સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – મણિલાલ દ્વિવેદી/અમરુશતક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અમરૂશતક[1]

અમરુકવિની કીર્તિ સંસ્કૃત સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. તેના રચેલા બીજા કોઇ ગ્રંથો જાણવામાં આવ્યા નથી, પરંતુ આ એક શતકથીજ સંસ્કૃતમાં સાહિત્ય સંબંધી ગ્રંથો રચનાર પંડિતોને એટલી બધી સરલતા ઉદાહરણાદિ પરત્વે થયેલી છે કે એ ગ્રંથ તેના સ્વાભાવિક રસોલ્લાસને લેઇને પ્રસિદ્ધ છતાં વધારે પ્રસિદ્ધિ પામેલો છે. અમરુકવિની ભાષા પ્રસાદવાળી છે, અને માધુર્ય યદ્યપિ જયદેવ કે જગન્નાથ જેવું નથી તથાપિ પ્રતિભા વધારે ઉન્નત અને અર્થગાંભીર્યવાળી છે. સુરેખ ચિત્ર ઉપજાવવાની શક્તિ અંગરેજ કવિ બ્રાઉનિંગનું સ્મરણ કરાવે છે. આવી શૃંગાર ચિત્રમાલા સંસ્કૃત સાહિત્યમાં પ્રથમ પદવી પામે એમાં કાંઇ આશ્ચર્ય નથી. આ શતકમાંના કેટલાક શ્લોકો તો સહૃદય રસિક વર્ગને મર્મોદ્‌બોધક, દ્રાવક, રસમય, જણાયા વિના રહે તેવા નથી. જુઓ શ્લોક ૧૩–૨૨–૨૬–૨૭–૪૫–૫૨–૫૯–૬૬–૮૦–૮૨–૮૮–૯૦–૯૫–૯૭–૧૦૨–૧૦૩ ઇત્યાદિ.

અર્પી આધિ વડીલને દીધ સગાંને ઓઘ આંસુ તણા,
દૈન્યે આપિયું દાસીને, સ્વ સખીને સંતાપ સોંપ્યો મહા;
છે શ્વાસેજ પીડાય, તેય તજશે એ આજ કાલે હહા!!
ચિંતા નાથ! નથી હવે વિરહની વીતી રહી છે વ્યથા! ૯૭

આમાં ‘ચિંતા નાથ! નથી હવે વિરહની વીતી રહી છે વ્યથા’ એ નાયિકોક્તિ કેવી હૃદયદારક, પ્રેમમય, અરે! “નાથ!” એવા ક્રુર સંબોધનથી પોતાની વ્યથા ન જાણનાર પ્રેમીને કેવો માર્મિક ઉપાલંભ આપવાની યુક્તિ રસિક ભાષાન્તરકારે પણ, એટલું સંબોધન ઉમેરીને, સાધી છે.

આવી આવી પરોઢિયે દૂર કર્યું દૃષ્ટિ તણું ઘેન, ને,
ભેળો ભાર હરી કરી જ હળવી; શું શું ન કીધું તમે?
હાવાં મંદ દશા વિષે નથી મને મૃત્યુની ભીતિ સુખે,
થાશે સદ્ય ઉઠો પિયુજી! દિલ હા! દુખાય બેઠાં દુઃખે ૫૯

શોકને આધીન થઇ ગયેલા પોતાના પ્રિયતમને, પોતાને માંદી જાણી જોવા આવ્યાને મિષે કેવો પ્રણયકોપ ઇર્ષ્યા ગર્ભિત પ્રેમાલાપમાં બતાવી દીધો છે! એજ પ્રકારનો અપર ઉપાલંભ જુઓ.

જરાએ ના જુદું તન અમ હતું આ પ્રથમ હા!
પછી તું પિયુને થઇ હું હીણભાગી પ્રિયતમા!!
તમે હાવાં સ્વામી!!! હું પણ તમ ભાર્યાજ!!! અથવા,
ઉર આ ગોઝારું કઠણ થયું, તેનુંજ ફળ આ. ૮૦

આવાં અનેક ઉદાહરણમાંથી થોડાંક જોતાં પણ કવિની રસિકતા સહજે પ્રતીત થાય છે. આવું શૃંગારના મુકુટમણિરૂપ ઉત્તમ શતક તેનું ભાષાન્તર રા. રા. કેશવલાલ જેવા સંસ્કૃતનું ઉત્તમ જ્ઞાન ધરાવનારા અને કાવ્યચમત્કાર સમજવા ઉપજાવવાની ઉત્તમ રસિકતા વાળા સાક્ષરને હાથે થયેલું જોઇ અમને પરમ સંતોષ થાય છે. એમનામાં સર્વે કરતાં શોધક-બુદ્ધિ બહુ તીવ્ર છે, અને કાર્ય કરવામાં યાથાર્થ્ય સાધવા માટે જોઇએ તેટલી ધીરતાને એમના હૃદયનો રસપ્રવાહ ચલાવી શકતો નથી એ વધારે સારૂં છે. આમ હોવાથી ‘વિના પૂર્વકવિકે હૃદયસે હૃદય મિલાએ અનુવાદ કરના શુદ્ધ ઝખમારનાહી નહીં, કવિકા લોકાંતર સ્થિત આત્માકો નરક કષ્ટદેનાહૈ’ એવી ભારતેન્દુ શ્રી હરીશ્ચંદ્રની ઉક્તિને પોતાના સૂત્રરૂપે લેઇ, રા. જવેરીલાલથી માંડી આજ પર્યંતના ભાષાન્તરકારમાત્રની પરિગણના કરતાં, તેમણે “કવિનો અંતર્ગત અભિપ્રાય પ્રકટ" કરવાની પ્રતિજ્ઞા કરી છે તે ઠીક છે. ભાષાન્તર કરવાની બે શૈલીઓ છે એક અક્ષરઃ ભાષાન્તર કરવું અને બીજું અભિપ્રાયનો બોધ થાય તેવું ભાષાન્તર કરવું. અક્ષરાર્થ રૂપ ભાષાન્તર ન્યાય, વયકરણ, તત્ત્વજ્ઞાન, આદિના ગ્રંથોમાં પ્રાધાન્ય પામે છે. સાભિપ્રાય ભાષાન્તર કાવ્યાદિમાં પ્રાધાન્ય ભોગવે છે—જો કે ભાષાન્તર માત્રમાં ઉભયનું મિશ્રણ તો થાયજ છે. આજ પર્યંત થયેલાં ભાષાન્તરો કીયા કીયા નિર્ણય ઉપર રચાયાં છે એ રા. કેશવલાલે ઉત્થાપેલી ચર્ચામાં ઉતરવાથી વિષયાન્તર થાય, એટલે અપ્રત એટલુંજ કહેવું ઉચિત છે કે રા. કેશવલાલે સાભિપ્રાય ભાષાન્તરની પદ્ધતિને અનુસરી આ ભાષાન્તર રચ્યું છે તેમાં તે સંપૂર્ણ વિજય પામ્યા છે મૂલ સંસ્કૃતના પાઠમાં ઘણે ઠામે અશુદ્ધતા હશે એમ રા. કેશવલાલના લેખમાંથી સમજાય છે, અને તેમણે શોધક બુદ્ધિથી જે જે સ્થાને સુધારા શોધી લીધા છે, કે પોતાની રસિકતાને આધારે યોજ્યા છે, તે સર્વથા ઔચિત્યાનુસાર છે એમ અમારૂં માનવું છે. મુદ્રારાક્ષસનું ભાષાન્તર પણ એજ વિદ્વાને કરેલું છે, ને તેમાં પણ તેમણે પાઠપરિકલ્પના સંબંધે તથા ભાષાન્તર સંબંધે આવાજ ધોરણથી કામ લેઇ સારો વિજય મેળવ્યો છે. ભાષાન્તર આવું સર્વથા સફલ છે તથાપિ આપણી ભાષામાં ભાષાની અપૂર્ણતાને લીધે મૂલની પૂરે પૂરી ખુબી નથી આવતી એવા પણ કેટલાક પ્રસંગ નજરે પડે છે. શ્લોક ૧૧. ‘વિશ્રબ્ધં પરિચુંબ્ય’ એનું ભાષાન્તર ‘ચશ્ચશી ચૂમીને’ કરેલું છે, તે ઔચિત્ય વિનાનું લાગે છે, કેમકે મુગ્ધા ‘ચશ્ચશી’ ને ચૂમે એજ અસંભવ છે, ને મૂલનો અભિપ્રાયતો એકાન્ત મળવાથી મુગ્ધાએ “નિઃસાધ્વસ થઇ વિશ્વાસ પૂર્વક, ચુંબન કર્યું.” એટલોજ જણાય છે. શ્લોક ૧૬ ‘યદુચિતં ધૂર્તેનતરપ્રસ્તુતમ્‌’ તેનું ભાષાન્તર “પૂર્યાશઠેકોડ ત્યાં એમ કર્યુ છે ત્યાં કોડ પૂરવાનો અર્થ લાગતો નથી, પણ “ઓ સખિ! એણે પછી શું કર્યું તેનું મને ભાન નથી” એવો પ્રેમાતિશય બતાવવાનો ધ્વનિ સમજાય છે. શ્લોક ૩૭ માં ‘સ્પશં સમાતન્વતિ’ નું ભાષાન્તર “ભેટો થતાં” કર્યું છે તે યથાર્થ રીતે રસાવહ નથી, કેમકે સ્પર્શ થતાં થતાં ધીમે ધીમે માન “ગળવાનો” જે અર્થ તે એથી પ્રતીત થતો નથી. એજ રીતે શ્લોક ૯૭ માં ‘દુઃખ વિભક્તં તયા’ નું ભાષાન્તર વીતી રહી છે વ્યથા” એ પણ રસાવહ છતાં શિથિલ છે, “વ્યથા વ્હેચાઈ જવાથી બાકી નથી” એવો ધ્વનિ પ્રતીત નથી થતો. એજ રીતે શ્લોક ૪૩ માં “બુડી” એ પદનો પ્રયોગ એવે સ્થાને થયેલો છે કે જે રતિસુખ તેના ગાંભીર્યની પ્રતીતિ ઉપજતી નથી. શ્લોક ૬૮ માં ‘કથમપિ’ નું ભાષાન્તર “ક્યમે” એમ કર્યું તેતો ઠીક છે, પણ ટીકામાં લખ્યું છે કે રખેને એક શબ્દ વધારે પડે-ભારે પડે, ને પિયુ વચકાય એવો નાયિકાનો અંતર્ગત ભય લક્ષિત છે.” અમને એમ લાગે છે કે ક્યમે કરીને “જા” એવું વચન કાઢતાં નાયકાને ભયને લીધે ક્યમે તે શબ્દ કાઢવો પડ્યો એમ નથી, પણ અતિશય પ્રેમને લીધે તેવો શબ્દ “ક્યમે” કાઢ્યો એમ છે. નાયિકાનો જે આ સ્થાને કોપ છે તે માત્ર “ક્રીડાકોપ” છે બાકી પ્રેમમય હૃદયમાં વાસ્તવિક કોપનો અવકાશજ નથી. અને જ્યારે કોપનો અવકાશ નથી ત્યારે “રખેને વધારે પડશે” એવો વિવેક કરાવનાર ભયનો પણ અવકાશ ક્યાંથી હોય? અર્થાત્‌ “જાઓ” કહેવામાં જીવ પ્રવર્તેજ નહિ એવો પ્રેમ છતાં “જાઓ” કહ્યું તે માત્ર “ક્યમે” જેમ તેમ, એક કૃત્રિમ કોપથીજ, ને એવા ગૂઢપ્રેમભાવથી કે વાસ્તવિક રીતે આવું કહ્યા છતાં એ પ્રેમાર્દ્ર, પ્રેમબધ્ધ, નાયક, જનારો નથીજ, ઉલટો પ્રેમમાં વૃદ્ધિ કરનારો છે. એમ કહેવાથી જશેજ એવું જો હું જાણતી હોત; તો તો આવો “જાઓ” એવા શબ્દનો પ્રયોગજ ન કરત, એમ “ક્યમે” પદનો ધ્વનિ મૂલમાંથી કાઢવો જોઇએ. શ્લોક ૮ માં ‘ધૂર્તોઽપરાંચુબંતિ’ એનું ભાષાન્તર “રસિયો...ચૂમે” એમ કર્યું છે; અને ટીકામાં “નાયક દક્ષિણ છે” એમ લખી સરસ્વતી કંઠાભરણમાં શઠ માન્યો છે. એવી ફુટનોટ આપી છે. અમને તો આ સ્થલે એમ ભાસે છે કે સરસ્વતીકંઠાભરણકાર તેમ રા કેશવલાલ ઉભયનો તર્ક સારો નથી. અમરુ કવિએ ધૂતે પદ પોતાના શ્લોકમાંજ પ્રયોજેલું છે ને તે અનુસારેજ અર્થનું ઐચિત્ય ઘટે છે. પાછળથી આવી માત્ર ક્રીડાના “છળ” માટેજ, બે સાથે બેઠેલી પ્રિયામાંથી એકની આંખો દાબી દેવી, અને એ ન જાણે એવી ઇચ્છાથી બીજીને ચુંબન દેવું—એવું ગૂઢ વિપ્રિય કરવું એ દાક્ષિણ્ય ન કહેવાય, ચોખું ધૂર્તત્વજ કહેવાય. દક્ષિણ નાયકની બે નાયિકા એક કાલાવચ્છિન્ન એકજ સ્થાને નાયકની પાસે હોય એ એ સ્વભાવવિરુદ્ધ પણ છે ને કર્તાની રસજ્ઞતાને શોભતું નથી. દક્ષિણ નાયકનું દાક્ષિણ્ય નાયિકા માત્રને સરખો પ્રેમભાવ બતાવવામાં રહે છે. તે આવા છલ પ્રયોગમાં લેશ પણ સધાતું નથી, કેમકે એક નાયિકાને અંધ બનાવી બીજીને રમાડી છે, એટલે પણ ધૂર્તત્વજ ઉચિત છે. શ્લોક ૮૦ માં શૃંગાર સાથે કાંઇક શાન્ત રસનો પણ ભાસ પડે છે. સ્યાદ્વાનવા સંગમ એ ઉક્તિ જ અત્યંત પ્રેમમગ્ન હૃદયમાં અવકાશ પામતી નથી તો ક્ષેમેન્દ્ર કવિએ દોષ બતાવ્યો છે તેનો પરિહાર ભાષાન્તરકાર “કાવ્યના મર્મમાં ઉંડા ન ઉતર્યાનો અનિષ્ટ પરિણામ છે” એટલુંજ કહીને કરે છે તે અમને ઉચિત લાગતું નથી. ક્ષેમેન્દ્ર ‘ત્વત્સંગે કરોમિ જન્મમરણાચ્છેદં’ એવું લખ્યું છે તે આ પ્રસંગમાં અતિ ઉત્તમ છે. શ્લોક ૭૩ માં ‘કાલો યાતિ ચલંચ જીવીત મિતિ ક્ષુણ્ણ મનશ્ચિંતયા’ એ પણ જીવિતાદિના ચંચલત્વની ઉક્તિ છે છતાં શૃંગારવિરોધી નથી, પણ આ સ્થાને ‘સંસારે ઘટિકાપ્રણાલ વિગલતૂ’ ઇત્યાદિ ઉક્તિ શૃંગારમાં બહુજ વિરોધ કરે છે, ને નાયક નાયિકા ઉભયને લાગુ પડી સ્થાયીભાવને જામવાજ દેતી નથી. શ્લોક ૮૦ માં ‘મયાપ્તં પ્રાણાનાં કુલિશકઠીનાનાં ફલભિદમ્‌’ એ પદમાંના ‘પ્રાણાનાં’ નુ ભાષાન્તર “ઉરે” થી કર્યું છે, અને ઉર+એ એમ વિગ્રહ બતાવી ટીકા લખી કે “એ” એ અવ્યય પ્રિયતમની નિષ્ઠુરતાનો આક્ષેપ કરવા સાથે હૃદયની ગર્હામાં પરિણામે છે આવી યોજના અમને અનિષ્ટ લાગે છે. આખા શ્લોકનો ચમત્કાર પ્રિયતમની નિષ્ઠુરતા બતાવવામાં નહિ પણ તે નિષ્ઠુરતાનો નિષેધ કરવામાં રહેલો છે કઠિન એવા જે મારા પ્રાણ આવો દશાપરિણામ થયા છતાં જીવવાની લાલસાથી હજી ટકી રહ્યા છે એ તે પ્રાણનો દોષ છે એમ નાયિકાને કહેવાનો હેતુ છે. આવો ધ્વનિ છે એટલુંજ નહિ, પરંતુ ‘પ્રાણાનાં’ નું ભાષાન્તર “ઉર” શબ્દથી કર્યું છે તે સ્વીકારતાં પણ “એ” એવો અવ્યવ કાઢીને જે ટીકા યોજી છે તે અવ્યય મૂલમાં છે નહિ; આવી રીતે કહીં કહીં ભાષાના દોષને લીધે, કહીં કહીં મત ભેદને લીધે, ભાષાન્તરમાં ન્યૂનત્વ જેવું ભાસે છે, પરંતુ ભાષાન્તરકારની ઉચ્ચ રસજ્ઞતા એવી છે કે તેમના હૃદયનાં સંસ્કારથી ઘણેક ઠેકાણે મૂલમાં નહિ એવી ખુબીઓ પણ આવી ગઈ છેઃ— શ્લોક ૯૭ માં “નાથ” પદ ઉમેરવાથી જે સ્વારસ્ય ખીલ્યું છે તેતો અમે કહી ચુકયા છીએ શ્લોક ૨૬ માં છેલ્લા ચરણમાં એક “ખીલતા”, એ શબ્દ ઉમેરીને ભાષાન્તરકારે મૂલના રસને બહુજ દીપાવ્યો છે. શ્લોક ૫૦ માં ‘કરલતા’ “સંકેલી” એવું ‘શિથિલાક્ષિસૈકદોર્લેખા’ નું ભાષાન્તર કરીને કરલતાના માર્દવમાં ભાષાન્તરકારે અતિ ઉત્તમ માધુર્ય ઉમેર્યુ છે. શ્લોક ૬૬ માં “કંચુકી ઉરની પરંતુ કરૂં શું આ તૂટું તૂટું કરે” એમાં મૂલના ‘યાન્તિ’ પદથી બોધિત જે આરોપ તે સારી રીતે બહાર આણવા સારૂં તૂટું તૂટું” એમ ભાષાન્તરકારે જે પ્રયોજ્યું છે તેથી કંચુકીને ચૈતન્ય ધર્મ મળતાં તેનું તૂટવામાં સ્વાતંત્ર્ય, અને નાયિકાની નિરુપાયતા, એ સ્પષ્ટ થતાં રસ દ્વિગુણિત થાય છે, શ્લોક ૬૧ માં ન બોલુ ન બોલું તે” એ દ્વિરુક્તિ ભાષાન્તરકારે પોતાના તરફથીજ યોજી છે, ને તેથી મૂલના રસમાં ઘણી વૃદ્ધિ કરી છે. ભાષાન્તર બહુ ઉત્તમ છે. ભાષા શુદ્ધ સંસ્કારવાળી છે. હીસે, હીસંતી, હેજ ઈત્યાદિ અપ્રસિદ્ધ શબ્દોના પ્રયોગ, તેમજ પ્રાચીન શૃંગાર કાવ્યગત પ્રીતમજી, જીવણજી, લાલાજી, લાડલી, ઇત્યાદિ શબ્દોના વારંવાર પ્રયોગ, ન થયા હોત તો ઠીક હતું. અમરુશતક મૂલ સંસ્કૃતમાં પંડિત દુર્ગાપ્રસાદે કાવ્યમાલામાં ટીકા સાથે છપાવેલું છે. અમરુકવિ સંબંધે દુર્ગાપ્રસાદે ત્યાં વિચાર કરેલો છે, તેમાં રા. કેશવલાલે કેટલોક વધારો કર્યો છે. આ ગ્રંથ ઉપર ઘણી ટીકાઓ છે. અર્જાુનવર્મ, વેમભૂપાલ, રુદ્રમ દેવ, રવિચન્દ્ર, સૂર્યદાસ, શેષરામ, કૃષ્ણ, એમની કરેલી તથા એક નનામી મળી આઠ ટીકાઓ છે. અર્જાુનદેવની ટીકા દુર્ગાપ્રસાદે છપાવી છે, તેમાં આ શતકના પ્રત્યેક શ્લોક વિષે રસનાયિકા અલંકારાદિનો સારો વિવેક છે. ભાષાન્તરકારે આ ટીકા તથા વેમભૂપાલની ટીકા વિલોકી, તેમજ પોતાના વિસ્તીર્ણ જ્ઞાન પ્રદેશનો અનુભવ પણ તેમાં સંયોજી જે અતિ ઉત્તમ ટીકા પદ્યો સાથે જોડી છે તે બહુ બોધદાયક અને રસિક છે.

જુન—૧૮૯૨.


  1. મૂલ સંસ્કૃત ઉપરથી ભાષાન્તર કરનાર રા. રા. કેશવ હર્ષદ ધ્રુવ. બી. એ. યુનીઅન પ્રેસ. અમદાવાદ, કીંમત રૂ. ૦–૧૨–૦.