ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/કંદર્પ દેસાઈ

From Ekatra Wiki
Revision as of 02:53, 30 December 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
વાર્તાકાર કંદર્પ ર. દેસાઈ

રાજેશ વણકર

Kandarp Desai.jpg

કંદર્પ ર. દેસાઈનો જન્મ ૧૮ મે, ૧૯૬૧ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમનાં માતાનું નામ કાન્તાબેન દેસાઈ અને પિતાનું નામ રતિલાલ દેસાઈ હતું. તેમનું મૂળ વતન નવસારી જિલ્લાનું પૂણી ગામ છે. કંદર્પ ર. દેસાઈએ આયુર્વેદ ક્ષેત્રમાં બી.એ.એ.એસ. અને એમ.ડી. સુધીની પદવીઓ પ્રાપ્ત કરી છે. ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓએ ‘ગાંધીદર્શન પારંગત’નો અભ્યાસ પણ કર્યો છે. આયુર્વેદમાં લેક્ચરરથી નિયામક તરીકે સેવાઓ આપીને તેઓ નિવૃત્ત થયા છે. મુખ્યત્વે તેઓ વાર્તાકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ છે. તેમના વાર્તાસંગ્રહોમાં ‘કાંઠાનું જળ’ (૧૯૯૯), ‘ખાલી ફ્રેમ’ (૨૦૦૯), ‘સાદ ભીતરનો’ (૨૦૧૯) સમાવેશ થાય છે. ૨૦૧૦ની શ્રેષ્ઠ વાર્તાઓનું ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા એમણે ‘નવલિકાચયન’નું સંપાદન કર્યું છે. આ ઉપરાંત રમેશ ર. દવેની પ્રતિનિધિ વાર્તાઓનું પણ પારૂલ દેસાઈ સાથે મળીને સંપાદન કર્યું છે. ૨૦૧૫માં તેમની ‘આજની ઘડી તે’ નામની નવલકથા પ્રગટ થઈ હતી. સર્જકના સાહિત્યસર્જનમાં મુખ્યત્વે તબીબી વ્યવસાયનો પડઘો સંભળાય છે. માનવજીવનના સંબંધોની આંટીઘૂંટી રજૂ કરતી તેમની વાર્તાઓ અનેક સંસ્થાઓ દ્વારા પોંખાઈ છે. ‘પહાડોમાં મારું ઘર છે’ વાર્તા માટે વર્ષ ૧૯૯૨માં લેખકને કુમાર વાર્તા પારિતોષિક મળ્યું હતું. ‘કાંઠાનું જળ’ વાર્તા માટે ૧૯૯૯માં ‘પરબ’ વાર્તા પારિતોષિક મળ્યું હતું. ‘લોક’ વાર્તા માટે વર્ષ ૨૦૦૫માં ‘દલિત ચેતના’ વાર્તા પારિતોષિક મળ્યું હતું. તેમના ‘કાંઠાનું જળ’ વાર્તાસંગ્રહને ૧૯૯૯માં ‘કલાગુર્જરી’ પારિતોષિક મળ્યું હતું. ‘ખાલી ફ્રેમ’ વાર્તાસંગ્રહને ૨૦૦૯માં ગુજરાત સાહિત્ય અકાદમીનું ટૂંકી વાર્તા વિભાગમાં દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું હતું. ‘ખાલી ફ્રેમ’ વાર્તાસંગ્રહને ૨૦૦૯નો ધૂમકેતુ નવલિકા પુરસ્કાર પણ મળ્યો હતો. ‘આજની ઘડી તે’ નવલકથા માટે ૨૦૧૫નું ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. આમ, વાર્તાકાર કદર્પ ર. દેસાઈનું સર્જન સતત વિવિધ સંસ્થાઓ વડે સન્માનિત થતું રહ્યું છે અને તેમની સર્જન પ્રક્રિયા પણ સતત વિકાસોન્મુખ રહી છે. કંદર્પ ર. દેસાઈ અનુઆધુનિક ટૂંકીવાર્તામાં એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમની પ્રથમ વાર્તા ‘ટૂંકી લીટી – લાંબી લીટી’ ૧૯૮૭ના વર્ષમાં ‘સરવાણી’માં પ્રગટ થઈ હતી. એ રીતે આધુનિકતાનો અંત અને અનુ-આધુનિકતાના આરંભકાળથી આ લેખક વાર્તાસર્જન ક્ષેત્રે પ્રવૃત્ત છે. તેમની પાસેથી કુલ ત્રણ વાર્તાસંગ્રહો મળે છે : ‘કાંઠાનું જળ’ (૨૦૦૦), ‘ખાલી ફ્રેમ’ (૨૦૦૯), અને ‘સાદ ભીતરનો’ (૨૦૧૯). એમની મોટાભાગની વાર્તાઓ નગરજીવનનાં પાત્રોનાં સંકુલ મનોવિશ્વનું નિરૂપણ કરે છે. કંદર્પ દેસાઈ ‘કાંઠાનું જળ’ સંગ્રહની ‘અંતરિયાળ પડાવે’ નામની પ્રસ્તાવનામાં નોંધે છે કે : “બાગબાનીના શોખ દ્વારા બીજથી વૃક્ષ સુધીના વિકાસનો સાક્ષી બન્યો છું પરંતુ સાહિત્યમાં આ બધું જ મને એકસાથે-સામટું મળ્યું છે. અસલ વાત તો છે જાતને ઓળખવાની. આત્મધૃણા અનુભવતા ડૉક્ટર, તળાવકાંઠે કાંકરા ફેંકતો નાનભૈ, હિમશિખરોની ટોચને તાકતો વિક્રમ, કોસેટો તોડવામાં નિષ્ફળ જતો ગિરીશ, વિદ્યાર્થીઓના સ્નેહભાજન બનતા પ્રો. દેસાઈ અને અસંગી અમિતા – આ બધામાં કોઈ એક ક્ષણે મને મારી ભાળ મળી હતી. ત્યારેય પ્રશ્ન હતો અને આજેય છે કે શું હું માત્ર કદર્પ ર. દેસાઈ છું કે આ બધાં પાત્રો અને એમની નાનાવિધ જીવનસમસ્યાઓનો સરવાળો છું? જે ક્ષણે આ અઘરા સવાલનો જવાબ સાંપડશે ત્યારે કદાચ જાતને જાણવા-પામવાની આ મથામણ – આ યાત્રા જ પૂરી થઈ જશે.” આમ, આ વાર્તાકાર પોતાનાં પાત્રો સાથે તાદાત્મ્ય અનુભવીને વાર્તાસર્જન કરવા પ્રેરાય છે અને એ રીતે પોતાના સર્જનમાં આસપાસનાં પાત્રોની અનુભૂતિ સાથે પોતાના ‘સ્વ’ને જોડીને વાર્તાસર્જન કરે છે. ત્યારબાદ તેમનો બીજો વાર્તાસંગ્રહ ‘ખાલી ફ્રેમ’ ૨૦૦૯માં પ્રગટ થાય છે જેમાં ‘વધુ એક પડાવ’ નામની કેફિયતમાં લેખક નોંધે છે કે : “પહેલાં મારી વાર્તાના કેન્દ્રમાં માત્ર વ્યક્તિ હતી. હવે આ બદલાવ પછી વ્યક્તિની સાથે, એની પિછવાઈ રૂપે સમાજ પણ દેખાયો. એવો સમાજ જેમાં આપણે જીવીએ છીએ! ને તેથી મારાં પાત્રો પણ એવાં જ છે. સારાં-ખરાબ, સબળાં ને નિર્બળ. વધુ સ્પષ્ટતાથી કહેવું હોય તો ન પૂરાં સારાં, ન પૂરાં ખરાબ. કોઈપણ ભૂક્તભોગી અધ્યાપક પોતાની સંસ્થામાં વસંતસેનાને કે પછી પ્રો. યશોવર્ધનને જોઈ શકશે.” પ્રથમ વાર્તાસંગ્રહ ‘કાંઠાનું જળ’થી લેખકની સર્જનયાત્રા જ્યારે ‘ખાલી ફ્રેમ’ સુધી પહોંચે છે ત્યારે તેમના મતે આ વાર્તાઓ વ્યક્તિચેતનામાંથી સમાજચેતના સુધી વિસ્તરે છે. આ વાર્તાનાં પાત્રો સમાજની સારી-ખરાબ તમામ બાબતોને લઈને આ વાર્તાઓમાં નિરૂપાયાં છે. લેખકનો ત્રીજો વાર્તાસંગ્રહ ‘સાદ ભીતરનો’ ૨૦૧૯માં પ્રગટ થાય છે. આ વાર્તાસંગ્રહમાં પોતાની કેફિયત આપતાં તેઓ લખે છે કે : “એવું નથી કે દરેક વાર્તા લખવા માટે મારે કોઈને કોઈ રીતે-પ્રકારે સોશ્યલ મીડિયાનો આધાર લેવો પડ્યો છે. હું તો આજની વાત લખું છું. મારી-તમારી આસપાસ સાંપ્રત સમયમાં જીવતાં, વિવિધ સમસ્યાઓમાં ફસાતાં, પોતીકી આવડતે એને ઉકેલતાં કે પછી એને શરણે થતાં આપણી ચોપાસ વસતાં મનુષ્યોની વાત! એ સૌ પીડાની પળોજણ એટલી જ સહજતાથી વેઠે છે જેટલો લગ્નનો આનંદ! એ એની સહજ સમજ સાથે જીવે છે કે સહજતાથી કશું મળતું નથી કે છૂટતું નથી.” ત્રીજા વાર્તાસંગ્રહ સુધી આવતાં આ સર્જક સાંપ્રત સમયની વિશિષ્ટ પ્રકારની સાંપ્રત સમસ્યાઓનું આલેખન પોતાની વાર્તામાં કર્યું હોવાનું નોંધે છે. આ વાર્તાઓમાં સોશ્યલ મીડિયાના મનુષ્યજીવન પર પડતા પ્રભાવોનું પણ આલેખન છે.

‘કાંઠાનું જળ’

Kantha-nun JaL by Kandarp Desai - Book Cover.jpg

૨૦૦૦ના વર્ષમાં પ્રગટ થયેલ સંગ્રહ ‘કાંઠાનું જળ’ લેખકનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ દ્વારા પ્રગટ થયો હતો. સંગ્રહની પ્રથમ વાર્તા ‘ટૂંકી લીટી – લાંબી લીટી’ની નાયિકા સ્વાતિને તેના ભૂતપૂર્વ પ્રેમી અનિલ સાથે મુલાકાત થવાના સંજોગો ઊભા થાય છે. સ્વાતિ મિહિર સાથે પરણેલી છે. તેથી તે વર્તમાન અને ભૂતકાળ વચ્ચે સતત દોલાયમાન સ્થિતિમાં મુકાય છે. સમગ્ર વાર્તા અરૈખિક ગતિમાં ચાલે છે. સ્વાતિ ચિત્રકાર છે. તેણે પોતાનાં ચિત્રોનું જ્યારે પ્રદર્શન યોજ્યું હતું એ સમયે અનિલ સાથે મુલાકાત થઈ હતી. અનિલને સિગારેટ પીવાની ટેવ હતી, સ્વાતિએ તેને તમાકુ પીવાની પાઇપ લઈ આપી હતી. વાર્તામાં બીજું એક પાત્ર દેવરપ્પાનું છે જે પણ સ્વાતિને ઝંખતો હતો. સ્વાતિએ દેવરપ્પા અને અનિલ બંનેનું પોટ્રેટ બનાવડાવ્યું હતું. વર્તમાનમાં અનિલ સ્વાતિના ઘરે આવવાનો છે ત્યારે તે આ બધી ઘટનાઓ યાદ કરે છે. અને વાર્તાના અંતે પોતાના પતિ મિહિરને ચા બનાવી આપવાનું પૂછે છે. વાર્તામાં લેખકે ભાષાકર્મ દ્વારા પાત્રમાનસને પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે જેમાં સ્વપ્નમાં દેખાતો કાળો અશ્વ, અભાવના ખડક સાથે અથડાયેલી નૌકા જેવી સ્થિતિ, તરસનું એક લીલુંછમ વૃક્ષ વગેરે બાબતો વાર્તાની કલાત્મકતાને સિદ્ધ કરે છે. ‘પહાડોમાં મારું ઘર છે’ વાર્તામાં સેતુ અને મધુ નામના બે મિત્રોની વાત છે. સેતુ હિમાલયથી આવ્યો છે. ત્યારથી મધુને તે બદલાઈ ગયેલો લાગે છે. બંને સાંજે ફરવા જાય છે ત્યારે અચાનક સેતુ બોલે છે ‘મધુ તને યાદ છે અહીં ગરમાળાનાં બે ત્રણ વૃક્ષો હતાં?’ આમ, સેતુને સતત પ્રાકૃતિક સૌંદર્ય પ્રત્યે આકર્ષણ થયા કરે છે. સેતુને તેના પપ્પા જનોઈ માટે દર્ભ લેવા મોકલે છે. ત્યાં પણ તે વનસ્પતિને નુકસાન થયાની લાગણી અનુભવે છે. ત્રીજા પુરુષ કથનકેન્દ્રથી લખાયેલ આ વાર્તા મધ્યમાં સેતુના કથનથી રજૂ થાય છે. તેમાં પોતે જોયેલા હિમાલયનું વર્ણન છે. ખીણો, બરફ, નદી, ઝરણાં વગેરે દૃશ્યોનાં સુંદર વર્ણનો એમાં આવે છે. તેની સામે નગરની પ્રદૂષિત હવા પ્રત્યે તે ધૃણાની લાગણી અનુભવે છે. અંતમાં વાર્તા ફરી ત્રીજા પુરુષ એકવચનમાં શિફ્ટ થાય છે. સેતુ શહેરમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતી કેટલીક બાબતોનો વિરોધ નોંધાવવાનો વિચાર મધુ આગળ વ્યક્ત કરે છે. ‘મળવું’ની નાયિકા કોસાંબી છે. વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં આગળ ચાલે છે. સમગ્ર વાર્તામાં કોસાંબી સ્વગત પ્રલાપ કરે છે. કોઈ ગમતા પાત્રની ઝંખના એ આ વાર્તાનો વિષય છે. પોતાની કલ્પનામાં રહેલા પાત્રને મળવા માટે તે સતત તલસાટ અનુભવે છે. તેનો પતિ પણ છે જેને તે ચાહે છે, પરંતુ દરિયાકિનારે રેતીમાં બેઠાબેઠા તે પોતાને ગમતા કાલ્પનિક પુરુષમાં ખોવાઈ જાય છે. તેની પાસે તેની મિત્ર મિતાલી આવે છે, જેની સાથે તે સંવાદ કરતી નથી. તે કોઈ રજત નામના પોતાના મિત્રને યાદ કરે છે. રજત સિગારેટ પીતો એ એને ખૂબ ગમતું, આઇસક્રીમ ખાધા પછી રજત સિગારેટ પીતો એ ઘટનાને એ યાદ કરે છે. આ સમયે તેના પતિ મનહરનો અવાજ તેને સંભળાય છે, પરંતુ એ અવાજને એ અવગણે છે. સમગ્ર વાર્તામાં આવો કાલ્પનિક વિહાર ચાલે છે. રાત્રે ઊંઘ ન આવે ત્યારે સ્લીપિંગ પિલ્સ લઈને સૂઈ જતી કોશાની માનસિક સ્થિતિનું અહીં નિરૂપણ થયેલું છે. વાર્તાના અંતે પણ તેની કલ્પનામાં રહેલો પેલો પુરુષ દરિયામાંથી પ્રગટ થઈને તેની પાસે આવે છે. તે લજ્જાથી હથેળીમાં પોતાના ચહેરાને છુપાવી દે છે અને પેલો પુરુષ તેને બાહુપાશમાં જકડી લે છે. આમ, આ વાર્તામાં કોશાના મનોજગતનું નિરૂપણ કરવાનો સર્જકનો પ્રયાસ છે. ‘સોળ અને સોળ અને...’ વાર્તામાં એક અપરણિત સ્ત્રીના સંવેદનોનું નિરૂપણ થયેલું છે. વાર્તાની નાયિકા બારમા ધોરણમાં સારા માર્ક્સ ન આવતાં મેડિકલને બદલે બી.એસસીમાં પ્રવેશ મેળવે છે. એનો મુખ્ય વિષય બોટની છે. તેને વૃક્ષો પ્રત્યે ધીરે ધીરે પ્રેમ થતો જાય છે. તેને અશ્વિની ભટ્ટ અને મુનશીની નવલકથાઓ ખૂબ ગમે છે. તેમાં વર્ણવેલા પુરુષો જેવા નાયકોની શોધમાં તેની ઉંમર વધતી જાય છે. લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે તે નોકરી કરે છે, પરંતુ એકવાર રાજસ્થાનના રણમાં તે ફરવા જાય છે ત્યારે સાંઢણી પર રણપ્રદેશમાં તે વિહાર કરે છે. ઊંટવાળો તેની પાછળ બેઠો છે. ઊંટવાળાનો સતત સ્પર્શતો દેહ તેનામાં રહેલી પુરુષ પ્રત્યેની અભિપ્સાને જાગ્રત કરે છે. રણમાં એકવાર ઊંટ પરથી બંને પડે છે ત્યારે તે વિચારે છે કે ‘હું ઇચ્છતી હતી એવી રીતે કેમ ના પડ્યાં?’ વિવિધ વૃક્ષોનાં બરછટ થડને સ્પર્શીને તે વિચારે છે કે શું પુરુષનો સ્પર્શ આવો હશે. આમ, લગ્ન માટે પોતાના મનોકલ્પિત પુરુષની અપેક્ષામાં કુંવારી રહી ગયેલી સ્ત્રીની પુરુષ પ્રત્યેની ઝંખના અને શારીરિક અતૃપ્તિનું અહીં નિરૂપણ થયેલું છે. ‘ધૃણા’ સૌપ્રથમ ‘ગદ્યપર્વ’(જાન્યુઆરી ૧૯૯૬)માં પ્રગટ થઈ હતી. વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી છે. તેનો કથક ગાયનેક ડૉક્ટર છે. એ પોતાના વિવિધ દર્દીઓના કિસ્સાઓને યાદ કરે છે જેમાં મોટેભાગે પુરુષો દ્વારા સ્ત્રીઓના શોષણની વાત આલેખાયેલી છે. પ્રથમ કિસ્સામાં મુસ્લિમ યુવકની વાત છે જેમાં આ મુસ્લિમ યુવક પોતાની પ્રેમિકાને બાળક ન રહી જાય એવી દવા માગવા માટે ડૉક્ટર પાસે આવે છે. ડૉક્ટર નિરોધનો ઉપાય બતાવે છે, પરંતુ લાપરવાહીમાં પેલો યુવક નિરોધનો ઉપયોગ કરતો નથી, જેના કારણે તેની પ્રેમિકા સગર્ભા થઈ જાય છે. બીજી ઘટનામાં આઠ મહિના પહેલાં જેને બાળક જન્મ્યું હતું એવી સવિતા પોતાની તપાસ કરાવવા ડૉક્ટર પાસે આવે છે, અને એ સગર્ભા છે એવું નિદાન થાય છે. સવિતાના પતિ રવજી પર ડૉક્ટરને ગુસ્સો આવે છે. નિરોધનો ઉપાયોગ ન કર્યાનો ગુસ્સો ડૉક્ટર રવજી પર ઠાલવે છે. ત્યારબાદ ડૉક્ટર કમલ અને માધુરીનો કિસ્સો યાદ કરે છે જેમાં કમલ દેખાવથી સંપૂર્ણ પુરુષ હતો પરંતુ તેના ‘સ્પર્મકાઉન્ટ’ ઓછા હતા. જેને કારણે તેની પત્ની સગર્ભા બની શકતી નહોતી. એકવાર માધુરી એકલી ડૉક્ટર પાસે તપાસ કરાવવા આવે છે અને ત્યારે તે ડૉક્ટરને કહે છે કે ‘કોઈપણ રીતે મને બાળક આપો’ અને તેની સાથે ડૉક્ટર શારીરિક સબંધ બાંધે છે જેનાથી તે સગર્ભા બને છે. આ સિવાય સુવર્ણા નામની એક સ્ત્રી દર્દી તરીકે આવીને તેના જીવનમાં પ્રવેશે છે. ડૉક્ટર આ ઘટનાને પોતાના જીવનની મહત્ત્વની ઘટના ગણાવે છે. આ સમયે ડૉક્ટરની પત્ની મદિરા ડ્રાઇવર સાથે ભાગી જાય છે. આથી ડૉક્ટર સુવર્ણા પ્રત્યે વધારે આકર્ષાય છે, પરંતુ સુવર્ણા પ્રેગ્નન્ટ થયા પછી તે છ મહિના ડૉક્ટર સાથે સબંધ રાખે છે અને પછી ડૉક્ટરને છોડી દે છે, અને કહે છે કે ‘હવે પછી હું ક્યારેય તમને નહીં મળું. ભૂલી જજો કે સુવર્ણા નામની કોઈ સ્ત્રી હતી.’ એ રીતે આખરે અનેક સ્ત્રીઓ સાથેના સંબંધો પછી ડૉક્ટર એકલો પડી જાય છે તેની આ વાર્તા છે. ‘વાડ’ વાર્તામાં પ્રોફેસર દેસાઈ પોતાના વિદ્યાર્થી હેમંતની પ્રેમિકા અલકા પ્રત્યે આકર્ષાય છે. ત્રણેય પાત્રો મધ્યપ્રદેશના પ્રવાસે જાય છે. ત્યાંનાં વર્ણનો પાત્રોની મનોસ્થિતિને ઉઘાડ આપે છે. પ્રો. દેસાઈ પોતાના વર્ગખંડમાં અને કાર્યક્ષેત્રમાં ખૂબ જ ગંભીર પ્રકૃતિના દેખાતા, પરંતુ હેમંત કહે છે તેમ તેમની નજીક પહોંચવું પ્રથમ મુશ્કેલ લાગે, પરંતુ નજીક પહોંચીએ ત્યારે એમનો એકદમ હળવો સ્વભાવ કોઈપણને સ્પર્શી જાય એવો હતો. તેઓ એકલા જ રહેતા હતા. હેમંત પોતાની પ્રેમિકા અલકાને લઈને પ્રો. દેસાઈને ત્યાં અવારનવાર જતો ત્યારે પ્રોફેસરને અલકા પ્રત્યે આકર્ષણ જાગતું. હેમંતના આયોજન મુજબ ત્રણેય જણ મધ્યપ્રદેશના પ્રવાસે જાય છે, માંડું, અમરકંટક, શિવપુરી વગેરે સ્થળોએ ફરે છે. વાર્તાના અંતે અલકા એકલી પ્રો. દેસાઈને ત્યાં આવે છે ત્યારે પ્રોફેસર તેના શરીરને ધ્યાનથી નિહાળે છે અને અચાનક અલકાનો હાથ પકડી લે છે, ત્યારે અલકા હાથ છોડાવી દે છે. ત્યારે દેસાઈ ‘લજ્જાઈને’ પોતાના સ્ટડીરૂમમાં ચાલ્યા જાય છે. ત્યાં જ હેમંત પ્રવેશે છે. એ સહજ રીતે અલકા સાથે વાતો કરે છે. અલકા પણ સહજ રીતે તેની સાથે સંવાદમાં જોડાય છે. આમ, સહજ વાતાવરણ બનતાં પ્રોફેસર બહાર આવે છે. અહીં વાર્તા પૂર્ણ થાય છે. આમ, આ વાર્તામાં પાત્રોના અધૂરા વિકાસને કારણે તેમજ કેન્દ્રિય સંઘર્ષના અભાવ લીધે વાર્તાનું કથાવસ્તુ કથળી જાય છે. ‘દ્વિજ’ વાર્તામાં વાર્તાકથક પોતે ગે છે. નેશનલ લેવલ યૂથ પ્રમોટિંગ પ્રોગ્રામમાં તે જાય છે, ત્યાં તેને બાદશાહ નામનો એક વ્યક્તિ મળે છે અને તેની સાથે વાર્તાકથક આત્મીયતા કેળવવાનો પ્રયાસ કરે છે, પરંતુ બાદશાહ તેને અમુક હદથી તે આગળ વધવા દેતો નથી. ત્યારપછી એના માતા-પિતા એને ડૉક્ટર પાસે મોકલે છે ત્યારે તે ડૉક્ટર આગળ મુક્તપણે કોઈ મિત્ર સાથે ભૂતકાળમાં હસ્તમૈથુન કર્યું હોવાનું કબૂલે છે. તેના મિત્ર જયેશના દોસ્ત સાથે તે રાત્રે રેલ્વે સ્ટેશન પર બેસવા જાય છે જ્યાં તેનો દોસ્ત કહે છે કે ‘ભગવાનને પ્રસન્ન કરીને વરદાન માગ, સ્ત્રી બની જા, પછી આપણે સાથે રહીશું.’ આમ, લેખકે કથકના ગે-જીવનની વિવિધ ઘટનાઓ આલેખ્યા પછી તેના બાળપણના કેટલાક પ્રસંગો મૂક્યા છે. જ્યારે કથક કિશોરાવસ્થાના ઉંબરે ઊભો હતો ત્યારે તેણે કોઈ પુરુષે ભજવેલું સ્ત્રીપાત્ર નિહાળ્યું હતું, અને સ્ત્રી જેવા અવાજમાં એ પાત્ર દ્વારા ગવાયેલું ગીત સાંભળ્યુ હતું જેની બહુ ઊંડી છાપ એના કુમળા માનસ પર પડી હતી. આ શિવાય વીરસિંહ નામના કોઈ પુરુષે ઘરના વાડામાં તેને પ્રથમવાર ચુંબનો કર્યા હતા અને ‘પંપાળ્યો હતો’. આ તમામ ઘટનાઓ કથકના વ્યક્તિત્વવિકાસમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આમ, વાર્તાનાયકની પુરુષથી સ્ત્રૈણ બનવા તરફની ગતિ અને ત્યારપછી બનતી વિવિધ ઘટનાઓ દ્વારા લેખકે વાર્તાનું મનોવૈજ્ઞાનિક સ્તરે આલેખન કર્યું છે. ‘નિલેષનું મૃત્યુ’ વાર્તામાં આરંભે લેખકે નિલેષના મૃત્યુ આસપાસ ઘેરાતાં વિવિધ રહસ્યોને મૂકીને, અજયે જોયેલી વિવિધ મૃત્યુની ઘટનાઓ દ્વારા તેને પણ મૃત્યુનો આભાસ થતો હોય એવું દર્શાવ્યું છે. વાર્તામાં આરંભે આઠ દિવસ પછી વિકૃત અવસ્થામાં મળેલી નિલેષની લાશનું વર્ણન છે. આ આખી ઘટનાનો જાણકાર અજય સ્તબ્ધ થઈ જાય છે, અને ક્યાંય નીકળી શકતો નથી, છાપું કે સમાચાર વાંચી શકતો નથી. છતાં તેની નજર સામે અનેક ઘટનાઓ તરવરે છે. કોઈ ખેતી માટે થયેલું ખૂન, એકલો ચાલવા જતો અને ટ્રેનની અડફેટે આવી ગયેલા છોકરાનું અકાળે મૃત્યુ, હૉસ્પિટલમાંથી મળેલી બિનવારસી લાશ, દહેજની આગમાં બળી મરેલી છોકરીનું શબ વગેરે તેની નજર સામે તરવર્યા કરે છે. વાર્તાના અંતે અજય પોતે જાણે શબ બનીને સૂતો છે અને તેના જ શબ પરથી ચાદર ઊંચકીને એ પોતાનું જ શબ જુએ છે. આમ, આ વાર્તામાં અજયના મનમાં ઘેરી વળેલો મૃત્યુનો ભય તેને પોતાના જ મૃત્યુની ભ્રાંતિ સુધી દોરી જાય છે એ આ વાર્તાનું હાર્દ છે. ‘કોશેટો’ વાર્તામાં પ્રથમ જન્મેલી પુત્રી પછી વીસ વર્ષ સુધી કોઈ જ બાળક ન જન્મવાના કારણે માનસિક અને શારીરિક રીતે થાકી-હારી ગયેલી સ્ત્રી મધુનો મનોસંઘર્ષ આલેખાયો છે. વાર્તાના આરંભે જ સેજલ એના પપ્પાને ફોન કરીને તેની મમ્મી મધુની તબિયત બહુ જ ખરાબ હોવાની જાણ કરે છે. પપ્પા હૉસ્પિટલ પહોંચે એ પહેલાં મધુ અવસાન પામે છે. ત્યારબાદ વાર્તાકાર મધુનો ભૂતકાળ આલેખે છે જેમાં આ દંપતીને સેજલ નામની એકમાત્ર વીસ વર્ષની દીકરી હતી. બીજા સંતાનની અપેક્ષામાં સતત વ્યથિત રહેતી મધુનું બી.પી. બહુ વધી જતું, જેનાથી મધુ માનસિક રીતે અસંતુલિત પણ થઈ જતી, વૃદ્ધ સાસુ-સસરા સાથે ઝઘડાઓ કરતી, સાસુની સાડીમાં કાતર ફેરવી દેતી અને બાપુજીના લેંઘાનાં બટનો કાપી નાખતી. મધુનો પતિ તેને માનસિક રોગના ડૉક્ટર પાસે લઈ જતો છતાં પણ તેની અવસ્થામાં કોઈ ફરક પડતો નહીં. નાયક બા-બાપુજીથી અલગ રહેવાનો વિચાર કરે છે, પરંતુ તેમને છોડીને જઈ શકતો નથી. આખરે મધુની માનસિક અને શારીરિક સ્થિતિ કથળતાં તેનું અવસાન થાય છે. વાર્તાના અંતે એકલતા અનુભવતો મધુનો પતિ બગીચામાં રેશમના કીડા ઉછેરવાનો ખાલી કોશેટો જુએ છે જે તેના ઘરનો ખાલીપો અને તેના મનના ખાલીપાનું પ્રતીક બની જાય છે. આમ, પરિવારની એક વિશિષ્ટ સમસ્યાનું આલેખન કરતી આ વાર્તા તેના મનોવૈજ્ઞાનિક અભિગમને કારણે મહત્ત્વની બની જાય છે. ‘વાંસળીથી જુદો વાંસનો સૂર’ વાર્તામાં આલોક, પ્રતિમા અને સુરભી વચ્ચેના પ્રણયત્રિકોણની દ્વિધા વ્યક્ત થઈ છે. આલોક, સુરભી, અને હેમંત કૉલેજમાં સાથે ભણતાં હતાં. આલોક અને સુરભી બંને એકબીજાના પ્રેમમાં હતાં. પર્વતારોહણ કેમ્પમાં બંને ગયાં હતાં ત્યારે આલોક થાકીને ઊંઘી ગયો હતો પરંતુ હેમંત અને સુરભી મોડી રાત સુધી ખુલ્લામાં બેસી રહ્યાં હતાં. આ વિશે સુરભીએ આલોકને પણ વાત કરી હતી. કેમ્પ પૂરો થયાના એક-બે મહિના પછી આચાનક સુરભીએ આલોકને કહ્યું કે ‘હું મા બનવાની છું’ ત્યારે આલોકે કહ્યું કે ‘મારું કે હેમંતનું?’ એમ કહીને આલોક કેમ્પવાળી વાતનો સંદર્ભ મૂકે છે. સુરભી આલોકને છોડીને ચાલી જાય છે અને એબોર્શન કરાવી દે છે, અને ત્યારપછી એ એકલી જ જીવન વ્યતીત કરે છે. આલોક પ્રતીમા નામની છોકરી સાથે લગ્ન કરી લે છે. ઘણા વર્ષો સુધી આલોક અને પ્રતીમાને બાળક થતું નથી. વર્ષો પછી અકસ્માતમાં ઘાયલ થયેલા આલોકની સારવાર કરવાનું કામ ડૉક્ટર બનેલી સુરભીના માથે આવે છે. આલોક સાજો થયા પછી સુરભી પાસે ફરીવાર નિઃસંતાન હોવાના કારણે સુરભી પાસે બાળકની ઝંખના વ્યક્ત કરે છે. એ માટે પ્રતીમાને છૂટાછેડા આપવાની પણ તૈયારી બતાવે છે, પરંતુ સુરભી તેને સ્વીકારતી નથી અને ફરીવાર આલોકનો ત્યાગ કરે છે. ઉષા ઉપાધ્યાય કહે છે એમ ‘વાર્તાને અંતે નિઃસંતાન આલોકને સંતાનેષણા પ્રેરિત પ્રેમસંબંધની માગણીને સ્વમાનભેર નકારીને સુરભી બીજી વખત સ્વેચ્છાએ નિઃસંગ થાય છે’. આમ, આ વાર્તામાં સુરભીના પોતાના સ્ત્રી તરીકેના સન્માનને જાળવવા માટે પુરુષને આધીન થતી નથી અને તટસ્થ રહે છે જે આ વાર્તાનો મધ્યવર્તી સૂર છે. ‘મા-દીકરી’ વાર્તા બિપિન પટેલ દ્વારા સંપાદિત ‘ગુજરાતી નવલિકાચયન ૧૯૯૮’માં સ્થાન પામી હતી. આ વાર્તામાં વૃદ્ધ આજી અને બાળવિધવા સવીના સંવેદનવિશ્વનું આલેખન કરવામાં આવ્યું છે. આજીની પૌત્રી પ્રથમ પુરુષ એકવચનમાં આ વાર્તા કહે છે. આજીની દીકરી સવી બાળવિધવા હતી અને તે અવૈધ બાળકની મા બને છે. આજી એ જન્મેલા બાળકને વાડામાં જ ક્યાંક દાટી આવે છે. ત્યારબાદ થોડા સમય પછી સવીનું અવસાન થઈ જાય છે અને આજી ગાંડી થઈ જાય છે. તે રાતદિવસ વિચિત્ર પ્રકારનાં વર્તનો કર્યા કરે છે. ગામમા જ રહેતા તેના ચાર દીકરા પણ તેની દરકાર કરતા નથી. ક્યારેક આજીને બંધ ઓરડીમાં પૂરી રાખવામાં આવે છે. ડૉક્ટરોને બતાવ્યા છતાં તેની અવસ્થામાં કોઈ ફેર પડતો નથી. ત્યારબાદ ધાર્મિક વિધિવિધાનો પણ નિરર્થક નીવડે છે. કથક જણાવે છે કે આજીને પોતાના શરીરનું કે કપડાંનું કે કોઈ પણ જાતના વ્યવહારનું ભાન રહેતું નથી અને તે પશુવત્‌ વ્યવહાર કરવા લાગે છે. વાર્તાના અંતે એક રાત્રે કથક પૌત્રી જાગીને જુએ છે તો એની માના આજીના ગળા ફરતા બે હાથ હતા પરંતુ દીકરી જાગી જતાં એ આજીનું ગળું છોડી દે છે. ‘સોદો’ વાર્તાનો નાયક અશોક કૉન્ટ્રાક્ટરને ત્યાં કામ કરતી શોભનાને ચાહે છે, પરંતુ શોભના ભૌતિકતા તરફ વળેલી છે. ભૌતિક સુખોથી એ પર થઈ જાય છે ત્યારે આખરે અશોકને પૈસાથી નહીં પરંતુ સાચા દિલથી ચાહે એવું લેખકે વાર્તાના અંતમાં દર્શાવ્યું છે. વાર્તાના અંતે અશોક શોભનાને એના ઘરે મળવા આવે છે ત્યારે ‘કેમ મળવા આવ્યો?’ એના જવાબમાં ‘સોદો કરવા. લે આ રૂપિયા’ એવું કહે છે. ત્યારે શોભના આંચકો ખાઈ જાય છે. એને એમ હતું કે અશોક પોતાને સાચા દિલથી ચાહે છે, તે બધાની જેમ એને પૈસાથી મૂલવતો નથી. પૈસા આપતા અશોકના હાથમાંથી પૈસા લઈને તે એના મોં પર છૂટા મારે છે. ‘કાંઠાનું જળ’ વાર્તામાં પતિથી અતૃપ્ત જશીબા કિશોરવયના દિયર નાનભૈ સાથે શારીરિક સબંધ બાંધે છે. એની આસપાસ ગૂંથાયેલી આ વાર્તામાં નાનભૈના કિશોરાવસ્થાના તરંગો અને તેની મિત્રટોળકીના જાતીયગત આલેખનો વાર્તાને રસપ્રદ બનાવે છે. વાર્તાનો કથક નાનભૈ છે. એ મોટી ઉંમરનાં જશીબાના વ્યંજનાસભર સંવાદોને સમજી શકતો નથી, પરંતુ નાનભૈની જાતીયતા અંગેની સભાનતા તેના સ્કૂલના મિત્રોના વર્તનો દ્વારા આકાર લે છે. લેખકે એ માટે વિવિધ ઘટનાઓ ઉદ્દીપક તરીકે પ્રયોજી છે જેમાં નાનભૈની સ્કૂલમાં ભણતા ચંદુ કોઈ છોકરીને આંખ મારી હતી ત્યારે તે છોકરીનો ભાઈએ આવીને ચંદુને માર્યો હતો. નાનભૈ ગીતાને ઝંખે છે. ગીતા તેની પાસેથી વિજ્ઞાનની નોટ્‌સ લઈ જાય છે ત્યારે ગીતાની સ્પર્શેલી આંગળી તેને રાતભર સૂવા દેતી નથી. એ વિચારે છે કે ગીતા પાકેલું ફળ છે, એ ગમે ત્યારે હાથમાં આવી પડશે. આમ, તેની કિશોરાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશતી વયનું આલેખન લેખકે આ પ્રકારની વિવિધ ઘટનાઓ દ્વારા કર્યું છે. નાનભૈ ઘરે આવે છે ત્યારે જશીબા છાણાં થાપતાં હોય, માથું ધોતાં હોય, ખાટલામાં સૂતાં હોય એ બધા સમયે તેમને જોયા કરે છે. જશીબા પણ તેને પાસે આવવા ઇજન આપતાં રહે છે. પરંતુ નાનભૈ ક્યાંક ને ક્યાંક અટકી જાય છે. વાર્તાના અંતે જશીબા ખેતરમાં ચાર લેવા ગયાં હતાં ત્યારે કૂવા પર તરત જ ન્હાઈને કેડે રૂમાલ બાંધેલા નાનભૈને ચારનો ભારો માથે ચઢાવવા માટે બોલાવે છે, નાનભૈને માટીનું ઢેફું મારે છે અને બીજું ઢેફું મારવા જતાં નાનભૈ જશીબાનો હાથ પકડી લે છે. અતૃપ્ત સ્ત્રીની જાતીય ઝંખના અને કિશોરવયના વિદ્યાર્થીઓમાં જાગતી જાતીય અભિપ્સાઓ લેખકે સંવાદો અને ક્રિયાઓ દ્વારા આ વાર્તામાં યથોચિત રીતે મૂકી આપી છે. ‘અસંગ’ વાર્તા યોગેશ જોષી દ્વારા સંપાદિત ‘ગુજરાતી નવલિકાચયન ૧૯૯૯’માં સ્થાન પામી હતી. આ વાર્તામાં વગર લગ્ને સહજીવન જીવવાનું સાહસ કરનાર એક સ્ત્રીની કરુણતાની વાત છે. રોહિત અને અમિતા લીવ-ઇન-રિલેશનશીપમાં સાથે રહે છે. પરંતુ એક રાતે અચાનક રોહિત અમિતા અને એ શહેર છોડીને ચાલ્યો જાય છે. ત્યારપછીની તેની વેદના અને રોહિતની શોધ વિશેની આ વાર્તા છે. અમિતા રોહિતના બીજા મિત્રોને પણ મળે છે, પણ ક્યાંય રોહિતનો પત્તો મળતો નથી. મલય એને સલાહ આપે છે કે ‘આ શહેર છોડીને તારે જવું જ છે તો શું કામ એને શોધવા નીકળી છે?’ આમ, કોઈ પણ જગ્યાએથી તેને આશ્વાસન મળતું નથી ત્યારે નિરાશ થઈને એક બંધાતી ઇમારત આગળ તે ઈંટો પર બેસી જાય છે. આ ‘બંધાતી ઇમારત’ અમિતાના સ્વપ્નપ્રદેશનું ભાવપ્રતીક બની જાય છે, પરંતુ વાસ્તવિકતામાં રોહિત તેને ક્યારેય મળવાનો નથી. છેલ્લીવાર તે રોહિતના સ્ટુડિયોમાં ફોન કરે છે ત્યાં પણ કોઈ આશાસ્પદ જવાબ મળતો નથી. આખરે તે પોતાના ઘરતરફ નીકળે છે અને વિચારે છે કે ‘ઘરની એક ચાવી એની પાસે છે તો કદાચ એ આવે પણ ખરો પરંતુ આ ઘર શું મને પહેલાંની જેમ સુરક્ષા આપી શકશે?’ ભાવકચિત્તમાં અનેક વલયો જગાવતી આ વાર્તા અહીં પૂરી થાય છે. આમ, આ વાર્તામાં લગ્ન વગર સાથે રહેતાં પાત્રો વચ્ચેનો વિચ્છેદ દર્શાવીને લેખકે અંતે અમિતાને અનુભવાતી અસુરક્ષા દ્વારા સ્ત્રી-પુરુષને પરસ્પર આધારિત બતાવવાનો પ્રયાસ કર્યો છે. સંગ્રહની અંતિમ વાર્તા ‘અંધારો ખૂણો’માં સાસુની હત્યા કરીને જેલમાં કેદીજીવન જીવતી નીલીનો એકરાર આલેખાયો છે. આ વાર્તામાં નીલી પોતાના પતિને ખૂબ ચાહે છે પરંતુ પતિ પોતાનાં સપનાંઓ જ પૂરાં કરવામાં જ રચ્યોપચ્યો રહે છે. પોતે વધુ કમાવાની લાલચમાં નીલી અને તેની સાસુને ઘરમાં એકલા મૂકીને વિદેશ ચાલ્યો જાય છે. તેના વિદેશ ગયા પછી નીલીની સાસુ બેફામ બનતી જાય છે, સિગારેટ પીવે છે અને ક્યારેક બીયર પણ પીવે છે. તે પુરુષના કપડાં પહેરવા લાગે છે, નોકરાણી રાધાબાઈને ભગાડી મૂકે છે અને એક રાત્રે નીલીને બાહોમાં ભીંસીને પોતાની જાતિય ઇચ્છા સંતોષે છે. ત્યારબાદ નીલી રૂમને બંધ કરીને અંદર જ બેસી રહે છે. પતિ સાથે ફોન પર પણ બરાબર વાત કરી શકતી નથી. એક રાત્રે આક્રમક રીતે નીલી પર તેની સાસુ બળાત્કાર ગુજારે છે ત્યારે નીલી સાસુનું ખૂન કરી બેસે છે અને અંતે જેલમાં જાય છે. આ રીતે ગુજરાતી સાહિત્યમાં નવા જ વિષયો સાથે લેખકે આ વાર્તાઓ લખવાનો પ્રયાસ કર્યો છે. આમ, ‘કાંઠાનું જળ’ વાર્તાસંગ્રહમાં કથાવસ્તુની દૃષ્ટિએ મોટાભાગે વિશિષ્ટ પ્રકારના વિષયો આલેખન પામ્યા છે જેમ કે કિશોરાવસ્થાના પ્રશ્નો, માનસિક અસ્વસ્થતા, સજાતીય સબંધ બાંધતાં પુરુષપાત્રો, લેસ્બિયન સ્ત્રી, મૃત્યુનો ભય, પ્રોફેસર અને વિદ્યાર્થિની વચ્ચેના સબંધો વગેરે વિષયો અહીં નોંધપાત્ર બને છે. આ વાર્તાઓની ભાષા સુઘડ, સુવાચ્ય, આલંકારિક અને નાગરી શૈલીની છે. મોટાભાગનાં પાત્રો શિક્ષિત છે, તેમના જીવનના વિશિષ્ટ પ્રશ્નોનું અહીં આલેખન થયું છે. કેટલીક જગ્યાએ પાત્રોની સ્વગતોક્તિ દ્વારા લેખકે તેમનાં મનોસંચલનોનું પણ આલેખન કર્યું છે. મોટાભાગની વાર્તાઓ ભૂતકાળમાં ચાલે છે અને વાર્તાનો અંત ક્યારેક કૃતક લાગે છે, ક્યારેક સંવાદો મુખર બની જતા જણાય છે, પ્રથમ પુરુષ એકવચનની વાર્તાઓમાં લેખકનો અચાનક પ્રવેશ ભાવકને કઠે એમ બને છે. મહદંશે મનોવૈજ્ઞાનિક અભિગમથી પાત્રોના માનસને આ વાર્તાકાર આલેખી શક્યા છે તે આ સંગ્રહની મહત્ત્વની ઉપલબ્ધિ છે.

‘ખાલી ફ્રેમ’ :

Kantha-nun JaL by Kandarp Desai - Book Cover.jpg

‘ખાલી ફ્રેમ’ કંદર્પ ર. દેસાઈનો બીજો વાર્તાસંગ્રહ છે. એની પ્રથમ આવૃત્તિ ૨૦૦૯માં હર્ષ પ્રકાશને પ્રગટ કરી. તેમણે આ સંગ્રહ પોતાનાં સાહિત્યકાર પત્ની પારૂલ કંદર્પ દેસાઈને અર્પણ કર્યો છે. સંગ્રહમાં કુલ ૧૮ વાર્તાઓ છે. પ્રથમ વાર્તા ‘સાદ’માં વાર્તાનો નાયક જેસલમેર જાય છે. તે પોતાની પ્રિયતમા-પત્નીથી વિચ્છેદ પામેલો છે અને પોતાની એકલતાની પૂર્તિ કરવા માટે મિત્રો સાથે રાજસ્થાનના પ્રવાસે નીકળી પડે છે, અને ત્યાંના લોકજીવન પ્રત્યે આકર્ષાય છે. આસપાસનું રણ તેને શાતા આપે છે. એક તરફ અંદરનું રણ અને બીજી તરફ બહારનું રણ – એ બંને વચ્ચે અટવાતા નાયકની મનોસ્થિતિનું અહીં નિરૂપણ થયેલું છે. વાર્તામાં સ્થાનિક લોકો દ્વારા ગવાતાં રાજસ્થાની ગીતોનો પણ ઉલ્લેખ છે. તેઓ જ્યાં રોકાયા છે એ ગામનું નામ ‘ભાટ ગામ’ છે. આ ગામની આસપાસ નર્યું રણ છે. નાયકને રણ વચ્ચે તરસ લાગે છે, પરંતુ તે પાણી પી શકતો નથી એટલી હદે તે વિચ્છિન્નતા અનુભવી રહ્યો છે. દૂર ચાલ્યા જતાં ઊંટને જોયા કરે છે. થીજેલાં મોજાં જેવા રેતના ઢુંવાઓ જોયા કરે છે અને સૂર્યાસ્ત પછી બદલાયેલા વાતાવરણથી તેને શાતા મળે છે. આમ, નાયકની એકલતા અને વિષાદથી આરંભાયેલી આ વાર્તા રાજસ્થાનના લોકજીવનમાં અંત પામે છે જ્યાં નાયકને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. વાર્તાના અંતે નાયક વિચારે છે કે, ‘આ પરમ સત્યથી વધીને બીજું કોઈ સત્ય ન હો.’ સંગ્રહની બીજી વાર્તા ‘ઘટમાળ’માં નાયક હેમંત કોઈ વૃદ્ધ પુરુષને જોઈને પોતાનાથી વિખૂટા પડેલા પોતાના પિતાને યાદ કરે છે એ ઘટનાનું અહીં નિરૂપણ થયેલું છે. વાર્તાનાયક હેમંત ગરમીના સમયમાં ભીડ ભરેલી બસમાં પસાર થઈ રહ્યો છે. અડધા કલાકના વિરામ માટે બસ ઊભી રહે છે. બધા પેસેન્જર ઊતરે છે પરંતુ એક વૃદ્ધ ઊતરતા નથી. ડ્રાઇવર તેમને ઉતારવાની મથામણમાં ગુસ્સે થઈને વૃદ્ધને લાફો મારી દે છે. હેમંતને એ વૃદ્ધમાં પોતાના પિતા દેખાય છે. તે વૃદ્ધનો બચાવ કરવા દોડી જાય છે. એ ઘટના પછી તે પોતાના બાળપણનાં તોફાનોને યાદ કરે છે જેમાં તેને સતત પોતાના પિતા સાથે અણબનાવ બનતો. મોટા થયા પછી પણ પિતાજી પ્રત્યે તેને અલગાવ રહે છે. તે દિવસે ઘરે જઈને તે પત્ની શોભાને બાપુજી માટે સરસ નાસ્તો બનાવવાનું કહે છે અને બાપુજીને પણ કહે છે કે, ‘કેમ છો બાપુજી? વાહ, આજે તો તૈયાર થઈને બેઠા છો ને, કઈ બાજુ?’ અહીં વાર્તાનો અંત આવે છે. આમ, એક વૃદ્ધના કારણે બદલાતા વાર્તાનાયકના મનોવલણને આલેખતી આ વાર્તા છે. ‘થોડુંક અમથું અજવાળું’ વાર્તા નવનીત જાની દ્વારા સંપાદિત ‘નવલિકાચયન ૨૦૦૨’માં સ્થાન પામી હતી. આ વાર્તાની નાયિકા સ્વાતિ પોતાની ઑફિસની યંત્રવત્‌ નોકરીથી ત્રાસી ગયેલી છે. તેના સાથી કર્મચારીઓથી પણ તે સતત સંઘર્ષ અનુભવ્યા કરે છે. તેનો પતિ રાજેશ તેને નોકરી છોડી દેવા સૂચન કરે છે પણ તે નોકરી છોડતી નથી. ઑફિસમાં કામ કરતી રુડી નામની એક સ્ત્રીની હૂંફના કારણે તે નોકરીમાં ટકી રહે છે. આ પ્રકારની હૂંફ શીર્ષક ‘થોડુંક અમથું અજવાળું’ને સાર્થક કરે છે. ‘અભિશાપ’ વાર્તાની નાયિકા મેઘા છે જે એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. તેનો બોસ આદિત્ય તેના પ્રત્યે આકર્ષણ અનુભવે છે. તેના ઘરના લોકો તેને હેમંત સાથે પરણાવવા માગે છે. પરંતુ તે સતત આદિત્યને યાદ કરે છે અને હેમંત સાથે મનમેળ સાધી શકતી નથી. આ વાર્તા પ્રથમ પુરુષ એકવચન કથનપદ્ધતિ દ્વારા ડાયરીશૈલીમાં લખાયેલી છે, જેમાં મેઘાના જીવનના કેટલાક દિવસોની નોંધ મળે છે. ડાયરી સ્વરૂપે લખાયેલ આ વાર્તામાં મેઘાની દ્વિધાનો અનુભવ આલેખાયો છે. પોતાને ગમતા પુરુષને છોડીને પરિવારને ગમતા પુરુષ પ્રત્યે સમર્પણભાવ આલેખતી એડવોકેટ નારીની આ સંવેદનકથા છે. ‘ડેરો’ વાર્તામાં સુભદ્રાબેન અને રમણીકલાલનું દાંપત્યજીવન આલેખન પામ્યું છે. વાર્તા ત્રણ કથનકેન્દ્ર દ્વારા લખાઈ છે : લેખક, રમણીકલાલ અને સુભદ્રાબેન. પતિ રમણીકલાલ નિવૃત્ત અધિકારી છે. તે ગામડાઓમાં જળસંચયની પ્રવૃત્તિ માટે પોતાના વતનપ્રદેશમાં આવે છે. તેમનાં બાળકો શહેરમાં રહે છે. રમણીકલાલને સમાજસેવાની ધૂન છે, પરંતુ સુભદ્રાબેન પોતાનાં બાળકોથી દૂર થઈ શકતા નથી, તેથી રમણીકલાલની પ્રવૃત્તિ એમના માટે ઢોર ભાગી ન જાય એ માટે બાંધવામાં આવેલા ‘ડેરા’ સમાન બની જાય છે. ‘ગાંઠ’ વાર્તા સૌપ્રથમ ભરત નાયક દ્વારા સંપાદિત ‘ગુજરાતી નવલિકાચયન ૨૦૦૪’માં સ્થાન પામી હતી. આ વાર્તામાં સુમતિબહેનનું પાત્ર કેન્દ્રમાં છે. તે પોતાના પતિ અને પુત્રો કરતાં પિયરમાં રહેલા ભાઈને વધારે મહત્ત્વ આપતાં રહ્યાં. પોતાના દીકરા કરતાં પણ નાનાભાઈને તેઓ વહાલો ગણતાં હતાં એ ભાઈ સુમતિબહેનના દીકરાને પોતાના ધંધામાં જોડે છે. ધંધામાં દીકરો ફસાઈ જાય છે અને મામા ભાણેજ પર કોર્ટકેસ કરે છે. આવી વાસ્તવિક્તાની જાણ થતાં એની ચિંતામાં સુમતિબહેન આંતરડાના કેન્સરનાં દર્દી બની જાય છે. એ રીતે સંબંધોમાં રહેલી આંટીઘૂંટી ભરેલી ‘ગાંઠ’ અને સુમતિબહેનના પેટમાં થયેલી ‘ગાંઠ’ બંને દ્વારા લેખકે વેદનાની ધાર કાઢી છે. ‘પાછા વળીને’ વાર્તામાં પ્રોફેસર યશોવર્ધન અને તેની વિદ્યાર્થિની સુચેતા વચ્ચેના સંકુલ સબંધોની વાત છે. સુચેતા પ્રોફેસર પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે, એની તમામ ટેવો-કુટેવોથી પરિચિત પણ છે. તે એના ઘરે પણ જાય છે અને દાર્શનિક ચર્ચાઓ કરે છે. પ્રોફેસરની પત્ની પદ્મજા સાથે પણ સુચેતાના મૈત્રીભર્યા સબંધો છે. પરંતુ અચાનક સુચેતા પોતાને ગમતા ઉદય સાથે લગ્ન કરવાનું જાહેર કરે છે. ત્યારે પ્રોફેસર યશોવર્ધન અચાનક પૂછી બેસે છે કે ‘તો મારું શું?’ સુચેતાને પણ આ પ્રશ્નથી આઘાત લાગે છે અને સામે પૂછી નાખે છે કે ‘છે તૈયારી તમારી – આ તમારા ઘરને મારું, આપણું ઘર બનાવી આપવાની?’ ત્યારે યશોવર્ધન એ તો મારી પુરુષસહજ પ્રકૃતિ છે એમ કહીને વાતને વાળી લે છે, પરંતુ સુચેતાની ભૂમિકા જુદી છે. એ કહે છે કે ‘મેં જે કંઈ અત્યાર સુધી કર્યું એ તો તમારું ઉચ્છિષ્ટ છે, હવે મારે મારી રીતે કંઈ કરવું છે.’ વાર્તાના અંતે ઉદયને કોઈ આયેશા નામની છોકરી મળે છે અને તેના વિશે સુચેતાને વાત કરે છે કે તે પ્રોફેસર યશોવર્ધનની વિદ્યાર્થિની હતી. આમ, સુચેતાની જગ્યાએ આયેશાને મૂકીને વાર્તાકાર વાર્તા પૂરી કરે છે. ‘ચાલવું’ વાર્તા સૌ પ્રથમ મોહન પરમાર દ્વારા સંપાદિત ‘ગુજરાતી નવલિકાચયન ૨૦૦૫’માં સ્થાન પામી હતી. આ વાર્તાની રચના અને ‘પાર’ વાર્તાની પૂજા બંને સગોત્ર બહેનો જેવી છે. માતા-પિતાની સેવામાં બંને સ્ત્રીપાત્રો તત્પર છે અને પોતે ન્યોછાવર થઈ જવા માટે તૈયાર છે. ‘ચાલવું’માં લકવાગ્રસ્ત મા અને ‘પાર’માં કિડની ફેઇલ થયેલા પિતાનું ભાવવિશ્વ આલેખન પામ્યું છે. ‘પાર’માં પત્ની કે પુત્ર એકેયનું લોહી મેચ ન થયું ત્યારે પુત્રના મોં પર બચી ગયાનો ભાવ લેખકે દર્શાવ્યો છે અને પત્નીની આંખોમાં વેદના દર્શાવી છે. આ રીતે મા-દીકરાનું એક જ લોહી હોવા છતાં બંનેનાં ભાવવિશ્વ અલગ દર્શાવાયાં છે. દીકરી વિદેશથી આવીને કિડની આપવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે જમાઈ તેને પાછી બોલાવી લે છે. આ રીતે સબંધોની આંટીઘૂંટી સર્જકે અહીં રજૂ કરી છે. ‘મારી જ દીકરી!’ વાર્તાની નાયિકા વસંતસેના એડહોક અધ્યાપક છે. તે અનેક પ્રકારના સંઘર્ષો પાર કરીને ત્યાં સુધી પહોંચી છે. તેને હજુ પણ આગળ વધવું છે. તે નિષ્ઠાપૂર્વક પોતાનાં કામો કરે છે, સેમિનારોમાં જાય છે, પેપર પ્રેઝન્ટ કરે છે. આ બાબતે પ્રિન્સિપાલ ડૉ. પટેલને ઈર્ષાભાવ સાથેનો વાંધો પણ છે. આ રીતે એક નિષ્ઠાવાન અધ્યાપિકાનું ચરિત્રચિત્રણ લેખકે અહીં કર્યું છે. પરંતુ વાર્તાના અંતે તેની દીકરી ચંદ્રીનું વસંતસેનાથી વિરુદ્ધનું ચરિત્ર લેખકે આલેખ્યું છે. ચંદ્રી બધી સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે આવે છે અને મેડલો મેળવે છે, પરંતુ એની પાછળનું રહસ્ય લેખક એ દર્શાવે છે કે ચંદ્રી સાહેબોને ‘કીસ આપીને’ બધું પ્રાપ્ત કરે છે. ‘લૂણો’ વાર્તામાં સંતાનને સતત રોકટોક કરતાં માતાપિતાનું ભાવવિશ્વ આલેખાયું છે. વાર્તાનો કથક સિવિલ એન્જિનિયરનું ભણ્યો છે, પણ મોટા શહેરમાં એક પ્લાયવૂડની દુકાનમાં નોકરી કરે છે. પોતાની કારકિર્દી વિશેની તેનામાં લઘુતાગ્રંથિ છે, તો બીજી તરફ તેના ઉછેરમાં તેના માતા-પિતા, ભાઈ તમામે તેને પોતાની મરજી વિરુદ્ધના ક્ષેત્રમાં જવા પ્રેર્યો હતો, વળી તેના મોજશોખ ઉપર અનેક પ્રકારની રોક લગાવી હતી, અને આ લોકોએ પોતાની ઇચ્છાઓ એના માથે થોપી હતી. આ પ્રકારનું તેનું જીવનઘડતર કોઈ વૃક્ષને લાગેલા લૂણાથી વૃક્ષ સુકાઈ જાય એમ તેનું જીવન વિષાદમય રહ્યું હતું. આમ, અહીં ભારતીય કુટુંબવ્યવસ્થા સામે લેખકે એક જુદી રીતે પ્રશ્નો ઊભા કર્યા છે. સંગ્રહની શીર્ષક વાર્તા ‘ખાલી ફ્રેમ’ની નાયિકા ગાયનેક ડૉક્ટર છે, જે પોતે નિઃસંતાન છે. અસંખ્ય સ્ત્રીઓ તેની પાસે એબોર્શન કરાવી ગઈ છે જેનાથી તે હવે કંટાળી ગઈ છે, પરંતુ તેનો પતિ આ એબોર્શન દ્વારા આવતા પૈસાથી બહુ ખુશ છે. પોતાનું નિઃસંતાનપણું પણ તેને કઠતું નથી. નાયિકા પ્રેક્ટિસ બંધ કરવાનો નિર્ણય કરે છે ત્યારે તેનો પતિ આવક મટી જવાની ભીતિ સેવે છે. પતિ બીજું લગ્ન કરવાની વાત કરે છે ત્યારે નાયિકા પતિને છોડીને ચાલી જાય છે. એ રીતે ‘ખાલી ફ્રેમ’ ખાલી થઈ ગયેલું ઘર અને સંતાનવિહોણા દંપતીનું પ્રતીક બની જાય છે. ‘તે દી’ ને આજની ઘડી’ વાર્તા દાંપત્યજીવનના પ્રશ્નોને રજૂ કરે છે. તેમાં વૃદ્ધ સરોજબા અને તેમના પતિ રસીકલાલ મુખ્ય પાત્રો છે. સરોજબાએ જીવનભર રસીકલાલની અનેક નિષ્ફળતાઓને સફળતામાં ફેરવી છે. સરોજબાનું પાત્ર કર્મશીલ, સહનશીલ અને ધૈર્યવાન છે. આ રીતે સરોજબા રસીકલાલને સમર્પિત હોવા છતાં વાર્તાના અંતે રસીકલાલ તેમનો નાનો પુત્ર અન્ય કોઈનો હોવાનો સરોજબા પર આરોપ મૂકે છે, ત્યારે સરોજબાને પોતાનું જીવન નિરર્થક લાગે છે. રસીકલાલનું ખુલ્લુ પડી જતું વ્યક્તિત્વ વાર્તાની માર્મિક ક્ષણ બની જાય છે. ‘ના’ વાર્તામાં બારમા ધોરણમાં ભણતા દીકરા અસીમને પિતા તરીકે સતત વાચન માટે પ્રેરતા પ્રબોધની કથા છે. જેમ જેમ પરીક્ષા નજીક આવે છે તેમ તેમ પ્રબોધની અસીમ પ્રત્યેની ચિંતા વધતી જાય છે. સવારે સાડા પાંચ વાગે એલાર્મ વગાડીને જગાડવાથી માંડીને તેની પાછળ જ સતત મહેનત કરવાનો તેનો જાણે કે જીવનધર્મ બની જાય છે. પરંતુ અસીમ પોતે આવી રોકટોકથી વ્યગ્ર રહે છે. આ તરફ પ્રબોધના મનમાં પોતે જ્યારે દસમા-બારમા ધોરણમાં હતો ત્યારે કેવી સ્થિતિ હતી એ ભૂતકાળ ચાલ્યા કરે છે. એકવાર પ્રબોધ બાથરૂમ જવા માટે ઊઠે છે ત્યારે અસીમને ચૈતાલી સાથે મસ્તી કરતાં જોઈ જાય છે. આ દૃશ્યથી તે આંખ આડા કાન કરે છે. અસીમને તે રોકી-ટોકી શકતો નથી. પ્રબોધના મનમાં પોતાના વિદ્યાર્થીકાળનો એક પ્રસંગ રમ્યા કરે છે જેમાં તેના બાયોલોજીના પેપર વખતે સાથે વાંચવા આવતી મોનિકા સાથે તેણે કુમળી ક્ષણો ગાળી હોવાનું યાદ આવે છે. પરિણામે બરાબર તૈયારી હોવા છતાં પેપર સારું ન જતાં મેડિકલમાં જવાનું સ્વપ્ન અપૂર્ણ રહી જાય છે. વાર્તાના અંતે પ્રબોધ અરીસામાં પોતાની જાતને પ્રશ્ન કરે છે કે, ‘એ ઘટનાનો અફસોસ થાય છે?’ અને તેની અંદરથી જ જવાબ મળે છે, ‘ના.’ અરીસામાંથી સામેથી પ્રશ્ન પૂછાય છે, ‘રોમાંચનો એવો અપૂર્વ અનુભવ જિંદગીમાં ફરી ક્યારેય થયો છે?’ અને તેને જવાબ મળે છે, ‘ના.’ આમ, આ વાર્તામાં પ્રબોધ જીવનની ઘટના અને પોતાના જ અંશ સમા પુત્રની પરીક્ષા સમયની ઘટના – એ બંનેને સામસામે મૂકીને વાર્તાકારે વાર્તાક્ષણ નિપજાવી છે. ‘લોટ ઑફ થેંક્સ’ વાર્તામાં ૩૦ વર્ષ પહેલાં છૂટાછેડા લીધેલી સુશીલા અચાનક સુરેશ નામના અમેરિકન વ્યક્તિના સંપર્કમાં આવે છે અને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરે છે. એ સમયની તેની અવઢવ આ વાર્તામાં વ્યક્ત થઈ છે. ‘લોક’ વાર્તા અજિત ઠાકોર દ્વારા સંપાદિત ‘ગુજરાતી નવલિકાચયન ૨૦૦૮’માં પ્રકાશિત થઈ હતી. ‘લોક’ એક દલિત વાર્તા છે. તેમાં સાંપ્રત જીવનના દલિતોના પ્રશ્નોને લેખકે વાચા આપી છે. વાર્તાનાયક પાસે નોકરી છે, સત્તા છે, પાવર છે છતાં પણ એ સતત અનિર્ણિત અવસ્થામાં રહ્યા કરે છે. વાર્તાના અંતે તે સ્વીકારે છે કે ‘મને મારા વિશ્વામિત્ર નથી મળ્યા એટલે મારી આ સ્થિતિ છે’ – એવું આત્મનિવેદન કરીને નાયક સાબરમતી આશ્રમમાં જાય છે. આમ, અહીં ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં દલિત હોવાના કારણે નાયક દ્વારા અનુભવાતો મનોસંઘર્ષ વાર્તાનું કેન્દ્રબિંદુ છે. ‘રમત’ વાર્તામાં આજના યુવક-યુવતીઓની મુક્ત મિત્રતા આલેખન પામી છે. પરંપરાગત રૂઢિ, માન્યતાઓ, અને મર્યાદાઓ ત્યજીને જુદાં જુદાં પાત્રો સાથે રોમાંચ કરતાં યુવક-યુવતીઓ અહીં આલેખાયાં છે. મુખ્ય પાત્ર તરુણ અને તરુણી છે, પરંતુ એ બંનેની વચ્ચે રૂપલ, દિપાલી, અમિત, મલય, પૂર્ણિમા, નિમેશ, પૂજા વગેરે મિત્રો આવે-જાય છે. ક્યારેક ફોનના કારણે પાત્રોનો એકબીજા સાથેનો સબંધ અન્ય પાત્રને ખબર પડી જતાં તેમની વચ્ચે સંઘર્ષ પણ ઊભો થાય છે. વળી, ટ્રેનમાં મુસાફરી દરમિયાન પાત્રો આકસ્મિક મળી જાય છે, તેમની વચ્ચે સંબંધ બંધાય છે, ભૂતકાળની કોઈ પણ ચર્ચા વગર માત્ર વર્તમાનમાં જીવતાં આ પાત્રો છે. ‘માટીનાં મૂળિયાં’ વાર્તા પારૂલ કંદર્પ દેસાઈ દ્વારા સંપાદિત ‘ગુજરાતી નવલિકાચયન ૨૦૦૯’માં સ્થાન પામી હતી. આ વાર્તામાં ગોધરાકાંડ પછી ફાટી નીકળેલાં તોફાનોમાં અસરગ્રસ્ત બનેલા મુસ્લિમોની કથા વર્ણવવામાં આવી છે. રાહતકેમ્પમાં રહેતા મુસ્લિમો વચ્ચેના સંવાદો દ્વારા તેમની નિરાધાર અને ભયાવહ સ્થિતિ લેખકે દર્શાવી છે. રાહતકેમ્પ પૂરો થતાં પોતાના વિસ્તારમાં જાય છે ત્યારે બળી ગયેલું ઘર અને ઘરવખરી, કપાઈ ગયેલું આંગણાનું વૃક્ષ, વિખૂટો પડી ગયેલો પરિવાર – એની વચ્ચે ભેંકાર અને સૂમસામ સ્થિતિનાં વર્ણનો મૂકીને લેખકે વાર્તામાં વાસ્તવનું નિરૂપણ કર્યું છે. ‘ખાલી ફ્રેમ’ વાર્તાસંગ્રહની અઢારે અઢાર વાર્તાઓમાં સમાજનો કોઈ બુનિયાદી પ્રશ્ન વ્યક્ત થયો છે. ક્યાક દાંપત્યજીવન, વૃદ્ધનો પ્રશ્ન, કિશારાવસ્થામાં ઊભા થતા પ્રશ્નોનું અહીં નિરૂપણ થયેલું જોવા મળે છે. જાહેરજીવનના પ્રશ્નોમાં નારીજીવનના, દલિતોના, કોમી વૈમનસ્ય દ્વારા ફેલાતા એવા વિવિધ પ્રશ્નો પણ લેખકે પોતાની વાર્તામાં વણી લીધા છે. આ વાર્તાઓની ભાષા સરળ છે અને સંક્રમણક્ષમતા ધરાવે છે. આ વાર્તાઓનાં પાત્રો નગરજીવન કે ગ્રામ્યજીવન સાથે સંકળાયેલાં, ડૉક્ટર, શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલાં, અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલાં – એમ વિવિધ પ્રકારનાં મૂળિયાં ધરાવે છે. આમ, આ સમગ્ર વાર્તાસંગ્રહ વૈવિધ્યસભર છે.

‘સાદ ભીતરનો’ :

Saad Bhitar No by Kandarp Desai - Book Cover.jpg

‘સાદ ભીતરનો’ કંદર્પ ર. દેસાઈનો ત્રીજો વાર્તાસંગ્રહ છે. એની પ્રથમ આવૃત્તિ ૨૦૧૯માં રંગદ્વાર પ્રકાશન દ્વારા પ્રગટ થઈ હતી. ‘બાકી રહેલી અડધી સાંજ’ વાર્તા ‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી ૨૦૧૧ના અંકમાં પ્રગટ થઈ હતી. ત્યારબાદ આ વાર્તા જયેશ ભોગાયતા દ્વારા સંપાદિત ‘ગુજરાતી નવલિકાચયન ૨૦૧૧’માં સ્થાન પામી હતી. આ વાર્તામાં એકલી રહેતી સુધા નામની વૃદ્ધ વિધવા સ્ત્રીની એકલતાનું નિરૂપણ થયેલું છે. તેનો એક પુત્ર અચલ ઑસ્ટ્રેલિયા જ્યારે બીજો મોહિત અમેરિકા રહે છે. સુધા વડોદરામાં એકલી રહે છે. તે ઑસ્ટ્રેલિયા દીકરાના ઘરે રહીને જ્યારે પાછી વડોદરા આવે છે ત્યારે વડોદરામાં પૂર આવ્યાના કારણે તેનું ઘર ડૂબી ગયું હતું. અહીં એકલી પડેલી સુધા અને તેના ઘરને પૂરના કારણે તારાજ થયેલું જોઈને અનુભવાતી તેની વેદના લેખકે પ્રથમ પુરુષમાં વ્યક્ત કરી છે. ઘરની સ્થિતિ સાથે જ તેની એકલતાનું સાયુજ્ય રચાય છે. તેનો અમેરિકા રહેતો દીકરો મોહિત તેને અમેરિકા બોલાવે છે પરંતુ ડૉક્ટરની સલાહ લેતાં ડૉક્ટરે લાંબી મુસાફરી કરવાની ના પાડી. તેથી બેંગલોર તે દીકરીને ત્યાં ચાલી જાય છે, પરંતુ ત્યાં દીકરીનાં સાસુ સાથે મનમેળ ન થતાં પોતાના ભાઈને ત્યાં ચાલી જાય છે. ત્યાં તેને કૌશલ નામનો એક કિશોર મળે છે જે પોતાના કોમ્પ્યુટર પર સુધાને વિડીયો કોલિંગ દ્વારા તેના દીકરાઓ અને દીકરી સાથે વાત કરાવે છે તથા દાદી-દાદી કરીને આખો દિવસ સુધા સાથે પ્રેમથી વાતો કરે છે. આમ, આ વાર્તામાં પોતાના લોહીના સબંધ ધરાવતાં કુટુંબીજનો તરફથી ન મળતો પ્રેમભાવ અને લાગણી સુધાને એક અજાણ્યા કિશોર તરફથી મળે છે એ આ વાર્તાનું હાર્દ છે. આમ, પોતાનું હોવું એક ભ્રમ છે, માની મોજ લઈને બાકી રહેલી અડધી સાંજ જેવી જિંદગીને વિતાવી દેવા ઇચ્છે છે. જીવવું એટલે જ પરવશતા એ સત્ય સુધાને મળે છે. ‘કરવા જેવું કામ’ વાર્તા ‘કુમાર’ એપ્રિલ ૨૦૧૧ના અંકમાં પ્રગટ થઈ હતી. આ વાર્તાનો નાયક કુણાલ ખાનગી કંપનીમાં માર્કેટિંગમાં નોકરી કરે છે. તે ટારગેટ પૂરો કરવામાં વારંવાર નિષ્ફળ જાય છે તેથી તેને બોસ તરફથી ઠપકો મળ્યા કરે છે. તેની પત્ની આરતી તેને હૂંફ આપે છે જેથી તેને જીવન જીવવા જેવું લાગે છે. એ પોતાના પ્રતિસ્પર્ધીને હરાવવા માટે રોજ કૂતરાને રોટલી નાખવાનું, કીડિયારું પૂરવાનું – એવા વિવિધ કીમિયા કરે છે. આમ એક વિશિષ્ટ પ્રકારના પાત્રનું લેખકે આ વાર્તામાં નિરૂપણ કર્યું છે. વાર્તાના અંતે નાયક કીડિયારું પૂરવા જાય છે ત્યારે તે કીડીની સક્રિયતાને કારણે કીડીને ‘મેનેજમેન્ટ ગુરુ’ બનાવે છે. આમ, ખાનગી ક્ષેત્રમાં નોકરી કરતા એક પાત્રનો અહીં સંઘર્ષ નિરૂપણ પામ્યો છે. ‘કશું કહેવું નથી’ વાર્તા ‘કુમાર’ જુલાઈ ૨૦૧૨ના અંકમાં પ્રગટ થઈ હતી. આ વાર્તાનો નાયક ત્રણ વર્ષથી પથારીવશ છે. એકવાર તે અમરનાથની યાત્રામાં ગયો હતો ત્યારે ત્યાં ફસડાઈ પડ્યો હતો. ત્યારબાદ તેણે પોતાની તમામ માલમિલકતમાં પત્ની ભાવનાનું નામ કાયદેસર રીતે જોડવાનું શરૂ કર્યું, પરંતુ એકવાર બૅન્કમાં જતી વખતે ખુલ્લી ગટરમાં પગ પડ્યો અને પછડાયો. જેથી ગરદન અને કરોડરજ્જુમાં ઈજા પહોંચવાથી તે પથારીવશ થઈ ગયો, ઘણી સારવાર છતાં સાજો થઈ શક્યો નહીં. તેની પત્નીએ ઘર સંભાળી લીધું અને તે પથારીવશ પોતાના જીવન પ્રત્યે અફસોસ વ્યક્ત કરવા માંડ્યો. ગિરનારની પરિક્રમામાં કોઈ સાધુએ તેને કહ્યું હતું કે ‘અભી તુમ્હારા એક જનમ બાકી હૈ ઔર વો હૈ પેડ કા’. આ વાત સાચી પડી હોય અને પોતે એક વૃક્ષ બની ગયો હોય એવું તે અનુભવવા લાગ્યો. પથારીવશ અવસ્થામાં તે કવિતાઓ પણ લખે છે. સામે દીવાલ પર ફૂટેલા પીપળાને જોયા કરે છે. પોતાની ગુજરી ગયેલી બહેને બાંધેલી રાખડી યાદ કરે છે. આમ, તેનું નિર્લેપ ભાવે જીવાતું જીવન લેખકે અહીં વ્યક્ત કર્યું છે. સમાજ અને પરિવારથી વિચ્છેદ અનુભવતા નાયકની વ્યથાકથા આ વાર્તામાં નિરૂપણ પામી છે. ‘બ્રાહ્મણની દીકરી’ વાર્તા ‘ગુજરાત મિત્ર’ના ૨૦૧૨ના દિવાળી અંકમાં પ્રગટ થયેલી. વાર્તામાં મોટી ઉંમર સુધી કુંવારી રહી ગયેલી સ્વાતિની ઝંખના વ્યક્ત થઈ છે. સ્વાતિનો ભાઈ રોહિત લગ્ન કરીને પોતાના સંસારમાં ઓતપ્રોત થઈ ગયો છે. તેની મોટી બહેન બીજી જ્ઞાતિમાં પરણીને ગોઠવાઈ ગઈ હતી. સ્વાતિ એકાકી જીવન જીવી રહી છે અને અથાણાં બનાવી આપવા, વણેલા પાપડ વેચવા, બેબીશિટિંગ વગેરે જેવાં કામો કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવી રહી છે. એકવાર એક ઘરડાં માજીની સેવાચાકરી કરવાનું કામ પણ કરે છે. એ માજી પાસેથી તેને જીવનમાં મીઠાશ રાખવાનું, બહુ અકડાઈ નહીં રાખવાનું વગેરે શિખામણો મળે છે. વાર્તાકારે એના દૈનિક જીવનની ક્રિયાઓની પણ વિગતો આપી છે. એક ઑફિસમાં તે નોકરી માટે જાય છે ત્યારે તેની ઉંમર જોઈને તેને ના પાડી દેવામાં આવે છે. એ કહે છે કે ‘હું બ્રાહ્મણની દીકરી છું’, ત્યારે તેને બે હજાર રૂપિયા દાનમાં આપીને વિદાય કરવામાં આવે છે. આખરે એ મેરેજ બ્યૂરોનું ફોર્મ ભરવા જાય છે, પરંતુ ત્યાં કુંવારા/ત્યક્તા/વિધવા/ડિવોર્સી એવા વિકલ્પોથી મૂંઝવણ અનુભવીને ફોર્મ ભરી શકતી નથી. આમ, આ વાર્તામાં મોટી ઉંમર સુધી કુંવારી રહી જવાના કારણે જીવનસંઘર્ષ અનુભવતી સ્ત્રીની મનોવ્યથા વ્યક્ત થઈ છે. ‘નિશાંત’ વાર્તા ‘મમતા’ના ૨૦૧૩ના વિશેષાંકમાં પ્રગટ થયેલી. વાર્તામાં શુભમ ગે પુરુષનો મનોસંઘર્ષ આલેખાયો છે. સમગ્ર વાર્તામાં કાઉન્સેલિંગ સમયે ડૉક્ટર શુભમની વાતચીતમાંથી આકાર લે છે. આઠ વર્ષની ઉંમરે એનાથી મોટી ઉંમરના એવા માસીના દીકરા અંકુરે પ્રથમવાર શુભમ સાથે દુષ્કર્મ કર્યું હતું ત્યારે તેને શું થયું એ પણ ખબર નહોતી. ત્યારબાદ અંકુર વારંવાર એની સાથે એવું કરતો રહ્યો. શુભમ આ હકીકત કોઈને પણ જણાવી શક્યો નહીં અને મનોમન મૂંઝાતો રહ્યો. તેના પર અંકુર દ્વારા ગુજારાતું શારીરિક દમન તેને ગમતું નથી અને તે કશું કહી પણ શકતો નથી. અંકુર જ્યારે પણ આવે છે ત્યારે તેની સાથે એકલો રૂમમાં સૂઈ રહે છે અને તેની સાથે દુષ્કર્મ કરે છે. એકવાર અંકુર તેના મિત્રને પણ સાથે લાવે છે. એ મિત્ર પણ શુભમ સાથે એ પ્રકારનું જ કૃત્ય કરે છે. સ્કૂલમાં પણ ‘હાય ગે, શુભમ’ એવું કહીને છોકરાઓ તેને પજવે છે. તે સતત લઘુતાગ્રંથિનો અનુભવ કરે છે. આખરે તે એક એન.જી.ઓ.માં જોડાય છે. પ્રથમવાર કાઉન્સેલિંગ કરતાં ડૉક્ટર આગળ પોતાના જીવનનાં પાનાં ખોલે છે અને વાર્તાના અંતે શુભમ તેના પિતા દિવાકર પંડિતના નામે ટ્રસ્ટ ખોલીને ‘ચાઇલ્ડ એબ્યૂઝ’ વિશે જાગૃતિ લાવવાનું કાર્ય કરે છે. અહીં સર્જકે નોંધ્યું છે કે અંકુર પણ આ ટ્રસ્ટ માટે દાન આપે છે. આમ, આ વાર્તામાં સમાજના એક વિશિષ્ટ અને વણસ્પર્શ્યા વિષયને લેખકે વાચા આપી છે. શુભમ અને અંકુરનાં પાત્રોને આ સમસ્યા સાથે બરાબર સાંકળીને આ સામાજિક સમસ્યા અને મનોવૈજ્ઞાનિક સમસ્યાનો ચિતાર આપ્યો છે. ‘મુક્તિ’ વાર્તા સૌપ્રથમ ‘નવનીત સમર્પણ’ના ડિસેમ્બર ૨૦૧૩ના અંકમાં પ્રગટ થઈ હતી. ત્યારબાદ ગિરીશ ભટ્ટ દ્વારા સંપાદિત ‘ગુજરાતી નવલિકાચયન ૨૦૧૩’માં સ્થાન પામી હતી. આ વાર્તા મિતા અને રવિ બંનેના કથનકેન્દ્રથી કહેવાઈ છે. વાર્તાના આરંભે એક ઘટના બને છે જેમાં કૉલેજમાં સાથે ભણતાં મિતા અને રવિ યુનિવર્સિટીમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે ઝડપથી આવેલી બાઇક પર સવાર કોઈ અજાણ્યા છોકરાએ મિતાની છાતી પર ઝડપથી હાથ નાખ્યો જેના કારણે મિતાનું ટોપ ફાટી જાય છે. આ ઘટનાથી બંને ડઘાઈ જાય છે. રવિ વિચારે છે કે મિતાએ ટૂંકાં કપડાં પહેર્યા હતાં એટલે આવી ઘટના બની જ્યારે મિતા વિચારે છે કે રવિ આવી ઘટના માટે કંઈ જ કરી કે બોલી શક્યો નહીં. ત્યાર પછીની મુલાકાતમાં મિતાના ટૂંકાં કપડાં વિશે જ રવિ ટીકા કર્યા કરે છે. મિતાને ગમતું નથી. આખરે એ રવિને છોડી દે છે. રવિને છોડ્યા પછી મિતાને હળવાશ એટલે કે ‘મુક્તિ’નો અનુભવ થાય છે. ‘આઠમી માર્ચ’ વાર્તા ‘નવનીત સમર્પણ’ ઓગસ્ટ ૨૦૧૪ના અંકમાં પ્રગટ થઈ હતી. આ વાર્તામાં બળાત્કારનો ભોગ બનેલી યામિનીનો સંઘર્ષ આલેખન પામ્યો છે. છ વર્ષથી તે કોર્ટમાં ધક્કા ખાય છે પરંતુ તેને ન્યાય મળતો નથી અને નવી નવી તારીખો મળ્યા કરે છે. વાર્તાની વર્તમાન ક્ષણોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આઠમી માર્ચ છે. યામિની છાપું વાંચી રહી છે. છાપામાં મહિલા દિવસની ઊજવણીના મોટા મોટા સમાચારો જોઈને ગુસ્સાથી છાપું ફેંકી દે છે. તેના પતિ નરેન્દ્ર આગળ આ ઊજવણીના તાયફાઓ વિશે આક્રોશ વ્યક્ત કરે છે. યામિની ઉપર અત્યાચાર થયો ત્યાર પછી પોલીસે જડવત્‌ વ્યવહાર કર્યો હતો. તપાસ કરનારી લેડી ડૉક્ટરે પણ રુટિન કાર્યની જેમ ચેકઅપ કર્યું હતું. યામિનીને થાય છે કે ‘સ્ત્રી હોવા છતાં સ્ત્રીની પીડાને સમજી શકી છે?’ કોર્ટમાં પણ વકીલો અને જજ યંત્રવત્‌ રીતે બધા વ્યવહાર કરતા હતા. વાર્તાના અંતમાં કોઈ અજાણ્યો પુરુષ એને પૂછે છે કે ‘એ માણસ પર તમે મૂકેલા આરોપો સાચા છે કે ખોટા એ કહો કારણ કે મારી પત્ની પણ ત્યાં ગઈ હતી.’ આ પ્રશ્નનો ઉત્તર યામિની આપી શકતી નથી, ત્યાં વાર્તાનો અંત આવે છે. આમ, આ વાર્તામાં જડ ન્યાયતંત્ર, પોલીસતંત્ર, આરોગ્યતંત્ર વગેરેની સામે એક બળાત્કારનો ભોગ બનેલી નારીની નિઃસહાય સ્થિતિ લેખકે વ્યક્ત કરી છે. ‘તાલ’ વાર્તા ‘નવનીત સમર્પણ’ ઑક્ટોબર ૨૦૧૪ના અંકમાં પ્રગટ થઈ હતી. આ વાર્તામાં ફીક્સ પગારમાં નોકરી કરતી અને પતિથી દૂર રહેતી આરતી નામની સ્ત્રીની સમસ્યાનું નિરૂપણ થયેલું છે. વાર્તાના આરંભે આરતીને પોરબંદરમાં નોકરીનો ઑર્ડર મળે છે. તેનો પતિ અમીર છે, અને અમદાવાદમાં સારી રીતે સેટ થયેલો છે એટલે કહે છે કે છેક પોરબંદર જઈને નોકરી કરવાની કોઈ જરૂર નથી, પરંતુ આરતીને અધ્યાપક તરીકે પોતાની કારકિર્દી બનાવવી છે એટેલે તે પોતાના મમ્મી-પપ્પા અને પતિ કેતનને મનાવી લે છે અને નોકરી કરવા ચાલી જાય છે. પોરબંદરમાં તેનો જીવનસંઘર્ષ શરૂ થાય છે. ભાડાના નાના ઘરમાં રહેવાનું, કૉલેજની જવાબદારીઓ સંભાળવાની, પતિ સાથે નિયમિત વાત અને ચેટ કરવાની – આ તમામ બાબતો વચ્ચે એ સતત વ્યસ્ત રહે છે. પતિને રૂબરૂ બહુ ઓછું મળી શકે છે. વાર્તાના અંતે આરતી ઉપર કૉલેજના સેમિનારની સંપૂર્ણ જવાબદારી છે. એવા સમયે જ તેનો પતિ તેને મળવા આવે છે, બાજુમાંથી ચાવી લઈને એનો રૂમ ખોલે છે ત્યારે જે દૃશ્ય જુએ છે એ લેખકે આ રીતે વર્ણવ્યું છે : ‘આ તે કંઈ ઘર છે? જ્યાં ત્યાં પડેલાં પુસ્તકો, કાગળિયાં, કપડાં અને બીજો કચરા જેવો સામાન! કેટલાયે દિવસથી ઘર સાફ નહીં કર્યું હોય! રસોડામાં જઈ જોયું તો આખું પ્લેટફોર્મ એઠાં વાસણોથી ભરેલું. એકે ચોખું વાસણ નહીં.’ (‘સાદ ભીતરનો’, પૃ. ૮૯) આ દૃશ્ય જોયા પછી કેતન ચા પીવાની તીવ્ર ઇચ્છાના કારણે વાસણો જાતે જ ધોવા લાગી જાય છે. ત્યાં વાર્તાનો અંત આવે છે. આમ, એકલી રહીને નોકરી કરતી સ્ત્રીની સમસ્યાનું અહીં નિરૂપણ થયું છે, જેમાં દાંપત્યજીવનના પ્રશ્નો પણ લેખકે વણી લીધા છે. આ વાર્તામાં આ જ રીતે એકલી રહેતી એક બીજી સ્ત્રી અન્ય પુરુષ સાથે સબંધ બાંધે છે અને માને છે કે ‘શરીરની પણ કોઈ જરૂરિયાત હોય છે.’ બીજી તરફ, આરતી પોતાના પતિ તરફ સંપૂર્ણ વફાદાર રહે છે. આ રીતે આ બંને પરિસ્થિતિઓને લેખકે આમનેસામને મૂકી આપી છે. ‘ઓનર કિલિંગ’ વાર્તા ‘વાર્તા રે વાર્તા’ (૨૦૧૪)માં સ્થાન પામી હતી. આ વાર્તામાં ઑફિસનો પરિવેશ આલેખાયો છે. આ વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં નાયિકા નીતાબેન દ્વારા કહેવાઈ છે. નીતાબેન ક્લાસ વન અધિકારી છે. વાર્તાના આરંભે નવી ઑફિસમાં પ્રવેશતાં જ નીતાબેન તમામ કર્મચારીઓને સૂચના આપે છે કે ‘હું માત્ર કામમાં માનું છું, કુથલીમાં નહીં. મને પ્રશંસા ગમતી નથી, પણ કામ જ ગમે છે.’ તેમ છતાં જ્યારે કોઈ કર્મચારી નીતાબેન પાસે આવીને બીજા કર્મચારીની બુરાઈ કરે છે, ત્યારે નીતાબેન ઠપકો આપીને તેને કાઢી મૂકે છે. એકવાર નીતાબેનનો ઇન્ટરકોમમાં ફોન ચાલુ હોય છે ત્યારે નીતાબેનને કર્મચારીઓ દ્વારા થઈ રહેલી પોતાની બુરાઈ સાંભળવા મળે છે. એનાથી નારાજ થયા વગર તેઓ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક ચાલુ રાખે છે. તેમના વિભાગના મંત્રીશ્રી તરફથી પણ તેમને વારંવાર હેરાનગતિ થયા કરે છે. આ ઉપરાંત કોઈ પણ કૉન્ટ્રાક્ટ આપવામાં મંત્રીશ્રીના ઓળખીતાઓને જ આપવાનું ઉપરથી દબાણ આવે છે. તેમની ઑફિસમાં કામ કરતા આઉટસોર્સ કર્મચારીઓ બરાબર કામ કરતા નહોતા ત્યારે નીતાબેને તેમને સસ્પેન્ડ કર્યા હતા, તેથી આઉટસોર્સનું આખું યુનિયન તેમની વિરુદ્ધમાં ગયું, આંદોલનો થયાં અને કોર્ટકેસ પણ થયો. નીતાબેનના દીકરાએ તેમને નોકરીમાંથી રાજીનામું આપીને અમેરિકા આવી જવાનું કહ્યું, પરંતુ એમ કરવા જતાં પોતાનો અહમ્‌ ઘવાતો હોવાનું તેમને લાગ્યું. તેથી તેઓએ નોકરી ન છોડી અને કેસ લડતાં રહ્યાં. આમ, એક નારીની તટસ્થતાને લેખકે આ વાર્તામાં આલેખી છે. ‘સમય-ખાલી, ખેંચાયેલો, ખીલેલો’ વાર્તા ‘નવનીત સમર્પણ’ એપ્રિલ ૨૦૧૬માં પ્રગટ થઈ હતી. આ વાર્તામાં વૃદ્ધોનાં સંવેદનને વ્યક્ત કરવામાં આવ્યું છે. આ વાર્તામાં ઘરના વડીલ બાપુજીની એકલતા દૂર કરવા માટે તેનો પુત્ર અનુપમ અને અનુપમની પત્ની માધુરી બાપુજીને સેરેબ્રલ પાલ્સિનો ભોગ બનેલાં બાળકોની મુલાકાતે લઈ જાય છે. ત્યાં બાપુજીને બાળકો પ્રત્યે પ્રેમ ઉભરાય છે. તેમની સાથે બાપુજી હળવાશથી બાળસહજ વર્તન કરે છે. અને તેથી તેમના જીવનમાં નવા ઉત્સાહનું સિંચન થાય છે. વાર્તાના અંતે બાપુજી બીજા દિવસે પણ આ બાળકોની મુલાકાતે આવવાનું પોતાના પુત્રને જણાવે છે. આમ, વૃદ્ધની એકલતાનો અહીં વાર્તાકારે અલગ જ પ્રકારનો ઉપાય શોધ્યો છે. ‘ઢોલ હજી વાગે છે’ વાર્તા ‘નવનીત સમર્પણ’ જુલાઈ ૨૦૧૬માં સ્થાન પામી હતી. આ વાર્તામાં નિરાલી અને આકાશનું વિશિષ્ટ મિલન આલેખાયું છે. આકાશનું વતન સિમલા છે. તે ઉત્તમ નાટકોની ભજવણી કરવા માટે ગુજરાત આવ્યો છે. નિરાલીને તે ગમી જાય છે. ખાસ તો આકાશ ગુજરાતી અદામાં મંચ પર દાંડી પીટે છે ત્યારે નિરાલી તેના પર મોહી પડે છે. તેની મમ્મી આગળ તે આકાશ સાથે લગ્નપ્રસ્તાવ મૂકે છે, પરંતુ એમાં તે સફળ થતી નથી અને તે આકાશની યાદોમાં જીવે છે. ‘મુક્તિ-બંધન’ વાર્તા ‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી ૨૦૧૭માં પ્રગટ થઈ હતી. આ વાર્તા બે અલગ અલગ કથકો રજત અને નૃત્યવિદ્‌ અનિકેત મજમુદાર દ્વારા કહેવાઈ છે. અનિકેત અને એની ભૂતકાળની શિષ્યા સ્વાતિના અવૈધ સબંધ દ્વારા રજતનો જન્મ થયો હતો. રજત મોટો થઈને સારો ડાન્સર બને છે અને પોતાનો સ્ટેજ શો હોય છે ત્યારે અનિકેતને જ મુખ્ય મહેમાન તરીકે આવવાનું આમંત્રણ આપવા જાય છે. રજત પોતાનો પરિચય સ્વાતિના દીકરા તરીકે આપે છે ત્યારે અનિકેતને પોતાનો ભૂતકાળ યાદ આવે છે જે અનિકેતના કથન દ્વારા જ વ્યક્ત થયો છે. આ ભૂતકાળમાં નૃત્યશિક્ષક અનિકેત સ્વાતિને કથક નૃત્ય શીખવાડે છે ત્યારે બંને વચ્ચે અંગત સંબંધો બંધાયા હતા, પરંતુ અનિકેત લગ્નની જંજાળમાં પાડવા માગતો નહોતો અને સ્વાતિને અનિકેતની પ્રેમની નિશાની જોઈતી હતી. એ નિમિત્તે સ્વાતિ અનિકેતના બાળક રજતને જન્મ આપીને ઉછેરે છે અને એને નૃત્યકાર બનાવે છે. અનિકેત રજતનું આમંત્રણ સ્વીકારે છે ત્યાં વાર્તા પૂરી થાય છે. આમ, આ વાર્તામાં કલાજગતમાં જીવતા અને પોતાનું સ્વતંત્ર જીવન ગુજારતા કલાકારોનું વિશ્વ આલેખવાનો લેખકે પ્રયાસ કર્યો છે. ‘વલુરાટ’ વાર્તા ‘પરબ’ એપ્રિલ ૨૦૧૭ના અંકમાં પ્રગટ થઈ હતી. આ વાર્તામાં પતિ નરેશના મૃત્યુ પછી આશ્રમ જીવન જીવતી પુષ્પાનો ભૂતકાળ આલેખાયો છે. પુષ્પાએ પોતાની બંને દીકરીઓ અંજલિ અને અનીતાને ધામધૂમથી પરણાવીને નર્મદાકિનારે આવેલા આશ્રમના ગુરુજીના ચરણોમાં પોતાનું જીવન સમર્પી દીધું છે. પતિ નરેશનું અકાળે અવસાન થાય છે ત્યારે નરેશનો મોટોભાઈ પુષ્પા ઉપર પતિના ખૂનનો આરોપ લગાવે છે. એમાંથી તે માંડ માંડ છૂટે છે અને પછી આશ્રમજીવન ગુજારવાની શરૂઆત કરે છે. વાર્તાના અંતે આશ્રમમાં પહોંચેલી પુષ્પાને ગુરુજી માથે હાથ મૂકીને આવકારે છે અને પુષ્પા નર્મદાના વિશાળ પટને તાકી રહે છે. આ રીતે અહીં નારીના સંઘર્ષમય જીવનનું નિરૂપણ થયું છે. ‘પોતાનું ઘર’ વાર્તા ‘નવનીત સમર્પણ’ મે ૨૦૧૮ના અંકમાં પ્રગટ થઈ હતી. આ વાર્તામાં મનીષા પોતાના પતિ સત્યમ સાથે અણબનાવ થવાના કારણે રિસાઈને પિયરમાં રહેવા આવી જાય છે. તેનો ભાઈ આનંદ તેને પતિથી ડિવોર્સ આપવા માટે સતત સમજાવ્યા કરે છે, પરંતુ મનીષા પતિથી છૂટી પડી શકતી નથી. તેને સતત પોતાનું સુખી દાંપત્યજીવન યાદ આવ્યા કરે છે. આ દાંપત્યજીવનમાં સાસુના કારણે વિખવાદ ઊભો થાય છે, પરિણામે મનીષા પિયરમાં આવી જાય છે. પિયરમાં પણ તે શાંતિથી રહી શકતી નથી અને વાર્તાના અંતે તે ફરી સત્યમના ઘરે ચાલી જાય છે. આ રીતે આ વાર્તામાં ભારતીય લગ્નજીવનના આદર્શને વ્યક્ત કરવાનો લેખકે યથાર્થ પ્રયાસ કર્યો છે. ‘થોડાક સવાલો’ વાર્તા ‘અખંડ આનંદ’ જૂન ૨૦૧૮ના અંકમાં પ્રગટ થઈ હતી. આ વાર્તામાં મયંક અને રાહુલ બે મિત્રો છે. મયંક બાઈક અકસ્માતમાં પોતાનો પગ ગુમાવે છે અને વ્હીલચૅર પર પોતાનું જીવન ગુજારે છે. વાર્તાનો કથક રાહુલ મયંકની આ સ્થિતિ વિશે વ્યથિત છે અને પોતાની દોસ્તીના ભૂતકાળને યાદ કરે છે. બંને મિત્રો મોડેલિંગ કરતા, ફિલ્મો માટે ઓડિશન આપતા એની વિગતો અહીં મળે છે. મયંકનો ભાઈ દીપક પણ મયંક વિશે ચિંતા સેવે છે. મયંકની મમ્મી તેની વિવિધ પ્રકારે દેખરેખ રાખે છે. વાર્તાના અંતે મયંકને મિત્ર રાહુલ વ્હીલચૅરમાં જ થિએટરમાં ફિલ્મ જોવા લઈ જાય છે ત્યારે મયંકની આંખોમાં ચમક આવે છે. આમ, અકસ્માતગ્રસ્ત યુવાનના સંવેદનનું આ વાર્તામાં નિરૂપણ થયું છે. ‘કઈ હશે એ ક્ષણ?’ વાર્તા ‘શબ્દસૃષ્ટિ’ એપ્રિલ ૨૦૧૯ના અંકમાં પ્રગટ થઈ હતી. આ વાર્તામાં આત્મહત્યા કરનાર યુવાનોના પ્રશ્નોનું નિરૂપણ થયું છે. ઓછા ટકા આવવાના કારણે આત્મહત્યા કરનાર યુવાન અમિતની મા અનીતા દ્વારા આ વાર્તા કહેવાઈ છે. આત્મહત્યાની રાત્રે અઢી વાગે અમિત એની માને મળે છે, પોતાના માર્ક્સ ઓછા આવવાનો અફસોસ વ્યક્ત કરે છે. તેની મા તેને ફરીવાર વધુ મહેનત કરવા સમજાવે છે, પરંતુ તેનો અફસોસ એટલી તીવ્રતાએ પહોંચે છે કે તે આત્મહત્યા કરી લે છે. તેની મા અનીતા આ બધી ઘટનાઓ યાદ કરે છે જેમાં પ્રથમવાર ‘નાઈટફોલ’ થવાની ઘટના, પ્રથમવાર દાઢી બનાવ્યાની ઘટના, મોબાઈલ, લેપટોપ, નોટબુક વગેરે સાથે તેના જોડાયાની ઘટનાઓ વગેરે અનીતા યાદ કરે છે. એ રીતે વાર્તાક્ષણો બંધાય છે. સાથેસાથે પાર્થ નામના એક યુવકે એકવીસમા માળેથી કૂદીને કરેલી આત્મહત્યાની ઘટનાને પણ તે યાદ કરે છે. અમિતના લેપટોપમાં રહેલા ફોટોગ્રાફ્સ, અસંખ્ય ફિલ્મો વગેરે જોઈને અમિતનો અભાવ તે અનુભવે છે. આ રીતે કોઈ પણ યુવાનની આત્મહત્યા પછીનો પરિવારનો દુઃખદ અનુભવ લેખકે વાર્તામા નિરૂપ્યો છે. ‘એક પગથિયું ઉપર’ વાર્તા ‘વાર્તાસૃષ્ટિ’ ઑક્ટોબર ૨૦૧૮માં પ્રગટ થઈ હતી. આ વાર્તામા દીપા અને રાકેશનું સંવેદનવિશ્વ આલેખાયું છે. રાકેશ પુરુષસહજ રીતે દીપાની ખૂબ જ કાળજી લે છે. બંને ખાનગી કંપનીમા નોકરી કરે છે અને બંને એકબીજાના શોખને સમજે છે અને પોષે છે. દીપાને સુડોળ શરીર તરફ ખૂબ આકર્ષણ છે તેથી રાકેશ જિમમાં પણ જાય છે, પરંતુ વાર્તાના અંતે દીપા રાકેશને કહે છે કે ‘ખબર નથી પણ હું ઘણી આગળ નીકળી ગઈ છું, તું હજુ ત્યાં જ ઊભો છે? આપણે આપણા સબંધનું એક પગથિયું વધુ ઉપર ચડીશું.’ આમ, એકબીજાને ખૂબ જ ચાહતાં હોવા છતાં દીપા એમ માને છે કે પોતે રાકેશને જેટલું ચાહે છે એટલું રાકેશ એને ચાહતો નથી. એ પ્રકારની ગેરસમજ અને પાત્રોના અહમ્‌ને રજૂ કરતી આ વાર્તા છે. સંગ્રહની અંતિમ વાર્તા ‘વંશ-અંશ’માં પતિ હોવા છતાં પોતાના પ્રેમીનું બાળક ઝંખતી અર્ચના નામની સ્ત્રીની વાત છે. અર્ચના જે ઑફિસમાં નોકરી કરે છે ત્યાં તેનો પ્રેમી જય પણ નોકરી કરે છે. બંને વચ્ચે મુક્ત શારીરિક સંબંધો છે. અર્ચના એવું ઇચ્છે છે કે જય દ્વારા તેને બાળક થાય, પરંતુ અર્ચનાનો પતિ દેવાંગ પણ પોતાનો વાંધ આગળ વધારવા ઝંખે છે. જય અને અર્ચનાના સબંધની જ્યારે દેવાંગને ખબર પડે છે ત્યારે તે અર્ચનાને ડિવોર્સ નથી આપતો, પરંતુ પોતાનું જ બાળક અર્ચના જન્મ આપે તેવો તે આગ્રહ રાખે છે, અને અર્ચનાના ગર્ભમાં રહેલા જયના બાળકનું એબોર્શન કરાવી દે છે. ત્યારબાદ દેવાંગ દ્વારા જ્યારે પણ અર્ચનાને ગર્ભ રહે છે ત્યારે અર્ચના પોતે જ એ ગર્ભનો ગોળી લઈને નાશ કરે છે. આ ઘટના બાદ ઘરના લોકો એવું માને છે કે અર્ચનાને ગર્ભ રહી શકતો નથી, તેથી ડૉક્ટરોની સલાહ, ધાર્મિક વિધિવિધાનો, બાધા-આખડી, તીર્થયાત્રા વગેરે પ્રયુક્તિ અજમાવવામાં આવે છે. છેવટે અર્ચનાને જ્યારે પોતાના પ્રેમી જય દ્વારા ગર્ભ રહે છે ત્યારે પોતાના દ્વારા જ બાળક રહ્યું હોવાનું માનીને દેવાંગ ખુશ થઈ જાય છે અને સતત અર્ચનાની કાળજી રાખવા માંડે છે. પરંતુ વાર્તાના અંતે મૃત બાળક જન્મવાથી અર્ચના પશ્ચાત્તાપ અનુભવે છે અને દેવાંગ વ્યથિત થઈ જાય છે. આમ, વાર્તાનો અંત બોધાત્મક બને છે. આમ, કંદર્પ ર. દેસાઈના ત્રીજા વાર્તાસંગ્રહ ‘સાદ ભીતરનો’માં સાંપ્રત જીવનના વિવિધ પ્રશ્નોનું આલેખન થયેલું જોવા મળે છે. સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોની આંટીઘૂંટી મોટાભાગની વાર્તાઓનો વિષય છે. લીવ-ઇન-રિલેશનશીપ, ગે પુરુષના પ્રશ્નો, આત્મહત્યાના પ્રશ્નો, કિશોરના પ્રૌઢ સ્ત્રી સાથેના સંબંધો, ફિક્સ પગારમાં નોકરી કરતી અને પતિથી દૂર રહેતી સ્ત્રીની સમસ્યાઓ, ઑફિસમાં અધિકારી તરીકે નોકરી કરતી સ્ત્રીનો પ્રશ્ન વગેરે બાબતોને લેખક વાર્તામાં ઢાળવાનો પ્રયત્ન કરે છે. માનવજીવનની વિવિધ પ્રકારની વિડંબનાઓ આ વાર્તાઓમાં ભાવકને જોવા મળે છે. મનુષ્ય-મનુષ્ય વચ્ચેનો ભાવસંઘર્ષ અને મનોસંઘર્ષ પાત્રનિરૂપણ દ્વારા લેખકે યથાર્થ રીતે મૂકી આપ્યો છે. કદર્પ ર. દેસાઈની વાર્તાકળા વિશે અનિલ વ્યાસ ‘સાદ ભીતરનો’ વાર્તાસંગ્રહના મુખપૃષ્ઠમાં નોંધે છે કે, ‘સુરેશ જોષી આવીને લખાઈ ગયા હોય એવું નકશીદાર લલિતગદ્ય એ આલેખે છે. વાર્તાલેખનની એની પ્રક્રિયા એના સ્વભાવ જેવી સરળ નથી. એ લખે, સાચવીને મૂકી રાખે પછી કથાવસ્તુ, પાત્રો અને પરિસ્થિતિ સંવેદે. થોડોક વખત જવા દઈ ફરી લખે. વળી મઠારે. આ સંમાર્જનની પ્રક્રિયામાં વિકસતા સર્જનકર્મને કારણે એની વાર્તાઓ સંકુલ હોય છે.’ આ રીતે કંદર્પ ર . દેસાઈ સતત વાર્તાલેખનમાં સક્રિય રહ્યા છે. વિવિધ સામયિકોમાં તેમની વાર્તાઓ પ્રગટ થતી રહી છે. અનિલ વ્યાસ, કિરીટ દૂધાત, રમેશ ર. દવે, ગુણવંત વ્યાસ, ઉષા ઉપાધ્યાય વગેરે વાર્તામર્મીઓએ તેમની વાર્તાકળાની નોંધ લીધી છે. તેમની વાર્તાઓમાં પ્રગટ થતાં પાત્રો સમાજના વિશિષ્ટ પાસાંઓને ઉજાગર કરે છે. એમની વાર્તાઓનો ઘટનાવિસ્તાર બેડરૂમથી માંડીને જાહેરસ્થળો કે સમારંભો સુધીની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓએ પોતાની કલાદૃષ્ટિથી સમાજમાંથી વિવિધ વાર્તાક્ષણો પકડી છે, અને તેને વાર્તાનું સ્વરૂપ આપવામાં સર્જકતા દાખવી છે. વિષયવૈવિધ્ય, ગદ્યવિધાન, એક જ વાર્તામાં એકથી વધુ કથનકેન્દ્રના પ્રયોગો, ચૈતસિક સૃષ્ટિના નિર્માણ માટે વપરાયેલા પ્રતીકો અને રૂપકો વગેરે પાસાંઓ દ્વારા કંદર્પ ર. દેસાઈ અનુઆધુનિક વાર્તાપ્રવાહમાં પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કરે છે.

રાજેશ વણકર
Email : drrajeshvankar@gmail.com
મો. ૯૯૦૯૪૫૭૦૬૪