સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/નાટ્યપ્રકાશ

From Ekatra Wiki
Revision as of 03:02, 29 March 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નાટ્યપ્રકાશ[1]

નાટકોની ઉત્પત્તિ શી રીતે થઈ તથા નાટકની રચના કેવી રીતે થાય છે એ આદિ વિષષનું જ્ઞાન રા. રા. રણછોડભાઈ ઉદયરામને પોતાના ગ્રંથો યોજવાના દીર્ઘ પરિચયથી સારુ થયેલું છે, અને તેમનેજ હાથે આ ગ્રંથ લખાયો એ બહુ સારી વાર્તા છે. સંસ્કૃતમાં દશરૂપક નામનો ગ્રંથ છે અને ભરતમુનિનાં નાટ્યસૂત્રો પણ પ્રસિદ્ધ છે. આ સર્વેનો આધાર લઇને આ ગ્રંથ યોજ્યો છે. અને એમાં રા. રણછોડભાઇ સારો વિજય પામ્યા છે. પ્રસ્તાવનામાં ગ્રંથ કર્તાએ અંગ્રેજીમાં જેને “યુનિટિઝ” કહે છે તે નિયમની સારી ચર્ચા કરી છે, અને ત્યાં તેમણે સર વોલ્ટર સ્કોટના મતને અનુમોદન આપી શક્યતા ઉપર વધારે ભાર મુકી યુનિટિને વળગી રહેવાના બંધનને ઝાઝો આદર કર્યો નથી તે યોગ્ય છે. નાટક, કાવ્ય, કથા, સર્વમાં મુખ્ય વાત શક્યતા છે શક્યતા સાથે ઐચિત્ય પણ જોઇએ; પરંતુ આજ કાલના કેટલાક ટીકાકારો અમુક નાટકમાં અમુક યોજનાને ઠામે અમુક કેમ નથી કર્યું એવી જે ટીકા કરે છે તે સમજ્યા વિનાની છે. શક્યતા સચવાતી હોય, વિશ્વનિયમાનુસાર દેશ કાલ અને વસ્તુ વિન્યાસ યથાર્થ હોય, તથા જે મુખ્ય વાત આખા લેખમાં પ્રતિપાદન કરવાની છે તે પરત્વે તે તે ભાગનું ઔચિત્ય સચવાતું હોય તો અમુક યોજના કેમ કરી ને અમુક ન કરી એ કહેવું આ ટીકાકારોનું કામ નથી. યુનિટિના બંધનથી નાટક લખવામાં ઘણોજ સંકોચ થઈ આવે છે, અને સારા લેખકો શેક્સપીઅર પર્યંતના પણ, સર્વદા તેને વળગી રહેતા નથી. થોડાં વર્ષપર ફ્રાન્સમાં એ પવન બહુ ફેલાયો હતો. પરંતુ ધીમે ધીમે સર્વત્ર શક્યતા અને ઔચિત્યના ધોરણને સ્વીકારવામાં આવ્યું છે.

યુનિટિના નિયમથી તો આપણું એક પણ નાટક ભાગ્યેજ અદોષ ગણાશે; પરંતુ શક્યતા અને ઔચિત્ય પરત્વે તેને ઉત્તમ પંક્તિ મળી શકશે. નહિ કે આપણાં નાટકોને ઉત્તમ પંક્તિ આપવા માટેજ યુનિટિના નિયમનો અનાદર કરવો, પણ નાટકોને રંગભૂમિ ઉપર નવીન પદ્ધતિથી ભજવી બતાવવાની કૃત્રિમ યોજનામાંથી એ નિયમ ઉદ્‌ભવે છે, માટે અકૃત્રિમ કવિ પ્રતિભાના પ્રવાહને કૃત્રિમ બંધન ન લગાડવાના ઉદ્દેશથી તેનો અનાદર અવશ્ય પ્રાપ્ત થાય છે.

રા. રણછોડભાઇએ યોજેલી પ્રસ્તાવનાનો વિષય સર્વે લેખકોને વાચવા યોગ્ય છે, એમાં એમણે ઘણો શોધ કરી ઉત્તમ બોધ સંગ્રહ્યો છે. ગ્રંથની રચના તથા શૈલિ પણ સૃશ્ષ્ટિ અને સુંદર છે. પ્રાચીન સંસ્કૃત શ્લોકનાં ઉદાહરણોના જે મનહર છંદ આદિ કરવાની તેમની પદ્ધતિ છે તે જોઇએ તેવી રસાવહ નથી, એ વાત એમના જેવા રસિક લેખક સહજ માન્ય કરશે. “તલબદી ગૂજરાતી” ના પ્રયોગમાત્રથી તળબદા શબ્દો વાપરવાથી, રસ, તત્ત્વ, શાસ્ત્ર, ઇત્યાદિ વિદ્યામાત્રને બાલવૃદ્ધ પર્યંત વાચતા સાથે સમજાઇ જાય તેવી કરી નાખવાનો મંત્ર જાણનાર મહા પંડિતો આવો આગ્રહ ધરે તો તે ઠીક છે; રસજ્ઞ, મર્મજ્ઞ, તત્ત્વજ્ઞ, કવિઓએ પંડિતોએ, આ વિષયમાં અવશ્ય વિવેક કરવો જોઈએ;

યદ્યપિ નાટક એટલે ભજવી બતાવવું, રૂપક એટલે રૂપણ, આ અર્થને વળગી રહીને રા. રણછોડભાઇએ ગ્રંથ વિસ્તાર્યો છે તે યોગ્ય છે, તથાપિ નાટકના વસ્તુ ઉપર દૃષ્ટિ કરતાં તેનું મુલ બીજ જે રસ છે, તેનું પણ કાંઇક વિવેચન કરવું હતું રૂપણમાં પણ રસોત્પત્તિ, સ્થાયિભાવ જમાવવો, વ્યભિચારી આદિથી પુષ્ટ કરવો, એ મુખ્ય હેતુ છે. રૂપણ પોતે તો અનુભાવનો એક વિભાગ ગણી શકાય તેમ છે. એટલે કાવ્યમાત્રમાં તેમ દૃશ્ય કાવ્ય-નાટકમાં મુખ્ય નિદાન તો રસજ છે, ને તેનો વિવેક ગ્રંથમાં જણાતો નથી, જેથી ગ્રંથની પૂર્ણતામાં કાંઇક ન્યુન પડે છે. રસ શું? મુખ્ય રસ કોણ? રસનો અંગાંગિભાવ કેવો છે? ઇત્યાદિનો વિવેક નાટકના વિભાગ સમજનારને અતીવ આવશ્યક છે, અમને એમ લાગે છે કે રા. રણછોડભાઇ રસ સંબંધે જુદો ગ્રંથ લખે છે તેથી તેમણે આ લેખમાં તે વિષયની ઉપેક્ષા કરી હશે.


  1. રચનાર રા. રા. રણછોડભાઇ ઉદયરામ, મુંબઇ, નિર્ણસાગર પ્રેસ. મુલ્ય રૂ. ૧–૮–૦