< અનુક્રમ
અનુક્રમ/સુદામાની કથા : મૂળ અને વિકાસ
સુદામાની કથા આપણા કવિઓને હાથે ઠીકઠીક લાડ પામી છે અને એમાં પ્રેમાનંદનો પ્રયત્ન સર્વોપરી છે. આ કથાનાં મૂળ ભગવદ્લીલા ગાતા ‘શ્રીમદ્ભાગવતપુરાણ’ (અધ્યાય ૮૦–૮૧)માં છે. ત્યાં આ કથા આ રીતે કહેવાયેલી છે :
‘ભાગવત’ : ભગવાનની ભક્તાધીનતાની કથા
કૃષ્ણનો ઉત્તમ બ્રહ્મવિદ્, જિતેન્દ્રિય અને વિરક્ત વૃત્તિવાળો એક બ્રાહ્મણ મિત્ર હતો. ગૃહસ્થાશ્રમી એ બ્રાહ્મણ જે આવી મળે તેનાથી પોતાનો નિર્વાહ ચલાવતો હતો. ફાટ્યાંતૂટયાં વસ્ત્રો પહેરનાર એ બ્રાહ્મણની પત્ની પણ તેવી જ તથા ક્ષુધાથી કૃશ થઈ ગયેલી હતી. તે પતિવ્રતા સ્ત્રીએ એક વખત દુઃખપૂર્વક, ધ્રૂજતાંધ્રૂજતાં અને મ્લાન વદનથી પતિને કહ્યું, “બ્રહ્મન! આપના સખા શ્રીકૃષ્ણ બ્રાહ્મણો પ્રત્યે પ્રીતિ રાખનારા અને શરણે આવેલાને આશ્રય આપનારા છે. આપ તેમની પાસે જાઓ. તેઓ તમને ખૂબ ધન આપશે. એમના ચરણકમળનું સ્મરણ કરનારને પણ એ પોતાની જાત અર્પી દે છે તો એમના ભક્તને અતિતુચ્છ અર્થ અને કામ આપે એમાં શી નવાઈ?”
પત્નીએ વારંવાર કોમળતાથી આવી પ્રાર્થના કરી તેથી “પરમપવિત્ર શ્રીકૃષ્ણનાં દર્શન થશે એ જ મોટો લાભ” એવું વિચારીને તે બ્રાહ્મણે જવાનું નક્કી કર્યું અને પત્નીને કહ્યું, “કલ્યાણી! ભેટ આપવા જેવું કંઈ ઘરમાં હોય તો આપો.” બ્રાહ્મણોને ત્યાંથી ચાર મૂઠી પૌંઆ માગી લાવીને, કપડામાં બાંધીને, પત્નીએ પતિને આપ્યા. “શ્રીકૃષ્ણનું દર્શન મને કેમ કરીને થશે?” એમ વિચારતો તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પૌંઆ લઈને દ્વારિકા તરફ ચાલ્યો.
ત્રણ છાવણીઓ અને ત્રણ કોટ વટાવીને તે બ્રાહ્મણ કૃષ્ણની સોળહજાર રાણીઓમાંથી એકના ગૃહ આગળ પહોંચ્યો. તેને દૂરથી જ જોઈને પ્રિયાના પલંગ ઉપર બેઠેલા શ્રીકૃષ્ણ એકદમ ઊઠ્યા અને તેની પાસે જઈ બે હાથથી આનંદપૂર્વક તેને ભેટી પડ્યા. પ્રિય મિત્રના અંગસંયોગથી અત્યંત સુખ અનુભવતા કૃષ્ણની આંખમાંથી પ્રસન્નતાનાં આંસુ સરી પડ્યાં. મિત્રને પલંગ ઉપર બેસાડીને જાતે પૂજાસામગ્રી લાવ્યા, એમના પગ ધોયા, અને એનું પાણી લોકોને પવિત્ર કરનાર એ ભગવાને પોતાના મસ્તક પર ધર્યું. મિત્રને દિવ્ય ગંધો, ચંદન આદિનો લેપ કરી આનંદપૂર્વક એની આરતી ઉતારી. દેવીએ દેખાતી નસોવાળા, ફાટ્યાંતૂટ્યાં કપડાંવાળા, મેલાઘેલા, દુર્બળ દ્વિજને ચામર ઢોળ્યો.
કૃષ્ણે અત્યંત પ્રીતિથી પૂજેલા આ અવધૂતને જોઈ અંતઃપુરનાં લોકો વિસ્મય પામ્યાં : “લોકોમાં નિંદ્ય અધમ એવા આ ભિક્ષુક અવધૂતે શું પુણ્ય કર્યું હશે કે ત્રિલોકગુરુએ એનો સત્કાર કર્યો અને પલંગ પર બેઠેલી લક્ષ્મીને છોડીને એ જાણે મોટાભાઈ હોય એ રીતે એને ભેટી પડ્યા?”
બન્ને મિત્રો એકબીજાના હાથ પકડીને પોતે ગુરુકુળમાં હતા ત્યારની સુંદર વાતો કરવા લાગ્યા : “બ્રહ્મન્! ધર્મજ્ઞ! ગુરુકુળમાંથી આવીને તમે યોગ્ય પત્ની પરણ્યા કે નહિ? હું જાણું છું કે સ્ત્રીમાં તમારા ચિત્તને લાલસા નથી તેમ ધનની પણ તમને પ્રીતિ નથી. છતાં જેમ હું લોકસંગ્રહાર્થે કર્મો કરું છું તેમ કેટલાક લોકો નિષ્કામભાવે કર્મો કરે છે. આપણે ગુરુકુળમાં રહેતા હતા એ કંઈ તમને સાંભરે છે? હું યજ્ઞયાગથી, તપથી, વૈરાગ્યથી એટલો સંતુષ્ટ નથી થતો જેટલો ગુરુશુશ્રૂષાથી થાઉં છું. ગુરુને ત્યાં વસતાં શું બનેલું તે, બ્રહ્મન્! તમને યાદ છે? ગુરુપત્નીએ એક વખત આપણને લાકડાં લેવા મોકલ્યા હતા. મહારણ્યમાં પ્રવેશતાં જ, કમોસમી પવન ફૂંકાયો અને ભારે વરસાદ પડ્યો. સૂર્ય અસ્ત પામી ગયો. દિશાઓ અંધકારમય બની ગઈ. પાણીમાં ઢંકાયેલા ખાડાટેકરાનો ખ્યાલ આવતો ન હતો. દિશાના કંઈ ભાન વિના આપણે એકબીજાના હાથ પકડીને આતુરતાપૂર્વક અથડાવા લાગ્યા. સૂર્ય ઊગતાં સાંદીપનિ ગુરુ આપણને શોધતાશોધતા આવી પહોંચ્યા. તેમણે કહ્યું : ‘અરે પુત્રકો! પ્રાણીઓને જે સર્વથી પ્રિય છે તે આત્માનો અનાદર કરીને તમે મારી ખાતર અતિ દુઃખ પામ્યા. સારા શિષ્યોનું ગુરુ પ્રત્યેનું કર્તવ્ય આ જ છે કે ગુરુને અર્થે વિશુદ્ધ ભાવથી પોતાની જાત અર્પવી. હે દ્વિજશ્રેષ્ઠો! તમારા મનોરથો સિદ્ધ થજો.’ આવા તો અનેક પ્રસંગો બન્યા હતા.”
બ્રાહ્મણ બોલ્યો, “હે દેવદેવ! જગદ્ગુરુ! સત્યકામ આપ અમારી સાથે ગુરુના ગૃહે રહ્યા પછી અમારું જીવન સાર્થક થવામાં શું બાકી રહ્યું? હે વિભુ! જેનો દેહ વેદમય અને કલ્યાણરૂપ છે એ ગુરુને ત્યાં વસે એ જ એક મોટી વિડમ્બના છે.”
એ શ્રેષ્ઠ બ્રાહ્મણની સાથે આ પ્રમાણે વાત કરતાંકરતાં સર્વ પ્રાણીઓનાં મન જાણનાર શ્રીહરિએ સ્મિતપૂર્વક તેને કહ્યું, “આપ ઘરેથી મારે માટે શી ભેટ લાવ્યા છો? ભક્તો પ્રેમપૂર્વક સ્વલ્પ ભેટ લાવે તે પણ મારે મન ઘણી છે; અભક્ત ઘણુંબધું લાવે તેનાથી મને સંતોષ થતો નથી.” શ્રીકૃષ્ણે આમ કહ્યાથી બ્રાહ્મણ શરમાઈને નીચું જોઈ ગયો અને તેણે કૃષ્ણને પૌંઆ આપ્યા નહિ. સર્વ પ્રાણીઓના આત્માને જોઈ શકનાર શ્રીકૃષ્ણે તેના આગમનનું કારણ જાણી લીધું, અને વિચાર્યું કે “આ કંઈ લક્ષ્મીની ઇચ્છાથી મને ભજતો ન હતો, પણ પતિવ્રતા પત્નીનું પ્રિય કરવાની ઇચ્છાથી એ મારી પાસે આવ્યો છે. દેવોને પણ દુર્લભ એવી સંપત્તિ હું તેને આપીશ.” આમ વિચાર કરીને તેમણે જાતે “આ શું છે?” એમ કહી બ્રાહ્મણના વસ્ત્રમાંથી લૂગડામાં બાંધેલા પૌંઆ લઈ લીધા. “ખરે, મિત્ર! આ તો મને ખૂબ ગમતી વસ્તુ તમે લાવ્યા છો!” નામ કહી એક મૂઠી ખાઈ બીજી મૂઠી ભરે છે ત્યાં લક્ષ્મી પરમાત્માનો હાથ પકડી કહે છે, “વિશ્વાત્મા! આ લોકમાં કે પરલોકમાં પુરુષના સંતોષ માટે આટલું બસ છે.”
બ્રાહ્મણ શ્રીકૃષ્ણના મંદિરમાં રાત રહ્યો. ત્યાં જે સુખ અનુભવ્યું તેથી જાણે પોતે સ્વર્ગમાં ગયો હોય એવું માન્યું. સવારે શ્રીકૃષ્ણે તેને અભિવંદન કર્યા, એની સાથે માર્ગમાં જઈ એને પ્રસન્ન કર્યો અને પછી બ્રાહ્મણ પોતાના ઘર બાજુ ચાલ્યો, શ્રીકૃષ્ણે એને કંઈ ધન આપ્યું નહિ અને એણે કંઈ માગ્યું નહિ. કૃષ્ણદર્શનનો આનંદ પામીને, શરમપૂર્વક તે ઘર તરફ ચાલ્યો : “અહો! બ્રાહ્મણો પ્રત્યે પ્રીતિ રાખનાર ભગવાન (બ્રહ્મણ્યદેવ)ની કેવી કૃપા (બ્રહ્મણ્યતા) કે લક્ષ્મીને હૃદય પર ધારણ કરનારા એમણે અત્યંત દરિદ્ર એવા મને આલિંગન આપ્યું. ક્યાં લક્ષ્મીના વાસ સમાન શ્રીકૃષ્ણ અને ક્યાં હું દરિદ્ર? બ્રહ્મબન્ધુ માનીને હાથ વીંટાળી મને એમણે આલિંગન કર્યું, પ્રિયા જ્યાં બેઠેલી તે પલંગ પર ભાઈની પેઠે બેસાડ્યો, મને થાકેલાને રાણી પાસે વીંઝણો નંખાવ્યો, મારી શુશ્રૂષા કરી, પગચંપી કરી, અને મને દેવની પેઠે પૂજ્યો. આ નિર્ધન ધન પ્રાપ્ત કરીને ખૂબ છકી જશે અને મારું સ્મરણ કરશે નહિ એમ માનીને જ એ કૃપાળુએ મને ધન ન આપ્યું.”
આમ વિચારતો-વિચારતો તે પોતાના ઘરની નજીક પહોંચ્યો. ત્યાં તો એણે આસપાસ ઝળહળતાં વિમાનો, રમણીય ઉદ્યાનો અને સુંદર સરોવરોથી વીંટળાયેલું અને અલંકૃત સ્ત્રીપુરુષો જ્યાં ઘૂમી રહ્યાં છે એવું સ્થાન જોયું. “આ કોનું સ્થાન હશે અને આમ કેમ બન્યું?” એનો એ વિચાર કરે છે ત્યાં દેવોના જેવી કાન્તિવાળાં નરનારીઓ ગીતવાદ્યથી એનો સત્કાર કરવા લાગ્યાં. પતિ આવ્યો છે એમ સાંભળીને પત્ની અતિહર્ષથી અને ઉતાવળે ઘરમાંથી બહાર આવી અને પતિને જોઈને પ્રેમની ઉત્કંઠાથી એની આંખમાં આંસુ આવી ગયાં. આંખો મીંચીને એણે નમન કર્યું અને બુદ્ધિ અને મનથી પતિને આલિંગન આપ્યું. અપ્સરાના જેવી પત્નીને જોઈને તે બ્રાહ્મણ વિસ્મય પામ્યો.
રાજી થઈને એણે પત્નીની સાથે સેંકડો મણિસ્તંભોવાળા પોતાના મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં સ્વચ્છ શય્યાવાળા પલંગો હતા, સોનાની દાંડીવાળા ચામરો હતા, ચંદરવામાંથી મોતીની સેરો લટકતી હતી, અને ઉત્તમ પૂતળીવાળા રત્નદીપો પ્રકાશતા હતા. આ સમૃદ્ધિ અકસ્માત્ ક્યાંથી આવી તેનો એ બ્રાહ્મણે અવ્યગ્રપણે વિચાર કર્યો : “આ સમૃદ્ધિનું કારણ કૃપાદૃષ્ટિવાળા ઉત્તમ યાદવ વિના બીજું કોણ હોઈ શકે? એ મિત્ર થોડું કરેલું ઘણું માને છે. મારા પૌંઆની એકએક મૂઠીનો એમણે કેવો બદલો વાળ્યો! મને જન્મેજન્મે એમનાં સૌહૃદ, સખ્ય, મૈત્રી, અને દાસ્ય પ્રાપ્ત થજો.”
આમ જનાર્દનમાં પોતાની બુદ્ધિ દૃઢ કરી તે ભક્ત વિષયોનો ત્યાગ કરવાની ઇચ્છાથી, અતિલંપટ બન્યા વિના, સ્ત્રી સાથે ભોગ ભોગવવા લાગ્યો. દેવોના દેવ હરિ માટે બ્રાહ્મણો જ પ્રભુઓ છે અને એમનાથી મોટું કોઈ દિવ્ય તત્ત્વ નથી. અજિત ભગવાનને પોતાના સેવકોથી આ રીતે જિતાયેલા જોઈ, તે બ્રાહ્મણે તેમનું ધ્યાન ધરી આત્માનાં બંધનો તોડી નાખ્યાં અને તરત જ પરમધામ પ્રાપ્ત કર્યું.
બ્રહ્મણ્યદેવની બ્રહ્મણ્યતાની આ કથા સાંભળીને જે નર ભગવાનમાં ભાવ ધરશે તે કર્મબંધનોમાંથી મુક્ત થશે.
‘ભાગવત’ની આ કથા ભગવાન પોતાના ભક્તને કેવા આધીન છે અને એના પર કેવી અદૃષ્ટ કૃપા વરસાવી રહે છે તે બતાવતી એ એક સીધીસાદી કથા છે. બ્રહ્મણ્યદેવની બ્રહ્મણ્યતા એ તેનો પ્રધાન સૂર છે. સુદામો અહીં મેલોઘેલો દરિદ્ર છતાં બ્રહ્મને જાણનારો, ગૃહસ્થાશ્રમી છતાં જિતેન્દ્રિય છે. સુદામાને પોતાની સ્થિતિનો ક્યાંયે અસંતોષ થતો નથી કે કોઈ લાલચ એના પર સવાર થતી નથી. પત્નીના કહેવાથી એ કૃષ્ણ પાસે જવાનું વિચારે છે પણ કૃષ્ણદર્શનનો લાભ જ એના મનમાં પ્રધાન સ્થાને છે. આથી જ પ્રત્યક્ષ કશું મળતું નથી ત્યારે સુદામાના મનમાં કૃષ્ણ વિષે બીજો કોઈ વિચાર આવતો નથી. પોતાની તુચ્છ ભેટની ને પોતે ખાલી હાથે ઘરે જઈ રહ્યો છે એની સ્વાભાવિક લજ્જા સુદામો અનુભવે છે, પરંતુ આ લજ્જા આત્મતિરસ્કાર અને પત્નીના તિરસ્કારમાં પરિણમતી નથી. સુદામાપત્નીનું પાત્ર અહીં ખાસ નોંધપાત્ર બનતું નથી.
નરસિંહ મહેતા : મુખ્ય ભાવબિંદુઓનું વિશદીકરણ
ગુજરાતીમાં સુદામાની કથા વિષે લખનાર પહેલો કવિ છે નરસિંહ મહેતા. ‘સુદામાજીના કેદારા’ એ નામથી એની રચના જાણીતી છે. એમાં આઠ કે નવ પદોમાં સુદામાની કથા સંક્ષેપમાં રજૂ થઈ છે. જૂની હસ્તપ્રતોમાં આઠ પદો જ છે અને નવ પદવાળા પાઠમાં એક પદ કાવ્યની સમગ્ર સૃષ્ટિ સાથે વિસંવાદી છે (જેની થોડી ચર્ચા હવે પછી આપણે કરીશું) તેથી એ પદ પ્રેમાનંદની કે એવી કોઈ અસર નીચે પાછળથી ઉમેરેલું હોવા સંભવ છે.
નરસિંહના કાવ્યને ધ્યાનથી તપાસીએ તો જણાય છે કે માંડીને કથા કહેવાનો એનો ઉદ્દેશ નથી, તેમ વર્ણનની શોભા ખડી કરવાનું પણ એણે ક્યાંય તાક્યું નથી. કથાનાં મુખ્ય ભાવબિંદુઓને એ પકડે છે અને પ્રકાશિત કરે છે કે વિકસાવે છે. કાવ્યનો ઘણોબધો ભાગ પાત્રોની ઉક્તિરૂપ છે અને એમાં પાત્રોનું ભાવ કે વિચારજગત પ્રગટ થાય છે. જુઓને, કાવ્યનો આરંભ જ પાત્રની ઉક્તિથી થાય છે – “જદુપતિ નાથ તે મિત્ર છે તમ તણા” અને પહેલાં ચાર પદો તો આખા ને આખાં કેવળ સુદામા અને સુદામાપત્નીના ઉદ્ગારરૂપે છે. એક આખું પદ એક પાત્રના મુખે! પછી પણ છઠ્ઠા પદમાં બે-અઢી કડી અને આઠમા પદમાં ચાર કડી સુદામાના મનમાં ચાલતા વિચારો રજૂ કરે છે. વચ્ચે કૃષ્ણની રાણીઓના મનમાં ચાલતા વિચારોનું આલેખન આવે છે અને કૃષ્ણની પણ કુશળવાર્તાની તથા સ્મરણસંવેદનની લાંબી ઉક્તિ આવે છે. આ બધાંને પડછે કથનવર્ણનના અંશોનું પાંખાપણું આખા કાવ્યમાં વરતાઈ આવે એવું છે.
નરસિંહની કૃતિનું મુખ્ય વિચારતત્ત્વ, અલબત્ત, ‘ભાગવતને અનુસરતું જ છે – ભગવદ્-ભક્તિ અને ભગવાનની ભક્તવત્સલતા. કાવ્યના અંતભાગની આ કડીમાં કાવ્યનું તાત્પર્ય પૂરેપૂરું આવી જતું જોઈ શકાય છેઃ
ગોમતીસ્નાન ને નીરખવું કૃષ્ણનું, પુણ્ય પ્રગટ થયું, પાપ નાઠું,
આ કલિકાલમાં જંતુ સહેજે તરે, જેને શ્રીકૃષ્ણ શું હોય ઘાટું.
નરસિંહે સુદામા અને સુદામાપત્નીના સંવાદને ખીલવ્યો છે. એ બંનેના વિરોધમાં એક રસબીજ રહેલું છે એ એ જોઈ શક્યો છે, પરંતુ નોંધપાત્ર હકીકત તો એ છે કે સુદામાપત્ની ભૂખનું દુઃખ ઘૂંટીને કહેતી નથી પણ ભગવાનની ભક્તવત્સલતા ભારપૂર્વક પ્રગટ કરે છે. ‘જગતપતિ જાદવો, ભક્તિવશ માધવો’ ‘નથી હરિ વેગળા, ભક્તિભાવે મળ્યા’ એમ એ વારેવારે કહે છે અને ભગવાનની ભક્તવત્સલતાનાં પૌરાણિક દૃષ્ટાંતો પણ ટાંકે છે. ‘ગોમતીસ્નાનથી કોટિ અઘ નાસશે’ ‘જાઓ વેગે કરી, જુઓ મુક્તિપુરી’ એમ કહી કૃષ્ણને મળવા જવામાં રહેલો પુણ્યલાભ પણ બતાવે છે. આ પરથી ખ્યાલ આવે છે કે સુદામાપત્નીને પોતાના સંસારની ચિંતા છે પણ એ કેવળ સંસારી સ્ત્રી નથી, ભક્તપત્ની છે. સુદામાને પણ પત્નીની વાતો સ્પર્શી જાય છે અને ‘ધન્ય ધન્ય તારુણી, સંદેહ ટાળ્યો’ ‘ધન્ય તું નાર, અવતાર સફળ કર્યો!’ એમ એ ઉદ્ગારી ઊઠે છે.
સુદામો, ‘ભાગવત’ની જેમ અહીં પણ કંઈ મેળવવાની ઇચ્છાથી નહિ પણ કૃષ્ણદર્શનની ઇચ્છાથી “કૃષ્ણ તું, કૃષ્ણ તું એમ કહેતો” દ્વારિકા જાય છે. એટલે જ કૃષ્ણ કંઈ આપતા નથી એનો સુદામાને આઘાત લાગતો નથી. હા, પાછળની હસ્તપ્રતમાં મળતા વધારાના પદમાં સુદામાની નિરાશા અને કૃષ્ણ વિષેનો હલકો વિચાર વ્યક્ત થયાં છે – “એક પીતાંબર આપ્યું તે લીધું ઉતારી” – પણ નરસિંહની રચનામાં બીજે ક્યાંય સુદામાના આવા મનોભાવની રેખા સરખીયે ડોકાતી નથી. ઉપરાંત, આ પદ પૂર્વે “મન તણી આરત સર્વે ભાગી” એવી પંક્તિ છે અને આ પદ પછીના પદમાં “ધન્ય તું ધન્ય તું, રાય રણછોડજી” એમ સુદામો ઉદ્ગારી ઊઠે છે. આ બધું જોતાં આ પદ અને એમાં રજૂ થયેલો સુદામાનો મનોભાવ સ્પષ્ટ રીતે પાછળથી ઘુસાડેલાં જણાય છે.
આ પદ બાદ કરીએ એટલે સુદામાનું સઘળું વિચારવર્તન ભક્તિપ્રેરિત જણાય છે. છતાં ‘ભાગવત’થી અહીં થોડો ફેર દેખાશે. પોતાનું દારિદ્ર્ય પોતાનાં કર્મોનું પરિણામ છે એવો વિચાર સુદામાપત્નીને તેમ સુદામાને મુખે નરસિંહ રજૂ કરે છે. નરસિંહના સમયમાં બળવત્તર બનેલો કર્મવાદ આમાં જોઈ શકાય.
ઉપરાંત, સુદામો કૃષ્ણનો સંકોચ અનુભવતો પણ અહીં આલેખાયો છે – જે નવું તત્ત્વ છે. ‘ભાગવત’માં સુદામાને કૃષ્ણને માત્ર પૌંઆ આપતાં લજ્જા થઈ હતી. અહીં તો કૃષ્ણ પાસે જતાં પહેલાં જ સુદામાને કેવાકેવા વિચાર આવે છે – કોટિ યોદ્ધાઓથી ભરેલી મહીપતિ માધવની સભામાં આવો દુર્બળ રંક પોતે કેવી રીતે ઊભો રહી શકે, એ નરપતિને બાલપણની પ્રીત શાની સાંભરે, મિત્ર આગળ માગતાં તો બાંધી મૂઠી ખૂલી જાય, વગેરે. સુદામાની પત્નીએ એને સમજાવવું પડે છે કે હરિ તો અંતર્યામી છે – એની પાસે માગવું ન પડે, હરિને રાય-રંકનો ભેદ નથી. એ પ્રેમનો સંબંધ વીસરશે નહિ – “બાળક્રીડા તણાં ચરિત્ર કહેશે” – અને પોતાના માણસની સંભાળ લેશે. આપણને એમ લાગે કે સુદામા કરતાંયે સુદામાપત્નીને કૃષ્ણની મહાનુભાવતાની વધારે પ્રતીતિ છે.
કૃષ્ણની પ્રીતિ વિષે મનમાં આવો સંશય હોવાથી જ કૃષ્ણને મળીને પાછા વળતાં સુદામો એક જ વિચાર કરે છે – પોતાના જેવા દીન માણસનાં કૃષ્ણે કેવાં આદરસત્કાર અને સેવા કર્યા! શ્રીકૃષ્ણનું આ માહાત્મ્ય એનામાં વિસ્મય અને આર્દ્રભાવ પ્રેરે છે.
‘ભાગવત’ કરતાં કૃષ્ણ-સુદામાના મૈત્રીસંબંધને અહીં વધારે ઉઠાવ મળ્યો છે એમ લાગશે. ‘ભાગવત’માં સુદામાને માટે ‘મિત્ર’ શબ્દ વારંવાર પ્રયોજાયો છે અને કૃષ્ણ પણ એને ‘મિત્ર’ તરીકે સંબોધે છે, પણ અહીં તો કૃષ્ણ “ભાભીએ ભેટ જે મોકલી મુજ ભણી ભાવશું, ભાઈજી લાગે મીઠી” એમ લાડ કરે છે અને કૌટુંબિક સંબંધની આત્મીયતા દર્શાવે છે. ‘ભાગવત’માં સુદામાપત્ની કૃષ્ણનો ‘સખા’ તરીકે ઉલ્લેખ કરે છે પણ સુદામો કૃષ્ણનો ક્યાંયે મિત્ર તરીકે વિચાર કરતો જણાતો નથી. એમને ‘દેવદેવ’ ‘જગદ્ગુરુ’ ‘વિભુ’ ‘વિશ્વાત્મા’ એવાં સંબોધન કરે છે અને એમનો ભગવાન તરીકે જ વિચાર કરે છે. અહીં સુદામો કૃષ્ણ ‘ત્રિભુવનતાત’ છે એમ જાણે તો છે જ, છતાં ‘મિત્ર મોહન’ રૂપે એને ઉલ્લેખે છે.
પણ આ પરથી નરસિંહે પોતાના કાવ્યમાં મિત્રતાના સંબંધને કેન્દ્રમાં રાખ્યો છે – સુદામો શ્રીકૃષ્ણ સાથે અંતરાત્માની સાક્ષીએ મૈત્રી અનુભવે છે તેનું આમાં સૂચન છે એવો ઉમાશંકરનો અભિપ્રાય[1] ભાગ્યે જ સ્વીકારી શકાય. કૃષ્ણ-સુદામો સાથે ભણેલા એટલે વ્યવહારની દૃષ્ટિએ એ ‘મિત્ર’. કૃષ્ણનો ‘મિત્ર’ તરીકે એ રીતે જ અહીં ઉલ્લેખ થયો છે, જેમ ‘રાજા’ તરીકે પણ વારંવાર ઉલ્લેખ થયો છે. આ મૈત્રી તો સુદામાના સંકોચનું કારણ બને છે. ઉપરાંત, ‘મોહન’ સાથેની વર્ણસગાઈમાં પણ ‘મિત્ર’ શબ્દ આવ્યો હોવાનું કેમ ન મનાય? બાકી, સુદામો કૃષ્ણ સાથે સમાનભાવ અનુભવતો અહીં ક્યાંયે વર્ણવાયો નથી. મિત્ર તરીકેનો અધિકારભાવ તો પછી ક્યાંથી હોય? ઊલટું, એનામાં દીનતા અને આત્મસંકોચ છે. સુદામાપત્ની તો કૃષ્ણને સતત ભગવાનસ્વરૂપે જ રજૂ કરે છે અને સુદામો પણ ‘ત્રિભુવનતાત’ “શ્રીપતિનાથને રંક હું સરજિયો” એવું કહી એના ભગવાન-સ્વરૂપનો સ્વીકાર કરે જ છે. ભગવદ્ભક્તિનો મહિમા અને ભગવાનની ભક્તવત્સલતા આ કાવ્યમાં એવા સ્પષ્ટ રીતે આલેખાયાં છે કે મૈત્રીની વાતને વધુ પડતું મહત્ત્વ આપવાથી કાવ્યના તાત્પર્યને મરડવા જેવું થઈ જાય.
‘ભાગવત’ના એક ગર્ભિત અર્થને નરસિંહે પ્રગટ કરી મૂક્યો છે એની નોંધ લેવી જોઈએ. કૃષ્ણે પૌંઆની બીજી મૂઠી ભરતાં ‘આટલું બસ છે’ એમ ‘ભાગવત’માં કહેલું. નરસિંહમાં રુક્મિણી સ્પષ્ટ કહે છે કે “એક રહ્યાં અમો, એક બીજા તમો, ભક્તને અઢળક દાન દેતાં” અને એ રીતે કૃષ્ણના સંકલ્પનો સંકેત કરી દે છે.
છેવટે, અહીંતહીં થોડી રેખાઓ ઉમેરાઈ હોવા છતાં એકંદરે નરસિંહની રચના ભાગવતાનુસારી ભક્તિપ્રધાન રચના જ બની રહે છે.
સોમઃ ધનમહિમા અને કર્મવાદ
પંદરમા સૈકામાં સોમ નામના કવિએ ‘સુદામાસાર’ નામે ૭૧ કડીનું એક નાનકડું કાવ્ય લખ્યું છે, એણે સુદામાપત્નીની ઉક્તિઓને ઘણી વિસ્તારી છે અને એમાં વિત્ત વિના શી મુશ્કેલીઓ પડે છે – ગૃહસ્થધર્મ પાળી શકાતો નથી, દાનધર્મ થઈ શકતાં નથી, નારી પણ જીતી શકાતી નથી (!),– તથા વિત્ત માટે લોકો કેવાં કેવાં કર્મો કરે છે એનું વર્ણન કરી વિત્તની અનિવાર્યતા સમજાવી છે. ભગવાનની ભક્તવત્સલતા અહીં પણ સુદામાની પત્ની જ વર્ણવે છે. સુદામો માગવામાં કેવી ક્ષુદ્રતા રહેલી છે એ દૃષ્ટાંતો આપી બતાવે છે, અને અંતે પત્નીનું કહ્યું માને છે, પણ ‘ભગવાનનું દર્શન થશે એ લાભ’ એવા વિચારથી જ.
સોમે એક મહત્ત્વના કથાભાગને કર્મવાદ સાથે સ્પષ્ટ રીતે જોડી બતાવ્યો છે. કૃષ્ણ સુદામા પાસેથી તાંદુલ લેવા ખટપટ કરે છે, એટલા માટે કે “દીધા વિના દારિદ્ર નવ જાય”. સુદામો કંઈક આપે તો જ એને બદલામાં વૈભવ આપી શકાય. ‘ભાગવત’માં આ કર્મવાદ કદાચ ગર્ભિત હોય.
સોમનું કાવ્ય પણ સુદામાની કથાનો કોઈ ખાસ વિકાસ બતાવતું નથી.
ભાલણ : ઘેરા રંગો અને ઘટમટ
ભાલણ (દશમસ્કંધ, પદ ૪૫૯-૪૬૮)માં સુદામાની કથાનો થોડો આગવો ઘાટ ઊતરવા લાગે છે. એ સુદામાના દારિદ્ર્યને કંઈક ઘેરા રંગે આલેખે છે. ‘ભાગવત’માં સુદામો કુટુંબવાળો છે, એવો ઉલ્લેખ છે, પણ સુદામાની પત્ની બાળકોનાં દુઃખની કંઈ વાત કરતી નથી. નરસિંહ સુદામાની પત્નીને સૌ બાળકોને અન્નવસ્ત્ર પૂરાં મળતાં નથી એનું દુઃખ વ્યક્ત કરતી બતાવે છે. ભાલણ ‘ઘણાં બાળકો’નો ઉલ્લેખ કરે છે, અને એ રીતે સુદામાના દારિદ્ર્યને કરુણાસ્પદ બનાવે છે. સુદામાની પત્ની જે વસ્ત્રમાં તાંદુલ બાંધે છે તે જીર્ણ હોવાથી તાંદુલ સરી પડે છે અને એને બીજું વસ્ત્ર લપેટવું પડે છે. સુદામાને ચરણે પણ વ્યાઉ ફાટેલી છે. પોતાના દારિદ્ર્યનો એ સંકોચ પણ અનુભવે છે :
વસ્ત્ર પહેરવાને નહીં, ફાટ્યાં તો ઉપાનજી;
પાત્ર તુંબી સાજું ન મળે, કરવાને જલપાન,
મુજને દેખી હાસ્ય કરે, ચાલશે ધન પાખે.
સુદામાની મનઃસ્થિતિ અહીં થોડી સંકલ્પવિકલ્પાત્મક આલેખાઈ છે. કૃષ્ણ પાસે જવા એ તૈયાર થાય છે ત્યારે પોતે કંઈ પુણ્ય કર્યું નથી તેથી પોતાને કંઈ મળે ક્યાંથી અને કૃષ્ણદર્શનનું એક પુણ્યકાર્ય થશે એવું જ વિચારે છે, પરંતુ કૃષ્ણની સમૃદ્ધિ જોઈને અસંતોષ થાય છે કે જ્યાંત્યાં કંચન પડ્યું છે છતાં મને કંઈ આપતા નથી. કૃષ્ણ પાસેથી વિદાય લઈ નીકળે છે ત્યારે પણ ચિત્તમાં ઘટમટ થાય છે :
તાહારે શી ન્યૂન હતી? સ્વામી વૈકુંઠનાથ હો;
આટલી રિદ્ધિ હતી તારે, નાપ્યું શેં કાંઈ હાથ હો?
સ્ત્રી ને બાલક માહરાં, તે વાટ તો જોતાં હશે;
કહેશે કૃષ્ણજી કને ગયા છે તો રિદ્ધિ ઘણી ત્યાં લાવશે.
કહેશે ઉદર ભરવા ગયા હતા, તે ઉદર ભરી આવિયા,
સ્વામી તેને શું કહીશે, ભાવ તમને નાવિયા,
પણ પછી સુદામાને પોતાના દારિદ્ર્યનું કારણ સમજાય છે. ગોરાણીએ આપેલું ખાવાનું કૃષ્ણથી છાનું ખાધું હતું તેનું આ પરિણામ. કૃષ્ણે ધન ન આપ્યું એમાં એની કૃપા જ રહેલી છે એનો પણ એને ખ્યાલ આવે છે, કેમ કે ધન મળવાથી ભગવત્-સ્મરણ પોતે ચૂકી જાત. પણ વળી પાછો સુદામો ઘર પાસે પહોંચે છે અને ઘર જોતો નથી ત્યારે એને કેવો વિચાર આવે છે! –
પર્ણકુટી મારી મૂલગી તે પ્રભુજી! તો ક્યાં ગઈ;
ભાલણપ્રભુ! તમે વારુ કીધું, મૂલગું લીધું હરી.
આમ એક બાજુથી ઈશ્વરશ્રદ્ધા અને કર્મવાદ અને બીજી બાજુ સંસારાસક્તિ અને લાલસા બંનેનું સુદામામાં ભાલણે નિરૂપણ કર્યું છે.
સુદામામાં દારિદ્ર્યનો સંકોચ છે તે એનો આત્મવિશ્વાસનો અભાવ દર્શાવે છે. આત્મવિશ્વાસનો અભાવ એના ચિત્તને ભીરુ બનાવે છે. પોતાના ઘરને ઠેકાણે વૈભવશાળી મંદિર જોઈ એને થાય છે :
આ મંદિર તો બહ્મા તણું કે રુદ્ર કે ઇંદ્ર કેરું હોય;
મને તો અહીં જોતો દેખી, તસ્કર કહેશે કોય.
એની પત્ની દાસીઓ સાથે આવીને એનો હાથ પકડે છે ત્યારે પણ એ ધ્રૂજી ઊઠે છે અને કહે છે : “અપરાધ મેં કાંઈ નથી કીધો, શા માટે મુજને ગ્રહે?”
સુદામાના ચરિત્રની આ નવી રેખાઓ પ્રેમાનંદ ખૂબ સરસ રીતે ઉપયોગમાં લે છે.
ભાલણે એક ઠેકાણે વસ્તુને હેતુપૂર્વક ગોઠવ્યું છે તે નોંધવા જેવું છે. કૃષ્ણ સુદામા પાસે ગુરુકુળની વાતો કાઢે છે. શા માટે? કૃષ્ણના આદર-સત્કારથી સુદામો સંકોચ પામતો હતો અને કૃષ્ણ પોતાને બ્રહ્મા, રુદ્ર કે નારદ શું માનતા હશે એનો વિચાર કરતો હતો. સુદામાનો આ સંકોચ દૂર કરવા કૃષ્ણ જૂની વાતો ઉખેળે છે.
સુદામાની કથાના ગુજરાતી પ્રયત્નોમાં ભાલણનો પ્રયત્ન નોંધપાત્ર છે.
ગ્રામ્ય લોકરંજક અંશો
દામોદરસુત જગન્નાથે રચેલા ‘સુદામો’ની હસ્તપ્રત સાં. ૧૭૬૧ (ઈ. સ. ૧૭૦૫)માં લખાયેલી છે. ભાષા પરથી એવું લાગે છે કે એ પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર’ની પહેલાં પણ રચાયેલું હોય. સુદામાપત્નીને મુખે ઉદ્યમનો મહિમા અને આળસની નિંદા વીગતે મૂક્યાં છે એ એની નોંધપાત્રતા છે, દારિદ્ર્યના ચિત્રમાં થોડી અતિશયતા દેખાય છે, જેમ કે, સુદામાની પત્ની કહે છે કે બાળકોને હું રાત્રે વાળુ કરાવ્યા વિના માત્ર વાતો કરીને સુવડાવું છું! અહીં પણ સુદામો પોતાના દારિદ્ર્યનો સંકોચ અનુભવે છે. એ કચવાતો હોય છે પણ પત્ની એને પલંગ પર સુવડાવી, પંખો નાખી, પગ ચાંપી ઉંઘાડે છે, અને બીજે દિવસે મિષ્ટાન્ન જમાડી વિદાય કરે છે! પત્નીની ચતુરાઈ બતાવવા જતાં કવિ સુદામાના ઘરની ગરીબાઈને ભૂલી ગયા લાગે છે. અને સુદામાની પત્ની સુદામા પાસે શું મંગાવે છે? રુક્મિણીનાં ઊતરેલાં કમખા-સાડી. આમાં સુદામાનું કે એની પત્નીનું ગૌરવ તો નથી જ રહેતું, પણ સુદામાસખા કૃષ્ણનું પણ ગૌરવ નથી રહેતું. કૃષ્ણ એટલે વસવાયાને ઊતરેલાં કપડાં આપનાર કોઈ શેઠ! દારિદ્ર્યનું ચિત્ર ઘેરું બનાવવા જતાં એમાં હીનતા અને ક્ષુદ્રતાનો ભાવ પ્રવેશી ગયો છે.
પાછા ફરતી વેળા સુદામાના ચિત્તમાં સંકલ્પ-વિકલ્પ થાય છે એમ કવિ કહે છે, પણ કવિ વાચા આપે છે એના અસંતોષને જ. પોતાનું ઘર જોવા મળતું નથી ત્યારે સુદામો રાજમાં ફરિયાદ કરવાનું વિચારે છે એવું કવિ આલેખે છે! પણ પત્ની આવીને એને સમજાવે છે.
આમ જગન્નાથને હાથે સુદામાની કથામાં ગ્રામ્ય લોકરંજક અંશો પ્રવેશે છે.
પ્રેમાનંદ : એક ચિત્રાત્મક રસસભર કૃતિ
‘ભાગવત’કારે અને બીજા ગુજરાતી આખ્યાનકારોએ સુદામાની કથાને જે રીતે ગાઈ છે તેની સાથે પ્રેમાનંદના આખ્યાનને સરખાવતાં જણાય છે કે પ્રેમાનંદે આગળની પરંપરામાંથી ઘણું ઉપાડેલું છે, એમાં ઘણું બદલાયેલું છે, અને ઘણું ઉમેર્યું પણ છે. એકંદરે ખાતરી થયા વિના રહેતી નથી કે પ્રેમાનંદ જ સુદામાની કથાને સૌથી વધારે લાડ લડાવે છે અને એને હાથે એક ચિત્રાત્મક રસસભર કાવ્યકૃતિનું સર્જન થાય છે. પરંપરાનું ઋણ તો ઉપર આપેલી માહિતીને આધારે પારખી શકાશે. આપણે પરંપરાના સંદર્ભમાં પ્રેમાનંદની સ્વકીયતાનો જ એક ઊડતો ખ્યાલ મેળવીએ.
આરંભમાં જ સાંદીપનિના આશ્રમમાં કૃષ્ણ-સુદામાના આત્મીયતાભર્યા સહવાસનું તથા એમની ભાવભરી વિદાયનું પ્રેમાનંદે નાનકડું પણ મનમાં વસી જાય એવું ચિત્ર દોર્યું છે. ‘ભાગવત’માં કે પૂર્વપરંપરામાં એ નથી. કૃષ્ણ-સુદામાની ગોઠડીને પ્રેમાનંદે સરસ રીતે વિસ્તારીને મૂકી છે, કૃષ્ણના મિત્રપ્રેમને ઉત્કંઠાથી નિરૂપ્યો છે, અને એમાં નટખટપણું અને ચાતુરી ઉમેર્યાં છે.
પ્રેમાનંદના આખ્યાનમાં સુદામાની પત્ની ઉદ્યમનો મહિમા માત્ર ગાતી નથી, કુટુંબ માટે ઉદ્યમ એ જ કરતી હતી એમ પ્રેમાનંદે બતાવ્યું છે, અને તેથી એ સ્ત્રીની કાર્યદક્ષતા અને કુટુંબવત્સલતા મૂર્ત થઈ ઊઠે છે. બાળકોને તથા પતિને પડતી મુશ્કેલીઓનું એ વીગતે વર્ણન કરે છે, પણ પોતાનું તો એ એક જ દુઃખ ગાય છે કે ‘નથી લલાટે દેવા કંકુ”. સુદામાપત્નીને મુખે “અન્ન વૈ બ્રહ્મ”ની વ્યવહારુ ફિલસૂફી સચોટતાથી મૂકી છે તે પણ પ્રેમાનંદે જ. સુદામાપત્નીનું પાત્ર આમ પ્રેમાનંદને હાથે એક નવો આકાર ધારણ કરી રહે છે.
એવું જ સુદામાના પાત્ર વિષે પણ કહી શકાય. સુદામાની નિષ્ક્રિયતા અને નિસ્તેજતા પ્રેમાનંદને હાથે ઊડીને આંખે વળગે એવી બની છે. દ્વારિકાથી વિદાય લેતી વખતે જ નહિ, દ્વારિકા પહોંચતી વખતે પણ, પ્રેમાનંદે સુદામાને પરસ્પરવિરોધી વિચારો વચ્ચે ઝોલાં ખાતો બતાવ્યો છે, અને બન્ને ઠેકાણે એની એ દ્વિધાવૃત્તિને એણે અત્યંત માર્મિક વાચા આપી છે. અરે! પત્ની સાથેના વાર્તાલાપમાં પણ સુદામો કૃષ્ણ પાસે નહિ જવા માટે એક બહાનું નહિ પણ અનેક બહાનાં આગળ ધરતો લાગે છે ને! અંતે સઘળું ગુમાવ્યાના ખ્યાલથી સુદામાને થતી ગ્લાનિને તથા પત્નીને ઓળખી નથી શકતો તે વખતે એની પાપભીરુતાને પ્રેમાનંદ જ આટલી સમર્થતાથી નિરૂપી શકે છે. સુદામાના ચંચળ મનોભાવોનું સાક્ષાત્કારક ચિત્ર પ્રેમાનંદની કલાનો એક વિજય છે.
સુદામા-સુદામાપત્નીના સંવાદને તો પુરોગામી કવિઓએ પણ ઠીક ખીલવ્યો હતો, પરંતુ કૃષ્ણ-સુદામાના મિલનપ્રસંગને અને સુદામાની ક્ષણક્ષણની મનઃસ્થિતિને રોમાંચક નાટયાત્મકતાથી આલેખનાર તો પ્રેમાનંદ જ છે.
સુદામાના ઘરનાં, ઘરમાં બાળકોની સ્થિતિનાં, સુદામાના પોતાના વેશકેશનાં લાક્ષણિક વર્ણનો દ્વારા પ્રેમાનંદે દરિદ્રતાનું જે ચિત્ર ઊભું કર્યું છે. તે એનું પોતાનું જ બની જાય છે.
પ્રેમાનંદનું કૌશલ પાત્રોના ભાવોને કંઈક આવી રીતે ઉઠાવ આપવામાં કે તાદૃશ ચિત્રો ઉપસાવવામાં જ રહેલું નથી; એની વાણીની અનન્ય શક્તિમાં પણ રહેલું છે. એની વાણી પ્રાસાદિક અને મધુર તો છે જ, ગુજરાતી ભાષાના લાક્ષણિક લહેકાઓ અને તળપદા પ્રયોગો અત્યંત સહજ રીતે એના પદબંધમાં ગોઠવાઈ જાય છે. પણ આ ઉપરાંત એની વાણીમાં વ્યંજના છે, વક્રતા છે, અને કટાક્ષ છે. કૃષ્ણને તાંદુલની બીજી મૂઠી ખાતાં વારતી વખતે રુક્મિણીના મુખે “અમે અન્યાય શો કીધો, નાથ?” એવી ભારે શ્લેષયુક્ત ઉક્તિ કોણે મૂકી હતી? વાણીમાં રહેલી વક્રતાને કારણે પ્રેમાનંદની સૃષ્ટિ વિનોદથી રસાય છે. સુદામાના દારિદ્ર્યનું ચિત્ર પણ માત્ર કરુણાસ્પદ નથી રહેતું, વિનોદપ્રેરક પણ બને છે.
પ્રેમાનંદે કથા જૂની વાપરી પણ એમાં રસ નવો જ પૂર્યો છે.
પ્રેમાનંદ પછી
સુદામાની કથા લખવાના પ્રેમાનંદ પહેલાંના કેટલાક પ્રયાસોની આપણે નોંધ લીધી અને કેટલાક પ્રયાસોની નોંધ નથી લીધી, કેમ કે નોંધ નથી લીધી એમાં લુખ્ખો કથાસાર છે કે ‘ભાગવત’નો માત્ર અનુવાદ છે. પ્રેમાનંદ પછી પણ સુદામાની કથા લખવાના પ્રયાસો તો થયા છે, પણ એમાંથી કોઈ ખાસ નોંધપાત્ર નથી. આવા પ્રયાસોમાંના એકમાં મોતીરામ ઝડપથી માત્ર કથા કહી જાય છે તો બીજામાં સુંદર ‘ભાગવત’નાં વર્ણનોને ગુજરાતીમાં ઉતારે છે અને ક્યાંક ક્યાંક પ્રેમાનંદની છાયા ઝીલે છે – સુદામાના એક ભગવદ્ભક્ત તરીકેના ચરિત્રને આંચ ન આવે એવી રીતે. પ્રેમાનંદ પછીના સુદામાકથાના બીજા કોઈ ખાસ પ્રયત્નો ધ્યાનમાં નથી. આગળ-પાછળના સર્વ પ્રયાસોમાં અન્તે, પ્રેમાનંદનો પ્રયત્ન જ સર્વોપરી બની રહે છે.
નરસિંહ અને પ્રેમાનંદ ભક્ત અને કલાકારની કૃતિઓ
ગુજરાતીમાં પહેલી સુદામાકથા તે નરસિંહની અને છેલ્લી પૂર્ણવિકસિત કથા તે પ્રેમાનંદની. એ બન્નેની વિભિન્નતા ધ્યાન ખેંચે એવી છે અને ગુજરાતીમાં સુદામાકથાનો કઈ રીતનો વિકાસ થયો એ આપણને બતાવી આપે છે.
નરસિંહની સુદામાકથા તે એક ભક્તે ગાયેલી સુદામાકથા છે. એ ‘ભાગવત’ની પેઠે, ભગવાનનું ભક્તજનવાત્સલ્ય ગાવા અને ભક્તિનો બોધ કરવાના એકમાત્ર તંતુ ઉપર ચાલે છે અને સીધી લક્ષ્ય તરફ જાય છે. અમુક ભાવ-વિચારબિંદુઓ એમાં કંઈક વિકાસ પામ્યાં છે અને સ્ફુટ થયાં છે, પણ એ સર્વ ભક્તિબોધના મૂળ તાત્પર્યને પોષક છે. નરસિંહની કૃતિનો મુખ્ય ઝોક વૈચારિક છે, માંડીને કથા કહેવાનું એણે ઇચ્છ્યું નથી અને મુખ્ય ભાવબિંદુઓને જુદાંજુદાં પદો દ્વારા ગૂંથીને એણે સંતોષ માન્યો છે.
પ્રેમાનંદ ભક્ત નથી પણ કથાકાર છે, કવિ છે, કલાકાર છે. એની સુદામાકથાનું પણ અંતિમ લક્ષ્ય તો નરસિંહના જેવું જ છે. નરસિંહની કથાનો એ લાભ પણ ઉઠાવે છે છતાં નરસિંહથી ભિન્ન રીતે એ માંડીને કથા કરે છે, કોઈપણ પરિસ્થિતિને બધી બાજુએથી જુએ છે અને એના ઘણાબધા અંશોને ઉઠાવ આપે છે, પાત્રોનાં વ્યક્તિત્વ, વર્તન અને મનોભાવોમાં રસ લે છે, પ્રત્યક્ષ ચિત્રો દોરે છે અને નાટ્યાત્મક વિરોધો, રોમાંચ, તંગદિલી અને પલટાઓ યોજે છે. એની કૃતિમાં માનવતત્ત્વ ઘણું વિશેષ છે અને ભક્તિબોધનું તાત્પર્ય છતાં કરુણ અને હાસ્ય એ રસોને ઘણો ઉઠાવ મળ્યો છે. પ્રેમાનંદની સ્વકીયતાની આપણે હમણાં જ કરેલી નોંધમાંથી આ હકીકતની પ્રતીતિ થઈ જશે.
નરસિંહ અને પ્રેમાનંદની કૃતિઓનો આ મુખ્ય તફાવત છે અને એ, એ બે કવિઓની ભિન્ન પ્રતિભાના દૃષ્ટાંતરૂપ છે.
આ મુખ્ય નિરૂપણભેદ ઉપરાંત સુદામાનું બન્ને કવિઓએ કરેલું આલેખન પણ નોંધપાત્ર રીતે જુદું પડતું લાગશે. પ્રેમાનંદના સુદામામાં કેવી નિષ્ક્રિયતા, નિસ્તેજતા, આત્મસંકોચ, પ્રાકૃતતા, બાઘાઈ અને ભીરુતા છે! ટેકની વાત કરે છે છતાં લાલચથી મુક્ત એ રહી શક્યો નથી. નરસિંહનો સુદામો કશી લાલચથી પ્રેરાતો નથી અને માટે જ કંઈ મળતું નથી ત્યારે હતાશ થયા વગર એ કૃષ્ણમિલનની સાર્થકતા માત્ર અનુભવી રહે છે.
સુદામાના ચરિત્રચિત્રણના આ ભેદ પાછળ કેટલાક વિવેચકોએ એ બન્ને કવિઓનો અનુભવભેદ પડેલો જોયો છે. નરસિંહ સુદામાને એક સમાનધર્મા તરીકે જુએ છે અને પોતાનો ભક્ત તરીકેનો અનુભવ એમાં ગૂંથે છે – સાંકડનો-મુશ્કેલીનો અનુભવ છતાં અચલ ઈશ્વરનિષ્ઠા, લોકનિંદાની અવગણના અને આત્મગૌરવ.[2] પ્રેમાનંદ પોતાને ગૃહસ્થ તરીકે ઉદરનિમિત્તે ભોગવવી પડેલી મુશ્કેલીઓનો અનુભવ ગૂંથે છે અને ભક્ત સુદામાના ચરિત્રનિરૂપણમાં પ્રાકૃત મનની મથામણ મૂકે છે.[3]
પ્રેમાનંદના સુદામામાં જે માનવીય સંઘર્ષ છે તે નરસિંહના સુદામામાં નથી એ ખરું છે, પણ એથી નરસિંહના સુદામામાં લોકલજ્જા નથી અને આત્મગૌરવ છે એમ કહી શકાશે ખરું? પોતાની દરિદ્રતાનો એને સંકોચ છે જ અને કૃષ્ણની ભરી સભામાં આવી સ્થિતિએ જવામાં એ લજ્જા અનુભવે છે. કૃષ્ણ એની મૈત્રીને સંભારશે કે કેમ એનીયે એને તો શંકા છે અને એની પત્ની એને કૃષ્ણને મળવા ધકેલે છે – એનો સંશય ટાળે છે. એ રીતે ઈશ્વરી કૃપામાં અચલ પ્રતીતિ તો સુદામાની પત્નીની છે, સુદામાની નહિ. નરસિંહમાં જે અનન્ય ઈશ્વરશરણતા અને આત્મનિર્ભરતા હતી તે સુદામામાં નથી જ.
જોઈ શકાશે કે પ્રેમાનંદે સુદામાની આ રેખાઓને વધારે ઘેરી બનાવી છે, એનામાં લાલચ આરોપી છે અને આ બધું ભક્તિજ્ઞાનના વિરોધમાં મૂકીને રસિક ચિત્ર નિપજાવ્યું છે. ઉપરાંત, પ્રેમાનંદે આ વિરોધ સતત પ્રગટ કર્યો છે, ત્યારે નરસિંહનો સુદામો પત્નીના કહેવાથી પોતાનો સંકોચ દૂર કરે છે પછી એક ભક્તની રીતે જ વર્તે છે. આ ફેરફારોને કારણે નરસિંહ અને પ્રેમાનંદના સુદામાનું રહસ્ય ઘણુંબધું બદલાઈ જાય છે. નરસિંહની કૃતિ તે એક ભક્તની અને પ્રેમાનંદની તે એક કલાકારની એવી છાપ ટકી રહે છે.
આ જ રીતે, સુદામાપત્નીમાં નરસિંહે મૂકેલી રેખાઓને પ્રેમાનંદે વિકસાવી છે અને એક વ્યવહાર-બુદ્ધિવાળી કર્તવ્યપરાયણ સ્ત્રીનું ચિત્ર ખડું કર્યું છે. પણ અહીં કંઈ પાત્રનું રહસ્ય બદલાતું હોવાનું કહી શકાશે નહિ.
બીજા ઘણાબધા અંશોમાં નરસિંહ ‘ભાગવત’ને અનુસરે છે, જ્યારે પ્રેમાનંદ સ્વકીયતા દર્શાવે છે. એની નોંધ આપણે આગળ લીધી છે એટલે અહીં પુનરાવર્તન નહિ કરીએ.
[સુદામાચરિત્ર, ૧૯૬૭ અને ૧૯૭૫માંથી સંકલિત]