મંગલમ્/ધરતીના સાદ રે
ધરતીના સાદ રે
એવા આવે છે ધરતીના સાદ રે,
હાલો ભેરુ ગામડે
ભીની માટીની ગંધ આવે યાદ રે… હાલો૦
બોલાવે આજે એના ખુલ્લા આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાશ,
ઘેરા ઘમ્મર વલોણાંના નાદ રે… હાલો૦
ચારીશું ગાવલડી ડુંગરાની ઢાળે,
બાંધીશું હીંચકો વડલાની ડાળે,
મોર ટહુકે જ્યાં સરોવરની પાળ રે… હાલો૦
ગાઓ રે બંધવા ગામડાંનાં ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત;
જાણે જિંદગીનાં મીઠાં નવનીત રે… હાલો૦
ખૂંદવાને સીમ ભાઈ, ખેડવાને ખેતરો,
ભારતનાં ભાવિનાં કરવાં વાવેતરો,
હે જી કરવા મા-ભોમને આબાદ રે… હાલો૦
— નાથાલાલ દવે