બાળ કાવ્ય સંપદા/ચાંદલિયાની ગાડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચાંદલિયાની ગાડી

લેખક : ધીરેન્દ્ર મહેતા
(1944)

મને મોકલે ચંદુચાચા ચાંદલિયાની ગાડી,
એમાં બેસું પહેરીને હું રૂપલી રૂપલી સાડી.

ગાડી મારી જોવા ઊમટ્યું તારલિયાનું ટોળું,
એની વચ્ચે થઈને હું તો મારગ મારો ખોળું.

મારગ વચ્ચે વાદળના છે ઊંચાનીચા પહાડ,
હોય છુપાયો છાનોમાનો ક્યાંક એમાં વરસાદ.

પ્હાડ ગબડે ગડબડ કરતા ગડગડ ગડગડ ગાજે,
વીજળીઓની ખીણોમાં એ ઊંડે પડતા આજે.

ગાડી મારી અટકે નહિ એ ચાલે આખી રાત,
ઊઠો ઊઠો ચંદુચાચા, જુઓ થયું પરભાત.