પરમ સમીપે/૪૯
હે પરમાત્મા,
આજના આ શુભ-ઉજ્જ્વલ પ્રભાતે
તમારે ચરણે હું પ્રણિપાત કરું છું
નીરવ એકાંત ખૂણે બેસી,
હજારો વિષયોમાં રમમાણ રહેતી ઇંદ્રિયોને પાછી ખેંચી
તમારા ધ્યાનમાં હું સ્થિર થાઉં છું.
પ્રત્યેક શ્વાસ સાથે હું તમારો પ્રકાશ અંદર લઉં છું,
પ્રત્યેક ઉચ્છ્વાસ સાથે મારી મલિનતા બહાર કાઢી નાખું છું.
પ્રત્યેક શ્વાસ સાથે તમારી શુભ્ર પવિત્રતા અંદર લઉં છું,
મારી નિમ્ન ઇચ્છાઓ અને વાસના બહાર ફેંકું છું.
તમારી કૃપા અને કરુણા ગ્રહું છું
મારા અહંકાર, લોભ અને કોધ બહાર ફેંકું છું.
તમારાં આનંદ અને શાંતિ, પ્રેમ અને માધુર્ય
હું અંદર લઉં છું, અને
મારા શોક ને વિષાદની કરચો
અભિમાન અને આસક્તિનાં આવરણો
અનુચિત કાર્યોમાં જોડતી દુર્બળતાઓ
હું બહાર કાઢી નાખું છું.
મને કોઈના પ્રત્યે દ્વેષ નથી, કોઈના પ્રત્યે દુર્ભાવ નથી.
બધા પૂર્વગ્રહો, ભૂતનાં સ્મરણો અને ભવિષ્યનાં સપનાં,
ચારે તરફથી એકઠા કરેલા વિચારો, અભિપ્રાયો ને પ્રતિભાવો
મારા મનમાંથી ખરી પડે છે.
પારાની જેમ સરી જતું, સરકી જતું, વેરાઈ જતું, વિખરાઈ જતું
મારું મન તમારા સ્મરણ વડે સ્થિર, શુદ્ધ, સૂક્ષ્મ બને છે.
તમારી અસીમ શાશ્વત જ્યોતિને હું અંદર ગ્રહણ કરું છું,
ગઈ કાલ સુધીનો ‘હું’ મારામાંથી બહાર કાઢી નાખું છું.
હું તમારું નામ અંદર શ્વસું છું, ભગવાન
તમારા ભાવમાં સ્પંદિત થાઉં છું
તમારી ભણી મીટ માંડી બેઠો છું,
તમારા આશીર્વાદની રાહ જોઉં છું, પરમ પિતા!