થતું જોવા મળે છે. પહેલી વાર્તા ‘છુટકારો’ માનસિક સ્તરે ચાલે છે. અનેક પ્રકારની ગ્રંથિઓ લઈને ચાલતા સામાન્ય માણસની અહીં વાત છે. સામાન્ય માણસ જે વ્યક્ત નથી કરી શકતો એવા અવ્યક્ત ભાવો એના મનમાં અવચેતન મનમાં રમ્યા કરે છે તેનું અહીં વર્ણન છે. ‘તડકાનો માર ખાઈ ખાઈ શેરી જાણે પડી હતી’ જેવા સજીવારોપણ અલંકાર દ્વારા પરિવેશના વર્ણનમાં લેખકે અવસાદને ઘેરો કર્યો છે... છોકરીની ગરદન તોડી નાખવી, માના શબ્દોને રૂમાલમાં છેલ્લા શ્વાસ લેતા બતાવવા – જેવા ઉલ્લેખો દ્વારા લેખકે મનુષ્યની ક્ષત-વિક્ષત ચેતનાનું અત્યંત પ્રભાવક વર્ણન કર્યું છે. વાર્તાનો અણધાર્યો અંત પરંપરાગત વાર્તાલેખન કરતાં જુદી રીતે આવે છે. જે વાર્તા પરથી વાર્તાસંગ્રહનું નામ છે તે વાર્તા એટલે ‘જણસ’. પ્રથમ ફકરો આખો જીવન વેંઢારવાના વર્ણનનો છે એ સૂચક છે. આ વાર્તા તેમજ અન્ય વાર્તાઓમાં પણ અમુક વર્ણનો તો આંખ સામે ભજવાતાં હોય તે રીતે વર્ણવાયાં છે. જેમકે શેઠજી સામે નાયકનું ત્રાંસું જોવું – વગેરે વર્ણનો સીનેમેટિક ટેક્‌નિક જેવાં લાગે છે. વાર્તાના નાયકને જંતર કોઈ બીજા દ્વારા સોંપાયેલું છે અને એ પણ કોઈ બીજાની અમાનત તરીકે છે. કશા જ કારણ વગર બીજાનો ભાર લઈને કોઈ બીજાએ સોંપેલું કામ કરવા નાયક પ્રયત્નશીલ રહે છે. એક પ્રકારના હેતુવિહીન જીવનનું અહીં આલેખન છે. સહૃદય ભાવકને અહીં ‘મીથ ઑફ સીસીફસ’ જરૂર યાદ આવે. પ્રખર વાર્તાવિવેચક જયેશ ભોગાયતાએ તેમના શોધનિબંધમાં આ વાર્તાનું સઘન નિરીક્ષણ કરેલું છે. તેઓ લખે છે, ‘વાર્તાનાયકની જંતર પહોંચાડવાની પ્રક્રિયાનું કપોલકલ્પિત આલેખન ભાવક ચેતનાને સતત જીવનની ગૂંચવણોનું દર્શન કરાવતું, સંક્ષુબ્ધ કરે છે. સંક્ષુબ્ધ ભાવક ચેતનાને, જીવનના પ્રગટ વાસ્તવની ભીતર પડેલા વિસંગતિને જોવા માટે પ્રેરનારી કપોળકલ્પિતની નિરૂપણરીતિ અહીં સર્જકકલ્પનાના સમર્થ બળ રૂપે સાર્થક બની છે.’ (‘ટૂંકીવાર્તા : ઘટનાતત્ત્વના નિરૂપણ સંદર્ભે’, પૃ. ૧૨૪) ‘વંશવૃક્ષ’ નામની ત્રીજી વાર્તા પણ જીવનના મનુષ્યની નિયતિને સુંદર કલ્પના દ્વારા વર્ણવવામાં આવી છે. ‘અનામિકા’ વાર્તામાં પુત્રી અને પિતાની વાત છે. જ્યારે પુત્રીને પિતાના લગ્નેતર સંબંધ વિશે જાણ થાય છે ત્યારે એનો પિતા પ્રત્યેનો અહોભાવ ઓછો થાય છે. પિતાના મૃત્યુના દિવસે એ પિતા જેને પસંદ કરતા હતા તે પરસ્ત્રીને શોધવા ચાહે છે. પિતાના ન ઓળખાયેલા ભાવને તે સમજવા માગે છે. આ વાર્તામાં પરંપરાગત શ્રદ્ધાનું ખંડન થતાં જન્મતા પ્રશ્નોનું વર્ણન છે. ‘માણસ – એક શોધ’ શીર્ષક હેઠળ અહીં પાંચ અલગ પ્રસંગોનું વર્ણન છે. જેમાં વ્યક્તિની પોતાની આંતરશોધ, વ્યક્તિ સમાજમાં જે દંભ કરે તેની વાત, અવયવની અદલાબદલી કરતાં પાત્રો પછીથી નિસાસાની અદલા-બદલી કરતા થઈ જાય છે તે બારીક સંવેદનનું અહીં વર્ણન છે. દરેક વ્યક્તિ પાસે હંમેશા બધો જ વખત એક સરખી સંતુષ્ટિ હોતી નથી. દરેકને કંઈક ખૂટ્યા કરતું હોય એવું લાગે છે. કોઈપણ સમયે જીવન સંપૂર્ણ હોય એવો ભાવ નથી આવતો એ સત્યનું નિરૂપણ બાબુભાઈએ કલાત્મક રીતે કર્યું છે. ‘ચાદર’ પ્રસંગમાં ‘જીવતા થવા શું લેશો?’ પ્રશ્ન અનેકવાર જાણે કે ભાવકને પૂછાય છે. જીવતા રહેવાના પ્રયોજનની વાત અહીં થઈ છે. ‘દરવાજો’, ‘દીવો’ વાર્તાઓ વાસ્તવનું એક અલગ જ રૂપ નિરૂપે છે. અમુક વાર્તાઓ જ્યારે આપણે નિબંધ વાંચતા હોય એવી લાગે. લેખક વાર્તાસ્વરૂપને પણ જાણે પડકારતા હોય એમ લાગે છે. ‘સફર’ વાર્તા એવી છે. ‘અવાર્તા’ શીર્ષક ધરાવતી વાર્તામાં લેખનની અને એ રીતે જીવનની નિયતિ લેખકે સરસ રીતે વર્ણવી છે. એમની વાર્તાઓમાં નોંધપાત્ર પાસું એ છે કે મોટેભાગે ત્રીજા પુરુષમાં લખાઈ છે. ખૂબ જ ઓછાં પાત્ર છે. સંવાદો પણ ઘણા ઓછા. વર્ણનશૈલી તેમની ખાસિયત છે. સંવેદનક્ષમ ભાષા છે. વર્ણનોમાં તેમની સર્જનાત્મકતા ખીલી ઊઠે છે. ‘માણસ એક શોધ’ નામે બીજું પણ એક ગુચ્છ છે. જેમાં પહેલા પ્રસંગમાં એક વ્યક્તિ બીજાની ભાષા શીખવા માંગે છે ત્યારે બીજો માથું પછાડી મરી જાય છે એ પ્રકારનું વર્ણન છે. જ્યારે એક વ્યક્તિ બીજીને જાણવા માંગે છે ત્યારે પહેલી વ્યક્તિ પોતાની ઓળખ ગુમાવે છે. ભાષા દ્વારા કરવામાં આવતું પ્રત્યાયન વ્યક્તિને તારે પણ છે અને મારે પણ છે એનું અહીં જાણે કે સૂચન છે. બીજા પ્રસંગમાં ભૂતકાળ અને વર્તમાનકાળનું સાદૃશ્ય મૂકી ટેવવશ જીવાતા જીવનનો જાણે ઉલ્લેખ છે. અન્ય એક વાર્તામાં બારી બારણા વગરનું, લોકોની આવનજાવનવાળું, નાયકની મથામણ દર્શાવતું આલેખન લેખકે નવા જ પ્રકારની રચનારીતિ દ્વારા કર્યું છે. એક પ્રસંગમાં એવી કલ્પના છે કે કૂતરો માણસને નચાવે, માણસ તરફ હાડકું ફેંકે, પણ કૂતરાએ ફેંકેલું હાડકું માણસ ન ખાઈ શકે અને જીભ કરડી મરી જાય. આવા પ્રકારના અસામાન્ય લાગતા પ્રસંગોના વર્ણનથી લેખક ગૂઢ લાગતા અવચેતન મનને જાણે કે તાગે છે. મોટા ભાગની વાર્તાઓનું કથનકેન્દ્ર ત્રીજા પુરુષનું છે. ‘શહાના’, ‘ઓછાયો’, ‘મૂરતિયો’ વગેરે વાર્તાઓમાં નિર્ણય ન લઈ શકતા વ્યક્તિની નિયતિ, પ્રેમમાં વ્યક્તિત્વની ઓળખ ગુમાવવી તેનો વિષાદ, સમાજ અને વ્યક્તિનું પરસ્પર ઘર્ષણ અને તેમાંથી જન્મતો અવસાદ જોવા મળે છે. બાબુ અને અમૃતા પ્રીતમ અને નાતાલનું દિલ્હી, પરમ તેજે, ડાયરીના પાનાં, મારા તેજલમા – આ શીર્ષકવાળા ગદ્ય અલગ જ પ્રકારની ભાત ઉપસાવે છે. જાણે કે આત્મકથાના પાનાં વાંચતા હોઈએ એવું લાગે છે. ‘ટૂંકમાં અમે’ – વાર્તામાં સર્વનામની સાવ છેલ્લે થતી અદલાબદલી – ‘તમે’ સર્વનામમાંથી અંતે ‘અમે’ સર્વનામ મૂકી લેખકનું ચમત્કૃતિનું સર્જન કરવું – આ રીતની સંરચના ભાવકને અલગ જ પ્રકારની કૃતિ વાંચ્યાનો આનંદ આપે છે. માણસના વ્યવહારમાં રહેલી વિસંગતિના કરુણ રૂપને બાબુ છાડવા ઓળખી શક્યા હતા. માત્ર એક વાર્તાસંગ્રહ હોવા છતાં બાબુ છાડવા ગુજરાતી વાર્તા સાહિત્યમાં પોતાની જૂજ છતાં બળકટ વાર્તાઓ દ્વારા અમીટ છાપ ઉપસાવી શક્યા છે તે નિર્વિવાદ છે.

ડૉ. ઇંદુ જોશી
એમ.એ., પીએચ.ડી.
ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષિકા
વડોદરા.
મો. ૯૪૨૮૦ ૦૫૯૧૬