zoom in zoom out toggle zoom 

< અનુક્રમ

અનુક્રમ/રણયજ્ઞ

From Ekatra Wiki
Revision as of 20:40, 29 March 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| રણયજ્ઞ | }} {{Poem2Open}} ૨૬ કડવાંનું ‘રણયજ્ઞ’ આમ તો પ્રેમાનંદના પરિપાકકાળની કૃતિ છે, છતાં ઊતરતી મધ્યમ કક્ષાની બની રહી છે. એમાં પ્રેમાનંદના મૌલિક ઉન્મેષો ખૂબ ઓછા દેખાય છે : મંદોદરીન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


રણયજ્ઞ

૨૬ કડવાંનું ‘રણયજ્ઞ’ આમ તો પ્રેમાનંદના પરિપાકકાળની કૃતિ છે, છતાં ઊતરતી મધ્યમ કક્ષાની બની રહી છે. એમાં પ્રેમાનંદના મૌલિક ઉન્મેષો ખૂબ ઓછા દેખાય છે : મંદોદરીના સતીત્વની આણ રામનું બાણ સ્વીકારે છે એવો પ્રસંગ પ્રેમાનંદ યોજે છે, કુંભકર્ણને જગાડવાનો ઉપાય રાવણને બદલે કુંભકર્ણની પત્ની બતાવે એવું વધારે ઔચિત્યભર્યું નિરૂપણ કરે છે. કુંભકર્ણના પ્રશ્નના જવાબમાં રાવણ પાસે જ્ઞાનવિચાર કરાવે છે વગેરે આનાં ઉદાહરણો છે. બીજી બાજુથી, રામાયણના પ્રસંગવર્ણનોને ટૂંકા પટમાં ગોઠવવા જતાં ગૂંચો ઊભી થઈ છે. રાવણ અભંગરથ લઈને યુદ્ધે ચડે છે અને પછી એ રથ આપનાર નિકુંભનાની પૂજાની વાત આવે છે, યુદ્ધમેદાન પર રાવણ, ઇન્દ્રજિત આદિના આવનજાવનની વીગતો ગરબડભરી છે — કોણ ક્યારે આવ્યું અને ગયું તે સ્પષ્ટ થતું નથી. આના કરતાં વિજયો ‘રણજંગ’માં વસ્તુપ્રવાહની સુરેખતા સારી સિદ્ધ કરી શક્યો છે. યુદ્ધવર્ણનોનો ભાર આ કૃતિમાં ઘણો છે અને એની એકવિધતા કંટાળાજનક નીવડે છે. સરદારોની ઓળખપરેડ જેવાં કડવાં પણ અહીં વારંવાર આવે છે.

રામ, રાવણ, કુંભકર્ણ, મંદોદરી વગેરેના વ્યક્તિત્વનિરૂપણના કેટલાક અંશો હૃદ્ય છે : કુંભકર્ણના ભક્તમાનસ અને બંધુપ્રેમનું સૂચન-નિરૂપણ એનું માનવીય વ્યક્તિત્વ રસિક રીતે ખડું કરે છે અને મંદોદરીમાં રામભક્ત પવિત્ર ક્ષત્રિયાણી અને કુટુંબિની સ્ત્રીની આદરપ્રેરક મનોરમ મૂર્તિ સર્જાઈ છે. પણ પાત્રનિરૂપણમાં દેખાતા પરસ્પરવિરોધનો મેળ બેસાડવો મુશ્કેલ પડે છે. રામનું બાણ મંદોદરીની આમન્યા રાખે છે, પણ વાનરો મંદોદરી પર ત્રાસ વર્તાવી શકે છે. અવતારી પુરુષ રામ બંધુપ્રેમની લાગણીથી ભીંજાય એમાં વાંધો નથી, પણ વારેવારે નિરાશા અને નિર્બળતાના ઉદ્‌ગારો કાઢે એ યોગ્ય લાગતું નથી. રાવણ સીતાને કામવૃત્તિથી જ ઉપાડી લાવ્યો છે, છતાં એનામાં એને પોતાની માતા દેખાય છે એટલે એ એના પર કશું કરી શકતો નથી એવો ખુલાસો એ એક વખત કરે છે. તો બીજી વખત ભોગવિલાસને માટે નહિ પણ પરિબ્રહ્મ રામને હાથે મૃત્યુ મેળવવા પોતે આ કામ કર્યું છે એવો જ્ઞાનવિચાર પણ કરે છે; ભક્તિગાનથી જાગતો કુંભકર્ણ જાગીને વાત તો ભોજનની જ કરે છે! પ્રાકૃત અને દૈવી અંશોની અહીં અજબ સેળભેળ થઈ છે.

કુંભકર્ણના દેહાદિ અને વાનરોની ચેષ્ટાને અવલંબીને થયેલું હાસ્યનિરૂપણ સ્થૂળ કોટિનું છે. વીર, મુનશી કહે છે તેમ, અતિશયતાથી ભરેલે અને તકલાદી છે, એમાં ‘કાન્હડદે પ્રબંધ’ના જેવો મહાકાવ્યોચિત રોમાંચ નથી.૧ કરુણનાં થોડાં ચિત્રો હૃદયસ્પર્શી છે મંદોદરીને થતું અમંગલ ભાવિનું દર્શન, એને લાગતો ઇન્દ્રજિતના મૃત્યુનો આઘાત, લક્ષ્મણની મૂર્છા વખતના રામના વિલાપો આનાં ઉદાહરણો છે.

યુદ્ધવર્ણનોમાં ઝડઝમકયુક્ત અને રવાનુકારી ક્રિયાપદોના ઉપયોગથી વાતાવરણ સર્જવાનો પ્રયત્ન થોડોક નોંધપાત્ર છે. કેટલાક અલંકારો અસરકારક છે પણ ‘રામાયણ’માંથી જ મળેલા છે. ‘વાંકું’ શબ્દને એની વિવિધ તળપદી અર્થછાયાઓમાં પ્રયોજી પ્રેમાનંદ ચમત્કારક અભિવ્યક્તિ સિદ્ધ કરે છે અને બીજા પણ કેટલાક તળપદા પ્રયોગો ધ્યાન ખેંચે છે. છતાં પ્રેમાનંદની વાક્શક્તિનો અહીં ગહનતાથી, સાતત્યથી વિનિયોગ થયો નથી.

એમ લાગે છે કે યુદ્ધપ્રસંગ એ પ્રેમાનંદની પ્રતિભાને અનુકૂળ કાવ્યવિષય નથી.

પાદટીપ

૧. ‘ગુજરાત એન્ડ, ઇટ્‌સ લિટરેચર’, પૃ. ૨૪૭

[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ બીજો, ૧૯૭૫માંથી સંવર્ધિત]