ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/દક્ષા સંઘવી

From Ekatra Wiki
Revision as of 03:06, 30 December 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘બોન્દુનાં સપનાં’ : દક્ષા સંઘવી

માવજી મહેશ્વરી

Daksha Sanghavi.jpg

વાર્તાકારનો પરિચય :

દક્ષા સંઘવીનો જન્મ તારીખ ૪ એપ્રિલ, ૧૯૬૨માં જાણીતા ચિંતક માવજી સાવલાના ઘરે ગાંધીધામમાં થયો હતો. એમનો જન્મ થયો એ વખતે ગાંધીધામ શહેરની ઉંમર માત્ર દસ વર્ષની હતી. વળી ગાંધીધામ એ વખતે માત્ર વસાહતી લોકોનું શહેર ગણાતું. જેમાં મોટાભાગના નોકરિયાતો અથવા મજૂરો હતા. એવા સમયે એમના પિતાજી પોતાના વતન ફરાદીથી ગાંધીધામ આવીને વસ્યા. એમણે ચાની ભૂકીની એજન્સી લીધી. બાજુમાં જ કંડલા બંદર. જ્યાં બંદર હોય એ વિસ્તારો બહુ જ જલદી વિકસી જતા હોય છે. આજે ગાંધીધામ મીની મુંબઈ કહેવાય છે. વળી આશ્ચર્યની વાત એ પણ છે કે ગાંધીધામ શહેરની કોઈ એક મુખ્ય ભાષા જ નથી. દેશની બધી જ ભાષાઓ આ શહેરમાં બોલાય છે. જ્યાં માતૃભાષા ગુજરાતી હોય એવા લોકો તો બહુ જ ઓછા છે. એમાંય દક્ષા સંઘવીના ઘરની માતૃભાષા તો કચ્છી. આવા બહુભાષીય વાતાવરણમાં દક્ષા સંઘવીનો ઉછેર થયો. બાજુના આદિપુર શહેરની કૉલેજમાં એમણે વાણિજ્ય સ્નાતકની ડિગ્રી મેળવી. સ્વભાવે મિતભાષી અને અંતર્મુખી એવાં દક્ષા સંઘવીને શબ્દનો વારસો તો ઘરમાંથી જ મળ્યો. પિતાજી ગુજરાતી ભાષાના જાણીતા લેખક. એમની દુકાનમાં કચ્છના જાણીતા સાહિત્યકારો આવે, વાચકો આવે. દાર્શનિક ચર્ચા કરનારા આવે. સાંજ પડે એમની દુકાનના ઉપલા ભાગમાં શબ્દસાધકો અને વિચારકોની બેઠક જામે. બાળકી, તરુણી, યુવતી દક્ષાએ બધું ચૂપચાપ જોયા કર્યું. શબ્દની સ્ફુરણા કદાચ બાળપણથી જ થઈ ગઈ હતી. એમનાં લગ્ન થયાં. પારિવારિક જવાબદારીઓ આવી. ૧૯૯૭માં એમણે બૅન્કની નોકરી લીધી અને ૨૦૦૫માં છોડી દીધી. બૅન્ક છોડ્યા પછી વર્ષોથી છૂટી ગયેલાં પુસ્તકો ફરી હાથમાં આવ્યાં. એ જ સમયે એમના પિતાજીના અવિરત ચાલતા લેખન કાર્યમાં મદદરૂપ થવાનું નિમંત્રણ મળ્યું. રોજના બે કલાક પિતાજીના લેખન અને આનુષંગિક કાર્યો કરવા ઉપરાંત એમની પાસે આવતા મિત્રોની ગોષ્ઠિઓ સાંભળવાની. એમના પિતાજી ઉત્તમ સામયિકો અને પુસ્તકો પ્રિસ્ક્રાઇબ કરે, વાંચવા આપે અને ક્યારેક કોઈ પુસ્તક કે કૃતિ વિશે ચર્ચા પણ થાય. દાર્શનિક પિતા સાથે વીતાવેલાં શ્રુતલેખનના એ દસ વર્ષ એમનાં જીવન ઘડતર અને લેખનકાર્ય માટેની પાઠશાળા જેવાં બની રહ્યાં. એમનો સ્વભાવ ઘરરખ્ખુ શાંત ગૃહિણી જેવો. બિનજરૂરી ઉત્પાત્તનો છાંટો નહીં, મહત્ત્વકાંક્ષી દોડથી દૂર રહેનારાં દક્ષા સંઘવી સાહિત્યના આજના ઘોંઘાટિયા વાતાવરણમાં શાંત વહેતા જળપ્રવાહ જેવાં છે. તેઓ જન્મ્યાં ગાંધીધામમાં અને હાલ ગાંધીધામમાં જ રહે છે.

સાહિત્યસર્જન :

દક્ષા સંઘવીનો જન્મ જ પુસ્તકોના ઢગલા વચ્ચે થયો એમ કહી શકાય. પિતાજી ખૂબ લખે, ખૂબ વાંચે, એમના મિત્રો આવે. એમાં ગુજરાતી ભાષામાં ઉત્તમ કવિતા રચનારા કવિ રમણીક સોમેશ્વર એમના પિતાજીના મિત્ર. વળી એ ગાંધીધામમાં નોકરી કરે. એટલે દક્ષા સંઘવી ઉપર રમણીક સોમેશ્વરની કવિતાનો બહુ મોટો પ્રભાવ પડ્યો. તેઓ શરૂઆતમાં કવિતા લખતાં, જોકે હજુ પણ લખે છે. એમની શરૂઆતની છાપ પણ કવયિત્રીની. છતાં સ્વભાવ અત્યંત અંતર્મુખી. છપાઈ જાય તોય એનો પ્રચાર ન કરે. એકવીસમી સદી બાદ એમની કવિતાઓ જુદા જુદા સામયિકોમાં દેખાવા લાગી. ક્યારેક વાર્તા દેખાય. મિત્રોના આગ્રહ થકી એમનો ૨૦૧૪માં ગઝલસંગ્રહ ‘હે ગઝલ આવ, પ્રગટ થા’ પ્રકાશિત થયો. અહીંથી એમની વાર્તાઓ, નિબંધો, અભ્યાસલેખો વગેરે પણ શિષ્ટ સામયિકોમાં પ્રકાશિત થવા લાગ્યાં હતાં. ૨૦૧૮માં અંજારના મિત્રોએ ‘વાર્તાગોષ્ઠિ’ નામની સંસ્થા હેઠળ વાર્તાની માસિક બેઠકો શરૂ કરી. દક્ષા સંઘવી એ બેઠકોમાં નિયમિત આવવા લાગ્યાં. વાર્તાની સાચી સમજ એમને એ સંસ્થાની બેઠકોમાંથી મળી. વાર્તાઓ લખાવા લાગી, છપાવા લાગી, એમનો આત્મવિશ્વાસ પણ વધ્યો. ૨૦૨૨માં યુવા વાર્તાકાર અજય સોનીએ આગ્રહ કરીને એમની પાસેથી તમામ વાર્તાઓ મેળવી. વાર્તાઓ તપાસી અને ૧૬ વાર્તાઓ પુસ્તક માટે પસંદ કરી. પ્રસ્તાવના માટે કિરીટ દૂધાતને મોકલી આપી. આખરે ૨૦૨૩માં ‘બોંદુના સપનાં’ નામે એમનો પહેલો વાર્તાસંગ્રહ આવ્યો. ૨૦૧૬માં ‘પરબ’માં છપાયેલા પ્રવાસ નિબંધ માટે ૨૦૧૬ના વર્ષનું કુમારનું ‘શ્રીમતી કમળા પરીખ લેખિકા પારિતોષિક’ એમને મળ્યું છે.

વાર્તાકારનો યુગસંદર્ભ :

દક્ષા સંઘવીનો વાર્તાસંગ્રહ ૨૦૨૩માં આવ્યો એટલે એમનો સર્જનકાળ અનુઆધુનિક ગાળાનો કહી શકાય. જોકે એમની વાર્તાઓના વિષય-વસ્તુમાંથી કાળખંડ શોધવો જરા અઘરો બને. એમની વાર્તાઓ કોઈ પણ કાળની હોઈ શકે છે, છતાં વાર્તાઓનાં વિષયવસ્તુ આલેખન, પ્રશ્નો અને ભાષા આધુનિક છે. એટલે દક્ષા સંઘવીને અનુઆધુનિક વાર્તાકાર ગણી શકાય.

ટૂંકીવાર્તા વિશે દક્ષા સંઘવીની સમજ :

દક્ષા સંઘવી મિતભાષી છે અને તેમનો સ્વભાવ તેમની વાર્તાઓમાં ડોકાય છે. એમની વાર્તાઓનાં પાત્રો પણ એમના સ્વભાવ મુજબ શાંત અને ધીરેથી પ્રગટ થયાં છે. દક્ષા સંઘવીને વાર્તા કહેતાં આવડે છે, વાર્તાને ઉઘાડતાં આવડે છે. ધીમે ધીમે ઉઘડતી જતી ફૂલપત્તીઓની જેમ વાર્તાની ગતિ સાથે વાર્તા ખૂલતી જાય છે. વાર્તામાં ક્યાં અટકવુ અને કયા વળાંક પર અટકવું તે વિશે તેઓ સજાગ છે. ખાસ કરીને એમની ભાષા વાર્તાને લાઘવ બક્ષે છે. એમની વાર્તાઓમાં કાવ્યની ભાષા દેખાય છે. એમની વાર્તાઓનું વિષયવસ્તુ ઘટનાતત્ત્વ માંસલ નથી, નાટકીય વળાંકો નથી પણ સહજ રીતે, નિયતિના બાંધેલા ધોરણે વળાંકો આવે છે. એમણે સંયત રીતે શબ્દો પાસેથી કામ લીધું છે.

‘બોન્દુનાં સપનાં’નો પરિચય :

Bondu-na Sapna by Daksha Sanghavi - Book Cover.jpg

એમના એકમાત્ર વાર્તાસંગ્રહ ‘બોન્દુનાં સપનાં’માં કુલ ૧૬ વાર્તાઓ છે. આ સંગ્રહની વાર્તાઓ એમની લાક્ષણિકતાને કારણે ધ્યાન ખેંચે છે. પહેલી વાર્તા ‘સંભાવનાઓઃ એક કેસની ફાઈલની’ શીર્ષક જરા હટકે છે એવી જ વાર્તા હટકે છે. એક જાણીતા પરિવારની વહુ એમના પરિવારની વાત માંડે છે અને એક એવી વાત બહાર આવે છે જે કદાચ જાણવા જ મળી ન હોત. એમનો મોટો દિયર પાગલ છે. જોકે ક્યારેક વર્ણનોમાં મેદસ્વિતા આવી ચડ્યાનો ખટકો વાચક અનુભવે પણ વાર્તા જેમ આગળ વધે તેમ એ વાર્તામાં રસાતો જાય છે. પરિવાર એ દિયરનાં લગ્ન એવી જ યુવતી સાથે કરાવે છે. લગ્ન પછી વાર્તામાં ગતિ આવે છે. ધીમે ધીમે એનું પાગલપણું ઓછું થઈ જાય છે અને તે સ્વસ્થ થઈ જાય છે. લેખિકાએ વાર્તા માંડવામાં જાળવેલો સંયમ એમની સજ્જતા બતાવે છે. ‘ત્રેપનમું પત્તું’ વૃદ્ધ પતિ-પત્નીના જીવનમાં બાવન પત્તાં ખુલ્લાં થઈ ગયાં છે. એમની સાફ જિંદગીમાં હજુ કશુંક ખૂટે છે. વૃદ્ધ દંપતીમાં પુરુષ અવારનવાર ડાધારંગા વેશ કરે છે. એ વેશ જ એમની જિંદગીનું ત્રેપનમું પત્તું હતું. કુદરતે સંતાનસુખથી વંચિત રાખવાના ખાલીપાને તે આ રીતે ભરે છે. આ સંગ્રહનું શીર્ષક બનેલી વાર્તા ‘બોન્દુનાં સપનાં’ જીવનમાં વ્યાપેલા એકધારાપણા અને શૂન્યતાને સપનાંથી ભરી દેવાનો કસબ એક બાળક શીખવે છે. ગાળો બોલતી, ચિડાયેલી રહેતી દાદીનું ભાવપરિવર્તન કેવી રીતે થાય છે તેની સુરેખ વાત આ વાર્તામાં વણાયેલી છે. માણસ ફક્ત કામ કરે ત્યારે કામ નિર્જીવ બની રહે છે, કામમાં એના અભાવને ઉમેરે તો એ કામ કલા બની રહે છે. બોન્દુ એ કલા એની દાદીને શીખવે છે. આ સંગ્રહની ઉત્તમ વાર્તા છે. ‘સ્વપ્નપુરુષ’ વાર્તા ટેક્‌નિકની રીતે જોવા માણવા જેવી છે. એક યુવતી જે દરિયાના પ્રેમમાં છે. એ પ્રૌઢ થાય છે ત્યારે એની પૌત્રી પણ એના જેવા જ ભાવ અનુભવે છે. ત્યારે એ સ્ત્રી એની ચોકીદાર બની જાય છે. જોકે અહીં દરિયો અપાર્થિર્વ સ્વરૂપે છે આ ટેક્‌નિક નોંધવા જેવી છે. અહીં પ્રેમ એ ભૌતિક સ્વરૂપ ધરાવતી નાયિકા અને દરિયાની જળરાશિ વચ્ચેનો છે. વાર્તા ન સમજાય તો વેડફાઈ જાય તેમ છે. ‘સુખની વાર્તા’ વાચકને આંચકો આપતી વાર્તા છે. એક ગૃહિણીનું સુખ કે એક ભીખારણના સુખની કલ્પના જુદી જુદી છે. કડવા વાસ્તવનો પરિચય આપવાનું કામ લેખિકાએ અત્યંત સંયમથી કર્યું છે. ‘સ્ત્રીનું નદી બનીને વહેવું’ સ્ત્રીના સમસ્ત જીવનના આંતરભાવોને વ્યક્ત કરતી આ વાર્તામાં સ્ત્રીજીવનના અત્યંત બારીક ભાવો વ્યક્ત થયા છે. વીંધાયા વગર તો મોતી મોતી કેવી રીતે કહેવાઈ શકે? સ્ત્રી પુરુષને સમર્પિત થયા વગર, પુરુષમાં ઓગળ્યા વગર તો પોતાના જીવનને કેવી રીતે માણી શકે અને સ્ત્રી કહેવાઈ શકે? કોઈ સૂક્ષ્મ અનુભવની કહી શકાય એવી આ વાર્તા છે. ‘ખોવાયેલાં નામ’ વાર્તા રંજકતત્ત્વ સાથે આગળ વધે છે. પરણ્યા પછી અચાનક ભેગી થઈ ગયેલી બહેનપણીઓ પોતાનાં મૂળ નામ શોધવા નીકળે છે. જોકે વાર્તામાં અચાનક ગંભીર પ્રશ્ન સસ્તા મનોરંજન તરફ વહી નીકળે છે. કેમ કે એમાં એવા પ્રેમપ્રસંગો પણ આવે છે. પણ થાય છે એવું કે એમનાં મૂળ નામ ફરી પાછાં આવીને એમના પરિવારમાં જ મળે છે. ‘દુઃસ્વપ્ન’ વાર્તામાં કપોળકલ્પિત તત્ત્વનો ઉપયોગ થયો છે. જગતમાંથી અચાનક અવાજ ખોવાઈ જાય તો? આ વાર્તાનો પ્લોટ કોઈ ફિલ્મમાં વપરાયાનું સ્મરણ થઈ આવે છે. (ફિલ્મનું નામ યાદ નથી) જે અવાજ સતત ત્રાસ આપતો હોય એ ઘોંઘાટથી છૂટવાના વલખાં માર્યા પછી એ જ ઘોંઘાટને ઝંખવું આ વાર્તાનું કેન્દ્રબિન્દુ છે. આપણા જીવનમાં નકામી કે ત્રાસ આપતી ચીજોનું કેટલું મહત્ત્વ હોય છે તે આપણું મન જાણતું નથી હોતું. ‘સ્માર્ટ પપ્પાની સ્માર્ટ દીકરી’ વાર્તા વર્તમાન સમાજનો એક કુરુપ ચહેરો ધરે છે. આ વાર્તાનો ઉઘાડ સાંકેતિક છે. વારંવારના એક જાતના વાક્યપ્રયોગો કોઈ ભયંકર ઘટના ઘટવાની છે તેનો સંકેત આપે છે. વાર્તાની શરૂઆત જ એક ઓથાર ઊભો કરે છે. આ વાર્તા એક એવી સ્ત્રીના મોઢે કહેવામાં આવે છે જેને ખબર જ નથી કે જે ઘટ્યું છે તે અનાયાસે નહીં, પણ કોઈનો ગોઠવાયેલો ખેલ હતો. આ વાર્તા યાદગાર છે. આ સંગ્રહની ‘લફંગો’, ‘એટ’, ‘ઢીંગલી”, ‘તીડનું ટોળું’ આ ચાર વાર્તાઓનાં કથાવસ્તુ અગાઉ ગુજરાતી વાર્તાઓમાં વપરાઈ ચૂકેલાં છે. આ વાર્તાઓ પ્રમાણમાં નબળી વાર્તાઓ કહી શકાય. ‘લફંગો’ વાર્તા મેઘાણીની ‘બદમાશ’ વાર્તા જેવી જ લાગે છે.

દક્ષા સંઘવીની વાર્તાકલા :

દક્ષા સંઘવીએ પહેલા સંગ્રહથી જ પોતાની નિજી ઓળખ ઊભી કરી છે. લેખિકાએ ભાષા પાસેથી ઉત્તમ કામ લીધું છે. કવિતા કાનની કલા છે તો વાર્તાકારનો કાન પણ સરવો હોવો જોઈએ. આ સંગ્રહની કેટલીક વાર્તાઓનાં નાનાં વાક્યો વાર્તાના કથાવસ્તુને તો આગળ ધપાવે જ છે, તે સાથે એ વાક્યોની કાવ્યમધુરતા પણ માણવા જેવી છે. ‘બોન્દુનાં સપનાં’માં બોન્દુ પોતાની દાદીના ગુસ્સાળ સ્વભાવનું વર્ણન કરવાની સાથે તાર્કિક રીતે એને યોગ્ય ઠેરવે છે. એ વાર્તાનું આ વાક્ય ‘દાદી તો બિચારી ઘણું મથે જીભને કાબૂમાં રાખવા. પણ દૂધ ઊભરાતું હોય ત્યારે પાણીની છાંટ મારીને ક્યાં સુધી હેઠું રાખો? દાદી પોતેય દાઝે ને બીજાને પણ દઝાડતી જાય.’ આ કરુણ વાર્તા છે. જોકે વાર્તાનો લોકાલ ગુજરાતનો નથી. પણ ગરીબીને એક હથિયાર બનાવીને કારુણ્ય ઊભો કરવો કે ગરીબીમાં જીવતા લોકોનાં સપનાં કાર્યમાં આરોપવાં જેવો સાવ નોખો મુદ્દો બતાવીને લેખિકાએ એક નવી દિશા ચીંધી છે. લેખિકા કચ્છનાં છે. કચ્છી વાર્તાકારની વાર્તાઓમાં દરિયો ન આવે તો જ નવાઈ. દરિયો દક્ષા સંઘવીની વાર્તાઓમાં આવે છે, પણ એ સ્થૂળ દરિયો નથી. અહીં દરિયાની સ્થૂળતા ઓગાળીને એક પાત્ર સ્વરૂપે મૂકાયો છે. ‘સ્વપ્નપુરુષ’ વાર્તામાં દરિયો અપાર્થિવ સ્વરૂપે આવે છે અને એનું એ સ્વરૂપ જ વાર્તાને ઉગારવામાં મદદરૂપ બન્યું છે. ‘લફંગો’ વાર્તાનું વાતાવરણ એકદમ રોમાંચક છે. ચિત્રાત્મકતા આ વાર્તાને સાવ હાંસિયામાં ધકેલી દેતી નથી. ‘ખોવાયેલાં નામ’ વાર્તાની આ શરૂઆત, ‘દમયંતી, રીના, દીપા કે એવાં જ કોઈ અલગ અલગ નામોવાળી ત્રણ અલગ અલગ સ્ત્રીઓ, ત્રણ અલગ અલગ રસ્તે ખોવાઈ જવા ઉતાવળી ચાલે નીકળી પડે છે. મોડું તો થઈ જ ગયું છે, ઉતાવળ તો રહેવાની’ ભાષાની ચિત્રાત્મકતા રહસ્ય ઊભું કરે છે. દક્ષા સંઘવી અત્યંત સંયત અને સ્વસ્થ વાર્તાકાર હોવાનાં એંધાણ તેમના પહેલા વાર્તાસંગ્રહમાંથી મળે છે.

દક્ષા સંઘવીની વાર્તા વિશે વિવેચકો :

આપણી પાસે, બહુધા ઉછીનો લીધેલો, મંદ્ર કરુણ છેડીને રીઝવતા વાર્તાકારો ઘણા છે પણ સ્વસ્થ રીતે દુનિયાને નિહાળતાં દક્ષાબહેન સંઘવી જેવા રાગ ‘આશા’વરી સંભળાવે એવા લેખકો ઓછા છે. (કિરીટ દૂધાત – પ્રસ્તાવનામાંથી)

સંદર્ભ :

‘બોન્દુનાં સપનાં’ દક્ષા સંઘવીનો વાર્તાસંગ્રહ

માવજી મહેશ્વરી
નવલકથાકાર, વાર્તાકાર
અંજાર (કચ્છ)
મો. ૯૦૫૪૦ ૧૨૯૫૭