ગુજરાતી સૉનેટકાવ્યો/હજી પાસે છો ત્યાં...

From Ekatra Wiki
Revision as of 02:24, 10 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૦૩. હજી પાસે છો ત્યાં...

ભાનુપ્રસાદ પંડયા

સિધાવો, ના રોકું, પથ પણ તરુડાળ ઝૂકવી
નિમંત્રે; વાયુનો રથ અલસ, વેલા અનુકૂલ.
વધાવે કલ્લોલો, ખગ સરીખડા! જાવ, ભ્રમર
તજે બંદીખાનું સૂરભિતણું, હા, એમ ઊપડો!

તમોને શેં રોકું? પ્રતિપળ ચુનૌતી વય દઈ
રહી! ના ર્‌હે ઝાલ્યો તુરગ સમ ઉત્સાહ ઊછળ્યો!
મહેચ્છાને પાંખો ક્યમ જ નવ ફૂટે નભ વડું
નિહાળી? ના થોભો; પરવરી રહો, મંગલ ચહું!

પછી સંદેશા ને ખબર ખત થાશો? તબકશો
ઉનાળે વેળુના સપન મહીં આષાઢ સરખા
અમારી નિદ્રામાં? નિતની થઈ વાતો બસ, વહી
જવાના શું? દ્વારે સતત ભણકારા બની જશો?

‘વિચાર્યું શું છાનુ મુજથી?’ : પૂછશો ના પ્રિય! મને
હજી પાસે છો ત્યાં ભટકતી થઈ નિર્જન રણે!