કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૩૭. વાર્ધક્ય વિશે ચાર રચનાઓ
Revision as of 12:33, 10 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૭. વાર્ધક્ય વિશે ચાર રચનાઓ|જયન્ત પાઠક}} <poem> ૧ બાગમાં વહેલી સ...")
૩૭. વાર્ધક્ય વિશે ચાર રચનાઓ
જયન્ત પાઠક
૧
બાગમાં વહેલી સવારે
વૃદ્ધ લટાર મારે
સૂર્યતેજમાં ફૂલના ચહેરા ચમકે
ક્યારે ક્યારે —
વાગોળે વૃદ્ધ સતત
મૌનમાં ગળેલો વિગત.
ક્યારેક
બોખા મોંમાંથી સરી પડે
શબ્દ બેચાર, જેમાં
શતશત અબ્દનો ભાર!
૨
જર્જર દેહ
વૃદ્ધ બાંકડે પડ્યો
— બદ્ધ, લાકડે જડ્યો —
એક બાંકડો
ઉલટાવી ઉપર મૂકે તો
બરાબર ચેહ!
અગ્નિ?!
એ તો જીવનભરનો ભીતર સંઘર્યો
એક ફૂંક
કે દેહ રાખનો નર્યો!
૩
વૃદ્ધ મરણોન્મુખ
વહે છે આંખોમાં
એક પરિચિત નદી
હાંફે છે છાતીમાં
એક દબાયેલો ડુંગરો
ઝૂલે છે પાંપણમાં
એક ઘનઘોર વગડો
ટોળે વળી છે હથેળીમાં
પ્રીતિની ખુલ્લી સ્પર્શરેખાઓ
વૃદ્ધ-જીવનોન્મુખ!
૪
એક પગ કબરમાં
બીજો હરેફરે બેખબરમાં
શ્વાસનો હરક્ષણ વધતો ભાર
વિચારતાંયે થાકી
પડ્યો વૃદ્ધ, ને
પડ્યો પડ્યો જ
ગયો નીકળી ઠેઠ જીવનની બહાર!
૨૫-૧૦-’૮૨
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૩૫૦-૩૫૧)