ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વનુ પાંધી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વાસ્તવનિષ્ઠાના વાર્તાકાર વનુ પાંધી

હસમુખ અબોટી ‘ચંદન’

Vanu Pandhi.jpg

સાહિત્યજગતમાં વનુ પાંધી જેટલા સાગરસાહિત્ય માટે ખ્યાત બન્યા છે, એટલા અન્ય સાહિત્ય પ્રકારમાં જોઈએ એટલા પોંખાણા નથી, યા તો ઓછા જાણીતા છે. આમ તો ટૂંકી વાર્તા, નવલકથા અને નિબંધોમાં ખાસ્સો એવો હાથ બેસાડ્યો છે. વનુ પાંધીનું મૂળ નામ જગજીવન, પણ વનાંચલમાં આવેલ ગામ સોનારાવાળી ટપ્પરમાં ૧પમી ડિસેમ્બર, ૧૯ર૮માં જન્મ. વૃષભરાશિ મુજબ નામ રખાયું વનરાજ. લાડમાં ઘરવાળાં ‘વનુ’ તરીકે બોલાવતાં ટૂંકાક્ષરી નામ એ જ રહ્યું. પિતા કરસનજી અને માતા કંકુબહેનનો વનુ પર ભારે સ્નેહ તો ક્યારેક તોફાનવેળાએ કડક વલણ પણ અપનાવે. સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમના કુટુંબની ભારે શાખ. કેમકે દાદા ભવાનીદાસ રાજાશાહી વખતે કચ્છ રાજ્યના ફોજદાર. પછી પિતા પણ પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા. આગળ જતાં રાજીનામું આપી વિજયવિલાસ, માંડવી-કચ્છ પેલેસમાં નોકરી સ્વીકારી. એમ વનુનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંડવીની સ્વામીજીની નિશાળમાં, શેઠ જી. ટી. હાઈસ્કૂલમાં અને એંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં અંગ્રેજી છ સુધીનું ભણતર લીધું. એ પછી ભુજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં દાખલ થયા. અહીંથી ઈ. સ. ૧૯૪૭માં રાજકોટથી મેટ્રિકની પરીક્ષા પસાર કરી. પિતાના અવસાન પછી નોકરીની તલાસમાં લાગ્યા. શરૂઆતમાં ભુજની કલેક્ટર કચેરીમાં પછી માંડવી પોર્ટમાં નોકરી કરી. અંતે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં રહી જુદાજુદા ડેપોર્ટમાં ફરજ બજાવતા રહ્યા. છેલ્લે ટ્રાફિક ઇન્સ્પેક્ટરના હોદ્દા પરથી ૧૯૮૪માં નિવૃત્ત થયા. આ સમયમાં ‘વિકાસશીલ કચ્છ’ સામયિકના તંત્રીપદે રહીને પત્રકારત્વનો અનુભવ મેળવ્યો. એમની એવી છાપ રહેલી કે તેઓએ બહુ ઓછા સાથે પરિચય કેળવ્યો હતો યા તો ઓછા જણ સાથે સંબંધો વિકસાવ્યા હતા. પણ સાહિત્યકારો સાથે ખૂબ જામતું. આ લખનારની પ્રથમ મુલાકાત આ જ ગાળામાં થયેલી. સિગારેટના કશ ખેંચતાં કહેલું, ‘બોલ, તારે શું જોઈએ છે?’ મેં કહેલું, ‘મને કશુંય નથી જોઈતું, પણ હું સાગરસાહિત્ય માટે આવ્યો છું.’ હેરત સાથે મને જોતા રહ્યા. પ્રેમાળ નયને અલાયદા ઓરડામાં લઈ ગયા. તત્‌વિષયે અનેક વાતો ને સમજણ આપેલી. પછી તો અવાર-નવાર મળવાનું થતું. સમય જતાં શ્વાસની તકલીફ થઈ. નિદાનમાં ફેફસાંનું કેન્સર સામે આવ્યું. શરૂઆતમાં તાતા મેમોરિયલ હૉસ્પિટલ, મુંબઈમાં સારવાર લીધેલી, અંતે ભુજની પંચોલી હૉસ્પિટલમાં તા. ર૦-ર-૧૯૯૪માં અંતિમ શ્વાસ લીધાં. બારેક વર્ષના વનુએ પહેલી વાર્તા ‘ફૂટપાથનાં માનવી’ લખી. આ વાર્તા તેમના પિતરાઈ ભાઈ ડૉ. મનુભાઈ પાંધીને બતાવેલી. તેમણે તેમના મિત્ર ડૉ. જયંત ખત્રીને વંચાવી. વાંચતાં જ વનુનું વિચારસામ્રાજ્ય દેખાયું. ડૉ. ખત્રીએ વાચન તરફ વાળ્યા. વિદેશી લેખકોનાં નવાંનવાં પુસ્તકો આપતા રહ્યા. એ થકી લેખકનું વાચન વધતું રહ્યું તેમ લેખનશૈલી પણ. એમની પહેલી વાર્તા વાસ્તવનિષ્ઠા અને વંચિતો પ્રત્યેની નિસબતનો અણસાર આપે છે. સમયની સાથે ‘હિન્દુસ્તાન-પ્રજામિત્ર’, ‘મુંબઈ સમાચાર’, ‘અખંડ આનંદ’ અને ‘ચાંદની’ જેવાં સામયિકોમાં વાર્તાઓ છપાતી ગઈ. વીસમી સદીના છઠ્ઠા દાયકામાં નવલકથાઓ લખી, જેના માટે પારિતોષિકો મળ્યાં. રેડિયોનાટક લખ્યાં. ‘કચ્છમિત્ર’ની સાપ્તાહિક પૂર્તિમાં ઊર્મિશીલ નિબંધો ‘જિંદગી... જિંદગી’ કટાર લખી. જેમાં રોજબરોજ થતા અદ્‌ભુત અનુભવોની દાસ્તાન ખોલી આપી. એ ભાથું એસ.ટી.ની નોકરીમાં મળતાં મુસાફરોની વાતો, દલીલો, ચર્ચાઓ, અવનવી ઘટનાઓ, સ્થળો, સંજોગો ઇત્યાદિનો અનુભવ સાહિત્ય નિરૂપણમાં ખપ લાગવા માંડ્યો. વિભક્ત, શોષિત, વંચિત, શ્રમિક, વિક્ષિપ્ત અને અવિકસિત કુટુંબોનાં વર્તન, વલણો ને અનુભવોમાંથી સાહિત્યસર્જનનાં બીજ વવાતાં ગયાં. ગુજરાતીમાં ટૂંકી વાર્તા લખવાની શરૂઆત વીસમી સદીના પ્રારંભે થઈ. તેના કલાસ્વરૂપનું ખેડાણ પણ આ જ ગાળામાં થયું. ૧૯૦૪માં રણજિતરામ વાવાભાઈ મહેતા, ૧૯૦૮થી ધનસુખલાલ મહેતા, ૧૯૧૧ના અરસામાં કનૈયાલાલ મુનશીએ વાર્તાલેખન શરૂ કર્યું. ૧૯૧૩માં મલયાનિલે ટૂંકી વાર્તા લખવાનું શરૂ કર્યું. તેમની પાસેથી સુરેખ ટૂંકી વાર્તા ‘ગોવાલણી’ મળી. અહીંથી ટૂંકી વાર્તાનો કલાઘાટ બંધાય છે. આ ગાળામાં મેઘાણી, ધૂમકેતુ, સુંદરમ્‌, ઉમાશંકર, પન્નાલાલ, પેટલીકર, બ્રોકર, જયંત ખત્રી, જયંતિ દલાલ, મડિયા, જેવા વાર્તાકારોની વાર્તાઓ કલાસ્વરૂપે ધ્યાનાર્હ બની રહી. એ પછી સુરેશ જોષીએ મહત્ત્વપૂર્ણ વળાંક આપ્યો, જ્યારે કિશોર જાદવે એબસ્ટ્રેક્ટ ને સંદિગ્ધ વાર્તાઓ લખી. અને ચન્દ્રકાંત બક્ષી ઘટનાધારિત નવલિકાઓ આપતા રહ્યા. આ બધું અને આ સ્વરૂપનું લખાણ તત્સમયના નવોદિતોએ નવલિકાક્ષેત્રે કામમાં લગાડ્યું. એમ વાર્તા-વારસો સમૃદ્ધ બન્યો. આ ગાળામાં પાંચમા કે છઠ્ઠા દાયકાના, જ્યાં સુધી વનુ પાંધીની વાર્તાઓ સાથે સંબંધ છે ત્યારે તેમની ટૂંકી વાર્તાઓમાં ઘટનાપ્રધાન, લાગણીપ્રધાન, વાસ્તવપ્રધાન, કલ્પન-પ્રતીકનો વિનિયોગ, લોકબોલીના સંવાદો, સ્વરૂપની સભાનતા, ગદ્યક્ષેત્રે પ્રયોગો વગેરે પ્રયોજીને સર્જકચેતનામાં બળૂકો પોતીકો અવાજ મૌલિકતા તરફ દોરી ગયો છે. એક વાત સ્વીકારવી પડશે કે વનુ પાંધી પાસે જેટલી અપેક્ષા હતી એટલી માત્રામાં સાહિત્ય કૃતિઓ મળતી નથી. નવલિકા સંગ્રહો ‘છીપલાં’ (૧૯૬૩, સુમન પ્રકાશન, મુંબઈ) અને ‘આવળબાવળ’ (૧૯૭૯, સુમન પ્રકાશન, મુંબઈ) એમ બે જ સંગ્રહો પ્રગટ થયા છે. ભલે અલ્પ પ્રમાણમાં ફાલ ઊતર્યો છે, પણ છે માલામાલ કરનારો! આ બંને સંગ્રહોમાં ક્યાંય શીર્ષકવાર્તાઓ નથી. ‘છીપલાં’ એ સાગર સાથે સંબંધ ધરાવે છે, જ્યારે ‘આવળબાવળ’ રણ સાથે. એક સાગર સફરીની જિજીવિષા, ખુમારી ને ખુવારી, લાચારી ને ઈમાનદારી દર્શાવે છે. તેમ રણપ્રદેશના માનવીની સંકુલતા, મુશ્કેલીઓ, રખડપટ્ટી અને ખોરાક-પાણીની શોધમાં ભટકતા જીવનની કથાઓ માનવજીવનના અર્થપૂર્ણ પિરામિડ રચી આપે છે. આઠ નવલકથાઓ : (૧) ‘સઢ અને સુકાન’ ભાગ ૧-ર, (સાગરકથા), પ્રકાશન વર્ષ-૧૯૬૪, જેને ગુજરાત રાજ્યે પુરસ્કૃત કરેલ. (ર) ‘ખીણ’ સુમન પ્રકાશન, વર્ષ-૧૯૭૭, જેને ગુજરાત રાજ્યે પુરસ્કૃત કરેલ. (૩) ‘ફાંસલો’ ભાગ ૧-ર, (રહસ્યકથા), પ્રકાશન વર્ષ-૧૯૭૭, જેને ગુજરાત રાજ્યે પુરસ્કૃત કરેલ. (૪) ‘નેશનલ હાઇવે’ સુમન પ્રકાશન, વર્ષ-૧૯૭૭ (પ) ‘લવ નેસ્ટ’ (રહસ્યકથા), પ્રકાશન વર્ષ-૧૯૭૯, સુજાતા પ્રકાશન, મુંબઈ (૬) ‘સરહદ’ (૭) ‘બાં બેલી’ (સાગરકથા) (૮) ‘મેઘતૃષ્ણા’ પ્રકાશન વર્ષ, માર્ચ-૧૯૮૯, સુમન પ્રકાશન, મુંબઈ. આ ઉપરાંત જિંદગીના અદ્‌ભુત પ્રસંગોને આલેખતો એક માત્ર નિબંધ સંગ્રહ : ‘જિંદગી...જિંદગી...’ પ્રકાશિત થયેલો. આ બધું તપાસતાં મુખ્યત્વે બે વાર્તાસંગ્રહોની વાત પર આવીએ.

Chhipalan by Vanu Pandhi.jpg

૧. ‘છીપલાં’ સંગ્રહની વાર્તાઓ : (૧) સૂરજ અને સમણાં (ર) સુરખાબ (૩) પાપનો ભેરૂ (૪) રેશમ (પ) નદીની ઓથે (૬) સઢ અને સુકાન (૭) ધરતી (૮) પડઘા (૯) રખોપું (૧૦) ભઠ્ઠી (૧૧) વીરડી (૧૨) રંગ તોકે માલમ... જુમસાં (૧૩) નવો ફાલ (૧૪) તેજ અને વર્તુળ (૧૫) રણની કાંધે ર. ‘આવળબાવળ’ સંગ્રહમાં : (૧) કઈ તરફ? (ર) વહાણવટીનું મૃત્યુ (૩) વતુર્ળની ગતિ (૪) લૂ-ઝરણા (પ) કસ્તુરની ફરિયાદ (૬) મેઘલી રાતે (૭) બારી (૮) હરિની હોડી (૯) ઘંટીના પડ (૧૦) અંતરના પગથારે (૧૧) હૂંફ (૧૨) ખારાં પાણી (૧૩) અશુભ સમાચાર (૧૪) નામર્દ (૧૫) બાં-બેલી (૧૬) લોસ્ટ પ્રોપર્ટી વનુ પાંધીએ પોતાના જીવનકાળ દરિમયાન લગભગ પાંચેક દાયકા સુધી લેખન-વાચન કરેલું. તદુપરાંત બે સંગ્રહો થાય એટલી વાર્તાઓ ગ્રંથસ્થ થવાની મુગ્ધાવસ્થાએ આશા જગાવી બેઠી છે. ધીરેન્દ્રભાઈ મહેતાએ આપેલ સૂચિની આશાવંત વાર્તાઓ છે : ‘બીજનો ચંદ્ર’ કચ્છમિત્ર દીપોત્સવી-૧૯૮૩, ‘સંબંધ’ કચ્છમિત્ર દીપોત્સવી-૧૯૮૪, ‘ખાલીપો’ ગુજરાત દીપોત્સવી-૧૯૮પ, ‘નાગફણી’ કચ્છમિત્ર દીપોત્સવી-૧૯૮૬, ‘ખંડેર’ કચ્છમિત્ર દીપોત્સવી-૧૯૮૭, ‘ડુંગરની ઓથે’ ગુજરાત દીપોત્સવી-૧૯૮૭, ‘મિટ્ટી, માની અને માડૂ’ કચ્છશક્તિ દીપોત્સવી-૧૯૮૭, ‘માછલી’ કચ્છમિત્ર દીપોત્સવી-૧૯૮૮, ‘સાગરસંગમ’ ગુજરાત દીપોત્સવી-૧૯૮૮, ‘રખોપું’ કચ્છશક્તિ દીપોત્સવી-૧૯૮૮, ‘ડેણ’ કચ્છશક્તિ દીપોત્સવી-૧૯૮૯, ‘લખપાસાનો નાખવો’ ગુજરાત દીપોત્સવી-૧૯૮૯, ‘પુનરાગમન’ કચ્છમિત્ર દીપોત્સવી-૧૯૯૦, ‘ઓગન’ કથાવિશેષ દીપોત્સવી-૧૯૯૦, ‘એશ ટ્રે’ કચ્છશક્તિ દીપોત્સવી-૧૯૯૦, ‘છમના’ ગુજરાત દીપોત્સવી-૧૯૯૧, ‘કાગડાનો માળો’ કચ્છમિત્ર દીપોત્સવી-૧૯૯૧ અને અપ્રગટ વાર્તા ‘ઘર પાસે દરિયો’. ડૉ. ધીરેન્દ્ર મહેતાએ ‘વનુ પાંધીની સાગરકથાઓ’, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા, પ્રથમાવૃત્તિ વર્ષ-ર૦૦૯માં સંપાદન કર્યું છે. આ બંને સંગ્રહોની વાત કરીએ તો ‘છીપલાં’માંથી પાપનો ભેરુ, સઢ અને સુકાન અને રંગ તોકે માલમ...જુમસાં તથા ‘આવળબાવળ’માંથી વહાણવટીનું મૃત્યુ, હરિની હોડી, હૂંફ, ખારાં પાણી અને બાં-બેલીનો સમાવેશ કર્યો છે. આ બંને સંગ્રહમાંથી જેનો ઉપરોક્ત ઉલ્લેખ થયો તે વાર્તાઓ, તદુપરાંત અપ્રગટ દરિયાઈ વારતાઓ – (૧) રખોપું (૨) માછલી (૩) સાગરસંગમ (૪) લખપાસાનો નાખવો, તથા (૫) છમનાનો સમાવેશ આ સંગ્રહમાં કર્યો છે. જોકે, ‘રખોપું’ વાર્તા ‘છીપલાં’ સંગ્રહમાં છે અને બાકીની નથી. સંપાદકીય લેખમાં તેઓ લખે છે – ‘આ ‘સાગરકથા’ શું છે? એનું કોઈ અલગ સ્વરૂપ છે ખરું? આને લગતી ખાસ ચર્ચાની જાણ નથી, પરંતુ જે કૃતિઓ જોવા મળી છે તે બે-ત્રણ રીતે લખાઈ છે : સમુદ્રની સૃષ્ટિનાં રોમાંચક સાહસોનું વર્ણન, સાગરસ્વયંનું એક પાત્રરૂપે આલેખન, જે કોઈ પ્રતીકાર્થ સિદ્ધ કરે, સાગર જેમનું આલંબન છે અને નિયતિ પણ છે એવા માનવજીવનનું નિરૂપણ. આ નિરૂપણ દર્શાવે છે કે આવી કોમના જીવનનો કોઈ ખૂણો સમુદ્રવિહોણો નથી. એનાં વર્ણનમાં વિશેષપણે સજીવારોપણનો પ્રયોગ આ સંબંધને તાદૃશ કરતો રહે છે.’ વનુ પાંધીની વાર્તાશૈલી સ્વકીય હતી. પાત્રોની પસંદગી પ્રત્યક્ષ જાણકારીની પ્રતીતિ કરાવે છે, જેમાં માનવસમાજના એક ખાસ વર્ગના જીવનની ઓળખને આબેહૂબ ઉતારવામાં સફળ રહ્યા છે. ગુલાબદાસ બ્રોકરે ‘નવીન સૃષ્ટિમાં ડોકિયું’ કહી નવાજ્યા હતા. તેના કારણમાં તેમની પાત્રસૃષ્ટિ અણપિછાણ્યા મુલકના અપરિચિત માનવોની હતી. આમ તો વાર્તાસાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન સાગરકથાઓમાં છે. સાગર સ્વયં જ એક પાત્ર તરીકે નિરૂપાતો હોય, એ તેનું આલંબન ને નિયતી બંને હોય ત્યારે તેના ખલાસીઓની વાતછટા, સંવાદો ને વાતાવરણ-પરિવેશ સાગર જેવાં બળૂકાં હોય તે સ્વાભાવિક છે. ટૂંકમાં સાગરકથાને એક વસ્તુગત સંજ્ઞા તરીકે નિરૂપણરીતિનું ભાવોત્સજર્ન કહી શકાય. સંવાદોની ભાષા તળ કચ્છના ખારવા-ભડાલા માડૂઓની વ્યક્તિગત બોલીની છે. તે સીધી માનવમનમાં ઊતરી જાય છે. એને કોઈ પણ ગુજરાતી સરળતાથી સમજી શકે છે. વર્ણનકલાના તો વનુભાઈ માહેર હતા. વર્ણનોમાં ભાગ્યે જ પુનરાવતર્ન આવે. સમગ્ર વાર્તાસૃષ્ટિ તપાસવા જઈએ તો ખમીરવંત પાત્રોની વેદના લેખકે અનુભવી છે અથવા અનુભવી હોય, જે લેખકના દર્શનમાંથી પ્રગટે છે. વાચકે ન કલ્પ્યાં હોય તેવાં પ્રતીકોનું સંયોજન, અલંકારોની સહોપસ્થિતિ, કથનશક્તિ અને નિરૂપણરીતિમાં આંતરચેતના નદીના વહેણ જેવો વહેતો કથાપ્રવાહ અમિયલ બની રહે છે. સરવાળે તેમની લગભગ વાર્તાઓ પ્રભાવોત્પાદક નીવડે છે તે પ્રત્યક્ષ જાણકારીની પ્રતીતિ કરાવતાં સબળ વર્ણનો. દરિયાઈ તોફાનની અસરો અને તેના સામનાને સાક્ષાત્‌ કરાવતાં વર્ણનો, ખારવા સમાજનું ચિત્ર, માલમોની કસોટી, કારકિર્દીને કલંક લાગવાનો. પ્રથમ વાર્તાસંગ્રહમાંથી ‘પાપનો ભેરુ’ અને ‘સઢ અને સુકાન’માં બંદર પર અને વહાણની અંદર ચાલતી ગતિવિધિઓ, પ્રસંગો ને તોફાનોનો ચિતાર જોવા જેવો છે. ખારવાની બોલી ને વહાણવટાને લગતી પારિભાષિક શબ્દાવલિઓ પ્રસંગ-સંવાદોને ન્યાયોચિતતા તરફ વાળે છે. તેજુનું પાત્ર આંતરિક-બાહ્ય તોફાનમાં સતત રાચતું દેખાઈ આવે છે. ‘રખોપું’ પણ બંદરીય ઘટનાની વાર્તા છે. તેના આધારિત અનેક કિવદંતીઓ છે, આસ્થા-અંધશ્રદ્ધા, માન્યતાઓ જેવાં તત્ત્વો જોડાયેલાં છે, જે લેખનની સૌષ્ઠવતા બક્ષે છે. એના પ્રમુખ પાસાંઓમાં લેખકશૈલી કેવી છે? ‘તેજુ જેવો નાખવો દરિયાપટમાં કોઈ પેદા થયો નથી. મહેરામણને એની સાથે વાતું કરતાં મેં દીઠો છે. દરિયો એના બોલ કોઈ દિ ઉથાપે નહિ. ખારાં પાણી એના કહે હાલે, ચાલે. પવન ઈને પૂછીપૂછીને પગલાં ભરે.’ (પૃ. ૧૩૨) ‘દરિયો વિશાળ અને સાગરખેડૂની જિંદગી ટૂંકી : ખારવો વહાણનો રાંઢવો હાથમાં પકડે ત્યારથી તેના ઘસરકાથી હથેળીની આયુષ્યરેખા ઘસાવા લાગે.’ (પૃ. ૧૨૮) સાગરકથા સિવાયની ‘આવળબાવળ’ની પ્રથમ વાર્તા ‘કઈ તરફ?’ શીર્ષક જ ગર્ભિત અને અનિશ્ચિત છે. બસમાં બેઠેલી નાયિકા-સરયુની બાજુમાં ઘણાં વર્ષો પછી નાયક-અવિનાશ બેસે છે, મળે છે. જેમજેમ બસ ગતિ કરે છે તેમતેમ સંવાદો ને ભાવાભિવ્યક્તિ તેજી પકડે છે. વચ્ચે બસ થોભે છે ત્યારે બંનેને ભૂતકાળના પ્રસંગ માનસપટ ઉપર સ્થિર થઈ જાય છે. ફરી ચાલતી બસની સાથે એ જ ગતિ પકડી લ્યે છે. સંવાદકલાના કીમિયાગર વનુ પાંધીનું રચનાકૌશલ્ય : એક સમયે સરયુએ કહેલું – ‘બસની આ ટિકિટોનું હું શું કરું છું, એ તું જાણે છે?’ ‘ફેંકી દેતી હોઈશ. બીજું શું?’ ‘મેં ટિકિટોનું આલ્બમ બનાવ્યું છે. અંદર આપણી બંને ટિકિટો ચોંટાડી ઉપર તારીખ લખું છું.’ ‘બસની ટિકિટોનું આલ્બમ?’ નવાઈથી મેં પૂછ્યું. ‘ટિકિટોનો સંગ્રહ કરવાનું કારણ?’ ‘બસ, એમ કરવું મને ગમે છે.’ એ સમયે સરયુને એમ કરવું ગમતું. બસે વળાંક લેતાં અસાવધ હોવાથી હું સીટ પરથી નીચે સરકી પડતો હતો ત્યાં સરયુએ મને પકડી લીધો. ‘મને પડતો શા માટે અટકાવ્યો?’ ‘હું પાસે હોઈશ ત્યારે એમ થવા નહીં દઉં.’ આમ વાર્તા પ્રગતિ કરે છે. નાયિકા દરરોજ જ્યાંથી ચડતી-ઉતરતી એ સ્ટોપે ઊતરી ગઈ. છેલ્લો બસસ્ટોપ આવતાં નાયક ઊતરે છે ત્યારે તેને સહજ વિચાર આવે છે – ‘...અમારાં ગત જીવનની સ્મૃતિને ધૂંધળી થવા ન દીધી એનો આનંદ મને હતો. સીધાં ચઢાણ પૂરા થયાં હતાં અને બસ ઢોળાવ પર ઊતરી રહી હતી.’ આમ કથા પૂરી થાય છે. કથા પૂરેપૂરી લક્ષ્યાર્થ તરફ ગતિ કરે છે ને શીર્ષક ઉમદા કાર્ય કરી જાય છે. ‘છીપલાં’ અને ‘ખીણ’ નવલકથાની પ્રસ્તાવના ગુલાબદાસ બ્રોકરે લખેલી છે. ‘ખીણ’માં બ્રોકર લખે છે, ‘શ્રી વનુ પાંધીની કલાસૂઝ, સુરેખ આકૃતિ રચવાની આવડત, પ્રતીક, કાવ્યને પ્રતિરૂપોના સાર્થ ઉપયોગ દ્વારા કૃતિને કલાનું ઘનત્વ આપવાની યોગ્યતા, કોઈ પણ સારા અને સાચા સાહિત્યકાર કરતાં ઓછાં ઊતરે એ કોટિનાં નથી.’ શ્રી પાંધીનું કહેવું છે કે, મારો તેમની સાથે માત્ર પત્રવ્યવહાર હતો. મારી આ સંગ્રહની શરૂઆતની વાર્તાઓ ગમેલી અને પ્રસ્તાવના તેમના હાથે અવતરી. પ્રસ્તુત સંગ્રહ પોતાના પિતાજીને અર્પણ કરેલો છે, જ્યારે ‘આવળબાવળ’માં એવી નોંધ નથી. પહેલા સંગ્રહની વાર્તાઓ – સુરખાબ, ધરતી, ભઠ્ઠી, વીરડી, રણની કાંધે કચ્છપ્રદેશનો ચિતાર આપે છે. લોકજીવનની વિસંવાદિતા, તો બીજી બાજુ કુદરતનો ખોફ, કહો કે આપત્તિઓની ભરમાર વચ્ચે જીવતા માનવની ભીરુતા દયાપાત્ર બને છે. કચ્છમાં આવતાં યાયાવર પંખી સુરખાબ પ્રતીકોત્પન્ન કરી સંબંધોને વિચ્છિન્ન થતાં અટકાવે છે. બીજા સંગ્રહની – ‘વર્તુળની ગતિ’, ‘બારી’, ‘ઘંટીના પડ’, ‘હૂંફ’ જેવી ટૂંકીવાર્તાઓમાં માનવીય મૂલ્યોને ઉજાગર કરે છે. સમાજમાંથી આવતાં સામાન્યજનનાં પાત્રોની લાચારી, ભીંસ અને વ્યક્તિગત માનવીય-અમાનવીય વર્તનને શબ્દચિત્ર આપવામાં લેખક કામયાબ નીવડ્યા છે. એ સંદર્ભે તેની સંજ્ઞાઓ, કપોળકલ્પિત, રૂપકોનું રૂપાંતર કથાને ઉચ્ચવર્ણીય બનાવે છે. આ સંદર્ભે લેખક ‘આવળ બાવળ’ની પ્રસ્તાવનામાં કહે છે, ‘જીવંત માનવીની વાત કહેવા શબ્દકોશની જરૂરત રહેતી નથી, પણ અબોટ ધરતી-મહેરામણ અને મરુભૂમિ, વનવગડાનાં ફૂલો-આવળ અને બાવળના જંગલોમાં રહેતા માનવીની વાત પણ કોઈકે તો કહેવી જ પડશે. ત્યાં માનવી વધુ એકાંકી છે. એનો વિષાદ વધુ ઘેરો છે. પેટની ભૂખ વધુ વસમી છે. જ્યાં માનવી પોતાનો જ અવાજ ખોઈ બેઠો છે તેની બેજબાનીને કાન આપવા પડશે.’

સંદર્ભસાહિત્ય-ઉદ્ધરણ-સહયોગ-ઋણસ્વીકાર :

૧. ‘વનુ પાંધીની સાગરકથાઓ’, સંપાદક : ધીરેન્દ્ર મહેતા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, પ્રથમ આવૃત્તિ ર૦૦૯
૨. લેખક પુત્ર કૌશલ પાંધી, પરિવાર, ભુજ
૩. ગ્રંથપાલ ‘શ્રી નગરસેવા સદન-વાંચનાલય’, માંડવી-કચ્છ.

હસમુખ અબોટી ‘ચંદન’
હસમુખ અબોટી ‘ચંદન’ ગુજરાતી-કચ્છીમાં ગદ્ય-પદ્ય લખતા રહે છે. તેમની કૃતિઓ વિવિધ સામાયિકોમાં પ્રગટ થતી રહે છે. કચ્છી કાવ્યસંગ્રહ ‘ધરીઆજા ભીડા’ (કચ્છી સાહિત્ય અકાદમી પુરસ્કૃત), ‘દરિયાની વાટેવાટે’, ‘હુડિયો કોઠો’, ‘સાગરના સુસવાટા’ અને ‘સાગરનો સાદ’ (ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કૃત) તથા સાગરકથા આધારિત નવલકથા ‘દરિયાની દીકરી’ અને ‘દાસ્તાં અપની દુનિયા કહેગી’ આપી છે. ‘ગાજૂસ’ કચ્છીભાષામાં લખાયેલો ટૂંકીવાર્તાસંગ્રહ છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘હેત્વંતર ગાયક : વેલજીભાઈ ગજ્જર’ તેમણે લખેલું વ્યક્તિચિત્ર પ્રગટ થનાર છે. આ ઉપરાંત શૈક્ષણિક પુસ્તકોનું સંપાદન પણ કર્યું છે.
સંપર્ક : હસમુખ અબોટી ‘ચંદન’,
હરિનગર-૧, શીતલા રોડ, માંડવી-કચ્છ, પીન ૩૭૦ ૪૬૫,
મો. ૯૪૨૮૫૬૭૯૦૦,
Email: hasmukhaboti@gmail.com