પરમ સમીપે/૩૭
મારું જીવન તમે લઈ લો, અને એને
હે પ્રભુ, તમને સમર્પિત થવા દો.
મારા આ હાથ તમે લઈ લો, અને એમને
તમારા પ્રેમના આવેગથી ગતિમાન બનવા દો.
મારી ક્ષણો અને મારા દિવસો તમે લઈ લો
અને એને અવિરામ સ્તુતિમાં વહેવા દો.
મારા આ પગ તમે લઈ લો, અને એમને
તમારા માટે ઝડપી અને સુંદર બનવા દો.
મારો અવાજ તમે લઈ લો
અને મને કેવળ, હંમેશાં, મારા પ્રભુ માટે જ ગાવા દો.
મારા હોઠ લઈ લો, અને એમને
તમારા સંદેશાઓથી ભરેલા રાખો.
મારું રૂપું લઈ લો અને મારું સોનું લઈ લો
એક કણ પણ હું મારી પાસે ન રાખું.
મારી બુદ્ધિ લઈ લો અને એની દરેક શક્તિનો
તમને ઠીક લાગે તેમ ઉપયોગ કરો.
મારી સંકલ્પશક્તિ લઈ લો
અને એને તમારી બનાવી લો
હવે પછી એ મારી ન રહે.
મારું હૃદય લઈ લો, એ તો તમારું પોતાનું જ છે
એને તમારું રાજસિંહાસન બનાવો.
મારો પ્રેમ લઈ લો, મારા પ્રભુ!
એના ખજાનાનો ઢગલો હું તમારા ચરણે ઠાલવું છું.
મારી જાત તમે લઈ લો
અને હું હંમેશાં, ફક્ત, સંપૂર્ણપણે
તમારા માટે જ બની રહીશ.
ફ્રાન્સેસ રિડલે હેવરગલ