નાચંતા મોરલા
ઓલ્યા નાચંતા મોરલાને કહી દો…
હો…અમે નાચવાને તારી સંગ આવશું…
દેજે અમ કંઠે ટહુકાર જરા તારો
જીવન શણગારવાને દેજે રંગ તારો,
ઓલ્યા થનગનતા મોરલાને કહી દો…
હો…અમે રમવાને તારી સંગ આવશું.
ઓલ્યા બાગ તણાં ફૂલડાંને કહી દો…
હો…અમે હસવાને તારી સંગ આવશું.
સહુને સત્કારવાને દેજે સ્વભાવ તું
જીવન મ્હેંકાવવાને દેજે સુવાસ તું
ઓલ્યા ઝૂલતાં ફૂલડાંને કહી દો…
હો…અમે ઝૂલવાને તારી સંગ આવશું.
ઓલ્યા નભના ચાંદલિયાને કહી દો
હો…અમે ગગને વિહરવાને આવશું.
શીતળતા ભરજે તું જીવન અમારે,
સુખ-દુઃખમાં રહેવાનું શીખવ્યું સંસારે,
ઓલ્યા ચમકતા ચાંદલાને કહી દો
હો…અમે ચાંદનીને ચૂમવાને આવશું.