બાળ કાવ્ય સંપદા/પૂછું છું

Revision as of 16:03, 20 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પૂછું છું

લેખક : ધીરેન્દ્ર મહેતા
(1944)

ફુગ્ગામાં હવા ભરાય એમ ગ્લાસમાં ભરું, ભરાય નહિ કેમ ?
પૂછું છું પપ્પાને એમ !
દડા પરપોટાના તરે આ પાણીમાં, ઝાલું ઝલાય નહિ કેમ ?
પૂછું છું પપ્પાને એમ !
ઊડતા પતંગ જેમ ચાંદા ને સૂરજને કાપું, કપાય નહિ કેમ ?
પૂછું છું પપ્પાને એમ !
શો-કેસમાં સૂનમૂન થઈ બેઠેલા પંખીથી ગાયું ગવાય નહિ કેમ ?
પૂછું છું પપ્પાને એમ !
ટીવીમાં પુરાયા ભેરુને મળવાને જાઉં, જવાય નહિ કેમ ?
પૂછું છું પપ્પાને એમ !
પાણીની જેમ જે વરસે એ તડકામાં, ન્હાવું નવાય નહિ કેમ ?
પૂછું છું પપ્પાને એમ !
આભેથી પડતા આ પાણીને ખોબે સમાવું, સમાય નહિ કેમ ?
પૂછું છું પપ્પાને એમ !