અનુક્રમ/ઓખાહરણ
પર કડવાંનું એક ‘ઓખાહરણ’ પ્રેમાનંદને નામે પ્રચલિત છે, પરંતુ પ્રેમાનંદનું શ્રદ્ધેય સર્જન તો ૨૮ કડવાંવાળી રચના લાગે છે. પ્રેમાનંદના આરંભકાળની આ કૃતિ મધ્યમ કોટિની રચના છે, એમાં મધ્યવર્તી રસરહસ્યનું બળ નથી અને પ્રેમાનંદનો સ્પર્શ અવારનવાર વરતાઈ આવતો. હોવા છતાં આદિથી અંત સુધી પ્રેમાનંદની છાપ પ્રતીત થતી નથી.
વસ્તુમાં પ્રેમાનંદના કોઈ નવીન ઉન્મેષ જણાતા નથી. એણે ઓખાની પૂર્વકથા, બાણાસુરના વાંઝિયાપણાની વાત પણ, ટાળી છે એ એક નોંધપાત્ર હકીકત છે. એથી અવાંતર કથારસ ઓછો થયો છે, તો બીજી બાજુથી વસ્તુની એકતા વધારે સધાઈ છે. વસ્તુનિરૂપણમાં સીધી લક્ષ્યગામી નિરંતરાય ગતિ એ, આ વિષયમાં અન્ય કવિઓનાં આખ્યાનો જોતાં, પ્રેમાનંદની લાક્ષણિકતા જણાય છે. ‘ત્રણ ઓખાહરણ’માં વિષ્ણુદાસને નામે છપાયેલા ‘ઓખાહરણ’માં કવિ ભાવનિરૂપણમાં પ્રેમાનંદ કરતાં કદાચ વધારે ચમત્કૃતિ બતાવે છે, પ્રસંગોને મલાવે પણ છે, પણ સામાજિક આચારવિચારોના પ્રસ્તારી કથનને કારણે એની કૃતિ ઘણી અસમતોલ થઈ ગઈ છે. પ્રેમાનંદમાં એકંદરે સમતોલતા જળવાઈ રહી છે. ઓખાનાં ભાવનિરૂપણો અને યુદ્ધવર્ણનોમાં પ્રસ્તાર છે ખરો પણ આખ્યાનના કાવ્યપ્રકારમાં ચાલે તેવો છે. પ્રસંગોના નિરૂપણમાં પ્રેમાનંદની લાક્ષણિક સૂઝ કેટલેક ઠેકાણે સરસ રીતે દેખાઈ આવે છે, દાખલા તરીકે ઓખા પાર્વતી પાસે ત્રણ વાર ‘સુંદર વર’ માગે છે. એનો પ્રેમાનંદે ઓખાનો અનિરુદ્ધ સાથે ત્રણ વાર સંયોગ થાય છે એ ઘટના સાથે મેળ બેસાડી દીધો છે – એમ કહીને કે પાર્વતીએ એને ‘ત્રણ વાર પરણજે’ એવું વરદાન આપેલું! સંયોગસ્વપ્નમાંથી ચિત્રલેખાના જગાડવાથી નહિ. પણ સ્વપ્નમાં અનિરુદ્ધ રિસાઈને ચાલ્યો જતાં ઓખાને જાગી જતી પ્રેમાનંદ વર્ણવે છે એ વધારે કાવ્યોચિત છે. જોકે કોઈક ઠેકાણે પ્રેમાનંદ પુરોગામીઓ આગળ પાછો પડતો હોય એવું પણ લાગે છે. ઓખાના માળિયામાં કોઈ પુરુષ છે એની ખબર નીચે પડેલા તાંબુલથી પડે છે એવું નાકર વર્ણવે છે એમાં સુરુચિ અને રસિકતા છે. પ્રેમાનંદ ઓખાના નારીરૂપ અને અધર પરના દંતક્ષતથી ખબર પડતી બતાવે છે એ યુક્તિ સ્થૂળ અને કદાચ અવાસ્તવિક છે.
‘ઓખાહરણ’ બહુ ધ્યાન ખેંચતી કૃતિ બનતી નથી એનું કારણ એ જણાય છે કે એમાંનું એકેય પાત્ર ઉત્કૃષ્ટ રેખાઓથી દોરાયેલું નથી. કથાનો મોટો ભાગ ઓખા રોકે છે, એના લગ્નૌત્સુક્યને, અનિરુદ્ધ પ્રત્યેના એના પ્રેમાવેગને અને એના શૃંગારને પ્રેમાનંદે ક્યાંકક્યાંક સરસ રીતે વાચા આપી છે; ગુજરાતી ગૃહિણીભાવ પણ એનામાં મૂક્યો છે. સાથેસાથે એનામાં કેટલાક ગ્રામ્યતાના અને સ્ત્રીચરિત્રના અંશો પણ નિરૂપાયા છે તથા એ જાણે પ્રણયિની હોવા સિવાય બીજું કશું નથી એમ લાગે છે. પ્રેમાનંદે એનામાં કશું વિશેષ પોતાપણું મૂક્યું નથી – જે ચિત્રલેખામાં મૂક્યું છે. ચિત્રલેખામાં ડહાપણ છે, કાર્યકુશળતા છે અને સહજ સખીભાવ છે.
અનિરુદ્ધ પણ જાણે ક્રિયા કરનાર નહિ પણ ક્રિયાનો ભોગ બનનાર પાત્ર છે. એથી એ લડે છે એ ઘટના ચમત્કારક લાગે છે અને આપણને પણ ઓખાની જેમ, ‘ચિત્રલેખાએ રત્ન જ આણ્યું’ એવો વિસ્મયનો ભાવ થાય છે. પાછળથી એનામાં પ્રેમાનંદે થોડી મિથ્યાભિમાનિતા અને નફટાઈ પણ મૂકી છે. એ રીતે અનિરુદ્ધની ચરિત્રરેખામાં સાતત્ય નથી.
રસનિરૂપણમાં પણ પ્રેમાનંદની સિદ્ધિ અહીં દેખાતી નથી. વિનોદની લહર અવારનવાર ફરકે છે. કરુણ નથી. શૃંગારમાં કેટલીક વાર કામચેષ્ટાઓનું નિરૂપણ જ થયું છે. ઓખાના વિરહભાવના આલેખનમાં સ્ત્રીસહજ માર્દવ નથી. આ કાવ્યમાં પ્રેમાનંદની કંઈ પણ રસસિદ્ધિ હોય તો તે વીરમાં છે. એ વીરનું અવલંબન ક્વચિત્ અનિરુદ્ધને બનાવ્યો છે પણ સામાન્ય રીતે એનું અવલંબન યુદ્ધ છે અને એમાં અદ્ભુત ભયાનક અને બીભત્સ મિશ્રિત છે. યુદ્ધવર્ણનમાં પ્રેમાનંદની લાક્ષણિક વર્ણનછટા દેખાય છે. શબ્દઘોષથી એ વાતાવરણ ખડું કરે છે અને શોણિતસરિતા જેવા રૂપકથી આપણી આંખ સમક્ષ ચિત્ર આંકી બતાવે છે. યુદ્ધવર્ણન કૃત્રિમ પણ જાજ્વલ્યમાન છે.
એમ લાગે છે કે પ્રેમાનંદની કળાશક્તિનું અહીં સુગ્રથન થયું નથી.
[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ બીજો, ૧૯૭૫માંથી સંવર્ધિત