૩૮
પ્રભુ, તારી પાસે શું માગવું તેની મને ખબર નથી.
ઓ પિતા, તારા બાળકને જેની માગણી કરતાં આવડતું નથી
તે વસ્તુ આપ.
તું મને વધસ્થંભે જડી દે
અથવા મને શાતા આપ —
બંનેમાંથી કાંઈ પણ માગવાની મારી તો હિંમત નથી.
હું તો મારી જાતને તારી સમક્ષ ખડી કરું છું.
મને પણ જેની ખબર નથી એ મારી જરૂરિયાત સામે જો,
અને તારી કોમળ કૃપા દ્વારા જે કરવાનું હોય તે કર.
મારા પર પ્રહાર કર કે મને ચંદનનો લેપ કર,
મને ભોંયભેગો કર કે અધ્ધર ઊંચકી લે,
તારા સર્વ ઉદ્દેશોને
જાણ્યા વગર હું વધાવી લઉં છું.
હું મૂક છું, મારી જાતને હોમી દેવા હું તત્પર છું,
હું મને તારે ચરણે સમર્પી દઉં છું,
તારી ઇચ્છા પૂર્ણ કરવા સિવાય મારી બીજી કશી ઇચ્છા ન હો.
મને પ્રાર્થના કરતાં શીખવ,
મારામાં રહી તું પ્રાર્થના કર.
ફેનેલોન
મો. ક. ગાંધી