ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/કવિ દયારામ
જન્મતારીખ
દયારામભાઈના જન્મકાલ સંબંધમાં બે મતો પ્રવર્તે છે. કોઈ તેનો જન્મ સંવત્ ૧૮૨૩માં થયેલો માને છે, તો કોઈ સંવત્ ૧૮૩૩માં. રા. શંકરપ્રસાદ છગનલાલ રાવળે રચેલા અને નારણદાસ ડભોઈવાળાએ છપાવેલા દયારામના જીવનચરિત્રમાં કવિની જન્મપત્રિકા આપેલી છે, તે ઉપરથી સંવત્ ૧૮૩૩નો સ્વીકાર થાય એમ છે.
હવે દયારામના ગ્રંથો ઉપરથી શું મળે છે તે જોઈએ. દયારામભાઈની આરંભની કૃતિ ભાગવતનો દ્વાદશ સ્કંધ છે. તેને અંતે સંવત્ ૧૮૫૦ની સાલ આપેલી છે, એટલે જો એઓ સં. ૧૮૨૩માં જનમ્યા હોય તે તે ૨૭ વર્ષે લખેલું અને ૧૮૩૩માં જનમ્યા હોય તો ૧૭ વરસે લખેલું ગણાય.[1] દ્વાદશ સ્કંધની સમાપ્તિ કરતાં કવિ શું કહે છે, તે જુઓ.
એ કર્યું સાહસ કર્મ શ્રીવંત દ્વિજ દયાશંકરે.
અપરાધ શો? અંતર્ગતે ઉપદેશ કીધો રંક રે.
એ ગુહ્ય રસ પ્રકાશ કીધો, ગમ પંડિતની જ્યાંય.
તે કૃપા કીધી કૃષ્ણજી નિજને કળિજુગ માંહ્ય.
ધર્મ જાણે જગત એવી બુદ્ધિ થઈ મુજને સહી.
ક્ષમા કરજો, પરમ પંડિત! વાંક માહારો છે નહીં.
સંવત્સર પચ્ચાસ, શ્રાવણ, શુક્લ દશમીને દિને
શુભાવસરે કર્યો પૂરણ સ્કંધ દ્વાદશ સ્થિર મને.+[2]
વળી દયારામની ગીતા જુઓ.
ગુર્જરગિરામાં પદબંધ બાળપણે કીધો મતિમંદ.
XX X
પ્રભુરામ પિતાનું નામ, નર્મદાતટ વિપ્ર દયારામ.
રાજકોર મહાલક્ષ્મી માત, જેની કીર્તિ સ્વપુર વિખ્યાત.
ગીતા પ્રબોધી પ્રભુએ જ્યારે હું બાળવેષ હૂતો ત્યારે.
એ ઉપરથી જાણી શકાશે કે તેમણે ઉપલા બે પ્રબંધો બાળવયમાં કર્યા હશે; અને તેથી, તે સાહસકર્મ કહેવાશે. એ ઉલ્લેખથી કવિનો જન્મ સંવત ૧૮૩૩ હોવાનું માની શકાય છે.
આ પ્રમાણે કવિ દયારામ ચાંદોદમાં સં. ૧૮૩૩ના ભાદરવા સૂદિ અગિયારશે સાઠોદરા નાગર કુટુંબમાં જનમ્યા હતા. તેમના પિતાનું નામ પ્રભુરામ અને માતાનું નામ રાજકોર હતું, મહાલક્ષ્મી નહીં. એમના પિતા કારકુની કરતા હતા. ન્હાનપણમાં તેમને સામાન્ય વ્યવહારૂ શિક્ષણ મળેલું; સંસ્કૃતનું જ્ઞાન મળેલું નહીં. તે નીચેની નોંધ વાંચતાં જણાઈ આવશે.
સામાન્ય વ્યવહારૂ જ્ઞાન
હિંદી વૈદકનો ઊતારો કવિએ ભરૂચમાં મામા સૂરજરામને ઘેર કરેલો. એ હાથપ્રતની પુષ્પિકા નીચે પ્રમાણે છે :–
શ્રી શેસષાઇજીની કૃપાથી ગ્રંથ પુરણ કરો છે || સંવત ૧૮૫૧ના માહા વદી એકાદશી વાર રવીએ ભ્રગુક્ષેત્ર માંહાં ગ્રંથ પુરણ કરો છે || ઇદં પુસ્તકં લિખીતં ભટ પ્રભુરામ સુત દયાશંકર જાતિ ભ્રામણ સાઠોદરા નાગર || પુસ્તક જેવી પ્રત્ય હતી તે પ્રમાણે લષું છે || લખનારને દોસ ન દેસો || અધીક નુન્ય સંભાલી વાંચજો || જે કોઈ વાંચે તા. લખે તા. ભણે તેને નમસ્કાર તા. જે શ્રીકૃષ્ણ છે || ઈ ચોપડી કોઈ ચોરી લેસે તેહમને પરમેસ્વર પુછસે || નિશ્ચે ||
પ્રાથમિક હિંદી કૃતિ.
આ સમયની પ્રાથમિક હિંદી કૃતિ रेवास्तुतिનું પદ આ પ્રમાણે છે :
रेवास्तुति
भवतनया सुखदायक सरिता! तिहारो दास कहायो री, रेवाजी!
पतितपावनी, अधमऊधारनी, तारनी नाम मोही पायो री, रेवाजी!
उत्तरवाहनी द्वय तट पावनी, विधि तेरो पार न पायो री, रेवाजी!
निर्मल जल जोउ स्नान करत आय सकल पदारथ पायो री, रेवाजी!
दास दयो माइ! दीन तिहारो प्रेम सहित पद पायो री, रेवाजी!
આ સ્તુતિ જોતાં જણાશે કે કવિનું હિંદી ભાષાનું જ્ઞાન તે સમયે બહુ સાધારણ હતું. ગુજરાતમાં હિંદી સાહિત્યનો પ્રસાર જુના વખતથી ચાલ્યો આવે છે. ભજનો અને પદોની પ્રતિઓમાં ગુજરાતી પદો સાથે હિંદી પદો પણ ઉતારેલાં હોય છે. કેટલાક ગુજરાતી કવિઓએ પરિચયથી સામાન્ય રીતે હિંદી પદો રચેલાં સુવિદિત છે. નામનિવેદન સંસ્કાર કવિને ૮ વરસે ઉપનયન સંસ્કાર થાય છે. તે જ વરસમાં તેમના પિતા સ્વર્ગવાસી થાય છે; તે પછી બીજે વર્ષે દેવકીનંદન મહારાજને હાથે નામનિવેદન સંસ્કાર તેમને થાય છે. આ સંબંધમાં भक्तिविधानના ઉતારા જુઓ :
जानकीजीके गर्भतें प्रगटे अति सुखकंद
दासकु मोद आनंद हित देवकीनंदन सुचंद
अतिसुंदर आजानभुज; उर विशाल; कमनीय
छबी; विशाल नयन; हरे श्रीगोकुलके जीय
गुरुपदपंकज सेवही; हरिकीर्तन गुनगान.
वे पुनित मोहे कियो अनुभव प्रगट प्रमान.
XX X
श्रुतिसिच्छाके पंडित उपमा अन्य न जाहि.
पतितपावनके लिये कर दरसनको व्याज
गमन करत परदेसको बिरद बहेकी लाज.
दरस अपूरव जीवनको, पाप संपूरन जाय.
दरस दियो माहा पतितको अपनो बिरद सुभाय.
कृपावंत भय नाम दे कीनो अपनो दास.
बालभाव बूझ्यो न तब; हुओ नांहि प्रकाश.
XX X
ગુજરાતી અને હિંદી સાહિત્યનો દેવમંદિરમાં પરિચય.
૧૨ વર્ષની વયે કવિનાં માતુશ્રી મરણ પામે છે. તે પહેલાં દેવકીનંદન રાજકોરને गीताનો બોધ કરે છે અને બાળક કવિ દયારામ ઉપર તેની છાપ પડે છે. માતાના મરી જવા પછી કાકાની દીકરી ધનગવરી ખાવા પીવાની સવડ સાચવે છે. માની ફોઈની દીકરીની દીકરી ખબર લે છે. મામા સૂરજરામ રઘુનાથરામ સંભાળ લેવા વખતોવખત આવ્યા કરે છે. બાળક દયારામ મામાને ત્યાં પણ જાય છે.
કવિ દયારામભાઈને ગુજરાતી અને હિંદી સાહિત્યનો દેવમંદિરમાં પરિચય થાય છે. કીર્તન સાંભળવાં, જૂનાં ગાવાં, નવાં કરવાં, તેમ જ જૂનાંને મળતી નવાંની રચના રચવી, એ તેમનો તે સમયનો વ્યાપાર જણાય છે, જુઓ ‘સાંભળ રે તું, સજની માહારી! રજની ક્યાં રમી આવીજી?’ એ ગરબી ભાલણના ભાગવત દશમ સ્કંધના પદ ૧૬૮, ‘કહે રે મુજને, કામિની! તું કાં શ્વાસે ભરાણી જી?’ ઉપરથી, દ્વાદશ માસ રત્નેશ્વરના દ્વાદશ માસ ઉપરથી. બોડાણા આખ્યાન સામળ ભટ્ટના રણછોડજીના શ્લોકે ઉપરથી. વળી ભાગવત દ્વાદશ સ્કંધ તથા ગીતા પણ પહેલાંની પદબંધકૃતિઓ ઉપરથી રચેલ લાગે છે.
ઇચ્છારામ ભટ્ટજીનો સમાગમ,
આ અરસામાં ધનવગવરીનો સ્વર્ગવાસ થાય છે. ब्रह्मसूत्र ઉપરના अणुभाष्यની प्रदीप ટીકા લખનાર પેટલાદના ઇચ્છારામ ભટ્ટજી શેષશાયીના દરસને ચાંદોદ જતાં તેનતળાવે થોભે છે. ત્યાં ચાંદોદથી ડભોઈ આવતા બાળકવિને તેમનો સમાગમ થાય છે. કવિ તેમને પૂર્વ કૃતિ સંભળાવે છે. ભટ્ટજી પ્રસન્ન થાય છે. દયારામ તેમને શંકાઓ પૂછે છે, તેનું તેઓ સમાધાન કરે છે. ચિત્તની સ્થિરતા મેળવવા ભટ્ટજી બાળકવિને યાત્રાએ જવાનો ઉપદેશ કરે છે તથા બ્રહ્મસંબંધનો પણ ઇશારો કરે છે.
કવિની આર્થિક સ્થિતિ.
કવિની આર્થિક સ્થિતિ સારી નહોતી; કારણ કે તેમણે યાત્રાએ જવા માટે પોતા પાસે નાણું નથી, એમ ભટ્ટજીને જણાવ્યું હતું. ગુરુશિષ્યસંવાદના નીચે આપેલા ઊતારાઓમાં એ વાતનો ઉલ્લેખ કરેલો જણાશે.
સર્વ શંકાનો નિર્ધાર કીધો, મળ્યા ભક્તિનિષ્ઠ;
ભટજી મહારાજ કહાવે ડાકોરધીશ જેના ઇષ્ટ;
ભગવદ્ભક્ત દયાનિધિ, સાક્ષાત શ્રીજી જેને,
અથઇતિ વૃત્તાંત સહુ ભાખિયું મે તેને.
પૃથક્કરણ કરી સર્વના સમજાવ્યા સિદ્ધાંત;
ઉરગ્રંથી ભાજી તેમણે, તવ થયો અભ્રાંત,
કર્મજ્ઞાન ઉપાસના વેદના ત્રણ કાંડ,
મર્મ તેનો સ્વલ્પમાં કહી ભાખ્યાં વિવિધ બ્રહ્માંડ.
XX X
મેં સુણેલું તે નિવેદન કરી ભાખ્યો સર્વ વૃત્તાંત.
ત્રિકાલદર્શી મહાત્માએ દીધો આશીર્વાદ,
પૂર્વ કૃતિ માહારી કહી સુણી પરમ આહ્લાદ.
વ્રજયાત્રા કરી આવ તું, બ્રહ્મસંબંધ તુજને થાશે.
મેં કહ્યું, નથી દ્રવ્ય તેટલું, શી પેરે મેં જવાશે?
કૃપા કટાક્ષે અવલોકી દીધી પ્રસાદી વસ્ત.
તેણે કરી મેં કીધી યાત્રા ખરચ્ચે ન થાય તે સ્વસ્થ.
XX X
મહદાજ્ઞા મેં ચિત્તમાં ધરી, તેણે સહુ ચિંતા પરહરી.
મંત્ર સ્મરીને ડબ્બી ભરી, કહી ‘અમૂલ્ય’ આપી તે ખરી.
સર્વધામની યાત્રા કરી મહદ પાસે આવ્યો ફરી.
ડબ્બી ખોલી પાસે ધરી બચત મુદ્રા અર્પણ કરી.
જેણે માહારી ગરજ સહુ સરી જિહ્વા સતત શ્રીકૃષ્ણ ઉચ્ચરી,
અતુલિત નામ પ્રભાવ અપાર. પ્રીતિ–પ્રતીતિ ધન્ય તે સાર!
આ પ્રમાણે સાધન વગરના દયારામભાઈએ ભટ્ટજીની પ્રસાદીથી અષ્ટાક્ષર મંત્રની સહાયતાથી તીર્થયાત્રા કરી.
દયારામભાઈનો કુલધર્મ વૈષ્ણવ હતો ને જ્ઞાતિ ધર્મ શૈવ હતો; એટલે હરિહરની એકતા તેઓ માનતા, પછી દેવકીનંદનાચાર્યે તેમને નામનિવેદન સંસ્કાર કર્યો, ઇચ્છારામ ભટ્ટજીએ તેમના સંશયો ટાળ્યા અને વ્રજયાત્રા કરવાનું ઉપદેશી અષ્ટાક્ષર મંત્ર આપ્યો અને શ્રીવલ્લભલાલજી મહારાજે બ્રહ્મસંબંધ આપ્યો.
કવિએ યુવાન વયમાં જૂના કવિઓનો અભ્યાસ કરેલો. સંસ્કૃતનું તેમને જ્ઞાન નહોતું, તે વાત તો ઉપર આવી ગઈ છે. એટલે બીજા કવિઓને આધારે તેમણે લઘુ વયે બધું લખેલું. દેવમંદિરમાં ગવાતાં કીર્તનોને લીધે વ્રજભાષા પ્રત્યે પ્રીતિ અને પૂજ્ય બુદ્ધિ આ લઘુ વયમાં જ બંધાય છે.
પદલાલિત્ય અને પ્રતિભાનું દર્શન.
બાળપણની પ્રાથમિક ગૂજરાતી કૃતિઓમાં શેષશાયીની ગરબીમાં પદલાલિત્ય છે અને પ્રભાતિયામાં પ્રતિભાનું દર્શન થાય છે. શેષશાયીની ગરબી પહેલી જુઓ.
પ્રથમ પ્રણમું શ્રીગુરૂના પાય રે શેષશાયી છોગાળા.
શ્રીવલ્લભ વિઠ્ઠલ વ્રજરાય રે શેષશાયી છોગાળા.
સદા શોભાવે વૈકુંઠ ધામ રે શેષશાયી સુખસિંધુ.
નિત્ય લીલા નૂતન અભિરામ રે શેષશાયી સુખસિંધુ.
મોટું મનહર મંદિર ભાસે રે શ્રીપતિ શેષશાયી.
દરસનથી પાપતાપ નાસે રે શ્રીપતિ શેષશાયી.
વ્હાલો આનંદ–મંગલ–રૂપ રે શાંત શેષશાયીજી.
વિભુ અખિલ ભુવનના ભૂપ રે શાંત શેષશાયીજી.
હવે પ્રભાતિયું જુઓ :
માતા જગાડે :- જાગ્ય કાનુડા! ગોંદરે ઊભી ગાય;
સ્હામાસ્હામી સાદ કરે, કે માવામેળો થાય. વિઠ્ઠલ! વ્હેલા રે જાગો.
વ્હાલા! વ્હેલા વ્હેલા, જાગો, જાગો, નંદ કુમાર!
જીવણ! વનના મોરલા બોલ્યા, સુખનાં થયાં રે સ્હવાર. વિઠ્ઠલ! વ્હેલા રે જાગો.
ગીર્વાણ વાણી બ્રાહ્મણ વાંચે, શાસ્ત્રી પુરાણી, પ્રભાત.
વેદધુની વેદિયાઓ કરે ને હરિજન કીર્તન ગાત. વિઠ્ઠલ! વ્હેલા રે જાગો.
ચકચક કરવા ચરકલાં લાગ્યાં, જન ચકલે ભેળા થાય.
વેણ વજાડે, ધેન બરાડે, ગોપીઓ મંગળ ગાય. વિઠ્ઠલ! વ્હેલા રે જાગો.
દાતણ કરી અંગોળણ કરિયે, જમિયે શર્કરા ભાત.
તાહારે કારણ ઊભો, કાન્હુડા, ગોવાળાંનો સાથ. વિઠ્ઠલ! વ્હેલા રે જાગો.
દાસ દયો ભૂતળ ભક્તિ રે માગે. દાસમાં એ હું દાસ.
દરસન દેજો, દિલમાં રહેજો, આપજો વૈકુંઠવાસ. વિઠ્ઠલ! વ્હાલા રે જાગો.
શ્રીનાથજીના દર્શનનો પ્રસંગ.
દયારામભાઈ વ્રજની યાત્રાએ ગયા ત્યારે નાથદ્વારમાં શ્રીજી આગળ ભેટ ધરવા પોતાની પાસે કાંઈ ન હોવાથી દર્શનની બંધી થાય છે. આ પ્રસંગે કવિ કહે છે :
શરણ પડ્યો છું રે શ્રીહરિ! નથી મારે અવર આશ વિશ્વાસ.
શ્રીવલ્લભના રે લાડીલા! અનન્ય આપ તણો હું દાસ.
નથી કોઈ દેવી રે દેવનો, એક છે આપ તણો આધાર
ગુલામ ઘરનો રે રાવળો મનકર્મ વચને, નંદકુમાર!
નથી સાધન બળ રે; ધર્મનું નથી બળ ભક્તિજ્ઞાનવિવેક.
સેવા સમરણ રે ના મળે; નથી સત્સંગ કર્યો ક્ષણ એક.
બાનું તમારું રે જોઈને મુજને જગત કહે હરિભક્ત.
જીવણજી! જૂઠો રે હું છઉં; મુજમન નથી તમમાં આસક્ત.
તે અંતે ઊઘડી રે વાગશે, પાસું દેશો જો મહારાજ.
બળવંત! બાનું રે લાજશે; હું નિર્લજને શાની લાજ?
XX X
દાસ દયાનીરે વીનતી કૃષ્ણ કૃપાનિધિ! ધરજો કાન.
*
નાથ! નિવારો રે ત્રાસને. આણો આપના ઉપર વ્હાલ.
નટવર નંદન રે નંદના! ભાવો મદનમનોહર રૂપ.
ચિત્ત ન ચોટે રે માહરૂં અનુભવ વ્યાપક બ્રહ્મસ્વરૂપ.
ન જપું અજપા રે જાપને, ન ગમે સુણવો અનહદનાદ,
યજ્ઞ સમાધિ રે ના ગમે, ન ગમે સ્વર્ગ, મુક્તિના સ્વાદ.
અન્ય–ઉપાસના રે ના ગમે વણ એક પૂરણ પુરૂષોત્તમ.
સહુ ફીકાં લાગે રે સાધનો. પડી મને પ્રેમભક્તિમાં ગમ.
મુને શ્રીવલ્લભ રે ગુરુ ગમ્યા સહુવિધ શ્રીકૃષ્ણજી સમાન.
જીવની સાધના રે ના જુએ, વ્હાલો કરે નિજાનંદ દાન.
XX X
દાસ દયાની રે વીનતી, દાસી કરી રાખો મુને પાસ.
નરભેરામનાં પદ સાથે સરખામણી
તે પછી દર્શનની છૂટી થાય છે. વ્રજ પછી દયારામભાઈ કાશીની યાત્રા કરે છે. દયારામની શ્રીનાથજીની ઉપરની વિનતિ સાથે સમકાલીન નરભેરામનાં ગોમતીમાં સ્નાન કરવાની ના પાડવા વખતનાં પદ સરખાવવા જેવાં હોઈ અત્રે આપ્યાં છે.
(રાગ કાફી)
ખાંતીલે ન્હાવું ખાળ્યું રે, તાતની હેડીએ ચઢવું છે.
ગોમતી ન્હાયાનું નાણું આપું, ત્યારે મારે તમારે શી પ્રીત?
પિતા થઈ પુત્ર પાસે માગો છો એ કિયા તે દેશની રીત?
માફી કે ઉત્તર આપો રે ત્યાં સુધી સ્હામા અડવું છે. સરસ્વતી૦
કેટલું નાણું આપ્યું દુર્વાસાએ? બળિદ્વાર આવ્યા, જદુવીર,
તેમના પ્રેમ તમે જાણ્યા સુવર્ણના? બીજાના જાણ્યા કથીર?
વિચારી જુઓ, વ્હાલા રે! પછી પાયે પડવું છે. સરસ્વતી૦
કાંચનદ્વારિકા પિતાને દેખાડી છાપ મોકલી, નાથ!
શું જોઈ મોકલી, શું જોઈ ખાળી? વ્હાલા! કહે મુને વાત.
ગુરુ પ્રતાપે કહે નરભો રે, એ ઓસડ કડવું છે.
*
ગાંઠ બાંધજો તાણી રે, ધોળી ધજાવાળા!
કપટી કેશવ જાણત, તો શાને આવત પચાસ જોજન!
સાંભળ્યું શ્રવણે જે સાધુને છાપે છે; માટે મળવા ધસ્યું મન.
દરસન દ્યોને રે દૂર કરી પાળા. નાણું આપે૦
દેખી ભેખ અજર નથી કરતા, છાપ આપો છો, હરિ!
પાગ ભાળી ખાળી છાપ! છબીલા. પરખ તો એવી કરી!
સમસ્યા લેજો સમજી રે જે કહી, કાન્હડ કાળા! નાણું આપે૦
હારે છે તું, નથી જ હરવતો. માટે હરિ! હઠ મેલ.
કહે નરભો છોટાલાલ પ્રતાપે, નથી આ તલમાં તેલ.
લેવાનું મુજ પાસે રે હરિહરિ–જપમાળા. નાણું આપે૦
આ પ્રમાણે દયારામનું પૂર્વજીવન સમાપ્ત થાય છે.
અનુલેખ—પ્રસ્તુત લેખમાં ‘નામનિદેશ સંસ્કાર’ના પ્રસ્તાવમાં આપેલા અવતરણનો કડી ૭૪ સિવાયનો બધો એ ભાગ सोमाचंद કૃત भक्तिविधान (રચના સં. ૧૬૮૧; હાથપ્રત સં. ૧૮૩૦)માં આપેલો છે, એમ દયારામકાવ્યમણિમાળા, ભાગ ૫ના આરંભે આપેલા લેખમાં શાસ્ત્રી વસંતરામ હરિકૃષ્ણ જણાવે છે. सोमाचंदની કૃતિની હાથપ્રત ઊતાર્યાં પછી ત્રણ વર્ષે સં. ૧૮૩૩માં દયારામ જનમે છે. તે જોતાં ‘નામનિદેશ સંસ્કાર’ના પ્રસ્તાવમાં જે અવતરણ આપ્યું છે, તે અગ્રાહ્ય ઠરે છે. પરંતુ, કવિને એમના ૧૦મા વર્ષમાં દેવકીનંદન મહારાજને હાથે નામનિદેશ સંસ્કાર થયેલો, તે તો ગ્રાહ્ય જ રહે છે. દયારામના દેવકીનંદન सोमाचंदના દેવકીનંદથી ભિન્ન અને અર્વાચીન. જેમણે કવિનાં માતુશ્રીને गीताનો બોધ કર્યો હતો, તે જ એ દેવકીનંદન મહારાજ.