અનુક્રમ/અખાનો ભક્તિવિચાર
‘અખાના છપ્પા’ને આધારે
ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ એક ત્રણ નામવિભાગ – અખો
અખો આપણો – કદાચ એકનો એક – તત્ત્વજ્ઞાની કવિ છે. તત્ત્વજ્ઞાન વિના બીજું બધું એને કાચકાંચકા વડે રમવા જેવું તુચ્છ અને નિરર્થક લાગે છે. પણ અખાને મન તત્ત્વજ્ઞાન તે બૌદ્ધિક તર્કજાલ, ઘટપટની શુષ્ક ચર્ચા, ‘તત્ત્વનું ટૂંપણું’ નથી; શુષ્ક જ્ઞાનને તો એ વ્યંડળમૂછ સાથે સરખાવી એની હાંસી ઉડાવે છે અને જૂજવા મતામાં ખતા ખાતા ખટદર્શનોના ઝઘડાને એ અંધારા કૂવાની ઉપમા આપે છે. તત્ત્વજ્ઞાનનો અખાનો અર્થ તો છે તત્ત્વને જાણવું તે અને તત્ત્વ એટલે સૃષ્ટિનું અધિષ્ઠાનભૂત તત્ત્વ – ચૈતન્ય, આત્મા, ઈશ્વર, જે કહો તે. આ તત્ત્વને અખો કંઈ તર્કગમ્ય કે બુદ્ધિગમ્ય માનતો નથી, પણ અનુભવગમ્ય માને છે. તત્ત્વને જાણવાની ક્રિયા બને છે ઉર-અંતરમાં, મગજમાં નહિ. તો પછી અખો જ્ઞાની કવિ હોય તો તે એટલા માટે નહિ કે એ જ્ઞાનને ઈશ્વરપ્રાપ્તિનું સાધન ગણે છે, પણ એટલા માટે કે એના અધ્યાત્મસાધનામાર્ગમાં ‘જાણવું’ એક મહત્ત્વની પ્રક્રિયા છે, કદાચ અંતિમ લક્ષ્ય છે. અખાને જ્યારે આપણે તત્ત્વજ્ઞાની કવિ કહીએ ત્યારે આ વાત ખાસ લક્ષમાં રાખવી જોઈએ.
આનો અર્થ એવો તો હરગિજ નથી કે અખાને પોતાનો કોઈ તત્ત્વસિદ્ધાંત નથી, માત્ર તત્ત્વસિદ્ધાંતથી કે તત્ત્વચર્ચાથી તત્ત્વ‘જ્ઞાન’ નથી થતું એટલું જ અભિપ્રેત છે. અખાનો તત્ત્વસિદ્ધાંત ‘જાણવા’ની પ્રક્રિયાને અધ્યાત્મસાધનામાં એ જે મહત્ત્વ આપે છે તેમાંથી ઊભો થાય છે, અને અખાની એક વિચારક તરીકે કોઈ વિશિષ્ટતા હોય તો તે એ છે કે આ તત્ત્વસિદ્ધાંતને અનુરૂપ રીતે સમગ્ર જીવનના સર્વ આચારવિચારોને એ તપાસે છે, એની ઇષ્ટાનિષ્ટતા પ્રગટ કરે છે. જીવન પ્રત્યેના આ અભિગમને કારણે પણ અખાને જ્ઞાની કવિ કહી શકાય.
અખાને જ્ઞાની કવિ કહ્યો, અધ્યાત્મસાધનામાં એ ‘જાણવું’ની પ્રક્રિયાને મહત્ત્વનું સ્થાન આપે છે એમ કહ્યું, એટલે ભક્તિમાર્ગનો એ છેદ તો નથી ઉડાડતોને – એવી શંકા તુરત થાય, જ્ઞાન અને ભક્તિનો આવો વિરોધ આપણા મનમાં આપણે ઘણી વાર કલ્પી લઈએ છીએ. અખાને વિષે તો આવી શંકા થવાનું ખાસ કારણ રહે છે; કેમ કે બે સૈકાની ભક્તિસંપ્રદાયની બોલબાલાને અંતે એ ‘પરસાદ ટાણે પત્રાવળાં ભરે’ ‘તિલક કરતાં ત્રેપન વહ્યા’ ‘તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ’ ‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ ‘કીર્તન ગાઈને તોડે તોર’ એવી ભક્તિના પ્રચલિત આચારો વિરોધી તીખી પ્રકોપમય વાણી ઉચ્ચારતો આવે છે; વળી પોતે વૈષ્ણવસંપ્રદાયનો અનુભવ લીધા પછી એનાથી સંતોષ ન થતાં કૈવલ્યમત તરફ ઢળ્યો છે. આ ઘટનાસંયોગ અખાને ભક્તિવિરોધી બતાવવા પૂરતો છે.
પણ તત્ત્વસિદ્ધાંતવાળો કવિ કેવળ આવી અભાવાત્મક વાત કરીને અટકી જાય તો એ ઘણું વિચિત્ર કહેવાય. સદ્ભાગ્યે અખો એવું કરતો નથી. એનો ભક્તિવિચાર અભાવાત્મક નથી, ભાવાત્મક છે અને એનું સૂક્ષ્મ, તર્કશુદ્ધ, સોદાહરણ નિરૂપણ એણે કરેલું છે. એના ભક્તિવિચારનાં ભિન્નભિન્ન પાસાં વિલોકવાં જેવાં છે. એમાં સૌથી આગળ પડતું પાસું, અલબત્ત, પ્રચલિત વૈષ્ણવી સગુણભક્તિની એ નિરર્થકતા સ્થાપિત કરે છે એ જ છે. પણ આ કામ એ તર્ક પુરઃસર કરે છે. એ પૂછે છે કે આ નવધાભક્તિ આદરવાનો હેતુ શો છે? એ જ કે જીવ “ભક્તિરસે કર્મરસ વીસરે”, એની “ઈશ્વર સાથે રતિ બંધાય તો કાંઈ સૂરત ચૈતન્યમય થાય.” પણ ખરેખર નવધાભક્તિ આદરતાં બને છે શું? “ત્યાં સગુણભક્તિ ગાયો સાકાર, અખા મંડાણો મોહવ્યાપાર.” એ સગુણભક્તિ ભક્તિને બદલે. “વંદે ચરણ ને નિંદે પિંડ” એવા પાખંડનું કે “કરમાં માળા, મુખ કહે હરિ, મન વેપાર કે નારી ખરી” એવા દંભનું રૂપ લે છે અને કોઈ વોળાવા તરીકે કે વેઠમાં ન પકડી જાય એટલા માટે ટીલાંટપકાં કરી ભક્ત થઈ બેસી જવાનું લોકો પસંદ કરે છે. “પંડ પખાળે પૂજે પાણ’ એ અખાની દૃષ્ટિએ જડભક્તિ છે, કેમ કે “રામ નોહે પાણીપાહાણ.” સગુણ-ભક્તિની આ મર્યાદાઓ અને એનાં આ ભયસ્થાનોને કારણે અખો એને ‘મોતીઘૂઘરી’ કહે છે, જે મનમોહન દીસે ખરી, પણ એનાથી “અંતરતાપ ક્ષુધા નવ શમે”, ઊલટાના મનોરથો ચિત્તને વધારે દમે છે.
સગુણભક્તિમાં અખાને તત્ત્વદૃષ્ટિએ બેત્રણ મુશ્કેલીઓ દેખાય છે. એક તો એ કે જે પ્રાપ્તવ્ય છે વસ્તુ – આત્મતત્ત્વ – બ્રહ્મ, તેમાં “કૃત્ય જ નથી,” તો પછી આ બધા બાહ્યાચારોનો શો અર્થ? બીજું, જો સકળ સામગ્રી હરિની છે એવી પ્રતીતિ થાય તો જીવ ભક્તિ કરે શાના વડે? હરિની સામગ્રીથી જ હરિને સજવાથી ભક્તને શું મળે? ત્રીજું, જે પ્રાપ્તવ્ય છે તે વસ્તુ જો અલ્પપ્રયત્નથી જ હાથ આવતી હોય તો આ બધો નવધાભક્તિનો વૈષ્ણવી સાજ ખડો કરવાની શી જરૂર? અને એ વસ્તુ કંઈ શોધવા જવી પડે તેમ નથી, એ પાસે જ છે, એને માત્ર ઓળખવાની છે – જાણવાની છે. એટલું આપણે ન કરી શકીએ – “કને કિરતાર ન જાણ્યો જડે” – અને તપતીરથદર્શન કરવા ઊપડીએ તો એ તો “વઢે ઢીંકે ને કટારી કડ્યે” એવો ઘાટ થયો.
તો પછી, હરિને ઓળખવો એ પહેલી વાત છે, એની ભક્તિ કરવી એ પછીની. અખાની વિચારણા ખંડનાત્મક રૂપ છોડી મંડનાત્મક રૂપ કેવું પકડતી જાય છે તે અહીં દેખાય છે. એ ભક્તિને સ્થાનભ્રષ્ટ કરતો નથી, એનું ઔચિત્ય સમજાવે છે. એ ભક્તિને નિરર્થક ગણે છે, પણ જ્ઞાન વિનાની ભક્તિને. જ્ઞાન વગરની ભક્તિ એટલે પરંપરાગત અંધભક્તિ; એક શ્વાન ભસતાં બધાં ભસી ઊઠે, એમ લારોલાર શોર ચાલે એના જેવી એ વાત. ભગવાન તો મળે “હું તે કોણ, હરિ શી વસ્ત” એમ જાણીને ભજીએ તો, નહિ તો વરવિહોણી જાન જેવી દશા થાય. આ જ્ઞાન વિનાની ભક્તિ અખાના પ્રહારોનું નિશાન વારંવાર બને છે. એ કહે છે કે “ભક્ત તો જો પ્રીછી ભજે, નહિ તો ફોતરાં ફાકે ને તાંદુલ તજે.” દૃષ્ટાંત આપે છે કે સૂડો વણસમજ્યે નિત્ય રામનામ કહે છે, પણ એ તો ઊલટો કંઠપંજરમાં રહે છે; એવી ભક્તિની નિઃસારતા-નીરસતા સમજાવે છે કે હરિને જાણ્યા વિના હરિની ભક્તિ કરવી એ તો વણચાવ્યું બીડું ભખવા જેવું છે, જેનાથી “સ્વાદ ન આવે, રંગ ન થાય.” અખો સ્વાદ-રંગનો પણ રસિયો છે એ નોંધવા જેવી વાત છે, સ્વાદ-રંગ નિપજાવવાની એની દૃષ્ટિ અનોખી છે એટલું જ.
જ્ઞાન અને ભક્તિને પૂર્વોત્તર સ્થાન આપવાથીયે અખો આગળ જાય છે. એ કહે છે કે સર્વાવાસ હરિને જાણવા, “જ્યાં સૂચિ-અગ્ર રહેવા નહિ ઠામ, એમ ભરી પૂરી રહ્યો છે રામ” એની પ્રતીતિ થવી એ જ તો ભક્તિનું પ્રયોજન છે. એટલે “જે નર દેખે સઘળે હરિ, પૂરણ ભક્તિ તાં તેણે કરી.” આમ, જ્ઞાન અને ભક્તિ સાથેસાથે જ ચાલે છે... અખો અહીં એક મજાનો વિચાર આપે છે – “વિશ્વ ભજતાં વસ્તુ ભજાય” – અને એ વિચારના ધોરણે કહેવાતા ભક્તોના આચરણમાં દેખાતો વિરોધ પ્રગટ કરી આપે છે. સર્વાવાસ હરિને ઓળખ્યા વગર ભક્તિ કરનારાઓને અખો કહે છે કે તમે બીજાને દુભવો છો ત્યારે ખબર નથી હોતી કે ત્યાંયે હરિ રહેલો છે, એટલે ખરેખર તો તમે જેને વંદો છો તેની જ તમે નિંદા કરી રહ્યા હો છો; માછલાંને માછીમાર દાન દે છે અને દુઃખ પણ દે છે એમ તમે પણ ભગવાનને વંદો છો અને એને જ દુભવો છો... પણ જ્ઞાન અને ભક્તિ સાથેસાથે ચાલે છે એમ કહેવા કરતાં જ્ઞાન એ જ ભક્તિ છે – “સદ્વિચાર તે સાચી ભક્તિ” એમ કહેવાનું અખો વધારે પસંદ કરે છે. એક્યાશી પ્રકારની ભક્તિ પૂરી થયા પછીનો આ બ્યાશીમો ભક્તિપ્રકાર છે. ત્યાં જેની બુદ્ધિ પહોંચે છે તે ભક્ત જ્ઞાની કહેવાય છે, એને પછી “નવની કાસળ નવ રહે રજે.” એટલે કે “વિચારે ભક્તિ થાયે વણકરી.” વિચારમાં – જ્ઞાનમાં અનુસ્યૂત રહેલી ભક્તિ તે જ અખાને સ્વીકાર્ય ભક્તિસ્વરૂપ છે. અખાની તત્ત્વદૃષ્ટિ જ્ઞાન અને ભક્તિનો – અને વૈરાગ્યનો પણ – સમન્વય સાધે છે, અને બુદ્ધિપૂર્વક એને સિદ્ધ કરે છે :
ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ એક ત્રણ નામવિભાગ,
જગ્તભાવ રદેથી ગયો, ત્યારે ત્યાં વૈરાગ જ થયો,
જ્યાં જુઓ હરિ દૃષ્ટ પડે, ત્યારે ભક્તિ સરાડે ચડે,
દ્વૈતભાન અખા જ્યારે ગયું, એ ત્રણ પ્રકારે જ્ઞાન જ થયું.
જગતભાવને હૃદયથી દૂર કરવો એનું નામ વૈરાગ્ય, અને જગતભાવ હૃદયથી દૂર ત્યારે થાય, જ્યારે દૃષ્ટિ સર્વત્ર હરિને જોતી થાય. હરિને સર્વત્ર જોવા એનું નામ જ ભક્તિ, એટલે વૈરાગ્ય અને ભક્તિ તો એકરૂપ સિદ્ધ થયાં. હરિને સર્વત્ર જોવા એટલે પોતાનામાં પણ જોવા; પોતાની અને હરિની આ અભિન્નતા સિદ્ધ થાય, દ્વૈતભાવ ઓગળે એ જ્ઞાન, અને એ ભક્તિનું જ બીજું રૂપ થયું. આમ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણે એક પદાર્થનાં ત્રણ નામો હોય એમ લાગે છે.
ધ્યેય-ધ્યાતાનો ભેદ ઓગળી જતાં, “હું હરિમાં, મુજમાં હરિ” એવો પરસ્પર અભેદ રચાતાં, “હવે રહ્યો તે હું કે હરિ” એમ એક તત્ત્વની સ્થાપના થતાં નામરટણની આવશ્યકતા રહેતી નથી, કારણ કે –
હરિમાં રહે તે શું ગુણ ગાય?
કુંવારી વરનું લે નામ, પણ સદા સોહાગણુ સંગે સ્વામ,
પોતે પોતાને કરે સાદ, એ તો અખા ઘેલાનો વાદ.
વળી, “દ્વૈત નહિ ત્યાં રીત જ કશી?” એટલે જ્ઞાની ભક્તને ભક્તિની કોઈ ‘રીત’ની આવશ્યકતા રહેતી નથી. આ જ્ઞાની ભક્તને અખો સૌથી ઊંચે આસને બેસાડે છે અને એને માટે ગીતાનો આધાર પણ ટાંકી બતાવે છે :
ગીતાને અધ્યાય સાતમે ભક્ત ચાર કહ્યા તે સમે
તેમાં ત્રણતણો હરિ કહે હું ભૂપ, પણ જ્ઞાતા તે મારું નિજરૂપ.
અખાના ભક્તિવિચારનો અહીં જાણે છેડો આવ્યો હોય એવું આપણને લાગે છે, પણ અખો અહીં અટકી નથી જતો. એ પાછું વળીને જુએ છે અને આ તત્ત્વદૃષ્ટિના સંદર્ભમાં સગુણભક્તિનો કંઈ ફેરવિચાર થઈ શકે તેમ હોય તો તે કરવા પ્રયત્ન કરે છે. અખાની મુક્ત ઉદાર દૃષ્ટિનું આ એક અત્યંત લાક્ષણિક ઉદાહરણ છે. એ જુએ છે કે જેણે નિર્ગુણ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે એ પછી સગુણભક્તિ કરે તો એથી કંઈ હરકત નથી, કદાચ થોડો લાભ થાય, ભક્તિના ‘સ્વાદ-રંગ’ થોડા વધે :
નિર્ગુણ લીમડો જો રોગ નિર્ગમે, તો સગુણ ભોજન સુખે જમે,
નિર્ગુણ થઈને સગુણમાં ભળે, તો અખા જેમ દૂધમાં સાકર ભળે.
આ મુક્ત ઉદાર દૃષ્ટિને કારણે જ અખો ભક્તિ અને જ્ઞાનનો કોઈ વિરોધ માન્ય કરતો નથી, અને એવા વિરોધના અવસરે તટસ્થ રહે છે. “કો’ ભક્ત થઈને નિંદે જ્ઞાન, કો’ ભક્તિ નિંદી આણે અભિમાન” ત્યારે, અખો કહે છે કે, એ “નિષ્કારણ વેર” છે, એ “ભક્તિ જ્ઞાન નોહે”, એ ખેદ છે.
અહીં શ્રી નરસિંહરાવ દિવેટિયાનો એક અભિપ્રાય વિચારવો જરૂરી લાગે છે. તેઓ એમ કહે છે કે અખાનો “ભક્તિવિચાર એક બાજુથી દ્વૈતવાદ તરફ ઢળે છે અને છતાં એને પૂરેપૂરો મળતો નથી; વળી બીજી બાજુથી એ ભક્તિનું અદ્વૈત દૃષ્ટિએ અર્થઘટન કરે છે, છતાં એક રીતે જોતાં એનો સંકોચ અનુભવે છે.”[1] અખો ભક્તિનું અદ્વૈતદૃષ્ટિએ અર્થઘટન કરે છે એ તો આપણે ઉપર જોયું, પણ એ અદ્વૈતભક્તિનો સંકોચ અનુભવતો હોય એવું ક્યાંયે લાગતું નથી. હા, એ નિર્ગુણ થઈને સગુણમાં જવાની છૂટ આપે છે. એ પરિણામને એ દૂધમાં સાકર ભળ્યા જેવો સુયોગ ગણાવે છે ત્યાં કોઈને આવી આશંકા થાય. પણ અખાના તત્ત્વવિચારની દૃષ્ટિએ એ નોંધવું અગત્યનું ગણાય કે એને મતે નિર્ગુણ થઈને સગુણમાં જવું અનિવાર્ય નથી. પુષ્ટિકારક તો દૂધ જ છે, એમાં મીઠાશ પણ છે, સાકર નાખવાથી થોડી મીઠાશ વધે છે એટલું જ. આને અદ્વૈતભક્તિના સિદ્ધાંતની પીછેહઠ ગણવા કરતાં અખાના મતાગ્રહીપણાના અભાવરૂપે જોવું વધારે ઉચિત છે.
અખાનો ભક્તિવિચાર ક્યાંયે દ્વૈતવાદ તરફ ઢળે છે? હા, અખો હરિને ભજવામાં હેતપ્રીત જોઈએ, આરત જોઈએ એમ કહે છે ખરો અને એક ઠેકાણે તો એ જ્ઞાનીને ગોપીની સાથે સરખાવે છે :
તે જ જ્ઞાની જેને ગોપીની દશા,
ગોપી ભૂલી ઘર ને બાર, ગોપી ભૂલી કુટુંબપરિવાર,
પોતાનો દેહ પણ ભૂલી ગઈ, અખા કામની કુળવંત થઈ.
વૈષ્ણવી ભક્તિના સંસ્કારો અખાની કવિતામાં અહીં જાગ્રત થતા હોય એવું લાગે છે, પણ માત્ર સંસ્કારો જ; અને એનો પણ ઉપયોગ અખાએ કોઈક અંશનું સામ્ય સ્ફુટ કરવા ઉપમાન લેખે કર્યો છે એ દેખાઈ આવે છે. જ્ઞાન અને ભક્તિનો સમન્વય કર્યો એટલે ભક્તિમાં હૃદયના ગુણોની આવશ્યકતા ન રહી એવું અખાનું માનવું જણાતું નથી. આરત વિના અભેદજ્ઞાન પણ ન થઈ શકે. ગોપીના ઉપમાનનો તો એટલો જ અર્થ થાય કે ઈશ્વર સાથે અભેદ સાધવા માટે દેહભાવ, જગતભાવ તો ત્યજવો જ જોઈએ. અખાની અદ્વૈતભક્તિના સિદ્ધાંતમાં આ નિરૂપણો કંઈ બાધક નથી.
‘છપ્પા’માં આડેઅવળે વીખરાયેલો અખાનો આ ભક્તિવિચાર છે. એને સંકલિત કરીને જોતાં એ એક સ્વચ્છ, સુસંગત અને છતાં જડતાથી મુક્ત સિદ્ધાંતરૂપે દેખાય છે, અને અખાને એક વિચારક કવિનું ગૌરવ આપે છે.
[બુદ્ધિપ્રકાશ, ડિસેમ્બર, ૧૯૬૩
- ↑ ‘ગુજરાતી લૅંગ્વેજ એન્ડ લિટરેચર’ (ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો), ૧૯૩૨, પૃ. ૧૦૯