સુમન શાહ સાહિત્યસંપુટ/૪. ભરત સોલંકી
સજ્જતા અને સહજતાનો સમન્વય
ડૉ. ભરત સોલંકી
પૂજ્ય અને પ્રિય સુમન શાહ વિશે સંસ્મરણો વાગોળતાં આનંદ અને ગૌરવની લાગણી જ થાય. સર્જક તરીકે જેટલું મોટું નામ, એટલું જ સહૃદય વ્યક્તિત્વ મારા માટે તો. ઈ.સ.૧૯૯૧માં એમ.એ.ની પદવી માટે ભાષાભવનમાં પ્રવેશ લીધો. ભારતીય સાહિત્ય મીમાંસાના પ્રથમ વ્યાખ્યાનમાં તેમનો પ્રથમ પરિચય એક વિદ્વાન પ્રોફેસર તરીકેનો થયો. બ્લેક ચમકતાં બૂટથી માંડી બ્લેક પેન્ટ ને હાફ શર્ટ, બંધ બટન સૌથી ઉપરનું, ને વ્યવસ્થિત વાળ. ખુરશીમાં બેસીને હળવા, મધુર અવાજમાં વિવેચનની વાત કરતાં કરતાં કેટકેટલી સાહિત્યની દુનિયામાં લટાર કરાવી દે. ટેબલ પર કાયમ ટાંચણ હોય, ફ્રેમવર્ક હોય, પછી તો કલાક ક્યાં પસાર થાય તેની ખબર ન પડે! એક હોશિયાર અને નિયમિત વિદ્યાર્થી તરીકે એમની આંખમાં વસતો ગયો હું. ધીમે ધીમે ‘નમસ્તે’ કરતાં એમની પાસે પહોંચતો ગયો. તેમની ચેમ્બરમાં જવાનું સાહસ ભાગ્યે જ કોઈ કરી શકે કામ વગર! હું ‘બટુભાઈ ઉમરવાડિયાની નાટ્યકળા’ પરના સંશોધન નિમિત્તે જવા લાગ્યો. માર્ગદર્શન ટૂંકમાં જ પતાવે. ભવનની ચેમ્બરમાં પણ ખૂબ વાંચે. તે સમયમાં હું શાહપુર રહેતો. વચ્ચે ‘ગુજરાત સમાચાર’નું ભવન આવે. સાહેબે એક વાર વિનમ્રભાવે ‘બાઇ લાઇન’ કૉલમનો લેખ કવરમાં મૂકી ‘ગુજરાત સમાચાર’ પર પહોંચાડવાનું કહેલું, ને હળવાશમાં કહેલું “કવર ખુલ્લું જ છે, તું વાંચી શકે છે.” ને મેં વચમાં વાંચી નાખેલું. પછી તો એ નિત્યક્રમ એકાદ વરસ ચાલેલો. સંજોગોવશાત્ અમારે પછી ‘બીમા નગર’ રહેવા જવાનું થયું, ને સાહેબનું સરનામું ૯, મુકુંદ, મનોરમા ફ્લેટ. સાવ નજીક થયો, ને સાહેબનું સાનિધ્ય વધ્યું. ‘ખેવના’ સામયિક બહુ નિષ્ઠાપૂર્વક ચલાવે. તંત્રીલેખ કે અન્ય લેખોમાં ગુણવત્તા જ ગુણવત્તા હોય. ક્યારેક સરનામાં કરવા બોલાવે. હું, રશ્મીતાબેન, ને સાહેબ ‘ખેવના’ના ગ્રાહકોનાં સરનામાં હાથથી લખતાં જઈએ. મને યાદ છે મારાથી ઉતાવળમાં કોઈકની આગળ ‘શ્રી’ લખવાનું રહી ગયું હોય, તો તે હળવેથી નામ આગળ ‘શ્રી’ લખી નાખે. મારા માટે આ જીવનઘડતરના પાઠ હતા. પછી તો મને લખતી વખતે બધાંની આગળ ‘શ્રી’ લખવાની ટેવ પડેલી. મારી એ વીસબાવીસની ઉંમરમાં મારો શારીરિક બાંધો નબળો. દશમાબારમાના વિદ્યાર્થી જેવો લાગું. સાહેબ તથા રશ્મીતાબહેન મારા શરીરની ખૂબ ચિંતા કરે. હસતાં હસતાં બહેન બદામ કાયમ ધરે. એમ. એ. પૂરું થતાં જ માત્ર ચોવીસ વર્ષની ઉંમરે અધ્યાપક થયો, ત્યારે સાહેબ ખૂબ જ પ્રસન્ન થયેલા, ને મને કહેલું, “તું વિદ્યાર્થીથી અલગ પડવા કાયમ ટાઈ પહેરજે. જેથી કોઈ વિદ્યાર્થી તારી સાથે વિદ્યાર્થી સમજી ગેરવર્તણૂક ન કરે. એ ટેવ આજે પણ મારા શોખનો વિષય બની છે ને રહી છે. ‘સન્નિધાન’થી તો કયો ગુજરાતી અધ્યાપક અજાણ હોઈ શકે? સાચા અર્થે વિદ્યાર્થી અને અધ્યાપકને સજ્જ કરવા ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીના અધ્યક્ષો કે સાહિત્યકારો અને અધ્યાપકોને આવરી લઈ આ પ્રવૃત્તિ વીસબાવીસ વર્ષ ચાલી. મારા જેવા નવાસવા અધ્યાપક પર ભરોસો મૂકી મને તેમાં સહઆયોજક બનાવ્યો, અને સાચા અર્થમાં ‘સન્નિધાન’ શીર્ષક સાર્થક થયું. જેમનાં અવતરણો હું એમ.એ.ના અભ્યાસક્રમમાં લેતો, તેવા સર્વશ્રી પ્રમોદકુમાર પટેલ, જયંત પારેખ, સિતાંશુ યશશ્ચન્દ્ર, રમણલાલ જોશી, મનુભાઈ પંચોલી, વિજય શાસ્ત્રી, શિરીષ પંચાલ, રમણ સોની, નીતિન મહેતા, સતીશ વ્યાસ, મણિલાલ હ. પટેલ, વિનોદ જોશી, ને એમ આ યાદી ખાસ્સી લંબાવી શકાય, જેમની સાથે મને ‘સન્નિધાન’ને નિમિત્તે રૂબરૂ થવાનું, કોઈક બેઠકમાં તેમનો પરિચય આપવાનું, કોઈક બેઠકમાં તેમનો આભાર માનવાનું મને સદ્ભાગ્ય મળ્યું. ‘સન્નિધાન’ અનૌપચારિક સંસ્થાનું પછી તો વિદ્યાર્થી આલમમાં ઘેલું લાગેલું. ૧૯૯૧માં તેની સ્થાપના થઈ. સાહેબ તેના તંત્રીસ્થાને, પછી બીજા સહઆયોજકો પણ, મંત્રી, ખજાનચી કોઈ નહીં, કોઈ ભંડોળ પણ નહી, કોઈ બંધન પણ નહી, ને ‘સન્નિધાન’ની મિટિંગનું સ્થળ એટલે સાહેબનું ઘર ‘શબરી ટાવર.’ કેટલી કેટલી વિદ્યાર્થી આલમની ચિંતા, સાહિત્યની ચિંતા, અધ્યાપકની ચિંતા, ને છેવટે સરવાળે શિક્ષણની ચિંતા સાહેબના હૈયે વસેલી! ‘સન્નિધાન’ની પહેલી શિબિર પહેલાં સાહેબના ઘેર ભિન્ન ભિન્ન યુનિવર્સિટીના અભ્યાસક્રમોના મુદ્દા વિચારવામાં આવે અને ભાવનગરથી વિનોદ જોશીનો પ્રવેશ થાય. થોડી વારે વિદ્યાનગરથી મણિલાલ હ. પટેલનો પ્રવેશ થાય, ને ઊર્જાવંત સર્જકો એક પછી એક ગોઠવાતા જાય. સાહેબ અને બહેનના ચહેરા પર સતત આતિથ્યભાવ ને સ્મિત અનુભવાય. તે સમયે ભાગ્યે જ કોઈ પાસે ફોર વ્હીલર હતું. બધાં બસમાં આવે ને જાય. ‘સન્નિધાન’માં આશય જ એવો હતો કે કોઈ એવું તત્ત્વ હતું, કે સહુ સ્વખર્ચે આવે ને જાય. ખૂબ ગંભીરતાથી ચર્ચાઓ થાય, ને પછી કોઈ સંસ્થા યજમાન બનતાં ત્યાં ‘સન્નિધાન’ની શિબિર યોજાય. મારા માટે તો આ સાહિત્યશિક્ષણ અને જીવનની મોટી પાઠશાળા હતી. સુમનભાઈના અનેક પ્રકલ્પો પૈકીનો એક બીજો પ્રકલ્પ એટલે ‘સુરેશ જોષી સાહિત્ય વિચાર ફૉરમ’, કહો કે ‘સુ.જો.સા.ફો.’. સાહેબની સાચી નિષ્ઠાના કારણે ‘સન્નિધાન’ જેવી પ્રવૃત્તિને કેટકેટલી સંસ્થાઓએ આવકારી, ને સરસ્વતીનો લક્ષ્મી સાથે મિલાપ થયો. તે જ રીતે ‘સુરેશ જોષી વાર્તા ફૉરમ’ શિબિરની પચાસ પચાસ જેટલી વાર્તાશિબિરો થઈ તે ઐતિહાસિક ઘટના ગણાય. ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાત સાહિત્ય અકાદમી ન કરી શકે, તેવું ગંજાવર કામ વિદ્વત્જનોને સાથે લઈ આ બે પ્રવૃત્તિને નામે થયું છે. આ ફૉરમની ૨૩મી વાર્તાશિબિર પાટણ મારા આમંત્રણથી થઈ. સાહેબ વાર્તાકારો સાથે અમારા મહેમાન બન્યા. અગાઉ ફોન પર વાતો થાય. વ્યવસ્થા વિશે વાતો થાય. ઝીણી ઝીણી બાબતો વિશે મારું ધ્યાન દોરે. મનેય પ્રેમથી વાર્તા લખી વાંચવા કહેલું. મે ‘ફણગો’ શીર્ષકયુકત વાર્તા રજૂ કરી. તટસ્થ રહીને સહુએ તેની ચર્ચા કરી, વાર્તા વખાણેલી. પછી તો હું પણ ‘વાર્તાકાર’ ગણાવા લાગ્યો, ને જોતજોતામાં ‘રૂપાંતર’, ‘કાકડો’ અને ‘વીડિયો શૂટિંગ’ શીર્ષકયુક્ત ત્રણ વાર્તાસંગ્રહો પ્રગટ થયા ને પુરસ્કૃત પણ થયા. આજે વાર્તાકાર તરીકે મારી જે કંઈ ઓળખ છે, તેનું શ્રેય સાહેબને અને ફૉરમને ફાળે જાય છે. સંનિષ્ઠ અધ્યાપકની સાથે સાથે સાહિત્ય અને કળાપદાર્થની એમણે આજપર્યંત ચિંતા કરી છે. ‘સુ.જો.આ.ફો.’ની વાર્તાશિબિરોમાં એમની એકાગ્રતા, કળા પ્રત્યેની નિસબત અને સ્વયંશિસ્ત ખરેખર ભાગ્યે જ કોઈમાં મેં જોઈ હશે. અહીં એકબે અન્ય વાર્તાશિબિરોનું ખાસ સ્મરણ કરવું છે. તેમાંથી એક શિબિર ઊંઝા મુકામે ઉમિયાધામના જ ગેસ્ટહાઉસમાં થયેલી. ડાહ્યાભાઈ પટેલ ‘માસૂમ’, દશરથ પરમાર તથા સંજય ચૌહાણ ત્યારે નિમંત્રક હતા. એકાદ માસ અગાઉ બધું આયોજન નક્કી થયેલું. શિબિરના બેત્રણ દિવસ અગાઉ જ સાહેબને પગના થાપે લચક આવતાં પાટાપિંડી થયેલી, ને ડૉક્ટરે એમને સંપૂર્ણ બેડરેસ્ટ કરવાની સલાહ આપેલી. વળી, એમના મોટા દીકરા પૂર્વરાગ વિદેશથી ખૂબ થોડા દિવસ માટે ભારત આવેલા. આવા સંજોગોમાં પણ વાર્તાશિબિર બંધ ન રહે એટલા ખાતર તેઓ ગાડીમાં સૂતા સૂતા આવેલા. પરાણે ગેસ્ટહાઉસ સુધી પહોંચેલા. રૂમમાં વચોવચ એમનો બેડ ગોઠવ્યો, ને એમણે તકિયાના ટેકે આખી શિબિર સક્રિયપણે સંભાળેલી. રજૂકર્તા વાર્તાકારને બરાબર સાંભળવાનો, સમજવાનો. એમાં કોઈ વાર્તાકાર નાનો નહીં, કોઈ મોટો નહીં, માત્ર તેની વાર્તા જ તેની ઓળખ! અન્ય વાર્તાકારો વાર્તાનાં સારાંનરસાં પાસાં વિશે વાત કરતા. કોઈ અકળાય પણ ખરા. કોઈ વખાણે પણ ખરા, પણ સાહેબ તેમની આગવી શૈલીમાં વાર્તાકારને પોરસાવી, તેનાં સારાં તત્ત્વોની નોંધ લઈ, પછી તેની હળવાશથી મર્યાદા બતાવે, જેથી તે વાર્તા લખતો બંધ ન થાય તેની ખાસ કાળજી રાખતા. વધુ એક વાર્તાશિબિર મેં પાટણ આમંત્રેલી. એ ૪૫મી વાર્તાશિબિર હતી. વીસેક જેટલાં વાર્તાકારો હરખભેર પાટણ આવેલા. વાર્તાકારોની સંખ્યા ને ચર્ચાઓ લાંબી ચાલી. તેથી રાત્રે પણ એક બેઠક રાખેલી. અમારા મોટા ભાગના વાર્તાકારોની વાર્તાકળાને સાંભળવાની કે ચર્ચા કરવાની ક્ષમતા પૂરી થયેલી. પરંતુ સાહેબે લગભગ સત્યોતેર-અઠ્યોતેર વર્ષની વયે પણ સતત એકધારી દશબાર વાર્તાઓ સાંભળેલી, ને રાતના અગિયાર વાગવા છતાંય એમના ચહેરા પર ક્યાંય થાક કે કંટાળો જોવા મળ્યો નહોતો. તેમનું વ્યક્તિત્વ જ જાણે મારા માટે બોધપાઠ હતો. વચ્ચે વચ્ચે મને પોરસાવે, “ભરત ! કંઈ તકલીફ તો નથી ને? હા, મને કહેજે પાછો!” કહી મારી હિમ્મત વધારતા જાય. શિબિરમાં એમની વાર્તા રજૂ કરે પછી ગમે તેટલી તીખી ચર્ચા થાય, તો તેનો ખુલ્લા મને સ્વીકાર પણ કરે. હા, એમનો વાર્તાકાર તરીકે પક્ષ ચોક્કસ રજૂ કરે. ‘પૉઇન્ટ ઓફ વ્યૂ’ મૂકે, પણ અકળાય તો નહીં જ! આ પરથી મને એટલું જ સમજાય છે, કે સાહિત્ય કે કોઈ પણ કળાપદાર્થ સાથે સાચા હૃદયથી કામ કરતો કલાકાર ખૂબ જ સ્વસ્થ અને ધીરજવાન હોય છે. સ્થિરતા અને સ્વસ્થતા આપોઆપ આવી જાય છે. આમ, છેલ્લાં ચોત્રીસપાંત્રીસ વર્ષથી સાહેબના એકધારા સંપર્કમાં રહેવાનું સદ્ભાગ્ય તો મને મળ્યું, તો સાથે સાથે ખાસ્સું શીખવા પણ મળ્યું. આજે પણ ક્યારેક ફોન પર વાત થાય, તો મારા પરિવારનાં નામો એમના હોઠે હોય, અને પ્રેમથી નામજોગ પરિવારના ખબરઅંતર પૂછે. વ્યક્તિગત અને કૌટુંબિક પ્રગતિ પૂછી, સાંભળી રાજીપો અનુભવે. વિવેચક અને વ્યક્તિ તરીકે ક્યારેક કેટલાકને વધુ ‘કડક’ અને વધુ પડતા શિસ્તના આગ્રહી લાગ્યા છે. મને પણ અભ્યાસકાળમાં ખૂબ કડક લાગતા. વર્ગમાં ‘બગાસું ખાવું’ કે ‘વાતો કરવી’ શક્ય જ નહોતું, અને જો થયું તો અકળાય. વર્ગ બહાર જવાનું પણ કહે, પણ તેની પાછળનો આશય વ્યાખ્યાનની ગરિમા કે વ્યાખ્યાનને, વિદ્યાર્થીને ન્યાય આપવાનો જ હોય. આજે એમની ઉંમરથીય વધુ પુસ્તકો, અનેક ભાતભાતના પ્રકલ્પો અને વિદેશનિવાસની સાથે સાથે કોઈ ને કોઈ નવો પ્રકલ્પ ‘ઓનલાઈન’ યોજી સતત સક્રિય રહ્યા છે. જીવનમાં અને સાહિત્યમાં બધું જ મેળવીને પરિપૂર્ણ થયેલા હોવા છતાંય, આજે પણ સાહિત્યમાં ખૂટતી કોઈ ને કોઈ કડી જોડવાનો પ્રયત્ન કરતા, ને કળાપદાર્થ સાથે સક્રિય રહેલા માનનીય અને પ્રિય સુમનભાઈ સાહેબ મારા માટે અધ્યાપકીય કારકિર્દી, સાહિત્યિક કારકિર્દી કે વ્યક્તિગત જીવન, ત્રણેયમાં પ્રેરણાસ્રોત રહ્યા છે.
– ડૉ. ભરત સોલંકી
મો. 99792 28667