અનુક્રમ/ચંદ્રહાસાખ્યાન
૨૮ કડવાંની પ્રેમાનંદની આરંભકાળની આ કૃતિમાં કાચી હથોટીનાં દર્શન થાય છે. વસ્તુબંધ થોડો ક્લિષ્ટ છે અને નામ અને પદની થોડી ગૂંચ પણ રહી ગઈ છે. ધૃષ્ટબુદ્ધિ પ્રધાન છે કે પુરોહિત તેની સ્પષ્ટતા નથી અને કુલિંદને કૌંતલ દેશનો રાજા કહી ગોટાળો કર્યો છે. (હકીકતમાં એ ચંદનાવતીનો રાજા અને કૌંતલપુરના રાજાનો ખંડિયો છે.) કોઈ પાત્રમાં પ્રભાવકતા નથી. ચન્દ્રહાસનો પાલક પિતા કુલિંદ તેજહીણો છે, માતા મેધાવતી પુત્રના સંસારસુખની ચિંતા કરતી સામાન્ય ગુજરાતી નારી છે, ચન્દ્રહાસમાં થોડી વેવલાઈ છે, ધૃષ્ટબુદ્ધિ દુષ્ટબુદ્ધિ જ છે અને એનું કેટલુંક વર્તન ઔચિત્યહીણું અને પ્રાકૃત છે. મદનની ભાવનામયતા આપણને સ્પર્શી જાય છે, ગાલવનું સ્વાભિમાન અને બ્રહ્મતેજ આકર્ષક લાગે છે અને વિષયાની ઉજ્જ્વળ કોમળ પ્રેમવૃત્તિ આસ્વાદ્ય રૂપે અભિવ્યક્ત થઈ છે.
પ્રસંગોમાં અદ્ભુતની, ભાવાલેખનમાં કરુણની અને શૃંગારની, તાત્પર્યની દૃષ્ટિએ ભક્તિની આ કાવ્યમાં છાંટ હોવા છતાં રસજમાવટ પ્રેમાનંદ કરી શક્યો નથી. પુરોગામીઓએ ઝડપેલી કેટલીક તકો પણ પ્રેમાનંદના હાથમાંથી છટકી ગઈ છે. જેમ કે, બાળ ચંદ્રહાસને મળેલાં અન્ય સ્ત્રીઓનાં લાડકોડ અને એની શાલિગ્રામપ્રીતિને નાકરે સુંદર રીતે અભિવ્યક્ત કર્યાં છે. પ્રેમાનંદે એ તક લીધી નથી. આ સિવાય મૂળ ‘જૈમિનીય અશ્વમેધ’માં ધાત્રીની ચંદ્રહાસના ભાવિ માટેની ચિંતા અને ચંદ્રાહાસના દિગ્વિજય પછીના સ્વાગતના પ્રસંગ જેવાં કેટલાંક હૃદ્ય નિરૂપણો છે, જેનો લાભ પ્રેમાનંદ લઈ શક્યો નથી.
પ્રેમાનંદની પ્રસન્ન અભિવ્યક્તિકળા બે પ્રસંગે દેખાય છે – એક, વિષયા ચંદ્રહાસને જુએ છે અને એની પાસે જાય છે એ પ્રસંગના નિરૂપણમાં અને બીજું, આખ્યાનને અંતે ચંદ્રહાસ અને કૃષ્ણ ભગવાનના મિલનપ્રસંગના નિરૂપણમાં. પહેલો પ્રસંગ એમાંની કૌશલયુક્ત ઘટનાપ્રપંચ અને વિષયાના મુગ્ધ, આતુર મનના ઝીણવટભર્યા કલાત્મક આવિષ્કારથી મનોરમ બની રહે છે, તો બીજા પ્રસંગમાં ભક્તભગવાનના પરસ્પરના આર્દ્ર પ્રેમભાવની હૃદયંગમ અભિવ્યક્તિ છે.
પરમેશ્વરને પાગ્ય પડતો (હરિયે) હાથ ગ્રહી બેઠો કીધો,
‘આવો વ્હાલા’ કહી કૃષ્ણે હૃદયા સાથે લીધો.
ખભે હાથ મૂકી હરિ કહે છે : ‘સાંભળો મુજ વચન,
હું સવ્યસાચી સાથે આવ્યા, કરવા તમારું દર્શન.’
ભારે વાક્ય ભગવાનજીનું, ભક્ત વળતો રાય,
આંખનાં આંસુ અવિનાશી, પટકુળ પોતાને લોહ્ય.
પ્રસંગયોજના, વર્ણન, ભાવનિરૂપણ, અભિવ્યક્તિકળા વગેરેમાં પ્રેમાનંદની છાપ ક્યાંક ક્યાંક ઊપસી છે, છતાં આ આખ્યાન પ્રેમાનંદની અનન્ય કવિપ્રતિભાનું દર્શન નથી કરાવતું.
[ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ બીજો, ૧૯૭૫માંથી સંવર્ધિત]