મંગલમ્/રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું
ગાજે છે ગીત જ્યાં હેતનાં રે,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું!
નદિયુંનાં ધીમાં મીઠાં નીર રે,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું!
સુખમાં સુખિયાં સૌ સાથમાં રે…રંગભર્યું૦
દુઃખમાં ભેળું છે આખું ગામ રે…રંગભર્યું૦
ધરતી ખેડે છે સૌ સાથમાં રે, રંગભર્યું૦
ધંધા વિનાનું નથી કોઈ રે…રંગભર્યું૦
ઘેર ઘેર ઘંટીઓ ગાજતી રે, રંગભર્યું૦
રેંટિયાનો મીઠો ઝણકાર રે, રંગભર્યું૦
ખટક ખટુકે સાળ સામટી રે, રંગભર્યું૦
ઊંચા નીચાના નથી ભેદ રે. રંગભર્યું૦
કામધેનુ સમાણી ગાવડી રે, રંગભર્યું૦
ધીંગી ધુરાના ધરનાર રે. રંગભર્યું૦
અંતર પ્રકાશ સૌની આંખમાં રે, રંગભર્યું૦
ધરતી ધ્રૂજે છે જેને પાય રે. રંગભર્યું૦
સામું જુએ ત્યાં હેત નીતરે રે, રંગભર્યું૦
આંખડીએ અમી છલકાય રે. રંગભર્યું૦
સંત વિનોબાની વાણી એ રે, રંગભર્યું૦
ગાંધી બાપુનો જયજયકાર રે. રંગભર્યું૦
— જયંતીલાલ માલધારી