ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/માવજી મહેશ્વરી
કાન્તિ માલસતર
વાર્તાકારનો પરિચય :
માવજી મહેશ્વરીનો જન્મ કચ્છના માંડવી તાલુકાના ભોજાય ગામમાં ૩૦ ડિસેમ્બર, ૧૯૬૪ના રોજ એક સામાન્ય ખેડૂ પરિવારમાં થયો હતો. પરિવારમાં સાત જણ, અને સરેરાશ ખાવાનું પાંચ જણનું. એવી સ્થિતિમાં તેમણે ભોજાય ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. તેમના જન્મ વખતે પોણું ગામ અભણ. તેમની પેઢીઓમાં પહેલું ઔપચારિક શિક્ષણ લેનારા માવજી મહેશ્વરી છે. હાઈસ્કૂલનું શિક્ષણ લેવા તેઓ રોજ દસ કિલોમીટરની આવ-જા કરી. હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન તેમણે કોટડી (મહાદેવપુરી) હાઈસ્કૂલની લાયબ્રેરી ફેંદી નાખી. એમનો શોખ નવલકથા વાંચવાનો. ૧૯૮૦માં એસ.એસ.સી. પાસ કર્યા પછી તેમના શિક્ષકના કહેવાથી તેમણે પીટીસી કર્યું, ઘરની જરૂરિયાત હતી. ૧૯૮૩માં શિક્ષક તરીકે અંજાર શહેરમાં જોડાયા. એમને આકાશવાણી તરફ કોઈ અકળ આકર્ષણ હતું, પણ તે વખતે તેઓ માત્ર પી.ટી.સી. જ હતા. જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું ત્યારે શિક્ષકની નોકરી દસ વર્ષની થઈ ગઈ હતી. એટલે એમણે આજીવન શિક્ષકની નોકરી કરી. માવજી મહેશ્વરીનું એક જુદું પાસું તે એમનો ગાવા–વગાડવાનો શોખ. હાર્મોનિયમ અને કીબોર્ડ વગાડતાં આવડે. કચ્છના લોકસંગીતના અભ્યાસુ અને અધિકૃત રીતે બોલી શકે એટલું જ્ઞાન ધરાવે છે. બાર વર્ષ એમણે લોકસંગીતના જાહેર કાર્યક્રમ આપ્યા છે. ઉપરાંત તેમને કચ્છ વિશેનું જ્ઞાન પણ અદ્ભુત. કચ્છની ભૂગોળ, કચ્છનું હવામાન, કચ્છની વનસ્પતિ, કચ્છની વિવિધ જ્ઞાતિઓ વિશે ઊંડુ સંશોધન પણ કરેલું છે. ૨૦૨૨માં નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ હાલ તેઓ અંજાર-કચ્છ ખાતે રહે છે.
સાહિત્યસર્જન :
માવજી મહેશ્વરીએ મોટાભાગના સાહિત્ય સ્વરૂપોનું ખેડાણ કર્યું છે. તેમજ માતબર અખબારી લેખન કર્યું છે. તેઓની વિવિધ અખબારી કોલમો હંમેશા લોકપ્રિય રહી છે. શરૂઆતના ગાળામાં કવિતાઓ લખતા આ લેખકને લાગ્યું કે તેઓ વાર્તા માટે જન્મ્યા છે અને તેમની વાત કવિતામાં સમાઈ શકે તેમ નથી. કાવ્ય લખવાનું બંધ કર્યું. તેમનાં કેટલાંક કાવ્યો શ્રેષ્ઠ કાવ્યોના વાર્ષિક સંપાદનોમાં સ્થાન પામ્યાં છે. લોકભોગ્ય અને શિષ્ટ એમ બન્ને સ્વરૂપોમાં લખતા આ વાર્તાકારે બન્ને જાતની વાર્તાઓ પણ લખી છે. એમની માતૃભાષા કચ્છી છે. કચ્છીભાષા વિશે ઊંડાણપૂર્વકનું જ્ઞાન ધરાવતા માવજી મહેશ્વરીએ માત્ર એક કચ્છી પુસ્તક લખ્યા પછી કચ્છીમાં લખવાનું છોડી દીધેલ છે. તેમનાં કુલ ૨૬ પુસ્તકો પ્રગટ થયાં છે. જેમા ‘મેળો’, ‘મેઘાડંબર’, ‘કાંધનો હક’, ‘અગનબાણ’, ‘અજાણી દિશા’, ‘સોનટેકરી’, ‘હું સોનલ ઝવેરી’, ‘છેલ્લું યુદ્ધ’ અને ‘તસવીરમાં કોના છે ચહેરા?’ નામની નવ નવલકથા. ‘અદૃશ્ય દીવાલો’, ‘પવન’, ‘વિજોગ’, ‘સરપ્રાઇઝ’, ‘ખોવાઈ ગયેલું ગામ’, ‘ઝાંપો’, ‘ધુમ્મસ’, ‘રત્ત’ (કચ્છી) એમ આઠ વાર્તાસંગ્રહો આપ્યા છે. તો ‘બોર’, ‘રણભેરી’, ‘મૌનના પડઘા’ અને ‘ઝાલરટાણું’ નામના ચાર નિબંધસંગ્રહો આપ્યા છે. આ ઉપરાંત ‘ભોજાય-એક જીવંત દસ્તાવેજ’ (દસ્તાવેજીકરણ), ‘ઉજાસ’ (ચિંતન), ‘હસ્તરેખા’ (સંવેદનકથાઓ), ‘સમયચક્ર’ (વિજ્ઞાન શોધોનો ઇતિહાસ અને ભારતીય સમાજ જીવન ઉપર અસરો), ‘તિરાડ’ (ભૂકંપની સત્યઘટનાઓ) જેવાં પુસ્તકો પણ લખ્યાં છે. તેમણે કચ્છમિત્ર, જનસત્તા, મીડ ડે, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર જેવા માતબર વર્તમાનપત્રોમાં લાંબા સમય સુધી કોલમ લખી છે. ૨૦૦૧ના ભૂકંપ પછી તેમણે કચ્છમિત્ર દૈનિકમાં ‘તિરાડ’નામની કોલમ લખી હતી. આ કોલમમાં ભૂકંપની સત્યઘટનાઓ વાર્તાના સ્વરૂપમાં આલેખવામાં આવી હતી. જેની રાષ્ટ્રીયકક્ષાએ નોંધ લેવાઈ છે. ૨૦૨૨માં National School of Drama (NSD) નવી દિલ્હી દ્વારા તેમની કોલમ પરથી ‘તિનકા તિનકા’ નામનું નાટક નિર્માણ પામ્યું. જેના ત્રણ શો કચ્છમાં પણ થયા હતા.
માવજી મહેશ્વરીના સાહિત્યને મળેલાં પારિતોષિકો
માવજી મહેશ્વરીના વિવિધ સાહિત્યને સરકાર અને સમાજની સંસ્થાઓ તરફથી જુદાં જુદાં પારિતોષિકો મળ્યાં છે. * નવલકથા ‘મેળો’ને બે પારિતોષિક (૧) ગુજરાત સાહિત્ય અકાદમી (૨) કલાગુર્જરી (મુંબઈ) * નવલકથા ‘સોનટેકરી’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું ઇનામ ૨૦૧૮ માટે * નવલકથા ‘અજાણી દિશા’ને નંદશંકર મહેતા ચંદ્રક * નવલકથા ‘છેલ્લું યુદ્ધ’ને અસાઈત સાહિત્ય સભા તરફથી ૨૦૨૨નું સર્જક સન્માન * લલિત નિબંધ ‘બોર’ને ચાર પારિતોષિક (૧) ગુજરાત સાહિત્ય અકાદમી, (૨) ગુજરાતી સાહિત્ય પરિષદ, (૩) કલા ગુર્જરી એવૉર્ડ, (૪) હ્યુમન સોયાયટી તરફથી કાકાસાહેબ કાલેલકર એવોર્ડ * નિબંધ સંગ્રહ ‘મૌનના પડઘા’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક * કચ્છી વાર્તાસંગ્રહ ‘રત્ત’ને તારામતી વિશનજી ગાલા એવૉર્ડ ૨૦૦૮ * નિબંધસંગ્રહ ‘મૌનના પડઘા’ને ગુજરાત સાહિત્ય અકાદમીનો એવૉર્ડ * ગુજરાત સરકારનો ‘સંત કબીર‘ એવૉર્ડ * સંસ્મૃતિ દ્વારા ડૉ. જયંત ખત્રી એવૉર્ડ * ગુજરાતી ભાષામાં નોંધનીય પ્રદાન બદલ કચ્છી તરીકેનો તારામતી વિશનજી ગાલા એવૉર્ડ ૨૦૧૬ * કચ્છ શક્તિ એવૉર્ડ ૨૦૨૨, * વાર્તાસંગ્રહ ‘ઝાંપો’ને કુમાર ફાઉન્ડેશનનું ર. વ. દેસાઈ પારિતોષિક.
વાર્તાકારનો યુગસંદર્ભ :
માવજી મહેશ્વરીએ ૧૯૮૯ના કચ્છમિત્રના દીપોત્સવી અંકમાં પહેલી વાર્તા ‘અભણ સરસ્વતી’ લખી. આ તેમની પ્રકાશિત પહેલી વાર્તા હતી. તે પછી તેમનો વાર્તાલેખન પ્રવાહ ચાલ્યો તે આજપર્યંત વહ્યા કરે છે. હાલ જ્યારે વિતવાન નવા લેખકોની ખોટ વર્તાય છે ત્યારે વીસમી સદીના છેલ્લા દાયકામાં ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાંથી વિવિધ લેખકો વાર્તાક્ષેત્રમાં દમામભેર પ્રવેશ્યા હતા, જેમાં એક માવજી મહેશ્વરી પણ છે. ૧૯૮૦માં સુરેશ જોષીના વાર્તા વિશેના વિચારનો યુગ ઓસરી રહ્યો હતો ત્યારે નવા આવેલા લેખકોએ ફરી પરંપરાગત વાર્તાઓ લખવા માંડી હતી. જુદા જુદા પ્રદેશમાંથી આવેલા નવયુવાન વાર્તાકારોમાં કચ્છનો એક અવાજ પ્રગટ્યો તે માવજી મહેશ્વરી. તેઓની વાર્તાઓ પરંપરાગત સ્વરૂપ ધરાવે છે. મોટાભાગે ગ્રામ્ય પરિવેશને માવજતથી આલેખતા આ વાર્તાકારની વાર્તાઓમાં બદલાતું કચ્છ પણ દેખાય છે. કચ્છના વાર્તાકારોનો એક જુદો જ અવાજ હોય છે. માવજી મહેશ્વરીની વાર્તાઓ આ બાબતને સ્પષ્ટ કરે છે. આશ્ચર્યની વાત એ પણ છે કે એમણે જ્યારે વાર્તાલેખન ક્ષેત્રે પગલું માંડ્યું ત્યારે ગ્રામચેતના અને દલિતચેતનાનો પ્રવાહ વેગવાન હતો. માવજી મહેશ્વરી જન્મે દલિત છે. પણ તેમણે અલગ પંગતમાં બેસવાનું પસંદ કર્યું નથી. અનાયાસે કોઈ દલિત વાર્તા લખાઈ હશે પણ હેતુપૂર્વકનું દલિત સાહિત્ય રચવાની ઝંડાવાદી વિચારથી તેઓ દૂર જ રહ્યા છે. તેમની વાર્તાઓમાં નારીચેતનાનો સૂર પ્રચંડ છે, નગરચેતના પણ ધબકે છે. એ અર્થમાં તેઓ અનુઆધુનિક યુગના વાર્તાકાર ગણી શકાય.
ટૂંકીવાર્તા વિશે માવજી મહેશ્વરીની સમજ :
માવજી મહેશ્વરી વાર્તાકલાની ઊંડી સમજ ધરાવે છે. તેમની વાર્તાઓમાં ભાષાનું આડંબર કે પ્રયોગખોરી બિલકુલ નથી. તેઓની વાર્તાની ભાષા રમતિયાળ અને સહજ વહેતા જળપ્રવાહ જેવી છે. વાર્તાઓ જેમ આગળ વધે તેમ તેમ વાર્તાનો Center Point ખૂલતો જાય છે. સ્પષ્ટ થતો જાય છે. મહત્તમ વાર્તાઓ ગ્રામીણ પાત્રોની છે. પણ તેમનાં પાત્રો ગામડિયાં નથી. એ હકીકત છે કે આજનું ગામડું માત્ર ભૌતિક રીતે ગામડું છે. પણ ત્યાં રહેતા લોકોની માનસિકતા શહેરની છે. આ વાત માવજી મહેશ્વરીની વાર્તાઓમાં ઊડીને આંખે વળગે છે. તેમણે અઘરી વાતને સરળતાથી કહેવાનું કષ્ટસાધ્ય કાર્ય વાર્તામાં કરી દેખાડ્યું છે. વાર્તામાં વાચકને કેવી રીતે પ્રવેશ આપવો તે કલા તેમને સહજ સાધ્ય છે. તેઓ કચ્છના છે, તેમની માતૃભાષા કચ્છી છે તેમ છતાં તેમની વાર્તાઓમાં ક્યાંય કચ્છી વાક્યપ્રયોગો નથી. તેમની વાર્તાઓમાં ખપમાં લેવાયેલું કચ્છી છાંટવાળું ગુજરાતી તેમની મૌલિક શૈલી છે. એમાં તેમનું ઊંડું નિરીક્ષણ પણ દેખાય છે. તેમ છતાં તેઓ પ્રદેશવાદી નથી. તેમનાં પાત્રો પણ કોઈ જ મનોરુગ્ણ નથી. જે સંઘર્ષ છે તે ફક્ત સમયનો છે, પ્રકૃતિ સાથેનો છે. નિયતિના નિર્ણયો સ્વીકારી લેવાનો અને આત્મસંતોષથી જીવવું એ કદાચ આ લેખકનો સ્વભાવ છે. જે એમની વાર્તાઓમાં પણ દેખાય છે. તેમના પહેલા સંગ્રહની વાર્તાઓમાં એક જાતની ભાવુકતા દેખાય છે તે બીજા સંગ્રહમાં નથી. ત્રીજા સંગ્રહમાં બદલાતું કચ્છ જોવા મળે છે. અહીં બદલાતા સમયની સાથે લેખક અને તેની વાર્તાની ગતિ પણ જોવા મળે છે. કેટલીક અગ્રંથસ્થ વાર્તાઓમાં આદિવાસી સમાજના પ્રશ્નો પણ ઊઘડ્યા છે. એમના આઠ વાર્તા સંગ્રહો પ્રસિદ્ધ થયા છે, પણ તેમની વાર્તાઓની જેટલી નોંધ લેવાવી જોઈએ, એટલી લેવાઈ નથી. નહીંતર ગુજરાતી ભાષાની વાર્તામાં ક્યાંય જોવા ન મળતા વિષયોની વાર્તાઓ તેમણે લખી છે. સૈનિકની કથા, પ્રસૂતાની કથા, ભારતમાં રહેતા નેપાળીઓની કથા, ઘટતી જમીન અને વધતા પરિવારોની કથા જેવા વિષયો હજુ સુધી ગુજરાતી વાર્તામાં આવ્યા નથી. એ વિષયો સંદર્ભે તેમની વાર્તાની સૂઝ અદ્ભુત કહી શકાય.
માવજી મહેશ્વરીના વાર્તાસંગ્રહોનો પરિચય
અનુઆધુનિકયુગના વાર્તાકાર માવજી મહેશ્વરી એક વિશિષ્ટ ભૌગોલિકતા ધરાવતા કચ્છના સાહિત્યકાર છે, એટલે સ્વાભાવિક રીતિ જ તેમના સાહિત્યમાં કચ્છનો પરિવેશ હોય. સામાન્ય રીતે કચ્છ પ્રદેશનું નામ આવે એટલે રણ અને દરિયો પ્રત્યક્ષ થાય એ સ્વાભાવિક છે પણ કચ્છની મૂળ ઓળખ તો કૃષિ અને પશુપાલન હતી. છતાં પણ માવજી મહેશ્વરીના પુરોગામી વાર્તાકારો જયંત ખત્રી, બકુલેશ, ધીરેન્દ્ર મહેતા, વીનેશ અંતાણીની વાર્તામાં ખેડૂત અને પશુપાલકોના જીવનનું આલેખન થયું નથી! માવજી મહેશ્વરીની ‘ભળભાખળું’, ‘વરસાદ’, ‘પલટાતો પવન’, ‘બાપાની માટી’ અને ‘ખોવાઈ ગયેલું ગામ’ જેવી વાર્તાઓમાં ખેડૂતનું જીવન બારીકાઈથી ઝીલાયું છે. ‘ભળભાખળું’ વાર્તામાં ખેડૂત મેઘરાજના પાત્ર નિમિત્તે ખેડૂતોની સ્થિતિ ઉજાગર થઈ છે. મેઘરાજની વરસાદ માટેની તીવ્ર ઝંખનાનું સાહજિક રીતે નિરૂપણ થયું છે. નાયકની વરસાદ આવશે કે નહિ તે અંગેની અવઢવ, ખેતીકામ છોડીને અન્ય વ્યવસાય અપનાવવાની અવઢવ સહજ રીતે વર્ણવાઈ છે. ભળભાખળું એટલે વહેલી સવારનું આછું અજવાળું, વાર્તાન્તે વરસાદનું એક બુંદ પડતાં મેઘરાજના જીવનમાં અજવાસ આવશેના સંકેત સાથે વાર્તા પૂર્ણ થાય છે. ‘વરસાદ’ વાર્તામાં વરસાદની રાહ જોતા ખેડૂતની મનઃસ્થિતિનું આલેખન છે.
કચ્છના ૨૦૦૧ના ભૂકંપ પછી કંપનીની વણથંભી વણઝાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના નામે કચ્છમાં આવી, ખેતરો વેચાવા માંડ્યાં, આર્થિક બદલાવ આવ્યો, સામાન્ય માણસો પણ પૈસાદાર બન્યા, સાથોસાથ લોકોની જીવનદૃષ્ટિ, મૂલ્યો પણ બદલાયાં. વળી કંપનીઓના આગમનથી પર્યાવરણ-ખેતી પર માઠી અસર પડી. કચ્છની આ સામ્પ્રત સમસ્યાઓ માવજી મહેશ્વરી સિવાયના કચ્છના સર્જકોના સર્જનમાં વિશેષ જોવા મળતી નથી. ભૂકંપ પછીના બદલાયેલા કચ્છની છબી માવજી મહેશ્વરીની ‘દરિયો’, ‘ખોવાઈ ગયેલું ગામ’, ‘બાપાની માટી’, ‘પલટાતો પવન’ વાર્તાઓમાં જોવા મળે છે. ‘દરિયો’માં સમુદ્ર પર નિર્ભર માછીમારોના જીવનની નક્કર છબી સાંપડે છે. અહીં વાર્તાનાયક સુલેમાન અઢી દાયકાથી દરિયામાં મછવો લઈ માછલી પકડવા જતો હતો. પણ સરકારે દરિયાની એક પટ્ટી કંપનીને વેચી દીધી ત્યારથી તે માછલાં પકડવા જઈ શકતો નથી. કારણ કે કંપની જે પાળો બાંધી રહી હતી એના કારણે એને દરિયે જવાનો રસ્તો જ બંધ થઈ ગયો, જે નેળમાંથી મછવા ઉપાડતા, પાળો બાંધવાને કારણે એ નેળ જ સુકાઈ ગઈ. જે ચેરિયાના પાંદડાની નીચે માછલી ઈંડાં મૂકતી, એ ઝાડ જ ઉખડી જતાં માછલી ઈંડાં આપતી બંધ થઈ ગઈ. આમ, આ બધાં કારણોસર સુલેમાનની જેમ અનેક માછીમારો બેકાર થઈ ગયા. ખાસ કરીને ગામડાંના પરંપરાગત ધંધાઓને અને જમીનના ટુકડા પર જિંદગી કાઢનારા ખેડૂતોના ખેતરને વૈશ્વિકીકરણની ઘટના ગળી ગઈ. આ સમસ્યાઓને કારણે કેટલાંક ગામ ધરમૂળથી બદલાઈ ગયાં. બદલાયેલા ગામની તાસીર માવજી મહેશ્વરીએ ‘ખોવાઈ ગયેલું ગામ’ અને ‘પલટાતો પવન’ વાર્તામાં પણ ઉપસાવી છે. કચ્છમાં કંપનીઓનો રાફડો ફાટતાં, બંદરો વિકસતાં અને પવન ચક્કીઓ નખાતાં ‘ખોવાઈ ગયેલું ગામ’ના જીવાબાપા અને ‘પલટાતો પવન’ના દાનસંગ જેવા કેટલાયે માટીઘેલા ખેડૂતોને પોતાની માટીની સાથોસાથ પોતાની આગવી પરંપરા, મૂલ્યો અને પરિવારથી વિખૂટા પાડી દીધા! પારિવારિક સંબંધોમાં તિરાડો પાડી. કંપનીઓ આવતાં જમીનોના ભાવ ઊંચકાયા, જમીન વેચવાની રીતસરની હોડ લાગી હતી! ક્યારેક તો જમીન વેચવાની ફરજ પણ પાડવામાં આવતી! ‘પલટાતો પવન’માં જમીનદલાલ ખેડૂત દાનસંગને કહે છે : ‘હવે પવન ફર્યો છે. મોકાનો લાભ લઈ લે. આ તો કંપનીઓ છે. એમની તાકાત સામે આપણે કંઈ નથી. એ કંઈ પણ કરી શકે છે. એટલામાં સમજી જા. જે લોકોએ જમીનો વેચી દીધી એ શું મૂરખા હતા? તારું ખેતર તને આપી-આપીને શું આપવાનું હતું? આ નપાણીયા મુલકમાં ખેતીના ભરોસે ન રહેવાય ભાઈ, તને ગણતરી આવડે છે? તારા ખેતરના ત્રણ કરોડ આવે ત્રણ કરોડ સમજ્યો?’ ત્યારે માટીઘેલા દાનસંગને થયું, ‘ભગાડિયો’ તો મારી પોતાની માટી છે. મારી જાત છે. હું મારી જાતને વેચું? ટૂંકમાં ઉદ્યોગ આવતાં પવન પલટાય છે, જેને કારણે ગામને પરિવારને ધરમૂળથી પલટાતું જોઈ દાનસંગ આઘાત પામે છે. દાનસંગ જેવી જ વ્યથા ‘ખોવાઈ ગયેલું ગામ’ના જીવાબાપા અને ‘બાપાની માટી’ના પરવતની છે. પરવતના ખેતરની બરાબર આથમણી દિશામાં કંપનીવાળાઓએ ઊભી કરેલી પવન ચક્કીઓને કારણે જમીનના ભાવ ઉંચકાયા ને નવી પેઢીના યુવાનોને પૈસા રળી લેવાના અભરખા જાગે છે. ગામમાં જ્યારે જમીન વેચવાની રીતસરની હોડ લાગી હતી ત્યારે બાપાની માટી-ખેતરને બચાવવાનો પરવતનો સંઘર્ષ ઉલ્લેખનીય છે.
માવજી મહેશ્વરીની આ વાર્તાઓ થકી એ વાત સ્પષ્ટ થાય છે કે કચ્છમાં ઔદ્યોગીકરણને કારણે બાહ્ય વાતાવરણ જે ઝડપે બદલાય છે તે ઝડપે વ્યક્તિનું આંતર મન બદલાતું નથી, પરિણામે આંતર-બાહ્ય સંઘર્ષ ઊભો થાય છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિ ક્યાંક પરિસ્થિતિ સાથે સમાધાન કરે છે તો ક્યાંક નથી કરી શકતો. ‘દરિયો’ વાર્તાનો નાયક સલીમ કે ‘બાપાની માટી’નો નાયક પરવત સમાધાન કરતા નથી. જ્યારે ‘પલટાતો પવન’નો દાનસંગ અને ‘ખોવાઈ ગયેલું ગામ’ના જીવાબાપા સમયને પારખીને સમાધાન કરી લે છે! આમ, ભૌતિક સુખની દોટમાં માનવીય મૂલ્યોનો કેવો છેદ ઉડી જાય છે તે આ વાર્તાઓમાં જોવા મળે છે. વૈશ્વિકીકરણને કારણે ભૌતિક સુખાકારી તો આવી પણ તેની સાથોસાથ જીવન મૂલ્યોનું ધોવાણ પણ થયું તે સહજ રીતે આ વાર્તાઓમાં ઝીલાયું છે. માવજી મહેશ્વરીની ‘કાટમાળ’ વાર્તામાં ધરતીકંપથી થયેલી તારાજીનું વર્ણન થયું છે. અહીં તેમની ‘ભળી ગયેલા ચહેરા’ વાર્તાનું પણ સ્મરણ થાય, તેમાં ધરતીકંપને કારણે વૈધવ્ય અને તે પછીની સંવેદનોની સંકુલતા ધ્યાનપાત્ર છે.
માવજી મહેશ્વરીની વાર્તાઓમાં નારીની અનેકવિધ વેદના-સંવેદના આલેખાઈ છે. ‘રણ’ વાર્તામાં રણની વેરાનતા જેવી જ વેરાનતા નાયિકાના જીવનમાં છે. વાર્તામાં રણ સ્ત્રીના પ્રતીક તરીકે આલેખાયું છે. અહીં સ્ત્રીના એકાકી જીવનની વાત, સ્ત્રીના સ્ખલનની વાત નોખી રીતે ગૂંથાઈ છે. ‘જોગણ’ વાર્તામાં અવાવરું મંદિરના પ્રાંગણ થકી લખમીના જીવનને ઉજાગર કરવામાં આવ્યું છે. ‘જોગણ’ વાર્તાની નાયિકા લખમી કદરૂપી હોવાને કારણે જ તેનો પતિ તેને છોડી દે છે. વક્રતા તો એ છે કે લખમીના દીકરાનાં લગ્ન તેની જ ભત્રીજી સાથે થાય છે, લખમીનો ભાઈ તેના લગ્નમાં આશીર્વાદ આપવા માટે વિનવે છે. લખમીને ઘડીક તો પતિને ત્યાં જઈને સંભળાવી દેવાનું મન થાય છે પણ મનમાં સતીનું સ્વપ્ન આવતાં તેને આધ્યાત્મિક અનુભૂતિ થાય છે અને બદલો લેવાનું જતું કરે છે! લેખકે ઉચિત રીતે જ તળાવડીની સાથે લખમીના વ્યક્તિત્વનું અનુસંધાન રચી આપ્યું છે. લખમીના વ્યક્તિત્વમાં થતા પરિવર્તન અંગે લેખકે ઉચિત ભૂમિકા રચી આપી છે એટલે એ પરિવર્તન અણધાર્યું લાગતું નથી. ‘વળગાડ’ની નાયિકા લખમી પોતાનું શોષણ કરનાર ભૂવા પર હુમલો કરીને બદલો લે છે. આ વાર્તા નિમિત્તે ભૂત-ભૂવાનું જગત આલેખાયું છે. ‘હોળી’, ‘શિકારી’ અને ‘બાકોરું’ વાર્તામાં નારીશોષણ કેન્દ્રમાં છે. ‘બાકોરું’ વાર્તામાં મંદિરના સમારકામમાં શિથિલ ચારિત્ર્યની ચંદ્રિકાનો ફાળો સ્વીકારવામાં આવતો નથી! આથી ચંદ્રિકા મનોમન રિબાય છે. તેને થાય છે કે શું મારા રૂપિયા લેવાથી ભગવાન અભડાઈ જતાં હશે!? વાસ્તવમાં તો મંદિરની ભીંતમાં નહિ પણ સમાજવ્યવસ્થામાં બાકોરું પડી ગયું છે. ‘બે કિનારા અને નદી’, ‘રમત’, ‘નદી’ અને ‘લીરેલીરા’ જેવી વાર્તાઓમાં પુરુષ દ્વારા નારી સન્માનને પહોંચાડાતી ઠેસ કેન્દ્રમાં છે. ‘લીરેલીરા’ વાર્તામાં રશીદાની ઇચ્છા છતાં લગ્ન પછી તેના પતિને કારણે બી.એડ. કરવા મળતું નથી. વાર્તાને અંતે આવતું વાક્ય રશીદાની સ્થિતિનો નિર્દેશ કરે છે. ‘બાલદીમાંથી ઊભરાતું ચોખ્ખું પાણી ગટરમાં જઈ રહ્યું હતું.’ ‘સપનું’ વાર્તામાં પિતૃસત્તાક સમાજવ્યવસ્થા વચ્ચે માતાની દીકરીને કલેક્ટર બનાવવાની ઇચ્છા આલેખાઈ છે. ‘રમત’ વાર્તામાં ત્રણ વર્ષના લગ્નજીવન પછી આશાના પતિ નિખિલ મૃત્યુ પામે છે, એ પછી આશાને તેમના જેઠ દ્વારા જાણવા મળે છે કે નિખિલને અન્ય સ્ત્રી સાથે પણ સંબંધ હતો. આમ, પતિ દ્વારા છેતરાયાની પીડા છે. પન્નાલાલ પટેલની ‘વાત્રકને કાંઠે’નું સ્મરણ કરાવતી વાર્તા ‘બે કિનારા અને નદી’નું કથાનક અનોખું છે. વાર્તામાં મૃત્યુ પામેલી નારીના બે પતિ વચ્ચેના સંવાદમાં વાર્તા આગળ વધે છે. આ વાર્તા એ રીતે અનોખી છે કે નારીને સમજવાનું ગજુ પુરુષનું નથી તો સામે પક્ષે પુરુષ જ નારીની ભાવનાને સમજી શકે છે. ‘કડલાં-કાંબી’ પ્રસન્ન દાંપત્યજીવનની વાર્તા છે. વાસમાં રાસડા ચાલી રહ્યા છે પણ વાર્તાનાયક વેલજીનું મન તો નાની બેનની ચિંતામાં છે. નાનપણમાં જ માતા-પિતા ગુમાવ્યા પછી વાર્તાનાયક વેલજી નાની બહેન વાલુને ઉછેરે છે. આર્થિક સંકડામણને કારણે વાલુના ત્રણ વર્ષથી લગ્ન ઠેલાતાં જાય છે અને એથીયે વિશેષ તો વાડીની ઓરડીમાં યુવાન કાનજીને વાલુ સાથે અડપલાં કરતાં જોઈ જાય છે તેથી તે વ્યથિત છે. એમાંય વળી કાકીના વેણ ‘જુવાન છોકરી કાચી હાંડલી કે’વાય.’ સાંભળીને તે વધારે વ્યથિત થઈ જાય છે. એ દરમિયાન જ તે ઘેર આવે છે ત્યારે પત્ની સાથે વાલુના લગ્ન કરવા સંદર્ભે વાત કરે છે ત્યારે પત્ની કહે છે, ‘ઈ હવે મારે જોવાનું છે. તું ચિંતા શાની કરશ...!’ પણ નેણુ એ ક્ષણે ચંદ્ર જેવા સંતાન માટે શરીર સંબંધ બાંધવા વિહ્વળ છે. ને વેલજી પણ એમાં ઓતપ્રોત થઈ જાય છે, એ જ ઘડીએ વેલજીને નેણુના કડલાં-કાંબીનો અવાજ ખટકે છે. ત્યારે નેણુ કહે છે, ‘એ કાલથી નંઈ કરે. આ જ છેલ્લી વાર સાંભળી લે...’ આ જ વાર્તાની ખરી ક્ષણ છે. નેણુને પોતાના ઘરેણાં કડલાં-કાંબી વેચીને નણંદના લગ્નના ખર્ચને પહોંચી વળવા માટેનો ઉપાય મળી ગયો છે. આમ, ભાભીનું નણંદ માટેનું વાત્સલ્ય નોંધપાત્ર છે. લેખકે વેલજી-નેણુના ભાવને વ્યક્ત કરવા માટે ઉચિત વાતાવરણ નિર્માણ કર્યું છે, દા.ત. ‘ઢોલીએ નવેસરથી ખેંચેલી દોરીને લીધે ઢોલની માદાનો રણકાર અને નરનો ઘેરો નાદ એકબીજામાં ભળી જઈ રાતને રોકી રાખતા હતા.’ અહીં વેલજી કરતાં નેણુનું વ્યક્તિત્વ સબળું છે. કચ્છના શ્રમિક કુટુંબોમાં પુરુષની સરખામણીમાં સ્ત્રી વધારે નીડર અને આત્મવિશ્વાસવાળી હોય છે. નેણુ જેવું જ ગુણિયલ વ્યક્તિત્વ બીજા ઘણાં પાત્રોનું છે. ‘છૂટકારો’ વાર્તામાં દાયણ રોમત પ્રસુતિની પીડામાંથી ગંગાને તો છૂટકારો અપાવે છે, પણ પોતે નિઃસંતાન હોઈ તેનો પતિ હસણ સંતાન માટે બીજી સ્ત્રી ગુલબાનુંને ઘરમાં બેસાડવાનો છે એ વરવી વાસ્તવિકતા તેને પીડે છે. રોમત ગંગાની પ્રસૂતિ કરાવે છે એ ઘડીએ જ તેને પોતાના ખાટલામાં પડેલી ગુલબાનું દેખાય છે અને ઓરડા બહાર સંતાન ઝંખતો તેનો પતિ હસણ હસતો દેખાય છે! લેખકે ગંગાની શારીરિક પીડા અને રોમતની આંતરિક પીડાનું સંનિધિકરણ રચ્યું છે. વાર્તામાં ‘આ પીડા નથી ગાંડી... આ પીડા નથી.’ની પુનરુક્તિ રોમતની વેદનાને તીવ્રતા આપે છે. ગુજરાતીમાં પ્રસૂતિની સંવેદનાને વાચા આપતી ઝાઝી વાર્તા લખાઈ નથી એ સંદર્ભમાં પણ આ વાર્તા નોંધપાત્ર છે. પારિવારિક સંબંધોની સંકુલતાની વાર્તાઓમાં ‘શેઢો’ અને ‘ઝાંપો’ નોંધપાત્ર છે. શેઢો કેવળ બે ખેતરને જ જુદો નથી પાડતો પણ બે ભાઈઓના સંબંધ વચ્ચેના અંતરને પણ દર્શાવે છે. ‘ઝાંપો’ વાર્તામાં ભાઈ-ભાઈ વચ્ચેના સંબંધોના દંભને દર્શાવવામાં આવ્યો છે. ‘અંતરાલ’ વાર્તામાં મોટો દીકરો-વહુ અલગ રહેવા જતાં મા-બાપ વચ્ચે અંતરાલ આવી જાય છે! ‘રાતરાણીનો છોડ’ અને ‘સુખ’ વાર્તામાં નારી સહજ ઈર્ષાનું આલેખન છે. ‘અણસાર’ વાર્તામાં વાર્તાનાયક રાજેશની પત્ની મૃત્યુ પામતાં તેના સસરાપક્ષના તેને તેની નાની દીકરી ઉષા સાથે પરણવાનું કહે છે. ઉષા આ લગ્ન માટે સહમત છે પણ રાજેશનું મન માનતું નથી! લેખકે વિધૂર નાયકની મનઃસ્થિતિનું વેધક આલેખન કર્યું છે. લેખકનાં નારી પાત્રો બોલ્ડ છે. ‘ખટકો’ અને ‘પવન’ વાર્તા નારીના સ્વાભિમાનને આલેખે છે. ‘શૂળ’ વાર્તામાં કુટુંબની ઉપરવટ જઈને લગ્ન કરતાં અવહેલના પામતી સવિતાની વાત છે. ‘પોતાની જગ્યા’માં મા-થી ઉપરવટ જઈને પરણતા દીકરો મા દ્વારા અવગણના પામે છે! ‘તસ્વીરમાં ચહેરા’ અને ‘વખત’ જેવી વાર્તાઓ બાપ-દીકરાના સંબંધોને ઉજાગર કરતી વાર્તા છે. ‘ગુનો’ વાર્તા સસરા-વહુના સંબંધોને આલેખે છે. દીકરાના અકાળે મૃત્યુ પછી સસરા વહુને માવતરે મુકવા જાય છે એ ક્ષણો હૃદયસ્પર્શી રીતે આલેખાઈ છે. ‘પ્રતીક્ષા’ ની નાયિકા પ્રેમીને મળવા તો જાય છે પણ અંતે તો પતિની જ થઈને રહે છે. ‘ત્રીજો ઓરડો’ વાર્તામાં દીકરી પોતાની કે પારકાની!? એ શંકામાં ઝૂરતા પિતાની વાત છે. ‘ખોવાઈ ગયેલું ગામ’ વાર્તાસંગ્રહની ‘ધુમ્મસ’ વાર્તા તરુણાવસ્થામાં આવતી નેહાના મનોશારીરિક બદલાવને અંકે કરે છે. નારી મનના અનેક અંધારિયા ખૂણાને લેખકે ઉલેચ્યા છે. આમ, સંબંધોના અનેક ખૂણાઓ વાર્તામાં ઝીલાયા છે. ખાસ તો માનવભાવોનું સૂક્ષ્મ નિરૂપણ થયું છે. લેખકે મુંબઈથી પ્રકાશિત થતાં ‘અહા! જિંદગી’ માસિક નિમિત્તે ‘સ્વપ્નભંગ’, ‘છેલ્લો પત્ર’ અને ‘ખેલ’ જેવી લાંબી નવલિકાઓ લખી છે, આ નવલિકાઓ ઈ. સ. ૨૦૦૮માં પ્રકાશિત ‘વિજોગ’ સંગ્રહમાં છે. હળવી શૈલીમાં લખાયેલી ‘ખેલ’માં પ્રથમ દૃષ્ટિએ પ્રણયત્રિકોણનું કથાનક લાગે, પણ અહીં મુખ્યત્વે તો માનવમનની સંકુલતાઓ આલેખન પામી છે. પહેલી નજરે આકાશ, તેની પત્ની મધુ અને આકાશની પ્રેમિકા કાનન એકબીજાની અવગણના કરે છે પણ વાસ્તવમાં આ ત્રણે પાત્રો એકબીજાના શુભચિંતક બની રહે છે. વાર્તાંતે ત્રણે પાત્રો મળે છે, આ અનપેક્ષિત અંત આસ્વાદ્ય છે. આ વાર્તા એની રચનારીતિની રીતે પણ નોંધપાત્ર છે. દરેક પાત્ર પોતની પોતીકી સંવેદના વ્યક્ત કરતાં જાય એમ વાર્તા ગતિ કરે છે. ‘છેલ્લો પત્ર’ વાર્તામાં વિખૂટાં પડી ગયેલાં તડપતાં હૈયાંની દાસ્તાન છે. લાંબી વાર્તા છે પણ છેવટ સુધી વાચકને જકડી રાખે છે. કેતન તેજલની સાથે લગ્ન ન કરી શકતાં તેના લગ્નના દિવસે બસમાં બેસીને તેને મળવા જાય છે ત્યારે બસમાં મુસાફરી દરમિયાન કથક સાથે હૈયું ખોલે છે, નાયકની ઇચ્છા તેજલને છેલ્લો પત્ર મોકલવાની છે, યોગાનુયોગ કથક જ તેજલના લગ્નમાં જાય છે ને પત્ર લખીને તેજલને પહોંચાડે છે! ‘સ્વપ્નભંગ’માં નિયતિને કારણે જ નાયક-નાયિકાનું પરણવાનું સ્વપ્ન ભંગ થાય છે. જયશ્રીનો મનોસંઘર્ષ સહજ રીતે આલેખાયો છે. માવજી મહેશ્વરીના ‘સરપ્રાઇઝ’ અને ‘ધુમ્મસ’ લોકભોગ્ય વાર્તાના સંગ્રહ છે. ‘મૂળિયાં’ વાર્તામાં નાયકને તેની મા અને પત્ની બાપુનું પહેલું શ્રાદ્ધ કરવા જવા માટે તેની અપરમાના ઘરે જવાની ફરજ પાડે છે ત્યારે નાયક ના પાડે છે, કારણ કે નાયક માને છે કે એ બેશરમ સ્ત્રીએ માનો ધણી ઝૂંટવી લીધો અને તેની પાસેથી બાપ! મિલકત ઓળવી ગઈ તે વધારામાં. પણ અંતે પત્ની દ્વારા જાણવા મળે છે કે પોતે જેને અપરમા સમજે છે તે જ તેની ખરી મા છે! આ વાત જાણ્યા પછી નાયક વિચારમાં પડી જાય છે કે આવું કેમ થઈ શકે? ‘ધુમ્મસ’ વાર્તામાં પુનિતાના પતિ અમોલનું અમેરિકામાં મોલમાં થયેલ ગોળીબારમાં મૃત્યુ થતાં પુનિતાના જીવનમાં અંધકાર છવાય જાય છે. વાર્તાના અંતે તે દીકરા બિંદુને લઈને ભારત આવે છે અને બાળપણના મિત્ર અને દિયર અનિકેતને મળે છે અને એક નવી જિંદગીના આરંભનો સંકેત લેખકે મૂક્યો છે, ‘સાંજ ઢળી ગઈ હતી. ન અંધારું હતું કે ન અજવાળું!’, ‘લીલ’ વાર્તામાં વાર્તાનાયક ડૉક્ટર અજય અને હૉસ્પિટલની સફાઈકામવાળી સિલ્વિયાના અનૈતિક સંબંધની વાત કેન્દ્રમાં છે. ‘લોહી’ વાર્તામાં લોહીના સંબંધનો મહિમા કરવામાં આવ્યો છે. ‘ડંખ’ વાર્તાનો નાયક તેના પિતાનું શોષણ કરનાર શેઠનો બદલો લેવાની ક્ષણને જતી કરે છે. ‘તણખો’ વાર્તામાં મુંબઈની ચાલીનો પરિવેશ છે. મુંબઈની ચાલીમાં ધમાલ અને ત્રસ્તતા વચ્ચે ભીંસાતી માનવ-જિંદગીઓનું બળબળતું વાસ્તવ છે. ‘વીંછી’ વાર્તામાં દુષ્કાળમાં રાહતકામમાં થતી ગેરરીતિનો ભોગ બનતા નાયક દેવજીના ઉચાટનું આલેખન છે. ‘ઉસાના ખાર મુસા પર’ની જેમ અહીં લાકડાં ફાડતાં નીકળતા વીંછીને નાયક દાબડીમાં પૂરે છે, આ વીંછી ગેરરીતિ આચરતા ક્લાર્કનું પ્રતીક છે. ‘કાગારોળ’ વાર્તાનો નાયક જે જ્ઞાતિની છોકરીને રખાત તરીકે રાખી છે તે જ્ઞાતિવાળા જ તેને ચૂંટણીમાં હરાવે છે, આથી નાયક તે છોકરી સાથે જ લગ્ન કરવાનું નક્કી કરે છે. ‘મિલકત’ વાર્તાનો નાયક અભાવોમાં સબડે છે છતાં મળેલી મિલકતનો ઘડો હતો ત્યાં જ પાછો મૂકી આવે છે. ‘દૂર...ખૂબ દૂર...’ વાર્તામાં પોતાની વયના અવસાન પામ્યા પછી નાયક નરસીબાપાના જીવનમાં વ્યાપેલા ખાલીપાની વાત છે. નરસીબાપાને ‘મારી હેડીના બધાય હાલ્યા ગયા?’ની અનુભૂતિ આરપાર વીંધી નાખે છે. નરસીબાપાની મૃત્યુની સંવેદના કલારૂપ પામી છે. વાર્તામાં નોખી વાત તો એ છે કે, નાયકને એક તરફ એકલતા કોરી ખાય છે ને બીજી તરફ મૃત્યુનો ભય દૂર થતો નથી. ‘પીપળો’ વાર્તામાં પોતાના આદર્શો અને સ્વમાન જણાવવામાં આખું આયખું વીતી જાય છે એ પછી સતાવતી એકલતાની પીડા છે. ‘ખીંટી’માં પરિવારથી ઉપેક્ષિત ચંદનની સંવેદના આલેખાઈ છે. ‘ભગવાન અને જીવણલાલ’ વાર્તામાં ફેન્ટસીને આધારે લેખકે જણાવ્યું છે કે સામ્પ્રત સમયમાં માણસ એટલો બધો સ્વાર્થી બની ગયો છે કે ભગવાન પણ જો ચમત્કાર ના બતાવી શકે તો તે તેમના ખપનો નથી! અભિવ્યક્તિના નાવીન્યને કારણે પણ આ વાર્તા આસ્વાદ્ય છે. ‘આંખોમાં રણ’ વાર્તામાં સૈનિકના જીવનની કરુણ દાસ્તાન છે. ‘તૂટેલી નિસરણી’ વાર્તામાં નેપાળથી ભારતમાં ચોકીદારીનું કામ કરવા માટે આવતા નેપાળીઓ-ગુરખાઓની વતનવિચ્છેદની સંવેદના આલેખાઈ છે. સામાન્યપણે કચ્છની છબી એટલે ધીંગીધરા, શૂરવીર માણસો અને ખાનદાનીનું ચિત્રણ છે. એકંદરે સામંતી વિશેષતા ધરાવતું કચ્છ સામંતી મર્યાદાઓ પણ ધરાવે છે. કચ્છમાં પણ ભારતમાં અન્યત્ર જોવા મળે છે તેમ અસ્પૃશ્યતા હયાત છે! ભૂકંપ વખતે રસોડાં તો નોંખા જ હતાં! અન્ય કચ્છના લેખકોમાં કચ્છની આ સમસ્યા ભલે ન ઝીલાઈ હોય પણ જ્યારે કચ્છમાંથી માવજી મહેશ્વરી જેવા દલિત લેખકો આવ્યા ત્યારે તેમણે સહજતાથી ‘અદૃશ્ય દીવાલો’, ‘વારસો’, ‘સેઇફ ડિસ્ટન્સ’, ‘તાપણું’, ‘તરસ’ અને ‘શિખર પરથી’ જેવી વાર્તાઓ થકી આ સમસ્યા પરત્વે પણ આપણું ધ્યાન ખેંચ્યું છે. તેમ છતાં આ લેખક દલિત સાહિત્યની પંગતમાં બેસીને પોતાને અન્યોથી અલગ કર્યા નથી. વાસ્તવમાં તો આ સર્જક છેવાડાના માણસના પક્ષકાર છે. ‘અદૃશ્ય દીવાલો’ બાળમાનસની નોંધપાત્ર વાર્તા છે. બિનદલિત અને દલિત વચ્ચે ચણાયેલી અદૃશ્ય દીવાલ આજે પણ અકબંધ છે એની અનુભૂતિ આ વાર્તા સહજ રીતે કરાવે છે. નિશાળમાં દલિત બાળકને પ્રવેશ તો મળે, વર્ગમાં પોતાના શિક્ષકનો પ્રિય વિદ્યાર્થી હોય પણ જ્યારે ધર્મનો ઉત્સવ યોજાય ત્યારે આ જ બાળકને અપમાનિત કરી બહાર હડસેલી દેવાય છે. ને શાળામાં રોજ પીઠ થાબડતા હરેશ સાહેબે આ ક્ષણે તો જોયું પણ નહીં! વાર્તાન્તે ન દેખાતી પણ બિનદલિત અને દલિત સમાજ વચ્ચે ઊભેલી અડીખમ દીવાલનો ખરબચડો સ્પર્શ રામજીને થાય છે. રામજીની પીડા સઘનતાથી સંયત રીતે આલેખન પામી છે. ‘વારસો’ વાર્તામાં જી. એ. માંગલિયા ભણીગણીને બૅંક મૅનેજર બને છે છતાં પણ જાતિ તેનો કેડો છોડતી નથી! ‘સેઇફ ડીસ્ટન્સ’ વાર્તામાં ગામડામાંથી શહેરમાં બિનદલિતોની સોસાયટીમાં રહેવા આવેલા દલિત રવજીભાઈની દીકરી ભારતીના લગ્નપ્રસંગમાં પાડોશી પરિવારે સગાભાઈથીયે વિશેષ કામ કર્યું પણ આખરે જમ્યા નહિ એ જાણીને રવજીભાઈને આઘાત લાગે છે! લેખકે વાચાળ બન્યા વિના શહેરમાં વસતા બિનદલિતોની રૂઢિચુસ્ત માનસિકતાને આલેખી છે. ‘તાપણું’ સ્ત્રી-પુરુષના સંકુલ સંબંધની વાર્તા છે. ‘તાપણું’ વાર્તામાં ભલભલાને શીશામાં ઉતારે એવા મહાખેપાની ભારાડી ગામના સરપંચ કાંતિએ દલિત ગોવિંદ માસ્તરની માફી માગી. આ વાર્તાની કેન્દ્રીય ઘટના છે. ખમુબાપા ગોવિંદ માસ્તરના પિતા અને કાંતિની માના અનૈતિક સંબંધ વિશે જાણતા હતા. વાસ્તવમાં કાંતિ અને ગોવિંદ માસ્તર ભાઈ છે. પારકા ભેદ પેટમાં રાખીને બેઠેલા ખમુબાપા જ્યારે કાંતિને સમજાવવા માટે જાય છે ત્યારે કાંતિ અને તેની મા ગોવિંદ માસ્તરની માફી માગવા તૈયાર થાય છે તેનું કારણ જ ખમુબાપા કાંતિની મા અને ગોવિંદ માસ્તરના પિતા વચ્ચેના અનૈતિક સંબંધનો ભેદ જાણે છે તે છે. વાર્તા અંત સુધી ભાવકને જકડી રાખે છે. વાર્તામાં વાર્તા કહેવાની પ્રયુક્તિ અને ગામઠી ભાષા આસ્વાદ્ય છે.
માવજી મહેશ્વરીની વાર્તાકલા :
લેખકે પ્રયુક્તિઓમાં પડ્યા વિના ઘટનાપ્રધાન વાર્તાઓ મહદ્અંશે લખી છે, જેથી લેખકનાં સંવેદનો ભાવકને પહેલા વાંચને જ અનુભવાય છે. પાત્રના ભાવજગતને સહજ રીતેભાતે ને આગવી ભાષા વડે આલેખવાની આવડત છે જેથી પાત્ર જીવંત લાગે છે. સામ્પ્રતના સામાજિક વાસ્તવને કલાના વાસ્તવમાં રૂપાંતરિત કરતા આ લેખકની વાર્તાઓમાં પ્રતિબદ્ધતા સાથે કલાનો સંયોગ રચાયો છે. ‘અદૃશ્ય દીવાલો’થી ‘ધુમ્મસ’ વાર્તાસંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતાં અનુભવાય છે કે તેઓ વણખેડાયેલા વિષયવસ્તુ સાથે કામ પાડતા સતત વિકસતા રહ્યા છે. તેમની વાર્તાઓમાં દરિયાનો પરિવેશ છે, તો રણનો પણ પરિવેશ છે, ગામડું ને ગામડામાં વસતાં વિધવિધ પાત્રો પણ છે તો નગરમાં શ્વસતાં પાત્રોની સંવેદના પણ ઝીલાઈ છે, કચ્છની પ્રણાલિગત અર્થવ્યવસ્થામાં દરિયાઈ પ્રવૃત્તિની સાથે કૃષિ અને પશુપાલનની પણ ચાવીરૂપ ભૂમિકા રહી છે. કચ્છના સાહિત્યકારોમાં સૌ પ્રથમ કૃષિ અને પશુપાલનનો સંદર્ભ માવજી મહેશ્વરીના સાહિત્યમાં સઘનતાથી આલેખાયો છે, આ સંદર્ભે લેખક નોંધે છે, ‘કચ્છમાં કૃષિ ગોત્રનો હું એકમાત્ર લેખક છું. મારા પુરોગામી એકેય લેખક જમીન અને ખેતી સાથે જોડાયેલા નથી. જોકે મને આશ્ચર્ય એ વાતનું પણ થાય છે કે કચ્છની ઓળખ જ કૃષિ અને પશુપાલન હતાં. દરિયો અને રણ નહીં. છતાં ખેડૂત અને પશુપાલક તરફ કોઈ સર્જકનું ધ્યાન કેમ ન ગયું એ એક આશ્ચર્ય છે.’ (‘માવજી મહેશ્વરીનો વાર્તાલોક’, પૃ. ૧૫૬-૧૫૭) માવજી મહેશ્વરીની વાર્તાઓમાં નારીની સંવેદનાનાં અને નારીની એકલતાનાં અનેકવિધ પરિમાણો જોવા મળે છે. માનવીય સંવેદનાઓને ગ્રસી જતી વર્તમાન જીવનશૈલી આલેખતી વાર્તાઓ પણ છે, દલિત સંવેદનાની પણ વાર્તાઓ છે, કૌટુંબિક-પારિવારિક વિસંવાદને આલેખતી વાર્તાઓ છે, કચ્છના બન્નીના માલધારીના પરિવેશની વાર્તાઓ – મુસ્લિમ સમુદાયની પણ સંવેદના સ્થાન પામી છે, કચ્છી બોલી થકી મુસ્લિમ પરિવેશ આબાદ રીતે આલેખાયો છે. માવજી મહેશ્વરી થકી પશ્ચિમ કચ્છનો પરિવેશ સાહિત્યમાં પહેલીવાર સ્થાન પામે છે. કેવળ પરંપરાગત કચ્છ જ નહિ પણ સામ્પ્રત કચ્છની છબી માવજી મહેશ્વરીની વાર્તાઓમાં કલાનાં ધોરણો સાચવીને ઝીલાઈ છે. વિષય વૈવિધ્યની જેમ ભાષા વૈવિધ્ય પણ ધ્યાનપાત્ર છે. માવજી મહેશ્વરીની વાર્તાઓમાં ત્રિવેણી ભાષાનો સંયોગ રચાયો છે, શિષ્ટ ગુજરાતી છે તો કચ્છમાં બોલાતી તળ ગુજરાતી પણ છે ને કચ્છી ભાષાની પણ છાંટ છે, પરિણામે વાર્તાઓમાં કચ્છી પરિવેશ બરાબર ધબકે છે. કચ્છમાં જ પ્રયોજાતા કેટલાક શબ્દો ભલે, ખપે, ઊંઆથી, અટાણે, ખપતુંય, બાયડીયું, ભેણ્યા વગેરે શબ્દો કચ્છનો પરિવેશ રચી આપે છે.
માવજી મહેશ્વરીની વાર્તા વિશે વિવેચકો :
માવજી મહેશ્વરીના પ્રથમ વાર્તાસંગ્રહ ‘અદૃશ્ય દીવાલો’માં એમની સત્ત્વશીલ વાર્તાકલાની પહેચાન મળે છે. પહેલું તો માનવમનની લાગણીઓનું પૂર વર્ણવવું હોય ત્યારે પણ તેઓ અંડરટોનમાં અંડર એસ્ટીમેન્ટથી વાતો કરે છે. મહેશ્વરી ઊર્મિ વેગનો જોરદાર ધક્કો અલ્પોક્તિઓ દ્વારા સંક્ષેપમાં અસરકારક રીતે રજૂ કરી શકે છે અને ત્યારે ઊર્મિના પ્રચંડ વેગ વાચક અનુભવી શકે છે. લેખકની કથન શૈલી સંયત હોવાને લીધે માનવ લાગણીનો ગરમાવો એમની વાર્તાઓમાં ઓજપાતો નથી.
– દિલાવરસિંહ જાડેજા, ‘પ્રત્યક્ષ’, જૂન ૨૦૦૧
‘પ્રતીક કલ્પન, પુરાકલ્પન, કે એવા કશા આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાનાં વળગણો ‘અદૃશ્ય દીવાલો’ની વાર્તાઓમાં જોવા મળતાં નથી. લેખક માવજી મહેશ્વરીની વાર્તાઓમાં ગ્રામ્યજીવનનો પરિચય સ્વાભાવિકપણે જ તાણાવાણાની જેમ વણાઈ આવે છે. એમના લેખનમાં પ્રયોજાયેલી ભાષા આપણને અનાયાસે જ વાર્તા સમીપે લઈ જાય છે અને એ જ આ વાર્તાઓનું જીવતું તત્ત્વ છે.’
– સતીશ ડણાક, ‘તાદૃથ્ય’, ફેબ્રુઆરી ૨૦૦૨
‘કચ્છના માવજી મહેશ્વરી ટૂંકીવાર્તાના એક સમર્થ સર્જક છે. ‘પવન’ સંગ્રહની માવજીની વાર્તાઓમાં કચ્છ દેખાતું રહે છે. ડૉક્ટર જયંત ખત્રીની વાર્તાઓની જેમ અહીં પણ કચ્છનો ઉલ્લેખ ભલે ન હોય તો પણ વાર્તા વાંચતાં ભાવકને ખ્યાલ આવી જાય કે આ તો કચ્છના રણ કે દરિયાની જ વાત છે. અલબત્ત કલાતત્ત્વને કચ્છનો પરિચય હોય કે ન હોય તેથી ખાસ ફરક પડતો નથી. પરંતુ દેખીતી રીતે જ સર્જકના સર્જનમાં તેનો જાત અનુભવ કામ લાગતો હોય છે અને તેથી તે પ્રતીતિકર સર્જન આપી શકે છે.’
– રજનીકાંત સોની, ‘કચ્છમિત્ર’ દૈનિક, તારીખ ૨૪ માર્ચ ૨૦૧૧
‘માવજી મહેશ્વરી ગુજરાતી દલિત સાહિત્યમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકનાર સફળ વાર્તાકાર છે. તેમના બે સંગ્રહોમાંથી ‘અદૃશ્ય દીવાલો’, ‘પવન’, ‘તાપણું’ અને ‘સેઇફ ડીસ્ટન્સ’ જેવી મહત્ત્વની વાર્તાઓ મળે છે.’
– પ્રો. નરેશ મગરા, ‘દલિત ચેતના’, મે ૨૦૧૪
‘માવજી મહેશ્વરીનો છઠ્ઠો વાર્તાસંગ્રહ ‘ઝાંપો’ ૨૦૨૧માં પ્રગટ થયો. પહેલા સંગ્રહ અને છઠ્ઠા વાર્તાસંગ્રહની વાર્તાઓ વચ્ચે અઢી દાયકા જેવો સમય થવા આવ્યો છે. ‘અદૃશ્ય દીવાલો’ જેવા પહેલા વાર્તાસંગ્રહથી આ વાર્તાસંગ્રહ સુધીમાં પરિવેશમાં આવેલો બદલાવ, આંતરિક ખાલીપો પણ વિસ્તરણ ત્યાં ઊભા રહેતું દુઃખ, ટેક્નોલોજી અને રોજગારીનાં બદલાતાં જતાં સ્વરૂપોને કારણે બદલાયેલાં મૂલ્યો વાર્તામાં કેવી રીતે નિરુપિત થતાં રહ્યાં એ જોવાનું વાચક માટે રસપ્રદ બની જાય છે.’
પ્રો. કાન્તિ માલસતર
ગુજરાતી વિભાગ, ભાષા-સાહિત્યભવન,
ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ,
મો. ૯૪૨૮૦ ૩૨૮૦૨