દૂર દૂર આરા
પથિક તારે વિસામાના દૂર દૂર આરા (૨)
ફૂલ કે બુલબુલ વાટે ના મળશે
હરણાં કે ઝરણાં દૃષ્ટે ના પડશે
સોનેરી સ્વપ્નું એકે ના જડશે, મુક્તિ મારગ ન્યારા… દૂર૦
વાહન મળે ના કોઈ વાટે
પગનાં કૂણાં તળિયાં ફાટે
કંટાળીને શિરથી સહેવાના, ફેંકી ના દેતો ભારા… દૂર૦
તારા મૃત્યુની સંજીવન ધારા
સર્જી રહેશે જીવન અમારાં
રોમે રોમે જ્યોતિ જાગે, આગિયાના ચમકારા… દૂર૦
સીમા સ્થાને ખોડાઈ જાજે
માર્ગસૂચક બનજે તું આજે
પાયામાં પુરાઈ હરખેથી જાજે, કળશના ચમકારા… દૂર૦