ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/ઈલા આરબ મહેતા
કોશા રાવલ
વાર્તાકાર : ઇલા આરબ મહેતા (૧૬-૬-૧૯૩૮) ઇલા આરબ મહેતા, પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર ગુણવંતરાય આચાર્યનાં પુત્રી છે. ઇલાબહેનનું વતન જામનગર પણ કર્મભૂમિ મુંબઈ. એમણે ૧૯૫૮માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૦માં એ જ વિષય સાથે એમ.એ. કર્યું. ઈ. સ. ૧૯૬૦થી ૧૯૬૭ સુધી અધ્યાપક તરીકે કામગીરી કરી. ભાવકને કથાપ્રવાહમાં ખેંચી રાખે તેવી સાંપ્રત સમયની વિચારધારાને સાંકળતી વાર્તાઓ અને નવલકથાઓ, નવલિકાસંગ્રહ મળીને તેમની પાસેથી વીસેક કૃતિઓ મળી છે. ઇલાબેન પ્રતિબદ્ધ સર્જક છે. એમના નવલિકા સંગ્રહો નીચે મુજબ છે . ૧. ‘એક સિગરેટ એક ધૂપસળી’ (૧૯૮૧), ૨. ‘વિયેના વુડ્ઝ’ (૧૯૮૯), ૩. ‘ભાગ્ય રેખા’ (૧૯૯૫) ૪. ‘બળવો બળવી બળવું’ (૧૯૯૮), ૫. ‘યોમ કિપૂર’ (૨૦૦૬). ૬. ‘કાળી પરજ’ (૨૦૧૪) ૧. ‘એક સિગરેટ એક ધૂપસળી’ વાર્તાસંગ્રહ ઈ. સ. ૧૯૮૧માં ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયો. ૨. તેમ જ ૧૯૮૯માં ‘વિયેના વૂડ્ઝ’ વાર્તા સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું પરિતોષિક પ્રાપ્ત થયું. ૩. ‘ધ ન્યૂ લાઇફ’ને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ ઇનામ મળ્યું. ૪. ‘યોમ કિપૂર’ને ઈ. સ. ૨૦૦૬માં ચુનીલાલ મડિયા પુરસ્કાર પ્રાપ્ત થયો. તેમજ મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. ૫. ‘ઝીલી મેં કૂંપળ હથેળીમાં’ એ મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૦૭નું પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું. ૬. ‘કાળી પરજ’ વાર્તાસંગ્રહને ૨૦૨૪નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મળ્યું હતું. ઇલા આરબ મહેતાની વાર્તાઓ : ગુજરાતી વાર્તાઓમાં એક વાર્તાજૂથ સુરેશ જોષી આદિની અસરમાં આધુનિક ટૂંકી વાર્તાઓનું ખેડાણ કરે છે. બીજા મધ્યમમાર્ગી જૂથના લેખકો વાર્તામાં ઘટનાને ફુલાવવાનું, બહેલાવવાનું પરંપરાગત વલણ ધરાવે છે. ઝીણવટભર્યા વર્ણન અને સાંકેતિક કથનરીતિ અપનાવે છે. ભાષાનો રચનાગત ઉપયોગ વધારે જવાબદારીથી કરવાનું પણ બને છે. આ જૂથ આધુનિકવાદી વલણોથી પ્રત્યક્ષ પ્રમાણથી પ્રભાવિત થયા વિના જીવન અનુભવોને લઈ પરંપરાગત સ્થિતિમાં જરૂર જેટલાં પરિવર્તનો કરી વાર્તા લખે છે.”૧ એમની વાર્તાઓ સંદર્ભે ડૉક્ટર પારુલ પ્રધાને કરેલી ચર્ચા ઉપયુક્ત છે. આ પરંપરામાં રઘુવીર ચૌધરી અને સરોજ પાઠક મુખ્ય છે. આ ધારામાં વર્ષા અડાલજા, કુંદનિકા કાપડિયા, ભગવતીકુમાર શર્મા તેમજ ઇલા આરબ મહેતા સામેલ કરી શકાય. વાર્તા વિષયો : ઇલાબહેનની વાર્તાઓમાં વૈશ્વિક સ્તરે વિસ્તરતી ચેતનાઓ, કુટુંબજીવનના તૂટતા આધારો, નારીજીવનના સંઘર્ષો, નારીમુક્તિ, સંબંધોનાં પોલાણ, દાંપત્યજીવનનાં સુખ-દુઃખ, સાંસ્કૃતિક તફાવતો, એકલતા જેવા સમાજજીવનના સાંપ્રત અનુભવો – વાર્તાના વિષયવસ્તુ તરીકે આવ્યા છે. એમની વાર્તાઓમાં આલેખાયેલ સામાજિક અને “માનવીય વાસ્તવ ઠીક અંશે બુદ્ધિગ્રાહ્ય હોય છે એટલે તેમાં ઘટના ચરિત્ર,વિકાસ અને ભાવસંવેદના વચ્ચેના આંતર સંબંધોની સમજવામાં ઝાઝી મુશ્કેલી પડતી નથી.” એમના વાર્તાઓ વિશે જોઈએ :
‘એક સિગરેટ એક ધૂપસળી’ (૧૯૮૧) : આ સંગ્રહમાં વિવિધ સંવેદનોની બાવીસ વાર્તાઓ છે. જે નારીકથનકેન્દ્રી છે. ‘એક સિગરેટ એક ધૂપસળી’ વાર્તામાં નાયિકા શુભાને ધૂપસળીની જેમ સળગી સુવાસના આદર્શ રાખતા સમાજના વિરોધમાં સિગરેટ ફૂંકતી બતાવી તેના વ્યક્તિત્વમાં આંદોલિત થતાં વિરોધને વ્યક્ત કર્યો છે. અહીં કથાનાયિકા ડૉક્ટર શુભા પોતાનાં અરમાનોનો ભોગ આપી, પતિ અને સસરાના મૃત્યુ પછી, સાસુ સાથે એકલી રહેતી હોય છે. એકલતાને નાથવા એ સિગરેટ પીતી થઈ જાય છે. ડૉક્ટર હોવા છતાં સાસુની ચારિત્ર્ય વિશેની શંકાઓથી ડરે છે. સાસુ(બા)ની હાજરીમાં રૂંધામણ અનુભવે છે. શુભાની સિગરેટ માટે તલબ હૂંફ માટેની તડપ કે એકલતાથી ઉબાઈ ગયેલી જિંદગીને જીવવાની તલબ છે. બા સાથે ઉપરછલ્લું જીવતી શુભાને જ્યારે બા કહે છે કે, “મામા કહેતા હતા કે શુભા તો સાચે દેવી છે! એનું જીવન એટલે ધૂપસળી.” બરાબર એ જ સમયે જમીનના ખૂણેથી સિગરેટનું બળેલું ઠુંઠું બાના હાથમાં આવે છે. બાનો ફાટેલો અવાજ, શુભા આ શું છે? ત્યાં વાર્તા અટકે છે. વિધવા સ્ત્રી પાસે લોકોની અપેક્ષા સામે – તેની એકલતા સમજવાની દૃષ્ટિ હોતી નથી. સ્ત્રીનું જીવન ધૂપસળી જેવું પવિત્ર હોવું જોઈએ, એવો આદર્શ થોપતો સામાજિક ઢાંચો સ્ત્રીનું કેવું શોષણ કરે છે. અન્ય એક વાર્તા ‘પાંખ’ પુરુષપ્રધાન સમાજમાં દબાઈ ગયેલી સ્ત્રીને પાંખો આવે ત્યારે કેવી અનુભૂતિ થાય, એ વાત કહી છે. વાર્તાનાયિકા સોનલ એના પતિ રાકેશની રાહ જોવા સજી-ધજીને ઝરૂખે ઊભી રહેતી, એથી રાકેશ શંકા અનુભવતો. એવામાં કોઈ બાળપણનો સાથી સોનલને મળવા આવે છે. રાકેશના મનની અકારણ શંકાને લીધે એમનું દાંપત્યજીવન છિન્નભિન્ન થઈ જાય છે. રાકેશ સોનલને રાત્રે બાર વાગ્યે ઘરની બહાર ધકેલી, બારણા બંધ કરી દે છે. અહીંથી વાર્તાકારે કપોળકલ્પિત પ્રયુક્તિથી વાર્તાનો ઘાટ ઘડ્યો છે. બેભાન સોનલ તંદ્રામાં પંખી બની ઊડે. પોતાના લોખંડના પંજાને બારી મહીથી નાખી રાકેશને ગળચી દબાવી નીચે પાડે. હવા બની ઝૂમે, મૉડર્ન સ્ત્રી બની પાર્ટીમાં મહાલે, પતિને અવગણે. પરંતુ ભાનમાં આવતાં પોતાના દુર્બળ પીળા હાથ જોઈ, પાંખો કપાઈ જતી કબૂતરી જેવી વેદના અનુભવે. બેભાન અવસ્થામાં પતિને પાઠ ભણાવવાનો આક્રોશ હતો તે ભાનમાં આવતાં લાચારી નીચે દબાઈ જાય છે. ‘ઘરના ઉંબરમાં’ વાર્તાનાયિકા અદિતિ અને એના પતિ રિખવ વચ્ચે સાસુની વધારે પડતી દખલગીરીને કારણે કેવી ત્રિશંકુ જેવી દશા થાય છે, એ દર્શાવ્યું છે. અદિતિને લાગે છે કે પોતે એકલી જીવનના ઉંબરમાં અટવાઈ પડી છે. આ ઘરમાં સ્વામીની જેવું જીવન ક્યારેય નહીં મળે, એ ભય અને દર્દ, ઘરના ઉંબરે અટવાઈને રહી જાય છે. વાર્તાનાયિકા અદિતિને સાસુ ઉંબર સમાન લાગે છે. પતિનો માતા માટેનો અત્યંત લગાવ અદિતિની પત્ની તરીકેની સંવેદનાઓને કુંઠિત કરી દે છે. આ સંગ્રહની અન્ય વાર્તાઓમાં ‘ક્ષિતિજ’માં સ્તનકેન્સરને કારણે નારીત્વની ઓળખ ગુમાવવાની તીવ્ર વેદના અને એકલતા અનુભવતી વાર્તાનાયિકા, કેવી રીતે ફરી બેઠા થવાનું બળ મેળવે છે, તે દર્શાવ્યું છે. તો ‘વૃક્ષ વાવ્યું’ એ વાર્તામાં વૃક્ષના પ્રતીકથી સ્ત્રીનું અંકુર ફૂટવું, પાંદડાથી લહેરાવું જેવાં પ્રતીકો દ્વારા વાર્તા નાયિકાને પોતાનું સ્ત્રીત્વ ખીલવવું છે. પરંતુ ઘરમાં પરણીને તેનું સ્થાન દાસી જેવું બની જાય છે. અંતે સ્વપ્રીતિ અનુભવી વાર્તાનાયિકા છોલાતી, ઉઝરડાતી કેવી રીતે સાચું સૌંદર્ય જાળવી રાખે છે, એ વિષયવસ્તુ વાર્તાને રોચક બનાવે છે. પત્નીની સુંદર કાયાથી મોટા સાહેબને ખુશ કરવાની ઇચ્છા રાખતા પતિની વાત ‘આજ સાંજ’ વાર્તામાં રજુ થઈ છે પોતાના સ્ત્રીત્વ અને કરુણામાં જીવન જીવવા માગતી છાયાની વેદના ‘સમર્પણ’ વાર્તામાં, તો પતિના આદર્શોને અનુરૂપ થવા ‘હું પણ એ જ વિચારતી હતી’ની સુનિતામાં લગભગ સરેરાશ ભારતીય સ્ત્રીની દશાનો ચિતાર મળે છે. આ ઉપરાંત ‘રસ્તો’, ‘થોર’, ‘અહલ્યા’ જેવી વાર્તાઓમાં મધ્યમવર્ગી સ્ત્રીઓના સુખદુઃખને, વાર્તામાં રસપ્રદ રીતે આલેખ્યાં છે. “વાર્તાકાર ઇલા આરબ મહેતા નારી હૃદયના સંકુલ ભાવો, મનોસંચલનો સરસ રીતે આલેખી શક્યાં છે.” ‘વિયેના વુડ્ઝ’ (૧૯૮૯)માં કુલ સત્તર વાર્તાઓ છે. સંગ્રહની શીર્ષકસ્થ વાર્તા ‘વિયેના વુડ્ઝ’ વાંચી ધીરુબેનની વાત સાથે સહમત થઈ શકાય છે. “ઇલાબહેને દુનિયા જોઈ છે, બીજા દેશોના જીવન વ્યાપાર અને પ્રકૃતિ સૌંદર્ય એમના લખાણમાં ઝીલાયા છે. એમની આ ટૂંકી વાર્તાઓમાં એ પાશ્ચાત ભૂમિકામાં છે. તેનો વ્યાપ ઘણો મોટો છે.”૪ ‘વિયેના વુડ્ઝ’ વાર્તામાં મોતીભાઈ અને અમિત વિયેના આવે છે. આખા રસ્તે ‘હમીદોસ્તો, જમીદોસ્તો’ કહી મોતીભાઈ વિયેનાનાં મોંફાટ વખાણ કરે છે. અહીંની જીવનશૈલી મધુર તરજો અને નાચગાન જોઈ અમિતને પણ વિયેના સ્વર્ગનું બીજું નામ છે, એવું લાગવા માંડે છે. પોતાના દેશનું ખોદતા અને પારકા પ્રદેશની ખુશામત કરતા ફરતા હોય છે, ત્યાં કોઈ ભાઈ એમને એક અંતિમક્રિયામાં પૈસા દઈ હાજરી આપવા માટે બોલાવે છે. મરનાર વૃદ્ધની એવી ઇચ્છા હતી કે તેનું મરણ થાય ત્યારે થોડા મિત્રો આવે. એમની પત્ની મરણ પામી હતી અને દીકરાઓ રજામાં બરફ પર સરકવા નીકળી ગયા હતા. સો ડૉલરમાં બંને એ અજાણ્યા વૃદ્ધની અંતિમક્રિયામાં હાજરી આપે છે. મોતીભાઈને આઘાત લાગે છે કે વિકેન્ડ ન બગાડવા, બાપને અંતિમ વિદાય આપવાનો પણ દીકરાઓને સમય નથી. મોતીભાઈ તિરસ્કારથી વિયેનાના રસ્તા પર થૂંકે છે. ‘શરણાગતિ’ વાર્તામાં એકલા રહેવા ઇચ્છતા વાર્તાનાયકને પત્ની સાથે દંભી સોસાયટીમાં ફરવું પડે છે, ટોળામાં રહેવું પડે છે. એની અવદશા વ્યંગ સાથે વ્યક્ત થાય છે. ધીરુબેન પટેલ નોંધે છે કે “વ્યંગ અને વિનોદ એમના લેખનને વધારે વાચનક્ષમ બનાવે છે. કેટલીકવાર કવિત્વમય બનતી એમની શૈલી કવચિત્ નારીવાદના ભારમાં દબાઈ જતી દેખાય પરંતુ સાહિત્યકાર જો પોતાનું માનસિક વલણ પોતાના લખાણમાં પ્રગટ ન થવા દે તો એને મજા ન આવે.”૫ ઉપરોક્ત વિધાનમાં ઇલાબેનની ખૂબી અને ખામી બંને છે. ‘વિસ્તાર’ વાર્તામાં પતિ અને તેના ઘરના માટે જાત ઘસી નાખતી મમતાને ત્યજી, એનો પતિ પ્રેમિકા સાથે જવા તૈયાર થાય છે. આઘાતમાં આવી મમતા ઘરની બહાર નીકળે છે. ત્યાં ગરીબ બાળકીનું હાસ્ય જોઈ એને ધરતી પર ફેલાયેલી વેદનાનો વિસ્તાર અનુભવાય છે. આ સભાનતા કેળવતાં એ હળવી બની જાય છે. વાર્તાના અંતે મમતાએ લીધેલા દૃઢ નિર્ણયથી તેનું પાત્ર જીવંત અને સ્વાભિમાની જણાય છે. ‘પતિ-પત્ની’ વાર્તામાં વિરોધી પ્રકૃતિ ધરાવતા નરેશ અને માલતીના દાંપત્યજીવનના વિસંવાદનો ભોગ તેની નાની પુત્રી નેહા પર કેવો પડે છે, એ વાત રજૂ થઈ છે. તો ‘ચક્ર’માં આખા ઘરનું કામ કરતી ઊર્મિનું ઘરમાં અવમૂલ્યન થતું રહે છે. ત્યારે બહારથી આવેલી લીંડા ઊર્મિના જીવનબલિદાનને બિરદાવે છે. પરિવારને એકતાંતણે બાંધવા જાત ઘસી નાખતી સ્ત્રીનું ચક્ર કદી ફરતું નથી, એવી વાત છે. ઘરનોકરનો વિશ્વાસઘાત સહેતી અંજલીની વાત ‘ફરી એકવાર એમ જ બન્યું’માં, વર્ષો પછી વતન આવેલી લોપાના આઘાત પ્રત્યાઘાતોની વાત ‘પરિવર્તન’ વાર્તામાં આલેખાઈ છે. ‘ભાગ્ય રેખા’ ૧૯૯૫માં પ્રગટ થયેલ આ વાર્તાસંગ્રહમાં સમાજ-જીવનનાં વિવિધ પાસાંઓનું વર્ણન થયું છે. વાર્તાસંગ્રહમાં વાસ્તવનું નિરૂપણ વ્યંગ સાથે જોવા મળે છે. ‘વિમુક્ત’ વાર્તામાં શ્રીમંતાઈ અને ગરીબાઈમાં પસંદગી કરવામાં પીસાતી બે બે’નપણીઓ શાલુ અને માલુ એક જ ગરીબ છોકરા મુદિતના પ્રેમમાં પડે છે. શાલુ ગાડી બંગલાથી મોહી, સંજય નામના ધનવાન યુવક સાથે લગ્ન કરે છે, પરંતુ આ પૈસાદાર સાસરિયા દહેજ માંગે છે. પૈસાદાર લોકોની ઓછપ છતી થતાં, એ છૂટાછેડા લે છે. જ્યારે માલુ મુદિતને ખરા દિલથી ચાહતી હોવાથી એની સાથે લગ્ન કરી, સાચા અર્થમાં સહચરી બને છે. મુદિતને ભણાવવામાં મદદરૂપ થાય છે, મુદિતને સારી નોકરી મળતાં સફળ લગ્નજીવન જીવે છે. જ્યારે શાલુ હંમેશા પૈસાના મોહમાં સાચો પ્રેમ તરછોડ્યો એનો પશ્ચાત્તાપ અનુભવતી એકલી રહે છે. સાસરિયાને દહેજ આપવાનો ઇન્કાર કરતી શાલુમાં આધુનિક નારીવાદનો મિજાજ જોઈ શકાય છે. ‘થાકેલાનો વિસામો’ વાર્તામાં અભણ હોવાને કારણે ઉમાથી અસંતૃષ્ટ, પતિ વકીલ પ્રણવરાય ‘બોલ્ડ અને બ્યુટીફૂલ’ સુનંદાથી આકર્ષાય છે. પરંતુ સુનંદા વિશ્વાસઘાત કરતાં એ ફરી થાકેલાના વિસામ સમી પત્ની ઉમાના શરણે આવે છે. સહનશીલ ભારતીય નારીના મૂર્તિમંત રૂપ સમી ઉમા એમને સમજદારીથી સાહી લે છે. આમ જોઈએ તો વાર્તાનાં બંને સ્ત્રીપાત્રો સુનંદા અને ઉમા – પુરુષપ્રધાન સમાજથી શોષિત પાત્રો છે. શિક્ષિત સુનંદા કરતાં અભણ ઉમાનું પાત્ર ઉદાત્ત છે, જે પતિના ગુણદોષને સહ્યા પછી સમજદારી દાખવે છે. ડર્યા વિના પોતાની વાત સ્પષ્ટ રીતે કહેતી સુચેતાની વાત ‘સમજદારી’ વાર્તામાં છે. આધુનિક સ્ત્રી કેવી હોવી જોઈએ તે અહીં દર્શાવ્યું છે કે જે ડર્યા વિના સાચી વાત પતિને પણ કહી શકે અને સત્ય માટે લડી પણ શકે. છતાં જરૂર પડી ત્યારે સુચેતાએ સમજદારી દાખવીને પોતાનું દાંપત્યજીવન બચાવી પણ લીધું. આમ, વિવિધ પાત્રોની મનોદશા અને સમજશક્તિ આ સંગ્રહની વાર્તામાં ઉઘાડ પામ્યાં છે.
‘બળવો, બળવી, બળવું’ (૧૯૯૮)માં પ્રગટ થયેલ આ વાર્તાસંગ્રહ નામ પ્રમાણે જ આધુનિક નારીના બળવા વિશે વાત કરે છે. કુલ ૨૬ વાર્તાઓમાં સ્ત્રીના આંતરિક બળવાઓને, ઘટનાની એરણ પણ રાખતી વાર્તાઓમાં નારીવાદના તણખા જોઈ શકાય છે. “નારીવાદી વાર્તા રચવામાં ઇલાબહેને નારીને ખૂબ ઝીણવટથી રજૂ કરી છે અને નારીચેતનાનાના વિવિધ આયામોને સર કરી અનુઆધુનિક નારીનું એક નવું જ સ્વરૂપ આપણી સામે પ્રગટ કરી આપ્યું છે”૬ સંગ્રહની શીર્ષકવાર્તા ‘બળવો, બળવી,બળવું’માં મારપીટ કરતા જુગારીયા પતિ સાથે રહેવા કરતાં બળીને મરવા ઇચ્છતી, સુશીલા શાળામાં પાઠ લેવા જાય છે. બોર્ડ પર ૧૮૫૭નો બળવો લખે, ત્યાં એક વિદ્યાર્થિર્ની પૂછે છે કે ‘બળવો’ સંજ્ઞા પુંલ્લિંંગ શા માટે? બળવી કેમ નહીં? એ પછી અનેક સંજ્ઞાઓ વિશે સ્ત્રીલિંગ અને પુંલ્લિંંગની વાતો ‘ચાંદલા’ સુધી પહોંચી ત્યારે સુશીલાને લાગ્યું કે ચાંદલો પુંલ્લિંંગ હોવો જરૂરી નથી. ‘બળવો’ શબ્દ તેને જીવનસંગ્રામમાં લડવા માટે તૈયાર કરે છે, એ ઘર છોડી નીકળી જાય છે. ‘ડોલ્સ હાઉસ’ની નોરાનો પડઘો અહીં જોઈ શકાય છે. સંગ્રહની અન્ય વાર્તા ‘પગલુછણિયું’માં આખી જિંદગી જેની માટે જાત ઘસી નાખી તે પતિ અને દીકરીના વલણથી પોતાની જાતને તદ્દન નકામી માનતી લીલાવંતી માને છે તાણીતુશી બચાવેલા પૈસા વાપરવાનો હક પોતાને નથી. લીલાવંતીને સાડી લેવાનું મન થયું હોવા છતાં બચાવેલા પૈસામાંથી એ ‘પગલુછણિયું’ લઈ આવે છે જે એની મોનોદશા વ્યંજિત કરે છે. ‘માર્જિનલાઇઝ્ડ’ વાર્તામાં નાયિકા ઇન્દુની હાંસિયામાં ધકેલાઈ જવાની વાત છે. ઘરના સંજોગોને લઈ પરણી ન શકેલી ઇન્દુને, ગુજરાતીની પ્રાધ્યાપિકાની, શી કિંમત કહી? ગામડામાં ધકેલાઈ, વાઇસ પ્રિન્સિપાલ ન થવા દેવાઈ, સહકર્મચારીઓ દ્વારા અવગણાઈ. હવે રિટાયર્ડ ઇન્દુ માટે ઘર નાનું પડે છે કહી ઘરનાં લોકો ધકેલવા માગે તો પણ ઇન્દુને હવે હાંસિયામાં ધકેલાઈ જવું નથી એવો નિર્ધાર વાર્તા અંતે આવે છે. પરદેશી માહોલની વાર્તા ‘આપણા ભગવાનનું નામ’માં એન.આર. આઈ., લંડનના પરામાં પતિના અવસાન પછી એકલા રહેતાં બકુલાબેન દીકરી શીતલને સારે ઠેકાણે પાર પાડવાની ચિંતામાં છે. એમનો પડોશી હમીદ, પત્ની બળી મરતાં, એકલો રહેતો હોય છે, જે મનોમન બકુલાબેનને ચાહતો હોય છે. આ બાજુ શીતલ ડ્રિંક્સ લે, નિગ્રો સાથે ફરે, રાત્રે મોડી આવે, એને લઈ મા-દીકરી વચ્ચે બોલાચાલી થતાં શીતલ ઘર છોડવાનું નક્કી કરે છે. પણ એને રોકતાં હમીદ જ્યારે સમજાવે છે કે, “હું એનો સાથ ઝંખું છું, (શીતલની માતા બકુલાબહેન) પણ એને હું મૂળથી ઉખેડીશ નહીં. હું જાણું છું એ કયા ધર્મમાંથી આવે છે કયા સંસ્કારો એના લોહીમાં વહે છે.” આ સાંભળી શીતલનું હૃદય પરિવર્તન થાય છે. ‘અપ્સરા’ વાર્તામાં વેશ્યા જીવનની કરુણ વાસ્તવિકતા, ‘દેવકન્યાનું મૃત્યુ’માં પોતાના હક માટે બંડ પોકારતી સ્ત્રીની લડત, પોતાનું અલગ અસ્તિત્વ જોવાના અબળખા સેવતી વાર્તા નાયિકાનો પોતાની થનારી વહુને ‘વેલકમ’ કહી સમાધાન સ્વીકાર. ‘મર્સિનરી’માં પોચટ પતિ સુમનની પત્ની હેમા પરની પોકળ શંકાઓ પાછળની કરુણતા આદિ વાર્તાઓ દ્વારા એકંદરે આદર્શોમાં પીસાતી સ્ત્રીનો, પોતાના અસ્તિત્વ માટેનો સંઘર્ષ – આ વાર્તાસંગ્રહનું લક્ષણ વિશેષ બની રહે છે.
‘યોમ કિપૂર’માં કુલ ત્રેવીસ વાર્તાઓ છે. આ સંગ્રહની વાર્તાઓનું વિષય વૈવિધ્ય સારું છે. ‘યોમ કિપૂર’ વાર્તામાં ઇઝરાયેલના પ્રવાસે ગયેલા નેહા અને સુરેશ એક મિત્ર રચેલના ઘરે ડિનર લેવા જાય, રચેલ અને નેહા યોમ કિપૂર શહેરમાં ફરે છે. તે દિવસે શહેરમાં આત્મશુદ્ધિનો સોમવાર હોય છે. ત્યાં મળેલા કેપ્ટન ડોવે રચેલ સામે બળાપો ઠાલવતાં કહે છે, આતંકવાદી હુમલામાં એમણે નિર્દોષ બાળકોને મારવાની ના પાડી. પોતાના માનવતાના આદર્શો પર અડગ રહેતાં કેપ્ટન ડોવના એકના એક પુત્રનું બીજે દિવસે બૉમ્બમારામાં અવસાન થાય છે. વિધિની વક્રતા અહીં જોઈ શકાય છે. આ વાર્તા માનવતા સામે યુદ્ધની વિભીષિકા અને એમાંથી નીપજતી કરુણતાના આયામો ખોલે છે. ‘સ્ટોરી ઑફ એશએન પેટ’ ભારતીય અભિષેક વતન આવે પત્ની સંગીતાનો અમેરિકા પ્રત્યેના મોહને લીધે પોતાના બંને બાળકો ગૌરવ/ગેરી અને મંદિરા/મેન્ડી ભારતીય સંસ્કારોને ભૂલી ગયાં છે. એ દુઃખ તો છે. વધુમાં પત્નીના અપમાનજનક વર્તનને કારણે અભિષેકે વૃદ્ધ માતાપિતાને વૃદ્ધાશ્રમમાં ભરતી કરાવવાં પડે છે. અભિષેક બે કલ્ચરની વચ્ચે કેવો ભીંસાય છે, તેની વેદના અહીં જોઈ શકાય છે. ‘છેલ્લો શોટ’ વાર્તામાં તોફાનગ્રસ્ત વિસ્તારોના ફોટો લેતા પત્રકાર સુમેધા અને શ્રીધરની માટે, કુમળા બાળકો, એમની માતા અને ગલુડિયાની હત્યા માત્ર ‘મસ્ત છેલ્લો શોટ’ બની રહ્યો. પૈસાદાર અને વગદાર લોકોના અમાનવીય વલણની વાત વાર્તામાં કરુણતા વ્યંજીત કરે છે. ‘શમિક તું શું કહેશે?’માં મધ્યમ વર્ગીય યોગીની ઑફિસમાં સાહેબની હલકી મજાકનું ભોગ બની, વલવલાટ અનુભવે છે પણ કશું કરી શકતી નથી. અંતે તૂટેલા ચપ્પલને સ્થાને નવા ચપ્પલ લઈ બોસની સામે બાથ ભીડવાનો નિર્ધાર કરે છે. ‘બાવનનો સઘળો વિસ્તાર’ આ વાર્તામાં મોટી મોટી વાતો કહેતા વિનીતથી પ્રભાવિત થઈ આદિવાસી વિસ્તારમાં જઈ જીવન ફના કરનાર હેમંત, વર્ષો બાદ, વિનીતને મળીને મોહભંગ અનુભવે એની વાત છે. તો પતિના મૃત્યુ પછી દીકરા કે દીકરી સાથે રહેવાને બદલે પોતાની જાત સાથે રહેવા ઇચ્છતી સ્ત્રીની વાત ‘હું છું ને’માં ઉજાગર થઈ છે. ‘ભાઇલો બાઇલો’ વાર્તામાં એકાઉન્ટને બદલે નૃત્યનો વિષય લેવા ઇચ્છતો મિલન ઉર્ફે ભાયલો એના પિતા વિનોદભાઈ દ્વારા તિરસ્કારાય છે, ‘નાચણિયા થવું છે તારે? નાચણિયા.’ પ્રિન્સિપાલની સમજાવટ છતાં વિનોદભાઈને ગળે એ વાત ઊતરતી નથી કે ભાયલો નૃત્ય સાથે ૧૦માની પરીક્ષા આપે. બીજી બાજુ દીકરી સુચેતા સી.એ.માં ઓલ ઇન્ડિયા ફર્સ્ટ આવે ત્યારે ‘દીકરી નહીં દીકરો છે.’ એવું અભિમાન લેતા વિનોદભાઈને જોઈ ભાયલો મનોમન પૂછે કે, ‘દીકરીઓને કેદમાંથી છોડાવી પણ દીકરીઓને કેદમાં કાં રાખો છો?’ વિષય વૈવિધ્ય અને ગુણવત્તાની દૃષ્ટિએ આ સંગ્રહની વાર્તાઓ નોંધપાત્ર છે.
‘કાળી પરજ’(૨૦૧૪)માં કુલ સોળ વાર્તાઓ છે. શીર્ષક વાર્તા ‘કાળી પરજ’ વિશે જણાવતાં લેખિકા કહે છે કે દક્ષાબહેન વ્યાસે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પરનું સંશોધન પુસ્તક ‘ગામિત જાતિ-સામાજિક અને સાંસ્કૃતિક અધ્યયન’ એમને ભેટરૂપે આપ્યું. તેમાંથી પસાર થતાં આદિવાસીઓની રહેણીકરણી, રીતરિવાજ, તહેવારોની ઉજવણી જોઈ ઉજળિયાત ગણાતી કોમો કરતાં કઈ રીતે જુદી પડે છે, એ ખબર પડી. આ લોકો ધરતીની માટી સાથે કઈ રીતે જોડાયેલ છે, એ રસપૂર્ણ અહેવાલમાંથી ‘કાળી પરજ’ વાર્તા ઘડાઈ. વાર્તાનાયિકા કોકિલાના કુટુંબીજનો દલિત મંગળને ઢોરમાર મારે છે. આ અમાનુષી ઘટના દ્વારા, જેને આપણે દલિતો ગણીએ છીએ તેથી પણ ‘વધુ દલિત’ અને ‘નીચ’ એવા લોકોની માનસિકતાનું પ્રતિબિંબ વાર્તામાં પડે છે. જાતિભેદ અને શોષણની વ્યથા વાર્તામાં વ્યક્ત થાય છે. ‘કવિની ભોમકા’ આ વાર્તામાં એકવીસમી સદીમાં નાનીમા પોતે ‘સાપના ભારા’ની ચંદણીને ઉડવા માટે પાંખો આપે છે. અહીં વાર્તા નાયિકાના છૂટાછેડા અને બીજા લગ્નની વાત રસપ્રદ રીતે કહેવાઈ છે. વાર્તામાં ઈડરિયા પ્રદેશના ઉત્સવો અને લોકબોલી સુપેરે ઝીલાઈ છે. ‘કુંતી અને કર્ણ’ વાર્તામાં ધોધમાર વરસાદમાં પગથી માથા લગી તરબોળ સાત આઠ વર્ષનો છોકરો નાયિકાને ગજરો ખરીદવાનો આગ્રહ કરે છે. ત્યારે બાળક પ્રત્યેની કરુણતાથી લેખિકા દ્રવી ઊઠે છે ત્યારબાદ એ જ બાળકને બિલ્ડીંગના પગથિયા પર કુટુંબીજનો સાથે બેસી અને હસતો, ખાતો જોયો. આમ અતિ ગરીબ હોવા છતાં પણ પોતાનાં સ્વજનો સાથે ખુશ રહેતા બાળકની કથા હૃદયદ્રાવક બની છે. સંગ્રહની અન્ય વાર્તાઓમાં ‘સ્વાર્થી રાક્ષસ’માં પ્રકૃતિ અને બાગમાં બાળકોને રમવા દેવાની ના પાડતા રાક્ષસના બગીચામાંથી વસંત વિદાય લઈ જાય છે એ બાળપણમાં વાંચેલી વાર્તા યાદ આવે, અહીં લેખિકાનું અર્થઘટન એ વાર્તાથી આગળ વધે છે. ‘એક મૃત્યુ’ અને ‘મરણ ઉર્ફ જીવન’, બંને મૃત્યુવિષયક વાર્તાઓ છે. ‘બે અક્ષર ચાર દીવાલ’, ‘સિન્ડ્રેલાની હેપીનેસ’ સ્ત્રી-સંવેદનાને વ્યક્ત કરતી વાર્તાઓ છે.
વાર્તાકાર ઇલાબહેનની લાક્ષણિકતા નોંધીએ :
વાર્તાકાર તરીકે ઇલાબહેનની વાર્તા કહેવાની રીત રસપ્રદ છે. એમનાં વિષયવસ્તુ સાંપ્રત સમાજજીવનમાંથી આવ્યાં હોવાથી વાસ્તવિક લાગે છે. – સરેરાશ વાચકને એમની વાર્તાઓ પ્રવાહમાં ખેંચી લે, તેવો વળોટ એમણે કેળવેલો છે. – વાર્તાઓમાં સંવાદો બોલચાલની ભાષાના છે. એમાં લોકોના એક સપાટી પરના જે મનોવિચારણો વ્યક્ત થાય છે. જેને કારણે વાર્તાઓ વાંચતી વખતે વાચકને એકદમ જાણીતા લાગતા ભાવવિશ્વમાં લઈ આવે છે. – સામાજિક પ્રશ્નોની છણાવટ ધસમસતા કથાવેગથી તેઓ આગળ વધારે છે. – સ્ત્રીના પ્રશ્નો અને વેદનાને એમની વાર્તાઓમાં વિશેષ સ્થાન મળ્યું છે. એમની વાર્તાઓની મર્યાદા એ છે કે તેમાં ચિરંજીવ કહેવાય તેવાં તત્ત્વો બહુ ઓછાં છે. માત્ર સાંપ્રત વિષયોમાંથી વાર્તા ઘડતાં લેખિકાની વાર્તાઓમાંથી પસાર થતાં સામાન્ય ચોટ અનુભવાય, સામાન્ય સુખદુઃખની પ્રતીતિ થાય પણ દિલની અંદર ચચરે કે વર્ષો સુધી જે મનમાં વાગોળી શકાય, એવું શાશ્વત તત્ત્વ ભાગ્યે જ જોવા મળે છે. મોટા ભાગનું સામાજિક વાસ્તવ વીસ-પચીસ વરસે બદલાતું રહેતું હોય છે. આમ, રસપ્રદ હોવા છતાં એમની વાર્તાઓ સપાટીથી આગળ વધતી નથી. ઇલા આરબ મહેતા એ આજના યુગનાં પરંપરાગત શૈલીમાં સર્જન કરતાં વાર્તાસર્જક છે. એમની વાર્તાઓ અદના વાચકોને સહજ આકર્ષે છે. એમની વાર્તાઓ વ્યાપક વિષયવસ્તુ અને વાસ્તવ જીવનના આલેખનને લીધે વાચનક્ષમ બની છે.
સંદર્ભસામગ્રી :
૧. ‘સાઠોત્તરી ગુજરાતી ટૂંકી વાર્તા’, પારુલ પ્રધાન, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૫ પૃ. ૮૨
૨. ‘પ્રતીતિ’, પ્રમોદકુમાર પટેલ, ૧૯૯૧, પૃ. ૧૨૮
૩. ‘ધીરુબહેન પટેલ, ઇલા આરબ મહેતા અને વર્ષા અડાલજાની ટૂંકીવાર્તાઓ એક અભ્યાસ’, ચૌરા ગુલાબભાઈ બી., ઓનલાઇન સોર્સ : શોધગંગા, ૨૦૧૯
૪. ‘ઇલા આરબ મહેતાનો વાર્તા વૈભવ’, સંપા. ધીરુબેન પટેલ પ્રસ્તાવનામાંથી, ૨૦૦૯
૫. ‘ઇલા આરબ મહેતાનો વાર્તા વૈભવ’, સંપા. ધીરુબેન પટેલ પ્રસ્તાવનામાંથી, ૨૦૦૯
૬. લેખ : ઇલા અરબ મહેતાના નવલિકા સંગ્રહ ‘બળવો, બળવી, બળવું’માં નિરૂપાયેલ નારી ચેતના, નોલેજ કોન્સર્ટિયમ ગુજરાત, જર્નલ ઑફ હ્યુમિનિટી, ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૧, જિગીષા રાજ
કોશા રાવલ
એમ.એ., પીએચ.ડી.
વાર્તાકાર, સંશોધક
વડોદરા
મો. ૯૭૨૪૩ ૪૧૨૨૦