પરમ સમીપે/૪૮

From Ekatra Wiki
Revision as of 02:47, 6 March 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૮

હે પરમાત્મા,
અમારા વિચારો, લાગણીઓ, કાર્યોનો દોર
તમે તમારા હાથમાં લો
અને અમને સંપૂર્ણપણે દોરો.
અમારાં સઘળાં કાર્યો
અમારી બુદ્ધિ, અમારી ઇચ્છા, અમારા અહંકાર વડે નહિ
પણ તમારી ઇચ્છા વડે પ્રેરિત થાઓ.
કોઈ પણ કાર્યની સફળતા કે નિષ્ફળતા
તમારી યોજના મુજબ જ બની આવે છે
એ સમજવા ને સ્વીકારવા જેટલી
નિર્મળતા ને નમ્રતા અમને આપો.
અમે કશાને માટે ઝાંવાં ન મારીએ
કશાને માટે વ્યાકુળ ન થઈએ
તમે જે સ્થિતિમાં અમને રાખો, તેમાં
ફરિયાદ કર્યા વિના, આનંદપૂર્વક રહી શકીએ
એવી સ્થિર શ્રદ્ધા ને સમર્પણબુદ્ધિ આપો.
અંતે તો તમને પામવા એ જ અમારું લક્ષ્ય છે.
એ માર્ગે દિવસરાત અમારી યાત્રા આગળ વધતી રહે
તમારી ચૈતન્યધારામાં, અમારી જડિમાની રજ
રોજેરોજ ધોવાતી રહે, એવા અમને આશીર્વાદ આપો,
પ્રભુ!