મંગલમ્/અમારું ગામ

અમારું ગામ

આ અમારું, આ અમારું, આ અમારું ગામ છે.
મારું નહીં ને તારું નહીં,
એનું નહીં પેલાનું નહીં,
આપણ સૌનું આપણ સૌનું, આપણ સૌનું ગામ છે. આ અ૦
ગામમાં ઊંચું કોઈ નહીં,
ગામમાં નીચું કોઈ નહીં,
ગામ મહીં જે જે વસે તે, ભાઈભાંડુ આપણા…આ અમારું૦
ગામમાં માંદું કોઈ નહીં,
વગર ભણેલું કોઈ નહીં.
ગામ મહીં રોજી અને રોટી વગરનું કોઈ નહીં…આ અમારું૦
બધી ભૂમિ ભગવાનની,
સબ સંપત રઘુરાયની,
ગ્રામજનો ભેગા ખેડે છે ભોંય બધી ભગવાનની…આ અમારું૦
ઘંટી-ઘાણી ગામનાં,
સાળ-રેંટિયા ગામનાં,
ગામ મહીં જે જે વપરાયે, પેદા થાયે ગામમાં…આ અમારું૦
ગામમાં દેવાદાર નહીં,
વ્યાજખાઉં પણ કોઈ નહીં,
વ્યસનો કેરો ભોગ બનેલા, ગામમાં કોઈ હોય નહીં…આ અમારું૦
ગામમાં ઝઘડા હોય નહીં,
પક્ષપાતી કોઈ નહીં,
હૈયે હૈયે પ્રેમ વધે ને રાજ રચાયે રામનાં…આ અમારું૦

— નારાયણ દેસાઈ