ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/નાટકની પ્રાચીનતાનું દિગ્દર્શન

Revision as of 15:16, 9 February 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નાટકની પ્રાચીનતાનું દિગ્દર્શન

નાટકની પ્રાચીનતાનૂં દિગ્દર્શન

આજનો ઉત્સવ નટસંમેલનનો છે. એ સમારંભમાં, જે વ્યક્તિ નટે નથી ને નાટકકારે નથી તેને આગળ ધરી પ્રવર્તક મંડળે મુશ્કેલી ઊભી કરી છે. નથી તેનામાં અપૂર્વ પ્રતિભા કે તેના બળે રસિકમંડળને આનંદ ઊપજાવે. નથી અભિનયકળાનૂં આકર્ષણ કે તે વડે પણ એ રંજિત કરે. વિખ્યાત નટોની કળાના પ્રદર્શનને પડછે અભિનયના અજાણ પુરુષનૂં વિવેચન કેવૂં? સાહિત્યની પરિભાષામાં બોલૂં, તો નાટકના પડછે પૂર્વરંગના જેવૂં. અરે નહિ નહિ, રસમય અંકના પડછે સૂચ્ય વસ્તુ સૂચવી જતા વિષ્કંભકના જેવૂં, અથવા તો અનેક અંકની વચ્ચે પ્રવેશકના જેવૂં જ કહેવાય. ત્યારે તો વિશ્વવિખ્યાત કાલિદાસના અને મહાકવિ ભાસના પ્રત્યેના માનને લીધે તેમના ઉપાસકને પ્રવર્તક મંડળે પ્રમુખસ્થાન આપ્યૂં હોય, એમ સમજવૂં; અને પ્રાચીન નાટક વિશે તેણે કંઈ કહેવૂં. એજ આશય હોય, તો તેને અનુસરી હૂં યત્કિંચિત્ કહૂં છૂં : શ્રોતાજનો તે વય પ્રત્યેના વિનયથી કે પુરાતનકથા પ્રત્યેના કૌતુકથી કાને ધરશે, એવી સમજથી કહૂં છૂં.

નાટકને પડછે પૂર્વરંગનો મેં ઈશારો કર્યો તે બાબતમાં કોઈ પૂછશે, કે પૂર્વરંગ વળી શૂં? હાલની નાટકશાળામાં તો, પડદો ઊપડે છે, કે નાટક શરૂ થાય છે. પૂર્વરંગ જેવૂં કંઈ જોવામાં આવતૂં નથી. સદ્ગત રણછોડભાઈ ઉદયરામના જયકુમારીવિજયમાં અને સંસ્કૃત विक्रमोर्वशीयના અનુવાદમાં પ્રસ્તાવના વાંચી છે, પણ તેમાં પૂર્વરંગ નજરે પડતો નથી. પ્રસ્તુત પ્રશ્ન નાટકનાં અનેક પ્રસ્થાનની ચર્ચા માગી લે છે. સાંપ્રત કાળમાં ભજવાતાં નાટકનાં ગાયનની ચોપડીઓ બહાર પાડવામાં આવે છે, તેમાં વસ્તુની રૂપરેખા અંક અને પ્રવેશ વાર આપી હોય છે; એટલે તેમાં પ્રસ્તાવનાની જરૂર રહેતી નથી. પૂર્વકાળનાં નાટકોમાં આવા સ્વતંત્ર સાધનના અભાવે પ્રસ્તાવના નાટકનૂં આવશ્યક અંગ મનાતૂં હતૂં. ભાસનાં નાટકના અનુવાદમાં તમે જોયૂં હશે, કે સૂત્રધાર રંગભૂમિ ઉપર પ્રવેશ કરી મંગળાચરણ ઉચ્ચારે છે. પછી તે નાટકકારની ઓળખાણ આપે છે. ત્યારપછી નાટકનો પ્રસ્તાવ યુક્તિપૂર્વક ઉપસ્થિત કરવામાં આવે છે. એ કાર્યમાં નટી અને પારિપાર્શ્વિક સૂત્રધારના સહાયક થાય છે. નાટકના પ્રસ્તાવનૂં એટલે આરંભક પ્રસંગનૂં આ નિરૂપણ, તે જ પ્રસ્તાવના. નાટકના દેશકાળ કહી સૂત્રધાર નિવૃત્ત થાય છે; અને નાટક શરૂ થાય છે. પહેલાંના વખતમાં જ્યારે સાહિત્ય હસ્તલિખિત હતૂં, ત્યારે પ્રસ્તાવના પ્રેક્ષકને માર્ગદર્શક થઈ પ્રયોગમાં તેનો પ્રવેશ કરાવતી હતી.

નાટકનૂં મુખ તે પ્રસ્તાવના. આજથી બે હજાર વર્ષ પહેલાં એ મુખ ઉપર મુખવટો પણ હતો, એ કદાચ તમે નહિ જાણતા હો. મહાકવિ કાલિદાસના विक्रमोर्वशीयની છાયા જે પરાક્રમની પ્રસાદી, તે જેમણે જોઈ હશે તેમને યાદ હશે, કે નાંદી થઈ રહ્યા પછી સૂત્રધાર પ્રવેશ કરે છે એવૂં તેના આરંભમાં જણાવ્યું છે. એ નાંદી તે પ્રાચીનતર પૂર્વરંગનાં અનેક અંગમાંનૂં પ્રધાન અંગ છે. રંગનૂં એટલે સંગીતના જલસાનૂં પૂર્વ પ્રકરણ તે પૂર્વરંગ. એમાં બજવૈયા અને નચવૈયા બંને ભાગ લે છે. વાદિવો ગોઠવવાં મિલાવવાં, ઠાઠ જમાવવો, એ સંબંધી પ્રત્યાહારાદિ દશ વિધાન, તે બજવૈયાના અધિકારનાં છે. રંગમંડપમાં પ્રવેશ કરી નમસ્કારોત્તર આશીર્વાદપૂર્વક સંગીતની ચીજનો ઉપક્ષેપ કરવો, એ સંબંધી નાંદી પ્રરોચના આદિ નવ અંગ વર્ધમાનકના પ્રયોગ સહિત નચવૈયાના અધિકારનાં છે. નાટકના વસ્તુને પ્રસ્તાવનાની જરૂર જણાઈ, તેવી રીતે સંગીતની ચીજને પૂર્ણરંગની જરૂર મનાઈ હશે. એ પ્રસ્તાવક પ્રકરણનાં અનેક વિધાન અને અંગ સંગીતના રસિયાને આનંદ ઊપજાવતાં હશે. પરંતુ નાટકની પૂર્વે તો એ અકાંડતાંડવ રસભંગ જ કરે, તે સહજ સમજાય એવૂં છે. આ કારણથી બીજો વિસ્તાર તજી દેઈ સંગીતના પૂર્વરંગનૂં એકલૂં નાંદી અંગ જ નાટકના પ્રયોગના આરંભે સ્વીકારવામાં આવ્યૂં. પૂર્વરંગનો સૂત્રધાર મધ્યમ સ્વરથી નાંદીના મંગલશ્લોક બોલતો. તે વખતે તેના બે પારિપાર્શ્વિક પ્રત્યેક ચરણને અંતે મસ્તક નમાવતા અને ‘આર્ય! તથાસ્તુ’ એવો અસ્તુવાદ કર્યા જતા. નાંદી બોલાઈ રહ્યા પછી પૂર્વરંગનો સૂત્રધાર પારિપાર્શ્વિક સાથે ચાલ્યો જતો અને નાટકનો સૂત્રધાર એના મદદનીશ લેઈ રંગભૂમિ ઉપર દર્શન દેતો.

પૂર્વરંગના આ એકલ અંગ નાંદીનો પડછાયો ઈસવી સન પૂર્વે બીજા શતકથી ઈસવી સનના છઠ્ઠા શતક સુધી નાટકસાહિત્યમાં દૃષ્ટિગોચર થાય છે. ત્યારપછી તો તે પણ વીસરાય છે; અને નાટકની પ્રસ્તાવનાના મંગલશ્લોકને નાંદી સંજ્ઞા મળે છે. પૂર્વરંગનૂં પ્રરોચના અંગ પ્રસ્તાવનામાં ચિરકાળ દેખા દીધા કરે છે.

પૂર્વરંગનૂં સવિસ્તર નિરૂપણ भरतनाट्यशास्त्रના પાંચમા અધ્યાયમાં છે. એ नाट्यशास्त्रની રચના ઈસવી ત્રીજાથી ચોથા શતક સુધીના ગાળામાં મૂકાય છે. તેના પહેલાં ભાસ કવિના आविमारक નાટકમાં પ્રાચીનતર नाट्यशास्त्रનો નિર્દેશ છે. એ જો ઉપલભ્ય હોત, તો પૂર્વરંગના સંબંધમાં વિશેષ પ્રકાશ પડત. નાટકકાર ભાસના પૂર્વે એ नाट्यशास्त्रનું અસ્તિત્વ પ્રાચીનતર કાળમાં નાટકસાહિત્ય સારી રીતે ખેડાયેલૂં હોવાનૂં પ્રમાણ પૂરું પાડે છે.

પૂર્વરંગને છોડી દેઈ હવે આપણે આ પ્રાચીનતર નાટકસાહિત્ય ભણી વળિયે. અલબત, એ સાહિત્ય અત્યારે તો નષ્ટ જ છે. પરંતુ શુભ સંજોગે તેમાંના એક નાટકનૂં નામ થોડા વખત ઉપર જાણવામાં આવ્યૂં છે. એ પ્રાચીનતર પ્રયોગબંધ તે સુબંધુકૃત वासवदत्तानाट्यधारा છે. આચાર્ય અભિનવગુપ્તે भरतनाट्यशास्त्र ઉપરની अभिनवभारती ટીકામાં नाट्यायित લક્ષણ સમજાવતાં એનો નિર્દેશ કર્યો છે. એ પ્રસંગે વિદ્વાન ટીકાકાર એ નાટક સાથે સંબંધ ધરાવતા બિંદુસારનૂં નામ પણ નોંધે છે. ઉપરાંત પ્રસ્તુત નાટ્યધારામાંથી ટૂંકું અવતરણ પણ તે આપે છે. આઠમા શતકનો દંડી કવિ दशकुमारचरितની સ્વકૃત પૂર્વપીઠિકામાં એ નાટકને वत्सराण्णाट्यधारा એવા નામે સ્મરે છે. ઉક્ત નાટક મહાકવિ ભાસના प्रतिज्ञायौगन्धरायणથી પ્રાચીન હોવૂં જોઈયે, એમ મારું માનવૂં છે. એમાં હર્ષરક્ષિત નામે જે પાત્ર છે, તે प्रतिज्ञाમાં ટૂંકા હંસક નામથી નિર્દિષ્ટ છે. મૂલભૂત હર્ષરક્ષિત ટૂંકાવાઈ વિકાર પામી હંસકરૂપ ધારણ કરે છે, તે કહી આપે છે કે સુબંધુ ભાસથી સારી પેઠે જૂનો હતો. કવિ દંડી કહે છે કે એ સુબંધુને બિંદુસારે એક વાર કેદમાં નાંખ્યો હતો, તે પ્રસંગે ઉક્ત નાટ્યધારા રચી તે બંદીખાનામાંથી નીકળ્યો એટલૂં જ નહિ, પણ તેણે બિંદુસારનો પ્રેમ સંપાદન કરી તેને સામો પોતાનો બંદીવાન બનાવ્યો. આ રાજા તે મૌર્ય ચંદ્રગુપ્તનો પુત્ર અને ઉત્તરાધિકારી બિંદુસાર અમિત્રઘાત હોવો જોઈયે. એના સિવાય બીજો કોઈ બિંદુસાર ભરતખંડના ઇતિહાસમાં જાણીતો નથી.

ઇરવી મોથા સૈકાના અરસામાં સંસ્કૃતિના અંગ તરીકે નાટકની કેવી ખ્યાતિ હતી, તેની માહીતી વાત્સ્યાયન મુનિનૂં कामसूत्र પૂરી પાડે છે. नागरिक ૫દવીની યોગ્યતાનું નિરૂપણ કરતાં જે ચોસઠ કલા ગણાવી છે, તેમાં नाटकના અને आख्यानના दर्शनનો પણ નિર્દેશ કર્યો છે. भरतनाट्यशास्त्र પણ ग्राम्यधर्म એટલે ગ્રામ્યતા દૂર કરનાર તરીકે નાટકના પ્રચારનો ઉલ્લેખ કરે છે.

નાટકનું મૂળ પુરાણાં આખ્યાન છે. रामायण અને भारतમાંથી વસ્તુ લેઈ કવિઓ નાટક રચતા અને નટો તે ભજવતા. નટમંડળી પોતે પણ કોઈ આખ્યાન પસંદ કરી ભજવી બતાવતી હતી. कामसूत्रમાં आख्यानના दर्शनનો જે ઉલ્લેખ છે, તે આવા પ્રયોગને લક્ષિત કરે છે. આ નટકૃત આખ્યાનનો પ્રયોગ તે કવિકૃત નાટ્યનૂં પૂર્વરૂપ છે. આવા બે ખેલનૂં વર્ણન हरिवंश(विष्णुपर्व)માંના ત્રાણુમા અધ્યાયમાં આપેલૂં છે. બંને ખેલનાં આખ્યાન रामायणમાંથી લીધાં છે. વજ્રનાભ નામે અસુર બ્રહ્મદેવનાં વરદાન પામી મહા બળવાન થઈ પડ્યો હતો. તેને શાસન કરવા પ્રદ્યુમ્ન સાંબ ગદ વગેરે યાદવો નટના વેષમાં વજ્રપુર જાય છે. તેઓ શહેર બહાર પરામાં रामजन्मનું આખ્યાન ભજવી બતાવે છે. એમાં ગણિકા દ્વારા ઋષ્યશૃંગના પ્રલોભનથી માંડીને રામચંદ્રજીના જન્મ પર્યંત વૃત્તાંત સમાવ્યો હતો. એના સર્વે પ્રસ્તાવ યાદવોએ આબેહૂબ ભજવી બતાવ્યા. એમના ઉચ્ચાર બહુ સંસ્કારી હતા અને અભિનય ઉત્તમ પ્રકારના હતા. એ પ્રયોગથી કાન નેત્ર અને હૃદય એક કાળે તૃપ્ત થઈ અસુરો વિસ્મયમાં બૂડી ગયા. નટોની ખ્યાતિ વજ્રનાભને કાને પહોંચી. અસુરરાજે તેમને આદરપૂર્વક નગરમાં તેડાવ્યા. તેના સમક્ષ યાદવોએ रम्भाभिसारના પ્રયોગ કરી બતાવ્યો. પ્રથમ ચાર પ્રકારનાં વાદિત્ર સાથે પુરુષોએ छलित કિંવા छलितक નામે નાટ્ય યોજ્યું; અને સ્ત્રીઓએ रामायणમાંનૂં गङ्गावतरण ગાંધાર ગ્રામે લય અને તાલ સમેત ગાયૂં. પછી નાંદી તથા રંગાવતરણ કિંવા રંગદ્વાર યથાવિધિ કરી રહી પ્રસ્તુત रम्भाभिसारનો ખેલ ભજવી બતાવ્યો. પૌલસ્ત્ય કુબેરના પુત્ર નલકૂબર ઉપર મોહ પામેલી રંભા તેને મળવા જતી હતી. તેના ઉપર માર્ગમાં પૌલસ્ત્ય રાવણે બળાત્કાર કર્યો. તેથી ક્રોધાવિષ્ટ થઈ અલકાપતિના પુત્રે લંકાપતિને શાપ દીધો. એ કથા સર્વના જાણવામાં હશે. ઉક્ત પ્રેક્ષામાં પ્રદ્યુમ્ને નલકૂબરનો, સાંબે તેના વિદૂષક મિત્રનો, શૂરે રાવણનો અને મનોવતીએ રંભાનો વેષ લીધો હતો.

ઉપરના આખ્યાનદર્શનમાં અનેક બાબતો ધ્યાન ખેંચે છે. એમાં નાંદી ઉપરાંત રંગાવતરણ કિંવા રંગદ્વાર નામનૂં પૂર્વરંગનૂં અંગ પણ પ્રયુક્ત કહ્યૂં છે. પૂર્વરંગના પહેલાં નૃત્ય અને ગીતનૂં પણ વિધાન છે. સંગીતના જલસાની સંજ્ઞા, પ્રેક્ષા, તે નાટકના પ્રયોગની પણ સંજ્ઞા છે. નૃત્ત ગીત અને વાદિત્ર तौर्यत्रिक કહેવાય છે તેનૂં મૂળ જે तूर्य શબ્દ, તે નટના પર્યાય તરીકે વાપરેલો છે; प्रकरण બોલ नाटकનો અર્થ બતાવે છે; અને નટન ક્રિયાનો નિર્દોશ સર્વત્ર નર્તન બોલથી જ કરેલો છે. એ બધૂં સંગીત અને નાટકનો અતિ નિકટનો સંબંધ તે સમયમાં જીવતો જાગતો હોવાનૂં સિદ્ધ કરે છે. વર્ણવેલા બે પ્રયોગ પૈકી એકેમાં પ્રસ્તાવના છે નહિ. નાટક એક જ પ્રવેશનૂં છે; એટલે કરીને બહુ પ્રવેશવાળા નાટકમાં તેમનો ક્રમ જણાવવાને જરૂરની જે अङ्क સંજ્ઞા, તે ઉદ્ભવ જ પામી નથી. रम्भाभिसारમાં કૈલાસ પર્વતનો દેખાવ પૂરો પાડ્યો છે, તે ઉપરથી આહાર્ય અભિનય સારો ખેડાયલો જણાય છે. વાચિક અભિનયના અંગે નટોની વાણીના સંસ્કારનાં ખાસ વખાણ છે , તે સૂચવે છે કે જેટલે દરજજ્જે યજ્ઞમાં મ્લેચ્છિત એટલે ભ્રષ્ટ વાણી નિષિદ્ધ હતી અને શુદ્ધ સંસ્કારી વાણીનો જ આદર થતો હતો, તેટલે દરજ્જે આ આખ્યાનદર્શનના પ્રદર્શનમાં પણ વાણીનો સંસ્કાર આવશ્યક ગણાતો હતો; આખ્યાનો જે સંસ્કારી વાણીમાં રચાતાં હતાં, તે જ સંસ્કારી વાણીમાં આખ્યાનના પ્રયોગ પણ થતા હતા. બીજા શબ્દમાં કહિયે, તો એ અતિ પ્રાચીન પ્રયોગબંધની ભાષા પુરાણૂં સંસ્કૃત હતી.

અગ્રજ આખ્યાનશ્રવણ સાથેનો આખ્યાનદર્શનને આત્યંતિક સંબંધ છે. લાંબા સત્ત્રના દૈનિક કર્મજાળમાંથી છૂટા થયેલા ઋષિઓ કર્ણપેય આખ્યાનો સાંભળીને વિનોદ અને વિશ્રાંતિ મેળવતા. શ્રુતિકાળ પછીના આ આખ્યાનકાળનો આરંભ ઇસવી સન પૂર્વે દશમા સૈકાના યાસ્ક ભગવાનના પૂર્વે થયો જણાય છે. શાથી જે निरूक्तમાં સ્યમંતક મણિની ચોરી વિશેનૂં એક ચરણ મળી આવે છે. આખ્યાનના શ્રવણમાંથી આખ્યાનના દર્શનનો પ્રબંધ પ્રગટ્યો. વસ્તુમાં તેમ જ વાણીમાં તે આખ્યાનનો આધાર લેતો હોવાથી હૂં તેને આખ્યાનકાળમાં મૂકૂં છું. સોદરસંબંધને લીધે તેની પદ્યરચના પણ અક્ષરબંધની જ હૂં માની લેઊં છૂં. મહાકવિ ભાસ અને કાલિદાસના નાટકોની સર્વાંગસંપૂર્ણ રૂપરચના તેના પૂર્વે લાંબા વિકાસકાળની માગણી કરે છે. કયાં પરમ પુરાણા શ્રુતિકાળથી ઊતરી આવેલા સાદા અક્ષરમેળ ત્રિષ્ટુપ્ અને અનુષ્ટુપ્, ક્યાં વિશિષ્ટ રૂપબંધ ઉપેદ્રવજ્ર વસંતતિલકા શિખરિણી ને સ્રગ્ધરા, ક્યાં વિલક્ષણ વૈતાલીય અને આર્યા, ક્યાં સમ અર્ધસમ ને વિષમ બંધ? આ વિકાસકાળ આશરે છ શતકનો ટેવી નવતર પદ્મરચનાની ઉત્પત્તિ ભગવાન પાણિનિના સમયમાં એટલે ઇસવી સન પૂર્વે સાતમા આડમા શતકમાં કલ્પૂં છૂં. એ મહાન વૈયાકરણ કૃશાશ્વ અને શિલાલીનાં નટસૂત્રોનો નિર્દેશ કરે છે. નાટ્યશાસ્ત્રનૂં પૂર્વરૂપ નટસૂત્ર નાટકસાહિત્યના અસ્તિત્વની નિઃશબ્દ સાક્ષી પૂરે છે.

માંડ માંડ એક પગલૂં માંડતૂં આ બાળક અનેક પગલાં માંડતૂં થયૂં. અક્ષરબંધના પરિચયમાંથી રૂપબંધ અને માત્રાબંધ લલકારતાં શીખ્યૂં. પૂર્વે તેના પાલકોને વ્હાલી સંસ્કૃત વાણી જ જે બોલતૂં હતૂં તેણે બે સદી વટાવી, લોકવાણી જે પ્રાકૃત, તેને પણ આવકાર આપ્યો. એ સાહિત્યમાં માન પામેલી લોકવાણી બુદ્ધ અને મહાવીર ભગવાને પણ તેમની લોકો૫કારક ધર્મદેશનાના વાહન તરીકે સત્કારી લીધી. છ સૈકાનૂં અતિપ્રાચીન નાટક સાહિત્ય નાશ પામ્યૂં છે. વેદને ધર્મબુદ્ધિએ બચાવ્યા. ઇતિહાસને સ્વદેશાભિમાને બહલાવ્યા. દર્શનશાસ્ત્રોને તત્ત્વજિજ્ઞાસાએ જીવતાં રાખ્યાં. કાવ્ય અને નાટકને ટકાવી તેમનૂં આયુષ લંબાવનારી કોઈ જડીબુટ્ઠી ન હતી, એટલે તે લય પામ્યાં. એમના તિરોભાવનાં બીજાં પણ કારણ છે. તે પટંતરે સમજાવવા આપણી ભાષાનો દૃષ્ટાંત લેઉં છૂં. ઈસવી તેરમા સૈકાની એ પહેલાં ગૂજરાતી ભાષાએ વ્યક્તિત્વ ધારણ કર્યૂં હતૂં, તે છતાં તેનૂં તત્કાલીન સર્વભોગ્ય સાહિત્ય મળી આવતૂં નથી. જૈન ભંડારોમાં જૂનાં જૂનાં રાસા સ્તવન અને ફાગનાં પાનાં દટાઈ રહ્યાં છે તે સાંપ્રદાયિક સાહિત્ય બાદ કરિયે, તો ચૌદમા પંદરમા સૈકાનૂં સાહિત્ય પણ ક્યાં જડે છે? એ જૂની ગુર્જરીમાં રચાયૂં હતૂં. તે જૂની ગુર્જરી સમજાતી બંધ પડી અદૃશ્ય થઈ. એટલે જૂનું સાહિત્ય પણ અદૃશ્ય થયૂં. તેવી જ રીતે પૂર્વસંસ્કૃતનાં એ નાટકો અને કાવ્યો લય પામી ગયાં. નવા ઊગતા તારા ભાસ અને કાલિદાસના તેજના અંબારમાં એ શમી ગયાં.

નાટકની પ્રાચીન ઉત્પત્તિ જોઈ. હવે તેનૂં પ્રાચિન, સ્વરૂપ વિચારિયે. આજકાલ કાવ્ય અને નાટકની યોગ્યતા રસની જમાવટ ઉપરથી અંકાય છે. એ રસપ્રસ્થાન भरतनाट्यशास्त्रમાં પહેલવહેલૂં દૃષ્ટિગોચર થાય છે. એ સોળેક સદી જૂનું છે. કાવ્ય અને નાટકની ઉત્પત્તિ તેનાથી બહુ પ્રાચીન છે. તે અત્યંત જૂના સમયમાં વૃત્તિપ્રસ્થાનનો પ્રચાર હોય એમ મારૂં માનવૂં છે. સાત્ત્વતી કૈશિકી આરભટી અને ભારતી એ ચાર વૃત્તિઓ સાહિત્યશાસ્ત્રમાં કહી છે. વ્યુત્પત્તિ વિચારતાં સાત્ત્વતી અને કૈશિકી સંજ્ઞા સાત્ત્વત અને કૈશિક સાથે સંબંધ ધરાવે છે. भारत કાળના સાત્ત્વતો પરાક્રમી હતા. તેમનો આદિપુરુષ યદુ હોવાથી તેઓ યાદવ નામથી જાણીતા છે, સાત્ત્વતોને વ્હાલાં પરાક્રમોની વૃત્તિ, તે સાત્ત્વતી કહેવાઈ હશે. કૈશિક કે ક્રયકૈશિક વિલાસી હતા. તેમને વ્હાલા ભોગવિલાસની વૃત્તિ. તે કૈશિકીના નામે ઓળખાઈ હશે. આજ પ્રમાણે નવા પ્રસ્થાનની વૈદર્ભા ગૌડી પાંચાલી અને લાટી રીતિનાં નામ પણ વિદર્ભ ગૌડ પાંચાલ અને લાટ ઉપરથી પડેલાં આપણે જોઈયે છિયે. ત્રીજી વૃત્તિ જે આરભટી, તેનૂં નિર્વચન रमस् आरम्भ संरभ આદિ શબ્દની વ્યુત્પત્તિ સાથે સંબંદ્ધ છે. ભારે ઉત્પાત ત્રાસ વધ આદિના પ્રસંગ ભજવતી હોવાના કારણથી ત્રીજી વૃત્તિની આરભટી સંજ્ઞા રાખવામાં આવી હોય એમ જણાય છે. પ્રસ્તુત ત્રણે વૃત્તિઓ આખ્યાનકાળના આરંભથી અસ્તિત્વ ધરાવતી હતી. रामायण રચાયા પહેલાં એમનો જન્મ થયેલો લાગે છે. એમની આ ઇતિહાસાતીત પ્રાચીનતાની સરખામણીમાં ભરતી વૃત્તિની ઉત્પત્તિ આધુનિક છે. એના પ્રાદુર્ભાવની પૂર્વ મર્યાદા આખ્યાનદર્શનની પ્રવૃત્તિથી અંકાય છે. સૂતના મુખથી ખસી ગિરાદેવી નટના મુખમાં વસે છે. શબ્દના ઉચ્ચારણ દ્વારા વસ્તુપ્રબોધ ઉપરાંત ભૂમિકા દ્વારા અને ભાવપ્રકાશન દ્વારા વસ્તુસાક્ષાતકારનાં વરદાન દેવી નટ કિંવા ભરતને આપે છે. નટ કિંવા ભરતની આ નવીન વૃત્તિ, તે ભારતી કહેવાઈ હશે.

નવા પ્રસ્થાનના શૃંગાર તથા હાસનૂં આસ્વાદન જૂના પ્રસ્થાનની કૈશિકી વૃત્તિમાં, વીર તથા અદ્ભૂતનું સાત્ત્વતીમાં અને રૌદ્ર બીભત્સ તથા કરુણનૂં આરભટીમાં થતૂં હતૂં. સૂત જ્યારે મુખપાઠથી વસ્તુનો બોધ આપતો હતો, ત્યારે નટ નાટ્યથી વસ્તુનો સાક્ષાત્કાર કરાવતો હતો. આખ્યાનકથનમાં શ્રવણસુખ જ મળતૂં : આખ્યાનદર્શનમાં નયનસુખનો લાભ પણ થતો.

વૃત્તિપ્રસ્થાનનૂં સ્વરૂપ દોઢ બે હજાર વર્ષ ઉપર કેવૂં ભૂલી જવાયૂં હતૂં, તેનો ખ્યાલ આપવા भरतनाट्यशास्त्रમાંથી વૃત્તિઓનો વૃત્તાંત્ત અહીં ઊતારૂં છૂં. કહે છે કે દૈવી માયાથી વિશ્વને સંકેલી લેઈ વિષ્ણુ ભગવાન શેષ નાગ ઉપર પોઢ્યા હતા, તે વખતે મધુ અને કૈટભ નામે મહા બળવાન અસુરો પ્રગટ્યા. તેઓએ ગડદાપાટુ મારી કઠોર વાણી ઉચ્ચારી ભગવાનને યુદ્ધ કરવાને તેડ્યા. તે ઉપરથી ભગવાન તેમની સાથે સંગ્રામમાં ઊતર્યા; અને પોતાની અપરિમેય શક્તિ વડે તેમણે બંને અસુરોને નાશ કર્યો. એ યુદ્ધમાં ભારતી એટલે વાણીમાંથી ભારતી વૃત્તિ પ્રગટી. આ પ્રમાણે એક પ્રકારની ઉત્પતિ કહી શાસ્ત્રકાર આગળ જતાં જણાવે છે, કે યુદ્ધમાં ભગવાને ભાર દેઈ પગલાં માંડ્યાં તેમાંથી ભારતી ઉદય પામી. એમણે સત્ત્વ એટલે સમાર્થ્યથી ખેંચેલા શાઙ્ગ ધનુષના વેગબળમાંથી સાત્ત્વતી વૃત્તિ નીકળી આવી. લડતાં દાવના સંરંભમાંથી આરભરી વૃત્તિ ઉત્પન્ન થઈ. બંને અસુરોને સંહારી ભગવાને શિખા બાંધી તેમાંથી કૈશિકી વૃત્તિ જનમી. આ રીતે ચારે વૃત્તિની ઉત્પત્તિ વર્ણવ્યા પછી નાટ્યશાસ્ત્ર ભારતી વૃત્તિનૂં નવૂં જ નિર્વચન આપે છે. એને મધુકૈટભના વધ સાથે કશો એ સંબંધ નથી. ભરત એટલે નટની એ વાણી છે માટે ભારતી, આ શબ્દોએ ભારતી વૃત્તિને તે ઓળખાવે છે. બધી એ ચમત્કારક હકીકત કેવળ કલ્પિત છે એમ કહેવાની જરૂર રહેતી નથી. વૃત્તિની ઉત્પત્તિ આ રીતે આજથી બીજી સહસ્રીમાં છેક વીસરી જવાઈ તે સૂચવે છે, કે વૃત્તિપ્રસ્થાન બહુ જ જૂનું છે.

भरतनाट्यशास्त्रમાં વૃત્તિ વિશે જે વિશેષ વિગત આપી છે, તે પણ ગોટાળા ભરેલી છે. ભારતીનાં પ્રરોચના, આમુખ, વીથી અને પ્રહસન, એ ચાર અંગ ગણાવ્યાં છે, વાસ્તવિક રીતે પ્રરોચના નાટ્યશાસ્ત્રે લંબાણથી વર્ણવેલા પૂર્વરંગનો ભાગ છે. આમુખ તો નાટકની પ્રસ્તાવનાનૂં બીજૂં નામ છે. વીથી અને પ્રહસન, તે નાટ્યશાસ્ત્રે વર્ણવેલાં દશ રૂપકમાંનાં બે રૂપક છે. વૃત્તિઓમાં રસની વ્હેંચણી કરી છે, તેમાં પણ ગૂંચવારો છે. સંસ્કૃત વાણીનો પ્રયોગ તે જ ભારતી એવો અર્થ લેઈયે તો તો, આઠે રસનૂં નિરૂપણ સંસ્કૃતમાં કરેલૂં નાટકોમાં મળી આવે છે એટલે, એના અમુક જ રસ એવી મર્યાદા બાંધવાની અગત્ય રહેતી નથી. છતાં નાટ્યશાસ્ત્રમાં અધ્યાયને અંતે એમ ઠરાવ્યૂં છે, કે બીભત્સ અને કરુણનું નિરૂપણ ભારતી વૃત્તિમાં કરવૂં! પછી સાત્ત્વતી વૃત્તિનૂં નિરૂપણ કર્યું છે, તેમાં વીર અદ્ભુત અને રૌદ્રનો સમાવેશ કરી પાછળથી વીર અને અદ્ભુત એ બે જ પ્રસ્તુત વૃત્તિના રસ કહ્યા છે. તે પછી કૈશિકીનૂં સ્વરૂપ વર્ણવતાં એમાં શૃંગાર અને હાસ્ય ગણવી અધ્યાયને અંતે કરુણની પણ ઊમેરણી કરી છે. ચોથી જે આરભટી વૃત્તિ, તેમાં રૌદ્રને ભયાનક સાથે ગોઠવી દીધો છે.

આખ્યાનકાળમાં નાટકની સરિતાનૂં મૂળ તમે જોયૂં. સાહિત્યની એ ગંગોતરીના તટે ઊભા રહી ઊંચે દૃષ્ટિ કરશો, તો रामायण भारत અને पुराणની મૌલિક કથાઓનાં અસંખ્ય શિખરો સરસાઈમાં માથૂં ઊંચકતાં જોશો; અને દૃષ્ટિ વધારે ઊંચી ચડાવશો, તો આકાશને વીંધતાં શ્રુતિનાં શિખરો નજરે તરશે. નૃત્ત ગીત અને વાદ્યનૂં આ ઉત્પત્તિસ્થાન છે. ऋग्वेदમાં ઉષા દેવીનાં સૂક્તોમાં નૃત્તનૂં અનેક વાર સૂચન છે. શ્રુતિગીતનૂં બીજ ગાયત્રીરૂપે આદિવેદમાં અંકુરિત થઈ सामवेदમાં ફાલે છે. उपनिषद्માં વીણાના તાર રણઝણે છે. એ રીતે શ્રુતિકાળમાં ત્રિધા સંગીત જનમે છે. આખ્યાનકાળમાં નાટ્ય કિંવા અભિનયવિદ્યાનો આવિર્ભાવ થાય છે. ઉક્ત સંગીત અને નાટ્યને ઉપકારક રાખી નાટક વિકાસ પામે છે; અને સમસ્ત કાવ્યસાહિત્યમાં અગ્રસ્થાન લે છે. તે એક અંકથી વધી વધીને ભાસના સમયમાં દશ અંક પર્યંત વિસ્તરે છે.

ભાસ અને કાલિદાસનો સમય, તે નાટકના પરમ ઉત્કર્ષનો સમય. ત્યારપછી એકના અઠ્ઠાવીસ ભેદ થાય છે, દશ રૂપક અને અઢાર ઉપરૂ૫ક. એમાંના ભાણ, શ્રીગદિત, ભાણિકા, પ્રસ્થાન, રાસક અને કાવ્ય, એ છ તો નૃત્યના ભેદ છે. વિલાસિકા પણ લાસ્યના જલસારૂપ જ છે. નાટ્યરાસકમાં પણ સંગીતનૂં પ્રાધાન્ય જણાય છે. આ સાહિત્યનો મોટો ભાગ નામથી જ જાણીતો છે. ઊતરતી યોગ્યતાને લીધે તે અર્વાચીન છતાં એ નાશ પામ્યો છે.

નાટકના વિકાસનો ઇતિહાસ વિચારતાં સહજ ધ્યાનમાં આવશે, કે તેની ઉત્પત્તિ અહીં જ થઈ છે. જે વિદ્વાનો એમ કહે છે કે ગ્રીક પ્રજાનાં નાટકો ઉપરથી આપણા પૂર્વજો નાટક રચતાં શીખ્યા, તેઓ ભૂલ કરે છે. ગ્રીક નાટક વ્હેલામાં વહેલૂં ઇસવી સન પૂર્વે પાંચમા શતકની આસપાસ રચાયૂં. ભારતીય નાટક તો તે પહેલાં ચારેક શતક આગમચથી રચાતૂં આવ્યૂં હતૂં. ગ્રીક નાટકમાં પ્રસ્તાવના નથી, નાન્દી નથી, રંગદ્વાર નથી, छलितक જેવા કોઈ નૃત્તના પ્રયોગથી તેનો આરંભ થતો નથી અને તે એકાંક મટી અનેકાંક થવા પામ્યૂં નથી. સંગીતિ (Chorus) રૂપી શ્રવ્ય અર્થોપક્ષેપક દ્વારા તે આખ્યાનશ્રવણ સાથે સંકળાયલૂં છે. ભારતીય નાટક આખ્યાનદર્શન સાથે સંબંધ ધરાવે છે અને એના અર્થોપક્ષેપકો દસ્ય છે. તે સૌ પોકારીને કહે છે કે તેની ઉત્પત્તિ સ્થાનિક એટલે સ્વતંત્ર છે.

મનુષ્યની રુચિ પવનની દિશાની પેઠે બદલાતી રહે છે. પ્રાચીન કાળમાં શ્રવણભોગ્ય સાહિત્ય ઉત્પન્ન થયૂં અને વખત જતાં रामायण આદિ વિશાળ સંહિતામાં અનેક શાખાએ વિસ્તાર પામ્યૂં. વચગાળામાં પ્રયોગભોગ્ય સાહિત્ય પ્રચારમાં આવ્યૂં. ઋષિઓના યજ્ઞવાટમાં , બૌદ્ધોની સહ્યાદ્રિની ગુફાઓમાં , જૈનોનાં મથુરા પાસેનાં લયનોમાં અને સમસ્ત ભરતખંડમાં નાગરિકોની ગૃહ્ય નાટકશાળાઓમાં નાટક વિશ્રામના ઉપદેશના અને વિનોદના સાધનરૂપે પસરી રહ્યૂં, પમરી રહ્યૂં. વર્તમાનકાળ વાચનભોગ્ય સાહિત્યનો છે. એનૂં વિશિષ્ટરૂપ જે નવલકથા , તે બીજા બધા સાહિત્યને ગૂંગળાવી નાંખવાનૂં કરે છે. વાચનમાળામાં નવલકથા, પુસ્તકમાળામાં નવલકથા, ત્રૈમાસિક-માસિક-પાક્ષિક-સાપ્તાહિક પત્રમાં નવલકથા અને દૈનિક પત્રમાં પણ નવલકથા નવલકથા જ થઈ રહી છે. એની સામે ટક્કર લે છે તો માત્ર નાટક જ લે છે. એની રેલમાં તે જ એક પગભર ટકી રહ્યૂં છે. એને પોષવા, એનો ઉત્કર્ષ કરવા, એનો વિજય સાધવા કવિ નાનાવિધ રમણીય નાટક રચો; નટો ઉત્તમ રીતે તે ભજવો; અને પ્રેક્ષકો કવિની પ્રતિભા નાણી જાણો, નટની કળા માણી જાણો!

કેશવલાલ હર્ષદરાય ધ્રુવ.