ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સુરેશ દલાલ
(૧૧-૧૦-૧૯૩૨ – ૧૦-૮-૨૦૧૨)
સુશીલા વાઘમશી
સર્જક પરિચય :
ગુજરાતી સાહિત્યમાં કવિ, નિબંધકાર, વિવેચક, બાળસાહિત્યકાર, અનુવાદક, સંપાદક અને ટૂંકી વાર્તાકાર તરીકે પ્રસિધ્ધ સુરેશ દલાલનું પૂરું નામ સુરેશ પુરુષોત્તમદાસ દલાલ છે. સુરેશ દલાલનો જન્મ ૧૧ ઑક્ટોબર ૧૯૩૨ના રોજ થાણા, મહારાષ્ટ્રમાં થયો હતો. ૧૯૪૯માં મેટ્રીક પાસ કર્યા બાદ ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. અને ૧૯૫૫માં એમ.એ. પૂર્ણ કર્યું. ત્યાર બાદ તેમણે ૧૯૫૯માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી, સાથે ૧૯૫૬થી મુંબઈની કે. સી. સાયન્સ કૉલેજમાં ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી. ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ. આર. કૉલેજ ઑફ કૉમર્સ, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે. જે. સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી એસ. એન. ડી. ટી. વિમેન્સ યુનિવર્સિટી, મુંબઈમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે સેવા આપી ૧૯૯૨માં નિવૃત થયા હતા. સુરેશ દલાલના ઘડતર અને સાહિત્યિક વિકાસમાં કવિ જગદીશ જોષી અને મનસુખલાલ ઝવેરીનો મુખ્ય ફાળો છે. ‘કવિતા’ દ્વૈમાસિકના સંપાદન કાર્ય હેઠળ તેમને ગુજરાતી સાહિત્યને ઘણા નવા કવિઓ, દેશ-વિદેશના કવિઓ અને કવિતાનો પરિચય કરાવ્યો. આ ઉપરાંત તેમણે અનેક સાહિત્યિક કાર્યક્રમો અને સંમેલનોનું આયોજન અને સંચાલન કરીને સફળ સંયોજક અને સંચાલક તરીકે પ્રસિધ્ધિ પ્રાપ્ત કરી હતી.
સાહિત્યસર્જન :
કવિતાસર્જન : ‘એકાન્ત’ (૧૯૬૬), ‘તારીખનું ઘર’ (૧૯૭૧), ‘અસ્તિત્વ’ (૧૯૭૩), ‘હસ્તાક્ષર’ (૧૯૭૭), ‘સિમ્ફની’ (૧૯૭૭), ‘રોમાંચ’(૧૯૭૮), ‘સાતત્ય’(૧૯૭૮), ‘પિરામિડ’(૧૯૭૯), ‘વિ-સંગતિ’ (૧૯૮૦), ‘ઘરઝુરાપો’ (૧૯૮૧), ‘એક અનામી નદી’ (૧૯૮૨), ‘ઘટના’ (૧૯૮૪), ‘કોઈ રસ્તાની ધારે ધારે’ (૧૯૮૫), ‘પવનના અશ્વ’ (૧૯૮૬), ‘યાદ આવે છે’ (૧૯૮૭), ‘હથેળીમાં બ્રહ્માંડ’ (૧૯૮૭), ‘હું તને લખું છું’ (૧૯૮૮), ‘Vibration’ (૧૯૮૯), ‘માયાપ્રવેશ’ (૧૯૮૯), ‘લયના પ્રવાસમાં’ (૧૯૯૦), ‘પદધ્વનિ’ (૧૯૯૧), ‘સાત સોપારી પાનનાં બીડાં’ (૧૯૯૨), ‘ધ્રુવ પંક્તિ’ (૧૯૯૨), ‘સોગાદ’ (૧૯૯૨), ‘ઍક્વેરિયમ’ (૧૯૯૩), ‘કેફિયત’ (૧૯૯૫), ‘મધુમાલતી’ (૧૯૯૫), ‘તરાપો’ (૧૯૯૫), ‘આરસનાં જળ’ (૧૯૯૬), ‘Black Coffee’ (૧૯૯૬), ‘મંગલાષ્ટક’ (૧૯૯૭), ‘રાતરાણી’ (૧૯૯૭), ‘એવું એક ઘર હોય’ (૧૯૯૭), ‘જળનાં પગથિયાં’ (૧૯૯૯), ‘અખંડ ઝાલર વાગે’ (૨૦૦૧), ‘મધરાતે સૂર્ય’ (૨૦૦૨), ‘પારિજાત’ (૨૦૦૩), ‘ગીતમલ્લિકા’ (૨૦૦૫), ‘મૌનનો ચહેરો’ (૨૦૦૫), ‘ગુલમોર’ (૨૦૦૫), ‘જલસાઘર’ (૨૦૦૬), ‘૭૫’ (૨૦૦૭). વાર્તાસર્જન : પિન-કુશન (૧૯૭૮)
વાર્તાકારનો યુગસંદર્ભ :
સમયની દૃષ્ટિએ તેમની વાર્તાઓ ૧૯૬૨થી ૧૯૭૫ દરમિયાન સર્જાયેલ, અને ૧૯૭૮માં તે ગ્રંથ રૂપે પ્રગટ થઈ. નગરમાં જીવતા માનવીની એકલતા, યાંત્રિકતા, વિષમતા, અસંતોષ, રૂંધામણ, અહમ્-પીડન જેવાં સંવેદનો આલેખતી આ વાર્તાઓ આધુનિક વાર્તાકાર તરીકેની ઓળખ ઊભી કરે છે. સર્જકે આ નગરજનોનાં વિવિધ સંવેદનોના નિરૂપણ માટે કલ્પન, પ્રતીક, આત્મકથનાત્મક અને પ્રવાહી ભાષા જેવી પ્રયુક્તિઓનો વિનિયોગ કર્યો છે. [[File:Pin Cushion by Suresh Dalal - Book Cover.jpg|200px|left] પિન-કુશન (૧૯૭૮) : વાર્તાસંગ્રહમાં ૧૨ વાર્તાઓ સંગ્રહિત છે. નગરજીવનને આલેખતી આ વાર્તાઓ કથન અને નિરૂપણરીતિની દૃષ્ટિએ વિશિષ્ટ છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘ટીપે ટીપે ઝેર’ શીર્ષક સ્વયં સ્પષ્ટ કરે છે તેમ આપઘાત કરનાર પત્ની અરુંધતીના આપઘાતનું કારણ પતિ અશ્વિન માટે મરણતોલ આઘાત આપનાર બને છે! મિત્ર કથક દ્વારા થતું અશ્વિન અને અરુંધતીના સુખદ દામ્પત્યજીવનનું વર્ણન આ આઘાતને ઘેરો બનાવે છે. આપઘાતનું કારણ અરુંધતીના ચરિત્ર સંદર્ભે લોકોની શંકા-કુશંકાઓ કથકની સાથે અશ્વિનના સંઘર્ષને રજૂ કરે છે. ‘ન કસ્માત’ અને ‘હું હ નિકિતા’ વાર્તામાં દામ્પત્યજીવનમાં કરવા પડતાં સમાધાનો અને એકબીજાને ન સમજી શકવાથી ઊભા થતા સંઘર્ષોનું આલેખન છે. ‘ન કસ્માત’ પતિ-પત્નીના સંવાદથી વિસ્તરતી વાર્તા છે. પરિણામે તેને વાર્તા કેહવી કે કેમ? એ પ્રશ્ન છે. પત્નીના અહમ્ની સામે તેને ખુલ્લા પાડતાં વ્યંગ્યાત્મક વચનો પાત્રોની લાક્ષણિકતાને પ્રગટ કરે છે. વાર્તાનો અંતિમ સંવાદ દામ્પત્યજીવનના સંઘર્ષ અને સમાધાનને સૂચવે છે – ‘જોઉં છું ને! હું કોઈને ઓવરટેઇક તો ન જ કરવા દઉં.’ ‘અકસ્માત આમ જ થતા હોય છે.’ (પૃ. ૧૨) ‘હું હ નિકિતા’માં પતિ-પત્નીના સંવાદ અને વિવાદ દ્વારા કટુ-મધુર દામ્પત્યજીવન આલેખાયું છે. આ સંવાદ-વિવાદના અંતે નાયકનું સમાધાનકારી વલણ જ દામ્પત્યજીવનને ટાકાવી રાખનારું પરિબળ છે! ‘ક્યાં હશે?’ અને ‘ઇતિ...’ જીવનસાથીના મૃત્યુથી ઘેરાતી શૂન્યતાને આલેખે છે. ‘ક્યાં હશે?’માં પતિ આનંદનું મૃત્યુ, તેના શબની આસપાસ પત્ની સિંજાનું સ્મરણ વર્તુળ આનંદ સાથે વિતાવેલ મધુર દામ્પત્યજીવન અને તેના જતા ‘આનંદ’ની શોધ રૂપે વિસ્તરી આખરે પ્રોવિડન્ટ ફન્ડ, ઇન્સ્યોરન્સ પોલિસી, એકઠી થયેલી રકમના વ્યાજના – પ્રશ્નાર્થ પર વિરમે છે! ‘ઇતિ...’માં પત્નીનું મૃત્યુ અને તેની આસપાસ પતિનાં સ્મરણો દ્વારા ઇતિ સાથે વિતાવેલ મધુર દામ્પત્યજીવન અને તેના ગયા બાદ સાપસીડીની રમતનો સાપ જાણે પોતાને જ ગળી જતો હોય તેમ તેનાથી બચવા ઇતિના નામની બૂમ પર વિરમે છે. જે નાયકની ઇતિ વગરના જીવન વિશેની ભયભીત માનસિકતાને સૂચવે છે. પતિના કેન્દ્ર દ્વારા નાયિકાવર્ણન માટે પ્રયોજાયેલ કલ્પનપ્રચુર ભાષા સર્જકની સર્જનશક્તિનો પરિચય કરાવે છેઃ “ ‘ઇ...તિ...’ અને એ ‘તિ’ કોઈ એવી રીતે બોલાય કે આખા ઘરમાં જાણે ફેલાઈ જાય. અને તરત જ એના કાનને ચૂમીને એ નામોચ્ચાર એની વેણીની સુવાસ કે એના કંકુનો રંગ લઈને પાછો આવે – પગ ઝબોળીને પાણીમાં કિનારે બેઠા હોઈએ અને હંસની જોડી સરતી સરતી પાસે આવે, એમ જ આ બે શબ્દો - ‘આવી હં...અં’ ” (પૃ. ૩૧) ‘ટપકું’ પણ પત્ની બિંદીની ગેરહાજરીથી જાગતા મધુર દામ્પત્યજીવનનાં સ્મરણોને આલેખતી વાર્તા છે. પત્નીની ગેરહાજરીને સહ્ય બનાવવા નાયક તેને પત્ર લખવા સજ્જ થાય છે પરંતુ કોરા કાગળ પર તેનાં સ્મરણોથી પત્નીની ઉપસતી આકૃતિ અવરોધ બને છે અને નાયક એ આકૃતિ પર પોતાના મધુર દામ્પત્યજીવનને પોતાની જ નજર ન લાગે તે માટે કાળું શાહીનું ‘ટપકું’ કરી વિરમે છે. પ્રથમ મિલનની રાત્રી, પત્નીના રૂપ અને છટાનાં વર્ણનની ભાષા કાવ્યાત્મક છે : ‘લગ્નની પહેલી રાતે તને પાસે લઈને લજ્જાથી ઢળી ગયેલ ચહેરાને નજાકતથી ઊંચો કર્યો હતો તે તારું આખું સ્વરૂપ અહીંની હવામાં તર્યા કરે છે.’ ‘તારી હસતી આંખો, રાતરાણીની સુવાસ જેવું તારું સ્મિત, હવાની લહરની જેમ વળગી પડવાની તારી રીત...’. (પૃ. ૪૯) તો ‘પિન-કુશન’ વાર્તા દામ્પત્યજીવનની યાંત્રિકતાને આલેખે છે. ભાગદોડભર્યુ જીવન જીવતા નાયકનો રસહીન અનુભવ માત્ર બાહ્ય જીવન વિશેનો નથી પણ દામ્પત્યજીવનનો પણ છે સર્જકે નાયકના આ ભાવને કલ્પનો દ્વારા અસરકારક રીતે રજૂ કર્યો છે : ‘ટેબલ પર પડેલી ફાઇલ લેતો હોય એમ એણે પત્નીને પાસે ખેંચી લીધી.’ – ‘રૂપા’ ‘એનો શબ્દ નાનકડા બેડરૂમના કબાટ સાથે અથડાઈને પાછો ફર્યો’ ‘કાગળ છૂટા કર્યા પછી ઓચિંતી ભોંકાઈ જતી ટાંકણીનો એને અનુભવ થયો.’ નાયકનો પોતે જ પિન-કુશન હોવાનો અનુભવ તેના ભાવશૂન્ય દામ્પત્યજીવનની સાથે તેની સંવેદનજડતાને પણ તાકે છે. ‘સુજાતા’ અને ‘જાગી ત્યારે’ શ્રીમંત પરિવારમાં પરણેલ સ્ત્રીના અસંતોષ અને સંઘર્ષને આલેખતી વાર્તા છે, પણ બન્નેનો અસંતોષ જુદો છે. ‘સુજાતા’માં પ્રેમીને પત્ર લખવા બેઠેલી નાયિકા સુજાતાનો પોતાના જીવનમાં પરપુરુષ અપૂર્વના આવવાથી ઊભો થતો જાત સાથેનો સંઘર્ષ છે. સુજાતાની આ ગૂંગળામણ, સંઘર્ષપૂર્ણ સ્થિતિ તેના મનમાં ઊભા થતા પ્રશ્નો દ્વારા પ્રગટ થઈ છે – ‘એ કોના પ્રત્યે વફાદાર રહે? જગત પ્રત્યે? તો જાત પ્રત્યેની વફાદારીનું શું? અને જાત પ્રત્યે વફાદાર રહે, તો અત્યાર સુધી એની સાથે સંકળાયેલા જગતનું શું?’ (પૃ. ૫૧) બધું છોડી તે અપૂર્વની પાસે નાસી જવા ઇચ્છે છે પરંતુ બાળકો તેના પગની બેડી બને છે અને પોતાની ઇચ્છા જેવો લખવા ધારેલો પત્ર પૂરો કરવાની જગ્યાએ તે કાગળના ચૂરા કરે છે. જે સુજાતાની વિવિશતાને સૂચવે છે. ‘જાગી ત્યારે’માં પતિના વિદેશ જતાં ‘હાશકારો’ અનુભવતી પત્ની સોનાલીનું આલેખન છે. પતિની જોહુકમીથી ત્રાસેલી સોનાલીએ લગ્નજીવનને સંવાદી બનાવી રાખવા પતિની બધી જોહુકમીને સહન કરી છે, ત્યાં સુધી કે તેણે પતિના કહેવાથી પોતાનું નામ માધવીમાંથી સોનાલી કરી નાખ્યું! ધીરે ધીરે આ સિલસિલો સોનાલીના સમગ્ર વ્યક્તિત્વનો ભોગ લે છેઃ ‘એના કોઈ પણ વાક્યમાં સુનીલ જ નામ, સર્વનામ, ક્રિયાપદ, અલ્પવિરામ કે પૂર્ણવિરામ મૂકે.’ (પૃ. ૬૭) સોનાલીની ત્રસ્ત માનસિકતાની પરાકાષ્ટા – પતિના વિમાન અકસ્માત અને તેના વિમાનની પાંખ મરડવા સુધીની કલ્પનામાં છે. પતિના વિદેશ ગયા બાદ નાયિકાના મુખમાં મૂકાયેલ ‘પંખી બનું ઊડતી ફિરું...’ ગીત નાયિકાના પતિ વગરના સ્વતંત્ર જીવનના અનુભવને પ્રગટ કરે છે. આવી કલ્પનાઓ બાદ ઊંઘીને જાગતી નાયિકા માધવી શ્રોફ છે કે સોનાલી મહેતા એ સ્વયં નક્કી કરી શકતી નથી! ‘વાદળોની દીવાલ’માં પોતાના અહમ્ની સામે કોઈનું પણ ન સાંભળનાર અને સત્તાના મદમાં પૂરાયેલ સાવિત્રીદેવીનું વ્યક્તિચિત્ર આલેખાયું છે. આખરે સાવિત્રીદેવીનો આ સત્તાશીલ સ્વાભાવ જ તેને એકલતા તરફ ધકેલે છે! ‘અને હું જીવું છું’ આત્મચરિત્રાત્મક શૈલીએ કહેવાયેલ વાર્તા છે. ભૂતકાળની સ્મૃતિઓના ભાર તળે દબાયેલો નાયક, પોતાના પ્રેમને ન સ્વીકારી શકવાની લાચારી, પિતાને ગુમાવી દેવાના વેદનાપૂર્ણ સ્મરણોથી ઘેરાઈ આપઘાત સુધી પહોંચે છે પરંતુ બ્હારનું દૃશ્ય તેને આ ચકરાવામાંથી બહાર લાવે છે અને હાથની શીશી સરી પડે છે! ને તે બચી જાય છે. બાળપણમાં ગુમ થઈ ગયેલ ભમરડો નાયકનાં પ્રિય સ્વજનો સાથેનાં સ્મરણો છે અને ભમરડા વગરની દોરી જાણે કે તે સ્વયં છે! નાયકની સ્થિતિને અસરકારકતાથી પ્રગટ કરવા માટે ભમરડો અને એકલી પડેલી દોરીનો કાર્યસાધક વિનિયોગ થયો છે. ‘બાંકડા’ ટોળાં વચ્ચે જીવનાર મનુષ્યના ખાલીપાને આલેખતી વાર્તા છે. ભરબપોરે ટોળાંથી નાસી એક ખાલી બાગમાં પ્રવેશતો નાયક ખાલી બાગ, ખાલી બાંકડાને જોઈ ભૂતકાળમાં પ્રવેશે છે. ભૂતકાળનાં સ્મરણો દ્વારા નાયકના સ્વાર્થી પારિવારિક સંબંધો અને વર્તમાન સંબંધોના સ્મરણોથી થતી ભીંસ, સ્વજનો વચ્ચે પણ એકલા હોવાની અનુભૂતિને પ્રગટ કરે છે. નાયકની બાગના તપ્ત બાંકડાની સાથે પોતાની જાતની સરખામણી એ અર્થમાં સૂચક છે.
સુરેશ દલાલની વાર્તાકળા : નગરની ભીડમાં જીવતા માનવીની એકલતા, યાંત્રિકતા, દામ્પત્યજીવનના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે સર્જકે ભાષા અને કલ્પન પાસેથી કાર્યસાધક કામ લીધું છે. કાવ્યભાષાની નજીક પહોંચતી વાર્તાની ભાષા સૂક્ષ્મ સંવેદનોને વાચા આપવામાં સક્ષમ બની છે, જે સર્જકની વાર્તાકળાનો સુખદ અનુભવ કરાવે છે. કેટલાંક ઉ. દા. નોંધીએ –
દામ્પત્યજીવનમાં ઊભી થતી સમસ્યાઓ, એક બીજા સાથે ગોઠવાવામાં ઊભી થતી મુશ્કેલીઓની સાથે સુખદ દામ્પત્યજીવનમાં એક પાત્રના મૃત્યુને કારણે સર્જાતો ખાલીપો અને રોજબરોજમાં બનતી ઘટનાઓને નિરૂપતાં આ અસરકારક કલ્પનો અને પ્રવાહી ભાષા સર્જકની વાર્તાકળાનો પરિચય કરાવે છે. આ સંદર્ભે ઉત્પલ ભાયાણીનું તારણ યોગ્ય છે – “સુંદર, સૂચક અને અસરકારક કલ્પનોમાં વણાયેલું આ એક નાગરિકનું સંવેદન છે. આધુનિકતાની નજરે અહીં કદાચ ‘નવું’ બહુ ઓછું છે, પરંતુ જોવાનું એ છે કે તે કારણે તેનાં સચ્ચાઈ અને સૌંદર્યમાં ક્યાં બાધ આવે છે.” (પ્રસ્તાવના, પૃ. ૧૦)
સંદર્ભ : ‘પિન-કુશન’, સુરેશ દલાલ, પ્ર. આ. ૧૯૭૮, પ્ર. ચીમનલાલ પી. શાહ, મુંબઈ.
ડૉ. સુશીલા વાઘમશી
ગુજરાતીના પ્રાધ્યાપક
સરકારી વિનયન-વાણિજ્ય દયાપર કૉલેજ
લખપત, જિ. કચ્છ
મો. ૯૯૧૩૧ ૪૦૮૮૮